ઝેરી સાપના દંશથી થતી અસરો, વીષની ઘાતકતા અને દરદીનું મૃત્યુ થવાના કારણોની જાણકારી પ્રસ્તુત છે…
(તસવીર સૌજન્ય : હીતેન્દ્ર ગોહીલ)
26
સાપદંશથી મૃત્યુ થવાના કારણો
–અજય દેસાઈ
આપણે આગળ જોયું તેમ, એકમાત્ર ઓસ્ટ્રેલીયાના અપવાદ સીવાય સમગ્ર પૃથ્વી ઉપર જ્યાં જ્યાં સાપ છે ત્યાં બીનઝેરી સાપની સંખ્યા વધુ છે. તેથી જ સાપદંશના મોટાભાગના કીસ્સા બીનઝેરી સાપના હોય છે. દુનીયાભરમાં દર વર્ષે 5,00,000 જેટલા સાપદંશના કીસ્સા નોંધાય છે. આ પૈકી 1,25,000 જેટલાં દરદીઓ મૃત્યુ પામે છે. ભારતમાં અંદાજે 1,50,000 જેટલા કીસ્સા નોંધાય છે, આ પૈકી 25,000 જેટલા દરદીઓ મૃત્યુ પામે છે. મોટાભાગનાં મૃત્યુ વીકાસશીલ અને અલ્પવીકસીત દેશોમાં થાય છે. આવું થવાનું કારણ અપુરતું જ્ઞાન અને અપુરતી સારવારની સુવીધાઓ છે. વધુમાં આવા દેશોમાં થતાં ઝેરી સાપ વધુ ઘાતક વીષ ધરાવતાં હોય છે. આપણે અહીં જે ઉપર વાત કરી તે નોંધાયેલા કેસની વાત છે, નહીં નોંધાયેલા કેસ પણ અનેક હોય છે અને મૃત્યુ પણ અનેક હોય છે.
સાપદંશ થકી મૃત્યુ (ophitoxomia) થવાનાં મુખ્ય કારણોમાં, મોડી તથા અપુરતી સારવાર છે. જો દરદીને સમયસર દવાખાનામાં લાવવામાં આવે અને તાત્કાલીક સારવાર મળી જાય તો દરદી બચી જ જતાં હોય છે. વીષમાં જે ઘાતક પ્રોટીન રહેલું હોય છે, તેની અસરો થતી હોય છે. અને તેને નાબુદ કરવા પુરતાં પ્રયત્નો થતાં નથી ત્યારે આવી અસરો થકી દરદીનું મૃત્યુ થાય છે. આપણે ત્યાં જે ચાર પ્રકારના ઝેરી સાપ (નાગ, કાળોતરો, ખડચીતળ અને ફુરસા) છે તેના દંશની અને તે થકી થતી અસરોને કારણે થતાં મૃત્યુની માહીતી અત્રે આપી છે; પરન્તુ બધા જ કીસ્સામાં બધી અસરો થતી નથી હોતી.
નાગદંશથી થતાં મૃત્યુના કારણો :
સાપદંશ થકી થતાં મૃત્યુના મોટાભાગના કીસ્સાઓમાં નાગના દંશ કારણભુત છે. જો કે નાગદંશ થકી થતાં 100 દંશમાંથી 30 દંશ ગમ્ભીર નથી હોતાં, તેની અસરો ઘાતક નથી હોતી. આ સાપનો દંશ મુખ્યત્વે પગના નીચેના ભાગમાં વધુ લાગે છે.
- દંશ થતાંની સાથે દુખાવો શરુ થાય છે. અસહ્ય બળતરા થાય છે. દંશની જગ્યાએ લાલ ચકામા ઉપસી આવે છે.
- દંશ લાગ્યાના બે કલાકમાં સાંધાઓનો તીવ્ર દુખાવો થાય છે.
- આંખોના પોપચાં ઢળી પળે છે, ખુલ્લાં રહેતાં નથી.
- ઉંઘ આવે છે, મગજ કાબુમાં રહેતું નથી, બોલી શકાતું નથી, પગ લથડાય છે.
- વીષ ફેલાતું જાય, તેટલો ભાગ ભુરો થતો જાય છે.
- ક્યારેક ઉલટી થાય છે.
- ધબકારા વધી જાય છે.
- શ્વાસોચ્છવાસ ધીમા પડતા જાય છે.
- લકવાની અસરો વર્તાય છે.
- ચેતા તંતુઓ તથા સ્નાયુઓને લકવો લાગી જવાથી શરીરનાં છેડાનાં ભાગોનું લોહીનું પરીભ્રમણ બંધ પડી જાય છે.
- શ્વાસોચ્છવાસ અટકી જાય છે.
- હૃદય બંધ પડે છે, કીડનીમાં પણ નુકસાન થાય છે.
- દરદી મૃત્યુ પામે છે.
કાળોતરાના દંશથી થતાં મૃત્યુનાં કારણો :
આ સાપ નીશાચર છે, તેના દંશ મોટાભાગે રાત્રીના થાય છે. વ્યક્તી સુતો હોય અને ગાફેલ હોય ત્યારે દંશ થાય છે. વળી, આના દંશની અસરો તરત જ વર્તાતી ન હોવાથી દરદી વધુ ગફલતમાં રહે છે. જ્યારે ચીન્હો એક સાથે શરુ થાય છે, ત્યારે ખાસ્સું મોડું થઈ ચુક્યું હોય છે. તેનાં દંશના ચીન્હો નાગના દંશના ચીન્હોને મળતાં આવે છે. જો કે નાગના વીષ કરતાં કાળોતરાના વીષની ઘાતકતા 4થી પ ગણી વધુ છે, શીયાળામાં થતાં દંશમાં મોટા ભાગના દંશ કાળોતરાના હોય છે.
- દંશ લાગ્યાના કેટલાંક સમય બાદ દુખાવો શરુ થાય છે.
- દરદીને ઉંઘ આવે, મગજ કાબુમાં ન રહે, લવારી કરે.
- ઉલટી થાય છે.
- નબળાઈ આવી જાય છે.
- શરીરમાં તીવ્ર દુખાવો થાય છે.
- પેઢુમાં ખુબ દુ:ખે છે.
- ધબકારા વધી જાય છે.
- શ્વાસોચ્છવાસ ધીમે ધીમે બંધ પડી જાય છે. હૃદય બંધ પડી જાય છે.
- બ્લડ પ્રેશર જો કે છેલ્લી ઘડી સુધી સામાન્ય રહે છે.
- દરદી મૃત્યુ પામે છે.
ખડચીતળના દંશથી થતાં મૃત્યુના કારણો :
આ સાપ સ્વભાવે આક્રમક છે. તેનાં ઉપર ભુલમાં પણ પગ મુકાઈ જાય, તેને છંછેડો, કે તમે તેના પહોંચ ક્ષેત્રમાં હોય તો જરુર દંશે છે. તેના દંશ વહેલી સવારમાં કે મોડી સાંજના લાગે છે. ઉનાળા અને ચોમાસામાં મહત્તમ કીસ્સા બને છે. આ સાપના દંશમાં સ્થાનીક ચીન્હો ખુબ જ સ્પષ્ટ હોય છે. જો કે તેનો આધાર સાપનું વીષ કેટલી માત્રામાં શરીરમાં પ્રવેશે છે તેના ઉપર છે.
- દંશ લાગ્યાની સાથે જ દંશની જગ્યાએ તથા આસપાસ સોજો આવે છે, ધીમે ધીમે સોજો વધતો જાય છે.
- દંશની જગ્યાએ લોહી વહે છે.
- દુખાવો શરુ થાય છે.
- દંશવાળો ભાગ ફીક્કો પડી જાય છે.
- વીષ દંશતા દાંત મોટા હોય, ઘા ઉંડો પડે છે, તેથી સ્થાનીય નુકસાન વધુ થાય છે. દંશ પાકે છે, ક્યારેક ધનુર પણ થાય છે.
- દુખાવો વધતો જાય છે.
- શરીરના બધાં છીદ્રોમાંથી લોહી વહે છે. દા.ત.; નાક, કાન, મોં, પેશાબમાર્ગ, ગુદામાર્ગ, ચામડીના છીદ્રો વગેરે.
- લોહી વહી જવાથી ખુબ અશક્તી આવી જાય છે.
- કીડની કામ કરતી બંધ થઈ જાય છે.
- દરદી મૃત્યુ પામે છે.
ફુરસાના દંશથી મૃત્યુના કારણો :
બધા ઝેરી સાપોમાં સહુથી નાનો આ સાપ, સ્વભાવે સહુથી આક્રમક છે. તેની નજીકથી પસાર થઈએ અને પહોંચ ક્ષેત્રમાં હોઈએ, તો તરત જ હુમલો કરે છે. હુમલો કરતાં અગાઉ ગુંચળું વળી જાય છે; પછી ત્રાટકીને દંશે છે. તેનો રંગ જમીનને મળતો આવતો હોવાથી તે તરત નજરે પડતો પણ નથી.
- દંશ લાગતા સ્થાનીક સોજો શરુ થાય છે, ધીમે ધીમે દંશવાળા આખા અંગ ઉપર સોજો છવાઈ જાય છે.
- દંશમાંથી લોહી વહેવાનું શરુ થાય છે.
- દુખાવો શરુ થાય છે.
- દંશ અને સોજાની જગ્યાએ લાલ ચકમાં જોવાય છે.
- પેઢામાંથી લોહી વહે છે.
- બધા છીદ્રોમાંથી લોહી વહે છે. આંતરીક રક્તસ્ત્રાવ થાય છે.
- ખુબ લોહી વહી જવાથી લોહીનું પરીભ્રમણ અટકી જાય છે. ખુબ જ અશક્તી આવી જાય છે.
- દંશવાળા ભાગમાં સડો લાગે છે.
- ખુબ નબળાઈ થકી, શરીરના અંગો કામ નથી કરી શકતાં.
- ધનુર ફેલાઈ જાય છે.
- દરદી મૃત્યુ પામે છે.
આ સાપના દંશ થકી દરદી તરત મૃત્યુ નથી પામતો, દંશના કેટલાક દીવસ પછી પણ ક્યારેક મૃત્યુ પામતો હોય છે.
અહીં નીચે દર્શાવેલાં કોષ્ટકમાં ગુજરાતમાં સાપ થકી થતાં મૃત્યુ માટે જવાબદાર એવા મુખ્ય ચાર પ્રકારના ઝેરી સાપની પુખ્તવયની લમ્બાઈ તથા તે ઉમ્મરે તેઓની વીષગ્રંથીમાં રહેલો વીષનો કુલ જથ્થો અને આ પૈકી મનુષ્ય માટે કેટલું વીષ ઘાતક છે અને આ વીષ દંશાયા પછી ઉપચાર વગર દરદી કેટલીવારમાં મૃત્યુ પામે તે દર્શાવ્યું છે.
ઉપર દર્શાવેલ માહીતી સામાન્ય સંજોગો માટે યોગ્ય છે; પરન્તુ જો સાપ, શરીરના ઉપરના ભાગમાં દંશ્યો હોય અને પુરતી માત્રામાં વીષ શરીરમાં પ્રવેશ્યું હોય તો અસામાન્ય સંજોગો કહી શકાય. આવા સંજોગોમાં દરદીનું મૃત્યુ ઝડપથી થાય છે. વળી, વીષનો જથ્થો પણ ઋતુ અનુસાર વધતો ઘટતો હોય છે. મૃત્યુનો સમય દરદીની પ્રતીકારક શક્તી, દરદીની ઉમ્મર વગેરે પર પણ આધાર રાખે છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃન્દાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
ખૂબ સ રસ માહિતી
‘મોટાભાગનાં મૃત્યુ વીકાસશીલ અને અલ્પવીકસીત દેશોમાં થાય છે.
આવું થવાનું કારણ અપુરતું જ્ઞાન અને અપુરતી સારવારની સુવીધાઓ છે. ‘વાતે આવી અભ્યાસપુર્ણ માહિતીનો ખૂબ પ્રચાર થવો જોઇએ.
LikeLiked by 1 person
અજયભાઇઅે ખૂબ ઊંડી વિગતો સાથે સર્પદંશ અને ઝેરી સાપના દંશ પછીની વિગતો સરસ સમજાવી છે.
ખૂબ આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Very learned article useful .
LikeLiked by 1 person
Good.
LikeLiked by 1 person
ઝેરી સાપની વસ્તીવાળા લોકોને ખુબ જ ઉપયોગી અને ખાસ જાણવી જ જોઈએ એવી વીસ્તૃત માહીતી અજયભાઈએ આપી છે. રસપુર્વક એમના લેખો વાંચ્યા. જો કે મેં આ પહેલાં જણાવેલું તેમ ન્યુઝીલેન્ડમાં કોઈ પણ પ્રકારના સાપ નથી. આ માહીતી પુરી પાડવા માટે ગોવીન્દભાઈ અને અજયભાઈનો હાર્દીક આભાર.
LikeLiked by 2 people