પુનર્જન્મ ન વીદ્યતે

વીભાગ : 03 પુરાણા ખ્યાલો :                                     

પુર્વજન્મ, જન્મ અને પુનર્જન્મ વીશે આપનો શો ખ્યાલ છે? કર્મની ગતી અને કર્મનાં ફળ અંગે તમારો દૃષ્ટીકોણ કેવો છે? આ હૃદયહીન સમાજમાં માણસ અને માણસાઈનું મુલ્ય કેટલું અને કેવું? આ અને આ ઉપરાંત અન્ય અનેક શંકાઓ જે પરત્વે ઉદ્ભવે, એ માન્યતા સત્ય સમ્ભવે?

પુનર્જન્મ ન વીદ્યતે

–રમણ પાઠક (વાચસ્પતી)

એક નીપુણ તબીબ, ઉપરાંત અભ્યાસુ કવી એવા સાહીત્યપ્રેમી સજાગ ડૉ. મો.એ મને નીચેના પ્રશ્નો મોકલી આપ્યા : તબીબમીત્રનું નામ નથી આપતો; કારણ કે અત્રે થોડાં કડવાં સત્ય ઉત્તરમાં ઉચ્ચારવા પડશે. સત્ય બોલવું, સુણવું તો દુષ્કર છે જ, વધુમાં તે સમજવું વળી અતી દુષ્કર છે. ‘સત્યમેવ જયતે’નાં ગીત જીવનભર ગાનાર મહાનુભવો હકીકતે તો સત્ય શબ્દનો ખરો અર્થ જ નહીં સમજેલા એય કેવું દુ:ખદ સત્ય છે! સત્ય શબ્દ ‘અસ્–ભુયતે’ ઉપરથી બનેલો છે; જેનો અર્થ છે જે વાસ્તવીક, નક્કર અસ્તીત્વ ધરાવે છે તે. એ જ અર્થમાં ગીતાએ કહ્યું છે કે, ‘નાભાવો વીદ્યતે સત:!’ જ્યારે આપણા સત્યના પરમ સમારાધક ગણાતા મહાત્માઓએ જીવનભર જે નથી તેની જ આરાધના અર્થાત્ અસત્યની ભક્તી કર્યા કરી. તેઓ એટલું ન સમજ્યા કે, ‘નાસતો વીદ્યતે ભાવ:!’ સાચું બોલવું એટલે સત્ય એવી મર્યાદીત વ્યાખ્યા કરીને તેઓ મહાત્મા બની મહાલ્યા, અને પછી એવા અહંભાવમાં ફસાયા કે, તેઓ બોલ્યા તે જ સત્ય! ડૉક્ટર સાહેબનું નામ આપું તો તેઓને માઠું લાગે એવો તો કોઈ પ્રશ્ન જ નથી એમ મને સમજાય છે; કારણ કે તેઓએ ખુબ વીનમ્ર ભાવે આ પ્રશ્નો મોકલ્યા છે. બાકી સાચો નમ્ર જીજ્ઞાસુ ન હોય તે મારા જેવાને આમ પુછે જ નહીં. મારા જેવા મનુષ્યો તો આ યુગના નવા અછુત. સત્ય હમ્મેશાં સમકાલીન યુગથી યુગો આગળ હોય છે અને એથી જ કહેવાયું છે કે, ‘સત્ય સદાય ફાંસીને માંચડે લટકે છે, જ્યારે જુઠ રાજગાદીએ વીરાજે છે.’ તબીબ મીત્રનું નામ નહીં જાહેર કરવાનું કારણ તો ફક્ત એટલું જ કે, એમને અગાઉથી પુછ્યા વીના એમ ન થાય, એવું નાગરીક શીસ્ત. ખાસ તો વીરુદ્ધમાં સાચો ઉત્તર આપવાનો હોય એવા પ્રસંગે ખુબ વીચાર કરવા યોગ્ય. તો આ છે ડૉક્ટર સાહેબના પ્રશ્નો :

 • પુર્વજન્મ, જન્મ અને પુનર્જન્મ વીશે આપનો શો ખ્યાલ છે?
 • સત્ય આપણને ઘણી વાર મુશ્કેલીમાં પણ મુકી દે છે. પરીણામે ખુબ જ સહન કરવું પડે છે. તમારું શું માનવું છે?
 • કર્મની ગતી ન્યારી છે, કર્મનાં ફળ ભોગવ્યે જ છુટકો એ અંગે તમારો દૃષ્ટીકોણ કેવો છે?
 • આ હૃદયહીન સમાજમાં માણસ અને માણસાઈનું મુલ્ય કેટલું અને કેવું? તમને એવું નથી લાગતું કે માણસ – માણસ વચ્ચેનું અન્તર વધતું જાય છે?
 • ઋણાનુબન્ધ વીષય પરનો તમારો અભીપ્રાય જણાવશો.

પ્રથમ પ્રશ્ન એક નીષ્ણાત તબીબ દ્વારા પુછાયો તેથી અપરમ્પાર આશ્ચર્ય થાય છે. પુનર્જન્મ કોનો થાય? અને એ થાય જ કેવી રીતે? સ્કૉટલૅન્ડમાં હમણાં જે જમ્બો જેટ વીમાન જલીને ભસ્મીભુત થઈ ગયું એનો ક્યાંય પુનર્જન્મ કલ્પી શકો છો? એવું જ એક યન્ત્ર મશીન માત્ર આ શરીર છે. મૃત્યુ એટલે પ્રસ્તુત મશીનનું કોઈ પણ કારણસર ખોટકાઈ જવું – જર્જરીત થવાથી અથવા તો કશાક અકસ્માતથી. એમાં પુનર્જન્મનો પ્રશ્ન જ ક્યાં સમ્ભવે? ડૉક્ટર સાહેબ, આપે તો અનેક દેહોનું ઝીણવટભર્યું વીચ્છેદન કર્યું હશે, ક્યાંય એમાં આત્મા જેવો પદાર્થ જોવા મળ્યો ખરો? એને બદલે એમાં કેવી કુદરતના અન્ધ કાનુનોને સમ્પુર્ણ વશ એવી સુક્ષ્મ યન્ત્રરચના છે?

હાડકાંનું માળખું, માંસના ગાભા, નસોની નળીઓ, આંતરડાની જાડી પાઈપો, મજાગરાં ને સાંધા, સ્ટોરેજ અને ચયાપચય દ્વારા જન્મતી ઉર્જા, એ ઉર્જાનો આવશ્યક એવો વીનીયોગ અને ખોરાક દ્વારા એ માટે ફ્યુએલીંગ અને રીફ્યુએલીંગ – બળતણ, કચરાનું વીસર્જન, પમ્પીંગ અને મંથન– આમ એક યન્ત્ર ચાલ્યા કરે, સ્વયંસંચાલીત. આજે તો વીજ્ઞાન લગભગ આવાં જ યન્ત્રો તૈયાર કરી શકે છે. ફરક હોય તો એટલો જ કે, વૈજ્ઞાનીક, માનવસર્જીત સાધનોને પોતાની સ્વતન્ત્ર ઈચ્છાશક્તી કે વીવેકશક્તી નથી હોતી; જ્યારે પ્રાણીનું શરીરયન્ત્ર સ્વકીય ઈચ્છા વીચારશક્તી ધરાવે છે, અને બીજો ફરક રીપ્રોડક્શન–પ્રજનનો. આ ભેદ સજીવ–નીર્જીવનો છે.

પરન્તુ એવાં યન્ત્રોય રચાશે. એ અદ્યપી નથી રચાયાં એનો અર્થ એવો નથી કે નહીં જ રચાય; છતાં ધારો કે, કદાચ ક્યારેય ના રચાય, તો પણ એથી લૉજીકલી, તર્કબુદ્ધીથી આત્માના સ્વતન્ત્ર અસ્તીત્વને સ્વીકારી લેવું એ ઉતાવળીયો, અજ્ઞાનજનીત તર્કદોષ છે.

ટુંકમાં આ શરીરમાં કોઈ સ્વતન્ત્ર આત્મા નથી; એ ક્યારેય પ્રવેશતો નથી, તેમ મૃત્યુપ્રસંગે એ બહાર નીકળીને ક્યાંય ચાલ્યો જતો નથી. ડૉક્ટરસાહેબ, તમે તો જ્ઞાની છો, એટલે સાચી વાત સમજતા હશો; પરન્તુ સામાન્ય અજ્ઞાનજનો માટે એક વીશ્વવ્યાપી ભ્રામક અફવાનું અત્રે નીરસન કરું; એ જુઠ એવું છે કે : એક મરણોન્મુખ માણસને એરટાઈટ કાચની પેટીમાં પુરી દેવામાં આવ્યો. જેવો તે મરણ પામ્યો કે પેટીની દીવાલ એક જગ્યાએથી તુટી ગઈ, અર્થાત્ આત્મા કાચની દીવાલ તોડીને ચાલ્યો ગયો. આ ઘટના કેવળ ઉપજાવી કાઢેલું જુઠ છે અને એનો સચોટ રદીયો આપણે આપી શકીએ તેમ છે. પણ એક નાનકડી વાત પ્રથમ કરી લઈએ તો, માણસ ગમે તેટલો મરણોન્મુખ હોય તો પણ એને એરટાઈટ પેટીમાં પુરી દઈ શકાય જ નહીં; કારણ કે ઑક્સીજનના અભાવે તે મરણ પામે તો કાયદેસર રીતે ખુનનો ગુનો બને. કોઈ પણ દેશમાં કાયદો આવા પ્રયોગની મંજુરી જ ન આપે.

પરન્તુ એ તો ગૌણ વાત છે. સચોટ રદીયો તો એ કે, આપણે ઘરમાં જ આ પ્રયોગ કરી શકીએ. કોઈ પણ કાચની શીશીમાં કીડી–મંકોડા ભરી, એને એરટાઈટ બન્ધ કરી દઈએ. ચોવીસેક કલાકમાં તો અંદરના બધા જ જીવો મરણ પામશે; પરન્તુ ક્યાંયથી શીશી તુટેલી જણાશે નહીં. જો પ્રાણી માત્રનો આત્મા સરખો જ હોય – અને તે એવો છે એમ કહેવાય છે – તો એક બે ડઝન આત્માઓના જોરથી શીશીના ટુકડેટુકડા થઈ જવા જોઈએ. પછી માણસનો આત્મા જોરાવર હોય અને કીડી–મકોડાનો નબળો હોય તો એ વળી સર્વજ્ઞ કહેવાતા સંતો–મહંતો જાણે! બાકી ખાંડના એરટાઈટ ડબ્બામાં મેં કંઈ કેટલીયે વાર કીડી–મકોડા મરી ગયેલા જોયા છે; ક્યારેય અચાનક આત્માના વછુટતા જોરથી ડબ્બાનું ઢાંકણું ઉછળ્યું હોય એવી રહસ્યમય ઘટના બની જોઈ–જાણી, અનુભવી નથી.

અને આત્મા જો સ્વતન્ત્ર હોય. શરીરથી એનું અસ્તીત્વ ભીન્ન હોય તો એ દેહને આધારે જ બધાં કામ કરી શકે; શરીરની સહાય વીના એક તણખલુંય તોડી ન શકે એવું કેમ? ઉર્જાશક્તી તે શરીરની કે આત્માની? એથીય વધુ ગમ્ભીર વાત તો એ કે કોઈ મહાવીદ્વાન દૈવી શક્તીઓ ધરાવતા કહેવાતા મહાત્માના માથામાં ઈજા થાય ને એમનું મગજ જો કાયમી ખોડગ્રસ્ત બની જાય; તો પુર્વાશ્રમના એ મહાત્મા એક બુદ્ધીહીન, મુર્ખ, લાચાર વ્યક્તી બની રહે. અને આવા બનાવો બન્યા પણ છે. ત્યારે ક્યાં ગયું પેલા આત્માનું સ્વતન્ત્ર અસ્તીત્વ તથા સામર્થ્ય? અરે એથીય વધુ સત્યશોધક પ્રયોગો વીજ્ઞાન આજે કરી શકે તેમ છે. પરમ પવીત્ર, પુણ્યાત્મા કોઈ પુરુષ જે નશાબંધીનો પરમ સમર્થક, અહીંસા તથા બ્રહ્મચર્યનો નીષ્ઠાવાન હઠાગ્રહી પાલક એવો મહાત્મા હોય, એના મગજનું ઑપરેશન કરીને જો બેચાર જ્ઞાનતન્તુઓ કે અમુક ગ્રંથીઓ આમતેમ ઉલટાવી દો, તો બીજા જ દીવસથી એ મહાત્મા શરાબ ઢીંચીને રસ્તા પર લથડીયાં ખાતો ફરવા માંડે, માંસ–મચ્છી ખાય, મારામારી કરે ને મવાલીની જેમ આવતીજતી છોકરીઓની છેડતી કરે અને બળાત્કારેય કરી બેસે. બોલો ત્યારે, ક્યાં ગયો પેલો અન્દરનો મહાન આત્મા? આજે આવા પ્રયોગો શક્ય બન્યા છે; તો આવતી કાલે વીજ્ઞાન દ્વારા એય શક્ય બનશે કે મહાત્મા જન્માવવો કે મવાલી? અર્થાત્ દમ્પતી પોતે ઈચ્છે એ કોટીનું સંતાન જન્માવી શકશે – સંત, સાહીત્યકાર, યોદ્ધો, મોટો લોકસેવક કે મોટો વેપારી, મહાત્મા યા મવાલી વગેરે વગેરે.

ભાઈશ્રી, આજથી આશરે બે હજાર વર્ષ પુર્વે ઋષી ગણાતા ચાર્વાકમુનીનેય આવો જ વીચાર આવેલો. ‘ભસ્મીભુતસ્ય દેહસ્ય પુનરાગમનં કુત:?’ ચાર્વાકમત મુજબ, શરીરથી સ્વતન્ત્ર એવો કોઈ આત્મા નથી અને મૃત્યુ બાદ કશું જ શેષ રહેતું નથી કે એમાંથી કશું છુટું પડતું નથી; પછી પુનર્જન્મનો પ્રશ્ન જ ક્યાં રહ્યો?

એક મહત્ત્વની વાત એ પણ નોંધપાત્ર કે, પ્રત્યેક સમાજમાં આત્મા, એની મરણોત્તર ગતી તથા એના પુનર્જન્મ અંગે ભીન્નભીન્ન માન્યતાઓ પ્રવર્તે છે એમાંની અમુક તો વળી પરસ્પર વીરોધી હોય છે; પછી એ સત્ય કેવી રીતે હોઈ શકે? ટુંકમાં આત્મા–પરમાત્માની હસ્તી એ કેવળ અજ્ઞાન અવસ્થા વખતના માનવની કપોળ કલ્પનાઓ જ છે; જે પછી ધર્મના પ્રભાવે કરીને સંસ્કાર કે કુસંસ્કારરુપે પેઢી દર પેઢીને સદીઓથી વારસામાં મળતી રહી છે અને પછી, જન્મજાત સંસ્કાર વજ્રલેપ નીવડે છે એ ન્યાયે આપણે આજેય એ માન્યતા – પુર્વગ્રહમાં જકડાઈ જઈએ છીએ. અને બાળપણની ગ્રંથીઓ ચીત્તમાંથી નાબુદ કરવી એ અત્યન્ત દુષ્કર કાર્ય છે. નહીં તો ડૉક્ટર કક્ષાની એક વ્યક્તીને પુર્વજન્મ ને પુનર્જન્મનો સાવ નીરાધાર એવો વીચાર સુધ્ધાં આવી શકે ખરો? બાકી તટસ્થ વીવેકબુદ્ધીથી વીચારતાં એ આખીય પ્રક્રીયા કેવી હાસ્યાસ્પદ લાગે કે એક મૃતદેહમાંથી આત્મા નીકળે ને પછી શોધતો શોધતો કોઈક તાજી ગર્ભવતી માદાના યોનીમાર્ગ દ્વારા એના ગર્ભાશયમાં પ્રવેશી જાય ને ત્યાં ગર્ભમાં પોતાનું સ્થાન જમાવી દે? શા માટે ભાઈ? એને કોણ એવો હુકમ ફરમાવે? અને એ બધું નક્કીય કોણ કરે? આવા તર્કને, નીર્દશન દ્વારા આરોપણની પ્રક્રીયા કહેવાય; અર્થાત્ એક ઉદાહરણ શોધી કાઢી, પછી બીજી વ્યવસ્થા ઉપર એનું આરોપણ કરવું. આપણે પ્રકૃતીના અન્ધ, નીર્હેતુક સંચલન ઉપર સહેતુક એવી માનવ–વ્યવસ્થાઓનું આરોપણ કરીએ છીએ. પરીણામે આત્મા–પરમાત્માઓની અસત્ય કલ્પનાઓ આપણે ઉપજાવી કાઢવી પડે છે.

આપણે પુનર્જન્મની કલ્પના ધાર્મીક વારસામાં મેળવી છે; પરન્તુ આપણા પુર્વજ સમાજમાં પણ આત્માના પુનરાગમન બાબતે આસ્તીકોના મત પણ ભીન્નભીન્ન હતા.

ઉદાહરણ તરીકે, એક ખુબ પ્રતીષ્ઠીત ફીલસુફીનો મત એવો પણ છે કે, સમુદ્રમાંથી આપણે એક લોટો પાણી ભરીએ, પછી પાછું તે સમુદ્રમાં જ ઢોળી દઈએ; વળી પાછો બીજો એવો જ એક લોટો એ જ સમુદ્રમાંથી ભરીએ, તોય કદાપી આ બીજા લોટોમાં પેલા પ્રથમ લોટાનું બધું જ પાણી તેનું તે જ, પુન: ભરાઈ આવવાનો કોઈ સમ્ભવ ખરો? નહીં જ. એવું જ આ દેહાત્મા અને વીરાટ ચૈતન્યની બાબતમાં બને છે. દેહ ત્યજી જતો આત્મા આ વીરાટ, સર્વવ્યાપી ચૈતન્યમાં ભળી જાય. વળી એ જ ચૈતન્યનો અમુક અંશ અન્ય દેહમાં પ્રવેશે – એમાં તેના તે જ વ્યક્તીગત આત્માનો પુન:પ્રવેશ અર્થાત્ પુનર્જન્મ શક્ય જ ક્યાંથી? આમ છતાંય આ બધી વાતો, મુળમાં જ કેવી કાલ્પનીક, અર્થહીન ને હાસ્યાસ્પદ લાગે છે કે, આવું બધું – તે હોય? અને શા માટે આવી બધી નીરર્થક કડાકુટ? લોટા–લોટી ભરવાની ને ઢોળવાની?

જો આવી કોઈ વ્યવસ્થીત કે સહેતુક યોજના કલ્પીએ તો નીચેના પ્રશ્નો ઉદ્ભવે :

 • મુળ કેટલી જાતનાં પ્રાણીઓ સર્જનહારે ઉત્પન્ન કર્યાં?
 • દરેક પ્રકારની પછી કેટકેટલી સંખ્યા સર્જવાનું ઠરાવ્યું?
 • આટલી બધી જાતનાં આટલા બધાં પ્રાણીઓ સર્જવાનો નીર્ણય કરવા પાછળ પ્રેરક–હેતુ કે હેતુઓ કયા?
 • પુનર્જન્મ વીવીધ પ્રાણીવર્ગમાં ચોક્કસ ક્રમે થાય, ગમે તેમ થાય કે પછી કર્મફળ અનુસાર?
 • જો આવી, પુનર્જન્મ આપવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા હોય તો છેલ્લી સદીમાં માનવજાતની સંખ્યા બેગણી ત્રણગણી – દોઢ બે અબજમાંથી એકદમ પાંચ અબજ જેટલી કેમ વધી ગઈ?
 • આટલા બધા વધારે જીવોને એક જ સદીમાં એકાએક દુર્લભ કહેવાતો મનુષ્ય–જન્મ આપવા પાછળનું કારણ?
 • ચોક્કસ હેતુસર, ગણતરીપુર્વક ઉત્પન્ન કરેલા આટલા બધા જીવો તથા મનુષ્યો આવો હીન, દુષ્ટ, દુ:ખીયારાં, અપરમ્પાર યાતનાગ્રસ્ત, અશક્ત, લાચાર, જુઠાં, ક્રુર, દમ્ભી, લુચ્ચાં પાપી વગેરે કેમ?
 • એક પ્રાણી અન્ય પ્રાણીને ખાઈ જાય અને તો જ જીવી શકે એવી ક્રુર વ્યવસ્થા શા માટે?

આ અને આ ઉપરાંત અન્ય અનેક શંકાઓ જે પરત્વે ઉદ્ભવે, એ માન્યતા સત્ય કેવી રીતે સમ્ભવે?

એથી ઉલટું, ટુંકમાં વૈજ્ઞાનીક શક્યતા, જે કેવી સાદી, સીધી, સરળ અને બુદ્ધીગમ્ય!

પૃથ્વી નામક ગ્રહને વાયુઓભર્યું વાતાવરણ હતું અને છે. આ હવામાનમાં વીદ્યુત–રાસાયણીક પ્રક્રીયાઓથી પાણી બન્યું ને એમ પૃથ્વી જલવન્તી બની. એ પછી એવી જ અન્ય વીદ્યુત–રાસાયણીક પ્રક્રીયાથી એ પાણીમાં સજીવ કોશ પ્રગટ્યો ને એમ આ પૃથ્વી ફલવન્તી બની. પછી તો અસ્તીત્વ માટેની આવશ્યકતાઓ તથા સતત સંઘર્ષને પરીણામે આ જીવ ઉત્ક્રાંતી સાધવા લાગ્યો, જે આજે માનવ સુધી પહોંચ્યો છે. હજીય સજીવની આ અનન્ત યાત્રા ચાલુ જ છે. હવે પછી કાલે કેવું પ્રાણી પ્રગટશે – એ અલબત્ત કોઈ જ કહી શકે નહીં અને વીજ્ઞાન એવો દાવો કરતું પણ નથી. હા, સાધુ–બાવાઓ દીવ્ય માનવના પ્રગટીકરણ કે અવતરણના ગપગોળા છોડી પોતાનો ધન્ધો ધમધોકાર ચલાવી રહ્યાં છે ખરા! 

–રમણ પાઠક (વાચસ્પતી)

સુરતના ‘ગુજરાતમીત્ર’ દૈનીકમાં પ્રા. રમણ પાઠક (વાચસ્પતી)ની વર્ષોથી દર શનીવારે પ્રગટ થતી રહેલી લોકપ્રીય કટાર ‘રમણભ્રમણ’ (હવે બંધ)ના લેખોમાંના જુદા જુદા વીષયોનું સંકલન કરીને શ્રી. રજનીકુમાર પંડ્યા, યાસીન દલાલ તેમ જ ઉત્તમભાઈ ગજ્જરે ‘મધુપર્ક’ ગ્રંથ સમ્પાદીત કરી સાકાર કર્યો. (પ્રકાશક : શ્રી. એમ. કે. મદ્રાસી, ‘શબ્દલોક પ્રકાશન’, 1760/1, ગાંધી માર્ગ, બાલા હનુમાન પાસે, અમદાવાદ – 380 001; પ્રથમ આવૃત્તી : 1997; પાનાં : 381 મુલ્ય : રુપીયા 200/-)માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

(1) શ્રી. રજનીકુમાર પંડયા, બી 3/જી એફ 11; આકાંક્ષા ફલેટસ, જયમાલા ચોક, મણીનગર–ઈસનપુર રોડ, અમદાવાદ – 380 050 ટેલીફોન : 079 25323711 સેલફોન : 95580 62711 ઈ.મેલ : rajnikumarp@gmail.com

(2) ડૉ. યાસીન દલાલ, ઈ.મેલ : yasindalal@gmail.com અને

(3) શ્રી. ઉત્તમભાઈ ગજ્જર, ઈ.મેલ : uttamgajjar@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

8 Comments

 1. ચાર્વાક- (ચારુવાક્ એટલે તો મધુર બોલનાર) ના મતને આપણે માનીએ કે ન માનીએ, પણ એની બૌદ્ધિક-ભૌતિક વિચારધારાને નકારવાનો દૃઢ તર્ક પણ આપણી પાસે નથી અને એથી આગળ વધીને પ્રાણાન્તેય પોતાનાં વિચાર, વાણી અને વ્યવહારની અભિન્નતાને સાચવી રાખવાની ટેકને નમન કર્યા વિના રહી શકતા નથી. ચાર્વાક આપણા એક ‘રેશનાલિસ્ટ’ ઋષિ છે. એક રીતે ભિન્ન-ભિન્ન દર્શનો અને વિચારધારાઓના સંઘર્ષની કહાણી છે, જેને સમકાલીન રાજકીય કટોકટીકાળની ઘટના નવી સાર્થકતા આપે છે.ચાર્વાક તો એનો વાહક છે- વિચાર દ્વન્દ્વોની આ આખી વાત એક મર્મસ્પર્શી અનુભૂતિમાં પરિણમે છે 
  રપા- ચાર્વાકનો અડીખમ ન ઓલવાયેલ વિચાર !

  Liked by 3 people

 2. ૨૦૨૧ ના વરસમાં અેક પ્રાણિ , જે માનવ તરીકે ઓળખાય છે, તે જે જીવન જીવી રહ્યો છે તે વિજ્ઞાને સંશોઘનો દ્વારા બનાવેલું જીવન છે.
  બીજુ પૃથ્વિ ઉપર અગણિત પ્રાણિઓ, અજાણ નાના મોટા જીવો જીવે છે. નરી આંખે નહિ દેખાતા બેક્ટેરીયા જેવા જીવો પોતાના અેક્ટીવ દિવસોમાં માનવ જેવા વિજ્ઞાનીને પણ મારી શકે…કોરોના વાઇરસ આજે શું કરી રહ્યું છે ?
  હવે….દા.ત. મેં કોઇ પાપો કર્યા છે અને થોડા પવિત્ર કર્મો પણ કર્યા છે…. તેનો હિસાબ ઉપર બેઠો બેઠો ચિત્રગુપ્ત રાખે. નફા નકસાનના હિસાબનું પરિણામ કહે છે કે મારે મારા કર્મોના ફળ રુપે ગઘેડાનો પુન:જન્મ લેવો….
  તો હું કેવી રીતે પૃથ્વિ ઉપર ગઘેડો બનીને આવીશ ?????????? અને મને મારા પાછલા જનમની માહિતિ કોણ ચિત્રગુપ્ત પાસેથી લાવી આપશે ?????
  મિત્રો, આ સવાલૉનો જવાબ શોઘવામાં મને મદદ કરવા તમને સૌને વિનંતિ છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 2 people

 3. આત્માએ કેવળ પૃથ્વીની જ પસંદગી કેમ કરી? અન્ય ગ્રહો પર ચેતન તત્વ કેમ ન બન્યું?
  દેહ નામના યંત્રને હવા, પાણી, સુર્યપ્રકાશ, અન્ન-માંસ-વનસ્પતિ જેવા તત્વો ફ્યુલ્સ (fuels) બની કાર્યાન્વિત કરે છે. કોઈપણ એક ફ્યુલની ગેરહાજરી કે માત્રાની વધઘટ થી દેહયંત્ર ખોટકાઈ જાય. આ તત્વોની હાજરી કેવળ પૃથ્વી પર જ ઉપલબ્ધ છે.
  અન્ય ગ્રહો પર જીવસૃષ્ટિ નિર્માણ થાય તેવી આદર્શ વ્યવસ્થાની ગેરહાજરી હોઈ ત્યાં કેવળ જીવ સૃષ્ટિ નથી. ઈશ્વર જેવા કોઈ બ્રહ્માંડના સર્જક તેમજ આત્માના નિયંત્રકની હાજરી ત્યાં કેમ નથી? તે પણ જો તેમનુ જ સર્જન હોય તો ત્યાં તેમની કૃપાનો અભાવ કેમ છે? પણ ત્યાં કૃપાનો નહી પણ જીવ સૃષ્ટિનાં અસ્તિત્વ માટેના ફ્યુલનો અભાવ છે.
  આત્મા કરતા પ્રકૃતિના તત્વો ફ્યુલ બની દેહને ક્રિયાંવિત કરે છે એવું સમજાય છે. વપરાશને કારણે શરીર દ્વારા ફ્યુલ્સનાં ઉપયોગમાં અસંતુલન થતુ હશે ત્યારે દેહયંત્ર ખોટકાઈ જતુ હશે.

  Liked by 1 person

 4. ખુબ સરસ લેખ. હાર્દીક આભાર ગોવીન્દભાઈ. ખુબ જ રસપુર્વક લેખ વાંચ્યો.
  જો કે દેહ અને એમાં રહેલ ચૈતન્ય એમ બે અલગ અલગ બાબતો ખરી કે નહીં? એ કદાચ ખરું કે ચૈતન્ય જ્યાં પણ હોય તે બધે એક જ. જેમ કે પાણી બધે જ H2O. આ ચૈતન્ય આવે ક્યાંથી?
  પુનર્જન્મની માન્યતામાં કોઈ તથ્ય હોઈ ન શકે તે રમણભાઈના તર્ક મુજબ યોગ્ય જ લાગે છે.

  Liked by 1 person

 5. ખૂબ ખૂબ આભાર ગોવિંદ ભાઈ આત્મા અને પુનર્જન્મ એક કલ્પના માત્ર છે એ આ લેખ દ્વારા લેખકે સચોટ રીતે સમજાવ્યું અને સાચી સમજણ મળી અને ખોટો ભ્રમ દૂર થયો આપ હંમેશા માર્ગદર્શક બનતા રહો….. લેખકશ્રી ની આભાર

  Liked by 1 person

 6. મિત્રો,
  હવે ઊંડો વિચાર કરવાનો મારો સમય આવ્યો……
  મારા પહેલા જનમના કર્મોના પરિણામ રુપે ચિત્રગુપ્તે મને ગઘેડાનો જનમ આપ્યો….હું ગઘેડો થઇને અેક કુંભારને ત્યાં કામે લાગ્યો…..
  ( પહેલા જનમના કર્મોના પમની મને ખબર હતી ) માટે મેં મારા ગઘેડાના જનમમાં ખૂબ જ સારા કર્મો કર્યા…સમજીને કે હવે મારે ‘મોક્ષ‘ મેળવવો છે…આ જીંદગીના ચક્કરોમાંથી મારે મુક્તિ મેળવવી છે. મારા માલિકને ખુશ ખુશ કરી દીઘા….અને આ ગઘેડાનો જનમ છોડયો……
  ચિત્રગુપ્તના ચોપડે મારા ૧૦૦ માંથી ૯૫ માર્ક આવ્યા હતાં. નક્કિ થયું મને હવે ‘ માણસ‘ નો જન્મ આપવો.
  ચિત્રગુપ્ત થોડા પઝલમાં હતાં…..( મારી પાસે કોઇ લાગવગ ન્હોતી ) છતાં કથાકારનો જનમ આપ્યો……
  લોકોને હું હવે જનમ, મરણના જીવનના ચક્કરો વિષે સમજાવીને આનંદ વ્યક્ત કરું છું…તેમને જીવનના આ ચક્કરોમાંથી મુક્તિ મેળવવા સમજાવું છું…મોક્ષ….મોક્ષ…મોક્ષ…અને મોક્ષ…..
  લોકો મોક્ષ મેળવવાના ચક્કરમાં, મેં જોયું કે, તેઓ તેમનો જનમ…જે હાલમાં જીવી રહ્યા છે તેને પણ બરબાદ કરી રહ્યા છે…કશે ઘ્યાન આપી શકતા નથી….મોક્ષ પાછળ ગાંડપણના મોહમાં ફસી ગયા છે….તે છતાં પણ કે ‘આ જીવન માળખું‘ હિન્દુ ઘર્મના કર્મના સિઘ્ઘાંત મુજબ કરોડો જનમ લેવા સર્જાયેલું છે.
  જે જોયુ નથી…જે અનુભવ્યુ નથી…તેની પાછળનું ગાંડપણ ???????????
  આ બઘુ જોઇને મને રીયલાઇઝેશન થયું કે હું આજે જે જીવન…માણસ તરીકેનું જીવન જીવી રહ્યો છું તે વૈશ્ણવ જીવનની વ્યાખ્યા…નરસિહ મહેતાના ભજન, પ્રમાણે જીવીને મરણ શરણ થઇને….મોક્ષની માયાજાળમાં ફસવા વિના ‘ આઉટ ‘…….
  સ્વપ્નોમાં…હું….ગઘેડો બન્યો અને સ્વપ્નમાં જ હું પાછો માણસ બન્યો…..‘ગઘેડો બન્યો‘…….
  આપ સૌના વિચારોની મનોકામના સાથે……
  અમૃત હઝારી.

  Liked by 1 person

 7. Interesting, analytical and logical view-point (i.e. the article reflects my own thinking … the author is blessed to develop it in the artistic form) 😇

  Liked by 1 person

 8. આત્મા, છે – હતો – રહેશે – વગેરે logicથી prove કરવું ખરેખર મુશ્કેલ / અશક્ય છે, પણ એ બધુ અને પુણ્ય – પાપના સિદ્ધાંતો માણસોને ખોટું / ખરાબ કામ કરતા અટકાવી શકે છે, પણ એમાથી જે મહા ભયંકર અંધશ્રદ્ધાનું જાળુ ઉત્પન્ન થાય છે – તેનો એક માત્ર જવાબ સાચું, સારું અને યોગ્ય શિક્ષણ જ છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s