સાપનું વીષ

સાપનું વીષ શું છે? શું સાપ ઝેરી હોય છે કે તેનું વીષ ઝેરી હોય છે? સાપના વીષના પ્રકારો અને તેની અસરો, વીષમાંથી બનતા વીષ પ્રતીરોધક ઈંજેક્શનો, ઝેરની અસરોને નાબુદ કરી, મનુષ્યના જીવન બચાવતી દવાઓ અંગેની માહીતી પ્રસ્તુત છે…

(તસવીર સૌજન્ય : નવીન જોસેફ)

27

સાપનું વીષ

–અજય દેસાઈ

સાપમાં વીષ કેમ હોય છે? શું સાપ ઝેરી હોય છે કે સાપનું વીષ ઝેરી હોય છે? ખરેખર તો સાપ ઝેરી નથી હોતાં, તેની વીષગ્રંથીમાં રહેલું વીષ ઝેરી હોય છે. સાપ સીવાય દુનીયામાં ઘણા અન્ય જીવો પણ આવી વીષગ્રંથીઓ ધરાવતાં હોય છે. દેડકાં, ગરોળી, કાચીંડા, કરોળીયા, વીછી, અનેક દરીયાઈ જીવો વગેરે. આવા જીવોની જેમ જ સાપને પણ વીષગ્રંથી હોય છે. તેનો ઉપયોગ પેલાં વીષગ્રંથી ધરાવતાં જીવોની જેમ જ શીકારને બેભાન કરવાનું–મારવાનું છે અને સ્વબચાવનું છે. સાપનું વીષ શીકારને મારવા માટે તો છે જ, વધુમાં તેને પચાવવામાં સહાયરુપ થવા માટે પુરક બનવાનું પણ છે. સાપનું વીષ શું છે? ખરેખર તો સાપનું વીષ એ એક પ્રકારની લોહી વીકારી લાળ છે, કે જે અન્ય જીવોને મારી શકવા સક્ષમ હોય છે. વીષ અલગ અલગ જાતીએ અલગ અલગ ઘટકો ધરાવતાં હોય છે. વળી, તેની ઘાતકતાં પણ અલગ અલગ હોય છે. તેની અસરો પણ અલગ અલગ હોય છે. કેટલાંક વૈજ્ઞાનીકો માને છે કે સાપની લાળમાં આવેલા કેટલાંક રુપાંતરીત પ્રોટીન, ઝેરની ઘાતકતા માટે મુખ્ય ભુમીકા ભજવે છે. સાપના ઝેરનું રસાયણીક બંધારણ ખુબ જટીલ છે. વીષના અનેક પ્રકાર હોઈ શકે છે; પણ મુખ્યત્વે ચાર પ્રકારની અસરો નીપજાવતા વીષ હોય છે. બાકીનાં પેટા કહી શકાય.

  • સાયટોક્ષીન : કોષો ઉપર અસર કરે છે.
  • ન્યુરોટોક્ષીન : ચેતાતન્ત્ર ઉપર અસર કરે છે.
  • હીમોટોક્ષીન : લોહીમાંનાં રક્તકણો ઉપર અસર કરે છે.
  • કાર્ડીયોટોક્ષીન : સીધું હૃદયને અસર કરે છે.

આમ તો સાપના ઝેરમાં કોઈ એક જ પ્રકારનું ટોક્ષીન હોતું નથી. કેટલાંક સાપના ઝેરમાં ઉપરોક્ત ચારેય પ્રકારનાં ટોક્ષીનનું સામુહીક મીશ્રણ પણ હોઈ શકે છે. સાપનું વીષ કેટલું તત્કાળ અસરકરતા અને ખતરનાક છે, તેનો આધાર સાપની જીવનચર્યા અને શીકારની પ્રકૃતી ઉપર છે. દરીયામાં રહેતા સાપનું વીષ સૌથી ઝડપી અસરકરતા વીષ તરીકે કહી શકાય; કારણ કે તેમનો માનીતો ખોરાક માછલીઓ છે, માછલીને સાપ કરડે અને તે તરત જ મૃત્યુ ન પામે તો, માછલી સેકંડમાં જ છટકી જાય છે. દરીયા સીવાય અન્યત્ર રહેતા સાપને શીકાર ભાગી જાય તેની ફીકર હોતી નથી. તે તો એકવાર શીકારના શરીરમાં વીષ દંશીને નીશ્ચીત થઈ જાય છે. ભલેને શીકાર દુર કેમ ન જતો રહે? તે તો શીકારની ગરમીને અનુસરીને પકડી પાડે છે.

સાપના વીષમાં 90 ટકા નત્રીલો (પ્રોટીન) રહેલા છે. બાકીનાં 10 ટકામાં વીવીધ ધાતુ આયર્નો (Metalic Ions) અને ઉત્સેચકો (Enzymes) રહેલા છે. વીષની અસરકારકતાં કોઈ એક ઘટકને લઈને નથી હોતી; પરન્તુ ઘણા બધાં ઘટકોની સમ્પુર્ણ અસર હેઠળ જ વીષ ઘાતક બને છે. લીટમસ પેપરની કસોટીમાં વીષ એસીડીક જણાય છે.

સાપનું વીષ એ બે વીષગ્રંથીઓ (Poison glands)માં ઉત્પન્ન થાય છે. આ ગ્રંથીઓ તેના માથામાં ઉપરના ભાગે આંખોની પાછળથી આવેલી છે. (ચીત્ર–36) આવી ગ્રંથીઓ સસ્તન પ્રાણીઓના કાન પાસે આવેલી ઉપકર્ણ (Perotid) લાળ ગ્રંથીઓને મળતી આવે છે. ઘણા સાપમાં આવી ગ્રંથીઓ ગળા સુધી લમ્બાયેલી જોવા મળે છે. આફ્રીકન નાઈટ એડર (African night adder)માં તો આવી ગ્રંથીઓ શરીરની અધવચ સુધી લમ્બાયેલી જોવા મળે છે. આ ગ્રંથીઓનો આકાર મુખ્યત્વે બદામ જેવો હોય છે. આ ગ્રંથીઓના ચારથી પાંચ રસસ્ત્રાવી કોષોમાં વીષ ઉત્પન્ન થાય છે. આ કોશીય ખંડો સાથે સંકળાયેલી નળીઓ વાટે, આ વીષ, ગ્રંથીના પોલાણોમાં ભેગુ થાય છે. અને આ પોલાણોનું જોડાણ મુખ્ય વીષ વાહીનીઓ થકી વીષદંતના મુળ સુધી હોય છે. આ વીષ વાહીનીઓ નાની નાની ગ્રંથીમય પેશીઓથી આચ્છાદીત હોય છે. વીષ વાહીનીઓ સીધી વીષદંત સાથે જોડાયેલી નથી હોતી, તે વીષદંતના મુળ નજીક ખુલ્લી થઈ જાય છે. અને અહીં સુધી આવેલું વીષ, વીષદંતના મુળની પેશીઓની અન્દર ઠલવાય છે. આ સમગ્ર મુળની આસપાસની પેશીઓ ઉપર એક પ્રકારનું આવરણ છવાયેલું રહે છે. જે વીષને બહાર જતાં રોકે છે અને વીષને વીષદંતનાં મુળનાં પોલાણોમાં પ્રવેશવાની અનુકુળતા કરી આપે છે. વીષદંતના મુળ આગળ પહોળા હોય છે. (ચીત્ર – 37) અને આગળ જતાં સાંકડા થતાં જાય છે. અને છેવાડે સોયની અણી જેવા તીક્ષ્ણ થઈ જાય છે. બધા જ ઝેરી સાપના વીષદંત વળાંકવાળા હોય છે. આ વળાંક જાતીએ જાતીએ અલગ હોય છે. વીષદંતનુ મુખ્ય જોડાણ ઉપરના જડબાંનાં આગળના ભાગે હોય છે; પણ દરેક વીષ દંશતા સાપમાં એવી રચના તો હોય છે જ કે વીષ ગ્રંથીમાંથી નીકળેલું વીષ, વીષદંત દ્વારા સીધું જ શીકારના શરીરમાં પ્રવેશે છે ક્યાંયથી ગળતું નથી.

ઘણી જાતીના સાપ અન્ય સાપને ખોરાક બનાવતાં હોય છે. આવા સાપ પૈકી ઘણા સાપ ઝેરી પણ હોય છે. આવા સાપને ભક્ષ્ય બનાવતી વખતે સાપ સાવચેત રહેતો હોય છે. શીકાર બની રહેલો સાપ તેને કરડે નહીં કે દંશે નહીં તે માટે, તે સચેત હોય છે. જો આવા સમયે શીકાર બનતો સાપ તેને દંશે તો તે સાપને પણ વીષની અસર ઓછેવત્તે અંશે જરુર થતી હોય છે.

 જે સાપનું ઝેર મનુષ્ય માટે ઘાતક નીવડતું હોય છે, તે ઝેરમાંથી બનતા વીષ પ્રતીરોધક ઈંજેક્શનો, ઝેરની અસરોને નાબુદ કરવા માટેનો સચોટ ઈલાજ પણ છે. આ જ વીષ કેટલીક દવો બનાવવામાં વપરાય છે, તેનો ઉપયોગ થકી અનેક રોગોનો ઈલાજ થાય છે. સાપના ઝેરનો ઉપયોગ દવાઓ માટે કરવો, એ સરળ કામ નથી. ઝેરમાંથી ઉપયોગી તત્ત્વો અલગ તારવવા એ ખુબ જટીલ કામ છે; કારણ કે સાપનું ઝેર ઘણા અલગ અલગ તત્ત્વોમાંથી બનેલ હોય છે. જગતમાં સહુ પ્રથમ સાપનાં વીષનો દવામાં ઉપયોગ 1949માં થયો હતો. જે દવા બ્રાઝીલના પીટવાઈપર (Bothrops Jararca)માંથી બનાવવામાં આવી હતી. આ વીષની અસર હેઠળ દરદીનાં શરીરની રક્તવાહીનીઓ શીથીલ અને પહોળી બની જતી હોય છે. જેના કારણે દરદીનાં શરીરનું બ્લડપ્રેશર ઘટી જાય છે. એટલે જ ઉપરોક્ત સાપનાં વીષમાંથી બનેલ દવા બ્લડપ્રેશરના ઉંચા દબાણ માટે કારગત રહે છે. જેમાંથી ACE Intibirtros દવા બને છે. જ્યારે મલેશીયાના પીટવાઈપરના દંશ થકી દરદીમાં અધીક રક્તસ્રાવની અસર થતી હોય છે. અને આ સાપનું ઝેર લોહીમાં જામવા દેતું નથી. આથી જ જે મનુષ્યને લોહી જામી જવાની કે ગંઠાઈ જવાની પ્રકૃતી હોય, તેવા દરદીઓને આ સાપના વીષમાંથી બનેલ દવા કારગત નીવડે છે. વળી, કેટલાંક સાપનું ઝેર ખાસ પ્રકારના કોષો ઉપર જ અસરકર્તા હોય છે. આવા ઝેરમાંથી બનતી દવાનો ઉપયોગ કેન્સર માટેની સારવારમાં થાય છે, હાલના સંશોધકો, વીષનો ઉપયોગ કેન્સરની ગાંઠને પોષક તત્ત્વો પહોંચાડતી રક્તવાહીનીઓનો નાશ કરવા અને તે થકી કેન્સરની ગાંઠને વધતી અટકાવવા કરી રહ્યા છે. સાપના ઝેરના ઘણાં ન્યુરોટોક્ષીન, ચેતાકોષોની બધી જ પ્રક્રીયાને સ્થગીત કરી દેતાં હોય છે. જે એપીલેપ્સી (Epilepsy) એટલે કે વાઈનાં દરદીઓ માટેની દવામાં કારગત બને છે. વળી, દર્દનાશક દવા માટે પણ ન્યુરોટોક્ષીન કામ લાગે છે, તો વળી વીવીધ વ્યસનોના બંધાણીને તેની કુટેવ છોડાવવા માટે સાપના ઝેરમાંથી બનતી દવા મદદરુપ બને છે; કારણ કે તે પણ મગજની એક્ટીવીટી સાથે સંકળાયેલ ન્યુરોટોક્ષીનમાંથી બને છે. નવા સંશોધનો દ્વારા જણાયું છે કે સાપના ઝેરમાંથી અલગ તારવેલ તત્ત્વો મગજના કોષોનો વીકાસ કરે છે, એટલે અલઝાઈમર જેવા સ્મૃતીલોપ સાથે સંકળાયેલા રોગોમાં મગજના ન્યુરોન મરવા માંડે, ત્યારે ન્યુરોટોક્ષીન વીષમાંથી બનેલ દવા ઉપયોગી થઈ પડે છે. ટુંકમાં સાપના ઝેરના દંશના કારણે વર્ષે જેટલાં લોકો મૃત્યુ પામે છે તેના કરતાં સાપના ઝેરમાંથી બનાવેલ દવાઓમાંથી હજારો કરતા વધારે મનુષ્યના જીવન બચે છે. આપણે કેટલીક દવાઓના નામ જોઈએ કે જે વીવીધ પ્રકારના સાપના વીષમાંથી બને છે.

Kalikrein : બ્લડ પ્રેશર ઘટાડે છે. લોહી ગંઠાવા દેતું નથી.

Sarafotoxin : બ્લડ પ્રેશર ખુબ ઉંચું કરી નાંખે છે, સર્જરી વખતે ઘટી જતાં બ્લડ પ્રેશરને વધારવા તે ઉપયોગમાં લેવાય છે.

Crotamin : કોષો, કોષીકાઓ અને સ્નાયુ તેમ જ ચેતાકોષોનો નાશ કરે છે.

ADAM : શરીરના અમુક ચોક્કસ કોષોને તોડી નાંખે છે, કેન્સર અને રક્તવાહીનીને લગતાં રોગોમાં મદદરુપ થાય છે.

CRISP : સ્નાયુઓને લકવાગ્રસ્ત કરે છે. શરીર ઠંડું પાડે છે.

PLA – 2 : કોષોને ચેપ લગાડે છે. કોષોનો નાશ કરે છે.

Cobraxin : દર્દ નામક દવા છે.

Nyloxin : વાનો દુખાવો દુર કરવા માટેની દવા છે.

આ ઉપરાંત અનેક દવાઓ પણ બને છે. અને ઘણા નવા સંશોધનો થઈ રહ્યા છે.

ખુશ ખબર

સ્મરણીય હરનીશ જાનીનું નામ ગુજરાતી ભાષાના હાસ્ય લેખકોમાં ઊંચા દર્જાનું છે. દરીયાપારના આ શ્રેષ્ઠ હાસ્યલેખકના 81માં જન્મદીવસે હાસ્યોની છોળો ઉડાડતા વ્યંગાત્મક 12 લેખોની ઈ.બુક દીલ હૈ કી માનતા નહીં…’ પ્રગટ કરી, તેઓને ભાવાંજલી અર્પણ કરવામાં આવે છે.

https://govindmaru.files.wordpress.com/2021/04/ebook_45_harnish_jani_dil_hai_ki_maanataa_nahi_2021-04-05.pdf  લીન્ક પર ક્લીક કરી ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે. જો કોઈ વાચકમીત્રને આ વીધી ન ફાવે અને મને પોતાનું નામ, પુરું સરનામું, કૉન્ટેક્ટ નમ્બર સાથે લખશે તેમને હું ‘ઈ.બુક’ ઈ.મેઈલ/વોટ્સએપથી મોકલી આપીશ. –ગોવીન્દ મારુ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃન્દાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

2 Comments

  1. શ્રી અજય દેસાઈના સાપનું વીષ અંગે બહુ જ સ રસ માહિતી મા ઘણુ નવુ જાણવા મળે છે.આજે સાપમાં વીષ કેમ હોય છે? શું સાપ ઝેરી હોય છે કે સાપનું વીષ ઝેરી હોય છે? જેવા વિષય અંગે મહત્વપૂર્ણ માહિતી અંગે ધન્યવાદ્

    Liked by 1 person

  2. સ્વ. શ્રી હરનીશ જાનીની આજે ૮૧મી જન્મ જયંતિ છે.
    તેઓને યાદ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન યાદ કરીઅે.
    પ્રભુ તેમના અમર આત્માને સંપૂર્ણ શાંતિ બક્ષે તે પ્રાર્થના.
    ……………
    શ્રી અજય દેસાઇનો સાપના ઝેર ઉપરનો વિગતોથી ભરેલો લેખ ખૂબ ગમ્યો.
    આભાર.
    અમુત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s