શું ઈશ્વર સંચાલક, શાસક કે સર્જક છે? જે મહાત્માઓ સત્ય સમજ્યા છે, એમણે જનતામાંથી ફેંકાઈ જવાના ડરથી ગોળ–ગોળ વાતો કરી છે? વીશ્વચૈતન્ય દ્વૈત કે અદ્વૈત? જીવન કેમ થયું? કોણ, ક્યાંથી અને શા માટે આ અસ્તીત્ત્વમાં છે?
(10)
ઈશ્વર – ધણી
–સ્વપુર્ણ મહારાજ
સંસ્કૃતી, રુઢી, પ્રારબ્ધ–પ્રકૃતી, રીવાજ, માન્યતા – આ બધા શબ્દો લગભગ પર્યાય જ છે. વીટમ્બણાભર્યો આ એક જ શબ્દ થઈ પડ્યો છે ‘ઈશ્વર’
દીવાલ, ધણ, પંચાયત, સરકાર, ગંજીપત્તો અને ગ્રંથ તેમ જ સમુદ્ર આ બધા જેવો જ ‘ઈશ્વર’ શબ્દ પણ છે.
- દીવાલ અંશી છે અને ઈંટો અંશો છે.
- ધણ અંશી છે અને ગાયો અંશો છે.
- પંચાયત અંશી છે અને પાંચ, સાત, નવ કે અગીયાર વ્યક્તીઓ અંશો છે.
- સરકાર અંશી છે અને દેશના નાગરીકો અંશો છે.
- ગંજીપત્તો અંશી છે અને બાવન પત્તા અંશો છે.
- સમુદ્ર અંશી છે અને હાઈડ્રોજન–ઓક્સીજનના પરમાણુઓ અંશો છે.
જેવી રીતે સમુદ્રમાં ક્રીયા–વીક્રીયા, પરીવર્તન, આકાર–વીકાર, નામરુપની ઉપાધી નજરે ચડે છે, એમાં તરંગો ઉઠે છે, ભમરીઓ પડે છે, બરફ જામે છે, વરાળ–વાદળાં, વરસાદ, મોજાંઓની ઉછળકુદ અન્દરોઅન્દર થતી રહે છે. આ બધાં નામરુપો સમુદ્રની ઉપાધી છે. અંતે પાણી જ પાણી છે. એવી જ રીતે ચૈતન્યસત્–આત્મસાગર આરપાર અનન્ત ભરેલો છે. પંચમહાભુતો, સુર્યો તારાઓ, ગ્રહો, સૃષ્ટીના નાના–મોટા અનેક જીવો ચૈતન્યસાગરની ઉપાધી છે; ચૈતન્યનો વીલાસ કહો, લીલા કહો કે શક્તીનું આવીર્ભુત થવું કહો. ઈચ્છા, ક્રીયા, જ્ઞાન – આ ત્રણે બાબત દરેક ચેતન પદાર્થમાં છે. ઈચ્છા જ અહંકાર છે, ઈચ્છા જ જીવ છે, ઈચ્છા જ પદાર્થ છે, ઈચ્છા જ ઉપાધી છે, ઈચ્છા જ લીલા છે, ઈચ્છા જ ગતી છે, ઈચ્છા જ જ્ઞાન–ભાન છે. સુખ–દુ:ખ, આકાર–નીરાકાર, સગુણ–નીર્ગુણ આ બધું જ સૌ સૌની પોતપોતાની ઈચ્છા જ છે.
વ્યાપક નીરાકારમાં કર્તાપણું ન સમ્ભવે, કર્તાપણું સીમાવાન, આકારવાન, શરીરવાન જ કરી શકે. એટલે આનો સાર એ જ આવ્યો કે કર્તા હદવાળો જ હોઈ શકે.
સમુદ્ર સ્ટીમરને ડુબાડી શકતો નથી. તરંગ–વમળ જ ડુબાડી શકે છે. આપણે એમ માનીએ કે સમુદ્રને સ્ટીમર ડુબાડવાની ઈચ્છા થઈ અને તરંગ–વમળ બન્યો, તો પોતે જ તરંગ–વમળ થયો. તો પછી એમાં સ્વામી, ધણીભાવ પ્રગટતો નથી. એમ ઈશ્વર જ જીવ, નામરુપ બન્યો, તો પછી સ્વામી–સેવકભાવ રહેતો નથી.
જુના જમાનાથી ઈશ્વર સંચાલક, શાસક, સર્જક છે એવી માન્યતા સંસ્કૃતીમાં ઘુસી ગઈ છે. દરેક પોતે સ્વતન્ત્ર છે. કોઈ એક શાસક કે એક ધણી નથી. આવી સમજણ આપવાનું જોખમ કોઈ ખેડવા તૈયાર નથી. જે મહાત્માઓ સમજ્યા છે, એમણે પણ ગોળ–ગોળ વાતો કરી છે. સત્ય સમજાવતાં જનતામાંથી ફેંકાઈ જવાનો સૌને ડર લાગ્યો હોય એમ બની શકે.
ક્રાંતીનો અર્થ જુનું કાઢી નાખીને નવું સર્જન કરવું એવો થાય છે. મારું આ એક જ કર્તવ્ય છે. ‘હું’ ક્રાંતીરુપ થઈને જ દેહધારણ કરી રહ્યો છું.
ઉપાધી કરો તો જીવ અને સંકલ્પ છોડી ઉંઘી જાઓ તો તે વ્યાપક આત્મા. તમે કોઈ પણ સ્થીતીમાં રહેવા સમર્થ છો. કીડી અને કૃષ્ણ પણ તમારા જેવા જ જીવો છે. જે ત્રીજાની જય બોલાવે છે એ ડરપોક છે.
એક જ વ્યક્તીને શાસક માની લેવાથી જગતમાં ઘણી ખરાબી પેદા થઈ છે, તેમ અનેક માણસોને ઈશ્વરનો અવતાર માન્યો; એમાં તો વળી ઘણું જ નુકસાન વધ્યું છે. કોઈએ રામને, કોઈએ ઈસુને, કોઈએ મહાવીરને, કોઈએ બુદ્ધને, કોઈએ કબીરને, કોઈએ રામાપીરને ઈશ્વર માની લીધા અને જગતમાં ઝઘડાનાં ઝાડ ઉછેર્યાં.
અવતારવાદ અને ઈશ્વરવાદનો ત્યાગ કરીને, માનવતા અને વીશ્વબન્ધુતાને સ્વીકારીને, સૌને પ્રસન્ન કરીને, પ્રેમથી જીવનયાત્રા કરવામાં જ મંગળ છે. વીશ્વબન્ધુત્વ કે વીશ્વની સેવામાં જ આપણું કલ્યાણ છે. આ રાહ ઉપર આવવા માટે ઘણો ભોગ આપવો પડે તેમ છે.
સ્વરાજ લેવું સહેલું હતું. એનું કારણ એ હતું કે એમાં મારું–તારું નજરે દેખાતું હતું; પરન્તુ સ્વરાજ બાદ હવે સાચું સમજવાની જરુરીયાત છે. વ્યક્તીગત સુખ સગવડ જતી કરવી પડે એમ છે. એને માટે લાંબા કાળથી જે સંસ્કાર આપણામાં ઘુસી ગયા છે એને કાઢવા પડે. એ માટે મોટા સાહસની જરુર છે.
મધ્ય કાળમાં આમુલ ક્રાંતીનો પ્રયત્ન થયો નથી, એટલે હવે આપણે નવેસરથી જ – બધું કરવું પડશે. માટે વીચારો. જાગો!
તમે હતા, છો અને રહેશો.
વીશ્વચૈતન્ય દ્વૈત કે અદ્વૈત?
એકેય વાત નીશ્ચય કરીને કહી શકાય એમ નથી; કારણ કે એમાં જ આ બધી વીવીધતા છે. એમાં જ બધા અંશો, ઉપાધી કરીને પરીછીન્ન ભાવે વીલસી રહ્યા છે અને વીસ્મૃત રહીને એમાં જ એકતાથી રહેતા હોય છે, એવું અપાર વીશ્વચૈતન્ય હોવા છતાં, કોઈ એક જ ઈશ્વર આપણો ધણી નથી થઈ શકતો. આ વીવીધતામાં મોટામાં મોટો અંશ કોણ હોઈ શકે, એનું માપ ન જ થઈ શકે. બળવાન વધે અને પ્રયત્ન કરે એ જ બળવાન બને છે. પ્રયત્ન કરવા માટે દરેક સ્વતન્ત્ર છે.
દરેક જીવ પોતાને જેવો ધારે–માને–કરે, એવો જ બન્યે જાય છે. દરેકની આગળ વધવાની, ઉંચે જવાની મરજી છે; પરન્તુ પ્રયત્ન અનુસાર જ આગળ–પાછળ રહેવાનું હોય છે. દરેકને અવીભાજ્ય અંશો કહેવા એ જ બન્ધબેસતું લાગે છે.
આપણે દેહધારી માનવો છીએ; માનવતા જ આપણને સુખશાંતી આપી શકે અને માનવતાનો અર્થ એવો થાય છે કે દરેકે સમ્પીને રહેવું, સમ્પીને જીવન યોજના કરવી. કોઈ પણ માનવને બળજબરીથી મારવું નહીં, પીડા આપવી નહીં, આ જ છે માનવતા. બધા પ્રયત્નો અને યોજનાઓ સુખ–શાંતીને અર્થે છે અને એ જ છેડો પણ છે. અવીભાજ્ય અને પરીછીન્ન બન્ને બાબત અનુભવાય છે એટલે દ્વૈત–અદ્વૈતની કાંઈ પણ માન્યતા ઠરાવવી યોગ્ય નથી. સમ્ભવીત બન્ને બાબતો છે.
(11)
આપણી શાંતી
જગતમાં જે કોઈ યોજનાઓ ઘડવામાં આવે છે તે સર્વેનું એક ધ્યેય આપણી શાંતીનું હોય છે. સમાજ બન્ધારણ, રાજકારણ, ધર્મોપદેશ, તત્ત્વ વીચાર, નીવૃત્તી, પ્રવૃત્તી આવી આવી જે કોઈ યોજનાઓ ઘડવામાં આવે છે તેનો મુખ્યહેતુ તો આપણાં સુખ–શાંતી જ હોય છે.
આપણે દુ:ખી થઈએ છીએ, અશાંતીના દર્શન થાય છે; તેનું મુળ કારણ તો જીવન વીશેનું આપણું અજ્ઞાન જ છે. ‘હું’, ‘તું’ અને ‘તે’ – આ ત્રણ શબ્દોનો અર્થ બન્ધબેસતો થઈ જાય તો અડધું દુ:ખ તરત જ મટી જાય.
જીવન કેમ થયું?
કોણ, ક્યાંથી અને શા માટે આ અસ્તીત્ત્વમાં છે?
ઉપરના પ્રશ્નોના ઉત્તર અત્યાર સુધી આવી રીતે આપવામાં આવ્યા છે :
(1) ઈશ્વરે જીવનનીર્માણ કર્યું છે એમ ઈશ્વરવાદી કહે છે.
(2) ચૈતન્યના સાગરમાંથી જ જડ–ચેતન સૃષ્ટી ઉદ્ભવી, એમ સ્વતન્ત્ર ચૈતન્યવાદી કહે છે.
(3) જડ પ્રકૃતીવાળા દ્રવ્યમાંથી ચેતન પ્રગટ થાય છે એમ ભૌતીકવાદી (વીજ્ઞાન) કહે છે.
ઉપરના ત્રણ મહાવાદમાંથી પેટાવાદો પણ ઉદ્ભવ્યા.
ઈશ્વરવાદમાંથી ઈશ્વર વ્યક્તી છે એમ મનાયું અને એનું નામ રામ, મહાવીર, કૃષ્ણ, શંકર, ઈસુ, બુદ્ધ, મહમદ, નાનક વગેરે પડ્યાં. એ પછી આવા કહેવાતા પ્રત્યેક ઈશ્વર પાછળ વીવીધ સમ્પ્રદાયો શરુ થયા.
ઈશ્વર સૃષ્ટીનો કર્તા છે; પરન્તુ દેખાય એવા રુપ–રંગ–આકારવાળો તે નથી; પરન્તુ એનું નામ અલ્લાહ, ગૉડ વગેરે પાડવામાં આવ્યું એથી એવાં અનેક દલબંધી, વાદો–વાડાઓ ઉભાં થયાં છે.
ચૈતન્ય વીશેના વીવીધ વાદોમાંથી એટલે કે સ્વતન્ત્ર ચૈતન્યવાદ અનુસાર શુદ્ધાદ્વૈત, કેવલાદ્વૈત, વીશીષ્ટાદ્વૈત વગેરે સમ્પ્રદાયો અસ્તીત્વમાં આવ્યા છે.
જડવાદી અર્થાત્ ભૌતીકવાદી એવી કોઈ વ્યક્તી જીવ અને અણુ એમ બે દ્રવ્યો છે અને જડમાંથી ચૈતન્ય–ચેતન પ્રગટ થયું એમ કહે છે. તો વળી કોઈ અભાવવાદી પણ છે. આવી રીતે માનવસમાજમાં અનેક ધાર્મીક નેતાઓ પોતપોતાની સમજ માન્યતા પ્રમાણે જનતાને જુદી–જુદી દીશાએ ખેંચી જવાના નીમીત્ત બન્યા છે. આનાથી માનવ સમાજમાં વાડાઓ, સીમાઓ, ઝઘડાઓ ઉભાં થયાં છે. સમાજના સર્વાંગી વીકાસમાં સમ્પ્રદાયો અવરોધક બન્યા છે.
પછાત કોમ ગણીને એને જે અનામત–હક્કો આપવાનો કાયદો સરકારે કરેલ છે, એનું મુખ્ય કારણ તો વીધર્મીઓમાંથી એમને બચાવવાનું હોઈ શકે. અનામતનાં આંદોલન જ્યારે જ્યારે ઉભાં થાય છે ત્યારે ત્યારે એના મુળમાં પણ ધાર્મીક માન્યતા જ કારણભુત હોય છે.
તો… ભક્તો, વીચારકો, વીજ્ઞાનીઓ, સર્વે ભાઈ–બહેનો આપણે સૌ સાથે મળી સંવાદથી જે નીશ્ચય નીકળે તે નીર્ણય સમાજને આપવાનો પ્રયત્ન કરીએ.
–સ્વપુર્ણ મહારાજ
ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ ‘માનવતા’ [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
આ.સ્વપુર્ણ મહારાજનો સુંદર લેખની આ વાત-‘… ભક્તો, વીચારકો, વીજ્ઞાનીઓ, સર્વે ભાઈ–બહેનો આપણે સૌ સાથે મળી સંવાદથી જે નીશ્ચય નીકળે તે નીર્ણય સમાજને આપવાનો પ્રયત્ન કરીએ.’
ચિંતન-મનન કરી સમાજને દોરવણી આપીએ
LikeLiked by 1 person
શ્રી સ્વપુર્ણ મહારાજના વિચારમંથનનો જે નિશ્કર્સ નિકળ્યો તે ‘ ઇશ્વર – ઘણી‘ ના સ્વરુપે આપણને મળ્યો.
સંપૂર્ણ મનોમંથનનું નિશ્કર્સ. શબ્દે શબ્દ તોલેલો.
આ વિષય ઉપર હિન્દુ પ્રજા અને તેના ઘરોહરો ચર્ચા કરી કરીને ‘ ઇશ્વરઘામ ‘ પહોંચી ગયા અને બીજા ઘરોહરોને જન્મ આપતા ગયા…પરંતું કોઇ કોઇને સમજાવી શક્યુ નથી. વિજ્ઞાનને પોતાના અનુભવી વિચારો છે…વિજ્ઞાનની રીતે મળેલા જ્ઞાનના. ભારત અને હિન્દુ વિચારઘારાઓ કદી….કદાચ છેલ્લા ૫૦૦૦ વરસોમાં આ વિષય ઉપર અેકમત થયા નથી.
સ્વપુસ્ણ મહારાજના આ લેખના બે પેરેગ્રાફો , લેખને વારંવાર વાંચીને સમજવાની ભલામણ કરવાનું મન થયું. જે બનને હું અહિં ઊતારું છું.
૧.
જૂના જમાનાથી ઇશ્વર, સંચાલક, શાસક, સર્જક છેં, અેવી માન્યતાઓ સંસ્કૃતિમાં ઘુસી ગઇ છે. દરેક પોતે સ્વતંત્ર છે……………………..
………………… જે મહાત્માઓ સમજ્યા છે, અેમણે પણ ગોળ – ગોળ વાતો કરી છે. સત્ય સમજાવતાં જનતામાંથી ફેંકાઇ જવાનો ડર લાગ્યો હોય અેમ બની શકે. ( મારો સવાલ : અેટલે શું મહાત્માઓ પોલીટીશીયન હોય છે ? )
૨.
અેકેય વાત નીશ્ચય કરીને કહી શકાય અેમ નથી; કારણ કે અેમા જ આ બઘી વીવીઘતા છે………………….. ……………. …………..આ વીવીઘતામાં મોટામાં મોટો અંશ કોણ હોઇ શકે ? અેનું માપ ન જ થઇ શકે. બળવાન વઘે અને પ્રયત્ન કરે અે જ બળવાન છે. પ્રયત્ન કરવા માટે દરેક સ્વતંત્ર છે.
મને લાગે છે કે જેઓ પોતાને મહાત્મ કે ભગવાન કહેવડાવે છે તે સૌ ઇશ્વર મારો ઘણી છે તે કહેવા માટે બીઝનેસમેન હોઇ શકે….
પૈસો મારો પરમેશ્વર.
( લોકોનું શું તેમને તો સવાલ નહિ કરવાનું બાળપણથી જ શીખવ્વામાં આવેલું છે. અને સવાલ કરે તો સવાલ કરનાર પાપોનો ઘણી થઇને મરે છે. )
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સ્વપુર્ણ મહારાજે ખુબ જ સરળ ભાષામાં, નિષ્પક્ષ ભાવે, સૂક્ષ્મદર્શી જ્ઞાન સાથે, અને વિજ્ઞાન તથા આધુનિક વિચારો સાથે પણ સુસંગત એવા ઉમદા શ્રેષ્ઠ વિચારો રજુ કરીને માનવજાતને સાચી દિશા અને દશા નુ માર્ગદર્શન પૂરું પાડયું છે. માનવજાતના કલ્યાણ માટેના એમના પ્રયત્નોને સૌએ સમજણ પૂર્વક ચિંતન-મનન કરીને સમાજને યોગ્ય જ્ઞાન આપવું રહ્યું.
સ્વપુર્ણ મહારાજે જણાવ્યુ તેમ દરેક પોતે સ્વતન્ત્ર છે અને પ્રયત્ન કરવા માટે દરેક સ્વતન્ત્ર છે. એ મુજબ જીવવું.
આભાર લેખક શ્રી અને ગોવિંદભાઇ નો.
LikeLiked by 1 person