પ્રતીષ્ઠાનો મોહ

પ્રતીષ્ઠાનો મોહ

–કેદારનાથજી

પ્રત્યેક મોહ માણસની ઉન્નતીમાં બાધક અને અવનતીમાં કારણ થાય છે. તેમાંયે માન અને પ્રતીષ્ઠાના મોહની વીશેષતા એ છે કે, તેનાથી થતી અવનતી જલદી તેના ધ્યાનમાં આવતી નથી; માટે તે બાબતમાં સાધકે વધારે સાવધ રહેવું જરુરી છે. આ મોહમાંથી તમારે અલીપ્ત રહેવું હોય તો તમારે તમારા ધ્યેયનું સતત ભાન રાખવું જોઈએ. તમે દેશકાર્યમાં, રાષ્ટ્રકાર્યમાં, સમાજસેવામાં હો તો તમારા સદ્ગુણોને લીધે, સેવાવૃત્તીને લીધે તમારું ગૌરવ કરવાની, તમારું માન–સન્માન કરવાની લોકોને ઈચ્છા થાય એ સહજ છે; પરન્તુ એવે પ્રસંગે તમારું ગૌરવ ન કરાવતાં, પોતે માન ન લેતાં તમારા સદાચરણનું અનુકરણ કરવાનો તમારે તેમને આગ્રહ કરવો અને તેમ કરવામાં તમારું ગૌરવ છે એમ તમારે તેમને સમજાવવું જોઈએ. લોકોના મનમાં તમારા વીશે ખરો આદર હોય તો તેઓ તમારું કહેવું સાંભળશે. તમારે વીશે તેમના મનમાં રહેલા સદ્ભાવનો તેમના કલ્યાણ માટે ઉપયોગ કરવો એમાં ખરી સેવા છે. જો તમારા મનમાં લોકો વીશે ખરો પ્રેમ જાગ્રત હોય, તમે નીરહંકારી હો અને તમે પોતાની ઉન્નતી વીશે સાવધ હોઈ તમારામાં કાર્યદક્ષતા હોય તો જ તમે આ સાધી શકશો; પણ આ સદ્ગુણો તમારામાં નહીં હોય તો માનપ્રતીષ્ઠા અને કીર્તીના મોહમાં તમે વધુ સપડાશો. વખત જતાં તે તમારું વ્યસન થઈ જશે. માનપ્રતીષ્ઠા સીવાય સત્કર્મ કરવાની તમારી બુદ્ધી નાશ પામશે. જે પ્રમાણે વ્યસની માણસને કેફી વસ્તુ મળ્યા વગર કાર્ય કરવાનો ઉત્સાહ આવતો નથી તેવી તમારી સ્થીતી થશે. દરેક સારું કાર્ય કરતી વખતે તમે તમારી પ્રસંશાની રાહ જોતા રહેવાના. તે ન મળે તો તમારા મનમાં ખેદ ઉત્પન્ન થશે. સત્કર્મ પરની તમારી શ્રદ્ધા નાશ પામશે અને માનવતાની તમારી ઉપાસના છુટી જશે. કોઈ તમને માન ન આપે એટલે તે વાત તમને અપમાનની જેમ દુ:ખકર થશે. તેના વીશે તમારા મનમાં ક્રોધ કે તીરસ્કાર ઉત્પન્ન થવાનોયે સમ્ભવ છે. માનની ખોટી ટેવ તમને કેટલે સુધી અવનતી તરફ લઈ જશે તે નક્કી ન કહેવાય. આજ સારાં કામોમાં પડેલા અનેક માણસો પૈકી ઘણા કાર્યો કરવાને અને તે દ્વારા પોતાની ઉન્નતી કરવાને બદલે પોતાની માનપ્રતીષ્ઠા તરફ વધારે ધ્યાન આપે છે. અને તે માટે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે યુક્તીઓ કરે છે, તેમ જ અસત્ય, દમ્ભ, ધુર્તપણું આચરે છે અને બહારથી કાર્યનીષ્ઠા અને નીરહંકારીપણું દાખવે છે. આ બાબતમાં સાવધ નહીં રહો તો તમે પણ તેમના જેવા જ થશો.

માણસ આ મોહમાં એકદમ ફસાઈ જતો નથી. માન આપનાર અને લેનાર બન્નેને આ વાતમાં આનન્દ થાય છે. તેને લીધે તે સ્વીકારતાં આપણે કંઈ ભુલ કરીએ છીએ એવું પ્રથમ તો લાગતું નથી, ઉલટું તેને લીધે આપણે બીજાઓને આનન્દ આપીએ છીએ એમ લાગે છે; પરન્તુ આગળ જતાં એમાં કેટલાં અસત્ય, દમ્ભ અને અન્યાયમાં આપણને પડવું પડે છે એની કલ્પના કોઈને પણ આવતી નથી. માનપ્રતીષ્ઠાની એક વાર ચટ લાગ્યા પછી અને તેનું વ્યસન પડી ગયા પછી માણસની પહેલી સ્થીતી રહેતી નથી. તે દીવસે દીવસે અવનતી તરફ ધકેલાતો જાય છે. સાત્ત્વીકતાથી રહેનારા, ઉન્નતી માટે પુષ્કળ સહન કર્યું હોય છે એવા ભક્ત કોટીના માણસો પણ લોકોએ આપેલી માનપ્રતીષ્ઠાને લીધે અને કીર્તીને લીધે પોતાને ઈશ્વર માનવા લાગે છે. એટલો મદ અને નશો આ મોહમાં છે કે તે થોડા જ દીવસમાં જ માણસને પોતાની મનુષ્યતા ભુલાવી દે છે. ‘હું જ આત્મા છું’, ‘હું જ બ્રહ્મ છું’, ‘હું જ ઈશ્વર છું’ એવું ગમે તેમ અસમ્બદ્ધ તેની પાસે બોલાવે છે. માણસનો અહંકાર, તેનો અવીવેક, તેની અસાવધતા અને માનવતા પરનો તેનો અવીશ્વાસ આ જ તેનાં કારણો છે. પોતા વીશેના લોકોના આદરને લીધે તેનો અહંકાર પોષાતો જાય છે, તેને ઉત્તેજન મળે છે. તે અહંકારમાંથી મદ, મદમાંથી નશો, નશામાંથી બુદ્ધીભ્રંશ અને તેને લીધે બધા અનર્થો થાય છે. આ મોહમાં રહેલો મદ અને નશો ઉગ્ર ન હોય તોયે તે આપણી મતી અને વીવેકને બધીર કરી નાખે છે એમાં શંકા નથી.

આ મોહમાં માણસ સપડાય એટલે પહેલી વાત એ બને છે કે તેની સત્ય પરની શ્રદ્ધા ઓછી થાય છે. પોતામાં હોય તે ગુણો સાથે, ન હોય તે ગુણો પણ પોતામાં છે એમ બતાવવાની વૃત્તી થાય છે. તે ગુણો વીશે લોકો પ્રશંસા કરે તો તેને સારું લાગે છે. ઈશ્વરનો ભક્ત કહેવડાવનારો પણ પોતાનામાં ન હોય એવી ચમત્કારની શક્તી પોતામાં છે એવો ભાસ કરાવે છે અથવા તેવી શક્તી છે એમ લોકો કહેવા લાગે એટલે તે તેને માન્ય કરે છે. તે આ મોહમાં ફસાઈ જાય છે. પોતામાં ન હોય એ ગુણો વીશે પોતાની પ્રસંશા સાંભળવાની ટેવ પડ્યા પછી બીજાઓના તે ગુણોની પ્રસંશા સાંભળતાં જ તેને  ઈર્ષ્યા ને મત્સર થવા માંડે છે. તેમના પર કેટલુંક દોષારોપણ કરવાનો તે પ્રયત્ન કરે છે. આ રીતે સત્ય છુટી ગયા પછી, એક પછી એક અનુચીત બાબત તેના તરફથી થવા લાગે છે. ખરું જોતાં ધનવાન, ઉદાર કે પરોપકારી હોય છે એવું પણ નથી. એટલું જ નહીં પણ તેના દાનમાં દયાવૃત્તી હોય છે એવું પણ નથી. તે જ પ્રમાણે રાષ્ટ્રકાર્ય કરનારાઓમાં વ્યાપક રાષ્ટ્રભાવના હોય છે જ એવું નથી. તીર્થયાત્રા કે ભજનપુજન કરનારામાં ઈશ્વરી પ્રેમ, માનવપ્રેમ અને ભુતદયા હોય છે જ એમ નથી. આ પરથી આપણે સમજવું જોઈએ કે, ગીતા પર વ્યાખ્યાન આપવું અને આધ્યાત્મીક જ્ઞાન હોવું એમાં ફેર છે. અવીવાહીત સ્થીતી અને બ્રહ્મચર્ય અવસ્થા એમાં ફેર છે. હીમાલય અને એકાંતવાસનો જ્ઞાન સાથે સમ્બન્ધ છે જ એવું નથી. બળસમ્પન્ન હોવું અને પવીત્રતા સાધવી એમાં ઘણો ફરક છે. સાધુતા અને તે માટે અલગ વેશ–એનો કશો સમ્બન્ધ નથી. આમ હોવા છતાં આ બાબતમાં શ્રદ્ધાળુપણાથી લોકો ફસાઈ જાય છે અને જાણીબુજીને તેમને ફસાવવામાં પણ આવે છે. જે સત્યનો ઉપાસક છે તે ગુણો વીશે નીરહંકાર રહે છે અને પોતાનામાં ન હોય તે ગુણોનો કદી ભાસ કરાવતો નથી. તેને પ્રતીષ્ઠા કરતાં સત્ય અને માનવતા અનેકગણી શ્રેષ્ઠ લાગે છે.

તમે બાહ્ય વેશથી કે ઉન્નતીને જરુરી ન હોય એવા એકાદ વ્રત કે નીયમથી પોતાની વીશેષતા દાખવવાનો પ્રયત્ન કરશો. તમારામાં સાદાઈ અને વ્યવસ્થીતતા હોવી જોઈએ. આરોગ્ય અને સ્વચ્છતાને તમે મહત્ત્વ આપો. સદ્ગુણ અને સદાચારને લીધે જે સ્વાભાવીક વીશેષતા તમારામાં જણાય તેના કરતાં બીજી કોઈ પણ વીશેષતાનું તમારા કલ્યાણની દૃષ્ટીથી તમારા મનમાં મહત્ત્વ ન હોવું જોઈએ. વીશેષતાથી માણસમાં જુદાપણું દેખાય છે. જુદાપણાને લીધે લોકોમાં તેને વીશે કોઈ ભાવ નીર્માણ થાય છે. તેટલા માટે કોઈ પોતાની વીશેષતા બાહ્ય વેશથી, કોઈ ભાષણ કરીને અને કોઈ કંઈ સંકેતથી બતાવે છે. કદાચ તેમાં તેમનો પહેલો હેતુ નીરહંકારનો અને સાવધતાનો હોય; છતાં આગળ જતાં ધીરે ધીરે દમ્ભ અને અહંકારની વૃદ્ધી થાય છે. એકંદરે ઉન્નતીની દૃષ્ટીએ એવી વીશેષતાનો કશો ઉપયોગ નથી, ઉલટું માનપ્રતીષ્ઠામાં તેનો ઉપયોગ થાય છે.

કદાચ તમારા પૈકી કોઈ આગળ જતાં કાળાંતરે શ્રેષ્ઠ થાય અને તેનો રૌપ્ય ને સુવર્ણ મહોત્સવ ઉજવવાનોયે પ્રસંગ આવે. તે વેળાએ તેને સાવધપણે ટાળવામાં જ તેનું અને બીજાઓનું પણ કલ્યાણ છે. નહીં તો તે નીમીત્તે તેનો માનપ્રતીષ્ઠાનો મોહ જાગ્રત થશે. લોકેચ્છાને માન આપવાના બહાના નીચે અને નીરહંકારના ભ્રમ પર તે માટે તે તૈયાર થશે અને છેવટે તેમાં સપડાશે. ત્યારે તેને કોઈ જાગ્રત કરવા લાગે તો તે તેને શત્રુ જેવો લાગશે. તેને પોતાની ઈર્ષ્યા અને મત્સર થાય છે વગેરે વગેરે કહેવામાં તે પાછો પડશે નહીં; કારણ કે અહંકાર જાગ્રત થયા પછી વીવેક રહેવો કઠણ છે. આપણે જો સદાચરણી હોઈએ, તે પર આપણી નીષ્ઠા હોય, માનવજાતીનું તેમાં કલ્યાણ છે એવી આપણી ખાતરી હોય, તો આપણે માનપ્રતીષ્ઠાના મોહમાં કદી પડીશું નહીં. સદાચરણને લીધ આપણામાં જે બળ નીર્માણ થતું જશે, જે શુદ્ધી વધતી જશે તેનો ઉપયોગ બીજા કોઈ પણ કામમમાં ન કરતાં સદાચારનું બળ અને શુદ્ધી વધારવામાં આપણે કરતા રહીશું. માનવતા પર વીશ્વાસ અને સાવધાનતાને લીધે આપણે આ જ આચરતા રહીશું. અહંકારમાં માનવતાનું ગૌરવ ન હોઈ તેની વીડમ્બના છે. ધન, વીદ્યા, બળ, યૌવન, સૌંદર્ય, કળા, સત્તા, એટલું જ નહીં પણ ઈશ્વર–ભક્તી ને જ્ઞાનને નીમીત્તે પણ જીવમાં રહેલો અહંકાર જાગ્રત થઈને વધતો હોય છે. લોકાદરથી તે પોષાતો જાય છે; પણ આપણે એ બધું ઓળખીને સ્પષ્ટપણે સમજવું જોઈએ કે લોકોની હોંશ ખાતર આપણે ભુલભરેલા માર્ગે લોકરંજનમાં ન પડવું જોઈએ. લોકો આજ આપણને ઈશ્વર બનાવશે અને તેમાંથી આનન્દ મેળવશે તો કાલે આપણું પતન થતાં નીંદા કરીને તેમાંથી પણ આનન્દ મેળવશે અને સમજો કે તેઓ આપણી નીંદા ન કરે અને છેવટ સુધી તે આપણા પ્રશંસક અને પુજક રહે તો તેને લીધે તેમનું કે આપણું કયું કલ્યાણ સધાશે? એકબીજામાં ન હોય એવા ગુણોની પ્રશંસા કરતા રહી કે દોષ સહન કરતા રહી બધાને દમ્ભી બનાવવામાં કોનું કલ્યાણ સધાવાનું છે? આ બધી બાબતોનો વીચાર કરીને તમારે અહંકારથી દુર રહેવું જોઈએ. ચીત્ત હમ્મેશ શુદ્ધ રાખીને પોતાની માનવતા વધારવા માટે સદ્ગુણોનો આગ્રહ રાખવો એ જ પોતાના જીવનનું કાર્ય છે એમ તમારે સમજવું જોઈએ. જીવનનું ખરું મહત્ત્વ તમને સમજાયા પછી અને જીવનનો શુદ્ધ આદર્શ તમારા ગળે ઉતર્યા પછી તમે કોઈ પણ મોહમાં પડશો નહીં. કુદરત પર તમારી નીષ્ઠા હશે તો તે તમને બધા મોહમાં, વીધ્નમાં અને સંકટમાં સાવધ રાખશે અને તમને માનવતાની સીમા પર્યન્ત લઈ જઈ પહોંચાડશે એમાં મને શંકા લાગતી નથી.*
––––––––––––––––––––––––––––––––––––––
* પ્રવચન.

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/-(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને દર સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

5 Comments

 1. મા. કેદારનાથજીની આપણા સૌમા રહેલી નબળાઇ વિષે ધ્યાન દોરે છે તે– ‘એકબીજામાં ન હોય એવા ગુણોની પ્રશંસા કરતા રહી કે દોષ સહન કરતા રહી બધાને દમ્ભી બનાવવામાં કોનું કલ્યાણ સધાવાનું છે? આ બધી બાબતોનો વીચાર કરીને તમારે અહંકારથી દુર રહેવું જોઈએ. ચીત્ત હમ્મેશ શુદ્ધ રાખીને પોતાની માનવતા વધારવા માટે સદ્ગુણોનો આગ્રહ રાખવો એ જ પોતાના જીવનનું કાર્ય છે એમ તમારે સમજવું જોઈએ. જીવનનું ખરું મહત્ત્વ તમને સમજાયા પછી અને જીવનનો શુદ્ધ આદર્શ તમારા ગળે ઉતર્યા પછી તમે કોઈ પણ મોહમાં પડશો નહીં. કુદરત પર તમારી નીષ્ઠા હશે તો તે તમને બધા મોહમાં, વીધ્નમાં અને સંકટમાં સાવધ રાખશે અને તમને માનવતાની સીમા પર્યન્ત લઈ જઈ પહોંચાડશે એમાં મને શંકા લાગતી નથી.’
  અઘરું તો છે પણ થાય તેટલા પ્રયત્ન જરુર કરવા જ જોઇએ .

  Liked by 1 person

 2. શ્રી કેદારનાથજીઅે સરસ અને માનસિક નબળાઇઓથી ભરેલો, માનવસાયકોલોજીનો પ્રશ્ન ચર્ચા માટે લીઘો છે.
  પ્રતીષ્ઠાનો મોહ….
  માન, પ્રતીષ્ઠા…મોટાઇ, ફોલોઅર્સ….હાં જી હાં ના સંગીતને સાંભળવાનો મોહ લાગુ પડે છે. અંગ્રેજીમાં અેક સરસ વાક્ય છે જે માણસને , પોતાની જાતને ઓળખવાની સલાહ આપે છે. અેકવાર માણસ પોતાની જાતને ઓળખી લે પછી તે મોહ, માયા, પ્રતિષ્ઠાની પાછળ ગાંડો નહિ થાય…..તે વાક્ય છે……
  ” THE GREATEST CHALLANGE IN LIFE IS DISCOVERING WHO YOU ARE.”
  ” THE SECOND GREATEST IS BEING HAPPY WITH WHAT YOU FIND.”
  નિકોલસ બોઇલોઅે સુંદર વાત કહી છે….‘ દરેક મૂર્ખને અેની પ્રશંસા કરવા માટે વઘારે મોટો મૂર્ખ મળી જ રહે છે.‘
  સોક્રેટીસે કહ્યુ હતું કે, ‘ સંતોષ કુદરતી દોલત છે. જ્યારે અૈશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.‘
  સંતોષ…ઉર્ફે તૃપ્તિ…..હંમેશા મોહ, માયા, તરસ, નામન, પ્રતિષ્ઠા,, ને દૂર રાખે છે.
  સુરેન ઠાકર ‘ મેહુલ‘ સરસ વાત કરે છે….. ‘ દુનિયા જરુર પૂજતે અમને ઝુકી ઝુકી… અફસોસ કે ખરાબ થતાં આવડયુ નહી.‘
  મોહનો ગુલામ નહિ થવાના પણ વાળો કેવો હોય તે અહિં લખાયુ છે…..
  સર્વેત્ર સુખિન સન્તુ,
  સર્વે સન્તુ નિરામયા:
  સર્વે ભદ્રાણિ પશ્યન્તુ
  મા કશ્યતિ દુ:ખમાપ્નુયાત.
  આ જગમાં સહુ સુખી થાઓ, સહુ નિરોગી રહો,
  સહુ કલ્યાણને જુઓ, કોઇ પણ પ્રાણિ દુ:ખ ના પામો.

  અને આ સદ્કર્મ ત્યારે જ કરી શકો જ્યારે તમે નિર્મોહિ હો………
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 3. Bhaishree bahu j sachi ane sachot tatvik vat kari chhe apne . Ani pahela pan maro ek pratibhav hato k apne saday ek ek pal yad rakhvanu chhe k ek virat param chaitnya shakti na apne ansh chhe . Param pita prabhu na apne sau santan chhea . Jena pita atla shaktishali hoi enu santan ek satoguni atma j hoi . Etle ishavarne sakhibhave je pan karya kariye ema yas k apyash male to prabhu ni krupa samjvani to jivanparyant apne samtol ne shrhitpragna rite jivi shakiye . Astu 🙏

  Liked by 1 person

 4. માણસને કેફી વસ્તુ મળ્યા વગર કાર્ય કરવાનો ઉત્સાહ આવતો નથી તેવી તમારી સ્થીતી થશે….આ વિચાર કલાકારો અને સાહિત્યકારો માટે સચોટ છે.
  ઘણી વખત માન સન્માનને નકારનાર પણ અહંકારી હોય છે. જે મળે તે સહજ-સરળરીતે સ્વીકારનાર સ્થીર ભાવને પામેલા છે.
  સરયૂ પરીખ

  Liked by 1 person

 5. How true? This kind of admonition are spoken and written by Kedarnathji and a few others like him, who were conscientious and awakened thinkers and not like most of the Gujarati language writers, who run around and form a queue to get certificate and trophy from a kathakar. Either they follow such people in the field of religion or politics or I praise of highly rich people.
  What kind of literature, they are going to give to the people.
  Everywhere there is completion to get the name, respect on the stage, trophy and medal.
  Shame on such.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s