‘વીસ્મૃતી’ – પોતાની જાતને જ ભુલી જતાં વ્યક્તી દર્દનાક સંજોગોમાંથી મુક્ત બને છે

‘વીસ્મૃતી’ – પોતાની જાતને જ ભુલી જતાં
વ્યક્તી દર્દનાક સંજોગોમાંથી મુક્ત બને છે

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

સામાન્ય સંજોગોમાં ભુલકણાપણાંની ફરીયાદ મોટાભાગના લોકો કરે છે. પરીક્ષાર્થી એવું કહે છે કે વાંચેલું કંઈ યાદ નથી રહેતું. નોકરી કરતો માણસ મહત્ત્વની ફાઈલ ક્યાં મુકી એ ભુલી જાય છે. ધંધાર્થી મહત્ત્વના શૅર સર્ટીફીકેટ્સ કે કાગળો આડે હાથે મુકાઈ ગયાની ફરીયાદ વારંવાર કરે છે, જ્યારે ગૃહીણીઓને ઘરની રોજીંદી વપરાશની ચીજવસ્તુઓ વારંવાર શોધવી પડે છે. ભુલકણાપણું એક માનવસ્વભાવ છે. કયારેક તેનું પ્રમાણ વધી જાય તો વ્યક્તી એવું માને છે કે તેનું મગજ નબળું પડી ગયું છે; પરન્તુ ક્યારેક એવું પણ બને છે કે વ્યક્તી પોતાનાં સંતાનોને, પતીને, નજીકનાં સગાંઓને, એટલું જ નહીં પણ પોતાની જાત સુધ્ધાંને ભુલી જાય છે ત્યારે આ વીસ્મૃતીને મેલીવીદ્યા કે વળગાડનું પરીણામ માનવા લોકો પ્રેરાય છે.

સુવર્ણા એક સુખી ઘરની પુત્રવધુ છે. એક સવારે તે એકાએક તેના પતીને કહે છે… ‘અરે ભાઈ, તમે કોણ છો? કેમ આ રીતે મારી પાસે બેસી ગયા છો? તમે મને અહીંયાં શા માટે લાવ્યા છો? આ માજી શા માટે મારા કપાળ પર હાથ ફેરવે છે? આ બે બાળકો કોણ છે? તેઓ શા માટે રડે છે? હું તમારામાંથી કોઈનેય ઓળખતી નથી કે મેં તમને કોઈનેયે પહેલાં કયાંય જોયા નથી…!! તો પછી તમે બધાં મારી આજુબાજુ આ શું કરો છો?’

સુવર્ણા બે સંતાનોની માતા પણ છે; પરન્તુ તે આ બન્નેય બાળકોને પોતાનાં સંતાનો તરીકે સ્વીકારવાની ના પાડે છે. એટલું જ નહીં પણ તે તો કહે છે કે ‘હું કુંવારી છું… હમણાં મારા પપ્પા તેમની સાથે સ્કુટર પર પાછળ બેસાડીને મને લઈ જશે… હા.. મારા પપ્પા મને રોજ કૉલેજ પર મુકવા આવે છે… તે… મને ડૉક્ટર બનાવવા માંગે છે… અને હું ખુબ જ મહેનત કરી ડૉક્ટર બનવાની છું…’

સુવર્ણાના સાસરીયાં તેની આવી વાતો સાંભળીને અકળાઈ ઉઠે છે. તેના ઉપર કોઈએ મેલીવીદ્યા અજમાવી હોય એવું માને છે. જ્યારે તેનો સહૃદયી અને પ્રેમાળ પતી સુવર્ણાની આવી પરીસ્થીતી જોઈ બેબાકળો બની જાય છે.

સુવર્ણાને આવેલ વીસ્મૃતીનો હુમલો મન્ત્ર–તન્ત્ર અને દોરા–ધાગા–તાવીજથી ન મટતાં તેની મનોચીકીત્સા કરાવાઈ, જેમાં તેની વીસ્મૃતી વળગાડ નહીં; પણ માનસીક બીમારી છે એવું નીદાન કરતાં પહેલાં નીચે પ્રમાણેની સારવાર–પદ્ધતી અખત્યાર કરાઈ. સુવર્ણા શા માટે બધું જ ભુલી ગઈ? તે સમજવા માટે તેનો પુર્વ ઈતીહાસ જાણવો જરુરી હતો. પીતાની તે અત્યંત લાડકી દીકરી હતી અને તેનાં બધાં જ અરમાનો પુરાં કરવા પીતા હમ્મેશાં તત્પર રહેતા. પીતાની ઈચ્છા તેને એક ડૉક્ટર બનાવવાની હતી, પરન્તુ યુવાનીના ઉમ્બરે સુવર્ણા એક યુવકના મોહપાશમાં જકડાઈ જતાં અભ્યાસમાં બેધ્યાન બની જવાથી ડૉક્ટર બની શકતી નથી. જો કે તેનું પ્રેમ–પ્રકરણ ઝાઝા હરખ–શોક વગર જ પુરું થઈ ગયું; પરન્તુ પોતે ડૉક્ટર બની પીતાની ઈચ્છા પુરી ન કરી શકી તેનો વસવસો તેના મનમાં રહી ગયો હતો. પોતાની આ અધુરપ પુરી કરવા સુવર્ણા ડૉક્ટર યુવાન સાથે જ પરણવા માંગતી હતી. પરન્તુ સંજોગવશાત્ તેનાં લગ્ન એક ખુબ જ સંસ્કારી અને સુખી કુટુમ્બના એક રાષ્ટ્રીયકૃત બૅન્કમાં સારો હોદ્દો ધરાવતા મોહક યુવાન સાથે થયાં.

સુવર્ણા સ્વભાવમાં મૉર્ડન છે. પતી–પત્ની મીત્રની જેમ રહે અને જીવનભર પ્રેમ કરતાં રહે તેવો તેનો ખ્યાલ છે. સુવર્ણ હરવા–ફરવાની પણ શોખીન છે અને તેણીનો પતી આધુનીક વીચારસરણીનો હોય તેમ ઝંખે છે. જ્યારે વાસ્તવીકતામાં તેનો પતી શાંત અને સરળ સ્વભાવનો છે. ઔપચારીકતા, મોજશોખ અને ભપકાથી તે દુર રહે છે. દામ્પત્યજીવનના મોજશોખ તેને છીછરા અને અર્થહીન લાગે છે અને પોતાની પત્ની આદર્શ ભારતીય સન્નારીની પરમ્પરાઓને જાળવી રાખે તેવું ઈચ્છે છે. આ કારણે સુવર્ણા પોતાની કલ્પના પ્રમાણેનું દામ્પત્યજીવન જીવી શકતી નથી. પતી–પત્ની વચ્ચે અવારનવાર ચકમક ઝરે છે. સુવર્ણાના મનના અસંતોષની સાથે દામ્પત્યજીવનનાં આઠ વર્ષ પસાર થઈ જાય છે.

લગ્નનાં આઠ વર્ષ બાદ સંજોગવશાત્ સુવર્ણાને સંયુક્ત કુટુમ્બમાં રહેવાનું થાય છે. હવે સાસુ–સસરા તેમ જ જેઠાણી સાથે તેને અવાર–નવાર બોલાચાલી થાય છે. આવા સંઘર્ષો ક્યારેક ઉગ્ર બોલાચાલીમાંથી મારામારી સુધી પહોંચી જાય છે, જે સુવર્ણાની કલ્પનાથી વીપરીત છે. એક દીવસ સુવર્ણા અને તેના બીમાર સસરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. ત્યાર બાદ સસરા વધારે બીમાર પડવાથી તેમને તાત્કાલીક હૉસ્પીટલમાં ખસેડવા પડે છે. થોડા દીવસો પછી તેઓ મૃત્યુ પામે છે. સસરાના મૃત્યુના સમાચારથી સુવર્ણા ડઘાઈ જાય છે. મનથી તે એમ જ માને છે કે સસરાના મૃત્યુ માટે પોતે જ જવાબદાર છે.

અને બીજે જ દીવસે સવારે સુવર્ણા પોતાની ઓળખ ખોઈ બેસે છે.. અને ‘પેલા ભાઈ કોણ છે? આ છોકરાં કોનાં છે?’ …અને પોતે કોણ છે તે ભુલી જાય છે. એટલે સુધી કે તે પોતાનું નામ સુધ્ધાં ભુલી જાય છે.

આવું વર્તન તે જાણી જોઈને કરતી નથી; પરન્તુ યુવાવસ્થાની અતૃપ્ત ઈચ્છાઓ, દામ્પત્યજીવનનો અસંતોષ, સંયુક્ત કુટુમ્બમાં સાસરીયાંઓ સાથેની બોલાચાલી અને બીમાર સસરા સાથેના છેલ્લા ઝઘડા પછી તેમનું થયેલું મૃત્યુ સુવર્ણાના મનમાં દોષત્વની ભાવના પેદા કરે છે. આ બધાં જ કારણોને લીધે તેના અંતરમનમાં જાગેલા ભયાનક તોફાન અને અસહ્ય માનસીક તનાવ સહન ન થતાં તે પોતાનું અસ્તીત્વ જ ભુલાવી દે છે. ‘સુવર્ણા’ને સુવર્ણાની જ વીસ્મૃતી થઈ જાય છે.

આ એક પ્રકારનો માનસીક રોગ છે અને તે DISSOCIATIVE REACTIONનો એક ભાગ ગણાય છે અને ‘AMNESIA’ અર્થાત. ‘વીસ્મૃતી’ તરીકે ઓળખાય છે.

ગૃહીણીઓમાં આવી વીસ્મૃતી વધારે પ્રમાણમાં જોવા મળે છે. એવું ઘણીવાર બને છે કે એક ખુબ જ હોશીયાર વીદ્યાર્થીની લગ્ન બાદ ભુલકણી અને ડફોળ થઈ જાય છે. કયારેક અચાનક માનસીક આઘાત લાગે ત્યારે વીસ્મૃતી થઈ જાય છે. સામાન્ય રીતે વ્યક્તીની ઓછી સહનશક્તી, અતૃપ્ત–ઈચ્છાઓ દ્વારા જગાવાતો સંતાપ, ચીંતા–દુઃખ અને હતાશા ઉપજાવે તેવા તદ્દન વીપરીત બાહ્ય સંજોગો, અંતરમનની મુંઝવણ અને આવી પડેલા સંજોગોને જીરવવાની અને તેની સાથે અનુકુલન સાધવાની વ્યક્તીની અશક્તી ‘વીસ્મૃતી’ માટે જવાબદાર હોય છે.

મનોવૈજ્ઞાનીકોના મત પ્રમાણે ચીંતા અને પીડા ઉપજાવે તેવા સભાન મનના પ્રસંગોને માનસીક શક્તી દ્વારા અભાન મનમાં ધકેલી દેવાની કે દબાવી દેવાની પ્રક્રીયાથી ટુંકા ગાળા માટે વીસ્મૃતી પેદા થાય છે. આમ છતાં વ્યક્તી થોડા સમય માટે દર્દનાક વર્તમાન સંજોગોમાંથી મુક્ત બને છે અને તેની માનસીક સમતુલા જાળવી શકે છે. ઉપરના ઉદાહરણમાં મનની વીવીધ મુંઝવણોથી ત્રસ્ત સુવર્ણા આખરે પોતાને કારણે જ સસરાનું મૃત્યુ થયું છે તેવા ભયાનક ખ્યાલને દબાવવા અભાનપણે વીસ્મૃતીમાં સરી પડે

સામાન્ય રીતે આવી વીસ્મૃતી થોડા કલાકો ચાલે છે; પરન્તુ તેનો યોગ્ય મનોપચાર ન થાય તો વધારે સમય માટે લંબાય છે અને તેના હુમલા અવારનવાર પણ આવે છે. આધુનીક મનોચીકીત્સા પદ્ધતીથી આ રોગ મટાડી શકાય છે.

જો કે આ રોગ સ્ત્રીઓને જ થાય છે તેવું નથી. રોડ એક્સીડન્ટ પછી માથામાં ઈજા થઈ હોય ત્યારે પણ આ રોગ જોવા મળે છે. તદ્ઉપરાંત લશ્કરના સૈનીકોમાં આ રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.

ડીસોસીએટીવ રીએકશનનું એક બીજું સ્વરુપ જે ‘ફયુગ’ (FUGUE)નામે ઓળખાય છે. તેમાં વ્યક્તીને પોતાની જાત વીશે તદ્દન વીસ્મૃતી થયા પછી તે ખુબ દુર અજાણ્યા સ્થળે દીવસો અને મહીનાઓ સુધી ફર્યા કરે છે અને આ દરમીયાન તેને પોતાની પાછલી જીંદગી યાદ આવતી નથી. પરન્તુ તે તદ્દન નવા નામ અને નવી ઓળખમાં સામાન્ય રીતે વર્તન કરે છે અને કોઈને આવી વ્યક્તીનું વર્તન વીચીત્ર લાગતું નથી. એક અમેરીકન સેનેટર ફયુગ રીઍક્શન દરમીયાન કેલીફોર્નીયાથી દુર ટેક્સાસ જઈ ત્યાંના એક ગામડામાં એક સામાન્ય ખેડુત તરીકે નવા નામ સાથે લગભગ આઠેક આઠ મહીના રહ્યાં હતાં – આઠ મહીના બાદ એક વ્યક્તીએ સેનેટરને ઓળખી કાઢ્યા, ત્યારે તેમને પોતાના વીશે કંઈ જ યાદ આવતું નહોતું. મનોચીકીત્સા બાદ તેની સ્મૃતી પાછી ફરી અને ફરીથી પોતે સેનેટર છે એનું તેમને ભાન થયું; પરન્તુ આ સાથે જ તેમને ખેડુત તરીકે અમુક નામ સાથે અમુક જગ્યાએ વીતાવેલા સમયની સમ્પુર્ણપણે વીસ્મૃતી થઈ જાય છે.

હા… માનવીનું મન અત્યંત જટીલ છે. મારી કેસ–ફાઈલમાંથી વીવીધ માનસીક સમસ્યાઓની ચર્ચા આ પુસ્તકમાં કરી છે, જે તમને તમારા મનની નાની–મોટી સમસ્યાને સમજવામાં અને તેને ઉકેલવામાં પણ મદદ કરશે. જેમ કોઈ એવું ઘર નથી જ્યાં કોઈ એક વ્યક્તી ક્યારેય મરણ ન પામી હોય ‘તેમ કોઈ એવું મન નથી જેને કોઈ સમસ્યા ન હોય.’ હા, આવી સમસ્યા કોઈ એકની નહીં પણ સહુ કોઈની છે. વીષયો અને પ્રકારો બદલાતા રહે એ શક્ય છે. એટલે જ આવી સમસ્યાઓની વૈજ્ઞાનીક સત્યતાથી વાકેફ બની આવી સમસ્યાને વળગાડ કે મેલીવીદ્યાનું સ્વરુપ માની મનોચીકીત્સામાં થતો વીલમ્બ અટકાવવો અત્યન્ત જરુરી છે.

ન્યુરોગ્રાફ

પુર્વ અમદાવાદની શાળામાં શીક્ષક તરીકે નોકરી કરતા અને સેટેલાઈટ વીસ્તારમાં રહેતા એક શીક્ષકનો પત્ર છે : ‘મારે વહેલી સવારે સ્કુલે જવા માટે આંબાવાડી વીસ્તારમાંથી નીકળવું પડે છે અને સ્વ. ગીતાબહેન રાંભીયાની ખાંભી આગળથી પસાર થવું પડે છે. એ સમયે ક્યારેક ગીતાબહેન મારા સ્કુટરની પાછલી ખાલી સીટ પર બેસી જાય છે. મને સ્કુટર ચલાવવામાં ભાર લાગે છે. હું બૅલેન્સ ગુમાવી કયારેક અકસ્માત કરી બેસું છું. મને આ કારણે સંખ્યાબંધ વખત વાગ્યું છે. શું મારો આ અનુભવ પ્રેતશક્તીના અસ્તીત્વને સાબીત કરવા પુરતો નથી ‘

જી… ના… જો સ્વર્ગનું અસ્તીત્વ હોય તો ગીતાબહેનનો આત્મા ત્યાં જ હોય. તમે મનોચીકીત્સા કરાવો અને ત્યાં સુધી તમારો રસ્તો બદલી નાંખો; પણ પ્રેતાત્માની ભ્રમણામાંથી બહાર નીકળી જાવ.

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101/ +91 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/   ઈ–મેલ : connect@drmrugeshvaishnav.com

ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212મુલ્ય : રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

6 Comments

  1. ખરેખર મન ખુબ જ જટીલ છે. જ્યાં કશું પણ ન હોય ત્યાં એ આબેહુબ કશુંક કલ્પીને એને સત્ય રુપ આપી આપણને અનુભવ પણ કરાવે છે, જે પેલા શીક્ષકના સ્કુટર પર બેસી ગયેલાં ગીતાબહેનના ઉદાહરણથી ખબર પડે છે. આ પ્રમાણે ઘણા પ્રકારની કલ્પના કરીને મન આપણને જાણે એ પ્રત્યક્ષ છે એવો અનુભવ કરાવે છે. એની પાછળ જુદાં જુદાં કારણો હોય છે. જો કે હજુ કદાચ વીજ્ઞાનની અન્ય શાખા જેટલો મનોવીજ્ઞાનનો વીકાસ થયો નથી, પણ જે માહીતી ડૉ. મૃગેશ વૈષ્ણવ તરફથી આપવામાં આવી છે તે બહુ જ મુલ્યવાન છે. આ માટે ગોવીન્દભાઈ આપનો તથા ડૉ. મૃગેશ વૈષ્ણવનો હાર્દીક આભાર.

    Liked by 1 person

  2. Thank you for this Article, Dr. Vaishnav and Govindbhai for sharing it.
    Our Brain; the Mother~board or the Hard Drive as call it, is very powerful yet very sensitive.

    It’s about time, we, as the so called Literate Group bring this subject of ‘forgetting’ out into the open. Yes, I agree this condition can affect anyone at any age but our Culture hides it under the carpet and don’t want to talk about it openly. Very much like my ‘Blindness’ which is still frowned upon when I visit my Homeland! But that’s another Story.

    Coming back to the topic mentioned int he Article, this is not a Modern Disease, it has been prevalent over the Centuries in our World.
    It’s very common now and may be called by different names but all connected to Mental State! It’s not Black Magic either.

    Dementia is a general term for loss of memory, language, problem-solving and other thinking abilities that are severe enough to interfere with daily life. Alzheimer’s is the most common cause of dementia.

    I am not qualified to analyse anything about this Condition. I have only witnessed some people go through the pain. The relatives of the affected person can’t help nor they can do anything except consider Medical help. We have many Organisations that support such people and treat them with great respect !

    Finally, let’s respect all and make this World an Inclusive place.
    We only One Life!

    Liked by 1 person

    1. ડૉ. મૃગેશ વૈષ્ણવનો લેખ ‘‘વીસ્મૃતી’ – પોતાની જાતને જ ભુલી જતાં વ્યક્તી દર્દનાક સંજોગોમાંથી મુક્ત બને છે’ને આપશ્રીના બ્લૉગ ‘માનવધર્મ’ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..

      Like

  3. ડૉ. મૃગેશ વૈષ્ણવનો ‘વીસ્મૃતી’ અને ડીસોસીએટીવ રીએકશનનું એક બીજું સ્વરુપ ‘ફયુગ’ અંગે ખૂબ સ્ રસ માહિતી. આ રોગનો થોડા ઘણા અંશે આપણામાંથી ઘણા ખરાને અનુભવ થયો હશે.આવા રોગમા આયુર્વેદની સારવારથી મટાડાતી અમે જોઇ છે.
    દવાઓમાં તમે બ્રાહ્મી, શંખપુષ્પી, મેધ્યા, સારસ્વતચૂર્ણ, માલકાંકણીની જેવી અનેક દવાઓ છે. પણ નિષ્ણાંતની સલાહ પ્રમાણે જ લો .આમા એલોપથી દવાઓ કરતા ઓછી આડાસર હોય છે.
    વાયુના વિકારથી થતો આ રોગમા ક્રર્ણપૂરણ શિરોભ્યંગ, નસ્ય અને વરસમાં એકાદવાર શિરોબસ્તિ કે શિરોધારાનો કોર્સ કરવાથી વિસ્મૃતિ મા ઘણા સારા પરીણામ જોયા છે.આંતરડાંઓ – ખાસ કરીને મોટા આંતરડાંની શુધ્ધિ. આયુર્વેદની બસ્તિઓ એ વિસ્મૃતિની શ્રેષ્ઠ સારવાર છે.
    કેટલા એલોપથી સારવાર સાથે તેમની સલાહ પ્રમાણે ક્રર્ણપૂરણ શિરોભ્યંગ, નસ્ય શિરોબસ્તિ , શિરોધારાનો અને મોટા આંતરડાંની શુધ્ધિથી પણ કરાવે છે.
    સાંપ્રતસમયે આવા વ્યાધિની સારવાર પોષણક્ષમ્ય બનાવાય તો સાધારણ સ્થિતીવાળા રોગી પણ સારવાર કરાવી શકે.ગન ફાયરીંગમા બચાવપક્ષ આવા માનસિક રોગને કારણ બતાવે છે પણ હવે પોષણક્ષમ્ય સારવાર અંગે વિચારવું વધુ જરુરી છે.

    Liked by 1 person

  4. વીસ્મૃતી : વીસરવું, વિસારવું, સ્મૃતિભ્રંશ, Loss of Memory…..વિ.વિ.
    સ્મૃતિ : સ્મરણ, યાદ, રીકલ્ેક્શન, વારંવાર યાદ આવે તે….
    લેખની શરુઆતમાં ડો.મૃગરશ વૈષ્ણવે જે દાખલાઓ આપ્યા તે બઘા યુવાનીના બીઝી દિવસો દરમ્યાનમાં થતી વીસ્મૃતીના દાખલા હોઇ શકે. જે ટેમ્પરરી હોય છે. અને જેમ જેમ ઉમર વઘે ત્યારે ટેમ્પરરી કે લાંબાં સમય માટે થતી વીસ્મૃતી હોય છે.
    પરંતું જે વીસ્મૃતીની (અેમ્નેશીયા) વાત લેખના વિષય તરીકે આવે છે ત્યારે સુવર્ણા જેવી પરિસ્થિતિ બને છે.
    પ્રજ્ઞાગુઅે આયુર્વેદમાં જે સારવાર આપવામાં આવે છે તેની વિગતો સરસ સમજાવી છે. અેલોપથીમાં કેવી સારવાર આપીને રોગ દૂર કરવામાં આવે છે તે નથી સમજાવ્યુ. લશ્કરમાંથી આવેલા સૈનિકને થતા અેમ્નેશીયાના મૂળ કારણો કયા હોઇ શકે ?
    ડો. વૈષ્ણવ અને ગોવિંદભાઇનો આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment