પાંચ રુપીયાવાળા ડૉક્ટર

ડૉક્ટરનો પ્રૉફેશન સેવા નહીં પણ ધંધો બની ગયો છે. આ સેવા/ ધંધો આજે ખુબ જ બદનામ છે; છતાં આ પ્રૉફેશનને ખરા અર્થમાં સેવા સમજી ને કેટલાક ડૉક્ટરો ગરીબોની સેવા કરે છે. આજે એવા જ એક સેવાભાવી ડૉક્ટરની વાત કરવી છે.

વ્યક્તી વીશેષ :

પાંચ રુપીયાવાળા ડૉક્ટર

–ફીરોઝ ખાન

આપણો સમાજ ડૉક્ટરને ઈશ્વરનું બીજું સ્વરુપ માને છે. ડૉક્ટરના પ્રૉફેશનને ઉત્તમ સેવા માનવામાં આવે છે; પરન્તુ આ ઉત્તમ સેવા આજે જેટલી બદનામ થઈ ગઈ છે એટલી પહેલાં ક્યારેય ન હતી. હવે આ પ્રૉફેશન સેવા નહીં પણ ખરા અર્થમાં ધંધો બની ગયો છે. અનેક દુષણોના કારણે આવું બન્યું છે. કરોડો રુપીયા ખર્ચીને ડૉક્ટર બનનાર વ્યક્તી ગાંઠનું ગોપીચંદન તો ન જ કરે; પણ જયારે ડૉક્ટર લુંટારા બની દરદી અને એમના સગાવહાલાને રીતસરના લુંટતા હોય ત્યારે આ સેવા બદનામ થયા વીના નથી રહેતી. કોરોનના સમયમાં નેવું રુપીયાના માસ્કને નવસો રુપીયામાં વેચાતા આપણે જોયા છે. નકામા લેબ ટેસ્ટ, બીન જરુરી એક્સ–રે, સીટી સ્કેન, એમ.આર.આઈ. રીપોર્ટ્સ વગેરે તો હવે તદ્દન કૉમન બની ગયા છે.

ત્યારે આજે પણ એવા અનેક ડૉક્ટર છે જે આ પ્રૉફેશનને ખરા અર્થમાં સેવા સમજી ગરીબ લોકોની સેવા કરે છે. એવા જ એક સેવાભાવી ડૉક્ટરની વાત આજે કરવી છે. ડૉક્ટર શ્યામલ ચેટર્જી આજે 83 વર્ષની ઉમ્મરે પણ કલકત્તામાં ગરીબોની સેવા કરી રહ્યા છે. ડૉક્ટર શ્યામલ ચેટર્જી વીશે કલકત્તામાં કોઈ પણ ગરીબને પુછીએ તો કોઈ એડ્રેસ નહીં બતાવે; પરન્તુ જો તમે કહો કે ‘પાંચ રુપીયાવાળા ડૉક્ટર’ ક્યાં છે તો દસ માણસો તમને એમનું એડ્રેસ બતાવશે. કલકત્તામાં ડૉક્ટર ચેટર્જી ‘પાંચ રુપીયાવાળા ડૉક્ટર’ તરીકે પ્રસીદ્ધ છે. તેઓએ ‘ગરીબોની સેવા’ને જ પોતાનો જીવનમન્ત્ર બનાવી દીધો છે. એમની પાસે જનાર દરેક દરદીઓ પાસેથી ફક્ત પાંચ રુપીયા લઈ ને દવા આપે છે; પછી ભલે ને કોઈ દરદી પૈસાવાળો હોય તો પણ તેઓ પાંચ જ રુપીયા લઈ ને દવા આપશે.

ડૉક્ટર ચેટર્જી પોતાના ઘરમાં જ દવાખાનું ચલાવે છે. સવારે દસ વાગે દવાખાનું ખોલે છે પણ એ પહેલાં જ ગરીબ મજુરો, હાથલારીવાળા વગેરે એમના ઘરની બહાર લાઈન લગાડે છે. ડૉક્ટર દરેક દરદીને પ્રેમથી સાંભળે છે. તપાસી ને દવા આપે છે. ઘણા દરદીઓને તો એમની મૃદુ ભાષા અને પ્રેમ અને વાત્સલ્ય માણી ને જ અર્ધી તકલીફ દુર થઈ જાય છે!

એક પત્રકારને ઈન્ટરવ્યુ આપતી વખતે ડૉક્ટર સાહેબે કહેલું કે એમની પાસે એવા ગરીબ લોકો આવે છે જેમની પાસે આપવા માટે પાંચ રુપીયા પણ નથી હોતા. ડૉક્ટર એવા દરદીઓની તદ્દન મફત સેવા કરે છે. તેઓના ઘણા દરદીઓએ એ પત્રકારને કહેલું કે ‘આ ડૉક્ટર એમના માટે ભગવાન છે. આજે અમારા જેવા ઘણા લોકો તેઓના કારણે જ બચી ગયા છે.’

પત્રકારે જયારે ડૉક્ટર સાહેબને પુછ્યું કે તમે આટલા ઓછા પૈસામાં દરદીઓની સેવા કરો છો તો તમે જીવનનીર્વાહ કેવી રીતે કરો છો? જવાબમાં એમણે કહ્યું કે મેં કદી ગાડી, બાંગ્લા અને એસોઆરામના જીવનની ઈચ્છા કરી નહોતી. હું મારા પ્રૉફેશનને આજે પણ સેવા માનું છું. એમણે કહેલું કે ઘણી વખત અમુક દરદીઓ એમની પાસે આવી નથી શકતા ત્યારે એવા સંજોગોમાં એ પોતે પોતાની સાઈકલ પર દરદીઓની વીઝીટ કરવા જાય છે.

પત્રકારે જયારે ડૉક્ટર ચેટર્જીને પુછ્યું કે શું તમારા કુટુમ્બમાં કોઈ ડૉક્ટર હતું તો જવાબમાં તેઓએ કહ્યું કે એમના પીતા સરકારી ડૉક્ટર હતા. એમની બદલી થતી રહેતી હતી. 1947માં એમની બદલી ઢાકા શહેરમાં થયેલી. સરકારે જયારે એમને પુછેલું કે એમને ક્યાં રહેવું છે તો મારા પીતાએ કહેલું કે મને ગરીબ વસ્તીની બાજુમાં મકાન આપો. ડૉક્ટર ચેટર્જી કહે છે કે ગરીબોની સેવા કરવાની પ્રેરણા એમને એમના પપ્પા પાસેથી મળેલી છે. એમણે કહ્યું કે જયારે એમના પપ્પા ગુજરી રહ્યા હતા ત્યારે એમણે મારો હાથ પકડી વચન લેવડાવેલું કે હું આજીવન ગરીબોની સેવા કરીશ. હું મારા પીતાને આપેલું વચન આજ સુધી નીભાવી રહ્યો છું.

ડોકટર સાહેબ કોઈ પણ વ્યક્તી પાસથી રોકડ રકમ દાનમાં નથી લેતા. એમણે દાન આપનારાઓને એ દવાનું લીસ્ટ આપી એ દવાઓ લાવી આપવાનું કહે છે. ડોકટર ચેટર્જીએ કહ્યું કે એમની બે દીકરીઓ છે. એક દીકરી સ્ત્રીરોગની સ્પેશીયાલીસ્ટ છે અને બીજી દીકરી એક કૉલેજમાં ‘પોપ્યુલેશન સાયન્સ’ની પ્રૉફેસર છે. એમની ઈચ્છા છે કે એમની દીકરીઓ પણ એમની જેમ જ ગરીબોની સેવા કરે.

દોસ્તો, એકવીસમી સદીમાં આવા લોકો આપણા સમાજમાં જીવે છે અને કદાચ એટલેજ આજે પણ માનવતા જીવે છે.

સર્વે ભવન્તુ સુખીન:
સર્વે સંતુ નીરામય:
સર્વે ભદ્રાણી પશ્યન્તુ,
માં કશ્ચીત્ દુ:ખ ભાગ્ભવેત્.

સલામ ડૉક્ટર ચેટર્જી.

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 16 એપ્રીલ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

17 Comments

 1. માનવતા કરતા કોઈ ધર્મ મોટો નથી. દરેક ધર્મ આ જ શીખવે છે. મુસ્લિમ ધર્મ શાસ્ત્ર અનુસાર કોઈ એક માનવી નો જીવ બચાવાવો એ સમસ્ત માનવજાત નો જીવ બચાવવા સમાન લેખાશે.

  Liked by 1 person

 2. A true, noble person! An inspiration to humility & honesty! Even if a drop of clean water falls in the ocean, it improves its value 😇

  Liked by 1 person

 3. પાંચ રુપીયાવાળા ડૉક્ટર શ્યામલ ચેટર્જી -જેઓ ની ઘણા દરદીઓને તો એમની મૃદુ ભાષા અને પ્રેમ અને વાત્સલ્ય માણી ને જ અર્ધી તકલીફ દુર થઈ જાય છે . અમુક દરદીઓ એમની પાસે આવી નથી શકતા ત્યારે એવા સંજોગોમાં એ પોતે પોતાની સાઈકલ પર દરદીઓની વીઝીટ કરવા જાય છે . આવા જ સેવાના સંસ્કાર વાળી બે દીકરીઓ પણ સેવા આપે તે વાત ઉજાગર કરતા ફીરોઝ ખાનને ધન્યવાદ અને ડૉ શ્યામલ ચેટર્જ અને તેમના કુટુંબને સાદર વંદન
  આવા અનેક તબિબો છે તેઓ ની પ્રેરણાદાયી વાતોનો પ્રચાર પ્રસાર થવો જોઇએ

  Liked by 1 person

 4. બધાજ ડો. લૂટારા નથી હોતા, પણ ખરેખર માનવ સેવા કરતા ડોકટર થોડા હોય છે ખરા .કોઈ કોઈ ડોકટર દર્દી ની આર્થીક સ્થિતિ પ્રમાણે જ ચાર્જ કરે છે . કોઈ ડોકટર અમુક દિવસે વિના ચાર્જ સાર વાર કરતા હોય છે.
  ડોકટર ચેટર્જી જેવા સેવાભાવી વિરલા અત્યારના સમયમાં મળવા જરા મુશ્કેલ છે.
  ડોકટર ચેટર્જી ને સલામ કરુ છું .

  Liked by 1 person

 5. જે.બી.પ્રિસ્ટલીના અેક કાવ્યને ગુણવંત શાહે ગુજરાતીમાં ભાવાનુવાદ તરીકે પીરસ્યો છેં……..
  ડો. શ્યામલ ચેટર્જીના કુટુંબમાં તેમના પિતાશ્રી, તેઓ પોતે, તેમની દિકરી…ડોક્ટરો છે અને તે પણ ગરીબોની નિસ્વાર્થ સેવા કરવાના પણ વાળા.
  ‘જન સેવા અેજ પ્રભુસેવા જેવું ‘ જીવન જીવીને મનાનંદ મેળવવાવાળી ત્રણ પેઢીને મારા પ્રણામ…..
  હવે જે.બી પ્રિસ્ટલીના કાવ્યનો ભાવાનુવાદ….
  મેઘઘનુષ

  આપણું જીવ્યું
  કર્મોથી જાણવું, વર્ષોથી નહીં.
  આપણું જીવ્યું
  હૃદયની ઊર્મિઓથી જાણવું, ઘબકારથી નહીં.
  જેનું ચિંતન અઘિક થયું,
  જેના ભાવ ઉત્તમ રહ્યા,
  જેના કર્મો પ્રભુ પ્રીત્યર્થે થયાં,
  તે જ ખરું જીવ્યો !
  ડો. શ્યામલ ચેટર્જી સાચા અર્થમાં અેક ‘ વૈષ્ણવજન ‘ છે. નરસિહ મહેતાના આ ભજનને શબ્દસ: જીવનમાં ઉતારીને જીવન જીવવાવાળાને દુનિયાના કોઇપણ ઘાર્મિક કે આઘ્યાત્મિક પુસ્તક વાંચવાની જરુરત નથી હોતી….ડો શ્યામલના કુટુંબને માટે આ વાત સત્ય બની રહી છે.
  WE ARE NOT BORN HUMAN, WE BECAME HUMAN.

  Amrut Hazari.

  Liked by 1 person

  1. ‘માનવધર્મ’ બ્લૉગ પર લેખક જનાબ ફીરોઝ ખાનનો લેખ ‘પાંચ રુપીયાવાળા ડૉક્ટર’ને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..

   Like

 6. જાણીને આનંદ થયો. માનવ સેવાનો ધર્મ જ ઉત્તમ છે. આવા તબીબો જવલ્લે, પણ મળી જાય છે, ત્યારે એક સારા સમાજ માટેની આપણી શ્રદ્ધા ટકી જાય છે.

  Liked by 1 person

 7. ઈશ્વર ક્યાં અને કેવો છે??
  જવાબ જડી ગયો , , , , ,
  ડોક્ટર ચેટર્જી જેવા વ્યક્તિત્વમાં જ ઈશ્વર છે.

  Like

 8. કેટલાંક વર્ષો પહેલાંનો એક કીસ્સો મારી જાણમાં છે. સારું એવું ભણેલી એક યુવતી સાથે લગ્ન માટે ડૉક્ટર થયેલા એક યુવકનો ઈન્ટરવ્યુ હતો. યુવતીએ પ્રશ્ન કર્યો કે તમે ડૉક્ટર થવાનું કેમ પસંદ કર્યું? પેલા ડૉક્ટર યુવકનો જવાબ હતો કે પૈસા વધુ કમાઈ શકું એ માટે. યુવતીએ એની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
  ડૉક્ટર ચેટરજીની વાત જાણી ખુબ આનંદ થયો. આભાર ગોવીન્દભાઈ.

  Liked by 1 person

 9. As firoz khan saheb so nicely explained mission of Dr chattergy – we whole heartedly salute him & family.
  As said by pragnya bahen there are many such doctors who work in silent ,
  My fua was Raj vaidya in Vadodara & then he was treating all in 1 aana – so he was also known as 1Aana wala vaidya . He was later principal in Jamnagar & Nadiad & trained many selfless vaidya.

  Liked by 1 person

 10. આ જયારે ડૉક્ટર લુંટારા બની દરદી અને એમના સગાવહાલાને રીતસરના લુંટતા હોય ત્યારે આ સેવા બદનામ થયા વીના નથી રહેતી. કોરોનના સમયમાં નેવું રુપીયાના માસ્કને નવસો રુપીયામાં વેચાતા આપણે જોયા છે. નકામા લેબ ટેસ્ટ, બીન જરુરી એક્સ–રે, સીટી સ્કેન, એમ.આર.આઈ. રીપોર્ટ્સ વગેરે તો હવે તદ્દન કૉમન બની ગયા છે. ડોકટોરોને તો લૂટવા શિવાય બીજું કઈ નથીઆવડતું. દુખની વાત. છે.

  Liked by 1 person

  1. શ્રી ચીમન ભાઈ, માફ કરજો, તમારી સાથે સહમત થઈ શંકુ તેમ નથી જ, બધાજ ડોકટર લૂટારા નથી હોતા.

   Liked by 1 person

 11. ભાઈશ્રી ગોવિંદભાઈ અને આપ સહુનો પ્રતિભાવ આપવા બદલ આભાર.

  Liked by 1 person

 12. મિત્રો, મારો આ સપ્તાહનો ડૉ.રાજેન્દ્ર ભારુડ, જીલ્લા કલેકટર, નંદુરબાર વિષેની લેખ વાંચવા વિનંતી.
  આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s