સાપની જેમ જ કોઈ પણ બાહ્ય અંગ ન ધરાવતાં હોય એવા કેટલાંક જીવ પૃથ્વી ઉપર હયાત છે. તે જીવ અંગે તેમ જ સાપ પકડવા વીશે કેટલાક નીતી–નીયમો અને કેટલીક મહત્વની બાબતો આજે પ્રસ્તુત છે…
29
–અજય દેસાઈ
સાપ જેવા દેખાતા અન્ય જીવ
પૃથ્વી ઉપરની સમગ્ર જીવસૃષ્ટીમાં કોઈ પણ અંગ ઉપાંગ વગરના જીવમાં સાપને જ આપણે ઓળખીએ છીએ; પરન્તુ સાપની જેમ જ કોઈ પણ બાહ્ય અંગ ન ધરાવતાં હોય એવા કેટલાંક જીવ પૃથ્વી ઉપર હયાત છે. આપણે તેમને સાપ જેવા દેખાવને લઈને સાપ જ કહીએ છીએ. કેટલાંક ઉભયજીવી (Amphibians) તથા કેટલાંક જાતીના સરડાં (Lizards) આવાં અંગ–ઉપાંગ વગરના જીવ છે, જે દુરથી પ્રથમ નજરે સાપ જ લાગે છે.
આપણા ગુજરાતમાં વાંસદાના જંગલમાંથી મળી આવતા સીસીલીઅન્સ (Caecilians) એવા જ જીવ છે. વધુ પડતાં વરસાદ અને ભેજવાળા જંગલોમાં આવા જીવ રહે છે, તે ઉભયજીવી છે, પાણીની અંદર અને પાણીની બહાર રહે છે, તેની ખાસીયત પોચી જમીનમાં તથા કાદવમાં રહેવાની હોઈ, બહુ જુજ જોવાય છે. તેમની ચામડી ચીકણી હોય છે, તે અળસીયા જેટલાં લંબાઈના પણ હોય છે તેમની આંખો ખુબ જ મર્યાદીત દૃષ્ટી ધરાવે છે. અજવાળા અન્ધારાનો ફરક મુખ્યત્વે જોઈ શકે છે. તેનું માથું મજબુત અને મોં આગળથી અણીયાળું હોય છે. જે થકી તે પોચી માટી અને કાદવમાં, સરકી શકે છે તથા રસ્તો કરી શકે છે. તેમની ચાલ જમીન ઉપર અળસીયાની જેમ સીધી હોય છે. તેમને ભીંગડાં નથી હોતાં, તેઓ પણીમાં કે નરમ કાદવમાં વામ (Eel)ની જેમ ચાલે છે. પુંછડી લગભગ હોતી નથી. શરીર પુરું થાય ત્યાં અવસારણી માર્ગ હોય છે, ત્યાંથી સંવનન થાય છે દુનીયાભરમાં થતાં સીસીલીઅન્સમાં 25 ટકા સીસીલીઅન્સ ઈંડા મુકે છે (Oviparous). જયારે 75 ટકા બચ્ચાં જણે છે (Viviparous). તેમનો મુખ્ય ખોરાક અળસીયા તથા જીવડાં છે.
Caecilian શબ્દ લેટીન ભાષાનો શબ્દ છે જેમાં Caecus એટલે આંધળુ એવું થાય છે. તેમની આંખો ખુબ જ નાની, નહીંવત દેખાય તેવી હોય છે. તેથી જ તેમનું આવું નામ પાડવામાં આવ્યું છે.
વીશ્વભરમાં 38 કુટુમ્બના બધા મળી 171 જાતીનાં સીસીલીઅન્સ નોંધાયા છે. આપણાં ગુજરાત–ડાંગમાં જે સીસીલીઅન્સ છે તે Common Caecilians (Caecilidae)ના નામે ઓળખાય છે. કાચીંડા (Lizard)ની કેટલીક જાતો પણ સાપની જેમ બાહ્ય અંગઉપાંગ વગરની હોય છે. દુનીયાભરમાં Burton’s lizard, Glass lizard, Bornean lizard, Skinks વગેરેની અનેક જાતો આવી હોય છે. ભારતમાં ઓરીસ્સા રાજયમાંથી હાલમાં જ રાઉરકેલા પાસેથી એક એવો કાચીંડો મળી આવ્યો છે જે સાત ઈંચ લાંબો છે અને કોઈપણ જાતનાં બાહ્ય અંગઉપાંગ વગરનો છે. તે ખરેખરતો એકજાતની નાગબામણી (Skinks) છે; પરન્તુ વીશ્વમાં આ રીતનો પ્રથમ જ નોંધાયો છે.
સાપ અને સાપ જેવા દેખાતા કાચીંડામાં ખુબ સામ્ય છે. બંને લાંબા નળાકાર અને બાહ્ય અંગ ઉપાંગ વગરના જીવ છે. તેમની જીભ પણ આગળની વહેંચાયેલી હોય છે. જમીનની અંદરના સાપની જેમ જ રહે છે. જરાક સુક્ષ્મતાથી જોતાં એક સાદો અને સરળ તફાવત એ છે કે સાપની આંખને પોપચાં હોતા નથી, પોપચાંની જગ્યાએ સ્થીર પારદર્શક આવરણ હોય છે. જયારે કાચીંડાને આંખો ઉપર આપણા પોપચાંની જેમ જ ઉઘાડ બંધ થઈ શકે તેવું આવરણ હોય છે. આવા કાચીંડા મુખ્યત્વે સુકા તથા ખડકાળ પ્રદેશોમાં જોવા મળે છે.
આ ઉપરાંત કેટલીક વામ (Eel) દેખાવમાં સાપ જેવી હોય છે. હકીકતમાં વામ ચુઈ મારફતે શ્વસન કરે છે. તે મુખ્ય તફાવત છે. તેને ફેફસાં હોતાં નથી, તે એક જાતની માછલી છે. તે તેની ચુઈમાંથી પાણી પસાર કરી અને ઑકસીજન મેળવે છે. જ્યારે સાપ ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
આ જ રીતે અળસીયાને પણ કેટલાંક લોકો સાપના કુટુમ્બી ગણે છે; પરન્તુ તેનો દેખાવ જ ફકત સાપને મળતો આવે છે. તે પણ અંગઉપાંગ વગરનો જીવ છે. અળસીયાના શરીર ઉપર સાપના શરીર ઉપર હોય છે તેવા ભીંગડાં નથી હોતાં. લાંબી જીભ નથી હોતી અને દાંત પણ નથી હોતાં. અળસીયા નુપુરક સમુદાયના જીવ છે. જયારે સાપ મેરુદંડી સમુદાયના જીવ છે.
૩૦
સાપ પકડવા વીશે
ખેતરોમાં, શહેરોમાં, ગામડાઓમાં કે જયાં પણ વસતી હોય ત્યાં, સાપ નીકળ્યો હોય અને તેના થકી સાપને અને લોકોને પણ જોખમ હોય તો આવા સાપને પકડવો જરુરી થઈ પડે છે. જો સમયસર તેને પકડી ન શકાય તો લોકો ડરના માર્યા તેને મારી નાંખતા હોય છે.
પણ આવા સાપ પકડવાનું કામ કોણ કરે? આ કામ જોખમી છે. ખરેખર તો આ કામ કોનું હોઈ શકે? જેઓ સાપની પર્યાવરણીય મહત્તા સમજે છે, સાપ માટે અનુકમ્પા ધરાવે છે. સાપ માટે પ્રેમ છે, તેવા સહુ કોઈ આવું કામ કરતાં હોય છે. વ્યક્તીગત ધોરણે અને અનેક બીનસરકારી સંગઠનો (NGO)ના સભ્યો તથા સરકારી ધોરણે, વનવીભાગનાં કેટલાંય કર્મચારીઓ, સાપ પકડવાનું કામ કરે છે. સાપ નીકળ્યાની તેઓને જાણ કરવામાં આવે છે, તેઓને બોલાવવામાં આવે છે, ત્યારે તેઓ સાપને સીફતપુર્વક પકડીને સલામત જગ્યાએ છોડી આવે છે. આવા દરેક જણ સાપને પકડવા માટે પોતાને અનુકુળ એવા સાધનો વાપરે છે. આવા સેવાભાવી સભ્યો થકી, વર્ષે અસંખ્ય સાપનો બચાવ થાય છે અને તેઓ દ્વારા જ સાપ અંગેની સાચી માહીતીનો ફેલાવો પણ થાય છે. આ લોકો પોતાના જાનના જોખમે આવું કાર્ય કરે છે અને આ પૈકીના મોટાભાગના લોકો ગાંઠનું ગોપીચંદન કરે છે.
સાપ પકડતાં પહેલાં આપણે વીચારવું જોઈએ કે, સાપને પકડવો ખરેખર જરુરી છે? બને ત્યાં સુધી બીનઝેરી સાપને પકડ્યા સીવાય ભગાડી દેવો જોઈએ. જો વસતીમાં ભરાઈ શકવાની સમ્ભાવના હોય તો તેને હુકવાળા સાધનથી અથવા લાકડી ઉપર ઉંચકીને વસતીથી દુર મુકી આવવો જોઈએ. ઝેરી સાપ હોય તો પણ જો વસતીમાં ન હોય તો, પ્રથમ, દુર ભગાડી દેવા જ પ્રયત્ન કરવો જોઈએ. વસતીમાં ભરાઈ જવાની સમ્ભાવના હોય તો, તેને ચીપીયા વડે ઉંચકીને દુર સલામત જગ્યાએ છોડી મુકવો જોઈએ. જો આમ નહીં કરીએ તો લોકો સાપને મારી જ નાંખશે. આપણે જાણીએ છીએ કે સાપને પડકવા, રાખવા અને મારવા એ કાયદાનું ઉલ્લંઘન છે. કાયદાની દૃષ્ટીએ સાપ પકડવો એ ગુન્હો બને છે, પરન્તુ તેના ખુદના અસ્તીત્વ ઉપર જોખમ હોય તો આવું કરવું માનવતાની દૃષ્ટીએ હીતાવહ છે; પરન્તુ આ માટે કેટલાક નીતી–નીયમો જાણવા, અનુસરવા જરુરી છે.
1. જોખમ : સાપ પકડનારે સહુથી પ્રથમ શરુઆત કરતાં પહેલાં જ એટલું સમજી લેવું જરુરી છે કે, સાપ પકડવા એ જોખમી શોખ છે. તેને પકડવા દરમીયાન જો ભુલ થાય તો તમારે જાનનું જોખમ ઉભું થઈ શકે છે.
2. આત્મવીશ્વાસ : સાપ પકડવાની ઈચ્છા તો ધરાવીએ; પણ જો આપણી અંદર તેને પકડવા માટેનો આત્મવીશ્વાસ ન હોય તો સાપ ન પકડી શકાય.
3. એકાગ્રતા : સાપ પકડતી વખતે કયારેય આવેશમાં ન આવવું. શાંત ચીત્તે અને એકાગ્રતાથી, સાપ ઉપર ધ્યાન રાખી ને પકડવો.
4. સચેતતા : સાપ પકડતી વખતે સચેત રહેવું ખુબ જરુરી છે. સાપ ગમે ત્યારે આકસ્મીક હુમલો કરી શકવા સક્ષમ હોય છે. આથી જ હરેક પળે સચેતતા રાખવી જરુરી છે.
5. સાપ અંગેનું જ્ઞાન : સાપને લગતું પ્રાથમીક જ્ઞાન તમને હોવું જ જોઈએ અને સાપની પાકી ઓળખ હોવી જોઈએ. ખાસ કરીને કયા સાપ ઝેરી છે, તેની ઓળખ હોવી જ જોઈએ.
6. સાપદંશની પ્રાથમીક સારવારની જાણકારી : અચાનક આપણને જ સાપદંશ લાગે તો તેની પુર્વ તૈયારી રુપે પણ સાપદંશની પ્રાથમીક સારવારની જાણકારી તમને હોવી જોઈએ.
7. જરુરી સાધનો : સાપ પકડવા માટેના સહાયરુપ એવા જરુરી સાધનો. દા.ત.; ચીપીયો, હુકવાળી સ્ટીક, થેલી વગેરે તમારી પાસે હોવા જોઈએ. તમે સાપ પકડવાનું શરુ કરો તો, ધીમે ધીમે તમારી આસપાસના વીસ્તારના લોકો, ગામના લોકો, શહેરના લોકોના કોલ આવવા શરુ થશે. તમારો શું ધંધો છે, તમે કેટલાં વ્યસ્ત રહો છો, તે મુજબની અનુકુળતા હોય તો સાપ પકડવા જવું, નહીંતર તો તમારી જેમ જ બીજું કોઈ સાપ પકડતું હોય તેને જાણ કરો. મોડી સાંજનાં કે રાત્રીના સમયે સાપ પકડવા જવું પડે તેમ હોય તો, નગરપાલીકામાં જે તે અધીકારીને જાણ કરી, ફાયરબ્રીગેડનાં વાહનમાં કે એમ્બ્યુલન્સમાં જવું જોઈએ. જો આવું વાહન ઉપલબ્ધ ન હોય તો જેને ત્યાં સાપ નીકળ્યો હોય તેને વાહન લઈને, તમને લેવા આવે તેમ જણાવો. અને તમારી સાથે બીજા અનુભવી સભ્યને પણ લઈ જાઓ. સાપ ઓળખ્યા બાદ તે બીનઝેરી હોય તો, પણ સીધે સીધા હાથથી પકડવા પ્રયત્ન કરવો નહીં. સાપ જોયા અને ઓળખી લીધાં બાદ, સહુથી પહેલા તો શકય હોય અને જગ્યા અનુકુળ હોય તો સાપને ભગાડી દેવા પ્રયત્ન કરવો જોઈએ. જો કોઈના ઘરમાં કે જાહેર જગ્યાએ સાપ હોય તો, તે ઝેરી હોય કે બીનઝેરી તેને પકડીને સલામત જગ્યાએ છોડી આવવો જોઈએ, જેથી સાપને લોકો મારે નહીં, કે સાપને કોઈ નુકશાન ન કરે.
આ ઉપરાંત નીચેની બાબતો મહત્વની બની રહે છે :
1. સાપ પકડવાનો સંદેશો આવ્યો હોય, અને ત્યાં ફોન હોય તો ફરીથી ફોન કરી ખાત્રી કરો કે સો હજુ પણ ત્યાં છે? જતો તો નથી રહ્યોને? કયાંક ભરાઈ તો નથી ગયો ને? ઘણાં બધાં કીસ્સાઓમાં એવું થાય છે કે, આપણે ગણતરીની મીનીટોમાં ત્યાં પહોંચીએ, ત્યારે ખબર પડે કે ‘કશેક ભરાઈ ગયો’ કે ‘ખબર નહીં કયાં જતો રહ્યો’ કે ‘હાં તમને ફોન કર્યો હતો ખરો; પરન્તુ લોકો માન્યા નહીં અને મારી નાંખ્યો’ વગેરે.
2. સાપ પકડવા જતાં પહેલા લઈ જવાના જરુરી સાધનોની ખાત્રી કરો, વધુમાં ગમ બુટ કે સાદા બુટ પહેરો, શકય હોય તો જીન્સ પેન્ટ પહેરો.
3. હંમેશાં એક ટેવ રાખો, કયારેય સાપ પકડવા એકલા ન જશો. કોઈને કોઈ, થોડાંક જાણકાર એવા સાથીને તમારી સાથે રાખો. સાપ પકડ્યા પછી થેલીમાં ભરવાનો હોય કે સ્કુટર પર સાપ પકડી પરત આવવું હોય ત્યારે આવો સાથી ખુબ જ ઉપયોગી થઈ પડે છે.
4. સ્થળે પહોંચ્યા બાદ સહુ પ્રથમ સાપને ઓળખો. તે ઝેરી છે કે બીનઝેરી તેની ખાત્રી કર્યા બાદ તે મુજબની સાવચેતી રાખો.
5. અનુભવે ઝેરી સાપ પકડવો સરળ છે; પરન્તુ તેને પકડ્યા પછી થેલીમાં ભરવો થોડો અઘરો છે. આ માટે સહાયકની આવશ્યકતા રહે છે. થેલીમાં ભર્યા પછી યોગ્ય રીતે થેલી બાંધવી જોઈએ અને તેને સ્કુટર ઉપર કે મોટરમાં એવી રીતે મુકવી જોઈએ કે સાપને અને આપણને ભુલથી પણ નુકશાન ન થાય. સ્કુટરની ખુલ્લી ડીકીમાં થેલી મુકવી હીતાવહ નથી. સાથે આવેલા સહાયકના હાથમાં થેલી વ્યવસ્થીત રીતે પકડાવવી જોઈએ.
6. ઝેરી સાપ હોય તો, પકડ્યા બાદ તેને બને તેટલા જલ્દીથી યોગ્ય જગ્યાએ છોડી આવવો જોઈએ.
7. દીવસે સાપને છોડવા જવા માટે એકાંત, અવાવરુ જગ્યા, નદી, નાળા અથવા તો જંગલો પસન્દ કરવાં. જો ખુબ દુર જઈ શકાય તેમ ન હોય તો, રાત્રીનો સમય પસન્દ કરવો જોઈએ, જેથી અવરજવર ન હોય, અને સાપને દુર નીકળી જવામાં અનુકુળતા રહે તે જોવું જોઈએ.
8. સાપ છોડતી વખતે સાવચેતી રાખવી જરુરી છે. સાપ છોડવાના સ્થળે પહોંચ્યા બાદ કોઈ ઉંચા પથ્થર કે ઉંચી જગ્યા પસન્દ કરવી. થેલીની ગાંઠ સાવચેતીપુર્વક, તબકકાવાર છોડી અને થેલી તળીયાના ભાગેથી પકડી ઉંધી કરી દેવી, જેથી સાપ અંદરથી બહાર સરકી આવશે. સાપ છોડવા જતી વખત પણ સાધનો સાથે રાખવા જરુરી છે. કદાચ ફરીથી પકડવાની આવશ્યકતા ઉભી થાય પણ ખરી!
9. સાપ પકડ્યા બાદ કયારેય વધુ પડતી બહાદુરી ન બતાવવી જોઈએ, સાપ સાથે રમત ન કરવી જોઈએ, લોકોને ડરાવવા ન જોઈએ અને લોકોને પકડાયેલા સાપ અંગે સાચી માહીતી આપવી જોઈએ.
10. સાપ પકડતા પહેલા, સાપ જયાં હોય તેની આજુબાજુની જગ્યાનું નીરીક્ષણ કરી, એટલું નકકી કરી રાખો કે, આજુબાજુ પુરતી જગ્યા છે કે નહીં?
11. બીજા ઉપર રુઆબ જમાવવા કે લોકોને પ્રભાવીત કરવા કે પોતાની બહાદુરી બતાવવા કયારેય કોઈ સાપ પકડવા નહીં. સાપને ત્યારે જ પકડો જયારે તેને પકડવો આવશ્યક હોય.
12. સાપ પકડતી વખતે તમારી સાથે નવશીખાઉને કયારે પણ ન રાખવો.
13. સાપ પકડતી વખતે એટલું અવશ્ય ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે અકસ્માત માટે તમે જ સીધા જવાબદાર છો, એટલે જ સાવચેત રહેવું જરુરી છે.
14. સાપ પકડવામાં ગફલત થાય અને ઝેરી સાપનો દંશ હોય તો જરાક પણ સમય બગાડ્યા વગર બને તેટલી જલ્દી એવા દવાખાને પહોંચવાનો પ્રયત્ન કરો, જયાં સાપદંશની સારવાર થઈ શકતી હોય અને વીષ પ્રતીરોધક રસી ઉપલબ્ધ હોય.
15. અનીવાર્ય સંજોગો સીવાય સાપને હાથથી પકડવાનું ટાળવું જોઈએ.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : http://www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
મા.અજય દેસાઈનો સાપને પકડવા અંગે અને સાપ જેવા દેખાતા અન્ય જીવ અંગે ખૂબ સરસ માહિતી .દરેકને આવા પ્રાણીઓનો ભેટો થવાનો છે તેથી આ માહિતી કામ લાગશે.બાકી અમે સાપ પકડનારા જોયા છે તેઓને સાપ પકડતી વખતે કે ઝેરની કોથળી કાઢતી વખતે સાપે ડંખ માર્યો હોય તે જાણમા નથી છતા દરેક શીખવાવાળાને આ વાતો ખાસ ધ્યાનમા રાખવા જેવી છે.ધન્યવાદ
LikeLiked by 1 person
અજયભાઇનો આ લેખ ઇન્ફરમેશનોથી ભરપુર છે.
સરસ સીઘા સાદા શબ્દોને સમજવા સહેલું છે.
અજયભાઇ અને ગોવિંદભાઇનો હાર્દિક આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Appropriate and focused article … even though I am an engineer (i.e. analytical & practical), I feel lucky to be educated from ground up … Thanks a lot to both Ajay Desai & Govind Maru 😇
– Bharat Gandhi
LikeLiked by 1 person