રાજ્ય ધર્મ અને નૈતીકતા : માનવવાદી મુલ્યોના સન્દર્ભમાં

શું દાર્શનીક ચીંતન પ્રણાલીના બે પ્રવાહો વચ્ચેના વીવાદની ખાઈ ઘટવા લાગી છે? શું રૅશનલવૈજ્ઞાનીક પ્રવાહનું મહત્ત્વ સ્વીકાર પામવા લાગ્યું છે? શું પ્રત્યાઘાતી વલણો સામેના સંઘર્ષની ફલશ્રુતીનાં મીઠાં ફળ પાકશે? 

રાજ્ય ધર્મ અને નૈતીકતા :
માનવવાદી મુલ્યોના સન્દર્ભમાં

–પ્રા. જયંતી પટેલ 

નૈતીક આચરણનાં સ્વરુપ અંગે પ્રવર્તતા ખ્યાલનું વીશ્લેષ્ણ માનવવાદી મુલ્યોના સન્દર્ભમાં ચકાસવું જરુરી છે. જીજીવીષાથી પ્રેરીત માનવીને વ્યક્તી તરીકેના સ્વાર્થની સાધના તથા બીજીબાજુ, વ્યક્તીગત જીવનની સુરક્ષા માટે તેણે રચેલા સામાજમાં રહેવા માટેના, સામાજીક જીવનને જાળવી રાખવા માટેનાં, વ્યવહારનાં ધોરણો વચ્ચે સમતોલ સાધવું પડે છે. વૈયક્તીક અને સામાજીક હીતોના દ્વન્દ્વ વચ્ચે મેળ સાધવાની કોશીશમાંથી નૈતીક વ્યવહારના ખ્યાલનો આવીષ્કાર થયો છે. તેને વ્યક્તીગત નીતીમત્તાની ચેતના, સામાજીક વ્યવહારનાં રીતરીવાજો, આર્થીક વ્યવહારનાં ધોરણો, ધર્મ દ્વારા સમર્થીત આદેશો, રાજ્ય દ્વારા ઘડાયેલા કાયદાઓ જેવી વ્યવસ્થાઓ મારફતે જાળવવાનો પ્રયાસ થાય છે.

વૈયક્તીક નીતીમત્તા :

દરેક જીવ જીજીવીષા ધરાવે છે. તે પોતાના અસ્તીત્વને ટકાવી રાખવાની જરુરીયાતને પ્રાથમીક અગ્રતા આપે છે. આ માટે તેને પોષણ અને રક્ષણની જરુર પડે છે. કેટલાક જીવોને જણાયું કે આ માટે એકબીજા સાથે મળી સામુહીક પ્રયાસ કરવો વધુ કાર્યક્ષમ છે અને તેમણે એક સમુહમાં રહેવાનું પસન્દ કર્યું. હવે, સમુહમાં રહેવા માટે સામુહીક જીવન માટે આવશ્યક કેટલાંક વ્યાવહારીક સમાધાન કરવાં પડે. આમાં, વ્યક્તી પોતે સ્વયં પોતાની સુઝબુઝ, સમજ અને ચેતનાથી પ્રેરાઈ  વર્તે તે વ્યક્તીગત નીતીમત્તા કહી શકાય (આ પ્રકારનું આચરણ અન્ય જીવો કરતાં બદ્ધીસમ્પન્ન માનવીમાં ખાસ તરી આવે છે).

સામાજીક આચરણ :

સામુહીક જીવન માટે વ્યક્તીગત સ્વાર્થ અને સામુહીક હીત વચ્ચે તડજોડ કરવી પડે, અન્યોન્ય વ્યવહાર તથા આચરણનાં ધોરણો વીકસાવવાં અને પાળવા પડે. સમુહનો કોઈ સભ્ય તેનો ભંગ કરે તો તેનો સામાજીક બહીષ્કાર થાય. આ થઈ સામાજીક નીતીમત્તા. આ સમયે હજી ઈશ્વર, ધર્મ, સ્વર્ગ–નરક, પાપ–પુણય જેવા ખ્યાલો આકાર પામ્યા નહોતા. નીતી તરીકે ઓળખાતું આ આચરણ, સામાન્ય બુદ્ધી તથા સમજના આધારે રચાયેલાં, સામુહીક જીવન માટે આવશ્યક વાજબી વ્યવહારનાં ધોરણો હતાં. સમજમાં ઉંચા–નીચાનાં ભેદ પાડવાથી વર્ણવ્યવસ્થા સર્જાઈ ત્યાં ભેદભાવ આવ્યો. પીતૃસત્તાક વ્યવસ્થામાં લીંગભેદના આધારે વ્યક્તીગત નીતીમત્તામાં પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ દાખલ થયો.

આર્થીક વ્યવહાર :

માનવીએ ખેતી, પશુપાલન, કલા–કારીગરી વગેરે દ્વારા પોતાની જરુરીયાત કરતાં વીશેષ ઉત્પાદન કરવાની ક્ષમતા વીકસાવતાં વીનીમયનું અર્થકારણ અસ્તીત્વમાં આવ્યું, ધન–સમ્પત્તી પેદા થયાં. હવે, ઉત્પાદનનાં સાધનો તથા ધન–સમ્પત્તીના માલીકીના અધીકારની રક્ષા માટેનાં ધારાધોરણો રચાયાં અને તેનો ભંગ કરનારાને, લુંટ કે ચોરી કરનારાને, સજા કરવાના કાયદા તથા તન્ત્રની જોગવાઈ થઈ. આર્થીક વ્યવહારનાં ધોરણો અંગેની આ વ્યવસ્થાનાં સારા–નરસા પાસાં પણ સર્જાયાં. પોતાનાં કૌશલ્ય કે પરીશ્રમથી પ્રાપ્ત કરેલી સમ્પત્તીના અધીકારની રક્ષાની જોગવાઈ સાથે, ધનવાન અને દરીદ્ર, માલીક અને મજુર, શોષણખોર અને શોષીત જેવાં ભેદભાવયુક્ત દ્વન્દ્વ રચાયાં.

રાજ્ય અને કાયદા :

પહેલાં, ઉત્પાદીત ચીજવસ્તુઓના વીનીમય દ્વારા વ્યવહાર ચાલતો હતો તેમાં નાણાં દ્વારા વસ્તુની કીમ્મત કરી વ્યવહાર કરવાની પ્રથા શરુ થતાં એક નવું પરીમાણ દાખલ થયું. નાણાંનો સંગ્રહ કરી શકાય, તેની ધીરધાર કરી શકાય, તેના ઉપર વ્યાજ લેવાય, જેવી આર્થીક રીતરસમો તથા તેનો સ્વીકાર અને અમલ કરતાં–કરાવતાં તન્ત્ર આકાર પામ્યાં. આ સાથે આર્થીક નીતીમત્તા ઉપરાંત, સમય જતાં, રાજ્ય દ્વારા રચાયેલા કાયદાનો આશ્રય પણ લેવાયો અને તે માટે ન્યાયતન્ત્ર રચાયું. આમ, અન્યોન્ય વ્યવહારમાં નૈતીક સમજથી ચાલતા વ્યવહારને રાજ્યસત્તાનું પીઠબળ સાંપડ્યું. અલબત્ત, આ કાયદાઓ મહદંશે ધનીકો અને શાસકોના હીતને વીશેષ અગ્રતા આપતા હતા.

ધાર્મીક આદેશો :

પ્રારમ્ભીક અવસ્થામાં વ્યવહારનાં ધોરણોનો અમલ કરાવવાની રાજ્યની શક્તી અને પહોંચ મર્યાદીત હતાં ત્યારે તેને સમાંતર એક બીજું પરીબળ પણ વીકસ્યું. બળના બદલે ઈશ્વર–પરલોક–સ્વર્ગ–નરકની કાલ્પનીક માન્યતાઓના ડરનો ઉપયોગ કરી, વહેમ–અન્ધશ્રદ્ધા પ્રેરીત પાઠપુજા વીધી–નીષેધો ફેલાવી, માનવીને વ્યવહારનાં આ ધોરણોનું પાલન કરવા ધર્મનું પીઠબળ પેદા કરવામાં આવ્યું. ધર્મના ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં વ્યવહારના ધોરણોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં વ્યક્તીગત, સામાજીક, આર્થીક વગેરે વ્યવહારો ઉપરાંત અમુક જ્ઞાતી, ધર્મગુરુઓની મહત્તા સ્થાપવાની તથા તેમને વીશેષાધીકારો આપવાની જોગવાઈ પણ સામેલ કરાઈ. આમ, રાજ્ય અને ધર્મ દ્વારા ભેદભાવ, અમુક વર્ગના વીશેષાધીકારોની રક્ષા જેવી અસમાનતા સર્જતી તથા અન્યાયી વ્યવહારનું સમર્થન કરતી વ્યવસ્થા ઉદ્ભવી.

રાજ્ય અને ધર્મ દ્વારા વીકૃતી :

માનવ વ્યવહારનાં યોગ્ય ધોરણોને સ્થાપીત કરવાની આ પ્રક્રીયા જોતાં જણાય છે કે પ્રારમ્ભીક અવસ્થામાં માનવીએ પોતાની સહજ અને સમન્વયકારી બુદ્ધીથી, રૅશનલ અભીગમથી, સર્જેલાં પરસ્પર વ્યવહારનાં ધોરણોની, નૈતીકતાના રક્ષાના બહાને, રાજ્યનાં બળ અને ધર્મના વહેમ–અન્ધશ્રદ્ધા દ્વારા, માનવીય ગૌરવ, સ્વતન્ત્રતા, સમાનતા અને સખ્યના બદલે અસમાનતા. ભેદભાવ, અન્યાય, શોષણ જેવા અનુચીત વ્યવહારોને ઉત્તેજન અપાયું છે. માનવ વ્યવહારનાં ધોરણોમાં સર્જાયેલી આ વીકૃતીને નાબુદ કરવાની તાતી જરુર છે. પ્રથમ તો આ ક્ષેત્રમાંથી ધર્મને દુર કરવો જોઈએ. બીજું, રાજ્યના કાયદાઓને માનવ મુલ્યોના સન્દર્ભમાં, રૅશનલ અને વૈજ્ઞાનીક અભીગમથી ચકાસી, સુધારી, નવઘડતર કરવું જોઈશે.

માનવીના વ્યવહારને નીયન્ત્રીત કરતા રાજ્યના કાયદા તથા ધર્મ દ્વારા પ્રસારીત માન્યતાઓ અને આદેશો અગ્રવર્ગના પ્રભાવ નીચે રચાયેલા હોવાથી સ્વાભાવીક રીતે જ તે શાસકો, ધર્મગુરુઓ તથા અગ્રવર્ગના સ્થાન અને હીતોની રક્ષાને અગ્રતા આપે છે. રાજ્ય, ધર્મ કે અગ્રવર્ગનાં હીતોને પડકારતા વીચારોને ડામીને તે વૈચારીક તથા અભીવ્યક્તીના સ્વાતન્ત્ર્યને રુંધે છે તથા, પોતાનું સ્થાન, મોભો અને સમ્પત્તી જાળવી રાખવા માટે સમાનતાનો વીરોધ કરે છે.

વીકૃતીનું નીયંત્રણ :

અન્યાયી, મનસ્વી અને એકહથ્થુ રાજાશાહી–સામન્તશાહી–સરમુખત્યારશાહી રાજ્યસત્તાના વીકલ્પે લોકશાહી જનતાના મુળભુત અધીકારો અને સત્તાના (ધારાસભા–કારોબારી–ન્યાયતન્ત્ર) વીભાજનનો સમાવેશ કરતી બંધારણીય વ્યવસ્થા દ્વારા રાજ્યની ભુમીકાને નીયન્ત્રીત કરવાની કોશીશ થઈ છે. સમાજવાદી વીચારધારાના પ્રસાર સાથે આર્થીક અસમાનતાની ખાઈને દુર કરવાની ઝુંબેશ આરમ્ભાઈ છે. ધાર્મીક આધીપત્ય અને માન્યતાઓ સામે રૅશનલ–વૈજ્ઞાનીક અભીગમ દ્વારા પડકારી માનવવાદી મુલ્યોની સ્થાપનાનો સંઘર્ષ તો સદીઓથી ચાલી રહ્યો છે. માનવ વ્યવહારનાં ધોરણોમાં સમાજ–રાજ્ય–આર્થીક વ્યવસ્થા–ધર્મ દ્વારા દાખલ કરાયેલી આ વીકૃતીઓને દુર કરી માનવીય ગૌરવ–સ્વતન્ત્રતા–સમાનતા–સખ્યભાવનાં નૈતીક વ્યવહારનાં ધોરણોની સ્થાપના માટે ચાલી રહેલા આ ત્રીપાંખીયા સંઘર્ષની સફળતા માનવસમાજના સુખમય ભાવી માટે આવશ્યક છે. આપણે સહુએ તેની સફળતામાં ફાળો આપવો રહ્યો.

–પ્રા. જયંતી પટેલ 

લેખક–સમ્પર્ક : પ્રા. જયંતી પટેલ, 10, મહાશ્વેતા–કાદમ્બરી સોસાયટી. સુરેન્દ્ર એમ. રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015 સેલફોન : +91 94294 28822 ઈમેલ : jaykepatel@gmail.com

અભીવ્યક્તી’ બ્લૉગ માટે ખાસ લખી, આ લેખ મને મોકલવા બદલ પ્રા. જયંતી પટેલ સાહેબનો આભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

5 Comments

  1. ‘રાજ્ય ધર્મ અને નૈતીકતા :માનવવાદી મુલ્યોના સન્દર્ભમાં’ –પ્રા. જયંતી પટેલનો સુંદર લેખ
    .
    ત્રીપાંખીયા સંઘર્ષની સફળતા માનવસમાજના સુખમય ભાવી માટે આવશ્યક છે. તેમા રાજ્ય અને સમાજ ના ફાળા કરતા આપણે સહુએ તેની સફળતામાં ફાળો આપવાનો ખૂબ અગત્યનો છે.

    Liked by 1 person

  2. પ્રા. જયંતી પટેલનો આ વિશ્લેષણથી સમજ આ લેખ ખૂબ સરસ બન્યો છે. ડેમોક્રસી…લોકશાહી…માટે સ્થંભ બન્યો છે.
    તેમના લેખના છેલ્લા બે પ્રકરણો ખૂબ અગત્યના સૂચનો સાથે લખાયા છે .ખૂબ જ અગત્યના છે.
    ૧. રાજ્ય અને ઘર્મ દ્વારા વીકૃતી
    ૨. વીકૃતીનું નીયંત્રણ.
    સ્વામી સચ્ચિદાનંદજીઅે લખેલું પુસ્તક, ‘ અઘોગતિનું મૂળ ..વર્ણવ્યવસ્થા‘ પ્રા. જયંતી પટેલના વિચારોને સમર્થન આપે છે.
    સરસ વિચાર પ્રેરક લેખ.
    સમાજમાં કહેવાતી આ વીકૃતીઓ અેટલી ઊંડી ઉતરી ચૂકી છે કે ૨૦૨૧ના વરસમાં પણ તે વીકૃતીઓને ‘ઘર્મ‘ અને ઘાર્મિક આદેશો તરીકે જીવાય છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Very useful and thought provoking article. It explains the reason why it is not necessary to be Godly in order to be good.
    Most people confuse Religion with Ethics. Good people know the harm that religion often does. And yet, they stick to religion because they have this wrong impression that religion is the same thing as Ethics. This article clarifies the vital difference between the two. We can certainly be moral without being religious.
    Thank you Prof. Jayanti Patel and thank you Govind bhai ! Please give us more such articles. — Subodh Shah — USA.

    Liked by 1 person

Leave a comment