(31) સાપ અંગે જાગૃત્તી અને (32) સાપ સંરક્ષણ

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ પર્યાવરણીય શીક્ષણની પ્રવૃત્તીનો છેવટનો હેતુ, પર્યાવરણ અને સંરક્ષણ અંગે નક્કર કાર્ય થાય તે માટે જાગૃતી આણવાનો હોય છે. સાપ અંગે જાગૃત્તી અને તેના સંરક્ષણ માટે કઈ પદ્ધતી અપનાવી શકાય તે અત્રે પ્રસ્તુત છે…

(તસવીર સૌજન્ય : રોહીદાસ મસાને)

31

સાપ અંગે જાગૃત્તી

–અજય દેસાઈ

શહેરની ભણેલી ગણેલી, સમજુ પ્રજા પણ સાપને તે સાપ છે, એટલે મારી નાંખવો જોઈએ એવી પ્રબળ ભાવના ધરાવે છે. પછી ભલેને સાપ ઝેરી હોય કે બીનઝેરી. સાપ ઉપર બધી બાજુથી ભારણ વધી રહ્યું છે. લોકો ડરથી તેને મારી નાંખે છે. સાપના રહેઠાણો નાશ પામતા જાય છે. તેમની છુપાવાની, રહેવાની જગ્યાઓ ખુલ્લી થતી જાય છે. પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. પુરતો ખોરાક મળતો નથી, માનવ વસતી વધતી જાય છે, તેથી તેઓ મુકતપણે રહી નથી શકતાં. આ બધી કડવી વાસ્તવીકતાઓ છે. આ બધાને લઈને સાપના અસ્તીત્વ ઉપર ખુબ જ જોખમ તોળાઈ રહ્યું છે. અને જે ઝડપથી સાપનું અસ્તીત્વ જોખમાઈ રહ્યું છે, તે જોતાં તેના બચાવ માટે ગમ્ભીર થવું આવશ્યક છે. સરકારે તેમના બચાવ માટે પુરતાં પગલાં ઉઠાવ્યા છે, તેમને વીશેષ રક્ષણ આપતાં કાયદાઓ બનાવ્યા છે, પરન્તુ અમલીકરણ કયાં થાય છે? આથી જ આપણે જાગૃત થવું જરુરી છે.

ગુજરાતના ગામડે ગામ, શહેરોમાં, અનેક બીનસરકારી સંસ્થાઓ (એન.જી.ઓ.) ચાલે છે. સમગ્ર ભારતમાં, આવી વીવીધ એન.જી.ઓ. માટે ગુજરાત સ્વર્ગ સમાન છે. વનવીભાગ અને સરકારી સંસ્થાઓ દ્વારા પણ વીવીધ પ્રવૃત્તીઓ થતી રહે છે. આવી કેટલીક બીનસરકારી સંસ્થાઓ, ગુજરાતમાં સાપના સંરક્ષણ માટે પણ પ્રવૃત્ત છે, તેઓનો ઉદ્દેશ ફક્ત સાપનાં સંરક્ષણ, બચાવ અને આ સન્દર્ભની જાગૃત્તી આણવાનો છે. ઘણી જગ્યાએ વ્યક્તીગત ધોરણે પણ આવી પ્રવૃત્તીઓ થતી રહે છે. વળી સરકારી રાહે અને વનવીભાગ દ્વારા પણ આ સન્દર્ભે જાગૃત્તી માટેની પ્રવૃત્તીઓ થતી રહે છે. આ સહુનો ઉદ્દેશ વસતીમાં સાપ આવી ચઢે કે જાહેરમાં કયાંય પણ સાપ દેખાય તો તેને સંભાળથી પકડીને, પોતાના જાનના જોખમે અને સ્વખર્ચે વસતીથી દુર સહીસલામત જગ્યાએ છોડી આવવાનો છે. કયારેક આ ઉદ્દેશોનો દુરપયોગ પણ થતો હશે; પરન્તુ મુખ્યત્વે આને લઈને સમગ્ર ગુજરાતમાં એક વીશીષ્ટ નેટવર્ક ઉભું થયું છે.

ખરેખર તો સાપ આ રીતે પકડવા એ ગુન્હો બને છે. કાયદાકીય રીતે સાપ પકડવા, રાખવા ગુન્હાહીત કૃત્ય છે; પરન્તુ જો આમ ન કરવામાં આવે તો સાપને લોકો મારી નાખે. આમ જે આશયથી જેના માટે કાયદો બનાવવામાં આવ્યો છે તેને જ વધુ નુકશાન થાય. તેથી જ આવી ઉમદા પ્રવૃત્તી થતી રહે છે અને થવી પણ જોઈએ.

ઉપર દર્શાવ્યું તેમ, જે કોઈ સાપના સંરક્ષણ માટે કાર્યરત છે, આ ઉમદા પ્રવૃત્તીમાં સંકળાયેલા છે, તેઓ તથા સામાન્ય લોકોને સાંકળીને, સાપ માટેની સાચી સમજણ આપતી શીબીરો યોજવી જોઈએ. આવી શીબીરોમાં સાપનું પર્યાવરણીય મહત્ત્વ સમજાવવું જોઈએ. ઝેરી, બીનઝેરી સાપની ઓળખ કરાવવી જોઈએ. સાપદંશની સારવાર માટે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. આ માટે પ્રત્યક્ષ નીદર્શનની સાથે સાથે વીડીયો–ડીવીડી શો, ફીલ્મ શો, સ્લાઈડ શો યોજી શકાય. વૈજ્ઞાનીક માહીતીસભર પુસ્તકો દ્વારા તેમનામાં સાપ વીશે સાચી માહીતી પહોંચાડવી જોઈએ; પણ આ બધું કોણ કરે અને કેવી રીતે કરે? આ સહુમાં આ જ્ઞાન તથા માહીતી કેવી રીતે પહોંચાડવી જોઈએ? આ માટેના ઈન્ફાસ્ટ્રકચર્સ કેવી રીતે અને કોણ તૈયાર કરે? સાપ સંરક્ષણની જે પ્રવૃત્તીઓ ચાલે છે. તે વ્યક્તીગત ધોરણે કે સામુહીક ધોરણે છુટી છવાઈ ચાલે છે તેને બદલે આ પ્રવૃત્તી વ્યવસ્થીત રીતે, એકસુત્રાત્મક અને સહેતુક ચાલવી જોઈએ. આ ક્ષેત્રમાં રસ ધરાવતા હોય તેવા સહુ કોઈને આ અંગેની તાલીમ આપવી જોઈએ. સરકારી દવાખાનાઓના ડૉકટર્સ, સાપ સંરક્ષણ મંડળ ચલાવતી સરકારી/બીનસરકારી સંસ્થાઓ, વનવીભાગના કર્મચારીઓ, ગીર ફાઉન્ડેશન દ્વારા શાળાઓમાં ચાલતી ઈકો કલબના ઈન્સ્ટ્રકટર્સ, ખેડુતો, શાળા મહાશાળાનાં શીક્ષકો, વીદ્યાર્થીઓ–વીદ્યાર્થીનીઓ, ગ્રામ્ય તથા શહેરી લોકોને સાપ અંગેની જાગૃતી તાલીમ શીબીરમાં સાંકળવા જોઈએ.

આવી તાલીમ તથા જાગૃતી શીબીરો વનવીભાગ દ્વારા ચાલતા ગીર ફાઉન્ડેશન કે ટ્રેઈનીંગ રીસર્ચ સેન્ટર કે ઝુ ઓથોરીટી જેવી સંસ્થાઓ દ્વારા યોજાવી જોઈએ, તો જ તેનું આયોજન વધુ સારી રીતે અને સહેતુક થઈ શકે અને તે તબકકાવાર થવું જોઈએ. આ રીતે ધીમે ધીમે એક એવો વર્ગ તૈયાર કરી શકાય, કે જે ગુજરાતના ખુણે ખાંચરે આ અંગે જાગૃતતા લાવવા કટીબદ્ધ હોય, અને આવું કામ કરી શકવા સક્ષમ હોય.

આપણે સહુ જાણીએ છીએ કે કોઈ પણ પર્યાવરણીય શીક્ષણની પ્રવૃત્તીનો છેવટનો હેતુ, પર્યાવરણ અને સંરક્ષણ અંગે નક્કર કાર્ય થાય તે માટે જાગૃતી આણવાનો હોય છે. સાપ માટે પણ આવું જ હોઈ શકે. ઉપર જણાવેલા સ્રોતો મારફતે લોકોમાં સાપ અંગેના મુલ્યો, માન્યતાઓ, લાગણીઓ અને વલણોમાં ફેરફાર લાવવા જોઈએ. આ બધી એવી બાબતો છે કે, લોકોમાં આ માટેની સભાનતા કેળવવી પડે, લોકોમાં સાચી વૈજ્ઞાનીક તથ્યો સભર માહીતી પ્રસરાવવી જોઈએ અને આ બધું લોકો સુધી પહોંચાડવા યોગ્ય માધ્યમો તૈયાર કરવા જોઈએ. આ માધ્યમો એટલે ઉપર જણાવેલા સ્રોતો. આવા સ્ત્રોતો દ્વારા તાલીમ શીબીરમાં, તાલીમાર્થીઓને તાલીમ આપી, તૈયાર કરવા જોઈએ, અને આ માટે નીચેની પદ્ધતી અપનાવી શકાય.

● આપણી આસપાસ જોવા મળતા સાપ અંગેની માહીતી આપવી.

● આપણી આસપાસ જોવા મળતા ઝેરી સાપની વીશેષ માહીતી આપવી.

● સાપની જૈવીક ખાસીયતો, તેની દીનચર્યા, તેની વીશેષતાઓ, તેની શારીરીક રચના, ખુબીઓની માહીતી આપવી.

● સાપ અંગેની ભ્રામક માન્યતાઓ, અન્ધશ્રદ્ધાઓને ખંડીત કરવી, અને વૈજ્ઞાનીક દૃષ્ટીકોણ સમજાવતું સાહીત્ય આપવું.

● સાપદંશની માહીતી, પ્રાથમીક સારવાર, દવાખાનાની સારવાર તથા ઘનીષ્ટ સારવારની માહીતી આપવી.

● સાપદંશથી બચવાની તકેદારીઓ સમજાવવી.

● સાપ પકડવા કેમ જરુરી છે, અને તેનું પર્યાવરણીય મહત્ત્વ શું છે તે સમજાવવું જોઈએ.

● સાપને અને આપણને ઈજા ન થાય તે રીતે, સાપને કેમ પકડવાં અને કેવી રીતે છોડવાં, તથા ક્યાં છોડવાં તે સમજાવવું.

● પ્રશ્નોત્તરી મારફતે તેઓના પ્રશ્નોનું, યોગ્ય માહીતી મારફતે સમાધાન કરવું.

● સાપ પકડવા અંગે અને બંધનમાં રાખવા અંગેના કાયદાઓનું જ્ઞાન આપવું.

ઉપરોકત ક્રમમાં, તબક્કાવાર સાપની માહીતી પુરી પાડવા, પ્રચાર કરવા માટે ફોટાઓ, સ્લાઈડ શો, પુરક માહીતી પુસ્તીકાઓ, પુસ્તકો, ફીલ્મ શો વગેરેનો ઉપયોગ કરી શકાય. નીષ્ણાતોની મદદ લઈ સાચી માહીતીની સમજણ આપી શકાય. આ બધાની સાથે સાથે જીવંત સર્પ નીદર્શન મહત્ત્વનું છે. આ થકી અપાયેલ માહીતી વધુ અસરકારક હોય છે. જીવંત સાપ નીદર્શનમાં સાપને નજીકથી જોઈ, અનુભવી શકાય છે, સ્પર્શી શકાય છે. આ દ્વારા જ સાપને જોતાવેંત છળી મરતા લોકોના મનમાંથી સાપ અંગેનો ડર દુર કરી શકાય છે. આ ઉપરાંત સાપ વીશેની ખોટી માન્યતાઓ અને અન્ધશ્રદ્ધાઓના ખંડન થકી સમાજમાં જે નકારાત્મક વલણ છે તેને સકારાત્મક અને સાનુકુળ કરી, સાપનો વીનાશ અટકાવી શકાય.

ઉપરોકત સમુહો, વ્યક્તીઓને તાલીમબદ્ધ કર્યા પછી સમાજમાં ધીમે ધીમે સાપ માટે એક ચોકકસ પ્રકારની સભાનતા લાવી શકાય. વળી આ સચોટ સાચી માહીતી થકી, સાપ દેશના અનેક દર્દીઓને યોગ્ય સારવાર મળતાં ઘણાં બધાં લોકોના જીવ બચાવી શકાય.

આવી તાલીમ શીબીરો બે દીવસની હોવી જોઈએ. સાપ અંગેની શકય હોય તેટલી માહીતી, વીવીધ સમુહોમાં પ્રસરાવી શકે એવી તાલીમ આ શીબીરોમાં આપવી જોઈએ.

૩2

સાપ સંરક્ષણ

એક સમય હતો જયારે સાપની ચામડીની નીકાસ માટે, વર્ષે લાખ્ખો સાપ મરાતા હતાં. સાપની ચામડીની માંગ પાકીટ, બેગ, પટ્ટા, બુટ, ચમ્પલ વગેરે માટે હોઈ, તેની નીકાસ થતી હતી. વાઈલ્ડ લાઈફ પ્રોટેકશન એકટ 1972, અમલમાં આવ્યા બાદ બધા જ સરીસૃપના નીકંદન અને નીકાસ ઉપર કાયદેસરનો પ્રતીબંધ આવી ગયો છે. આ કાયદા અન્વયે કોઈ પણ પ્રકારના સાપ પકડવા, એકથી બીજી જગ્યાએ લઈ જવા, બહાર મોકલવા માટે પરવાનગી આવશ્યક છે, કાયદેસરની પરવાનગી વગર આવું કરવું ગુન્હો બને છે. આમ છતાં ચોરી છુપીથી, રહેમ નજર હેઠળ આવું ચાલ્યા કરે છે. આ કાયદાને વધુ સખ્ત બનાવતાં 13 જાન્યુઆરી, 1984થી અમલમાં આવેલ પુરવણી–IIIના વધારામાં કેટલીક દુર્લભ થતી જતી સરીસૃપની જાતોને વીશેષ રક્ષણ આપવામાં આવ્યું છે, આ યાદીમાં 7 જાતીનાં સાપ પણ ઉમેરવામાં આવ્યાં છે. અગાઉ ‘વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એકટ 1972 શીડયુલ 1 મુજબ નીચે જણાવેલ 3 સાપને વીશેષ સંરક્ષણ આપવામાં આવ્યું હતું.

1. ભારતીય ઈંડા ખાતો સાપ (Indian Egg eater)

2. ભારતીય અજગર (Indian Rock Python)

3. જાળીદાર અજગર (Reticulated Python)

ઉપરોકત ૩ સાપ ઉપરાંત 13 ન્યુઆરી, 1984થી નીચે જણાવેલા 7 સાપને પણ ઉપરોકત યાદીમાં સમાવવામાં આવ્યા છે. 

1. ધામણ (Rat Snake)

2. લીલું ડેંડુ (Olive Keelback)

3. નાગ (Cobra)

4. ખડચીતળ (Russell’s Viper) )

5. ડેંડુવાળુ (Checkered Keel back)

6. શ્વાનમુખી જળ સાપ (Dog Faced Water Snake)

7. રાજ નાગ (King Cobra)

ઉપરોકત જાતીના સાપને, વીશેષ સંરક્ષણ આપવામાં આવ્યું હોઈ, તેને ઉપર જણાવ્યું તેમ પકડવા, રાખવા, હેરફેર કરાવવી, મારવા ગુન્હો બને છે. સાપને આવું વીશેષ રક્ષણ આપવા પાછળ કેટલાંક કારણો છે. સાપની વસતી ઘટતી જાય છે. કેટલાંક સાપ નામશેષ થઈ ચુકયાં છે, તો કેટલાંક નામશેષ થવામાં છે, જો તેમને વીશેષ રક્ષણ ન અપાય તો તેમનો ઝડપથી નાશ થાય, નીચે જણાવેલા કેટલાંક કારણોસર સાપનાં અસ્તીત્વ ઉપર જોખમ છે.

1. સાપના રહેઠાણો નષ્ટ થવા :

પૃથ્વી ઉપરથી નાશ થઈ રહેલા જંગલોને લઈને, સાપનાં રહેઠાણોનો નાશ થઈ રહ્યો છે. સાફ થયેલા જંગલોની જગ્યાઓ ઉપર સીમેન્ટ કોંક્રીટના જંગલો બની રહ્યા હોઈ, તેટલી જગ્યાઓ પરથી સાપને સમુળગા ખસી જવું પડે છે.

2. ઔદ્યોગીક વીકાસ :

પ્રવાસ, શહેરીકરણ અને ઔદ્યોગીક વીકાસની સાથે સાથે સમગ્ર ભારતમાં, હજારો કીલોમીટરના રસ્તાઓ બનતાં જાય છે. આ રસ્તાઓને લઈને પણ સાપના કુદરતી આવાસો નષ્ટ થઈ રહ્યાં છે અને આ રસ્તાઓ ઉપરના સતત વાહન વ્યવહારને લઈને રસ્તા ઉપર આવી ચઢતાં અસંખ્ય સાપ મરી જાય છે અને ઔદ્યોગીક વીકાસને લઈને પણ ઘણી જગ્યાઓએ મોટા મોટા બાંધકામો થઈ રહ્યાં છે, તેથી સાપનાં આવાસો નષ્ટ થઈ રહ્યા છે.

3. ગરમી વધવી :

ગ્લોબલવોર્મીંગની અસરો આપણે સહુ અનુભવી રહ્યા છીએ, તો સાપ પણ કેમ બાકી રહે? જંગલો કપાતા, જમીનો ખુલ્લી થઈ ગઈ અને આ ખુલ્લી થઈ ગયેલી જમીનો ઉપર સુર્યનાં કીરણો સીધાં પડતાં અગાઉના પ્રમાણમાં, જમીન સુર્યપ્રકાશનાં વધુ સંસર્ગમાં રહે છે. તેથી તે ખુબ જ તપી જાય છે. તેથી તેઓને રહેવું અઘરુ થઈ રહ્યું છે. વળી પૃથ્વી ઉપર આપણાં અટકચાળાને લઈને ઓઝોનનાં આવરણમાં થયેલાં નુકશાનને લઈને પૃથ્વીનો પોપડો પણ અગાઉ કરતાં વધુ ગરમ થઈ રહ્યો છે. સાપ ઠંડા લોહીવાળા હોઈ, આ વધતી ગરમીની તેઓને વધુ અસર થાય છે.

4. ખોરાકની કમી :

ક્રમશઃ જંગલોમાં થતો ઘટાડો, વસતીની ગીચતાં વધતી જવી અને ખુલ્લી થતી જગ્યાઓ ઉપર સર્વત્ર થઈ રહેલાં વીશાળ બાંધકામો તથા રસ્તાઓ વગેરેને લઈને સાપને કુદરતમાંથી મળી રહેતાં આહાર ઉપર ખુબ જ વીપરીત અસરો થઈ રહી છે. સાપનો મુખ્ય આહાર દેડકાં, ઉંદર, કાચીંડા, ગરોળી વગેરે છે. તેમનાં પણ કુદરતી આવાસો નષ્ટ થતાં જાય છે. તેથી તેમની વસતી ઘટતી જાય છે અને સાપને પુરતો ખોરાક મળી રહેતો નથી. વેપાર માટે સાપનું મુખ્ય નીકંદન સાપની ચામડીના ગેરકાયદે વેપાર માટે થાય છે. સખ્ત કાયદા હોવા છતાં સાપની ચામડીમાંથી બનતા પટ્ટા, પાકીટ, ચપ્પલ, બુટ, વગેરે વસ્તુઓ માટે, તેની ચામડીની ખુબ માંગ રહે છે. આ ઉપરાંત સાપને પાળવા માટેના શોખ કેટલાંક દેશોમાં છે, તેઓની પણ વીવીધ સાપ માટે માંગણી રહેતા, સાપ પકડવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ ગેરકાયદે, ઝેર મેળવવા માટે સાપને પકડે છે, તો વળી સાપને ખોરાક તરીકે સ્વીકારતાં લોકોની સંખ્યા વધતી જાય છે, કેટલાંય દેશોમાં હવે સાપના શરીરમાંથી બનતાં વીવીધ સુપ અને વાનગીઓ ઉપયોગમાં આવી રહી છે, વીવીધ સ્ટારવાળી હોટલોમાં તે આકર્ષણનું કારણ બની રહી છે, આ બધા માટે પણ સાપની ખુબ જ માંગ રહે છે. આ માટે વીશ્વના અનેક દેશોમાં સાપ પકડાય છે અને નીકાસ થાય છે.

આમ ઉપર જણાવેલ વીવીધ કારણોસર સાપને ગેરકાયદેસર પકડવા તથા મારવામાં આવી રહ્યાં છે આને લઈને સાપની સંખ્યા ઉત્તરોત્તર ઘટી રહી છે.

સાપ અને અન્ય અનેક સરીસૃપ, પ્રાણી પક્ષીઓને વીશેષ સંરક્ષણ આપતા કાયદા ઘડાયા છે. ભારતમાં આપણે આગળ જોયું તેમ 1972માં અને ત્યારબાદ 1984માં આ સન્દર્ભના કાયદા અમલમાં છે આવા કાયદા ફક્ત ભારતમાં જ નહીં; પણ વીશ્વનાં અનેક દેશોમાં છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ‘CITES’ (Conservation of International Trade of Endangers species) નામે એક કાયદો ઘડાયો છે તેમાં પણ સાપને વીશેષ સંરક્ષણ આપવામાં આવ્યું છે. આમ છતાં, નીચે જણાવેલાં કારણોસર, સરકાર તરફથી સાપને પકડવાની તથા રાખવાની પરવાનગી આપવામાં આવે છે. ઉપરોકત કાયદાઓ અન્વયે જે સાપને સંરક્ષણ આપવામાં આવ્યું છે, તેવા સાપને

1. સંશોધન માટે

2. સાપ સંગ્રહસ્થાન માટે

3. બંધન અવસ્થામાં, સાપના બચાવ, પ્રજનન કે સંવર્ધન માટે

4. વીષ એકઠું કરવા

સાપને કાયદેસર રીતે પકડવા, રાખવા હોય તો રાજય સરકારના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, વન વીભાગને પરવાનગી મેળવવા અરજી કરવી પડે છે. તેઓને યોગ્ય જણાય તો તેઓ કેન્દ્ર સરકારને ભલામણ કરે છે. કેન્દ્ર સરકારના વન્ય જીવ અને પર્યાવરણ વીભાગને યોગ્ય લાગે તો તેવાં જ કારણોસર પરવાનગી આપવામાં આવે છે. સાપનો દુરુપયોગ ન થાય તે માટે પરવાનગી આપ્યા બાદ તેનું સતત મોનીટરીંગ કરવામાં આવે છે.

જો કાયદેસર રાહે પરવાનગી ન લીધી હોય તો ગેરકાયદેસર સાપ પકડવા કે રાખવા ગુન્હાને પાત્ર છે અને તે અન્વયે 1થી 6 વર્ષની સજા થાય છે અને ભારે દંડની જોગવાઈ પણ રાખવામાં આવી છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

3 Comments

 1. સાપ અંગે જાગૃત્તી અને સાપ સંરક્ષણ એ પર્યાવરણીય અને સંરક્ષણ અંગે નક્કર કાર્ય થાય તે માટે જાગૃતી આણવાનો હોય છે.તે અંગે શ્રી અજય દેસાઈના પ્રયત્નો અંગે ધન્યવાદ

  Liked by 1 person

 2. શ્રી અજય દેસાઇના સાપ વિષયના લેખો જ્ઞાનવર્ઘક હોય છે.
  આજના લેખમાં પણ તેમણે જરુરી માહિતિઓ પુરી પાડી છે.
  ખૂબખૂબ આભાર, અજયભાઇ.

  અમુત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s