સમાજના આગેવાનો કેવા હોવો જોઈએ? તમે બીજાની સહાય લેવાની ચેષ્ટા કરો છો કે બીજાને સહાય કરવાની ચેષ્ટા કરો છો? દરેક વ્યક્તી પોતપોતાનું સ્થાન રોકીને રહી શકે એવો એનો હક્ક સમાજ કે કાયદાથી નીર્ધારીત હોય છે; છતાં બીજાની પાસે આપણે શા માટે જઈએ છીએ?
(15)
સમાજના આગેવાનોને
–સ્વપુર્ણ મહારાજ
નાટકના ગીતમાં એક સુત્ર આવે છે : ‘જીવન હે સંગ્રામ, નહીં શૈય્યા ફુલકી’
હું સમાજના આગેવાન એને જ કહું, જે સત્ય માટે સમાજને સમજાવે, ધીરજ રાખીને, સહન કરીને પણ સમજાવે, સમાજને એક રાખે, સમાજમાં હળીમળીને રહે, કોઈ ખોટી વ્યક્તી સાથે ન ખેંચાય, નીર્ભયતા અને સાવધાની રાખીને વર્તે.
સમાજનો આગેવાન પોચો પડે તો સમાજનું કામ ન કરી શકે અને બ૨ડ રહે તો સમાજ એને તોડી નાંખે; સમાજનો આગેવાન હાજી હા કરે તો સત્ય કચડાય અને જીવન ડંખ્યા કરે.
જેઓ જગતમાં ‘હકીકત’ સમજી શક્યા છે એવા મહાપુરુષોએ કહેવા જેવું લાગ્યું એ સાવધાની રાખીને કહ્યું જ છે. પુરું કોણ કહી શક્યો છે એનું માપ એક વ્યક્તી ન કાઢી શકે. પાંચ–પચ્ચીસ વ્યક્તી મળીને એક મત થાય તો જ માપ નીકળે.
માનવજીવનમાં ઘણા આયામો છે, ઘણાં પહેલ–પાસાઓનું જીવન હોય છે. માનવ જીવનની પુરી યોજના ઘડવી, સર્વાંગી જીવન જીવી બતાવવું એ મહા શુરવીરનું કામ છે. એટલે મોટાભાગના લોકો તો જીવનના બોજને વેંઢાર્યે જાય છે.
નરસીંહ અને મીરા જેવાં કોઈ ભક્તી રસમાં તરબોળ થઈને એના નશામાં જીવ્યા છે. આઈનસ્ટાઈન અને એડીસન જેવા જ્ઞાન–વીજ્ઞાનમાં સત્યને તર્કથી બન્ધબેસતું કરવાના નશામાં જીવ્યા છે.
કોઈ વૈરાગ્યનો આદર્શ રજુ કરીને, એકાંગી જીવન દેખાડીને અટકી જાય છે.
ઘણા સંસારને સાવ મીથ્યા અને ફોગટ કહીને અટક્યા છે. બીજા કેટલાક સંસારને જ સાચો માનીને, અધ્યાત્મ બાબતને જતી કરીને, ભૌતીકતામાં જ લાગ્યાં રહીને જીવન વીતાવી જાય છે.
જગત કેવળ મીથ્યા–ફોગટ જ નથી, એની જગ્યાએ એ પુરું ઉપયોગી છે.
અત્યાર સુધી બુદ્ધ, સોક્રેટીસ, મહાવીર, ઈસુ અને બ્રુનો જેવા સત્યનો સન્દેશો દેનાર અનેક મહાપુરુષોને લગભગ લોકોએ જ મારી નાખ્યા છે; પરન્તુ એવો નીયમ કે કાનુન નથી જ કે મારી જ નાખે. મારા ઉપર અનેકવાર દબાણો આવ્યા છે. ભવીષ્યમાં શું થશે તે કહી શકું તેમ નથી.
મૃત્યુથી ડરશો નહીં!
કામ કદી છોડશો નહીં!
આચરણમાં ખામી હોય તો ભય, વીક્ષેપ, શોક, પશ્ચાત્તાપ અને પીડા થયા કરે છે. આચરણ યથાર્થ હોય તો સુખ–શાંતી રહે છે. પોતે નીર્ભ્રાંત અને પવીત્ર બને અને પછી બીજાને દોરવણી આપે એ મહત્ત્વનું છે. કર્તા સીમાબદ્ધ જ હોય. ભુલો થવાની જ; સાવધાની રાખવાની જરુ૨ છે.
સર્વે ચેષ્ટામાં માણસ સુખની ઈચ્છા રાખીને જ ગતીવીધી કરતો હોય છે. તમે સમાજના ઘડવૈયા ભલે હો; પરન્તુ તમારે તમારી જાતને પુછવું જોઈએ કે તમે બીજાની સહાય લેવાની ચેષ્ટા કરો છો કે બીજાને સહાય કરવાની ચેષ્ટા કરો છો? ધાર્મીક, રાજકીય, સામાજીક જે કોઈ સંગઠનો હોય તેમાં તમે ભોગ આપવા તૈયાર રહો.
માનવમાં શક્તી–ઉર્જા છે; એનો માનવહીતાર્થે ઉપયોગ કરવો જ જોઈએ, પોતાનું જે હોય તેમાંથી સમાજને અર્પણ કરીને માનવસેવા કરવી જોઈએ. પોતાનું શું ગણવું? કપડાં, ઘરેણાં, મકાન, ધન–દોલત અને આજ્ઞા પાળનારા માણસો હોય તે; તથા શરીરમાં વાણી અને બીજી જે કાંઈ કળા, શક્તી હોય તે અને વીચારવાની, સંકલ્પ કરવાની જે મનની શક્તી છે તે બધું; પોતાનું ગણાય.
(16)
બીજાની પાસે આપણે શા માટે જઈએ છીએ?
દરેક વ્યક્તી પોતપોતાનું સ્થાન રોકીને રહી શકે એવો એનો હક્ક સમાજ કે કાયદાથી નીર્ધારીત હોય છે. આપણે આપણા સ્થાનેથી બીજે જવા નીકળીએ, ત્યારે પુરો વીચાર કરીને નીકળવું જોઈએ.
આપણે કોઈની પાસે જઈએ, એમાં કાં તો એને સહાયરુપ થવા જતા હોઈએ; કાં તો આપણા કોઈ સ્વાર્થ માટે જતા હોઈએ કે પછી કોઈ ત્રીજાનું કે સમાજનું ભલું કરવા જતા હોઈએ છીએ.
કોઈ પણ ક્રીયાનું પરીણામ કાં તો પાપ હોય અને કાં તો પુણ્ય હોય છે. જે માણસ આહાર લેતો હોય, એને સુખ–દુ:ખની અસર થતી જ હોય છે. સુખ–દુ:ખ પોતાના હોય કે પછી બીજાના; પરન્તુ અસર તો પોતાને જ થવાની છે. સંસારમાં જેટલી ક્રીયાઓ બને છે તેનું મુખ્ય કારણ આહાર કરવો એ જ છે. જેને કર્મ–ક્રીયામાંથી બચવું હોય તેણે આહાર ન લેવો– એ જ ઉપાય છે. આહાર ન લેવાથી અમુક સમય પછી ક્રીયાઓ ઓછી થવા માંડશે અને ક્રીયાનું જે સાધન છે આ શરીર, તેનો નાશ થશે અને પછી ક્રીયા ન થવાથી પાપ–પુણ્ય પણ થતાં અટકી જશે.
વગર કારણે કોઈની પાસે જવું નહીં, સમય ગાળવા પ્રમાદથી કે વ્યસનપુર્તી માટે આમતેમ ભટક્યા કરવાથી આપણી અને સમાજની અધોગતી થાય છે.
તમે કોઈને પ્રશ્ન પુછવા જાઓ અથવા કોઈને બોધ આપવા જાઓ.
તમે ભ્રાંતી છોડીને, પરાધીનતા ફગાવીને, જીવોના સ્વભાવો જાણીને, એની સાથે યુક્તીથી, નીષ્કપટભાવે, સમ્પ રાખીને તમારી જીવનલીલા ચલાવો! જગતમાં તમારા કામનું હોય એને નીભાવો, રાજી રાખો અને ભોગવો! પ્રયત્ન અને પુરુષાર્થ સતત કરતા રહો! તો સર્વ રીતે તમે અનાદી–અમર છો.
–સ્વપુર્ણ મહારાજ
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્વપુર્ણ મહારાજ હવે આપણી વચ્ચે નથી.
ધર્મ અને ઈશ્વરના નામે ચાલતા અનીષ્ટો, વીનાશક તથા ત્રાસદાયક રીતરીવાજો, ઢંગધડા તથા પાયા વીનાની પરમ્પરાઓ અને વહેમોનું ખંડન કરતાં જીવનોપયોગી અને મૌલીક વીચારોના લેખોનો સંગ્રહ ‘માનવતા’ [સમ્પાદક–પ્રકાશક : શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, 74/બી, હંસ સોસાયટી, વરાછારોડ, સુરત – 395006, સેલફોન : 98258 85900, ઈ.મેલ : vallabhitaliya@gmail.com પ્રથમ આવૃત્તી : 1995, પાન : 131, સહયોગ રાશી : રુપીયા 30/– (આઉટ ઓફ પ્રીન્ટ છે)]માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
આ. સ્વપુર્ણ મહારાજનો સમાજના આગેવાનોને માર્ગદર્શન આપતો સૂંદર લેખ
સમાજ દ્વારા કાયદા-પગલાંઓનાં સ્વયંભૂ પાલનથી જે પરિણામ મળી શકે છે, તે ગમે તેટલાં કડક કાયદા કરશું તો પણ મળી શકતી નથી, તેવી ટકોર કરતાં વિવિધ સમાજના આગેવાનોને સહિયારા પ્રયાસોની હાકલ કરી સહયોગી થવા ઉપર ભાર મૂકયો છે.
ધન્યવાદ
LikeLiked by 1 person
અતી સુંદર લેખ.. જૈનીજમાં આ લેખ લાગુ પડે છે।મૃત્યુથી ડરશો નહીં!
કામ કદી છોડશો નહીં!
આચરણમાં ખામી હોય તો ભય, વીક્ષેપ, શોક, પશ્ચાત્તાપ અને પીડા થયા કરે છે. આચરણ યથાર્થ હોય તો સુખ–શાંતી રહે છે. પોતે નીર્ભ્રાંત અને પવીત્ર બને અને પછી બીજાને દોરવણી આપે એ મહત્ત્વનું છે. કર્તા સીમાબદ્ધ જ હોય. ભુલો થવાની જ; સાવધાની રાખવાની જરુ૨ છે. આજ ઉપદેશ જૈન ધર્મમાં ફરમાવેલ છે. દુખની વાત એ છે કે આ યુગમાં આપણે આ ઉપદેશ પાળી સ્શકતા નથી. કારણ વધારે પડતો whats,up મોબાઈલનો નિરર્થક ઉપયોગ. જયજિનેંદ્ર..
LikeLiked by 1 person
મિત્રો,
સ્વપુર્ણ સ્વામી.
આજના જીવનના અનુભવો દરેક માણસની જીંદગી ઘડે છે. ફક્ત રોજીંદા દીવસના જાતઅનુભવો જ દરેક માણસનો ગાઇડ બની શકે છે.
સમાજસુઘારકો આવ્યા ને ગયા. થોડા માણસો કદાચ તેમના માર્ગી થયા હશે. પરંતું તે તે સમાજ સોઘારકની પર્સનલ દૈનીક જીંદગી અને પેલા વ્યાખ્યાન સાંભળનારની દૈનિક જીંદગીમાં આસમાન જમીનનો ફેરફાર હોય છે.
નરસંહ મહેતા કહી ગયેલાં….સાચ્ચો માનવી બનવું હોય તો, ‘વૈશ્ણવ જન તો તેને રે કહીઅે જે પીડ પરાઇ જાણે રે…આ ભજનનની દરેક કડીના અેકે અેક શબ્દને સમજીને, જીવીને બતાવનાર જ સાચો માનવી.
કાયદા કોર્ટમાં ચાલે. દરરોજના સમાજ દ્વારા બનાવાયેલા ‘ કાયદાઓ‘ પોતાની સમજ મુજબ પાળીને જીવવું જોઇઅે. તેઓ કંમ્પલસરી નથી હોતા. સારા…નરસા લોકો પણ સમાજમાં હોય જ છે ને ?
પ્રેમથી જીવીને જેને જરુરીઆત હોય તેને અેકતરફી મદદ કરવી. ઘોંઘાટ કરવા વિના.
૨૦૨૧નું વરસ સ્વાર્થી લોકોનું વરસ છે. આ સ્વાર્થી જીવન લોકો પોલીટીશીયનો પાસેથી શીખ્યા. માણસનું, હકિકતમાં, જીવન લાંચ રુશ્વતના બછઘારણ ઉપર જ ચાલે છે.
આદર્શોનું જ્ઞાન આપવું સહેલું હોય છે. આદર્શ જીવનમાં પહેલાં પામીને, ઉતારીને જીવવું બહુ જ કઠીન છે….ઇમ્પપોશીબલ હોય છે.
ઘર, લીમીટેડ આવક, છોકરાં..સગા વ્હાલાઓની વચ્ચે જીવનારની ચિંતા કરવી પડે કારણ કે આજના સામાન્ય માનવીને તેનું મન માનતું હોય કે નહિં છતાં લાંચ રુસ્વતનો ભોગ બનવું તો પડે જ છે.
આજનું વિશ્વ મોટેભાગે લાંચ રુસ્વત ઉપર જ જીવન જીવે છે. કોઇપણ મહાત્મા કે સમાજસેવક તેને સુઘારી શક્યું નથી….કદાચ તેઓ પણ વહેતા પરવાહમાં સામેલ થઇ ગયા હોય….
રીટાયરમેંટ વખતે પ્રમાણિક નોકરીઆતના છોકરાં અને વાઇફની પરિસ્થિતિ બઘુ જ સમજાવી દેશે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
આચરણ યથાર્થ હોય તો સુખ શાંતિ રહે છે!!!
આ વાક્ય મને બહુ જ સ્પર્શી ગયું. આમાં બધુ જ આવી ગયું.
Applied Science, Applied Mechanics, Applied Mathematics જેવું Applied Principles જ આપણા જીવનને પ્રકાશિત કરે છે અન્યથા પોથીમાંનાં રીંગણા.
કબીરની વાણી અહિં બહુ જ પ્રસ્તુત લાગે છે.
પંડિત વાદ વદે સો જૂઠા.
રામ કહે કોઈ ગતિ નવ પામે, સાકર કહે મુખ મીઠા.
પરમ સ્નેહી મિત્ર શ્રી ગોવિંદભાઈને સાદર ધન્યવાદ 🙏
LikeLiked by 1 person
મૃત્યુથી ડરશો નહીં!
કામ કદી છોડશો નહીં! –સ્વપુર્ણ મહારાજ
અત્યારની કોરોના મહામારીમાં તો આ બે મહાન વાક્યોને અનુસરવા રહ્યા. આમાં જ બધી સમસ્યાનો હલ આવી જાય છે..
‘તમે કોઈને પ્રશ્ન પુછવા જાઓ અથવા કોઈને બોધ આપવા જાઓ.
તમે ભ્રાંતી છોડીને, પરાધીનતા ફગાવીને, જીવોના સ્વભાવો જાણીને, એની સાથે યુક્તીથી, નીષ્કપટભાવે, સમ્પ રાખીને તમારી જીવનલીલા ચલાવો! જગતમાં તમારા કામનું હોય એને નીભાવો, રાજી રાખો અને ભોગવો! પ્રયત્ન અને પુરુષાર્થ સતત કરતા રહો! તો સર્વ રીતે તમે અનાદી–અમર છો.’
-સ્વપુર્ણ મહારાજ
આનો સાર કરું તો કોઈપણ વ્યક્તિને શારિરીક, માનસિક અને આર્થિક રીતે ત્રાસ કે હેરાનગતિ ના થાય એવી રીતે વ્યવહાર કરવો જોઈએ..
સ્વપુર્ણ મહારાજે પોતાનો સંસાર (પત્ની તથા બાળને) અધવચ્ચે છોડીને લોકસેવા કાજે જે સેવાકાર્ય કર્યું છે એની સુવાસ અને લાભ સૌને મળી રહ્યો છે. સંસાર વસાવ્યા બાદ એને છોડવો ખુબ જ કઠિન કામ છે.કો
ખુબજ સુંદર અને પ્રભાવિત લેખ આપવા બદલ શ્રી ગોવિંદભાઈનો આભાર!
LikeLiked by 1 person