સરળ અને સ્પષ્ટ તત્ત્વજ્ઞાન

સરળ અને સ્પષ્ટ તત્ત્વજ્ઞાન

–કેદારનાથજી

આત્મસંતોષ, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, શાંતી, મોક્ષ વગેરે બાબતોમાં હું કઈ દૃષ્ટીએ વીચાર કરું છે. એ તમે જાણો છો. સાત્ત્વીકતાની અને સદ્ગુણોની વૃદ્ધી થતી રહે એમાં જ માનવતા છે. માણસ–માણસમાં મૈત્રી, પ્રેમ, બન્ધુભાવ, વાત્સલ્ય અને સમભાવની વૃદ્ધી થતી રહે તેમાં જ મનુષ્ય–માત્રનું કલ્યાણ છે. માનવજીવનની સીદ્ધી આમાં જ છે. તે સીદ્ધ કરવા માટે વાચન, મનન તેમ જ સંયમ, ત્યાગ, યોગ, જ્ઞાન, કર્મ વગેરે સાધનોની જરુર છે. આ વાત જો મનુષ્યની બુદ્ધીને સ્વીકાર્ય થાય તો કેટલીયે ભ્રામક કલ્પનાઓ, નીષ્કારણ આડમ્બર અને ત્રાસ નાશ પામે અને તેથી થતો આયુષ્ય, દ્રવ્ય અને શક્તીનો નીરર્થક વ્યય એ બધામાંથી મનુષ્ય છુટી જાય.

હવે તમારા તા. 4થીના પત્ર પરથી કંઈક લખું છું. જુના ગ્રંથોમાંથી પોતાને સમ્મત થાય એવા અર્થો કાઢવાની બાબતમાં મારો મત તમે જાણો છો. તત્ત્વજ્ઞાનની બાબતમાં સરળ અને જીવનોપયોગી વીચારો આપણને સુઝતા નથી. એક વેળાએ તાત્ત્વીક અને ધાર્મીક માનેલી વીચારસરણીને જ ઉલટાવી–સુલટાવીને અથવા તેને જ રસમય અને રંજનાસ્પદ કરીને કે તેને જુદું જ રુપ આપીને પોતાનું અને બીજાઓનું સમાધાન કરી લેવાનો આપણો પ્રયત્ન હોય છે. આપણા વીચાર, આચાર, માનવજીવન વીશેનો અંતીમ સીદ્ધાંત અને માનવજાતીનું કલ્યાણ વગેરે બાબતોમાં આપણને કાંઈ સુસંગતતા લાવતાં આવડે છે? આ જ આપણી સમક્ષ મુખ્ય પ્રશ્ન છે. તે માટે માનવજીવનનો હેતુ નીશ્ચીતપણે આપણા લક્ષમાં આવે એ જરુરી છે. અને તે જ હેતુ મુખ્ય અને સત્ય કેમ માનવો તે વ્યવસ્થીત, સ્પષ્ટ અને સુસંગત વીચારસરણીથી આપણા લક્ષમાં આવવું જોઈએ અને તે બીજાઓને પણ સમજાવતાં આવડવું જોઈએ. તે હેતુ લક્ષમાં આવે તે માટે જીવનનો સર્વ બાજુએથી સુક્ષ્મ વીચાર કરતાં આપણને આવડવું જોઈએ. મને લાગે છે કે આ બધી બાબતોનો સમાવેશ તત્ત્વજ્ઞાનમાં થઈ શકે. તત્ત્વજ્ઞાનમાં અધીક ગુઢતા ન જોઈએ. કેવળ તર્ક અને અનુમાનની સુક્ષ્મતા, કલ્પનાનું ઉડ્ડયન, કલ્પનાનો મનોરમ વીહાર–એના ઉપર આપણે તત્ત્વજ્ઞાન કે વીચારસરણી રચાવી ન જોઈએ. આપણી વીચારસરણી સરળ અને સ્પષ્ટ જોઈએ. સમજવામાં સુલભ હોઈ તે અનુભવજન્ય જોઈએ. સદાચારયુક્ત જીવનમાંથી આપણા અંતીમ હેતુ અને સીદ્ધાંતોનાં દર્શન અને ઓળખ આપણને સદૈવ થતાં રહે – તેની સત્યતા દરરોજના જીવનમાં આપણને થતી રહે, એટલો આપણો આચારધર્મ અને જીવનનું અંતીમ સાધ્ય એ બેમાં મેળ જોઈએ. સદ્ભાવનાયુક્ત કર્માચરણ અને તેનાથી માનવજીવનનો મુળભુત હેતુ કેમ સાધી શકાય છે એ બતાવનારું તત્ત્વજ્ઞાન એ બન્ને આપણી વીચારસરણીમાંથી નીર્માણ થવાં જોઈએ.

તમે મળ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે સર્વસાધારણ લોકોનો તત્ત્વજ્ઞાન સાથે સમ્બન્ધ આવતો નથી. જેમનામાં જીજ્ઞાસા હોઈ જે વીચારશીલ હોય છે તેમને જ તેની જરુર લાગે છે. સર્વસાધારણ લોકોને સદાચારનું મહત્ત્વ ગળે ઉતરે એટલું પુરતું છે; પરન્તુ ઉપર કહ્યું તે પ્રમાણે ધર્મ અને તત્ત્વજ્ઞાનનો વીચાર કરવામાં આવે તો તેવા પ્રકારનું તત્ત્વજ્ઞાન સર્વસાધારણ લોકો સુધ્ધાં સમજી શકશે. આપણા તત્ત્વજ્ઞાનમાં વીશેષત: સૃષ્ટી કેમ થઈ તે વીશે વીચાર હોઈ આત્મા અને બ્રહ્મનું નીરુપણ કરેલું જણાઈ આવે છે. તે નીરુપણકર્તાઓ માનવી સુખદુ:ખ સાથે આ નીરુપણનો સમ્બન્ધ માને છે તેટલો છે એમ મને લાગતું નથી. કોઈ ‘તું કોણ? એ જાણવા પર ભાર આપે છે, તો કોઈ આત્મનીષ્ઠા, કોઈ બ્રહ્મનીષ્ઠા, કોઈ ભક્તી, કોઈ જ્ઞાન, કોઈ મોક્ષ એ પૈકી ગમે તે પર ભાર મુકે છે; પરન્તુ મને આમાંની એકેયે વાત સમ્પુર્ણ લાગતી નથી. મને લાગે છે કે શરીર, બુદ્ધી અને મનનો યોગ્ય વીકાસ, સદ્ભાવના અને સદ્ગુણોનો ઉત્કર્ષ, સર્વ બાજુથી ઉપયોગી એવી કાર્યક્ષમતા અને કર્તૃત્વ, ચીત્તશુદ્ધી અને વીવેકશીલતા વગેરે બધી બાબતો આપણા જીવનમાં આવે – જ્ઞાન, સદ્ભાવના અને ઉચીત કર્મ એ બધાનો સુમેળ આપણને સાધતાં આવડે તો જ માનવજીવન સફળ થઈ શકશે. તેમાં જ જીવનની પુર્ણતા છે. આ બધી બાબતો સ્પષ્ટ અને સુસંગત રીતે બતાવનારી વીચારસરણીની આપણને જરુર છે. તેમાં માનવજાતીના કલ્યાણનો વ્યાપક દૃષ્ટીએ વીચાર કરેલો હોવો જોઈએ. તેમાંનો વીચાર જીવનના અનુભવમાંથી નીકળેલો હોવો જોઈએ. હું આ પ્રકારની ઈચ્છા રાખી રહ્યો છું.

પત્ર, તા. 8-4-‘42

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/–(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન માણવા માટે મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

7 Comments

  1. આપણી સમજણ એવી છે કે જ્યાં સુધી કોઈ પણ જીવન વિષયક વિચાર અને વાત જટીલ અને અટપટી ન હોય ત્યાં સુધી એને તત્વજ્ઞાન માનવું નહી. આ ભ્રમનો ભંગ આદરણીય શ્રી કેદારનાથજીના વિચારો અને લખાણો દ્વારા થાય છે.
    ૨૦૧૯ના અમારી સાહિત્ય વાંચીને વિચાર શિબિર પહેલા શ્રી રમેશભાઈ સવાણી સાહેબે આદરણીય કેદારનાથજીના પુસ્તકો પણ સાહિત્ય શિબિરમાં વંચાય અને તેનો સંવાદ થાય તેવું સુચન કરેલું. પછીથી કોરોનાકાળને લીધે શિબિરો થઈ નથી પણ હવેની જે પહેલી સાહિત્ય શિબિર થશે તેમાં આદરણીય કેદારનાથજીના વિચારોને ઉદાભક્ત સમાજની યુવા પેઢી સમક્ષ ઉજાગર કરી સહુ વધુ જાગૃત અને વિચારવંત બને તેવા પ્રયત્નો રહેશે. સવાણી સાહેબ અને તમારે ફરી આવવાનું રહેશે હો!!!

    Liked by 1 person

    1. નમસ્તે… મુકેશભાઈ,
      હું કોઈ લેખક કે ચીન્તક નથી પણ રૅશનલ વીચારો અને સદવીચારોનો વાહક (ટપાલી/કુરીયર) છું. ‘ઉદાભક્ત સમાજ’ના વીદ્વાનોની વચ્ચે મારી શી વીસાત…! પરન્તુ પરમ આદરણીય પ્રેમજીવન સ્વામી અને ‘ઉદાભક્ત સમાજ’ના સાનીધ્યમાં કંઈક નવુ જાણવા–શીખવા માટે સાહીત્ય શીબીરમાં શક્ય હશે તો હું જરુર આવીશ.
      ધન્યવાદ.

      Like

  2. કોઈ ‘તું કોણ? એ જાણવા પર ભાર આપે છે, તો કોઈ આત્મનીષ્ઠા, કોઈ બ્રહ્મનીષ્ઠા, કોઈ ભક્તી, કોઈ જ્ઞાન, કોઈ મોક્ષ એ પૈકી ગમે તે પર ભાર મુકે છે; પરન્તુ મને આમાંની એકેયે વાત સમ્પુર્ણ લાગતી નથી. મને લાગે છે કે શરીર, બુદ્ધી અને મનનો યોગ્ય વીકાસ, સદ્ભાવના અને સદ્ગુણોનો ઉત્કર્ષ, સર્વ બાજુથી ઉપયોગી એવી કાર્યક્ષમતા અને કર્તૃત્વ, ચીત્તશુદ્ધી અને વીવેકશીલતા વગેરે બધી બાબતો આપણા જીવનમાં આવે – જ્ઞાન, સદ્ભાવના અને ઉચીત કર્મ એ બધાનો સુમેળ આપણને સાધતાં આવડે તો જ માનવજીવન સફળ થઈ શકશે. તેમાં જ જીવનની પુર્ણતા છે.- કેદારનાથજી

    ખુબ જ સરળ અર્થમાં માનવજીવની સાર્થક્તા સમજાવી.
    આભાર.

    Liked by 1 person

  3. ‘શરીર, બુદ્ધી અને મનનો યોગ્ય વીકાસ, સદ્ભાવના અને સદ્ગુણોનો ઉત્કર્ષ, સર્વ બાજુથી ઉપયોગી એવી કાર્યક્ષમતા અને કર્તૃત્વ, ચીત્તશુદ્ધી અને વીવેકશીલતા વગેરે બધી બાબતો આપણા જીવનમાં આવે – જ્ઞાન, સદ્ભાવના અને ઉચીત કર્મ એ બધાનો સુમેળ આપણને સાધતાં આવડે તો જ માનવજીવન સફળ થઈ શકશે. તેમાં જ જીવનની પુર્ણતા છે. આ બધી બાબતો સ્પષ્ટ અને સુસંગત રીતે બતાવનારી વીચારસરણીની આપણને જરુર છે. તેમાં માનવજાતીના કલ્યાણનો વ્યાપક દૃષ્ટીએ વીચાર કરેલો હોવો જોઈએ. તેમાંનો વીચાર જીવનના અનુભવમાંથી નીકળેલો હોવો જોઈએ. હું આ પ્રકારની ઈચ્છા રાખી રહ્યો છું.’
    –કેદારનાથજીનું સરળ અને સ્પષ્ટ તત્ત્વજ્ઞાન
    ધન્યવાદ

    Liked by 1 person

  4. Very simple and practical advice. Don’t have to go into confusing mumbo-jumbo of multiple ideology and complicated maze of various ideologies pervaded all over the world. Just follow the simple path of being a good human being, by doing good unto others and don’t harm anyone

    Liked by 1 person

  5. પૂજ્ય કેદારનાથ સ્વામીજીના વિચારો , ‘ સરળ અને સ્પષ્ટ તત્વજ્ઞાન ‘ ના વિષયે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન ગમ્યો. હું પહેલેથી જ માફી માંગી લઉ કે જો મારા વિચારો કોઇક રીતે જુદા પડે તો.
    પ્રથમ તો આર્ટીકલનો પ્રથમ ફકરો ઉર્ફે પેરેગ્રાફની શરુઆતના જેટલાં શબ્દો વપરાયા છે તેમાં ઘણા ખરાં અેક સામાન્ય ગુજરાતીને માટે અઘરા હોય તેવું મને લાગ્યુ છે. સરળ નહિ લાગ્યા…દા.ત. આત્મસંતોષ, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, શાંતિ, મોક્ષ, સાત્વીકતા, સદ્ગુણો…..,……..
    મનુષ્યમાત્રનું કલ્યાણ…….માનવજીવનની સીદ્ઘી કરવા માટે વાંચન, મનન,તેમ જ સંયમ, ત્યાગ,યોગ, જ્ઞાન, કર્મ વગેરે સાઘનોની જરુર છે………
    અને આ દરેક જરુરીઆત પુરી થાય તો જોઇતા પરિણામો મળે…..
    મોક્ષ…..જેવો શબ્દ મહા ચિંતકોને માટે પણ ચિંતનનો વિષય છે…. મારી સામે પ્રવચન સાંભળવા બેઠેલાઓને માટે તો ???
    Osho said, ” The real question is not whether life exists after death ? The real question is whether you are alive before death.?”

    મારા વિચારો..આજના વિષય ઉપર :
    માણસ,,,,,,માનવ….અને ….માનવતા……
    આ પરિણામ પામવા માટે કોઇપણ ઘર્મના પુસ્તકો વાંચવાની જરુરત નથી, કોઇપણ પુજા પાઠ કરવાની જરુરત નથી…..સંસ્કૃત થવાની જરુરત નથી….મંદિરોમાં જઇને કોઇપણ તત્વજ્ઞાનના પ્રવચનો સાંભળવાની જરુરત નથી…..જેમ પેલા કુંભારનો દાખલો છે ને ? તેનું ચકરડું વ્હાલું અને તેનો માનવતાવાદ….પ્રભુ પણ તેને વ્હાલો કરે….
    .
    હું માનુ છું કે આપણી પાસે અેક ભજનીકે લખેલું અને લાખો માણસોને મોઢે સાંભળવા મળે છે તે ભજન જ જો જીવનમાં સાચા મન અને હૃદયમાં, શબ્દસ: ઉતારીને તેને કર્મમાં ઉતારો અેટલે જીવન સાફલ્ય.
    નરસંહ મહેતાનું લખેલું અને ગાંઘિજીઅે વિશ્વને સંભળાવીને અમર બનાવેલું ભજન…ખરેખર સરળ શબ્દોથી વણાઅેલું, સંભળાતેલું અને ગવાયેલું……અને પ્રવચનકારની સામે બેઠેલો કોઇપણ ગુજરાતી , ભણેલો કે અભણ, જરુરથી જીવનનું તત્વજ્ઞાન સરળતાથી સમજી જશે. કદાચ તે પોતાના બાળકોને જાતે સમજાવી શકશે….. સંસારી બની રહીને પણ….( સંસારત્યાગ કરવાની કોઇ જરુરત નહિ..કે ભગવા પહેરવાની જરુરત……સંસારને પોતાનો બનાવીને જીવવાવાળા કબીર, નરસિહ પણ હતા જ ને ? )

    વૈષ્ણવજન તો તેને કહીઅે, જે પીડ પરાે જાણે રે;
    પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
    સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
    વાચ, કાછ, મન નિશ્ચળ રાખે, ઘન્ય ઘન્ય જનની તેની રે.
    સમદ્રષ્ટિ અને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
    જિહ્વા થકી અસત્યના બોલે, પરઘન નવ ઝાલે હાથ રે.
    મોહ માયા વ્યાપે નહિ તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે;
    રામનામશું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
    વણલોભી ને કપટરહિત છે, કામ ક્રોઘ નિવાર્યા રે;
    ઘણે નરસૈયો તેનું દરશન કરતાં, કુળ ઇકોતેર તાર્યા રે.

    હિન્દુઓના કોઇપણ ….જુદા….જુદા કહેવાતા ફાંટાઓની પણ જરુરત નથી .ઘરમાં બેસીને પણ…અેક અભણ માણસ માનવ બની ને માનવતા ભરેલું જીવન જીવી શકે છે.
    કેટલો સરળ રસ્તો ? કોઇ વળાં નહિ કે કોઇ ચઢાવ કે ઉતાર નહિ…..બસ પ્રેમ અને માનવતા…નો પોલીટીક્સ….સાઘુૉની જરુરત નહિ….મહાત્માઓની જરુરત નહિ…..ફક્ત દસ લીટીઓ અને તેમાં દર્શાવેલાં થોડા જીવન જીવવાના રસ્તાનું પાલન….
    બેડો પાર..
    ..‘ બઘા જ મારા અને હું બઘાનો.ં
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. પૂજ્ય કેદારનાથ ટૂંકમાં આપણને સાચા માનવ બનવાની જ વાત કહે છે -જો આપણે બની શકિયે તો તેમનો પ્રયાસ પૂર્ણ થશે

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s