(33) સાપની ઉપયોગીતા અને (34) દરીયાના સાપ

સાપનાં સાચા અસ્તીત્વથી આપણે ઘણી બધી રીતે અજાણ છીએ. સાપની સાચી ઉપયોગીતા આપણે જાણતા નથી. જેથી સાપની ઉપયોગીતા અને દરીયાઈ સાપના પ્રકારો, તેની જીવની અને તેના વીષની ઘાતકતા અંગે આજે જાણીએ.

(તસવીર સૌજન્ય : ધર્મેન્દ્ર ખત્રી અને દેવાશીષ જદીઆ)

33

સાપની ઉપયોગીતા

–અજય દેસાઈ

સાપ અને મનુષ્યોનું પૃથ્વી ઉપર સહઅસ્તીત્ત્વ હજારો વર્ષોથી છે, ખરું જોતાં તો, સાપ પૃથ્વી ઉપર મનુષ્યો કરતાં કૈંક લાખ્ખો વર્ષ અગાઉથી વીચરી રહ્યા છે. પરન્તુ જયારથી મનુષ્યો પૃથ્વી ઉપર હયાત છે, ત્યારથી બન્ને સાથોસાથ રહેતા આવ્યા છે. મનુષ્યોના પર્યાવરણ ઉપર અને આર્થીક બાબતો ઉપર સાપનો ખાસ્સો પ્રભાવ છે. સાપની રહેવાની ખાસીયતો, આદતો અને મુખ્યત્વે નીશાચરપણાને લઈને, સાપ આપણી આસપાસ રહેતા હોવા છતાં, આપણે તેનાં સાચા અસ્તીત્વથી ઘણી બધી રીતે અજાણ છીએ, અને તેથી જ સાપની સાચી ઉપયોગીતા આપણે જાણતા નથી. સાપ કેવી રીતે ઉપયોગી છે તે આપણે ટુંકમાં જોઈએ.

1. ઉંદરો અને જીવાત ઉપર નીયન્ત્રણકાર તરીકે :

સાપ સમ્પુર્ણ માંસાહારી જીવ છે અને તેના ખોરાકમાં નાનાં જીવડાં, ઈયળોથી લઈને, નાનાં મોટા પ્રાણીઓ છે; પરન્તુ મુખ્યત્વે 80 ટકા સાપ કૃતંક પ્રાણીઓ (Rodent) ઉપર નીર્ભર છે. પૃથ્વી ઉપર અનાજનો સહુથી વધુ બગાડ, ખેતરોમાં અને ગોડાઉનોમાં આવા કૃતંક પ્રાણીઓ જ કરે છે. એક સંશોધન મુજબ પુખ્તવયનો સાપ સરેરાશ રોજ 3થી 5 કર્તનારા પ્રાણીઓનો શીકાર કરે છે. આ ઉપરાંત વધારામાં દેડકાં, ગરોળી, પક્ષીઓ, ઈંડાઓ જીવડાઓ ઉધઈ વગેરેનો પણ ભક્ષ્ય કરે છે. આમ કરી તે તેમના ઉપર નીયન્ત્રણ રાખે છે. જો આવું ન થાય તો તેમની વસતી ખુબ જ વધી જાય, પર્યાવરણીય સમતુલા ખોરવાઈ જાય. આ સન્દર્ભમાં ઉંદરો ઉપરનું સંશોધન રસપ્રદ છે, તે જોઈએ. ભારતમાં કુલ જે પાક થાય છે તેનો સહુથી વધુ, 23 ટકા બગાડ, ઉંદરો કરે છે. ઉંદરોની પ્રજોત્પત્તી ખુબ ઝડપી છે. એક પુખ્ત ઉમ્મરની માદાને અનુકુળતા હોય તો એક વર્ષમાં 6 વખત બચ્ચાં જણે છે. એક બચ્ચું ૩ મહીનાનું થાય ત્યાં સુધીમાં તો તે સમ્ભોગ માટે પુખ્ત બની જાય છે. જો દર વખતે બધાં બચ્ચાં બચે તો, ઉંદરની એક જાત ઉપરની ગણતરી મુજબ એક વર્ષમાં 880 ઉંદરનો વધારો કરી શકે છે. વીચારો….. ઉંદરનો સહુથી વધુ નાશ કોણ કરે છે? સાપ અને ઘુવડ, બાજ જેવા પક્ષીઓ…..

2. ખોરાક તરીકે :

સાપ ઉપર પણ કુદરતી નીયન્ત્રણો છે. સાપનો શીકાર થાય છે તેને ખોરાક તરીકે સ્વીકારતાં કેટલાંક જીવ છે. ખાસ કરીને શીકારી પક્ષીઓ, શેળો, ઘોરખોદીયા, નોળીયા તથા કેટલાંક પ્રાણીઓ વગેરે છે. કુદરતની આ સાંકળ થકી સાપની વસતી ઉપર નીયન્ત્રણ રહે છે. આ ઉપરાંત મનુષ્યોમાં પણ ભારતની કેટલીક આદીવાસી જાતીઓ, કેટલાંક શોખીનો અને દુનીયાભરમાં અનેક લોકો સાપને સ્વાદીષ્ટ ખાદ્ય પદાર્થ ગણી તેને મારે છે. પુર્વ ભારતમાં ચકમાઓ, કેરળના પોલીયારો, મદ્રાસના ઈરુલાઓ સાપને નીયમીત ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમાં પણ અજગર અને ધામણ પ્રીય સાપ છે. દુનીયાનાં કેટલાક દેશોમાં ખાસ કરીને જાપાન, ચીન, હોંગકોંગ વગેરેમાં દરીયાઈ સાપ પણ ખોરાક તરીકે સ્વીકાર્ય છે.

3. દવા માટે :

ઝેરી સાપનું ઝેર કેટલીક જીવન રક્ષક દવાઓ માટે ખુબ જ ઉપયોગી છે. લકવા માટે, દુખાવા માટે, થ્રોમ્બોસીસ માટે, લોહી વહેતું અટકાવવા, કેટલાંક અંશે કેન્સર માટે અને ખાસ કરીને વીષ પ્રતીરોધક રસી બનાવવા માટે ખુબ જ ઉપયોગી છે.

4. કમાણીના સાધન તરીકે :

વીશ્વના કેટલાંક દેશોમાં સાપ ઉછેર કેન્દ્રો ચાલે છે. આવા કેન્દ્રોમાં ઝેરી સાપનો વ્યાપારી ધોરણે ઉછેર થાય છે. તેઓનું વીષ એકઠું કરવામાં આવે છે અને તેને વેચવામાં આવે છે. અનેક સરકારી, બીનસરકારી સંસ્થાઓ આ વીષ ખરીદે છે. તેમાંથી દવાઓ બનાવે છે અને અન્ય સંશોધનો માટે ઉપયોગમાં લે છે. જયારે કેટલાંક બીનઝેરી અને ઝેરી સાપનો ઉછેર તેમની ચામડીમાંથી બુટ, ચપ્પલ, પટ્ટા, પાકીટ વગેરે બનાવવા માટે થાય છે. તેમનું માંસ પણ વેચવામાં આવે છે. તો કેટલાંક દેશોમાં સાપને પાલતું ‘જીવ’ તરીકે રાખવાના શોખીનો આવા ઉછેર કેન્દ્રમાંથી સાપ ખરીદે છે અને પાળે છે.

5. સંશોધન માટે :

સાપ અને તેનું વીષ પ્રયોગશાળામાં સંશોધન માટે પણ વપરાય છે. સાપનો ઉપયોગ જૈવીક, શારીરીક અભ્યાસ અને વીકાસનાં અભ્યાસનાં સંશોધન માટે થાય છે. આવાં સંશોધનમાં તેમના ઉપયોગ પાછળના કારણો :

● સાપની ચયાપચયની ક્રીયા ખુબ મંદ છે.

● પર્યાવરણની અસરો માટે સહુથી ઓછા પ્રતીરોધક છે.

● તેઓ ખોરાક તરીકે સ્વીકાર્ય છે, તેથી ખોરાક તરીકેના સંશોધન માટે થાય છે.

● પર્યાવરણ સંતુલનની સાંકળમાં તેઓ મહત્ત્વનાં છે.

● સંશોધન માટે રખાતા અન્ય પ્રાણી, જીવોનાં પ્રમાણમાં તેમનો ખોરાક ઓછો છે અને અન્ય જરુરીયાતો પણ ઓછી છે.

6. પાલતું જીવ તરીકે :

વીશ્વના ઘણા દેશોમાં ખાસ કરીને પશ્ચીમના દેશોમાં અન્ય પાલતુ જીવો, કુતરાં બીલાડીઓ વગેરેની જેમ, સાપને પણ પાલતું જીવ તરીકે ઘરમાં રાખવાના શોખીનો છે. આવા શોખીનો મુખ્યત્વે બીનઝેરી સાપ જેવા કે અજગર, બોઆ વગેરે સાપને ઘરમાં રાખે છે. આથી આંતરરાષ્ટ્રીય બજારમાં સાપની ખુબ માંગ રહે છે, તેથી કીમ્મત પણ ખાસ્સી આવે છે. આવો શોખ વ્યક્તીગત ધોરણે અને સાપ ઉદ્યાન માટે પણ હોય છે.

(૩4)

(તસવીર સૌજન્ય : શૈલેષ પટેલ, નવસારી)

દરીયાના સાપ

સમુદ્રના ખારા પાણી, પૃથ્વીના કુલ ક્ષેત્રફળના ત્રીજા ભાગ ઉપર પથરાયેલા છે. વીવીધ વીસ્તારના સમુદ્રના ખારા પાણીને, વીવીધ નામ આપી વીભાગવામાં આવ્યા છે. જે રીતે જમીન ઉપર જીવજંતુ, સરીસૃપ અને સસ્તન વસે છે, તે જ રીતે દરીયાના ખારાપાણીમાં પણ આખી જીવસૃષ્ટી વસે છે. વળી જમીન ઉપર તથા જમીન ઉપરના મીઠાપાણીમાં સાપ રહે છે, તે જ રીતે દરીયાના ખારા પાણીમાં પણ સાપ રહે છે. અલબત્ત સમુદ્રના પેટાળની વીશાળતા, વીશીષ્ટતા અને આ અંગેનું અપુરતું જ્ઞાન તથા વૈજ્ઞાનીક માહીતીનો અભાવ વગેરેને લઈને આજે પણ સમુદ્રના સાપ વીશે જુજ જાણીએ છીએ. કદાચ તેથી જ સમુદ્રના સાપ વીશે ઘણી બધી દંતકથાઓ પ્રચલીત છે. ખાસ કરીને તેમના વીશાળ કદ, વીચીત્ર દેખાવ અને ભયાનકતા માટે, દરીયાના સાપ એટલાન્ટીક મહાસાગર, રાતા સમુદ્ર અને ભુમધ્ય સમુદ્રમાં જોવા નથી મળતાં, અથવા નહીંવત્ જોવાય છે. દરીયાઈ સાપ હીન્દ મહાસાગરમાં અને પશ્ચીમ પ્રશાંત મહાસાગરમાં જ મુખ્યત્વે જોવા મળે છે. દરીયાઈ સાપનું દરીયામાં અસ્તીત્વ છેલ્લાં 250 લાખ વર્ષથી છે અને તેમની ઉત્પત્તી ઓસ્ટ્રેલીયાના જમીનના સાપમાંથી થઈ હોવાનું મનાય છે. દરીયાના ખુબ ઉંડા પાણી તેમને માફક નથી આવતાં, મોટાભાગે છીછરા પાણી પસન્દ કરે છે કે જયાં સુર્યપ્રકાશ તળ સુધી પહોંચી શકે.

ભારતના દરીયા કીનારાઓમાં રહેતાં લાખ્ખો લોકો માછીમારી ઉપર નીર્ભર છે અને દરીયાઈ સાપ પણ માછલીઓ ઉપર નીર્ભર છે. મોટાભાગના માછીમારોને માછલી પકડતી વખતે, તેઓની જાળમાં માછલી સાથે સાપ પણ પકડાઈ આવવાના અનુભવ થાય છે, આવા સંજોગોમાં તેઓ સીધા હાથથી સાપને પકડી પાછા દરીયામાં ફેંકી દે છે, ખરેખર તો તેઓને આવા સાપની ઘાતકતાનો ખ્યાલ નથી. નહીં તો તેઓ આવી રીતે બેદરકારીથી સાપ ન પકડે. દરેક દરીયાઈ સાપ ઝેરી હોય છે તેમની ઘાતકતા નાગ કરતાં ઘણી વધારે હોય છે. વળી મોટાભાગના દરીયાઈ સાપના વીષના મારણ માટેની, વીષ પ્રતીરોધક રસી બનતી પણ નથી.

પૃથ્વી ઉપર કુલ 19 કુળના સાપ થાય છે તે પૈકી 4 કુળનાં સાપ દરીયામાં રહે છે. (1) Colubridae (2) Acrochordidae (3) Laticaudidae (4) Elapidae. આ ચાર પ્રકારના દરીયાઈ સાપની દુનીયાભરમાં 73 જાતી નોંધાઈ છે. આ પૈકી ભારતના દરીયાકાંઠામાં 23 જાતના સાપ જોવા મળે છે. જયારે ગુજરાતના દરીયાકાંઠામાં 12 જાતીના સાપ નોંધાયા છે. આ પૈકી 11 સાચા દરીયાઈ છે. જયારે એક વધારાનો File Snake – Acrochordidae છે. આપણે અહીં સાચા દરીયાઈ સાપ એટલે શું? તે સમજી લઈએ. જે સાપની સમ્પુર્ણ દીનચર્યા તથા જીન્દગી દરીયામાં જ વ્યતીત થાય છે. દા.ત., ખોરાક, પ્રજનન, સંવનન, પ્રજોત્પત્તી, તેવા સાપને 100 ટકા સમ્પુર્ણ દરીયાઈ સાપ કહેવાય છે અને આ બધા દરીયાઈ સાપને Elapidaeમાં મુકવામાં આવ્યા છે. આપણે જાણ્યું છે કે કુલ 73 પ્રકારના દરીયાઈ સાપ વીશ્વભરમાં છે,  તે પૈકીના 57 સાપ સમ્પુર્ણ દરીયાઈ છે. જયારે બાકીના જે 100 ટકા દરીયાઈ સાપ નથી. તેવા સાપ તેમનાં ઈંડા મુકવા અને ખોરાક માટે જમીન ઉપર આવે છે. આવા સાપમાં મુખ્યત્વે Laticandiday છે. જેમાં Sea Kraitની પાંચ જાત મુખ્ય છે. આવા સાપના પેટાળનાં ભીંગડાં સાચા દરીયાઈ સાપ કરતાં મોટા હોય છે અને તેથી જ તે જમીન ઉપર રહી હરી ફરી શકે છે. જયારે સાચા દરીયાઈ સાપના પેટાળના ભીંગડાં ખુબજ નાના હોય છે, તેથી તેઓ જમીન ઉપર ચાલી શકવા સક્ષમ નથી હોતો; પરન્તુ દરીયામાં જ બધી પ્રવૃત્તીઓ કરતા હોવાથી તેમને જમીન ઉપર આવવાની આવશ્યકતા પણ નથી.

દરીયાઈ સાપ સામાન્યત : 2 ફુટ થી 5 ફુટના હોય છે, વધુ લાંબા હોતા નથી. ફકત Hydrophis Spiralis એ 10 ફુટ સુધી લમ્બાઈનો જોવા મળે છે.

દરીયાઈ સાપના નસકોરાં મોંના ઉપરના ભાગમાં હોય છે, મોટા ભાગના સાપના આ નસકોરાંની રચના એ રીતની હોય છે કે તેની અંદરનાં ભીંગડાં ખુલી શકે તેવા વાલ્વ જેવા હોય છે. પાણીની અંદર સાપ હોય છે, ત્યારે આ નસકોરાંના વાલ્વ જેવા ભીંગડાં બંધ થઈ જાય છે. જેથી પાણી અંદર જાય નહીં અને જયારે સપાટી ઉપર શ્વાસ લેવા તે આવે ત્યારે આવા વાલ્વ જેવા ભીંગડાં ખુલી જાય છે અને તે શ્વાસોચ્છવાસ કરી શકે છે. બધા જ દરીયાઈ સાપ નસકોરાં દ્વારા જ શ્વાસોચ્છવાસ કરે છે. અને દરીયામાંથી મોં બહાર કાઢીને શ્વાસ લેતાં હોય છે. આથી અમુક સમયાંતરે દરીયાની સપાટી ઉપર શ્વાસ લેવા માટે આવવું પડે છે તેને અન્ય દરીયાઈ માછલીઓની જેમ ચુઈથી શ્વસનથી કરતાં. વામ (Eel)ની જેમ તેમને ફેફસાં હોય છે. તેમનું ડાબું ફેફસાં પુર્ણ વીકસીત હોય છે. જમણું ફેફસું હોતું નથી કે ખુબજ અલ્પવીકસીત હોય છે. ડાબુ ફેફસું શરીરની કુલ લમ્બાઈના પોણા ભાગ સુધી લમ્બાયેલું હોય છે. બધા જ દરીયાઈ સાપ ઝેરી હોય છે. તેઓના વીષ દંશતા દાંત ઉપરના જડબામાં અંદરથી આવેલા હોય છે. તેમની ખોપરીની રચના Elapidae કુળના સાપ જેવી જ હોય છે. વીષ દંશતા દાંત સીવાય જડબાં ઉપર અન્ય 18 જેટલા દાંત હોય છે. બધા જ સાપનું માથું શરીરની જાડાઈના પ્રમાણ જેટલું જ હોય છે. ગળું અલગ પડતું નથી હોતું. આંખો નાની અને ગોળ હોય છે. કીકીનાં રંધ્ર પણ ગોળ હોય છે.

દરીયાઈ સાપની જીભ જમીનના સાપના પ્રમાણમાં ટુંકી હોય છે અને જીભનો આગળનો ભાગ વહેંચાયેલો હોય છે, ત્યાં સુધી જીભ બહાર નીકળી શકે છે. દરીયાઈ સાપ આંખોથી જોઈને શીકારને નથી પકડતાં શીકારને તેની ગંધ અને તરંગો દ્વારા અનુસરી પકડે છે. દરીયાઈ સાપના ફેફસાં તેના શરીરના પ્રમાણમાં વધુ પડતા લાંબા હોય છે. આની પાછળ કદાચ એવી કરામત હોઈ શકે કે તેઓને દરીયાની અંદર વધુ લાંબો સમય રહેવાનું હોઈ વધુ ઓક્સીજનનો સંગ્રહ કરી શકાય.

સાપ ફેફસાં દ્વારા શ્વાસોચ્છવાસ તો કરે છે જ; પરન્તુ સાથે સાથે ચામડી દ્વારા પણ શ્વસન કાર્ય કરે છે. નવા સંશોધનમાં એવું ફલીત થયું છે કે, દરીયાઈ સાપ તેમની કુલ ઓક્સીજનની જરુરીયાતના 20 ટકા ઓક્સીજન ચામડી મારફતે મેળવે છે અને આને લઈને જ ઉંડે સુધી ડુબકી મારવામાં અને વધુ સમય પાણીમાં રહેવામાં સરળતા રહે છે.

દરીયાના પાણીમાં ખુબ જ ખારાશ હોય છે, તે આપણે સહુ જાણીએ છીએ. સાપને ખોરાક ગળતાં કે અન્ય પ્રવૃત્તીઓ કરતાં મોં વાટે, આ પાણી શરીરમાં જતું જ હોય છે. આ થકી તેના શરીરમાં ખારાશનું પ્રમાણ ખુબ વધુ હોય છે. આથી ખારાશ બહાર કાઢવા માટે તેના શરીરમાં પૃષ્ઠ અધોજીહ્વી Posterior Sublingual ગ્રંથી હોય છે. જે જીભની કોથળીની આસપાસ જ હોય છે. સતત બહાર લપકારા મારતી જીભની સાથે વધારાનું મીઠું અહીંથી બહાર ફેંકાયા કરે છે.

દરીયાનાં ઉંડા પાણીમાં રહી શકવાની ખાસીયત ધરાવતાં હોવા છતાં લગભગ બધા જ દરીયાઈ સાપ કીનારાઓનાં છીછરા પાણીમાં રહેવાનું પસન્દ કરે છે. ઘણીવાર તો દરીયાને મળતી મીઠા પાણીની નદીઓમાં, 150 કીલોમીટર દુર સુધી પણ જોવા મળે છે. જયારે કેટલાંક દરીયાઈ સાપ, મેનગ્રોવ વનસ્પતીઓમાં રહેતા જોવાયા છે. દરીયામાં ઉંડામાં ઉડે 300 ફુટ સુધી તે રહી શકે છે. વાતાવરણ સહ્ય અને અનુકુળ હોય તો, દરીયાઈ સાપ શ્વાસ લેવા બહાર આવ્યા સીવાય કલાકો સુધી પાણીની અંદર રહી શકે છે, તેઓ દીવસ–રાત ગમે ત્યારે પ્રવૃત્તીમય હોય છે. સુર્ય પ્રકાશ હોય ત્યારે પાણીની સપાટી ઉપર પડી રહેવું ગમે છે. જરાક અમથું ધ્યાનભંગ થતા, પાણીમાં ગરક થઈ જાય છે.

દરીયાના પાણીની બહાર તેમને કાઢવામાં આવે છે, ત્યારે જમીન ઉપર ચાલવામાં તેઓને કઢંગી પરીસ્થીતીમાં મુકાવું પડે છે, ચાલી નથી શકતાં, વીચીત્ર ચાલે ચાલતાં હોય છે, આવા સમયે તેઓ અસહાય હોઈ વધુ આક્રમક બની જાય છે. તેઓ જમીન ઉપરના સાપની જેમ જમીન ઉપર ગુંચળામાં ગોઠવાઈને રહી નથી શકતાં કે જમીન ઉપર ઉછળીને કરડી પણ નથી શકતાં.

Sea Kraitની પાંચ જાતો સીવાય બધા સાચા દરીયાઈ સાપ બચ્ચાં જણે છે અને બચ્ચાં સીધા દરીયાના પાણીમાં જ જણે છે, બચ્ચાં તરત જ સ્વતન્ત્ર વીચરતાં થઈ જાય છે. આ પૈકી ઘણાં સાપના બચ્ચાં, માદાના કદ કરતાં અડધા કદના હોય છે. Sea Krait ઈંડા મુકવા દરીયા કીનારા પસન્દ કરે છે.

બધા જ દરીયાઈ સાપની પુંછડી ચપટી–હલેસા જેવી હોય છે. જે થકી પાણીમાં તેને વળાંકો લેવામાં અને તરવામાં અનુકુળતા રહે છે. દીશા બદલવામાં પણ પુંછડી સહાયભુત થતી છે.

દરીયાઈ સાપ ખુબ જ કાતીલ વીષ ધરાવતાં હોવા છતાં તેમનાં દંશથી મરવાના કીસ્સા ખુબ જ જુજ નોંધાયા છે. તેની પાછળનું મુખ્ય કારણે તેમના વીષ દંશતા દાંત મોંની અંદરના ભાગે આવેલા છે, તે ઉપરાંત વધુમાં આ દાંત નાના પણ છે, આ સાપ જયારે કરડે છે ત્યારે આરમ્ભમાં દુખાવો નથી થતો અને કશું કરડ્યું નથી તેવું જ લાગે છે. ત્યારબાદ માથુ દુઃખે છે, જીભ થોથવાય છે, જીભ ઉપર વજન જણાય છે, ગળુ શોષાય છે, પસીનો થાય છે. ઉબકા આવે છે, ઉલ્ટી જેવું જણાય છે. આ બધુ સાપ કરડ્યાનાં 30 મીનીટ જેટલા સમયગાળામાં થાય છે અને જો પુરતી માત્રામાં વીષ શરીરમાં ગયું હોય તો એક કલાક પછી સમગ્ર શરીરમાં સખત દુઃખાવો થાય છે. શરીર ખેંચાય છે. જકડાઈ જાય છે. સ્નાયુઓ સખ્ત થઈ જાય છે. જડબાં જકડાઈ જાય છે, જેની અસરો ધનુર (Titnus) જેવી હોય છે. ત્યાર પછીના તબકકામાં લકવાની અસર જણાય છે. લકવાની અસરને લઈને શ્વાસોચ્છવાસની ક્રીયામાં તકલીફ જણાવા માંડે છે. શરીર નીયન્ત્રણમાં રહેતું નથી, કીડની કામ કરતી બંધ થાય છે, પછી હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થાય છે.

દરીયાઈ સાપનું વીષ કેટલીક દવાઓ બનાવવામાં વપરાય છે. ખાસ કરીને રકતપીત્ત (Leprosy), રકતસ્રાવ (Epilepsy), થ્રોમ્બોસીસ (Thrombosis), દર્દશામક દવાઓનો (Painkillers) ઉપયોગમાં લેવાય છે. કેટલાંક દેશોમાં તેનો ઉછેર થાય છે અને દરીયાઈ ખોરાક (Sea Food)ની જેમ જ ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ કરીને ફીલીપાઈન્સ તથા થાઈલેન્ડ જેવા દેશોમાં તે ખુબ જ પ્રીય ખાદ્ય ગણાય છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

2 Comments

  1. શ્રી અજય દેસાઈનો મનુષ્યોના પર્યાવરણ ઉપર અને આર્થીક બાબતો ઉપર સાપનો ખાસ્સો પ્રભાવ છે-તે અંગે સરસ માહિતી- દવા તરીકે , કમાણીના સાધન તરીકે અને સંશોધન અંગે રસિક વાતો જાણી અને દરિયાઇ સાપ અંગે અફલતુન વાત આશ્ચર્યજનક
    ધન્યવાદ

    Liked by 1 person

  2. શ્રી અજયભાઇઅા સરીસૃપવર્ગના પ્રાણિઓના જીવનની…ખાસ કરીને…સાપો વિષયે સુંદર માહિતિ આપી. શાળાઓમાં વિજ્ઞાન કે ભૂગોળના વિષયમાં આ નોલેજ પાઠયપુસ્તકોમાં દાખલ કરવું જોઇઅે.
    દરિયાય સાપો વિષે જ્ઞાન ઓછું હોવાની વાતમાં વઘુ માહિતિઓ મળે તેવી ઇચ્છા.
    આભાર, અજયભાઇ અને ગોવિંદભાઇ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s