વર્તમાનમાં બળવાખોરી અને ભવીષ્યમાં લાગણીઓનું અંતર!

આખા ગામ સાથે સુમેળતાથી વર્તતા ટીનએજર્સ મા–બાપ સાથે ઉશ્કેરાટથી માંડીને ઉદ્ધતાઈ પર ઉતરી આવતા હોય છે અને કારણ માત્ર એક ‘હું જે ઈચ્છું એ પ્રમાણે કરતા નથી અથવા કરવા દેતા નથી!’ સ્વતન્ત્રતાની ઝંખના ટોચ પર હોય, શરીરમાં નવું–નવેલું જોર હોય અને અંત:સ્ત્રાવોનું ઈંધણ હોય પછી જુસ્સો કે ગુસ્સો સાતમા આસમાને પહોંચતા વાર કેટલી?

વર્તમાનમાં બળવાખોરી અને
ભવીષ્યમાં લાગણીઓનું અંતર!

–ડૉ. હંસલ ભચેચ

માણસને સૌથી વધુ ગુસ્સો ઉમ્મરની કઈ અવસ્થામાં આવતો હોય છે? સાવ સરળતાથી સમજી શકાય એવો જવાબ છે – કીશોરાવસ્થામાં, ટીનએજમાં. જીવનના આ વર્ષો દરમ્યાન સ્વતન્ત્રતાની ઝંખના ટોચ પર હોય, શરીરમાં નવું નવેલું જોર હોય અને અંત:સ્ત્રાવોનું ઈંધણ હોય પછી જુસ્સો કે ગુસ્સો સાતમા આસમાને પહોંચતા વાર કેટલી..?! આ ઉમ્મરની મોટા ભાગની વર્તન સમ્બન્ધી સમસ્યાઓ આ જુસ્સા– ગુસ્સાને કારણે જ ઉભી થતી હોય છે એ પછી બળવાખોરી હોય, જુઠ્ઠું બોલવાનું– છુપાવવાનું, ગેમીંગ– ગેમ્બલીગ, ચેટીંગ– ચીટીંગ, હુક્સઅપ્સ– બ્રેકઅપ્સ, સેક્સુઅલ એક્સપ્લોરેશન– એક્સપરીમેન્ટ્સ, સ્નફીંગ– સ્મોકીંગ વગેરે બધું જ સરવાળે તો સ્વતન્ત્રતાની ઉડાન જેવી અંત:સ્ત્રાવોની જોય–રાઈડને જ આભારી હોય છે. પોતાના ટીનએજ સંતાનોના વર્તનની સમસ્યાઓને લઈને મારી પાસે અનેક લોકો આવતા રહે છે, આખા ગામ સાથે સુમેળતાથી વર્તતા ટીનએજર્સ મા–બાપ સાથે ઉશ્કેરાટથી માંડીને ઉદ્ધતાઈ પર ઉતરી આવતા હોય છે અને કારણ માત્ર એક ‘હું જે ઈચ્છું એ પ્રમાણે કરતા નથી અથવા કરવા દેતા નથી!’

આ સન્દર્ભમાં મારી લોકડાઉન ડાયરીમાં સપ્ટેમ્બર–’20માં નોંધેલો એક કીસ્સો ટાંકવાનું મન થાય છે. એ દીવસે આવી જ એક મા–બાપ ઉપર બગડેલી એક કીશોરી સાથે હું વાત કરતો હતો. માતા–પીતાને રુમની બહાર મોકલીને મેં એનો ઉશ્કેરાટ ઓછો કરવા આડવાત માંડી ‘લૉકડાઉનનો ઉપયોગ કર્યો?! કાંઈ નવું શીખી?!’

‘ગાળો શીખી.’ એણે ગુસ્સામાં કહ્યું! મને થયું કે મા–બાપની આખી પેઢી તરફ જ એનો આક્રોશ હશે અને એટલે એણે મને પણ લપેટમાં લઈ લીધો. મારે તો કોઈ પણ સંજોગોમાં સંવાદ સાધવો જરુરી હતો એટલે મેં વાતચીત ચાલુ રાખી ‘ગાળો?! ગાળો કોણ શીખવાડે?!’

‘વેબ સીરીઝ’ મસ્ત સ્માઈલ આપતા એણે કહ્યું. જ્યારે તમે કીશોરોની બાબતમાં જજમેન્ટલ થાવ છો ત્યારે તમારી એ બાબતમાં ખોટા પડવાની શક્યતાઓ વધી જાય છે. એના સ્માઈલે મને સાનમાં સમજાવી દીધું. પછી તો એણે પોતાના મનની વાત માંડીને કરી. ઘરમાં નાના ભાઈ તરફના ચોખ્ખા પક્ષપાતને કારણે લાગણીઓનો આધાર મેળવવા તે હમ્મેશાં મીત્રો, મોબાઈલ, સોશીયલ મીડીયા, ગેમ્સ વગેરેમાં વ્યસ્ત રહેતી. આ બાબતોને લઈને ઘરમાં મા–બાપ સાથે હમ્મેશાં સંઘર્ષ રહેતો. એમાં લૉકડાઉનના ગાળામાં ‘લ્યુડો કીંગ’ રમતા રમતા એક પરણીત વ્યક્તીના પ્રેમમાં પડી ગઈ. આમ તો ઓગણીસ વર્ષની ઉમ્મરમાં આ ત્રીજો સમ્બન્ધ હતો. આગળના બે તો બ્રેકઅપ થઈ ગયા. ‘મારી ઉમ્મરના છોકરાઓમાં તો મેચ્યોરીટી જ નથી હોતી, હાલ હું જેને પ્રેમ કરું છું એ મારાથી દસ વર્ષ મોટો છે, પરણેલો છે પણ મને કશો ફરક નથી પડતો. એ મને જેટલો સમજે છે એટલું કોઈ નથી સમજતું’ હું કંઈ જજ કરું એ પહેલાં જ એણે જસ્ટીફાય કરી દીધું.

‘તારા મમ્મી–પપ્પાને ખબર છે ?’ મેં પુછ્યું.

‘થોડા દીવસ પહેલાં ખબર પડી ગઈ એની તો બબાલ છે, તમારી પાસે આવવાનું કારણ જ એ છે. હમણાં તમને કહેશે, બાકી ઉકેલ તો એમણે શોધી કાઢ્યો છે, મને પરણાવી દેશે, મુરતીયો શોધવા એકદમ એક્ટીવ થઈ ગયા છે, બોલો!’ એના ચહેરા પરની બેફીકરાઈથી એવું સમજાયું કે એના મનમાં પણ કંઈ પ્લાન ઘડાઈ રહ્યા હશે.

‘લગ્ન માટે તારી માનસીક તૈયારી છે?’ મેં એના પ્લાન જાણવા મમરો મુક્યો.

‘હોતું હશે?! લગ્ન અને તે પણ અત્યારે, નોપ! હજી તો મારે ભણવું છે, કેરીયર બનાવવી છે.’ પછી આંખ મીચકારતા કહ્યું, ‘જેમ તેમ થોડો સમય કાઢવાનો છે, ત્યાં સુધીમાં તો છોકરીઓ માટે લગ્નની ઉમ્મર એકવીસ વર્ષ જરુરી હોવાનો કાયદો આવી જશે એટલે બે–ત્રણ વર્ષની તો શાંતી!’ એના ટોનમાં ચોખ્ખી બળવાખોરી દેખાતી હતી અને સાથે સાથે આંખો મીચકારવાનું રમતીયાળપણું પણ! સ્વાતંત્ર્ય દીવસની સ્પીચમાં વડાપ્રધાને હજી થોડા દીવસ પહેલાં વ્યક્ત કરેલી વીચારણાનો એણે ફાયદો પણ શોધી કાઢ્યો, હવે આમના મગજને મા–બાપ ક્યાંથી પહોંચી શકે? માટે જ હું હમ્મેશાં કહેતો આવ્યો છું કે, ટીનએજર્સ સાથે સંઘર્ષમાં ઉતરવાના બે નુકસાન છે, વર્તમાનમાં બળવાખોરી અને ભવીષ્યમાં લાગણીઓનું અંતર!

* * *

માતા–પીતા અને સંતાનો વચ્ચે ઘર્ષણના કીસ્સાઓએ મને હમ્મેશાં કો’કના કો’ક મુદ્દે વીચારતો કરી મુક્યો છે. આ કીશોરી, કન્સલ્ટેશનના અંતે, મને યુવતીઓમાં લગ્નની કાનુની ઉમ્મર વધારવાની બાબતમાં વીચારતો છોડીને ગઈ. હાલમાં લગ્નની કાનુની ઉમ્મર અઢાર વર્ષની છે; પરન્તુ મોટા ભાગની છોકરીઓ ના અઢાર વર્ષે પરણે છે કે ના તો પરણવા માંગે છે. એક મનોચીકીત્સક તરીકેના મારા અનુભવથી કહું છું કે, ત્રણ પ્રકારની પરીસ્થીતીમાં છોકરીઓ અઢાર વર્ષ થતાં જ પરણી જાય છે અથવા પરણાવી દેવામાં આવે છે. પહેલી પરીસ્થીતી, છોકરી પ્રેમમાં હોય અને ઘરવાળા વીરુદ્ધમાં હોય. આ સંજોગોમાં પ્રેમી યુગલ ચાન્સ લેવા ના માંગતું હોય, છોકરીને ડર હોય કે તેને તેની ઈચ્છા વીરુદ્ધ બીજે પરણાવી દેવામાં આવશે અને અઢાર વર્ષ પુરા થતાની સાથે જ તે ઘેરથી ભાગીને પરણી જાય. ઘણીવાર તો નાનપણથી જ માતા–પીતા સાથેના સમ્બન્ધો એટલા તણાવગ્રસ્ત હોય કે છોકરી ઈમોશનલ સપોર્ટ માટે નાની ઉમ્મરે પ્રેમમાં પડી જાય અને મા–બાપથી દુર થવાનો પહેલો મોકો જાણે ઝડપી લેતી હોય તેમ અઢાર પુરા થતા જ ઘર છોડી જાય! અલબત્ત છેલ્લા બે દસકામાં આ રીતે ભાગીને લગ્ન કરવાનું પ્રમાણ ઘટતું જાય છે. પ્રેમની બાબતમાં છોકરીઓ ઓછી આવેગશીલ (ઈમ્પલ્સીવ) અને વધુ કારકીર્દી તરફ ઢળનારી બની છે.

બીજી પરીસ્થીતી, આર્થીક સંકડામણ અનુભવતા પરીવારો, દીકરીને ભારરુપ જવાબદારી માનતા પરીવારો, અમુક સામાજીક રીતી–રીવાજોમાં જકડાયેલા પરીવારો છોકરી કાયદાકીય રીતે લગ્ન માટે પુખ્ત થતાં જ મુરતીયાની શોધમાં લાગી પડે છે. કેટલાકે તો શોધી પણ રાખ્યા હોય એમ બને. એવું પણ વાંચવામાં કે સાંભળવામાં આવ્યું છે કે જેટલી છોકરી નાની એટલી દહેજની માંગણી ઓછી હોય છે અને તે કારણોસર પણ ઘણા સમાજમાં છોકરીઓને કુમળી વયે પરણાવી દેવામાં આવતી હોય છે.

ત્રીજી પરીસ્થીતી, છોકરીના સ્વભાવ, ચાલ–ચલન કે તબીયતમાં લોચો હોય તો ઘણાં પરીવારો તેના લગ્ન કરાવવાની ઉતાવળમાં હોય એવું મેં જોયું છે. આ સંજોગોમાં પણ પહેલી તકે છોકરીને પરણાવી દેવાનું વલણ જોવા મળતું હોય છે.

હવે લગ્નની ઉમ્મર પાછી ઠેલાશે તો કોને, કેટલો અને શું ફાયદો– નુકસાન થશે એ તો આવનારો સમય કહેશે. મારી દૃષ્ટીએ આવી બાબતોમાં કાયદાઓ કરતાં લોકોના માઈન્ડસેટ વધુ કામ કરતા હોય છે. બાકી આજે પણ અઢાર વર્ષ પહેલાં લગ્નો ક્યાં નથી થતા?!

પુર્ણ વીરામ

ટીનએજરની વીચારધારા – તમે કહો છો એમ કરું તો હું તમારા રસ્તે ચાલ્યો કહેવાઉં; પણ મારે તો જુદો ચીલો પાડવો છે એટલે સાચો હશે તો પણ એ રસ્તે તો નહીં જ ચાલું!

ડૉ. હંસલ ભચેચ

મનોચીકીત્સક અને લેખક ડૉ. હંસલ ભચેચની લોકપ્રીય રવીવારીય કૉલમ ‘તારી અને મારી વાત’ દૈનીક ગુજરાત સમાચારમાં વર્ષોથી પ્રકાશીત થાય છે. તેના તા. 16 માર્ચ, 2021ના અંકમાંથી ડૉ. હંસલ ભચેચ અને ‘ગુજરાત સમાચાર’ દૈનીકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : ડૉ. હંસલ ભચેચ, 211,  શાંતવન શીતલ પ્લાઝા, રામબાગ, મણીનગર, અમદાવાદ

બ્લૉગ : https://hansalbhachech.wordpress.com/

ફેસબુક : https://www.facebook.com/Dr.HansalBhachech/

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

5 Comments

  1. મિત્રો,
    ‘વર્તમાનમાં બળવાખોરી અને ભવીષ્યમાં લાગણીઓનું અંતર‘
    સરસ વિષય છે અને ડો. હંસલ ભચેચનો સાયકોલોજીનો લેખ.
    મને લાગે છે કે દરેક બે પેઢીઓ વચ્ચે આ પ્રશ્ન જીવતો જ હોય છે, સમય અને વિજ્ઞાનિક પ્રોગ્રેસના બેઇઝ ઉપર આઘારીત….
    જૂની પેઢી તેના જમાનાને આઘારે જીવન શૈલી જીવેલા હોય છે. નવી પેઢી ( બે પેઢી વચ્ચે ૩૦ થી ૪૦ વરસોનો ગાળો ગણીને ચાલીઅે. )
    પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે ભણતરની પ્રથા બેઝીકલી જુદી. ભારતમાં…મા..બાપ કહેતા કે શાળામાં સવાલો પૂછવા નહિ…ટીચર કહે તે માની લેવું. તે જ રીતે ઘરમાં પણ મોટેરાઓ જે કહે તેને સરઆંખો પર બેસાડવું. સવાલ નહિ પૂછાય. વેસ્ટમાં સવાલો પૂછવા માટે શીખવવામાં આવે છે.
    હવે સમય બદલાયો છે. વિદ્યાર્થીઓ સવાલ પૂછે છે અને સંતોષ નહિ થાય ત્યાં સુઘી સવાલો પૂછતા રહે છે.આજ વિદ્યાર્થીઓ ઘરમાં પણ નોલેજ મેળવવા સવાલો પુછે છે….જે વડીલોને બળવાખોરી લાગે. અને આજ બાળક જેમ જેમ દુનિયાના અનુભવોથી ઘડાતો જાય તેમ તેમ પરિપક્વ બનતો જાય. લાગણીઓથી વર્તતો થઇ જાય.
    બે પેઢીઓ વચ્ચે અેક બીજાને ઓળખવાની અને પ્રેમથી નવી પેઢીને પૂર્ણતાથી સમજીને તેની સાથે વાતચીત કરીને તેના અને પોતાના મનનૂં સમાઘાન કરવું જોઇઅે.
    આમ થશે તો તેજ ઘડીથી બાળક પ્રેમથી પોતાના પ્રશ્નોની ચર્ચા સામેથી આવીને મા…બાપ સાથે ખૂલ્લા મનથી કરશે….લાગણીઓથી મા..બાપને ભીંજવી દેશે. ટૂંકમાં મા..બાપે બાળકના જીવનના સમયમાં જીવવું પડશે. સમયની સાથે પોતે પણ જીવન બદલીને જીવવું પડશે. પછી તો બઘું જ અેક પ્લેન ઉપર ચાલતું નજરે પડશે.
    બન્ને પેઢી અેકબીજાને સમજીને આનંદથી જીવશે…
    ચલના જીવન કી કહાણી….રુકના મૌત કી નીશાની….
    ઘરના વડીલો જ બાળકોના પ્રશ્નોનું આનંદદાયક સોલ્યુશન લાવી શકે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  2. ડૉ. હંસલ ભચેચનો સાંપ્રત સમયે અનુભવાતી ટીનએજરની વીચારધારા વિષે સુંદર માહિતીપ્રદ લેખ
    તેની કસક અનુભવાતી સટિક વાત પુર્ણ વીરામમા
    ‘ટીનએજરની વીચારધારા – તમે કહો છો એમ કરું તો હું તમારા રસ્તે ચાલ્યો કહેવાઉં; પણ મારે તો જુદો ચીલો પાડવો છે એટલે સાચો હશે તો પણ એ રસ્તે તો નહીં જ ચાલું! ‘
    ધન્યવાદ

    Liked by 1 person

  3. શ્ર ગોવિંદભાઇ
    બે પેઢી વચ્ચેના માનસિક અંતરને મહત્વ આપતો આ લેખ બળવાખોર યુવક/યુવતીઓને બદલે માં-બાપને વધુ લાગુ પડતો હોય એવું મને લાગેછે.માબાપ
    દરેક વખતે પોતાનુંજ ધર્યું થાય તેમ ઈચ્છતાહોઈ યુવાન સનતાનો વચ્ચે મોટી ખાઈ ઉભી કરી દે છે. જ્યાંઆરે કોઈપણ કિશોર/કિશોરી પોતાના મનની વાત
    ખુલ્લી રીતે પોતાના માબાપ સમક્ષ કરી શકે નહીં ત્યારે આવા બધા ગુંચવાડા ઉભા થતા હોય છે અને તેમની વચ્ચે માનસિક અંતર વધી જતું હોય છે.જો
    માતા કે પિતા પોતાના યુવાન બાળક સાથે મિત્ર જેવો વહેવાર રાખે તો સરળતાથી દરેક પ્રશ્નનો ઉકેલ આવી શકે.આમાં માબાપનો પ્રેમ અગત્યનો ભાગ ભજવે છે.
    પરંતુ આના અભાવમાં કિશોર વયનો પુત્ર કે પુત્રી કા તો બળવાખોર બને છે અથવા લઘુતા ગ્રન્થિ થી પીડાઈ માય કાંગલો બનેછે.બન્ને છેડા વિરોધાભાસી છે.
    અત્યારના સોશ્યિલ મીડિયા,સિનેમા,ટી,વી અને અન્ય મિત્રોની સ્ગત પણ યુવાનો ઉપર ઘણી મોટી અસર ઉભી કરેછે જે જૂની પેઢીના માં-બાપો સમજી
    શકતા નથી અથવા સમજવા માગતા નથી.પરિણામે આવા બાળકો જેમનું અંતર મન ખરેખર પ્રેમ માટે ઝન્ખતું હોય છે તે બીજાના આભાસી પ્રેમ જાળ માં
    ફસાય છે જે આપણે ઉપરના લેખમાં જોયું કે છોકરી તેનાથી 10 વર્ષ મોટા પુરુષના પ્રેમ જાળમાં ફસાઈ ગઈ.
    ઉત્તમ રસ્તો માબાપે પોતાના બાળોને પ્રેમ અને કેવળ પ્રેમ જ આપી તેના અંતર મન માં જવું જોઈએ તો પ્રેમ અને સમજાવટથી ઘણીબધી આવનારી
    આફતો ટાળી શકાય.નહીં તો પછી જે કોઈ અનિષ્ટ આવે તેને ભોગવી લેવાની તઈ યારી રાખવી જોઈએ.
    આજના માબાપો અને કિશોરોની સમસ્યાને લગતો લેખ આપવા બદલ ધન્યવાદ.
    રવિન્દ્ર ભોજક

    Liked by 2 people

  4. માતા-પીતાએ સમજવુ પડશે કે તેમનુ સંતાન કઇ ખોટા કાર્યો કરતુ હશે કે વીચારો ધરાવતુ હશે તો મોટેભાગે તેની માટે તેમણે કરેલો ઉછેર કોઇ ને કોઇ રીતે જવાબદાર હશે. કહેવત છે ને કે કુવામા હોય તો અવેડામા આવે, અને વાવો તેવુ લણો.

    Liked by 1 person

    1. સંતાનો તો દુનીયાનો ઓછો અનુભવ ધરાવતા હોય એટલે અણસમજુ હોય એ વાત માતા-પીતાએ સમજવી પડશે. તેમની ઉપર ગુસ્સો કરવાની બદલે શાણપણથી કામ લેવુ રહ્યુ.

      Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s