અમારો ધર્મ જ સત્ય; બીજાનો મિથ્યા છે,
એમ કહેનાર પાખંડી હોય છે!
જગતનો કોઈ પણ ધર્મ સમ્પુર્ણ હોઈ શકે નહીં. ધર્મ સ્થાપકો સમ્પુર્ણ જ્ઞાન ધરાવતા હતા તેમ માની શકાય નહીં; કોઈ પણ ધર્મ સ્થાપકે ફોનની કલ્પના કરી ન હતી. જેમ જેમ ધાર્મીક સમ્પ્રદાયો વધ્યા, તેમ તેમ એ સમ્પ્રદાયોના અનુયાયીઓની મમતા વધી : ‘અમારો જ ધર્મ સત્ય, બીજાનો મીથ્યા છે. અમારા ધર્મગ્રંથમાં જે છે તે જ સર્વસત્ય છે. બીજા સૌ ત્યાજ્ય છે.’ આમ કહી હીન્દુઓએ પોતાના ધર્મગ્રંથોને ન માનનારને નાસ્તીક કહ્યા; મુસલમાનોએ કાફીર કહ્યા; ખ્રીસ્તીઓએ infidel– વીશ્વાસહીન–વીધર્મી કહ્યા. તેમાના અનેક તો આખા જગતને પોતાના ધર્મમાં લાવવાના મનોરથ સેવવા લાગ્યા. પરીણામે અધર્મવીગ્રહો મંડાયા. કેટલાંય સમય સુધી ક્રુઝેડના યુધ્ધો ચાલ્યા. એ યુધ્ધોમા રાજાપ્રજા સૌ હોમાયાં. એક ક્રુઝેડમાં તો ખ્રીસ્તી બાળકોની સેના યુધ્ધ કરવા નીકળેલી! અંદરોઅંદર પણ લડ્યા; રોમન કેથલીક ખ્રીસ્તીઓ અને પ્રોટેસ્ટંટ ખ્રીસ્તીઓ; બન્નેએ એકબીજાને જીવતા બાળ્યા છે. શીયા મુસ્લીમો અને સુન્ની મુસ્લીમોએ એકબીજાનું લોહી રેડવામાં બાકી નથી રાખ્યું.
મધ્યયુગમાં ઈરાનમાં હસન બીન સબ્બા નામના શીયા બાદશાહે સુન્નીઓનું નીકંદન કાઢવા માટે ગુપ્ત મંડળ સ્થાપેલું. તેમાં જુવાન બાળકોને પાળવામાં આવતા. હસને કુરાનમાં વર્ણન કર્યા મુજબનું એક સ્વર્ગ બનાવ્યું. પાળેલા યુવકને હશીશ–ભાંગ પાઈ, બેભાન કરી પોતાના મહેલમાંથી પેલા સ્વર્ગમાં મોકલી દે. ત્યાં થોડાં દીવસ રાખી, હશીશથી બેભાન કરી, પોતાના મહેલમાં પરત મંગાવી લે. સ્વર્ગમાં પરીઓ સાથે આનન્દપ્રમોદ કરેલો હોવાથી પેલો યુવક પાછો સ્વર્ગમાં જવા તલપાપડ બની જાય. હસન તેને આજ્ઞા કરે કે ‘જા, અમુક માણસનું ખુન કરીને આવીશ તો તને સ્વર્ગે મોકલીશ! પરન્તુ તું મરાશે તો ત્યાંથી સીધો જ સ્વર્ગે જતો રહીશ!’ આથી એ શ્રદ્ધાજડ યુવક, હસને બતાવેલા સુન્નીનું આબાદ ખુન કરી આવે. ધર્મયુદ્ધ માટે હસને સ્વર્ગની લાલચ આપી હતી, એમ નથી, આજે અનેક મુસલમાનોને જન્નતમાં હુરોની લાલચ અપાય છે! ગીતામાં કૃષ્ણ પણ અર્જુનને લાલચ આપે છે : ‘જો તું હણાઈશ તો સ્વર્ગ મળશે, જો તું જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવશે!’ એક ધર્મના અનુયાયીઓ બીજા ધર્મના અનુયાયીને પાગલ, મુર્ખ માને છે. પરીણામે એવા લોકોએ આજે જગતસમસ્તને પાગલખાનું બનાવી દીધું છે, મુર્ખનું નરક બનાવી મુક્યું છે. આ બધા અધર્મ કલ્પી લીધેલા ઈશ્વરને અને તેની આજુબાજુ ગુંથી કાઢેલા શ્રદ્ધાધર્મના નામે! ક્લૉરોફોર્મ કે નશો ઉતરે ત્યારે માનવીને સાચું ભાન આવે; પણ ધર્મગુરુએ તો એવી વ્યવસ્થા કરી મુકી છે કે માનવીનો શ્રદ્ધાનશો ભાગ્યે જ ઉતરે!
જયાં સુધી આ શ્રદ્ધાનશા વીરુધ્ધ નવયુવકો બંડ નહીં ઉઠાવે ત્યાં સુધી ધર્મમાં, સમાજમાં, રાજ્યમાં કે કોઈ પ્રદેશમાં ઉઠાવેલાં બંડ નીષ્ફળ જશે. શ્રદ્ધાધર્મના જાળ જડમુળથી તોડવાં પડશે; એટલા માટે ઠેઠ એના મુળ સુધી ઉતરવું પડશે. ઠેઠ ઈશ્વર અને તેનીય પહેલાંના ભ્રમ સુધી ઉતરવું જોઈશે. એ બધું તળીયાઝાટક સાફ કરવું જોઈશે. બધા શ્રદ્ધાદેવોનો સંહાર કરવો જોઈશે. શ્રદ્ધાદેવોના ભુવાઓને/ધર્મગુરુઓને વીદ્યા ભણવા નીશાળે બેસાડવા જોઈશે; અથવા તો મજુરીએ વળગાડી દેવા જોઈશે. ધર્મને નીર્મળ કરી દેવાને એમાંનો બધો મેલ ધોઈ નાખવો જોઈશે, શ્રદ્ધાની બધી જ જડતા ધોઈ નાખવી જોઈશે. પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવું હશે તો આકાશના સ્વર્ગનો નાશ જ કરવો જોઈશે. સ્વર્ગને માટે આ જ એકમાત્ર સીડી છે. આજના ગંદા સમાજનરકમાંથી નીકળવાનો આ જ એકમાત્ર માર્ગ છે. જડશ્રદ્ધાનો નાશ કરીને બુદ્ધીવીવેકની સ્થાપના કરવી એ જ એકમાત્ર માર્ગ છે.
*
‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તકનો નીચોડ શું?
‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક 1934નું છે. તેમાં આપેલ ચેતવણીઓ 2021માં સાચી પડી છે. શ્રદ્ધાધર્મના કારણે શાળા, કોલેજો, આરોગ્યધામને બદલે મન્દીરનીર્માણ/મસ્જીદનીર્માણ તરફ જવાથી લોકોની દુર્દશા થઈ છે. જ્ઞાનમાર્ગ છોડીને ભક્તીમાર્ગ અપનાવીએ તો અન્યાય સહન કરવો પડે. કોરોનાએ અસંખ્ય લોકોના જીવ લીધાં; મન્દીરો/મસ્જીદો/ચર્ચ બંધ રહ્યા; તે કંઈ કામમાં ન આવ્યા. શ્રદ્ધાધર્મથી કોરોના ન ભાગે; વીજ્ઞાન અને વીવેકથી ભાગે!
‘ઈશ્વરના ઈન્કાર’નો નીચોડ જોઈએ : [1] નીત્ય નીત્ય વીકાસ પામતો દેહ અને આત્મા વ્યક્તી રુપે અમર નથી; રુપાંતરને પાત્ર છે. મા–બાપ બાળકોમાં અવતરે છે. [2] આત્મા અમર નથી; તેને માટે પુનર્જન્મ કે પરલોક નથી. પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતારવું હોય તો આકાશી સ્વર્ગનો નાશ કરવો પડે! [3] ઈશ્વર નથી, પરલોક નથી. એટલે સમાજ એ જ માનવાનું કર્મક્ષેત્ર છે. આ જગતની રચના ઈશ્વરે કરી નથી. અમારો ધર્મ જ સત્ય; બીજાનો મીથ્યા છે, એમ કહેનાર પાખંડી હોય છે! જગતનો રચનાર, તેનો નીયામક, સમાજધર્મ બાંધનાર કોઈ ઈશ્વર નથી; સ્વર્ગ–નરક નથી. મનુષ્યે આ જગતમાં અને પોતાના જ સમાજમાં પોતાનું કલ્યાણ સાધવાનું છે. એટલે સમાજકલ્યાણ સાધતાં આત્મકલ્યાણ સાધવું એ જ એનો મહાધર્મ; સમાજ એ જ એનું ધર્મબીંદુ. [4] સૌ ધર્મકર્મના નીયમો ઈશ્વરપ્રણીત નહીં, પણ સમાજહીતને માટે સમાજે પોતે યોજી કાઢેલા છે. ઈશ્વરને ખસેડી મુકીએ તો લોકો નીતીભ્રષ્ટ ન થાય. વાસ્તવમાં ઈશ્વરના નામે થતા પાપાચારથી બચી શકાય. નીતીભ્રષ્ટ થતાં બચી શકાય. [5] સ્નેહે અને જ્ઞાને કરીને સમાજસેવા કરવી, એ જ સમાજધર્મ છે; એમાં જ ‘આત્મરક્ષણ’ની અને ‘વંશવર્ધન’ની ઉત્તમ સાધના છે. આત્મરક્ષણ અને વંશવર્ધન સમસ્ત સમાજદેહનું નાભીચક્ર છે; પરન્તુ સમસ્ત દેહનું રક્ષણ કર્યે જ નાભીચક્રનું સાચું રક્ષણ થાય છે. [6] જીવન ધારણ કરવાનું તો વીશ્વની અંદરના પદાર્થોથી જ રહેશે; એટલે હીંસા તો કરવી જ પડશે. પણ સુખદુ:ખની ઓછી લાગણીવાળી વનસ્પતીથી ચાલતું હશે, ત્યાં સુધી વધારે લાગણીવાળા પ્રાણીની હીંસા નહીં થાય. ઓછામાં ઓછી હીંસા થાય એ જ વીશ્વધર્મ. [7] એટલા જ માટે માનવી આત્મહીતમાં આત્માધીન અને સમાજહીતમાં સમાજાધીન રહે એ સમાજધર્મનો મુખ્ય માર્ગ છે. [8] એ સમાજધર્મ સારી રીતે સમજાય અને પળાય, એટલા માટે શ્રદ્ધાજડતાનો વીનાશ અને બુદ્ધીવીવેકનો વીકાસ કરતા જવું અને એ રીતે સત્યને માર્ગે ચાલતા જવું એ માનવીનો ઉન્નતીધર્મ છે. જગત ઉપરના કર્મ–Caste; ચર્મ–Colour અને ધર્મ–Creed એ સૌ પ્રકારના માનવભેદ તોડવા ઘટે. એટલા માટે નાતજાતના, જાતી–દેશના અને શ્રદ્ધાધર્મના બધા વાડા તોડવા જ જોઈશે. વીશ્વધર્મને માટે ઉચ્ચનીચના બધા ભેદ તોડવા પડશે. [9] સુખદુ:ખ કંઈ બહારની કોઈ સામગ્રીમાં નથી; એ તો માત્ર મનની લાગણીમાં જ છે. ઈષ્ટ વસ્તુ મળે કે અનીષ્ટ વસ્તુ ન મળે તો સુખ થાય; ઈષ્ટ વસ્તુ ન મળે કે અનીષ્ટ વસ્તુ મળે તો દુ:ખ થાય; ઈષ્ટ વસ્તુ મળ્યા પછી અને તેનો મોહ ઉતરી ગયા પછી તે સુખ નથી આપતી, દુ:ખ પણ આપે છે. ‘પારકે ભાણે મોટો લાડુ’–પોતાને દુ:ખી માનવાને ટેવાઈ ગયેલું મન બીજાં સૌને સુખી સ્થીતીમાં દેખે. [10] આજે સમાજની સીમા જાતી અને દેશ સુધી જ છે. સમાજ જેમ વીશાળ થાય તેમ વધારે કલ્યાણ સધાય. જુદી જુદી જાતી, અને જુદા જુદા દેશ પોતાના રક્ષણ માટે અને સ્વાર્થ માટે દેશાભીમાનને નામે કલહ કર્યા કરે છે. એટલે જ પૃથ્વી ઉપર પ્રચંડ કલહ અને વીગ્રહ ચાલી રહ્યા છે. એ અનીષ્ટને ટાળવા સમાજને ખુબ વીસ્તારવો જોઈએ. પૃથ્વી ઉપરની સમસ્ત જાતીઓનો એક સમાજ થાય તો માનવભય અને માનવહીંસા દુર થઈ જાય.
‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તકમાં લેખક તત્ત્વનું સ્વયંભુપણું; પ્રકૃતીના અન્ધ તથા અફર નીયમો; ઉત્ક્રાંતી–વીકાસક્રમ; આત્માના અમરત્વની તથા એની સ્વતન્ત્રતાની કલ્પના; નીતી, પાપ, પુણ્ય આદીની રૅશનલ વીભાવના; શ્રદ્ધા તથા પ્રાર્થનાનું મીથ્યાત્વ; ભ્રમણાઓ; બુદ્ધી તેમ જ વીવેકનું મહત્ત્વ– એમ લગભગ તમામ આનુષંગીક વીષયોની પુરી ચર્ચા કરી, ધાર્મીક માન્યતાઓનું સાધાર ખંડન કરે છે. તેઓ સારાંશ તારવે છે કે, “ઈશ્વરની જરુર છે જ નહીં, માણસે શ્રદ્ધાજડતાનો નાશ કરી, બુદ્ધીવીવેકનો વીકાસ કરતા જવું એ જ માનવીનો ઉન્નતીનો ધર્મ છે. માનવી સત્યની અનંત યાત્રાનો પ્રવાસી છે.” અટકવાની ઈચ્છા નથી, પરન્તુ હવે અટકવું પડશે. મુળ પુસ્તક કે આ ઈ.બુક વાંચવાથી ખ્યાલ આવશે કે નરસીંહભાઈ પટેલ 1934માં જે વીચારતા હતા; તેવું 2021માં આપણે વીચારી શકતા નથી. ચારેય તરફ ધર્માંધ લોકો છે; ઈશ્વરના નામે ફાઈવસ્ટાર મન્દીરો/આશ્રમો ઉભા થઈ ગયા છે. ગુજરાત અન્ધશ્રદ્ધામાં ગળાડુબ છે, ધર્મઘેલછા તથા દેવદેવીઓની ઘેલછાએ માઝા મુકી છે, ધર્મગુરુઓ દ્વારા થતાં શોષણ અને લખલુટ ભવ્યતાવાળાં મન્દીરો/આશ્રમો બાબતમાં ગુજરાતનો જોટો જડવો લગભગ અસંભવ છે. નાતજાત વધુ મજબુત થઈ છે; નાના ગામડાંમાં 6-7 મન્દીર હોય છે; પરન્તુ એક સુઘડ બાળમન્દીર હોતું નથી! નરસીંહભાઈ પટેલનું ‘ઈશ્વરનો ઈન્કાર’ પુસ્તક ગુજરાતના યુવાનો વાંચે અને પચાવે તો આપણને ભગતસીંહ જરુર મળે! આવા ઉત્તમ પુસ્તકની ઈ.બુક તૈયાર કરી ‘અભીવ્યક્તી’ બ્લૉગ ઉપર મુકીને વીશ્વના ગુજરાતી સમુદાયની શ્રેષ્ઠ સેવા ગોવીન્દભાઈએ કરી છે; તે માટે તેઓ અભીનન્દનના અધીકારી છે.
–રમેશ સવાણી
‘ઈશ્વરનો ઇન્કાર’ ઈ.બુકની ‘પ્રસ્તાવના’માંથી ટુંકાવીને બે ભાગ…, લેખકના, ‘ઈ.બુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
બહુ જ સંતુલિત પુસ્તક અને તેવી જ સંતુલિત તેની પ્રસ્તાવના.
લેખક શ્રી ઈશ્વરભાઈ તેવું વિચારતા, માનતા અને જીવતા તેવું જ લખ્યું છે. પુસ્તકના લખાણને અનુરુપ જ પણ સ્વતંત્ર જીવનને આચરણમાં મુકનાર શ્રી રમેશભાઈ પ્રસ્તાવના લખે તેમજ શ્રી ગોવિંદભાઈ ઈ-પુસ્તકનો પ્રકાશ કરે તેવા સંયોગો જવલ્લે જ જોવા મળે.
શ્રી ઈશ્વરભાઈનુ ભાવસ્મરણ તેમજ શ્રી રમેશભાઈ અને શ્રી ગોવિંદભાઈનો સહૃદય આભાર. 🙏
LikeLiked by 1 person
Simply supurb
LikeLiked by 1 person
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ જેમની સાથે ભણેલા એવા શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પણ દ્રઢ મનોબળવાળા હતા જે એમના પુસ્તક ‘ઈશ્વરનો ઈન્કાર’ માં જાણ્યું.
“રાંડ, સાંઢ, સીઢી ઔર સન્યાસી; ઈતને સે બચો તો સેવો કાશી! ” વેશ્યાઓ, ગંગાના પગથિયા અને બાવા; એટલાથી બચી શકો તો જ કાશીની જાત્રાએ
જજો! — ‘ઈશ્વરનો ઈન્કાર’ માંથી
શ્રી ઈશ્વરભાઈના સૂક્ષ્મદર્શી અને દીર્ઘદ્રષ્ટિ વ્યક્તિત્વએ એમને અંધશ્રધ્ધાના કૂવામાં ડુબેલા લોકોને કાઢવાનો માર્ગ અપનાવ્યો..
એમના લેખમાં લોકોને સાચી દિશા અને દશાનું માર્ગદર્શન રહેલું છે. રોજ ઘી તેલ નો દીવો કરવા કરતાં અંતરમા જ્ઞાનનો દીવો કરીને અજવાળું કરવાથી કેટલીય પેઢીઓ સુધરી જાય…
આવા પુસ્તકો અને લેખો થકી માનવસમાજની રુઢીઓ અને વિસંગતતાઓ દૂર કરવાના આશય સાથે કાર્ય કરતા શ્રી રમેશભાઈ સવાણી અને શ્રી ગોવિંદભાઈ જેવા રેશનલ માનવીઓને અભિનંદન!!!
LikeLiked by 1 person
ધાર્મીક ભાવનાને ઠેસ ન પહોંચે તેવા તર્કશુદ્ધ અને તત્ત્વચીંતનભર્યા અજોડ મુલ્યવાન વીચારો દ્વારા સટિક ચિંતન રજુ કર્યું અને સારભુત વાત “ઓછામાં ઓછી હીંસા થાય એ જ વીશ્વધર્મ. એટલા જ માટે માનવી આત્મહીતમાં આત્માધીન અને સમાજહીતમાં સમાજાધીન રહે એ સમાજધર્મનો મુખ્ય માર્ગ છે. એ સમાજધર્મ સારી રીતે સમજાય અને પળાય, એટલા માટે શ્રદ્ધાજડતાનો વીનાશ અને બુદ્ધીવીવેકનો વીકાસ કરતા જવું અને એ રીતે સત્યને માર્ગે ચાલતા જવું એ માનવીનો ઉન્નતીધર્મ છે.”બધા જ માને પણ રસ્તાઓ જુદા જુદા છે.તેમા પણ ઠગો પોતાનો સ્વાર્થ સાધવા જે જે પધ્ધતિઓ અપનાવે તેનાથી સમાજ છેતરાય તે અંગે સમાજને ઉજાગર કરતુ સુંદર પુસ્તક
LikeLiked by 1 person
ઇશ્વરનો ઇન્કાર…..
૧૯૩૪ના વરસમાં નરસિંહભાઇ પટેલે આ પુસ્તક લખેલું. ખરી હિંમત. અંઘશ્રઘ્ઘાળુઓના જમાનામાં અને વિદ્વાનોના સમયમાં નરોમાં સિંહ જેવા મનોબળવાળા નરસિંહભાઇને પ્રણામ.
રમેશભાઇ સવાણી પોલીસના વડાના ચરિત્ર અને ગુણો સંવારીને નરસિંહભાઇને ૨૦૨૧ના વરસમાં ગુજરાતીઓ સમક્ષ રજૂ કર્યા. તેને સાથ દઇને ગોવિંદભાઇએ ગુજરાતીઓ સમક્ષ રજૂ કર્યું
સત્ય અને આ ત્રણે નરોમાં સિહોએ ગુજરાતીઓની આંખ ખોલવાનો પ્રયત્ન કર્યો છે. લેખનો એકે એક શબ્દ જીવનમાં વણી લઇને જીવવા જેવો છે.
આજે ઇસ્લામ ઘર્મના પાલકો ફરી પાછા કદાચ પેલા કહેણ મુજબ અેક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઇને ફરી રહ્યા છે….. ખૂબ જોરમાં…..
માણસ માત્રનો સંહાર દેખાઇ રહ્યો છે….. લોકોની આંખ ખૂલે… મગજ ખૂલે અને હૃદય ખૂલે તેવી પ્રાર્થના.
લેખનો નિચોડ પરફેક્ટ છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person