‘માનવવાદ’ના સીદ્ધાંતો અને મુલ્યો

માનવવાદના સીદ્ધાંતો અને મુલ્યો

–પોલ કૃર્ત્ઝ

‘માનવવાદ’ કોઈ સીદ્ધાંત કે પંથ નથી. તે એક દૃષ્ટીકોણ છે. લોકશાહી, વાણી સ્વાતન્ત્ર્ય, વૈજ્ઞાનીક દૃષ્ટીકોણ, આર્થીક વીકાસ વગેરે મુલ્યો માનવવાદી વીચારમાંથી પ્રગટ થયા છે. આ વીચાર રાજાની દૈવી શક્તી, ઉચ્ચ વર્ગની જોહુકમી તેમ જ ચર્ચના વર્ચસ્વને નકારે છે. ‘માનવવાદ’  સમ્બન્ધમાં સૌથી અગત્યની બાબત એ છે કે વીશ્વમાં બની રહેલા સંકુલ બનાવોની તે બુદ્ધીગમ્ય તપાસ કરે છે. વીસ્તરતા જતા જ્ઞાન અને સામાજીક પરીવર્તનથી ઉત્પન્ન થતી સમસ્યાઓનો ઉકેલ પ્રણાલીકાગત વીચારસરણી લાવી શકી નથી. તબીબી વીજ્ઞાન, ફોરેન્સીક વીજ્ઞાન કે બાયોટેકનીક રીતોથી ઉત્પન્ન થતી સમસ્યાઓનો નીકાલ આપણને બાઈબલમાંથી નહીં મળે. ‘માનવવાદ’ આવી સમસ્યાઓને તાર્કીક દૃષ્ટીકોણથી તપાસે છે. વીરુદ્ધની દલીલો શાંતીથી સાંભળે છે અને ખુલ્લું માનસ ધરાવે છે.

‘માનવવાદ’માં અલબત્ત, તમામ પ્રશ્નોના જવાબો નથી. રચનાત્મક સંવાદનું તે એક સાધન છે. તેનાથી વૈજ્ઞાનીક સમજ કેળવાય છે. દા.ત.; ગેલેલીયોએ સુર્ય નહીં, પરન્તુ પૃથ્વી સુર્યની આસપાસ ફરતી હોવાનું સત્ય રજુ કર્યું, ત્યારે ખ્રીસ્તી ધર્મે તેનો ખુબ વીરોધ કર્યો હતો અને ગેલેલીયોને માફી માગવાની ફરજ પડી હતી; પરન્તુ આઈન્સ્ટાઈને જ્યારે ન્યુટને રજુ કરેલ સીદ્ધાંત વીરુદ્ધ રજુઆત કરી ત્યારે (વૈજ્ઞાનીક સમજ કેળવાયેલ હોવાથી) તેનો કોઈ તરફથી વીરોધ થયો ન હતો. ‘માનવવાદ’ સતત વીકસતો હોવા છતાં, તેના કેટલાક ચોક્કસ સીદ્ધાંતો અને મુલ્યો નીચે મુજબ છે :

(1) બ્રહ્માંડને સમજવા તેમ જ માનવીય પ્રશ્નોના ઉકેલ માટે આપણે માત્ર તર્ક અને વીજ્ઞાનનો આશ્રય લેવા પ્રતીબદ્ધ છીએ.

(2) બ્રહ્માંડનાં રહસ્યો અલૌકીક શક્તીના સહારે સમજાવવાના પ્રયત્નો અને કુદરતની બહાર મોક્ષ પામવાના સીદ્ધાંતને અમે માન્ય કરતા નથી.

() પૃથ્વી પર માનવ જીવનના વધુ સારા ઉત્કર્ષ માટે વૈજ્ઞાનીક શોધખોળ અને ટેકનોલૉજીનો શાણપણભરી રીતે ઉપયોગ કરવામાં આવે, તો તેનાં ઘણાં સારાં પરીણામો આવી શકે છે.

(4) અમે માનીએ છીએ કે માત્ર મુક્ત સમાજમાં વધુ ને વધુ લોકોને સ્વાતન્ત્ર્યની તક પ્રાપ્ત થઈ શકે અને લોકશાહીમાં જ અત્યાચારો સામે માનવ અધીકારોના રક્ષણની ખાત્રી મળી શકે.

(5) ધર્મ અને રાજકારણનાં વીભાજન માટે અમે પ્રતીબદ્ધ છીએ અને રાજકીય સત્તા દ્વારા કોઈ પણ વીચારસરણી લાદવાનો અમે વીરોધ કરીએ છીએ.

(6) મતભેદો નીવારવા માટે અને પરસ્પર સમજ કેળવવા માટે અમે સંવાદ અને સમાધાનની તરફેણ કરીએ છીએ. દબાણ અથવા હીંસા ‘માનવવાદ’ વીરુદ્ધ છે.

(7) આપણે રહીએ છીએ તે વીશ્વ વધુ ઉજ્જવળ બનાવવા માટેના પ્રયત્નોમાં અમે ધ્યાન કેન્દ્રીત કરશું. સમાજમાં ન્યાય, યોગ્ય વ્યવહાર માટે તેમ જ ભેદભાવ અને અસહીષ્ણુતાની નાબુદી સાથે અમને નીસ્બત છે.

(8) અમે વંચીત તેમ જ અપંગ લોકોને મદદ કરવામાં માનીએ છીએ કે જેથી તેઓ પોતાની જાતીને મદદ કરી શકે.

(9) જાતી, ધર્મ, વંશ, વર્ણ, રાષ્ટ્રીયતા કે લીંગ પર આધારીત વફાદારીનું અમે સમર્થન કરતા નથી અને સમગ્ર માનવ જાતનાં કલ્યાણ માટે કામ કરવામાં અમે માનીએ છીએ. અલબત્ત, રાષ્ટ્રો અને સંસ્કૃતીઓની વીવીધતા અમે સન્માનીએ છીએ; પરન્તુ અમે માનીએ છીએ કે આપણે વીશ્વ માનવ સમુહના ભાગ છીએ.

(10) પૃથ્વી પર કુદરતનાં સૌદર્યનું ભાવી પેઢી માટે અમે જતન કરવા માગીએ છીએ અને અન્ય જીવોને વેદના આપવાથી અમે દુર રહીશું.

(11) ઉચ્ચ નીતીમત્તા સાધવા અમે કોશીષ કરીશું. અમારી દૃઢ માન્યતા છે કે અમારા માટે અને સાથી માનવો માટે આનન્દી અને સુખી જીવન તેમ જ સમગ્ર માનવ જાતના લાભાર્થે માનવ જીવનની સ્થીતી સુધારવાનું શક્ય છે.

(12) ગુપ્તતાના અધીકારનું અમે સન્માન કરીએ છીએ. યુવાનોને તેમની ઈચ્છાઓ પુરી કરવાનું, પસન્દગીનાં પાત્ર સાથે લગ્ન કરવાનું, બાળકને જન્મ આપવાનું અને સારી આરોગ્ય સેવા મેળવવાનું તેમ જ ગૌરવપુર્વક મૃત્યુ પામવાનું સ્વાતન્ત્ર્ય હોવું જોઈએ. ટુંકમાં જ્યાં સુધી અન્યના અધીકારોનો ભંગ થતો ન હોય તો મુક્ત માનવી તરીકે જીવન જીવવાનું સ્વાતન્ત્ર્ય હોવું જોઈએ.

(13) અમે નીતીમત્તાનાં ધોરણો, ભાઈચારો, એકતા, પ્રામાણીકતા, સત્ય, જવાબદારી સન્માનીએ છીએ. નીતીમત્તા સીદ્ધાંતો અને મુલ્યો ઈશ્વર તરફથી અપાયા નથી; પરન્તુ માનવજીવનના અનુભવોનો તે પરીપાક છે.

(14) અમારાં બાળકોને અમે નીતીમત્તાનું શીક્ષણ આપવા માગીએ છીએ. અમે તેમને પ્રેમાળ અને જવાબદાર નાગરીકો બનાવવા ઈચ્છીએ છીએ. અમે ઈચ્છીએ કે અમારાં બાળકો તેમની છુપાયેલી શક્તીઓનો પુર્ણ ઉપયોગ કરી શકે, તેઓ યોગ્ય નીર્ણયશક્તી ધરાવી શકે, તેમને તેમના જીવન પર કાબુ રહે, સમાજને ઉપયોગી બને, તેમની વીદ્વતા સમૃદ્ધ થાય અને અન્યોની જરુરીયાતો તરફ સંવેદનશીલ બને, અમે ઈચ્છીએ છીએ કે તેમની તર્કશક્તી અને કરુણાનો વીકાસ થાય.

(15) અમને કલા સાથે વીજ્ઞાન જેટલો જ સમ્બન્ધ છે. કાવ્ય, સંગીત, નાટક, તેમ જ અન્ય કલાઓ જાગૃતી અને વૈચારીક સમૃદ્ધીના સ્રોતો છે.

(16) અમે આ બ્રહ્માંડના નાગરીકો છીએ. આધુનીક વીજ્ઞાનની શોધખોળોથી અમારું જીવન પ્રભાવીત છે. બ્રહ્માંડમાં થઈ રહેલ નવી શોધોથી એમ લાગે છે કે હજુ પણ ઘણી બધી શોધખોળોની શક્યતા છે.

(17) પુરવાર નહીં થયેલ હકીકત વીશે અમે શંકાશીલ છીએ; પરન્તુ નવા વીચારોને અમે જરુરથી આવકારીએ છીએ. પરમ્પરાગત વીચારોથી અલગ વીચાર અમે પસન્દ કરીએ છીએ.

(18) નીરાશા અને હીંસા સામે ‘માનવવાદ’  વાસ્તવવાદી વીકલ્પ છે. જીવન આંસુઓથી સભર કે અર્થવીહીન બનવું જોઈએ નહીં. ‘માનવવાદ’ અન્યોને સેવા પુરી પાડવામાં યથાર્થ સંતોષની અનુભુતી કરાવે છે. ‘માનવવાદ’ વીકાશશીલ, સર્જનાત્મક, સાહસીક અને જીવન્ત છે.

(19) અમે નીરાશાના બદલે આશા, અજ્ઞાનતાના બદલે જાગૃતી, અસત્યના બદલે સત્ય, પાપના બદલે આનન્દ, ભયના બદલે સહીષ્ણુતા, નફરતના બદલે પ્રેમ, સ્વાર્થના બદલે કરુણા, કુરુપતાના બદલે સૌંદર્ય અને અન્ધશ્રદ્ધાના બદલે તર્ક–વીવેકબુદ્ધી પસન્દ કરીએ છીએ.

(20) જે શ્રેષ્ઠ અને ઉદાત્ત છે તેને ગ્રહણ કરવામાં માનવવાદીઓને આનન્દ છે.

–પોલ કૃર્ત્ઝ

સમ્પાદકો બીપીન શ્રોફ અને અશ્વીન ન. કારીઆની પુસ્તીકા ‘માનવવાદ’ (પ્રકાશકો : (1) રૅશનાલીસ્ટ ગીરીશ સુંઢીયા, મહામન્ત્રી, બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, 69/2, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ વે, પાલનપુર – 385 001 અને સેલફોન : 942 666 3821 (2) રૅશનાલીસ્ટ સીદ્ધાર્થ ટી. દેગામી, પ્રમુખ, સત્યશોધક સભા, 410, આગમ ઓર્ચીડ, નન્દીની–2 પાસે, વેસુ, સુરત – 395 007 સેલફોન : 942 680 6446 પ્રથમ આવૃત્તી : માર્ચ, 2021 પાનાં : 88 + 10, મુલ્ય : રુપીયા 70/-)માંથી), સમ્પાદકો અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..

સમ્પાદક–સમ્પર્ક : (1શ્રી. બીપીન શ્રોફ, તન્ત્રીશ્રી, ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ –  387 130 ફોન : (02694) 245 953 સેલફોન : 97246 88733 ઈ.મેલ : shroffbipin@gmail.com

(2) અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 70167 48501/ 93740 18111

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

2 Comments

  1. ‘માનવવાદ’ના સીદ્ધાંતો અને મુલ્યો –પોલ કૃર્ત્ઝની ચિંતનાત્મક સુંદર વિચારો.
    .
    ‘‘માનવવાદ’ આવી સમસ્યાઓને તાર્કીક દૃષ્ટીકોણથી તપાસે છે. વીરુદ્ધની દલીલો શાંતીથી સાંભળે છે અને ખુલ્લું માનસ ધરાવે છે’ અને આ વાતો=’નીરાશા અને હીંસા સામે ‘માનવવાદ’ વાસ્તવવાદી વીકલ્પ છે. જીવન આંસુઓથી સભર કે અર્થવીહીન બનવું જોઈએ નહીં. ‘માનવવાદ’ અન્યોને સેવા પુરી પાડવામાં યથાર્થ સંતોષની અનુભુતી કરાવે છે. ‘માનવવાદ’ વીકાશશીલ, સર્જનાત્મક, સાહસીક અને જીવન્ત છે.’અમે નીરાશાના બદલે આશા, અજ્ઞાનતાના બદલે જાગૃતી, અસત્યના બદલે સત્ય, પાપના બદલે આનન્દ, ભયના બદલે સહીષ્ણુતા, નફરતના બદલે પ્રેમ, સ્વાર્થના બદલે કરુણા, કુરુપતાના બદલે સૌંદર્ય અને અન્ધશ્રદ્ધાના બદલે તર્ક–વીવેકબુદ્ધી પસન્દ કરીએ છીએ.”જે શ્રેષ્ઠ અને ઉદાત્ત છે તેને ગ્રહણ કરવામાં માનવવાદીઓને આનન્દ છે.’
    ધન્ય ધન્ય

    Liked by 1 person

  2. માનવવાદના સીદ્ઘાંતો અને મુલ્યો. લેખક: પૌલ કૃત્ઝ,
    માણસને માનવ બનીને માનવતા વ્યવહાર જીવવો તે દેવત્વ તરફ પ્રગતિ કરેલી કહેવાય.
    માનવતાભરેલું જીવન કદાપિ સિદ્ઘાંતો વડે ઘડાતું નથી હોતું….માનવતા તો હૃદયમાં પલપે અને સમાજમાં પ્રસરે…
    સિદ્ઘાંતો ઘડનાર શાળામાં ભણાવનાર બને. મનમુકીને જીવન સમર્પણ કરનાર…માનવતાને જીવન બનાવનાર કદાપિ પેપરવર્ક નથી કરતો….સમર્પણ કરે છે……જાતનું સમર્પણ કરે છે.
    નરસિંહ મહેતાઅે અેક ભજન લખીને માનવતાના સિદ્ઘાંતો સમજાવી દઇને પોતાની જાતને લોકસેવામાં સમર્પી દીઘી હતી……
    પોતાની જાતને પણ નરસિંહ ભૂલી ગયેલાં…હરિજનો વચ્ચે જઇને હરિભજનમાં લિન્ન થઇ જતાં……
    માનવતા જીવવાના નિયમો નથી હોતા….હૃદયના તાર ઝણ ઝણ થઇ ઉઠે છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s