હેપ્પીનેસ ઈન્ડેક્સ : સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ

હેપ્પીનેસ ઈન્ડેક્સ :
સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ

– રાજ ગોસ્વામી

દુનીયામાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં કોઈ સમસ્યા જ ન હોય, પણ એનો અર્થ એ નહીં કે ત્યાંના લોકો સુખી નથી હોતા. માણસ તેની અનેક મુસીબતો વચ્ચે પણ પોતાનું સુખ શોધી લે છે. સુખ અનુભવલક્ષી ભાવ છે. એક વેપારી માટે તેનો વ્યવસાય સુખનું કારણ હોય, તો એક વીધાર્થી માટે પરીક્ષામાં પાસ થવું સુખની નીશાની હોય. કોઈને નવું ઘર સુખ આપે, તો કોઈને કારમાં લોંગ ડ્રાઈવ પર જવાથી ખુશી મળે. કોઈને ભુખ્યાનું પેટ ભરીને આનન્દ આવે, તો કોઈને લાંચ લેવાથી સુખ મળે. ઈચ્છાઓની પુર્તી સુખનું નીમીત્ત બને છે.

આ તો વ્યકીતગત વાત થઈ, પણ આખા સમાજ કે આખા દેશના સુખનો તાળો મેળવવો હોય તો? સુખ ભલે સ્વાનુભવલક્ષી હોય અને તેને બીજા લોકોના પૈસાની જેમ માપી શકાતું ન હોય, દેશની સમૃદ્ધીને ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટથી માપીને થાકેલાં વીકસીત રાષ્ટ્રોએ હવે દેશની તન્દુરસ્તીને સુખના થર્મોમીટરથી માપવાનું શરુ કર્યું છે. 1971માં, ટચુકડા ભુતાને ‘ગ્રોસ નેશનલ હેપ્પીનેસ’નો માપદંડ દાખલ કરીને લોકોની સુખકારીને તેમના વાતાવરણ તેમ જ આધ્યામીક અને નૈતીક દૃષ્ટીકોણના આધારે તોળવાનું શરુ કર્યું હતું. તેના આધારે સંયુક્ત રાષ્ટ્ર સંઘે, દર વર્ષે 20મી માર્ચને ‘વીશ્વ સુખાકારી’ દીવસ જાહેર કરીને વર્લ્ડ હેપ્પીનેસ રીપોર્ટ જારી કરવાનું શરુ કર્યું છે.

આ વર્ષના રીપોર્ટ પ્રમાણે ફીનલેન્ડ સતત ચોથી વખત દુનીયાનો સૌથી સુખી દેશ સબીત થયો છે. બીજા નમ્બરે ડેનમાર્ક, ત્રીજા નમ્બરે સ્વીત્ઝરલેન્ડ, ચોથા નમ્બરે આઈસલેન્ડ, પાંચમા નમ્બરે નેધરલેંડ, છઠા નમ્બરે નોર્વે, સાતમાં નમ્બરે સ્વીડન, આઠમાં નમ્બરે લગ્ઝમ્બર્ગ, નવમાં નમ્બરે ન્યુઝીલેન્ડ અને દસમા નમ્બરે ઓસ્ટ્રીયા છે. પાંચ વર્ષ પહેલાં 13 નમ્બરે હતું, ત્યાંથી ગબડીને અમેરીકા 19માં નમ્બરે આવી ગયું છે. બ્રીટને 17મું સ્થાન જાળવી રાખ્યું છે. 149 દેશોની આ યાદીમાં ભારત 139માં સ્થાને છે. ગયા વર્ષે ભારતનો નમ્બર 140મો હતો. પાકીસ્તાન, બંગલાદેશ, નેપાળ ભારત કરતાં સુખના ક્રમમાં આગળ છે.

આર્થીક વીકાસનો વીરોધાભાસ એ છે કે એ તમારે એ સીદ્ધ કરતા જ રહેવું પડે, પણ એ કોઈને ખબર નથી કે વીકાસ કયાં સુધી ચાલતો રહે? દાખલા તરીકે, એક રોટલો હોય અને તેના ભાગ પાડો. તો કોઈના ભાગમાં ઓછો આવે અને કોઈના ભાગે વધુ આવે, તો પણ રોટલાનું કદ તો એટલું જ રહેવાનું છે. એ જ રીતે, પૃથ્વી પર સંસાધનમાં વૃદ્ધી થતી નથી. આપણે એ સંસાધનનો કસ કાઢવાની રીતો શોધીને વીકાસ કરતા રહીએ છીએ. બધા સંસાધનો વપરાઈ જાય પછી?

આ જ તર્ક વ્યક્તીગત સુખના વીકાસને પણ લાગુ પડે છે. આપણે એમ માનીએ છીએ કે આપણે જેમ જેમ સાધનોને વાપરવાના આધુનીક ઉપાયો શોધીશું, તેમ તેમ આપણે સુખી થતા જઈશું. એનો અર્થ એ થયો કે આપણે એક જ દીશામાં આગળ વધતા રહેવાનું. જેમ કે, સાઈકલ છોડીને સ્કુટર ચલાવ્યું પછી પાછા સાઈકલ પર ના જવાય, પણ આગળ મોટરકાર પર અને મોટરમાંથી વીમાનમાં જવું જ પડે, તો જ સુખની યાત્રા ચાલુ રહે. અહીં પ્રશ્ન એ આવે કે આ યાત્રા ક્યાં સુધી ચાલુ રહે (કારણ કે રોટલાનું કદ તો સીમીત છે)?

સુખનું આ જીડીપી મોડેલ એટલા માટે ભુલભરેલું સાબીત થઈ રહ્યું છે. 2014માં, એક સર્વેમાં 20 દેશોના યુવાનોને પુછવામાં આવ્યું હતું કે માતા–પીતાની પાછલી પેઢીની સરખામણીમાં તમારી નવી પેઢીનું જીવન વધુ સારું હશે કે વધુ ખરાબ? તેમાં 10 સમૃદ્ધ દેશોના માત્ર 37 પ્રતીશત યુવાનોને જ એવું લાગ્યું હતું કે પાછલી પેઢી કરતાં તેમનું જીવન બહેતર હશે. સૌથી સમૃદ્ધ અમેરીકાના માત્ર 29 પ્રતીશત યુવાનોને જ જીવન સારું હોવાની આશા હતી, મતલબ કે મોટાભાગના યુવાનોને ભવીષ્ય ઉજ્જડ દેખાતું હતું. ભૌતીક સમૃદ્ધી સુવીધા તો લાવે છે, પણ સુખ અન સંતોષનો ભાવ નથી લાવતું, તેની આ સાબીતી છે.

એક અંદાજ પ્રમાણે, આખી દુનીયા જો પશ્ચીમના મોડેલ પર જીવતી થઈ જાય (દુનીયાના તમામ દેશોનું આર્થીક–સામાજીક મોડેલ હવે પશ્ચીમને અનુસરે છે), તો પ્રોડક્શન માટે બીજી પાંચ પૃથ્વી જેટલી જમીનની જરુર પડશે. 2017માં વીશ્વમાં 3.5 બીલીયન ઉપભોક્તાઓ હતા, જે 2030 સુધીમાં 5.6 બીલીયન થઈ જશે. તેના પરથી તમે અંદાજ લગાવી શકશો કે આપણે કેટલી તેજીથી રોટી, કપડાં ઔર મકાનની બુનીયાદી જરુરીયાતોથી આગળના ‘સુખ’ની તલાશમાં દોડી રહ્યા છીએ.

છેલ્લા ચાર દાયકામાં વીશ્વમાં જેટલો ભૌતીક વીકાસ થયો છે, તેની સરખામણીમાં એટલું જ આધ્યાત્મીક (આત્મીક અથવા માનસીક) પતન થયું છે. તમે જો વૈશ્વીક સમાચારો અને ટ્રેન્ડથી વાકેફ હો, તો ખ્યાલ આવશે કે દુનીયાનો એક મોટો વર્ગ સ્વાથ્યની, નાણાંકીય, કોઈને કોઈ વ્યસનની, ભોગવાદની અને એકલતાની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. સંતાનોને જો કોઈ સમજ આપવા જેવી હોય, તો તે સ્વસ્થ અને સંતોષી જીવન કોને કહેવાય તેની છે, કારણ કે આધુનીક જીવનનું મોડેલ તેમની અંદર અસંતોષની આગને ભડકાવાનું કામ કરે છે. આર્થીક વીકાસ અને કન્ઝયુમરીઝમનું મોડેલ તમારી અંદર કેટલી ભુખ છે, તેના પર નભે છે.

અમેરીકન સેનેટર અને જ્હોન એફ. કેનેડીના નાના ભાઈ રોબર્ટ કેનેડીએ, 1968માં કેન્સાસ યુનીવર્સીટીમાં કહ્યું હતું કે : “આપણી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કેટલું પ્રદુષણ છે, સીગારેટની કેટલી જાહેરખબરો થાય છે, અકસ્માતના સ્થળે કેટલી એબ્યુલન્સ દોડે છે, જેલમાં કેટલા કેદીઓ છે, દેશમાં કેટલા નેપામ બોમ્બ છે અને પોલીસ પાસે કેટલાં વાહનો છે તે બધું જ ગણતરીમાં લે છે, પણ આપણે કેટલું હસ્યા, આપણામાં કેટલાં અને કેવાં સાહસ છે, આપણામાં કેટલું સૌન્દર્ય છે, આપણે કેવી કવીતાઓ કરીએ છીએ અને આપણામાં કેવી સંવેદનાઓ છે તેનો હીસાબ જીડીપીમાં નથી હોતો.

જીડીપી માણસના આંતરીક સુખને ધ્યાનમાં લેતું નથી, તે એની નીષ્ફળતાનું સૌથી મોટું કારણ છે. માણસનું વૈચારીક અને ભાવનાત્મક જગત અબજો વર્ષો જુની બાયોકેમીકલ સીસ્ટમ મારફતે નીયન્ત્રીત થાય છે. મતલબ કે બહાર ભૌતીક વીકાસ તો અભુતપુર્વ થયો છે, પરન્તુ અંદરની આપણી લાગણીની સીસ્ટમ તો પ્રાચીન છે. એટલે, અમીતાભ બચ્ચનના હાથે એક કરોડની લોટરી જીતનારો માણસ મહીના પછી ડીપ્રેસનની સારવાર કરાવતો હોય તે શક્ય છે, અને સંતાનને ગુમાવી ચુકેલો એક માણસ ત્રીજા જ દીવસે નોર્મલ જીવન જીવતો હોય તે પણ શક્ય છે. આ જ કારણથી સ્કુટરમાંથી કાર ફેરવતો થયેલો માણસ સુખી થઈ ગયો છે તેવું તારણ ના કાઢી શકાય.

સુખ એ ખરાબ ક્ષણો પર આનન્દની ક્ષણોનો સરપ્લસ સરવાળો નથી. સુખ એ ઝુંપડી અને ફ્લેટનો પણ ફર્ક નથી. સુખ એ સમગ્ર જીવનને સાર્થક અને યોગ્ય રીતે જીવ્યાનો સંતોષ છે. જીવન જો સાર્થક હોય, તો ગમે તેટલાં કષ્ટ છતાં તે સુખી લાગે. પણ જીવનનો કોઈ હેતુ કે અર્થ ના હોય, તો તે પાંચ બેડરુમના બંગલામાં પણ સુખ ના મળે.

શાયર જાવેદ અખ્તરે જયારે આ શેર લખ્યો હશે, ત્યારે તેમના મનમાં જીડીપીનો ખ્યાલ હશે :

સબ કા ખુશી સે ફાસલા એક કદમ હૈ,
હર
ઘર મેં બસ એક હી કમરા કમ હૈ.

જર્મન ચીંતક ફ્રેડરીક નીત્શેએ જયારે આ કહ્યું હશે, ત્યારે તેના મનમાં હેપ્પીનેસ ઈન્ડેક્સ હશે :

જેની પાસે જીવન જીવવાનો અર્થ છે,
તે કોઈ પણ ભોગે
જીવી જાય છે.

– રાજ ગોસ્વામી

‘મુમ્બઈ સમાચાર’ દૈનીકમાં દર મંગળવારે પ્રગટ થતી લેખકની લોકપ્રીય કટાર ‘મોર્નીંગ મ્યુસીંગ’માંથી લેખકશ્રીના અને ‘મુમ્બઈ સમાચાર’ના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

 

9 Comments

  1. Sukh ni sachi samaj to apni chetana par j chhe kyare pan kathor ke pathar jeva banva karta savedana ke jivant chetana no anubhav kari shakiyae to j sukh mani shakay .divas darmayan apne ketlo samay jivant chetana ma rahiye chhe tena par apnu sukh chhe .jo apne sahit sampati ane rahit sampati vache ni samtula jalvi rakhi to kayam sukh ne swargni anubhuti ahiya j chhe . Apnu astitva hovu e j sauthi motu sukh chhe . 🙏

    Liked by 1 person

  2. વિદ્યાર્થી કાળમા ભણવામા આ વાર્તા આવતી-
    એક રાજા હતો. રાજા જેવો રાજા. એને રહેવાને મોટા મહેલ હતા, સેવાચાકરીમાં સંખ્યાબંધ નોકર-ચાકર હતા. ખાવા-પીવાની કે પહેરવા-ઓઢવાની એને કંઈ ખોટ ન હતી. શરીરે એ સશક્ત હતો. એ સુખેથી ઊંઘતો ને જાત-જાતના આનંદોમાં દિવસ વીતાવતો. એના જેવું સુખી બીજું કોઈ નથી એમ કોઈને પણ લાગે.
    પણ રાજા પોતાના મનથી સુખી હતો કે ? આ બધું હોવા છતાં એને સુખ જણાતું ન હતું એ સાજો હતો ને સુખેથી ખાઈ-પીને હરીફરી શકતો હતો. છતાં એને હતું કે પોતે માંદો છે. એ તો રાજાની માંદગી ! તરત જાત-જાતના વૈદ્ય-હકીમોને તેડાવી મંગાવવામાં આવ્યા, પણ કોઈથી રાજાનો રોગ મટ્યો નહિં. રાજાને રોગ જ ક્યાં હતો કે મટે ? સૌએ એક જ વાત કરી, ‘‘રાજાજી, આપને કશો જ રોગ નથી. આપને કંઈ પણ રોગ હોય તો અમે મટાડીએ ને ?’’
    રાજા કહે, ‘‘આ તમામને અહીંથી કાઢી મૂકો. એમાંના કોઈને રોગની પરખ નથી.’’
    એમ એણે અનેક વૈદ્ય-હકીમોને કઢાવી મૂક્યા. એણે જાત-જાતની દવા અજમાવી જોઈ, પણ એની માંદગી મટી નહિ.
    છેવટે એક દિવસ એના દરબારમાં એક નવો હકીમ આવી ચડ્યો. એ ઝાઝું વૈદક તો ભણેલો ન હતો, પણ એને દુનિયાદારીનું જ્ઞાન સારું હતું. રાજાનું દર્દ કયા પ્રકારનું છે તે એ સમજી ગયો હતો. એ જાણતો તો હતો જ કે, રાજાને કંઈ પણ રોગ નથી. છતાં એણે રાજાની નાડી તપાસી જોઈ. એની છાતી પર ટકોરા મારી જોયા, આંખો અને જીભ તપાસ્યાં. પછી એ કહે, ‘‘રાજાજી, આપની માંદગી ઘણી ગંભીર છે. આપના રોગનો જો તરત ઉપાય નહિ થાય તો આપ ભાગ્યે જ બચી શકશો.’’
    રાજા કહે, ‘‘હકીમજી, માંદગીથી હું ત્રાસી ગયો છું. એનું કારણ તમે જાણી શક્યા હો તો તેનો તરત કંઈ ઉપાય કરો.’’
    હકીમ જરા વિચારમાં પડી ગયો. પછી એ કહે, ‘‘ઉપાય સરળ છે. તમે જો કોઈ સુખી માણસનું પહેરણ પહેરીને એક રાત સૂઈ જાઓ તો તમારો રોગ જરૂર મટી જાય.’’
    રાજાએ તરત માણસોને ચારે બાજુ દોડાવ્યા. ‘‘જાઓ આખા રાજ્યમાં ફરો ને ગમે ત્યાંથી પણ કોઈ સુખી માણસનું પહેરણ મેળવી લાવો.’’
    હુકમ થયો એટલે રાજાના માણસો ચારે દિશામાં પહેરણની શોધમાં નીકળી પડ્યા. કોઈ પણ જગાએ એમને સુખી માણસ મળ્યો નહીં. જેને-જેને મળ્યા તે દરેકને કંઈને કંઈ દુ:ખ હતું. કોઈને દીકરો ન હતો. કોઈનો દીકરો મૃત્યુ પામ્યો હતો. કોઈને છોકરાં જીવતાં ન હતાં તો કોઈને ત્યાં જોઈએ એના કરતાં વધારે છોકરાં હતાં. કોઈને બૈરી મળતી જ ન હતી તેની ચિંતા હતી, તો કોઈને વળી બે બૈરીઓ અંદરઅંદર ઝઘડતી હતી તેની ચિંતા હતી. કોઈના હાથમાં રાતી પાઈ આવતી નહિ તેથી એ દુ:ખી હતો તો, કોઈ અઢળક લક્ષ્મીને કેમ સાચવવી તેની ચિંતામાં હતો. કોઈને શરીરે રોગ હતો, કોઈને શત્રુઓ હેરાન કરતા હતા તો કોઈને સગાંવહાલાં હેરાન કરતાં હતાં. એવાં જાત-જાતનાં દુ:ખ લોકોને હતાં. આખા રાજ્યમાં રાજાના માણસો ફર્યા, પણ એમને એક પણ સુખી માણસનો ભેટો થયો નહીં.
    રોજે-રોજ માણસો પાછા ફરતા અને રાજાને લોકોનાં દુ:ખોની વાત કહેતા. રાજા જેમ-જેમ એ વાતો સાંભળતો ગયો તેમ-તેમ એની આંખ ઊઘડતી ગઈ. એને થયું, ‘‘અરે, આ તમામના દુ:ખની સરખામણીમાં મારા દુ:ખનો તો કંઈ હિસાબ જ નથી. આ તમામ કરતાં તો હું ખરેખર જ સુખી છું.’’
    છતાં એને થયું કે, ‘‘લાવ, જોઉં તો ખરો કે મારા આખા રાજ્યમાં કોઈ સુખી માણસ નીકળે છે કે નહીં !’ એટલે એણે પોતાના માણસોને કહ્યું, ‘‘હજી વધારે તપાસ કરો. સુખી માણસનું પહેરણ ગમે તેમ કરીને મેળવી લાવો.’’
    ફરી માણસો રાજ્યના ખૂણે ખૂણે ફરી વળ્યા, પણ કોઈ સુખી માણસ એમની નજરે ચડ્યો નહિ. છેવટે એક દિવસ બે દૂતો રાજમહેલમાં પાછા ફરતા હતા ત્યાં એમની નજર ઘાસ પર બેઠેલા એક ભિખારી જેવા લાગતા માણસ પર પડી. ઘાસ પર લંબાવીને પડ્યો-પડ્યો એ સીટી વગાડતો કોઈ ગીતનો રાગ લલકારી રહ્યો હતો. ખરેખર જ એ પૂરેપૂરો ખુશમિજાજમાં હોય એમ જણાતું હતું.
    રાજાના દૂત કહે, ‘‘વાહ ભાઈ, તું ખરેખરો સુખી લાગે છે.’’
    ભિખારી કહે, ‘‘હું સુખી ન હોઉં તો બીજું કોણ સુખી હોઈ શકે ? મારા સરખા નવરા અને ગરીબ માણસને કામ જ કેટલું બધું રહે છે તે તો જુઓ. એમાંથી ઊંચો આવું ત્યારે હું દિલગીર થાઉં ને ? ખાવા માટે જોઈતો લૂખોસૂકો રોટલો કંઈક મહેનત કરીને મેળવી લઉં છું; પછી મને ચિંતા શાની હોય ?’’એમ કહી એ સંતોષી જીવ પાછો સિસોટીમાં ગાયન વગાડવા મંડી ગયો. રાજાના દૂત કહે, ‘‘ભાઈ, તું ખરેખરો સુખી માણસ છે. એક મહેરબાની કર. તું પહેરણ તો પહેરતો જ હશે. કહે, તારું એ પહેરણ કયાં છે ? ફક્ત એક રાત માટે તું એ અમને ઉછીનું આપ. એના બદલામાં તું જે માગે તે અમે તને આપીશું.’’
    ‘‘પણ મારા સરખા ગરીબનું પહેરણ તમને શા કામમાં આવશે ?’’
    ‘‘ભાઈ, એ પહેરણ ખુદ રાજા માટે જોઈએ છે. કોઈ સુખી માણસનું પહેરણ રાજા જો એક રાત પહેરી રાખે તો તેમનો રોગ મટી જાય એમ હકીમે કહેલું છે.’’
    આ સાંભળીને પેલો ખડખડાટ હસી પડ્યો ને બોલ્યો, ‘‘ઓહો, એમાં તે શી વાત છે ? રાજાને મારું પહેરણ કામમાં આવતું હોય તો એ આપવામાં મને શાનો વાંધો હોય ? પણ લાચાર. મારી પાસે પીઠ ઢાંકવા બાંડિયું સરખું નથી. તો પહેરણ તો હોય જ ક્યાંથી ? કામ લાગે તો મારી આ પોતડી આપું તે લઈ જાઓ. હું લંગોટીથી ચલાવી લઈશ.’’
    એ સાચું કહેતો હતો. એની પાસે પહેરણ હતું જ નહિ. પછી એ શું આપે ?
    પેલા દૂતોએ જઈને આ વાત તરત રાજમહેલમાં કહી.
    ‘‘રાજાજી, અમે સુખી માણસને શોધી કાઢ્યો છે.’’
    ‘‘તો એનું પહેરણ ક્યાં છે ? લાવો.’’
    ‘‘એનું પહેરણ તો નથી લાવ્યા.’’
    ‘‘કેમ ?’’
    ‘‘એની પાસે પહેરણ હતું જ નહિ પછી કેમ કરીને લાવીએ ?’’
    એમ કહીને દૂતોએ તમામ વાત રાજાને કહી સંભળાવી. રાજાએ તરત મહેલની બારી ઉઘાડી નાખી. નીચે નજર કરે છે તો પેલો ભિખારી બગીચાના ઘાસ પર, ગીત લલકારતો, આનંદમાં પડેલો છે, તે ખરેખર સુખી જણાતો હતો. બગીચામાંથી વહી આવતો મીઠો પવન એના ફક્કડ સુખી જીવનનો સંદેશો લઈ આવતો હતો.
    રાજાને થયું, ‘‘આ તે કેવું ? એને પહેરવા પૂરાં વસ્ત્ર પણ મળતાં નથી. ખાવાનું અન્ન પણ એ જેમ-તેમ કરીને મેળવે છે, અને છતાં એ સુખી છે ! ને હું આવો મોટો રાજા હોવા છતાં સુખી નથી. એ મહેનત કરીને રોજી મેળવે છે ને આનંદમાં રહે છે. હું તો કંઈ પણ કર્યા વગર રાજ્યની તિજોરીનાં નાણાં ઉડાવું છું; છતાં બદલામાં મારી પ્રજાના ભલા માટે હું કંઈ જ કરતો નથી. મારું એદીપણું એ જ મારી માંદગીનું ખરું કારણ છે. બસ, આજથી ખોટા એશઆરામ હરામ છે.’’
    એમ વિચારી રાજાએ તે દિવસથી માંદગીનો ખાટલો છોડી દીધો ને રાજકાજમાં મન પરોવ્યું તથા સાચા દિલથી પ્રજાની સેવા કરવા માંડી. હવે એનો સમય કામમાં ને આનંદમાં વીતવા લાગ્યો. ત્યાર પછી પોતે દુ:ખી કે માંદો છે એવું એને કદી પણ લાગ્યું નહિ
    તે અંગે શિક્ષક સમજાવતા-‘આપણું સુખનું સ્તર આખરે તેના પર નિર્ભર કરે છે કે કેવી રીતે આપણું મન રોજિંદા અનુભવોને અર્થઘટન કરે છે. સુખ બ્રહ્માંડની મહાન શક્તિઓને અંકુશમાં રાખવાની અમારી ક્ષમતા પર આધારિત નથી, પરંતુ ‘આંતરિક સુમેળ’ પર આધારિત છે. એવા લોકો છે જે તેમની ભૌતિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના સંતુષ્ટ છે બીજી બાજુ, એવા લોકો પણ છે જેઓ આટલા પૈસા અને શક્તિથી આશીર્વાદ હોવા છતાં નાખુશ છે.સુખ આપણા મનની એક અવસ્થા છે જે કાર્યના પ્રવાહમાં પ્રવેશીએ ત્યારે પ્રાપ્ત થાય છે. પ્રવાહ એ ખૂબ જ રસપ્રદ ખ્યાલ છે જેનો ઘણા લોકો અનુભવે છે જોકે ખૂબ ઓછા લોકો ને એની અનુભૂતિ થાય છે.’

    Liked by 1 person

  3. પ્રજ્ઞાબેનની વાર્તા અને લેખ વાંચવાની મજા આવી. કોણ સુખી! એ પ્રશ્નનો જવાબ મળવો મુશ્કેલ છે. મારા માટે કહું તો, આનંદનો ભાવ વધારે માત્રામાં જળવાયો છે.
    એક વેંત ઊંચી
    અસુખ અડકે ના મારે અંતરે.
    જીવન ઝંઝાળ-જાળ જગત રે,
    ઊડતી રહું એક વેંત ઊંચી કે,
    નીચે સમયની સરત સેર રે.
    સરખા ઉજાસ મારે આંગણે,
    નહીં રે પડછાયા મારી પાંપણે,
    પહેલાં આપીને લીધું આપણે,
    છોડીને સ્વાર્થ દહર બારણે.
    વટને વેર્યું રે ઊભી વાટમાં,
    સદ્‍ભાવે હળીમળી વાસમાં,
    ઈશના અનેક રૂપ રાસમાં,
    એક એક શ્વાસ એના પ્રાસમાં.
    ક્ષણ ક્ષણનાં સ્પંદનો સુગંધમાં,
    નવલ નવાં સર્જન શર બુંદમાં.
    છો, પહેરી ઓઢી ફરું વૃંદમાં,
    એકલી મલપતી મનોકુંજમાં.
    ——– સરયૂ પરીખ
    સરત=સ્મૃતિ, દહર=દિલ, શર=પાણી
    “અખંડ આનંદ” જૂન ૨૦૧૬. પુસ્તક”આભ ઊગ્યું ટેરવે” #૨૭૨
    રસ દર્શનઃ મને તો ગીતનો લય ગમ્યો છે જે કાવ્યભાવને અનુકુળ અને અનુરુપ જણાયો છે…. રે, અને કે જેવાં લટકણીયાં ભાવને ઘુંટનારા મને લાગ્યા છે. ગીતોમાં રે, લોલ, હે જી વગેરે એક બાજુ લય અને તાલને સાચવે છે તો બીજી બાજુ ભાવને ભાવક સુધી પહોંચાડવામાં મદદ કરે છે. લોકગીતોમાંથી આ લટકણીયાં કાઢી નાખો તો મજા જતી રહે
    આભાર સાથે, – .જુગલકીશોર

    Liked by 2 people

  4. *વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ ! અચાનક અંઘારાં થાશે રે;*

    જોત રે જોતાંમાં દિવસ વયા રે ગયા પાનબાઇ !
    એકવીસ હજાર છસો ને કાળ થાશે રે.
    જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ !
    અધૂરિયાને નો કે’વાય રે,
    ગુપત તે રસનો ખેલ છે અટપટો ને,
    આંટી રે મેલો તો સમજાય.
    નિરમળ થઇને આવો મેદાનમાં રે પાનબાઇ !
    જાણી લ્યો જીવની જાત રે;
    સજાતિ રે વિજાતિની જુગતિ બતાવું ને,
    બીબે પાડી દઉં બીજી ભાત.
    પિંડ બ્રહ્માંડ્થી રે પર છે ગુરુજી પાનબાઇ !

    તેનો દેખાડું તમને દેશ રે,
    ગંગા રે સતી એમ બોલિયાં રે,
    ત્યાં નહિ માયાનો જરીયે લેશ…

    ~ ગંગાસતી

    Liked by 1 person

  5. Friends,
    I have collected one quote and framed it in my study room.
    ” The greatest challenge in life is discovering who you are. The second greatest is being happy with what you find.”
    હમ હૈ રાહી પ્યાર કે, હમસે કુછ ના બોલીયે,
    જો ભી પ્યારસે મીલા હમ ઉસીકે હો લીયે…હમ હૈ રાહી પ્યાર કે…..
    ઘૂપ થી નસીબ મે, તો ઘૂપ મેં લીયા હૈ દમ,
    ચાંદની મીલી તો હમ ચાંદનીમેં સો લીયે……
    દરેક અેક વ્યક્તિને….નાની વયની કે સિનિયર….દરેકની જીંદગીના પરિબળો અગણિત હોય છે જે તેની રોજીંદી જીંદગીને ઘડે છે. સ્ટેટેસ્ટીક્સના આંકડા જે હેપીનેસ ઇન્ડેક્ષ લખી આપે છે તે વ્યક્તિગત નહિ પરંતું દેશના ઇકોનોમીક્સને આઘારે ગણીને કહેવામાં આવે છે.
    સુખની.૨૦૨૧ના વરસમાં…વ્યાખ્યા ‘ પૈસા‘ છે. લક્ષ્મીજી….સરસ્વતીનો કોઇ ક્લાસ નહિ….સરસ્વતીના બાળકો….લક્ષ્મીજીના બાળકોને ત્યાં નોકરી કરતાં હોય છે.

    “The smile on my face does not mean, my life is perfect. It means I appreciate what I have and what God has blessed me with.”
    The statistical analysis of a country is not a standard . Many factors have to be considered.

    Nothing changes, until you change,. Everything changes, once you change.”

    હેપીનેસ ઇન્ડેક્ષ ??????
    આભાર.
    અમૃત હઝારી

    Liked by 1 person

  6. આ લેખક નું ગુજરાતી એટલું બધું પુસ્તકીયું છે કે ગુજરાતી જાણવા વાલો પણ તેનો શબ્દાર્થ શોધે.

    Liked by 1 person

  7. રાહી મનવા સુખકી ચિંતા ક્યૂ સતાતી હૈ, દુખતો આપના સાથી હૈ. ચિતા (અગ્નિદાહ મરેલા માણસને બાળે છે ) દહતી નિરજીવમ
    ચિંતા (ફિકર) દહતી સજીવમ .

    Liked by 1 person

  8. કટાક્ષ કાવ્ય ઘડપણ મારે નથી જોતું
    ઘડણપનનો અપભ્રંચ ગડપન પ્રચલિત છે.

    ગડપન મારે જોતુ નથી એલા જીવડા, ગડપન મારે જોતુ નથી રે
    સુવાને દોરીનો ખાટલો ને જૂનું એવું ગાડલું ઓઢવાને ફાટેલો ધાબળો ને ખોળ વગરના બે તકિયારે ૧
    પાણીનું માટલું ને પીવા માટે પ્યાલો, ને બેસવા માટે પાટલો રે જમવા માટે જૂની એવી થાળી ને બે વળી ગયેલા વાટકારે રે ૨
    જમવાનું ભાણું આવ્યું એમાં બે રોટલા રે ટીપેલને બદલે થાબડેલા મઢા (રોટલા) તાણ્યા ટે તૂટે નહિરે ૩
    ખુબ જ સમજવા જેવી વાત છે, ગડપણમાં તમે પોતાના સહારા બનોરે
    બોલતા નહીં કે ગડપન મારે જોતુ નથી એલા જીવડા, બોલજો કે ગડપન મને ગમતું રે ૪
    કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
    બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો.
    તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હો પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
    કોઇને સારા લાગશો, કોઈને ખરાબ લાગશો રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે. સમજણ હોય તો પુરાવાની શી જરૂર
    રચયિતા: ચીમનભાઈ દેસાઇ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s