ભારતની સર્વપ્રથમ સુશીક્ષીત મહીલા ટ્રક ડ્રાઈવર

યોગીતા રઘુવંશી :
ભારતની સર્વપ્રથમ સુશીક્ષીત મહીલા ટ્રક ડ્રાઈવર

–ફીરોઝ ખાન

આપણો ભારતીય સમાજ અનેક વીરોધાભાષોથી ભરેલો છે. આપણા ધાર્મીક ગ્રંથોમાં નારીનો ખુબ જ મહીમાગાન કરવામાં આવ્યો છે. લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા, સીતા વગેરે ‘દેવીમા’ની આપણે પુજા કરીયે છીએ. અને એ જ ભારતીય સમાજના અમુક લોકો મહીલાઓ જોડે અમાનુષી વર્તનથી લઈ બળાત્કાર કરવા સુધીના કામ કરે છે. એક તરફ આપણે ‘આંતરરાષ્ટ્રીય મહીલા દીવસ’ ઉજવીયે છીએ અને બીજી તરફ એમના પર કેવા અને કેટલા અત્યાચારો કરીયે છીએ એ કહેવાની જરુરત ખરી? આ બાબતમાં લગભગ બધાં ધર્મોના માનનારા એક જેવાં જ છે.

આવા વીરોધાભાષમાં પણ કઈં કેટલી મહીલાઓએ સાબીત કર્યું છે કે સ્ત્રી ખરેખર દુર્ગા એટલે કે શક્તીનો અવતાર છે. આજના આધુનીક સમયમાં ભાગ્યે જ કોઈ એવો વ્યવસાય હશે જેમાં મહીલાઓ કામ કરતી ના હોય. આજે મહીલાઓ કડીયાકામ, વાયરમેન સોરી વાયરવુમન, પોલીસ, રોડ કન્સ્ટ્રક્શન, ડોક્ટર, ઈજનેર, પાઈલટ, રીક્ષા ચાલક અને રેલવેની ટ્રેન ચલાવી રહી છે. આજે ભાગ્યે જ એવો કોઈ વ્યવસાય હશે જે એક સમયમાં ફક્ત પુરુષો માટે ગણાતો હતો અને જેમાં મહીલાઓ કામ કરતી ના હોય. હવે તો મહીલાઓ ચાંદ અને મંગળના ગ્રહો પર પણ જવા માંડી છે. આજની નારી અબળા નથી રહી. આજની નારીએ મહાદેવી વર્માની કવીતાની નીમ્ન લીખીત પંક્તીઓને ગલત સાબીત કરી દીધી છે.

એ અબલા જીવન તેરી યહી કહાની,
આંચલમે દુધ ઔર આંખોમેં પાની.

દોસ્તો, હજુ એવા ઘણા વ્યવસાય છે કે જેને ફક્ત પુરુષો માટેના વ્યવસાય ગણવામાં આવે છે. એમાંથી એક છે ‘ટ્રક ડ્રાઈવીંગ’; પરંતુ ભારતમાં હવે એક જાંબાઝ મહીલાએ એમાં પણ પ્રવેશ કરી, પોતાની જગ્યા બનાવી લીધી છે. ટ્રક ડ્રાઈવીંગ ખુબ જ સખત મહેનત માગી લેનારો વ્યવસાય છે. જનરલી આ વ્યવસાયમાં ખડતલ લોકોની જરુરત હોય છે. આજ એક એવી મહીલાની વાત કરવી છે જે ભારતમાં સૌથી વધુ શીક્ષીત મહીલા ડ્રાઈવર તરીકે ઓળખાય છે! હા, તમે ઠીક વાંચ્યું. આ મહીલા ડ્રાઈવર લોયર છે! બ્યુટીશીયન છે.

યોગીતા રઘુવંશી મહારાષ્ટ્રના નન્દુરબારની રહેવાશી છે. બાળપણથી જ એને પુરુષો જેવું રહેવાનું પસન્દ હતું. પુરુષો જેવા કપડાં પહેરવા, એમના જેવી રમતો રમવી. એને શીક્ષણમાં ખુબ રસ હતો. યોગીતાએ બ્યુટીશીયનનો કોર્સ કર્યો. લોયર બની પણ કોર્ટમાં પ્રેક્ટીસ ના કરી. કોઈ લોયરને ત્યાં જુનીયર લોયર તરીકે નોકરી પણ ના કરી.

એના માબાપે એને મધ્ય પ્રદેશના એક બીજા ‘લોયર’ સાથે પરણાવી દીધી. પાછળથી ખબર પડી કે એની સાથે દગો થયો છે. એનો પતી લોયર નહોતો. ખૈર, 2003માં એક રોડ અકસ્માતમાં એના પતીનું મૃત્યુ થયું. યોગીતા બે દીકરીઓની માતા બની ચુકી હતી. પતીના મૃત્યુ બાદ ઘર ચલાવવાની તથા બન્ને દીકરીઓના ઉછેરની જવાબદારી એના પર આવી પડી. યોગીતા મધ્ય પ્રદેશ છોડીને ફરી નન્દુરબાર આવી ગઈ.

યોગીતાએ કહ્યું કે જો એ કોઈ લોયરને ત્યાં નોકરી કરતે તો એને એટલો સારો પગાર ના મળતે. જેમાંથી એ પોતાની બન્ને દીકરીઓને સારું શીક્ષણ આપી શકી હોત! બ્યુટી પાર્લર ખોલવા જેટલા પૈસા એની પાસે ના હતાં. એણે ટ્રક ડ્રાઈવર બનવાનું નક્કી કર્યું. 2003માં  ડ્રાઈવીંગ શીખી ને ટ્રક ડ્રાઈવર બની ગઈ. મહીન્દ્રા ટ્રક અને બસ બનાવનાર કમ્પની તરફથી એને 2013માં ‘મહીન્દ્રા ટ્રાન્સપોર્ટ એક્સલન્સ એવોર્ડ’ની સાથે જ એક ટ્રક પણ બક્ષીશમાં આપવામા આવી, ત્યારથી ‘યોગીતા રાજહંસ ટ્રાન્સપોર્ટ કમ્પની’ની સુશીક્ષીત માલીક બની. કોઈ ડ્રાઈવરને નોકરીએ રાખવાના બદલે એણે પોતેજ ટ્રક ચલાવવાનું નક્કી કર્યું. એણે પોતે ટ્રક ચલાવવાનું શા માટે મક્કી કર્યું? આ સવાલના જવાબમાં એ કહે છે કે જો એણે ડ્રાઈવર રાખ્યો હોત તો ડ્રાઈવર ડીઝલની ચોરી કરવાથી લઈ સાચી ઈન્ક્મ ના બતાવતે!

યોગીતાએ કહ્યું કે એણે ટ્રક ડ્રાઈવર તરીકેનો પોતાનો પહેલો પ્રવાસ ભોપાલથી અમદાવાદનો કર્યો હતો. એણે રસ્તાની જરાય જાણકારી ના હતી. ખુબ તકલીફ પડી હતી; પણ હવે એ ટેવાઈ ગઈ છે. આજે પણ પોતાની ટ્રક પોતે જ ડ્રાઈવ કરે છે. રસ્તામાં આવતાં ઘણા બધા ધાબાઓ પર પુરુષ ટ્રક ડ્રાઈવરો આજે પણ એક મહીલા ટ્રક ડ્રાઈવરને જોઈ આશ્ચર્ય પામે છે. યોગીતાએ ‘હીમ્મતે મર્દા તો મદદે ખુદા’ કહેવતને સાર્થક બનાવી દીધી છે.

સલામ યોગીતા રઘુવંશીને… અને એના જઝબાને…  

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 30 એપ્રીલ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

8 Comments

  1. નારી તું નારાયણી

    ફિરોજ ખાન સાહેબ આવી રીતે unsung. heroine ને વાંચકો સમક્ષ રજુ કરે છે અને સાબિત કરે છે કે આવી રીત ના વ્યવસાય કેવળ પુરુષો માટે જ નથી. નારી પણ આગળ આવી ને આવા મહેનત ભર્યા કાર્યો ને આવાહન આપી ને સફળ રીતે અંજામ આપી શકે છે.

    આવીજ એક ગુજરાતી નારી ટોરંટો, કેનેડા માં શાળા ની બસ ની ડ્રાઈવર છે.

    Liked by 1 person

  2. Very impressive … it’s a big challenge to fight against traditional hypocrisy but this lady didn’t give up, fought, struggled but succeeded 😇! As a role model, she inspires lots of people to fight against traditions and be role models 👏

    Liked by 3 people

  3. નારી તું ના હારી. એ કહેવતે આજની નારી-સ્ત્રી-દીકરી-બહેન-વહુ- માતાએ પોતાના કાંડાનું કૌવત બતાવ્યું છે. જે પાછ્લા કેટલાય સમયથી માત્ર ઘરનું રસોડું સંભાળતી હતી. એ કોઈપણ કામ કરવા સમર્થ હોય છે, પરંતુ એવા કામ ન કરવા માટે નકારત્મક વિચારો ધરાવતા પુરુષો જ જવાબદાર હોય છે, જે એવું વિચારે છે કે અમુક કામ પર માત્ર પુરુષોનો જ અબાધિત આધિકાર હોય છે.

    યોગીતા રઘુવંશી એ ટ્રક ડ્રાઈવર તરીકેનું કામ કરીને ભારતીય નારીઓને પ્રેરણાબળ આપવાનું પણ ખુબ મોટું કાર્ય કર્યું છે… ગર્વ છે એમના કાર્ય ઉપર…

    આભાર લેખક ફિરોજ ખાન સાહેબ અને શ્રી ગોવિંદભાઈનો….

    Liked by 3 people

  4. શ્રી ફીરોઝ ખાન દ્વારા ભારતની સર્વપ્રથમ સુશીક્ષીત મહીલા ટ્રક ડ્રાઈવર સુ શ્રી યોગીતા રઘુવંશી :વિષે પ્રેરણાદાયી વાત ઉજાગર કરવા અંગે ધન્યવાદ

    Liked by 2 people

    1. મારો લેખ ‘અભિવ્યક્તિમા મુકવા માટે ભાઈશ્રી ગોવિંદ મારનો અને એને પસંદ કરવા માટે આપ સહુનો દિલથી આભાર.
      ફિરોજ ખાન.

      Like

  5. I really appreciate for this article and I admire Yogitaji for her courage and taking challenge in life.
    Today, all women are smart and they can any kind of work. I am very proud about her.

    Thanks
    Pradeep H. Desai
    USA

    Liked by 2 people

  6. યોગીતા રઘુવંશી..
    રઘુવંશી ? શ્રી રામના વંશજ.
    ભારતનો ૫૦૦૦ વરસો જૂનો ઇતિહાસ ? કદાચ રામાયણ કે મહાભારતના પુસ્તકોમાં શોઘવો પડે.
    શ્રી કૃષ્ણઅે ચાર વર્ણો બનાવ્યા. ( ગીતા: અઘ્યાય : ૪, શ્લોક : ૧૩.)
    મનુ મહારાજને સંસાર, સમાજ, કુટુંબ ને ગોઠવવાનું સોંપાયું ….સ્ત્રીઓને પુરુષથી નીચુ સ્થાન અપાયુ.
    હિન્દુ ઘર્મના ચુસ્ટ લોકો હજી પણ…કદાચ તે મનુસ્મૃતિને પાળતા હશે.
    વિજ્ઞાને જે પ્રગતિ કરીને મનવીને સંસારની સચ્ચાઇ બતાવી…ત્યારથી સ્ત્રીને તેની શક્તિ બતાવી…સમજાવી….
    ભારત અને હિન્દુઓની વિચારસરણી હજી કદાચ…??????
    સમય, સ્થિતિ અને વિજ્ઞાને યોગીતા રઘુવંશીને તેની પોતાની શક્તિ સમજાવી…તે પોતે શક્તિ બની અને….TRUCK DRIVER બની. તેને જીવન જીવવાની જે તકલીફો પડી તેણે તેને આ બીઝનેશમાં પૈસા દેખાયા અને ઘર ચલાવવાના પૈસા દેખાયા….
    યોગીતાને હજારો હાર્દિક અભિનંદન. તેને જોઇને વઘુ બહેનો બહાર ાાવે અને પુરુષ સમોવડી બને તેવી શુભેચ્છાઓ.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment