શું વળગાડ જેવી કોઈ વસ્તુ છે ખરી?

શું વળગાડ જેવી કોઈ વસ્તુ છે ખરી?

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

એક સુશીક્ષીત અને સરકારી ઑફીસમાં મોભાદાર હોદ્દો ધરાવતા અધીકારીએ તેમના ઉપરી અધીકારીને રજા ઉપર ઉતરવા માટેની મંજુરી માગતી એક અરજી કરી. આ અરજીમાં રજા ઉપર ઉતરવાના મુખ્ય કારણ તરીકે તેમણે જણાવ્યું કે, ‘છેલ્લા કેટલાક મહીનાઓથી મારા ઘરમાં કોઈએ માઈક્રોવેવ ઈલેક્ટ્રોનીક સીસ્ટીમ ગોઠવી છે. આ સીસ્ટીમ હું કંઈ પણ બોલું અથવા કોઈ પણ પ્રકારની ક્રીયાઓ કરું તેના સંકેતો ઝીલી લે છે અને મારા વીશેની રજેરજ ગુપ્ત માહીતી મારા વીરોધીઓને પહોંચાડે છે.

આ માઈક્રોવેવ ઈલેક્ટ્રોનીક સીસ્ટીમ મારા ઘરમાં અદૃશ્ય સ્વરુપે ગોઠવાયેલી છે અને મારા સીવાય કોઈ જ તેને જોઈ શકતું નથી. ક્યારેક આ યાંત્રીક ઉપકરણોમાંથી મને આદેશો મળે છે કે ‘તું અમુક પ્રકારનું કામ કર’ એટલે આદેશ મુજબનાં કામો મારે મારી ઈચ્છા વીરુદ્ધ કરવાં પડે છે. આના દ્વારા કેટલાક હીતશત્રુઓએ મારા મગજ ઉપર કાબુ જમાવ્યો છે અને તેઓ મને ભ્રષ્ટ તેમ જ અનૈતીક કામ કરવા માટે મજબુર કરે છે.

છેલ્લા એક અઠવાડીયાથી આ સીસ્ટીમ મારી ઑફીસની ચેમ્બરમાં ગોઠવવામાં આવી છે. જેથી હું મારી કામગીરી સારી રીતે કરી શકું નહીં. તેઓનો આશય કેટલાક મહત્ત્વના દસ્તાવેજો ઉપર મારી સહીઓ કરાવડાવી મને ફસાવવાનો છે. મારા પર આ બ્લૅક મેજીક અર્થાત્ મેલીવીદ્યા અજમાવવામાં આવી રહી છે, તેનાથી પીછો છોડાવવો મારા તથા સરકારના હીતમાં અત્યન્ત જરુરી છે.

આ મેલીવીદ્યાથી પીછો છોડાવવા અને તેનું નીરાકરણ કરાવવા માટે મારે બહારગામ જવાનું હોવાથી મારી રજા મંજુર કરવા મહેરબાની કરશો.

રજા માટેની આ અરજીની નીચે ખાસ નોંધ લખતાં એ અધીકારી સાહેબે લખ્યું હતું, ‘મેલીવીદ્યાના નીરાકરણ માટે મારે જે ગુપ્ત જગ્યાએ જવાનું છે તેની માહીતી આ મેલીવીદ્યા કરનાર ટોળકીને ન મળે એટલા માટે હું તે સ્થળનું નામ આપી શકું તેમ નથી. તો ક્ષમા આપશો અને આ વીગત અત્યંત ખાનગી રાખશો.’

મેલીવીદ્યાને નાકામીયાબ બનાવનાર ભુત, વળગાડ ભગાડનાર ભુવા અને ફકીરો વગેરે પાસે અથડાઈ–કુટાઈને આવા વીચારો વધી જતાં છેલ્લે મારી પાસે લવાયેલા આ અધીકારીનાં કુટુમ્બીજનોએ મારા હાથમાં મને ઉપરોક્ત પત્ર આપ્યો. આ પત્રના લખાણ પરથી સ્પષ્ટ થતું હતું કે આ અધીકારીને માનસીક બીમારી છે.

તેમનાં સગાં–સમ્બન્ધીઓ પાસેથી જાણવા મળ્યું કે છેલ્લા આઠ–દસ મહીનાથી આ અધીકારી ઘરમાં એકલા બેસી રહે છે અને શંકાશીલ નજરે બધાની સામે જોયા કરે છે. તેઓ ઘણી વાર અકારણ ગુસ્સો કરે છે અને મોડી રાત સુધી જાગતા રહે છે. એટલું જ નહીં તેમના ઘરમાં આવનાર દરેકને તેઓ આ માઈક્રોવેવ ઈલેક્ટ્રોનીક સીસ્ટીમની વાત કરે છે અને તેમને કોઈ કંટ્રોલ કરે છે તથા સંદેશાઓ આપે છે એવી વાત કર્યા કરે છે.

ઘરમાં આવી સીસ્ટીમ ગોઠવાઈ છે એવું મનમાં દૃઢ થઈ જતાં તેમની ઉંઘ હરામ થઈ ગઈ એટલે એમની ઑફીસની કાર્યવાહીમાં ભુલ પડવા માંડી. પરીણામસ્વરુપ તેમને એવો આભાસ થયો કે આ સીસ્ટીમ એમની ઑફીસમાં પણ ગોઠવાઈ છે.

તેમનાં કુટુંબીજનોએ તેમને ઘણું સમજાવ્યા કે ઘરમાં આવી કોઈ માઈક્રોવેવ સીસ્ટીમ ગોઠવાઈ નથી; પરન્તુ તેઓ તેમની માન્યતામાં દઢ રહ્યા. આ અધીકારીને જે થાય છે તે કોઈ વળગાડ કે મેલીવીદ્યા નહીં પણ સ્કીઝોફ્રેનીયા નામની માનસીક બીમારી છે. સ્કીઝોફ્રેનીયા કે જેને લોકો અસ્થીરતા, ગાંડપણ કે વળગાડ તરીકે ઓળખાવે છે તે એક જટીલ માનસીક બીમારી છે. જ્યાં સુધી આ બીમારી શોધાઈ નહોતી ત્યાં સુધી આવા દર્દીઓને વળગાડ કે મેલીવીદ્યાનો ભોગ બનેલા માનવામાં આવતા હતા; પરન્તુ આ બીમારી અને તેને મટાડવાની દવાઓ શોધાઈ ગઈ છે. ત્યારે આપણે જુની માન્યતાઓમાંથી વહેલી તકે બહાર નીકળી જઈએ એ જરુરી છે.

આજકાલ પ્રત્યેક વ્યક્તી વત્તા–ઓછા પ્રમાણમાં માનસીક તનાવનો અનુભવ કરે જ છે. કામકાજમાં મન ન લાગવું, એકાગ્રતા સાધવામાં મુશ્કેલી અનુભવવી, લાગણીની અસ્થીરતાનો અનુભવ કરવો, બીનજરુરી વીષયો પર વધારે પડતા વીચારો આવવા, ઉશ્કેરાટ અનુભવવો વગેરે ફરીયાદો કરતાં લોકોની સંખ્યા કુદકે ને ભુસકે વધતી જાય છે. આમાંનાં કેટલાક સંવેદનશીલ લોકોને એવો ભય પણ સતાવતો હોય છે કે ‘મારું મગજ ચસ્કી તો નહીં જાય ને?’ હું પાગલ તો નહીં થઈ જાઉં ને?’ ‘શું મને સ્કીઝોફ્રેનીયા થઈ ગયો છે?’

‘સ્કીઝોફ્રેનીયા’ એ શું છે? એની ઘણાં ઓછાને ખબર હશે પણ એ એક અતી ભયાનક અને અસાધ્ય માનસીક રોગ છે એવો ખ્યાલ મોટા ભાગના લોકો ધરાવે છે. એટલે જ ‘સ્કીઝોફ્રેનીયા’ કોને કહેવાય અને એ રોગમાં શું થાય એ જાણવું જરુરી છે.

સ્કીઝોફ્રેનીયાને કોઈ ભયાનક રોગ ગણાવે છે, તો કોઈ મહારોગોનો વીશાળ સમુદ્ર ગણાવે છે. તો વળી કોઈ એને કુટુંબ, સમાજ અને સંસ્કૃતી–એ વ્યક્તી સાથે રાખેલાં વલણ અને વર્તનની વ્યક્તીએ આપેલી પ્રતીક્રીયા માત્ર ગણાવે છે.

સ્કીઝોફ્રેનીયા જેવા એક ભયાનક માનસીક રોગનો ઉલ્લેખ ઈસવીસન પુર્વે 1400 વર્ષો પહેલાં થયેલો છે. આયુર્વેદમાં હજારો વર્ષો પુર્વે વ્યક્તીની એક એવી મનોસ્થીતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં આસુરી કે શેતાની તાકાતની મેલીવીદ્યાની અસર હેઠળ વ્યક્તી એની યાદદાસ્ત ગુમાવી બેસે છે, લઘર–વઘર થઈને ફરે છે, અકરાંતીયાની પેઠે ખાય છે, ગંદવાડ કરતો ફરે છે અને ક્યારેક સમાજનાં બંધનોની પરવા કર્યા વગર નગ્ન અવસ્થામાં વીચરે છે.

પહેલી સદીમાં એરીટીસ અને કોપાડોસીયા નામના તબીબોએ બેધ્યાનપણે જીવતા, ગાંડા કાઢતા અને મુર્ખ લોકોનો ઉલ્લેખ કર્યો છે, જેમાં વ્યક્તી પોતાની જાતનું ભાન ભુલી જાય છે અને પ્રાણીની જેમ બાકીનું જીવન વ્યતીત કરે છે.

ભયાનક માનસીક રોગ વીશેનાં આવાં અન્ય કેટલાંક વર્ણનો અઢારમી સદી સુધી આલેખાયેલાં છે. હાલમાં આપણે જેને સ્કીઝોફ્રેનીયાના નામથી ઓળખીએ છીએ એવા રોગનાં લક્ષણોનો સૌપ્રથમ ઉલ્લેખ 1896માં એમીલ ક્રીપલીન નામના વૈજ્ઞાનીકે કર્યો હતો. ત્યાર બાદ સ્કીઝોફ્રેનીયાના વીવીધ પ્રકારો અને તેનાં મુખ્ય લક્ષણો દર્શાવાયાં હતાં.

સ્કીઝોફ્રેનીયાનો અર્થ થાય છે, સ્પ્લીટ ઑફ માઈન્ડ અર્થાત્ વ્યક્તીના મનમાં તીરાડ પડવી કે તેના ટુકડા પડવા, જેને ગુજરાતીમાં ‘છીન્નભીન્ન ચીત્ત’ કે ‘છીન્ન ચીત્તવીકૃતી’ તરીકે ઓળખવામાં આવતો હતો; પરન્તુ આ રોગમાં હકીકતમાં સ્પ્લીટ ઑફ પર્સનાલીટી અર્થાત્ વ્યક્તીના વ્યક્તીત્વમાં તીરાડ પડે છે અને વ્યક્તીત્વ છીન્નભીન્ન થઈ જાય છે. જેથી આને ‘વીખરાયેલું વ્યક્તીત્વ’ અર્થાત્ ‘વીપરીત વ્યક્તીત્વ’ કે પછી છીન્ન–ભીન્ન વ્યક્તીત્વ અર્થાત્ ‘વીચ્છીન્ન વ્યક્તીત્વ’ એવું નામ આપવું વધારે યોગ્ય લેખાશે.

સ્કીઝોફ્રેનીયા વીશ્વવ્યાપી રોગ છે. આ રોગનાં લક્ષણો સમાજ, સંસ્કૃતી, જ્ઞાતી–જાતી, ધર્મ અને ભૌગોલીક પરીસ્થીતીની અસરો હેઠળ બદલાયા કરે છે. સામાન્ય રીતે વીકસીત દેશોમાં ‘પેરોનૉઈડ સ્કીઝોફ્રેનીયા’ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે વીકાસશીલ દેશોમાં ‘કેટાટોનીક’ પ્રકારનો સ્કીઝોફ્રેનીયા વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ બન્નેય પ્રકારોનાં લક્ષણોની ભીન્નતા આપણે જોઈશું.

ક્રીશ્ચીયનોમાં આ વીશ્વનો નાશ થવાનો છે એવી ભ્રમણા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એટલે ક્રીશ્ચીયાનીટીમાં વીશ્વાસ ધરાવતા સ્કીઝોફ્રેનીક્સમાં ધાર્મીક ઉન્માદ વધારે જોવા મળે છે. જાપાનમાં ‘હેબીફેનીક’ પ્રકારના સ્કીઝોફ્રેનીયાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

આપણા દેશમાં ગ્રામ્ય વીસ્તાર અને અશીક્ષીત કે અલ્પવીકસીત સ્તર ધરાવતા લોકોમાં ભુત–પ્રેત–વળગાડ મેલીવીદ્યાની શંકાઓ ધરાવતા સ્કીઝોફ્રેનીક્સની સંખ્યા મોટી છે, જ્યારે શીક્ષીત અને શહેરી વીસ્તારોમાંથી આવતા લોકોમાં ઈલેક્ટ્રોનીક ઉપકરણો દ્વારા મગજ પર કોઈ કાબુ રાખતું હોય કે બૉમ્બ–રૉકેટ લૉન્ચરથી હુમલો થવાનો હોય એવી શંકાઓવાળા સ્કીઝોફ્રેનીયાના દર્દીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

સમયની સાથેસાથે સ્કીઝોફ્રેનીયાનાં લક્ષણો પણ બદલાતાં જોવા મળે છે. પચાસ વર્ષ પહેલાં સ્કીઝોફ્રેનીયાના દર્દીઓ જે હીંસક વર્તન કરતા હતા તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે; પરન્તુ આજના સ્કીઝોફ્રેનીયાના દર્દીઓમાં દૃષ્ટીભ્રમ અને અવાજ વીભ્રમ વધારે જોવા મળે છે.

આમ, સ્કીઝોફેનીયાનાં લક્ષણોનો ફલક વીશાળ છે અને તેના પર સમાજ, સંસ્કૃતી, શીક્ષણ, ધર્મ, જ્ઞાતી, જાતી વગેરે પરીબળોની વ્યાપક અસર હોય છે, જેથી સ્કીઝોફ્રેનીયાનાં બે–ચાર ચોક્કસ લક્ષણો નથી; પરન્તુ વ્યક્તીએ વ્યક્તીએ તે બદલાતાં રહે છે. સ્કીઝોફ્રેનીયા રોગનાં લક્ષણોના વીશાળ ફલકની ચર્ચા ક્રમશઃ કરીશું.

વીકસીત દેશોમાં છેલ્લાં સો વર્ષથી સ્કીઝોફ્રેનીયાનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. યોગ્ય દવાઓ અને સમયસર સારવારના પરીણામે વસ્તીના વધારાના પ્રમાણમાં સ્કીઝોફ્રેનીયાના દર્દીઓમાં વધારો થયો નથી. જ્યારે વીકાસશીલ દેશોમાં પ્રવર્તતી અન્ધશ્રદ્ધાને કારણે સ્કીઝોફ્રેનીયાના દર્દીઓ શરુઆતના તબક્કામાં સારવાર માટે ઓછા પ્રમાણમાં આવે છે. તદ્ઉપરાંત લાંબો સમય દવાઓ પણ ચાલુ ન રાખવાનું વલણ વ્યાપક હોવાથી સ્કીઝોફ્રેનીયાનું પ્રમાણ વધતું જાય છે.

વીવીધ સંશોધનો પ્રમાણે સમગ્ર વસ્તીના 1 % લોકોને જીવનમાં ઓછામાં ઓછો એક વાર આ રોગ થાય છે. એટલે આપણા દેશમાં 85 લાખથી એક કરોડ લોકો આ દરદની ઝપટમાં આવી ગયાં હોવાનો અંદાજ મુકી શકાય.

દર એક લાખની વસ્તીએ પાંચસોથી સાતસો લોકોને પ્રતીવર્ષ સ્કીઝોફ્રેનીયા થાય છે. આપણા દેશમાં પ્રતીવર્ષ પાંચથી–સાત લાખ જેટલા સ્કીઝોફ્રેનીયાના નવા દર્દીઓ ઉભા થાય છે. આમાં જુના દર્દીઓને કોઈ પણ પ્રકારની સારવારથી સારું થઈ જાય એટલે તેમની બાદબાકી કરીએ તો પણ પ્રત્યેક એક હજાર વ્યક્તીએ ત્રણ વ્યક્તી આ દરદની કાયમી રોગી બની જાય છે. આમ, આપણા દેશમાં એંસીથી નેવું લાખ જેટલા સ્કીઝોફ્રેનીયાના કાયમી દર્દીઓ છે એવું કહી શકાય. આ બધાની સમયસર લાંબાગાળાની સારવાર ન કરાય તો દેશની મેન્ટલ હૉસ્પીટલોમાં લાખ્ખો પથારીઓ પણ ઓછી પડે. સ્કીઝોફ્રેનીયાના આટલા વ્યાપક ફેલાવા છતાં આપણા દેશની માનસીક આરોગ્યની હૉસ્પીટલોમાં માત્ર તેર હજાર જેટલી જ પથારીઓ છે.

સ્કીઝોફ્રેનીયા તમામ માનસીક રોગોમાં સૌથી વધારે ખર્ચાળ રોગ છે. કારણ આ દરદીઓની સારવારમાં તો ખર્ચો થાય છે જ; પરન્તુ એથી વીશેષ જીવનનાં અતી મહત્ત્વનાં વર્ષો કોઈ પણ પ્રકારની પ્રવૃત્તી કે કામકાજ વગર પસાર થતાં હોવાથી દરદીના કુટુંબને, સમાજને અને દેશને વ્યાપક નુકસાન થાય છે.

અમેરીકામાં થયેલાં વીવીધ સર્વેક્ષણોના અહેવાલ મુજબ પ્રતીવર્ષ એક લાખ નવી વ્યક્તીઓને સ્કીઝોફ્રેનીયા થાય છે. આશરે પચીસથી ત્રીસ લાખ જેટલા સ્કીઝોફ્રેનીયાના દર્દીઓમાંથી છથી સાત લાખ દદીઓને મેન્ટલ હૉસ્પીટલમાં રાખી સારવાર કરવાની જરુર પડે છે. અમેરીકન ગવર્નમેન્ટ સ્કીઝોફ્રેનીયાના દર્દીઓ માટે બસ્સો બીલીયન ડૉલર્સ અર્થાત્ છ હજાર બીલીયન રુપીયાનો ખર્ચ પ્રતીવર્ષ કરે છે.

આપણા દેશમાં આ રોગની ઓળખ બહુ ઓછા લોકોને છે. એટલે આ બીમારી પાછળ દર્દીનાં કુટુંબીજનો કે સરકાર કેટલો ખર્ચ કરે છે તેના નીશ્ચીત આંકડાઓ નથી. સારવારના અભાવે આ બીમારીથી સમ્પુર્ણપણે પાગલ બની જતા લોકો જો માનસીક રીતે સ્વસ્થ રહી શકે તો દેશને કરોડો રુપીયા કમાવી આપી શકે એટલું ચોક્કસ કહી શકાય.

સ્કીઝોફ્રેનીયા સામાન્ય રીતે પંદરથી ચોપન વર્ષની વ્યક્તીને થાય છે. અર્થાત્ વ્યક્તીના જીવનનાં અતી મહત્ત્વનાં વર્ષોમાં થતો આ રોગ છે. આપણા દેશમાં આ બીમારીનો ભોગ બનેલા લોકોની સમયસર સારવાર ન કરાતાં આવી વ્યક્તીની ભ્રામક માન્યતાનાં મુળ વધારે ને વધારે ઉંડાં ઉતરતાં જાય છે અને તે ભુવા–ફકીરોની ચુંગાલમાં વધારે ને વધારે ફસાતો જાય છે. આખરે એવો તબક્કો આવે છે જ્યારે વ્યક્તી કાયમને માટે અસ્થીર મગજનો કે અભદ્ર ભાષામાં ‘ગાંડો’ બની જાય છે. આવી વ્યક્તીઓને સાચવવા માટે કુટુંબ, સમાજ અને દેશને ઘણો મોટો ખર્ચો ઉપાડવો પડે છે.

સ્કીઝોફ્રેનીયાથી પીડાતા તમારા ઓળખીતા કે સગાંસમ્બન્ધીની સમયસરની સારવાર તેને આવો ‘કાયમી અસ્થીર’ કે ‘ગાંડો’ બનાવતો રોકે છે. એટલું જ નહીં પણ ધીરે ધીરે તે નૉર્મલ બની પોતાના નોકરીધંધા ઉપર પણ લાગી શકે છે. સ્કીઝોફ્રેનીયા જેવા ભયાનક માનસીક રોગથી બચવા માટે કહેવાતા વળગાડના તમામ કેસની તબીબી સારવાર સત્વરે કરાવવી જરુરી છે.

–ડૉ. મૃગેશ વૈષ્ણવ

લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101/ +91 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/   ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com

ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212મુલ્ય : રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

4 Comments

  1. ‘શું વળગાડ જેવી કોઈ વસ્તુ છે ખરી?’–ડૉ. મૃગેશ વૈષ્ણવનો અભ્યાસપૂર્ણ સુંદર લેખ.
    આપણા ઘણાખરા સ્નેહી જનોમા આ રોગ જોવા મળે છે અને તેની વહેલી સારવાર કરવાથી સારું પરીણામ આવે છે.માનસિક રોગની પરિભાષામાં આ બીમારીને ‘સાયકોસીસ’ કે ‘વિચારવાયુ’ કહેવાય છે. અંધશ્રદ્ધા લીધે તેને માનસિક બીમારીને બદલે વળગાડમાં ખપાવવાય છે.
    અત્યારના આ હાઈટેક વિજ્ઞાનયુગમાં આ બીમારીનો ઉકેલ છે. સવાલ છે માત્ર સગાં-સંબંધીની ઈચ્છાશક્તિનો. વળગાડ જેવી આ બીમારી મટાડવા માટે અત્યારે અતિ આધુનિક દવાઓ, ઈ.સી.ટી.(શોક)કે અન્ય મનોપચારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. તે ઉપરાંત જ્યારે પણ આવા કોઈ વિચારો આવે ત્યારે મન એ તરફથી હટાવી કોઈને કોઈ પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ. કંઈક એવું કે જેમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાની જરૂર હોય. આમ કરવાથી આપણું ધ્યાન જે-તે મનને વ્યથિત કરનારી વાતથી હટી જશે અને મન શાંત થઈ જશે. શાંત મન આનંદ અને પ્રસન્નતાને જલ્દી ગ્રહણ કરે છે, અને પ્રસન્ન ચિત્ત આવેલી કોઈપણ પરિસ્થિતિને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવામાં મદદરૂપ થાય છે અને આ જ સકારાત્મક દ્રષ્ટિકોણ વિચારવાયુના આ ગંભીર રોગનો નાશ કરે છે અને એનાથી થતાં સંભવિત નુકશાન ટાળી શકાય છે.
    અનુભવી વૈદ્યો ભાંગરો, શંખાવલી, જટામાંસી, ગળો, બ્રાહ્મી, સર્પગંધા, જીવંતી વિ દવાઓનું પ્રકૃતી પ્રમાણે આયોજન કરે છે આ દવા લાંબો સમય લેવાથી પણ તેની આડઅસર નથી થતી કે નથી તેની ટેવ પડતી નથી.
    આ ઉપરાંત અનુભવી યોગ શિક્ષકો પાસે યોગ દ્વારા સારવારથીથી પણ સારા પરીણામો જોવા મળ્યા છે.કોઇ પણ પધ્ધતિની સારવાર સાથે રોગ હોય કે ન હોય આજના યોગ દીવસથી યોગ એક જીવન પધ્ધતિ તરીકે અપનાવશો.

    Liked by 1 person

  2. ખુબ જ સરસ લેખ! માનસિક બીમારીને લગતા રોગ વિશેની માહીતી પ્રદાન કરીને લોકમાનસમાં જાગ્રુતિનું કાર્ય કર્યું છે.
    આભાર લેખક શ્રી અને શ્રી ગોવિંદભાઈ નો…

    Liked by 1 person

  3. મિત્રો,
    દુનિયાના લગભગ દરેક દેશોમાં મેલી વિદ્યાના માનનારાઓ જોવા મળે છે. જ્યાં અભણતા અને તેને કારણે વૈજ્ઞાનિક અભિગમ ઓછો હોય ત્યાં આ બઘું ખૂબ જોવા મળે છે.
    ડો. મૃગેશ વૈષ્ણવનો લેખ મીડલ શ્કુલથી શીખવવા માટે યોગ્ય છે. કુમળા ઝાડને જે રીતે વાળવા હોય તે રીતે વાળી શકાય.
    ૨૦૨૧ના વરસમાં અેલોપથી મેડીકલ વિજ્ઞાનમાં ખૂબ પ્રગતી કરી છે. સ્રીઝોફેનીયા….નામનો રોગ મગજનો રોગ છે. અસાઘ્ય અને ખૂબ બિહામણો રોગ છે. તેની સારવાર કરી શકાય તેમ છે પરંતું તેને મીટાડી શકાય નહિ..
    ડો. વૈષ્ણવે રોગના ચિન્હો લખેલા છે. રોગીને કયા ચિન્હો આવે છે તેની વિગતો આપી છે પરંતું જ્યાં સુઘી મને દેખાયુ છે ત્યાં સુઘી આ રોગ થવાના કારણો વિષયે માહિતિઓ આપી લાગતી નથી.
    થોડી રીસર્ચ કરી અને જે માહિતિ હાથ આવી તે લખવાનું વિચાર્યુ છે….

    Possible reasons :
    1. Environmental. 2. Psychology 3. Genetic $. Biological….
    Other details : A. Lead exposure.B. Neurochemical irregularities C. Prenatal exposure to hunger. D.Dense living environment

    What is Schizophrenia ?
    Schizophrenia is a chronic, disabling brain disorder that affects about 1% of Americans. It may cause people to hear voices, see imaginary sights, or believe other people are controlling their thoughts. These sensations can be frightening and often lead to erratic behavior. There is no cure, but treatment can usually control the most serious symptoms.
    POSSIBLE CAUSES OF SCHIZOPHRENIA :

    1. DOPAMINE : too much of it….leads to HALLUCINATIONS AND POSITIVE SYM.
    2. Unusual Brain Activity: Low fronal lobe activity.
    Larger ventricles ( fluid filled regions of brain )
    Misfiring neurons
    increased activity in the core ( thalamus and a amigdal a
    #. Maternal virus.
    Flu virus during first term of pregnancy.
    Babies born in the winter months increased risk.
    Genetics :
    1 in 10 if family member has it.
    1 in 2 if identical tween in has it.
    Not the sole cause of the disorder.
    PSYCHOANALYTIC VIEW….
    id IS OVER WHELMED AND OUT OF CONTROL. ( EVIDENCE ? )
    Family members are pushy and overly critical ( stress a factor ? )

    આ રોગ થવાના મુખ્ય કારણોની જાણ થોડી થઇ. થોડી ગાઇડલાઇન આપે.
    ડો. મૃગાંક વૈષ્ણવના લેખને સરાહીને કહેવાનું મન થાય છે કે શાળાના શિક્ષણમાં ાાવા વિષયોનું જ્ઞાન આપવું જરુરી બને છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s