37
સાપદંશ અને દેશી સારવાર
–અજય દેસાઈ
સાપ તો પૃથ્વી ઉપર મનુષ્યો કરતાં પણ પ્રાચીન સમયથી અસ્તીત્વમાં છે. જયારથી મનુષ્યો પૃથ્વી ઉપર ઉદ્ભવ્યા છે, ત્યારથી સાપ અને મનુષ્યોનાં સહઅસ્તીત્વ થકી સાપદંશ થતાં આવ્યા છે અને એ સમયથી જ આપણા દેશમાં તથા વીશ્વના એવા દરેક દેશો કે જયાં સાપ અસ્તીત્વ ધરાવે છે, ત્યાં સાપદંશના વીવીધ દેશી ઉપચારો થતાં આવ્યા છે, શું એ ઉપચારો કારગત ન હતાં? શું એ જડીબુટ્ટીઓ કારગત ન હતી? શું ઝેરી દંશ માત્રથી મનુષ્યો મરતા હતાં? આપણી પાસે એની માહીતી નથી. આજના યુગમાં તો આપણે સહુ સ્વીકારીએ છીએ કે સાપદંશ માટેનો શ્રેષ્ઠ ઈલાજ વીષ પ્રતીરોધક રસી છે; પરન્તુ એ રસીની શોધ તો હમણાં હમણાં થઈ છે. અગાઉ તો દેશી ઉપચારો જ કારગત અને અકસીર મનાતાં હતાં. દેશી જડીબુટ્ટીઓ, દવાઓ અંગેના અસંખ્ય પુસ્તકો આપણે ત્યાં અને વીદેશોમાં વર્ષોથી પ્રચલીત છે. આવા પુસ્તકો આપણે ત્યાં ભાષા લીપીની શરુઆતથી જ ચલણમાં છે. આવા દરેક પુસ્તકોમાં દરેક લેખકોએ પોતપોતાની આગવી શૈલીથી સારવાર અંગે નોંધ્યું છે. પોતે અલગ અલગ જડીબુટ્ટીઓનો ઉપયોગ નોંધ્યો છે. કયાંય કોઈ પધ્ધતી કે સારવારમાં સામ્યતા નથી.
આજે પણ ઘણા એવા લોકો છે જેઓ ઝેરી-બીનઝેરી સાપની સારવાર માટે દેશી ઉપચારોને અને આયુર્વેદ અને જડીબુટ્ટીઓને પ્રાધાન્ય આપે છે. ખરેખર તો ભુતકાળમાં આમ થતું હતું, માટે હજુ પણ તે જ પધ્ધતીથી ઈલાજ કરવો હીતાવહ નથી.
સાપ, ઝેરી કરડ્યો છે કે બીનઝેરી તેની ખાત્રી સામાન્ય માણસો કરી નથી શકતાં, મોટા ભાગના લોકો તરત જ દેશી ઉપચારોમાં લાગી જાય છે આવા ઘરગથ્થુ ઈલાજોમાં કીંમતી સમય બગાડે છે. બીનઝેરી સાપનો દંશ હોય તો તેમની કારીગરી ફાવી ગઈ, તેવા મીથ્યા ગર્વ લે છે. હકીકતમાં જો ઝેરી સાપનો દંશ હોય તો દરદીને નુકશાન થાય છે જ! અને આવું નુકશાન મૃત્યુ સુધીનું હોઈ શકે છે. દુનીયાભરમાં કયાંયથી, ઝેરી સાપ કરડ્યો હોય અને મન્ત્રોચ્ચાર, દેશી ઈલાજો કે ભુવા, બડવાઓની કારીગરીથી વીષનું શમન થયું હોય, વીષની અસરો નાશ પામી હોય, તેવા પુરાવા મળતાં નથી. મૌખીક, કર્ણોપકર્ણ ઘણી વાતો થાય છે, પરન્તુ છાતી ઠોકીને કોઈ નથી બતાવતું કે ચાલો ઝેરી સાપના દંશની અસરોને હું નીર્મુળ કરી બતાવું. માટે જો આપણે, આપણા સ્વજનને, દરદીને બચાવવા ઈચ્છતાં જ હોઈએ તો, નાહક સમય બગાડ્યા સીવાય દરદીને બને તેટલાં જલ્દીથી એવા દવાખાને લઈ જવો કે જયાં આ અંગેની સારવાર અને વીષપ્રતીરોધક રસીઓ ઉપલબ્ધ હોય.
દેશી ઉપચારો અંગે અલગ અલગ દેશો, પ્રદેશોમાં અલગ અલગ માન્યતાઓ વીધીઓ ઉપચારો પ્રચલીત છે. અત્રે જે માહીતી ઉપલબ્ધ છે, તે મુજબ મુખ્યત્વે નીચે મુજબના દેશી ઈલાજોમાં લોકો અટવાયા કરે છે.
1. ગામડાની અબુધ અભણ પ્રજા જ નહીં; પરન્તુ શહેરની ભણેલી ગણેલી સુસંસ્કૃત પ્રજા પણ દરદીને અલગ અલગ ધાર્મીક સ્થાનકોએ લઈ જાય છે, ત્યાં વીધી કરાવે છે.
2. દંશવાળી જગ્યા ઉપર કોલસાનો ટુકડો મુકવામાં આવે છે.
3. અમુક લોકો મન્ત્રોચ્ચાર, જાપ વગેરે કરાવે છે.
4. દેશી જડીબુટ્ટીઓના ઈલાજો કરવામાં આવે છે.
5. બડવા, ભુવા, પુજારીઓ પાસે વીધી કરાવવા લઈ જવાય છે.
6. સાપનું મોહરુ વીષ શોષી લે, તે માટે જે વ્યક્તી પાસે આવું મોહરુ હોય છે, ત્યાં દરદીને લઈ જવાય છે. (મોહરુ એ બીજું કાંઈ ન હોતાં એક પ્રકારનું ચામડું જ હોય છે. જે તેના ગુણ મુજબ ભેજ, પાણી તથા લોહી ચુસી લેવા સક્ષમ હોય છે. આપણે જાણીએ છીએ કે કોરાં ચામડાને પાણી તથા લોહી ઉપર મુકીએ તો, તે તેમાંનાં ભેજને શોષી લે છે.)
આ અને આ ઉપરાંત અનેક નુસખાઓ સામાન્યજનોમાં પ્રચલીત છે.
વાસ્તવીકતા તો આનાથી એકદમ ભીન્ન છે. ઉપરોકત નુસખાઓમાં સમય બગાડ્યા પછી બાજી હાથમાંથી જતી રહી હોય એટલે કે, દવાખાનામાં ઈલાજ માટે શક્યતા ન રહી હોય, મોડું થઈ ચુકયું હોય, ત્યારે દરદીને દવાખાનામાં લાવવામાં આવે છે. દરદીને બીનઝેરી સાપ કરડ્યો હોય, અને કશું જ ન થાય તો જાણે દૈવી શક્તીઓ વડે, જાદુઈ મન્ત્રોચ્ચાર, વીધીઓ વડે દરદીને બચાવી લીધો છે, તેવો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે અને અન્ધશ્રદ્ધાળુઓને વધુ પ્રેરણા મળે છે.
આપણે વધુ વીવાદમાં ન ઉતરતાં ભુતકાળમાં જે થતું હતું તે થયું; પરન્તુ હાલમાં આપણી પાસે સર્વશ્રેષ્ઠ ઈલાજ, વીષ પ્રતીરોધક રસી ઉપલબ્ધ છે. તેની સારવાર જ હીતાવહ છે તેવું માનવું રહ્યું.
આપણી સંસ્કૃતીમાં નાગ તથા સાપનું મહત્ત્વ તથા મદારીઓનાં ખેલ વગેરેને લઈને જ ઘણા વર્ષો સુધી ભારત મદારીઓના દેશ તરીકે જ ઓળખાતો હતો.
૩8
મદારીઓ – ગારુડીઓ
મદારી લોકો અંગે જુનામાં જુની માહીતી ઈજીપ્તની સંસ્કૃતીમાં મળે છે. તેમના અસ્તીત્વની પ્રથમ નોંધ, આ સમયની છે. ખાસ કરીને મદારીઓની મહત્તા બાંગલાદેશ, શ્રીલંકા, પાકીસ્તાન, થાઈલેન્ડ, મલેશીયા, ઉત્તર આફ્રીકા, ઈજીપ્ત, મોરક્કો, ટયુનીશીયા અને ભારત જેવા દેશોમાં વધુ છે. ભારતીય સંસ્કૃતીનું એક વખતનું અભીન્ન અંગ ગણાતા આ મદારીઓ આજે તો તેમનાં રોજીરોટી અને અસ્તીત્વ માટે ઝઝુમી રહ્યા છે. આ માટે બે કારણ છે એક તો વન્યજીવ સંરક્ષણ ધારો – 1972 (Wildlife Protection Act – 1972) હેઠળ સાપને અપાયેલું વીશેષ સંરક્ષણ. બીજુ કારણ ટીવી ઉપર ઘેરબેઠા જોઈ શકાતી વીવીધ સાપની સત્ય માહીતી અને ફીલ્માંકનો છે, કે જે, મદારીઓ માટે ખરાબ દીવસો લાવી છે.
એક સમય હતો, જયારે ગામેગામ, ગલીગલીએ સેંકડો મદારીઓ ઘુમતા હતાં, તેમની કપોળ કલ્પીત કથાઓ અને સાપ પકડવાની ચમત્કારીક વાતો પ્રચલીત હતી. તેઓનો સુવર્ણયુગ તો ૨૦મી સદીનો હતો. જયારે રાજા–મહારાજાઓથી માંડીને બ્રીટીશ અધીકારીઓ પણ મદારીઓને સાપના ખેલ માટે બોલાવતા હતાં. વીદેશમાં તેઓને, તેમના આવા શો માટે બોલાવાતા હતાં. આજે તો મદારીઓ ઉપર કાયદાની ચુંગાલ એવી સખત થઈ છે કે, મોટાભાગના મદારીઓએ આ વ્યવસાય છોડી દીધો છે, કે છોડી રહ્યા છે. ઈ.સ. 1972થી ‘વન્યજીવ સંરક્ષણ ધારો’ અમલમાં આવી ચુક્યો હતો; પરન્તુ તેના અમલીકરણમાં ઢીલ હતી. આજે તો અનેક NGO અને વ્યક્તીગત રીતે લોકો પણ આ અંગે એટલાં બધા જાગૃત થઈ ગયા છે કે તેઓને આવા ખેલ કરાવવા મુશ્કેલી થઈ રહી છે. આપણે આપણા બાળપણને જ યાદ કરીએ તો, વારંવાર આવતા મદારીઓના ખેલ, ગલીઓની નુક્કડે થતાં હતાં, ત્યારે આપણે બધાં કામકાજ નેવે મુકીને, સ્કુલે જવાનું ટાળીને આવા ‘તમાશા’ જોતા હતાં. ટોળે વળીને કલાકો સુધી તેમના ખેલ જોતા હતાં. આજે તો લોકો પાસે એટલો સમય પણ નથી અને ઘેરબેઠા ગંગા જેવો ઘાટ ડીસ્કવરી, નેશનલ જીઓગ્રાફી, એનીમલ પ્લેનેટ જેવી ચેનલોએ કર્યો છે આ ચેનલો ઉપર દુનીયાભરનાં સાપની બધી જ માહીતીઓ ઘરઆંગણે જોઈ શકાતી હોય તો, લોકો કયાં, આવા તમાશામાં ઉભા રહે? તેથી જ લોકોને પણ મદારીઓનું આકર્ષણ રહ્યું નથી. અગાઉના વર્ષોમાં મદારી લોકોની આખી કોલોની શહેરોની બહાર વસતી હતી. તેઓ સમુહમાં રહેતાં હતાં. ગામડા કે શહેરોમાંથી કે, અન્યત્ર કયાંયથી સાપ પકડી લાવતાં. તેઓને પણ નાગનું જ વધારે આકર્ષણ રહેતું, નાગને ‘ચમત્કારીક’ બતાવવા અને મુછોવાળા નાગ બનાવવા તારને તપાવીને આંખોની પાછળ માથામાંથી આરપાર કરીને તેમાં ઘોડાની પુંછડીનાં વાળ પોરવતાં, ઝેર દંશતા દાંતો તોડી નાંખવામાં આવતા કે, વીષગ્રંથીને જ અત્યાચારપુર્વક બહાર ખેંચી કાઢવામાં આવતી. આ ઝેરી સાપ પુરુ મોં ખોલીને હુમલો ન કરી શકે કે દંશી ના શકે, તે માટે તેમના મોં સીવી દેવાતાં, સાપની કાંચળી પાકે તો તેને હાથથી ખેંચી કાઢતાં, સાપ ભુખ્યો થયો હોય કે ન થયો હોય, નાળચા વાટે ખોરાક ગળામાં ઠાંસવામાં આવતો, આવા ખોરાકમાં દુધ હોય કે માંસના ટુકડા હોય કે ઈંડાનો રસ હોય, ઘણીવાર તો આવું કરતાં કે વીષગ્રંથી કાઢતા મોંની અંદરના ભાગમાં ઈજા થઈ જતી ત્યારે સાપ ગળામાંથી ખોરાક ન ઉતારી શકતાં, તે મૃત્યુ પામતાં, આ બધી પ્રક્રીયાઓમાંથી પસાર થયેલો સાપ જો જીવી પણ જાય તો પણ તેનું આયુષ્ય 6 મહીનાથી વધુ ન રહેતું.
આજે પણ, ઓછાવત્તે અંશે આવા ખેલ જારી છે જ, ખાસ કરીને ગામડાઓમાં છુટાછવાયાં થતાં રહે છે. મદારી લોકો સાપને રાખવા કે ‘ભરવા’ માટે વાંસના કરંડીયાનો ઉપયોગ કરે છે. આની રચના વીશીષ્ટ હોય છે. તે બે ભાગમાં હોય છે. અનાજ દળવાની ઘંટીના બે પડ હોય છે તેમ જ તેના નીચેના ભાગમાં સાપ હોય છે અને ઉપરના ભાગે ઢાંકણ હોય છે. ઘણીવાર આવા કરંડીયામાં એકથી વધુ સાપ રાખવામાં આવે છે. આ કરંડીયાને કપડામાં બાંધી દેવામાં આવે છે અને આવા બાંધેલા ગાંસડાને લાકડી ઉપર ‘કાવડીયા’ની જેમ લટકાવી દેવામાં આવે છે, જેને ખભે લઈને તેઓ ગામેગામ ફરે છે.
નાગ અને બીન વગર મદારીની આખી વાત અધુરી જ કહેવાય. મદારીઓને અને લોકોને નાગનુ વીશેષ વળગણ છે. સહુકોઈને નાગ વીશે રસ હોય છે અને નાગ અંગેની દૈવી કાલ્પનીક કથાઓમાં રસ હોય છે. મદારીઓ કરંડીયાનુ ઢાંકણ ખોલી નાગને છંછેડે છે, બીનથી કે હાથથી તેને ઘોંચપરોચ કરે છે. નાગ કરંડીયામાં જ અધ્ધર થાય છે, સ્વબચાવ માટે આવું કરે છે અને અહીં જ મદારીની બીન શરુ થાય છે. મદારી બીનને આમથી તેમ હલાવતો જાય છે અને બીનમાં ફુંક મારતો જાય છે, વગાડતો જાય છે. લોકોને લાગે છે નાગ બીનના તાલે આમથી તેમ ડોલે છે. વાસ્તવીકતા કાંઈક જુદી જ છે. નાગ સ્વબચાવ માટે જ આવું કરે છે. ખરેખરતો નાગને સંગીત સાથે કાંઈ જ નીસ્બત નથી હોતી. નાગ ઉપરાંત મદારી લોકો અજગર, ધામણ, ડભોઈ, દરગોઈ જેવા સાપ રાખે છે. વધુમાં નોળીયો, શેળો જેવા નાના પ્રાણીઓ પણ રાખે છે. તો ક્યારેક પાટલાઘો (Monitor Lizard) પણ રાખે છે.
ખરેખર તો મદારી લોકોને પણ સાપની સાચી માહીતી નથી હોતી, દેશી જડીબુટ્ટીઓના ભરોસે કેટલાયે મદારીઓ પોતાના જાન ગુમાવતા હોય છે. તેઓને પણ નાગ–સાપનો ડર હોય છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
લેખક શ્રી અજય દેસાઈનો સાપ અંગે લોકોમાં સાચી જાગ્રૃતિ આવે અને દેશી નુસખાઓમાં સમય બગાડ્યા વગર સાચો અને ત્વરીત ઈલાજ થાય એવો માહીતી સભર લેખ, આ એક ઉમદા કાર્ય છે. મદારીઓ વિશેની રોચક વાતો જાણી, સાપો ઉપર થતા અત્યાચાર એ ‘વન્યજીવ સંરક્ષણ ધારો’ આવ્યા પછી સાપોની જાતીનું સંરક્ષણ થયું. આભાર શ્રી અજય દેસાઈ.
અંતરિયાળ ગામડાઓમાં સાપ અંગેની જગ્રુતિ માટે પ્રયાસ કરવા જોઈએ, જેથી સાપ અને માનવજીવન બંન્નેનું રક્ષણ થાય.
લોકો સુધી આવી માહિતી પહોંચાડવા બદલ શ્રી ગોવિંદભાઈનો આભાર.
LikeLiked by 1 person
મા.અજય દેસાઈનો સાપદંશ અને દેશી સારવાર અંગે અભ્યાસપૂર્ણ લેખ
આની પુસ્તિકાઓ દરેક ગામડે પહોંચાડવી જોઇએ
અને
અભ્યાસના પુસ્તકમા પણ માહિતી ભણાવવી જોઇએ
અને સારવાર પોષણક્ષમ્ય હોવી જોઇએ
ધન્યવાદ
LikeLiked by 1 person
Ajay Bhai has revealed all aspect of Madari & specially warned not to get in their trap – and take authentic hospital treatment in case of bite.
Good awareness & right guidance given- many thanks to Ajay Bhai & Govind bhai .
LikeLiked by 1 person
મિત્રો,
અજય દેસાઇનો સર્પની બાબતના દરેક લેખો માહિતિસભર બની રહ્યા છે.
સામાન્ય પ્રજા પાસે આટલી ઉંડી અને માહિતિસભર માહિતિ નથી મળતી.
અજયભાઇના આપણે આભારી છીઅે.
ગોવિંદભાઇનો ાાભાર…આ જરુરી માહતિસભર લેખો લાવવા માટે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person