કોઈ ઈશ્વર કે ધર્મગુરુ નહીં; શીક્ષણ જ ચમત્કાર કરી શકે

કોઈ ઈશ્વર કે ધર્મગુરુ નહીં;
શીક્ષણ જ ચમત્કાર કરી શકે

–રમેશ સવાણી

તા. 29 ફેબ્રુઆરી, 2020ના રોજ સુરત ખાતે અમારા સમ્બન્ધી કાળુભાઈ બેલડીયા દ્વારા આયોજીત ‘સંત મેળાવડા’માં મેં વક્તવ્ય આપ્યું ત્યારે 1500થી વધુ શ્રોતાઓ મને ધ્યાન દઈને સાંભળી રહ્યા હતા. ‘સંત મેળાવડા’માં રૅશનલ વાત પચશે નહીં; એવું મેં કાળુભાઈના પુત્ર ધર્મેશને કહ્યું હતું; ત્યારે તેમનો આગ્રહ હતો કે ‘ફેસબુક’ ઉપર તમારી દરેક પોસ્ટ અમે વાંચીએ છીએ; એટલે જે કહેવું હોય તે કહેવાની છુટ છે! બસ, મેં મોકો ઝડપી લીધો. સામાન્ય રીતે ધાર્મીક પ્રસંગોમાં લોકો ખાઈપીને છુટા પડી જાય છે. વૈજ્ઞાનીક મીજાજની વાત કોઈ કરતું નથી.

મેં કહ્યું : આપણે ખુબ ધાર્મીક છીએ છતાં દુ:ખી કેમ છીએ? આટલી કથાઓ થાય છે; આટલા સ્વામીઓ, આટલા પ્રગટ બ્રહ્મસ્વરુપો છે; છતાં અનૈતીકતા ઘટતી કેમ નથી? છેતરપીંડી ઘટતી કેમ નથી? ઘરેલું ઝઘડા કેમ ઓછા થતાં નથી? એક નાના ગામડામાં 7-8 મન્દીરો હોય છે; શહેરોમાં ખુણે ખુણે, ફુટપાથ ઉપર અને રોડ વચ્ચે મન્દીરો છે; છતાં મર્ડર, બળાત્કાર કેમ થાય છે? મન્દીરોની અસર કેમ થતી નથી? વ્રત, ઉપવાસ, પુજાપાઠ, કર્મકાંડ, દાન કરીએ છીએ છતાં બાળકો અવળે રસ્તે કેમ ચડી જાય છે? બાળકો નાપાસ કેમ થાય છે? ઘેરથી કેમ ભાગી જાય છે? માતાજી કેમ મદદ કરતા નથી? ગાયને માતા માનીએ છીએ; કીડીને કીડીયારું પુરીએ છીએ; તો મા-બાપની સેવા કરવામાં કેમ વાંધો આવે છે? બે દીકરા વચ્ચે મા-બાપ કેમ હડસેલાં ખાય છે? આપણે માતાજીને નમીએ છીએ; માતાજીની પુજા કરીએ છીએ; તો મહીલાઓ, દીકરીઓ પ્રત્યે ભેદભાવ કેમ કરીએ છીએ? છોકરીઓ ઘેરથી ભાગી જાય છે; એને કથાકીર્તન, ટીલાંટપકાં કેમ અટકાવી શકતા નથી? ગુરુઓ, કથાકારોની અસર કેમ થતી નથી? અન્યાય કેમ થાય છે?

તેના બે કારણો છે : 1. ધાર્મીક અન્ધશ્રદ્ધા અને 2. રાજકીય અન્ધશ્રદ્ધા. આપણામાં અન્ધશ્રદ્ધા ઘુસી ગઈ છે.

જ્યોતીષીની દીકરી ભાગી જાય ત્યારે તે પોલીસની મદદ માંગે છે; અને આપણે જ્યોતીષી કે ભુવા પાસે જઈએ છીએ! ભોજા ભગતે [1795-1850] કહ્યું હતું :

ભરમાવી દુનીયા ભોળી રે,
બાવો ચાલ્યો ભભુતી ચોળી રે!
માઈ માઈ કરીને બાવો બોલાવે,
હૈયે કામનાની હોળી રે!
સઘળાં શીષ્યને ભેળાં કરી ખાય,
ખીર ખાંડ ને પોળી રે!
ભોજો ભગત કહે ભવસાગરમાં,
બાવે માર્યા બોળી રે!

આપણી માન્યતાઓ/અન્ધશ્રદ્ધાઓ વીચીત્ર છે : ડુંગળી/લસણ ન ખવાય; બીજાના ઘરનું પાણી ન પીવાય; અમારો સમ્પ્રદાય/ધર્મ ઉંચો; પુજાપાઠ કરે તે છોકરા જ સંસ્કારી થાય; માનતા માનવાથી/વ્રત કરવાથી માતાજી રાજી થાય; કથા કરવાથી પાપ નાશ પામે/પીતૃના આત્માને મોક્ષ મળે; પ્રાર્થના/પુજા કરવાથી રોગ દુર થઈ જાય; ચમત્કાર થાય! આવી માન્યતાઓને કારણે આપણી સમસ્યાઓ દુર થવાને બદલે વધે છે. અન્ધશ્રદ્ધા પ્રદુષણ ફેલાવે છે; કથાઓ, યજ્ઞો, ગણેશ વીસર્જન, લીલી પરીક્રમા! અન્ધશ્રદ્ધા વસતી વીસ્ફોટ કરે છે; પુત્ર હોય તો મોક્ષ મળે! ભાઈ હોય તેવી છોકરી સાથે જ લગ્ન કરાય! વધુ વસતી માટે વધુ વીજળી જોઈએ. વધુ પાણી જોઈએ. બીગ ડેમ જોઈએ.

વધુ વીજળી માટે જંગલનો નાશ થઈ જાય; તેથી નકસલવાદ ઉભો થાય! અન્ધશ્રદ્ધા દૃષ્ટીહીન બનાવે છે. શીક્ષણ કરતા કુંભમેળા મહત્ત્વના લાગે છે. ઘરમાં કથા કરશે; પણ એક સારું પુસ્તક નહીં લાવે! મીડીયા/ચેનલો અન્ધશ્રદ્ધાનું પ્રદુષણ ફેલાવે છે. કેટલાક ધર્મગુરુઓ/સ્વામીઓ અન્ધશ્રદ્ધાના પીતા છે; પ્રચારકો છે. અન્ધશ્રદ્ધા ઉપયોગી વસ્તુને બીનઉપયોગી બનાવે છે! શ્રીફળ, ઘી, દુધને મુર્તી ઉપર ચડાવીએ છીએ! અન્ધશ્રદ્ધા હત્યા કરાવે છે; ઘુવડ, મોરના પીંછા, ગેંડાના શીંગડા માટે. અન્ધશ્રદ્ધા માણસને ઘેટાં બનાવે છે! ગુરુઓ પોતાનો વાડો મોટો કરે છે! ધર્મગુરુઓ માણસને ઘેટાં બનાવે છે અને શોષણ કરે છે. આપણે અતીધાર્મીક છીએ પણ નૈતીક બીલકુલ નથી; પોલીસ સ્ટેશનમાં માતાજીના ફોટાઓ હોય છે; તેમની સામે જ ધર્મનું-ફરજનું આચરણ થતું નથી! રુપીયા રુપીયા બોલવાથી ધનીક થવાતું નથી. સાકર સાકર બોલવાથી મોઢું ગળ્યું થતું નથી. એમ રામ રામ બોલવાથી મોક્ષ ન મળે! કામ કરવું પડે. મોક્ષ, સ્વર્ગ, ગૌલોક જે કહો તે આકાશમાં નથી. આ જગતમાં જ છે! સ્વર્ગ ધરતી પર જ છે! ‘આકાશી મોક્ષ’ની/પરલોકની ચીંતા કરવાને બદલે, આ લોકની ચીંતા કરો.

આપણી સમસ્યાઓ પાછળ અન્ધશ્રદ્ધા જવાબદાર છે! આપણને થતાં રાજકીય, સામાજીક, આર્થીક અન્યાયો પાછળ અન્ધશ્રદ્ધા જવાબદાર છે! ધાર્મીક અન્ધશ્રદ્ધા કરતાં, રાજકીય અન્ધશ્રદ્ધા વધુ ખતરનાક છે! દેશપ્રેમ કે મન્દીરની કોઈ વાત કરે એટલે જેલમાં ગયેલો નેતા પવીત્ર થઈ જાય છે! તમારી ધાર્મીક લાગણીઓને કોઈ પંપાળે એટલે  તેને મત આપી દેવાનો? તમારા બાળક માટે મોંઘી શીક્ષણ ફી કેમ ભરો છો? શીક્ષણ, સુરક્ષા, આરોગ્ય સેવા આપવી તે સરકારનું મુળભુત કામ છે. જો શીક્ષણ, સુરક્ષા, આરોગ્ય સેવા અપાવી શકતા ન હોય; તો એવા કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદને સોસાયટીમાં ઘુસવા કેમ દો છો? એવા નેતાને હારતોરા કેમ કરો છો? એવા નેતાઓને સામાજીક ફંકશનોમાં સ્ટેજ ઉપર કેમ બેસાડો છો? શીક્ષણમન્ત્રી ભુવાઓનું સન્માન કરે ત્યારે તાળીઓ કેમ પાડો છો? જુઠ્ઠું બોલનારા અને ભડકાઉ ભાષણો આપનારાઓને દેશભક્ત કેમ કહો છો? ધાર્મીક અન્ધશ્રદ્ધા અને રાજકીય અન્ધશ્રદ્ધાનો ઉપાય શું? શીક્ષણ! હનુમાનજીના મન્દીરે તેલનો આખો ડબ્બો ચડાવી દઈએ તો પણ પરીક્ષામાં પાસ ન થવાય. વાંચવું પડે. મહેનત કરવી પડે. જ્ઞાન આંખો ખોલી નાખે છે. વીદ્યા મુક્તી અપાવી શકે; અન્ધશ્રદ્ધા બાંધી રાખે છે; પ્રગતી અટકાવે છે. કહેવાતું ધાર્મીક શીક્ષણ નહી; માનવવાદી/રૅશનલ શીક્ષણ મેળવો; જે અન્ધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય! ગાયને પવીત્ર માનો પણ માણસને અપવીત્ર ન માનો. ઘરમાં પુજારુમ બનાવો તે પહેલા રૅશનલ પુસ્તકો વસાવો. જુના કપડાં પહેરો પણ નવું પુસ્તક ખરીદો.

એક પુસ્તક, એક પેન, એક બાળક, એક શીક્ષક દુનીયા બદલી શકે છે. કર્મકાંડ પાછળ નહીં; બાળકો પાછળ ખર્ચ કરો; એ સૌથી વધુ રીટર્ન્સ આપશે! ચમત્કાર કોઈ ઈશ્વર, માતાજી કે ધર્મગુરુ કરી શકે નહીં; માત્ર શીક્ષણ જ ચમત્કાર કરી શકે! મહારાષ્ટ્રના સંત ગાડગેજી મહારાજે ચોટદાર વાત કરી છે : ‘થાળી વેચી દેવી પડે, તો એ વેચીને ભણો. હાથમાં રોટલી લઈને ખાઈ શકાશે; પણ શીક્ષણ વીના ઉધ્ધાર નથી.’

–રમેશ સવાણી

‘મેરાન્યુઝ.કોમ’, અમદાવાદમાં તા. 23 જુન, 2021ના રોજ પ્રગટ થયેલ પોસ્ટમાંથી, લેખકના અને ‘મેરાન્યુઝ.કોમ’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

10 Comments

 1. મા. રમેશ સવાણી નો ‘કોઈ ઈશ્વર કે ધર્મગુરુ નહીં;શીક્ષણ જ ચમત્કાર કરી શકે ‘
  સુંદર લેખ
  અને
  ‘ધાર્મીક અન્ધશ્રદ્ધા અને રાજકીય અન્ધશ્રદ્ધાનો અગે વાત કરી તે ખૂબ જરુરી છેા
  આ રીતે આ. પૂર્ણીમાબેન પકવાસાએ શીક્ષણ આપવા પ્રયાસ કરેલો પણ તેમા વિદ્યાર્થિનીઓ બરોબર શિક્ષિત ન લાગતા આધ્યાત્મિક શીક્ષણ પણ સાથે આપતા વિદ્યાર્થિનીઓ જ્ઞાની સાથે વિનમ્ર અને સેવાભાવી થઇ.

  Liked by 1 person

  1. આદરણીય વલીભાઈ,
   નમસ્તે…
   આપશ્રીનો બ્લૉગ ‘માનવધર્મ’ પર લેખક શ્રી રમેશ સવાણીનો લેખ ‘કોઈ ઈશ્વર કે ધર્મગુરુ નહીં; શીક્ષણ જ ચમત્કાર કરી શકે’ને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
   –ગોવીન્દ મારુ

   Like

 2. ખુબ સુંદર લેખ. આટલું સ્પષ્ટપણે સચોટ વક્તવ્ય સૌ પ્રથમ જોવા મળ્યું. આભાર ગોવીન્દભાઈ આપનો તથા રમેશભાઈ સવાણીનો. ગોવીન્દભાઈ તરફથી ફોરવર્ડ થયેલા એમના લેખ WhatsApp પર આવે ત્યારે હું એ અચુક વાંચું છું.

  Liked by 1 person

 3. What a brilliant article with logic and simple language. One of most effective article which can change many minds. Salute for courage 🙏 and pranam 👏. Desire to meet in person

  Liked by 1 person

 4. જગત માં અત્યારે અમુક અપવાદ સિવાય, પૂરું જગત અંધશ્રદ્ધા માં ગરકાવ થયેલ છે. દરેક ધર્મ માં પાખંડીઓ અન્ધશ્રદ્ધાળુઓ ને આંબા આંબલી બતાવી ને લૂંટી રહ્યા છે. આ પાખંડીઓ ધર્મ ના નામે કેવા કેવા કૃત્યો કરી ને અને લાખો અન્ધશ્રદ્ધાળુઓ ને ભેગા કરી ને પોતાના ઘી કેળા બનાવી લે છે. આ વલણ ને જોતા સમાજ સુધારકો તથા રેશનાલિસ્ટો ના લોકો માં જાગૃતિ લાવવાના પ્રયાસો ને સફળતા મળે એવો કશો અવકાશ નથી. આપણે થોડું ઘણું લખી ને એવી આશા રાખીએ છીએ કે કદાચ આ લખાણ થી સમાજ સુધરી જાય અને અંધશ્રદ્ધા ને તિલાંજલિ આપી દે પરંતુ એવી આશા ઠગારી છે. તેમ છતાં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી સમજી ને આપણા પ્રયાસો ચાલુ રાખવા જોઈએ જેમાં એક પ્રયાસ છે ” અભિવ્યક્તિ નું પ્લેટફોર્મ “, જેના સંચાલક છે શ્રીમાન ગોવિંદ મારુ સાહેબ તથા તેમના જેવા અન્ય લેખકો જેઓ પોતાના વિચારો આ પ્લેટફોર્મ પણ રજુ કરે છે. ધન્ય છે આવા વિરો ને.

  Liked by 1 person

 5. શ્રી રમેશભાઇ સવાણીઅે આ લેખ હૃદયપૂર્વક વાંચીને જીવનમાં ઉતારનારને માટે ખૂબ જ સમજપૂર્વક લખ્યો છે. કોઇ ઇશ્વર કે ઘર્મગુરુ સંસ્કાર નહિ સીંચી શકે તે સમજાવવા લેખ લખ્યો છે. રમેશભાઇ શીક્ષણને જ પ્રાઘાન્ય આપે છે. અને તે સાચુ પણ છે. શીક્ષણ બે સ્થળેથી મળે છે….અેક કુટુંબમાંથી અને બીજુ શાળામાંથી. નોકરીના દિવસોમાં નોકરીના વાતાવરણમાંથી પણ મળે છે.
  હિન્દુઘર્મ હજી ૨૦૨૧ના વરસમાં પણ જૂના રીત રીવાજોને સંઘરીને બેઠો છે. જૂના રીત રીવાજો કોણે અને ક્યારે બનાવીને સમાજને પાળવાનું પ્રેસર આપ્યુ હશે તે કોણ જાણે ?
  કાગવાસ જેવો રીવાજ ? મૃત્યુ પછી મા કે પિતા શું બાળકો તેમના મનની શાંતિ માટે કાગવાસ ના મુકે તો સ્વર્ગસ્થ મા, બાપ છોકરાઓ ઉપર સજા કરે ? પ્રેમ ફક્ત મરેલાઓના આત્માને કોઇક રીતે સંતોષ કરવાથી જ મળે ?
  સમયની સાથે સુઘરવું જોઇઅે. કોઇ અર્થ વિનાની વિઘિઓથી સમજીને દૂર થવું પાખંડીઓથી દૂર રહેવું. પત્થરમાં ભગવાન બતાવે અને રોજીંદી કમાણી માટે વિઘિઓને જરુરી બતાવનારાઓથી દૂર રહેવું જોઇઅે. સાચુ શું છે તે શોઘવું રહ્યું…આંઘળી દોત મુકવી નહિ.
  ઝાડમાં ભગવાન જૂઓ. ઝાડ અે વનસ્પતિ જગતની છે અને બીજા જીવિત પ્રાણિ જગતનાં છે. બન્ને અેક બીજા વિના જીવી ના શકે. પ્રાણિ જગત જે કચરો પોતાના શરીરમાંથી બહાર ફેંકે છે તેને વનસ્પતિ જગત પોતે વાપરીને જીવન જીવે છે. અને તે ઝાડ કચરાને વાપરીને પ્રાણિ જગતને ઓક્ષિજન…પ્રાણવાયુ અને ખોરાક આપે છે. પ્રાણવાયુ વિના પ્મારાણિઓ અને માનવ બે મીનીટ પણ જીવી ના શકે.
  જીવિત દાખલાઓ છે ઝાડ પ્રાણિ જગતને જીવન આપે છે. તેને પૂજો. મંદિરોમાં બેસાડેલી પત્થરની મૂર્તિઓમાં શું મળે છે ? શ્રઘ્ઘા ? શાંતિ ? ઝાડ તો તમારા શરીરમાંથી નીકળેલા કચરાને વાપરીને તમને જીવન આપે છે. અંઘશ્રઘ્ઘા નથી કામની તેને શ્રઘ્ઘા બનાવીને જીવન ના જીવાય.
  સમયની સાથે બદલાવાનું રાખીઅે.
  વિજ્ઞાનની સાથે મળેલા જ્ઞાનને જવ્નમાં ઉતારીને ચાલીઅે.
  રમેશભાઇને અને ગોવિંદભાઇને હાર્દિક અભિનંદન.
  અમૃત હઝારી.

  Liked by 1 person

 6. શ્રી રમેશભાઈનો બહુ જ મનનીય લેખ. એકેએક શબ્દ માનવીય ચેતનાને ઝકઝોળે છે.
  ૧. કપડું જુનું પહેરીને પણ પુસ્તક તો નવું જ લેવું.
  તથા
  ૨. થાળી વેચીને હાથમાં રોટલો ખાશું પણ શિક્ષણ વિના ઉદ્ધાર નથી.
  આ બે સુત્રો સમાજ ખરેખર આત્મસાત કરશે તો પછી સમાજને ગુલામ કોઈ નહી બનાવી શકે.

  Liked by 1 person

 7. Congratulations! Highly clear and concise straight forward talk. Hope the listeners and readers follow through and spread this message to a wide audience and be free from the clutches of false gurus and their propaganda. Hope people become more and more rationalistic and science oriented.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s