અપંગતાને માત આપનારી
ડૉ. રોશનજહાં શેખ
–ફીરોઝ ખાન
‘હીમ્મતે મર્દા તો મદદે ખુદા’ કહેવત કોણે બનાવી તે ખબર નથી; પરન્તુ આજસુધીમાં અનેક લોકોએ પોતાના પુરુષાર્થ અને હીમ્મતથી આ લોકવાયકાને સાચી ઠેરવી છે. આ કામ કરનારાઓમાં એક છે ડૉ. રોશનજહાં શેખ. રોશનની જીવની વાંચીયે તો ઘડીભર એમ લાગે કે કેમ અત્યાર સુધી એમના પર કોઈ બાયો ફીલ્મ નથી બનાવવામાં આવી? એમના જીવનમાં દુઃખ, દર્દ હીમ્મત, ધીરજ, લગન અને ‘સીંઘમ’ બનવાની હામ છે. રોશન જોડે કુદરતે જે ખેલ ખેલ્યા અને એણે જે હીમ્મતથી મુકાબલો કર્યો એ પ્રશંશનીય છે. ચાલો માંડીને એની વાત કરીએ.
રોશન જહાં એક ખુબ જ ગરીબ પરીવારમાંથી આવે છે. મુમ્બઈના જોગેશ્વરી પરામાં રહેનારી રોશનના પીતા લારી પર શાકભાજી વેચતા. રોશનનો જન્મ મુમ્બઈમાં 1992માં થયો. ત્રણ બહેનો અને એક ભાઈ છે. રોશન અને એના બધા ભાઈ–બહેનો ભણવામાં ખુબ હોશીયાર હતા. રોશન પોતે પણ ખુબ સારા માર્ક્સથી પાસ થતી.
ઓક્ટોબર 07, 2008ના રોજ રોશન બાંદ્રાથી જોગેશ્વરી પોતાના ઘરે જઈ રહી હતી. દરવાજા પાસે ઉભેલી એ અચાનક ગાડીમાંથી પડી ગઈ. આ રેલવે અકસ્માતમાં એના બન્ને પગ કપાઈ ગયા. રેલવેના પાટા પાસે કલાકો સુધી એ પડી રહી. લોકો ભેગા થયા પણ કોઈ મદદ કરવા તૈયાર નહોતા. ભેગા થયેલા લોકોને રોશન કહી રહી હતી કે કોઈક તો મારા પાપાને ફોન કરો. કોઈએ ફોન કર્યો અને એને હૉસ્પીટલમાં લઈ ગયા. ગેન્ગરીન થઈ જવાના કારણે એના બન્ને પગ કાપી નાંખવામાં આવ્યા. એ દીવસે રોશન અને એના પરીવાર પર આભ તુટી પડ્યું; પણ તેણી હીમ્મત હારી નહીં. વ્હીલચેર પર કૉલેજ જતી. અને બારમાની પરીક્ષા ખુબજ સારા નમ્બરે પાસ કરી. એને ડૉક્ટર થવું હતું. એણે સીઈટી (કોમન એન્ટરન્સ ટેસ્ટ) ત્રીજા નમ્બરે પાસ કરી. એ જયારે મેડીકલના પ્રવેશ માટે ગઈ ત્યારે કૉલેજે કહ્યું કે એની અપંગતા 90 ટકાથી વધારે હોઈ એને મેડીકલમાં પ્રવેશ નહીં મળે. 40થી 70 ટકા અપંગતાવાળાને જ મેડીકલમાં પ્રવેશ આપી શકાય. એ પાડી ભાંગી.
એ સમયના ધારાસભ્યશ્રી અમીન પટેલ પાસે એક ઓળખીતાભાઈ રોશનને લઈ ગયા. અમીનભાઈએ બધી વાત સાંભળી. તરત એક લોયરને બોલાવી મુમ્બઈ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવા કહ્યું. કેસની સુનાવણી બે જજોની બેન્ચે કરી. કૉલેજનો પક્ષ પણ સાંભળી ને નામદાર કોર્ટે રોશનને એડમીશન આપવા માટે કૉલેજને ઑર્ડર કર્યો. અને એ રીતે રોશનને એડમીશન મળ્યું.
રોશન આજે પણ શ્રી અમીન પટેલ, લોયર પાટીલ અને જી. એસ. મેડીકલ કૉલેજના ડીનશ્રીનો આભાર માને છે. 2017માં એણે એમ.બી.બી.એસ. પાસ કરી. એને વધુ ભણવું હતું. એણે ફરી પાછી પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની એન્ટ્રન્સ એક્ઝામ ત્રીજા નમ્બરે પાસ કરી. ફરી પાછી એની સામે અપંગતા આવી. એ સમયના સાંસદ શ્રી. કીરીટ સોમૈયાએ ભારતના હેલ્થ મીનીસ્ટરને રોશનના કેસની રજુઆત કરી. શ્રી જે. પી. નડ્ડા એ સમયે હેલ્થ મીનીસ્ટર હતા. તેઓએ પોતાની સત્તા વાપરી 20 વરસ જુનો કાયદો ફક્ત બે દીવસમાં બદલી રોશનના એડમીશનનો માર્ગ મોકળો કરી આપ્યો. ડૉક્ટર રોશન આજે એમ.ડી. (પેથોલોજી) છે.
ડૉક્ટર રોશનને અત્યાર સુધી અનેક ઈનામો મળી ચુક્યા છે. 2018માં ભારતના પ્રસીદ્ધ અખબાર ‘હીન્દુસ્તાન ટાઈમ્સ’ તરફથી એને ‘વુમન ઓફ ધ યર’નો ઍવોર્ડ ઉત્તર પ્રદેશના મુખ્યમન્ત્રી યોગી આદીત્યનાથના હાથે આપવામાં આવ્યો.
ડૉ. રોશનજહાં આજે ભારતના સર્વોત્તમ મોટીવેશનલ સ્પીકરોમાં તેનું સ્થાન અંકે કર્યું. અનેક સંસ્થાઓ, કૉલેજો અને હાઈ સ્કુલો એમના લેક્ચર આયોજીત કરે છે. હાલમાં જ મહારાષ્ટ્ર્ના બીડ જીલ્લામાં એક જગ્યાએ પોતાની સ્પીચમાં એણે કહ્યું કે મારી માંએ મારા માટે સૌથી વધુ તકલીફો ઉઠાવી. મને મારી માં, મારા પરીવાર અને સમાજનો (ફક્ત મુસ્લીમ સમાજ નહીં) સપોર્ટ ના મળ્યો હોત તો હું કદી પણ ડૉક્ટર બની શકી નાહોત. પોતાની સ્પીચમાં એ સ્ટુડેંટ્સને કહે છે કે કોઈ દીવસ નાસીપાસ ના થવું. દુઃખ અને મુસીબતો તો આવવાની. એમની સામે લડતા શીખો. એક વાત ધ્યાનમાં રાખો. કુદરત અને સમાજ પણ એમની મદદ કરે છે જે પોતે હીમ્મતથી કામ લે છે. કુદરતમાં શ્રદ્ધા રાખો. દુઃખ અને મુસીબતો અગર એ આપે છે તો માર્ગ પણ એ જ કાઢે છે.
સલામ ડૉ. રોશન તને… અને તારી હીમ્મતને…
‘યુટયુબ.કોમ’ અને ‘ટીવી9 ભારતવર્ષ’ના સૌજન્યથી : https://www.youtube.com/watch?v=k8UaGwA0cTk
–ફીરોઝ ખાન
કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 14 મે, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
Very Nice Motivational Story of Dr. Roshanjanha Shaikh
LikeLiked by 1 person
ખુબ પ્રેરણાદાયક જીવની લઈ આવવા બદલ હાર્દીક આભાર ગોવીન્દભાઈ. ડૉ. રોશનજહાંનું જીવન ખરેખર બહુ પ્રેરણાદાયક છે. એના લેખક ભાઈ શ્રી ફિરોજ ખાનનો પણ આભાર.
LikeLiked by 1 person
અદભુત! ખુબ જ પ્રેરણાત્મક જીવન ડૉ.રોશનજહાંનુ, અત્યારે લોકો ૧૨ ધોરણમાં નાપાસ થાય છે ત્યારે નાસીપાસ થાય છે અને ન કરવાનું કરી બેસે છે.
ડૉ.રોશનજહાં આવા લોકો માટે પ્રેરણાદાયી છે…
આભાર મા. ગોવિંદભાઈ અને લેખક શ્રી ફિરોજ ખાનનો.
LikeLiked by 1 person
When there is a will, there is a way.
મન હોય તો માળવે જવાય
LikeLiked by 1 person
ડૉ.રોશન ના પ્રરણાદાયક જીવન માટે સલામ
આવા અનેક પ્રેરણાદાયક જીવન છે પણ તેને ઉજાગર કરવા માટે મા. ગોવિંદભાઈ અને લેખક શ્રી ફિરોજ ખાનને પણ ધન્યવાદ
LikeLiked by 1 person
Many salutes and hearty congratulations to Dr. Roshan Jahan for surmounting difficult and extremely adverse conditions of severe physical disabilities and obtain M.D. pathology degree and also for being an effective motivational speaker, to encourage many more hidden jewels like her.
The assembly member Mr.Amin Patel along with two justices of Bombay High court, the dean of the medical college and health minister sri J.P. Nadda also deserve our sincere thanks.
many thanks to mr. Firoze Khan and Govindbhai for bringing out this inspirational story.
LikeLiked by 1 person
હાં ! જરુર… ‘હિંમતે મર્દા, તો મદદે ખુદા’ અને ‘ ખુદી કો કર બુલંદ ઇતના કી હર તહરીર સે પહેલે, ખુદા બંદે સે ખુદ પૂછે કી, બોલ તેરી રઝા ક્યા હૈ…‘
The best way to predict the future is to create yourself.
‘જબ આપકે હાથ હૈ તકદીર કી કિતાબ,
ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચીયે.‘
‘જીંદગીમાં એવું કશું જ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકિકતમાં આપણે કશુંક જુદુ જ કરવાનું વિચારવાની હિંમત નથી કરી શકતા.’
ડો. રોશનજહાંને મારા સત સત પ્રણામ. તેમણે જીવન મુશ્કેલીસભર જીવીને ‘જીવનને રોશન‘ બનાવીને સમાજને. દુનિયાને એક ઉમદા દાખલો આપ્યો છે.. હિમત કેળવવાની કળા શપ્ખવી છે. મન હોય તો માળવે જવાય… જેવી કહેવતને સાબિત કરી બતાવી છે. પેથોલોજીના વિષયમાં એમ.ડી. થઇને ઉપર લખેલા દરેક આદર્શો તેમણે પોતાના જીવનમાં સફળતા પૂર્વક સફળ કરી બતાવ્યા છે.
એક સારા સંભાષણ કરનાર તરીકે… ફરી એક વાર…. રોશનજહાંને પ્રણામ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Nice information
LikeLiked by 1 person