અને એ ભયાનક માનવ-આકૃતી અદૃશ્ય થઈ ગઈ!
–ડૉ. મૃગેશ વૈષ્ણવ
“તમે લોકો ધર્મ અને શાસ્ત્રમાં માનો નહીં એટલે તમારી સાથે એની ચર્ચા જ કરવી નકામી છે; પરન્તુ તમારી આંખ ખોલી નાંખે એવો મારા એક મીત્રના પુત્રનો કેસ છે. તમે એનામાં પ્રવેશતા પ્રેતાત્માને નજરોનજર જુઓ એટલે તમારો તમારા વીજ્ઞાન પરનો ભ્રમ ભાંગી જશે અને તેમ છતાં જો તમે પ્રેતયોની અને વળગાડના શાસ્ત્રને સ્વીકારવા તૈયાર ન હોવ તો એ છોકરાને તમારી આ મનોચીકીત્સા દ્વારા સારો કરીને બતાડો.” એક વડીલે “વળગાડ અને મેલીવીદ્યા તુત છે” એવું વારંવાર મારી પાસેથી સાંભળ્યા પછી સખત અકળામણ સાથે મને ગર્વભેર ઉપરોક્ત પડકાર ફેંક્યો હતો. તેમણે તેમના પડકારનો પુનરોચ્ચાર કરતાં જણાવ્યું કે “ભુત-પ્રેત અને મેલીવીદ્યા દ્વારા અઢાર વર્ષના એક યુવકનો કબ્જો એક પ્રેતાત્માએ લીધો છે. તમે એની વાતો સાંભળો અને ખોટી પુરવાર કરો!”
આ પડકારનો સહર્ષ સ્વીકાર કરીને જાતતપાસ માટે હું, વડીલ મીત્ર સાથે દેવેન્દ્રને ઘેર ગયો. દેવેન્દ્ર અઢાર વર્ષનો યુવાન છે અને બારમા ધોરણમાં ભણે છે. અમે દેવેન્દ્રના દીવાનખંડમાં બેઠા કે તરત જ પેલા વડીલે મને દેવેન્દ્રનો પરીચય કરાવતાં કહ્યું કે, “એક પ્રેતાત્મા છેલ્લાં આઠ વર્ષથી આને હેરાન કરે છે.” વાતને વચ્ચેથી જ અટકાવતાં મેં દેવેન્દ્રને કહ્યું કે, “જો દોસ્ત, પ્રેતાત્મા જેવી કોઈ વસ્તુનું અસ્તીત્વ જ નથી. તું મને તારી તકલીફો અને મુંઝવણની વાત કર એટલે આપણે તને આ પ્રેતની ચુંગાલમાંથી છોડાવી દઈએ.” મારાં આવાં વીધાનોથી પેલા વડીલમીત્ર જ નહીં; પરન્તુ દેવેન્દ્ર અને એનાં કુટુંબીઓ પણ નારાજ થયા અને દેવેન્દ્રની માતાએ મને કહ્યું કે…. “પ્રેતાત્માનું આવું અપમાન કરીને તમે કંઈ સારું નથી કર્યું. અમે પણ પહેલાં આ બધી બાબતોને ઢોંગ જ માનતા હતા; પરન્તુ અમને પરચો મળી ગયો.”
પ્રેત-વળગાડના અસ્તીત્વ અને જુઠાણાઓ, ભ્રમણાઓ વીશે અમારી વચ્ચે ચર્ચા ચાલતી હતી ત્યાં એકાએક આંખો બંધ કરી દાંત ભીંસી દેવેન્દ્ર રાડો પાડવા લાગ્યો…. “મારું માથું ખેંચાય છે…. આખું શરીર ખેંચાય છે…. બે-ત્રણ જણાં મારા વાળ પકડીને ખુબ ખેંચે છે…. હવે મને મારી આજુબાજુ બે-ત્રણ આકૃતીઓ જ દેખાય છે…. બીજું કોઈ દેખાતું નથી…. હા, આ કાળો ઝભ્ભો, સફેદ ધોતી અને કાળી ટોપી પહેરેલો વીકરાળકાય માણસ હાથમાં ચાકુ પકડીને ઉભો છે. એ મને હુકમ આપે છે… “ ‘તારાં માતા-પીતાને તું મારી નાખ.’ પણ નહીં, એના કહેવાથી હું મારાં માતા-પીતાને શા માટે મારું…. તું શું મને ધમકી આપતો હતો. હું તને જ મારી નાખીશ. તું શું મારાં માતા-પીતાને મારી નાંખવાનો હતો…. હું તને મારી નાખીશ, કાપી નાખીશ….” આવી રાડો પાડતાં પાડતાં તે પડી ગયો…. તેનું આખું શરીર ઉછાળા મારવા માંડ્યું અને તે સુતાં સુતાં ગોળ ફરવા લાગ્યો અને ક્યારેક કમ્મરમાંથી કમાન વળવા સુધીના ઉછાળા પણ મારવા માંડ્યો. આવું બધું થોડીવાર ચાલ્યું ત્યાં દેવેન્દ્રની માતાએ અગરબત્તી અને દીવો કર્યો અને પ્રેતને સંબોધીને કહ્યું કે “તારી બધી જ ઈચ્છા પુરી કરીશું પણ મારા છોકરાને છોડી દે.” એટલે ધીરે ધીરે દેવેન્દ્રના ઉછાળા બંધ થયા. મારા વડીલમીત્રએ કહ્યું, “જોયું સાહેબ, પ્રેતનું આગમન અને તેના શરીરમાં વાસ કેટલો ભયાનક હોય છે અને કેટલું પીડાદાયક હોય છે? દેવેન્દ્રના શરીરમાં પ્રેત પ્રવેશતું ત્યારે એ કેવાં તરફડીયાં મારતો હતો? આટલું નજરે જોયા પછી હવે તો તમે મારી વાત માનશો ને?”
તમારી વાત માનવાનો આટલું નજર સમક્ષ જોયા પછી તો કોઈ જ પ્રશ્ન જ નથી. આને જે થાય છે તે સમ્પુર્ણ પણે માનસીક બીમારી છે અને તે જડમુળમાંથી મટાડી શકાશે. મને તેની વધારે વીગતો આપો.
પ્રશ્ન : કેટલા સમયથી આવા હુમલાઓ આવે છે?
જવાબ : આઠ વર્ષથી. મહીને બે મહીને એકાદ વખત આવું થઈ જાય. પરીક્ષાના સમયમાં આવા હુમલાઓ અવાર-નવાર આવે છે.
પ્રશ્ન : આને ખાળવા માટે શું પગલાં લીધાં છે?
જવાબ : બાધા, માનતા, અતૃપ્ત આત્માઓના તર્પણ માટેની જરુરી વીધી, વગેરે બધું જ કરાવ્યું છે. કોઈકે આને મગજની બીમારી કહી એટલે ન્યુરોફીઝીશીયનને બતાવ્યું. મગજનો ગ્રાફ પણ કઢાવ્યો છે; પણ એમાં કોઈ બીમારી પકડાઈ નથી. પકડાય પણ ક્યાંથી? હોય તો પકડાય ને? દુરના એક કાકાનું આ પ્રેત હોઈ શકે એવી પહેલો અમને માત્ર શંકા જ હતી; પરન્તુ હવે એ વાત સાચી જ છે એવા તારણ પર અમે પહોંચ્યાં છીએ.
આટલી પ્રશ્નોત્તરી પછી મેં દેવેન્દ્રનાં કુટુંબીજનોને કહ્યું કે, “મૃત આત્માઓ તો કયારેય કોઈનેય ડરાવી શકતા નથી. હકીકતમાં તો એને જાગૃત આત્માઓ, આજુબાજુની વ્યક્તીઓનો જ ભય છે. તદુપરાંત તેનામાં સતત ભય, અસલામતી અને મુંઝવણ રહેલી છે. તેના મનમાં રહેલા દ્વંદ્વને સમજવો અને તેનો યોગ્ય ઉકેલ આપવો જરુરી છે.
દેવેન્દ્રનાં સગાંવહાલાંઓની સંમતીથી તેનું નારકો એનાલીસીસ શરુ કર્યું. તેના સુષુપ્ત મનને કેટલાક સવાલો પુછાયા જેના નીચે મુજબ જવાબો મળ્યા.
“હું સાતમાં ધોરણમાં ભણતો હતો ત્યારે સ્કુલમાં મધ્યાહ્ન ભોજન આપવાની બાબતમાં મારે ઝઘડો થયો અને એક છોકરાએ મને છુટ્ટી પાટી મારી જે મને લંબમજ્જા પર વાગી. ત્યારપછી હું ગાંડા જેવો થઈ ગયો હતો, બેઠો હોઉં અને બેઠે બેઠે ભાન ગુમાવી બેસું. આવું લગભગ એક વર્ષ ચાલ્યું. એ દરમીયાન મારાં બા-બાપુજીએ મને પ્રેમ અને સહાનુભુતી આપવાને બદલે “તું ઢોંગ કરે છે….”, “નથી ભણવું એટલે બહાના બતાવે છે, એવું કહી મને અવાર-નવાર ખખડાવવા લાગ્યાં. મારા પપ્પા પોલીસ ઑફીસર છે પરન્તુ સ્વભાવ મીલીટરીવાળા જેવો કડક છે. તેઓ આમ પણ મને વારંવાર ધમકાવ્યા કરે છે અને દરેક બાબતમાં મને “શીસ્ત શીખો”, “ગમે તેવી પરીસ્થીતીમાં જીવતા શીખો” એવા ઉપદેશો જ આપ્યા કરે છે.
હું સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારથી મેં કહ્યું એવી માનવ-આકૃતી કે ચહેરો નજર સામે આવે છે અને મને ધમકી આપે છે કે, “તું ચોરી કર, નહીં તો હું તારાં માતા-પીતાને મારી નાખીશ.” પછી એણે મને ચોરી કરતાં શીખવાડ્યું. મને એ આકૃતીએ તીજોરીની ચાવી શોધી આપી અને મારી પાસે સો રુપીયાની પાંચ-છ વાર ચોરી કરાવડાવી. નવમા ધોરણમાં ભણતો હતો ત્યારે એણે મને કહ્યું કે તું તારા માતા-પીતાને મારી નાખ. અને મને હાથમાં ચાકુ પકડાવ્યું; પરન્તુ હવે મને ચાકુની પણ બીક લાગે છે અને મારાં માતા-પીતા પાસે જતા બીક લાગે છે. એ લોકો મને એવા આદેશો આપે છે કે તારે તારી મનગમતી વસ્તુ કરવી હોય, હરવા-ફરવા, રમવા જવું હોય તો જતા રહેવાનું. પપ્પાની ફીકર નહીં કરવી. એ ના પાડે તો એની જોડે ઝઘડવું, ચોપડી વાંચવા બેસાડે તો વાંચવી નહીં પણ ફેંકી દેવી, આમ, મારી પાસે બધાં જ ખરાબ કામ કરાવી આ માનવ-આકૃતી મને બદનામ અને બરબાદ કરે છે. એ મારી પાસે ચોરી કરાવે છે. જુઠું બોલાવે છે અને ચોરીના પૈસા પણ એ ક્યાં વપરાવી નાખે છે. એની મને ખબર ન પડે.
અત્યારે એ માનવ-આકૃતીએ મને ખુબ જ પરેશાન કર્યો છે. એણે એક છોકરી તરફ આકર્ષણ જગાવવાનો મને આદેશ આપ્યો છે. મારે એવું કરવું નથી; પણ એ પરાણે પ્રીત કરાવડાવે છે. એના આદેશોને કારણે લોકો પણ મારી ખોટી ખોટી વાતો ઉડાડવા માંડ્યા છે. આ બધાને કારણે મારા ઘરનાની નજરમાં હું સાવ ઉતરી ગયો છું. એ બધા મને ધીક્કારે છે, ચોર કહે છે અને લફરાંબાજ ગણાવી મારી પ્રત્યે કોઈ સહાનુભુતી દર્શાવતું નથી. એ બધા આવા છે એટલે પેલી માનવ-આકૃતી મને આદેશ આપે છે કે એનો વધ કર… પરન્તુ હું તેમ કરતો નથી.”
દેવેન્દ્ર સાથેની વાતચીતનાં ચારથી પાંચ સીટીંગ પછી હું એવા તારણ પર આવ્યો કે દેવેન્દ્રના પીતાનો કડક અને મીલીટરી જેવો શીસ્તબદ્ધ સ્વભાવ દેવેન્દ્રને સ્વીકાર્ય નથી એને શાળામાં હાથખર્ચ માટે પૉકેટમની જોઈએ છે; પરન્તુ પૉકેટમની મળતા નથી એટલે ચોરી કરે છે. વાંચવું-ભણવું ગમતું નથી એટલે ‘માનવ-આકૃતી’નો કાલ્પનીક સહારો લે છે અને એ દરમીયાન માનવ-આકૃતીના નામે…. માતા-પીતાને મારી નાખવાની વાત કરે છે, હકીકતમાં આવી કોઈ માનવ-આકૃતીનું અસ્તીત્વ નથી પણ દેવેન્દ્રના જ વીદ્રોહી અને તીરસ્કૃત માનસનું એ એક કાલ્પનીક સ્વરુપ છે.
મનોવૈજ્ઞાનીક રીતે દેવેન્દ્રના સુષુપ્ત મનમાં રહેલી એ ‘ફાધર ફીગર’ માનવ-આકૃતી તરીકે તેને દેખાય છે અથવા તો તેના ખુબ જ કડક, શક્તીશાળી અને શીસ્તબદ્ધ પીતાથી સતત ગભરાતા રહેતા તેણે પોતે જ કાલ્પનીક માનવ-આકૃતી ઉભી કરી છે, જે તેના પીતા કરતાં પણ વધારે શક્તીશાળી છે અને જ્યારે જ્યારે હરવા-ફરવા પીકચર જોવા જવાના પીતાની ઈચ્છા વીરુદ્ધનાં કાર્યો કરે છે ત્યારે એ માનવ-આકૃતીને નજર સમક્ષ રાખી અને આવાં કાર્યો કરવાની હીમ્મત મેળવે છે. દેવેન્દ્રની આ બીમારી ‘હીસ્ટેરીકલ ડીસોસીએશન’ની બીમારી છે.
દેવેન્દ્ર સાથે સભાન અવસ્થામાં વાતચીત કરી અને તેની બધી મનોવ્યથા જાણી ત્યારે એણે કહ્યું કે મારા પપ્પા જો મને ધમકાવવાનું અને મારવાનું બંધ કરી દે તો મને આવી માનવ-આકૃતી દેખાશે નહીં.
દેવેન્દ્રના પપ્પા અત્યંત ગરીબ માટીકામ કરતી વીધવા માતાના સંતાન હતાં; છતાં પણ તે કંઈક બની શક્યા હતા. તેમના છોકરાઓને તેઓ બધું જ આપતાં; છતાં પણ તેમની ભણવાની તમન્ના ન જોઈને તે દુ:ખી થઈ જતા અને કડક નીયંત્રણો લાદતા. પોતાનાં સંતાનોને તેઓ કંઈક બનાવવા માગતા હતા એટલે વધારે કડક વલણ દાખવતા હતા. આમ, દેવેન્દ્રને દેખાતી માનવ-આકૃતી તેના સુષુપ્ત મને પીતાનાં કડક નીયંત્રણોનું ઉલ્લંઘન કરવા કાલ્પનીક રીતે ઉભી કરી હતી. દેવેન્દ્ર અને તેના પપ્પા બંનેય સાથે ચર્ચા-બેઠકો ગોઠવી આ આખોય પ્રશ્ન સમજાવાયો. દેવેન્દ્રના પપ્પાને પ્રેમાળ બનવાની સલાહ અપાઈ અને દેવેન્દ્રને પણ અભ્યાસમાં ગંભીરતા દાખવી કંઈક બની બતાવવાની પ્રેરણા અપાઈ.
અને દેવેન્દ્રની એ આકૃતી અદશ્ય થઈ ગઈ. મેં દેવેન્દ્ર અને તેના પીતાને સમજાવ્યું કે પીતા-પુત્ર વચ્ચે જ્યાં સુધી પ્રેમાળ અને સલામત સમ્બન્ધ રહેશે ત્યાં સુધી એ માનવ-આકૃતી તમને હેરાન નહીં કરે. હકીકતમાં આવી કહેવાતી આકૃતીઓ જે તમે જુઓ છો અને જેના અવાજો તમે સાંભળો છો તે માત્ર તમારા મનના જ વીચારો છે, તમારું મન જે વીચારે તે તમને દેખાય. જ્યાં સમસ્યા આપણા પોતાના વ્યક્તીત્વની હોય, સ્વભાવની હોય કે અન્ય વ્યક્તીઓ સાથેના પારસ્પરીક સંબંધોની હોય ત્યાં તેને ઓળખી અને આવી પ્રેત-છાયા કે માનવ-આકૃતીની ભ્રમણાને દુર કરવી જોઈએ. દેવેન્દ્રને પ્રેમ જોઈએ છે, સલામતી જોઈએ છે, હુંફ જોઈએ છે. જ્યારે તેના પીતાને ભણીગણી અને કંઈક ઉચ્ચ પદ પ્રાપ્ત કરે તેવો છોકરો જોઈએ છે. બંનેયે એકબીજાને સમજવાની જરુર છે અને સ્વીકારવાની જરુર છે. અધકચરો સ્વીકાર આમાં ફાયદાકારક નથી નીવડતો કારણ અર્ધો અસ્વીકાર આવી કોઈ બીજી કાલ્પનીક બચાવ-પ્રયુક્તી ઉભી કરી શકે છે.
–ડૉ. મૃગેશ વૈષ્ણવ
લેખક–સમ્પર્ક : Dr. Mrugesh Vaishnav, Samvedana Happiness Hospital, 3rd Floor, Satya One Complex, Opp: Manav Mandir, Nr Helmet Circle, Memnagar, Ahmedabad – 380 052 અને 1st Floor Karnavati Hospital Building, Opp Town Hall, Ellisbridge, Ahmedabad – 380 006 સેલફોન : +91 74330 10101/ +91 84607 83522 વેબસાઈટ : https://drmrugeshvaishnav.com/blog/ ઈ.મેલ : connect@drmrugeshvaishnav.com
ઈન્ડીયન સાઈકીઆટ્રીસ્ટ સોસાયટીના પુર્વ પ્રમુખ (2019–20) અને સૅક્સોલૉજીસ્ટ ડૉ. મૃગેશ વૈષ્ણવનું પુસ્તક ‘વળગાડનું વીષચક્ર’ને ‘ગુજરાતી સાહીત્ય પરીષદ’ અને ‘હીન્દી સાહીત્ય એકેડેમી’ તરફથી ઍવોર્ડ એનાયત થયા છે. (પ્રકાશક : નવભારત પ્રકાશન મન્દીર, જૈન દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ – 380 001 સેલફોન : +91 98250 32340 ઈ.મેલ : info@navbharatonline.com પાનાં : 212, મુલ્ય : રુપીયા 150/–)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
–ડૉ. મૃગેશ વૈષ્ણવનો-‘ હીસ્ટેરીકલ ડીસોસીએશન’ માનવ-આકૃતી હેરાન કરે છે? હકીકતમાં આવી કહેવાતી આકૃતીઓ તે વ્યક્તી જુએ છે અને તેના અવાજો સાંભળે છે? અન્ય વ્યક્તીઓ સાથેના પારસ્પરીક સંબંધોને ઓળખી અને આવી પ્રેત-છાયા કે માનવ-આકૃતીની ભ્રમણાને દુર કરવી છે?’
ખૂબ સ રસ લેખ
તેનો ઉપાય-‘ એકબીજાને સમજવાની જરુર છે અને સ્વીકારવાની જરુર છે. અધકચરો સ્વીકાર આમાં ફાયદાકારક નથી નીવડતો કારણ અર્ધો અસ્વીકાર આવી કોઈ બીજી કાલ્પનીક બચાવ-પ્રયુક્તી ઉભી કરી શકે છે.’ મોંઘી તપાસ કે દવાઓનો ખર્ચો ઓછા કરે છ્રે .
આવા અનુભવો ઘણા ખરા કુટુંબોમા હોય છે જે સારા કરી શકાય છે
ધન્યવાદ
LikeLiked by 1 person
ખુબ ઉપયોગી અને સમાજમાંથી ખોટા વહેમ અને અંધશ્રદ્ધા દુર કરે તેવો લેખ. હાર્દીક આભાર ગોવીન્દભાઈ અને ડૉ. મૃગેશ વૈષ્ણવનો. આપણો ભારતીય સમાજ પશ્ચીમનું બીજી ઘણી બાબતોનું અનુકરણ કરે છે, પણ આધુનીક વૈજ્ઞાનીક બાબતોનું નહીં.
LikeLiked by 1 person
Realy good & free from superstition.
LikeLiked by 1 person
ડો. મૃગેશ વૈષ્ણવે સરસ રીતે રોગને સમજાવ્યો.
હીસ્ટેરીકલ ડીસોસીઅેશન, અેક માનસિક રોગ.
સરસ સમજ મળી.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Shri Govindbhai and Dr.Vaishnav,
Good article on mental/psychological disorder.Real responsible person is patients father,as his strict nature for discipline has created problem.Love and mutual trust between parents and their children may not create such problems.This article is for parents only provided they want to understand their children.
Thanks for placing such article on your blog.
Ravindra Bhojak
LikeLiked by 1 person