પાયથોનીડે અને બોઈડે કુટુંબના
ત્રણ સાપની સચીત્ર જાણકારી
–અજય દેસાઈ
કુટુંબ : પાયથોનીડે (Pythonidae)
6. અજગર બીનઝેરી
Indian Python, Indian Rock Python (Python molurus)
અજગરને કોણ નથી ઓળખતું? આપણે ત્યાં નાગ (Cobra) જેટલો જ, આ સાપ પ્રખ્યાત છે. Python એ ગ્રીક શબ્દ છે. ગ્રીક દંતકથાઓ મુજબ તે દૈત્યનું પ્રતીનીધીત્વ કરે છે. ગુજરાતમાં એક જ પ્રકારનો અજગર – Indian python છે. આ સાપ થોડા વર્ષો અગાઉ ખુબ વ્યાપક હતો, હવે તે દુર્લભ થતો જાય છે.
તેનો રંગ મુખ્યત્વે પીળાશ પડતો ભુખરો બદામી છે. તેના ઉપર અનીયમીત આકારનાં, ઘેરા બદામી તથા લીલા રંગના ધબ્બા હોય છે. આ ધબ્બાઓની ફરતે ઝાંખા અને ઘેરા બદામી કે કાળા રંગની કીનારી હોય છે. મોં ઉપર ભાલાની ફણા જેવું ચીન્હ હોય છે. પેટાળ ભુખરા રંગનું કે સફેદ હોય છે. પુંછડીના પેટાળમાં કયારેક ઝાંખા અનીયમીત, બદામી ટપકાં હોય છે. તરતની કાંચળી ઉતારેલો અજગર ખુબ જ સુંદર દેખાય છે, તેથી જ કદાચ તેની સુંદર ચામડીમાંથી પાકીટ, પટ્ટા, ચંપલ વીગેરે બનાવવા તેમનું નીકંદન થઈ રહ્યું છે. ગળું માથા કરતાં સ્પષ્ટપણે અલગ તરી આવે છે. માથું ચપટું અને આગળથી વધુ પડતું વધેલું છે. મોં ઉપર ગુલાબી રંગની ઝાંય હોય છે. માથું અણીયાળુ છે, તેનું શરીર જાડું તથા ભરાવદાર છે. તે લીસા ભીંગડાં ધરાવે છે. માથા ઉપર મોટા, પરન્તુ અનીયમીત આકારનાં ભીંગડાં હોય છે, પુંછડી એકદમ ટુંકી છે અને તેની પુંછડી શરુ થાય છે, ત્યાં અવસારણી માર્ગ પાસેનાં ભીંગડાંમાં અવશીષ્ટ નીતંબ મેખલાનાં અવશેષરુપે બે હાડકાં આવેલા છે. નસકોરાં પ્રમાણમાં ખાસ્સાં મોટા છે. નસકોરાં મોની ઉપરના ભાગમાં હોવાથી તે પાણીમાં મોં બહાર રાખી ખુબ જ આસાનીથી લાંબા સમય સુધી રહી શકે તથા તરી શકે છે. આમ તો તે ખુબ જ આળસુ સાપ છે, પરન્તુ જયારે છંછેડાય છે, ત્યારે ખુબ જ જોરથી ફેફસાંમાંથી હવા બહાર ફેંકી ‘હીસ્સ–હીસ્સ’ કરે છે. દુનીયામાં લાંબામાં લાંબુ આયુષ્ય અજગરનું જ નોંધાયું છે. વળી તે લાંબા સમય સુધી ભુખ્યો પણ રહી શકે છે. તેના મોંની આગળના ભાગમાં ઉપરના હોઠની ઉપર, ગરમી અનુભવી શકતી ગ્રંથીઓ આવેલી છે.
શરીરની મધ્યમાં પીઠ ઉપર 60થી 75ની હરોળમાં ભીંગડાં હોય છે, જયારે પેટાળમાં 253થી 270 ભીંગડાં હોય છે. જે તેના પેટાળની પુરેપુરી પહોળાઈ જેટલા ન હોતાં ઓછી પહોળાઈના હોય છે. પુંછડીનાં ભીંગડાં 58થી 73 હોય છે, જે વીભાજીત હોય છે. જયારે અવસારણી માર્ગનું ભીંગડું અવીભાજીત હોય છે.
મુખ્યત્વે નીશાચર સાપ છે, તેને શાંત જગ્યાઓ કે જયાં અવરજવર ન હોય તે પસંદ છે. ખુબ જ ધીમી ગતીએ સીધી લીટીમાં ચાલે છે. આપણે ત્યાં મળી આવતાં બધા સાપમાં અજગર સહુથી લાંબુ આયુષ્ય ધરાવે છે. આ સાપ ખડકાળ પ્રદેશોમાં, નદી, નાળા, તળાવ કીનારે જોવા મળે છે. તેને પાણીમાં પડી રહેવું ગમે છે. જો કે વૃક્ષો પણ તેને પસંદ છે. તેની ભારેખમ કાયા છતાં તે વૃક્ષો ઉપર ટોચ સુધી ચઢી શકે છે. તે જયારે વૃક્ષ ઉપર હોય છે ત્યારે કલાકો સુધી શીકારની રાહ જોતો વીટળાઈને લટકાયેલો રહે છે, જંગલો પણ તેને પસંદ છે.
ખોરાકમાં ગરમ લોહીવાળો શીકાર વધુ પસંદ કરે છે. તેના ખોરાકમાં પક્ષીઓ, નાના પ્રાણીઓ તથા કવચીત્ વાંદરા, હરણ વગેરે મુખ્ય છે. તેના ભરડાની મજબુતાઈથી તે ગમે તેવા સશકત પ્રાણીઓને ગુંગળાવી નાખવા સક્ષમ હોય છે.
માદા અજગર 8થી માંડીને 70 સુધી ઈંડા મુકે છે. ઈંડા સફેદ, ગંદા રંગનાં હોય છે, તથા કદમાં ખાસ્સા મોટાં હોય છે. માદા અજગર ઈંડા સેવવા બહુ જાગૃત જણાય છે. ઈંડા લગભગ 60 દીવસમાં સેવાઈ રહે છે. ઈંડામાંથી બચ્ચાં જયાં સુધી બહાર નથી આવી જતાં ત્યાં સુધી માદા ઈંડા સાથે જ રહે છે, ગુંચળું વળીને તેના ઉપર બેસી રહે છે. ઈંડામાંથી બચ્ચા બહાર નીકળે છે ત્યારે લગભગ 50 સે.મી. (20 ઈંચ)ના હોય છે.
સરેરાશ લંબાઈ 7 ફુટ થી 9 ફુટ હોય છે જયારે મહત્તમ 19 ફુટ સુધી મળી આવે છે.
આ સાપને વન્ય જીવ સંરક્ષણ ધારા – 1972 મુજબ શીડયુલ – ૧ના કાયદા દ્વારા વીશેષ રક્ષણ આપવામાં આવ્યું છે, તથા International Union for Conservation of Nature (IUCN) દ્વારા તૈયાર થયેલ ભય હેઠળની જાતીઓની લાલ યાદી [Red list of Threatened Species (1996)]માં ઓછા ભય (Lower Risk) હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
કુટુંબ : બોઈડે (Boidae)
7. ભંફોડી, દરઘોઈ કે દરગોઈ, ધુણી બીનઝેરી
Common Sand Boa, Russell’s Earth Boa (Eryx conicus)
ગુજરાતમાં સર્વત્ર સામાન્ય એવો આ સાપ દેખાવમાં ખડચીતળ (Russell’s viper) જેવો લાગતો હોય તેને Russell’s earth boa પણ કહે છે. તેનું શરીર જાડું અને મજબુત છે. માથા ઉપર કોઈ પણ પ્રકારનાં સ્પષ્ટ ભીગડાં હોતા નથી. માથું સમગ્રપણે નાના ભીગડાંઓથી છવાયેલું છે. તેનુ મોં થોડું ત્રીકોણ લાગે છે. આંખો શરીરના પ્રમાણમાં નાની છે. કીકીનું રંધ્ર પીળાશ પડતું સોનેરી છે. શરીરનો સમગ્ર રંગ ઝાંખો બદામી કે ઝાંખો ભુખરો છે. તેની ઉપર એકબીજા સાથે સંકળાયેલા હોય તેવા, અનીયમીત ધબ્બાઓથી છવાયેલું હોય છે. આવા ધબ્બા ઘેરા બદામી તથા પીળા કે સફેદ કીનારીવાળા હોય છે. પેટાળ લીલાશ પડતું સફેદ છે. પુંછડી ખુબ જ ટુંકી અને છેડેથી અણીયાળી છે. આ પુંછડી ઉપર ખુબ બરછટ ભીંગડાં હોય છે.
શરીરની મધ્યમાં 40થી 55ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળમાં આવા ભીંગડાં 162થી 196 હોય છે.
આ સાપ સ્વભાવે આળસુ છે. ચાલવામાં પણ ધીમી ગતીનો છે, પરન્તુ ત્રાટકે છે, ત્યારે ગજબની ફુર્તી દાખવે છે. વળી આ સાપ સ્વભાવે ઈર્ષ્યાળુ પણ છે. ઘણીવાર એક શીકાર માટે આવા બે સાપ લડતા જોવા મળે છે. મુખ્યત્વે નીશાચર સાપ છે, વધુ વરસાદવાળા, ભેજવાળા પ્રદેશો તેને માફક આવતાં નથી. ગુસ્સામાં હોય છે ત્યારે તે શરીર ચપટું કરી દે છે, અને ખડચીતળની જેમ કુદીને, હુમલો કરે છે. તેના શરીરના અંગોની વીશીષ્ટતાને લઈને માટીમાં પડ્યો હોય ત્યારે તેને સરળતાથી જોઈ શકાતો નથી. જો કે તેને રેતાળ પ્રદેશો માફક આવે છે. તેને નરમ જમીનની અંદર ઉતરી જઈ પડી રહેવાનું ગમે છે.
આ સાપ મેદાનમાં જ નહીં, પણ ડુંગરાઓમાં પણ જોવા મળે છે. તેને પકડીએ છીએ ત્યારે શરુમાં આક્રમક બનીને કરડે છે. જો કે તે સમ્પુર્ણ બીનઝેરી સાપ છે. ધીમે ધીમે ટેવાઈ જતાં સરળતાથી પકડી શકાય છે.
તેનો મુખ્ય ખોરાક ખીસકોલી જેવા નાના કૃંતકો, ઉંદર, દેડકાં વગેરે છે. તે શીકારને પકડીને શરીરની ભીંસથી ગુંગળાવીને, બેભાન કર્યા બાદ કે મારી નાખ્યા બાદ તેને ભીંસમાંથી મુકત કરે છે, પછી મોં આગળથી ગળવા માંડે છે.
એક પ્રજનનમાં 6થી 8 બચ્ચાં જણે છે. તરતના જન્મેલા બચ્ચાં દેખાવામાં ફુરસા જેવા લાગે છે. જન્મ સમયે બચ્ચાં 6 ઈંચના હોય છે. તે મુખ્યત્વે જુન કે જુલાઈમાં પ્રજનન કરે છે.
આ સાપ સામાન્ય રીતે 2 ફુટની લંબાઈનો મળી આવે છે. મહત્તમ 2 ફુટ 6 ઈંચ લંબાઈનો મળે છે.
ગુજરાતમાં સર્વત્ર મળી આવે છે.
8. આંધળી ચાકળણ, ડભોઈ કે દમોઈ, ચટકોળ બીનઝેરી
Red Sand Boa, John’s Earth Boa, Blunt–tailed Sand Boa (Eryx johnii)
ખુબ જ સામાન્ય એવો આ સાપ, તેના બે મોં હોવાની માન્યતાને લઈને વધુ પ્રખ્યાત છે. તેને હીન્દીમાં ‘દોમુહા’ કહે છે. ઘણા માને છે કે તે એક મોં બાજુએથી 6 મહીના અને બીજા મોં બાજુએથી 6 મહીના ચાલે છે; પરન્તુ હકીકતમાં તો તેની પુંછડીનો આકાર મોં જેવો લાગે છે. તેથી તેને બે મોં હોવાનો ભાસ થાય છે. આ સાપનો ‘X Ray’ કરાવીને સર્પ નીર્દશન–પ્રદર્શનમાં તેનું એક જ મોં છે તે બતાવવા છતાં કેટલાંક તેમની માન્યતાને વળગી રહે છે.
ઘેરા બદામી કે કાળાશ પડતો લાલ રંગ ધરાવતો આ સાપ સમ્પુર્ણ બીનહાનીકારક છે. તેને ગમે તે રીતે પકડો તે કંઈ પણ કરતો નથી. તેનું શરીર પ્રમાણમાં મજબુત તથા જાડું છે. આ સાપની પુંછડી ખુબ ટુંકી છે. તેથી તેનો અવસારણી માર્ગ શરીરના છેડે આવેલો જણાય છે. પુંછડી એકદમ ટુંકી થઈ જતી હોય, મોં જેવો ભાસ કરાવે છે. ગળું અલગ પડતું નથી. પુંછડી પણ સાંકડી ન થતી હોય, શરીર સળંગ એકસરખી જાડાઈનું લાગે છે. આંખો શરીરના કદના પ્રમાણમાં ઝીણી છે, એકદમ નજીકથી નીહાળીએ તો જ તે દેખાય છે. પેટાળનો રંગ ઝાંખો બદામી છે. તેમાં કયારેક કાળા ટપકાં પણ જોવા મળે છે.
શરીરના મધ્યભાગમાં 53થી 67ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળમાં 190થી 210 ભીંગડાં હોય છે. અવસારણી માર્ગ પછીના પુંછડીના ભીંગડાં વીભાજીત હોય છે.
આ સાપને રેતાળ માટી વધુ માફક આવે છે. તે આવી માટીમાં દબાઈ રહેવું પસંદ કરે છે. આમ તો ખુબ જ સુસ્ત અને આળસુ સાપ છે. ખોરાક મેળવતી વખતે જો કે પુરતી સ્કુર્તી દાખવે છે. શીકારને ભરડાની ભસથી ગુંગળાવીને મારી કે બેભાન કરી પછી આરોગે છે.
મુખ્ય ખોરાક ઉંદર છે. જો કે જમીન ઉપરના અન્ય નાના જીવ પણ એ આરોગે છે.
બચ્ચાં જણતો સાપ છે. એક પ્રજનનમાં 6થી 8 બચ્ચાં જણે છે. ક્યારેક આ સંખ્યા 15 સુધીની હોય છે. મુખ્યત્વે જુન કે જુલાઈમાં પ્રજનન કરે છે. બચ્ચાં રંગ અને ભાતમાં અલગ જણાય છે. બચ્ચાંને પેટાળમાં, પુંછડી તરફના ભાગમાં, આછા કાળા પટ્ટા હોય છે, જયારે બાકીના પેટાળમાં કાળા ટપકાં હોય છે. આવા પટ્ટા તથા ટપકાં સાપ પુખ્ત થતાં અદૃશ્ય થઈ જાય છે. જન્મ સમયે બચ્ચાં 9 ઈંચના હોય છે. પુખ્ત સાપની સરેરાશ લંબાઈ 36 ઈંચ જેટલી હોય છે. મહત્તમ 48 ઈંચ જેટલો મળી આવે છે.
સમગ્ર ગુજરાતમાં મળી આવતો સામાન્ય સાપ છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
મા.અજય દેસાઈનો ‘પાયથોનીડે અને બોઈડે કુટુંબના ત્રણ સાપની ખૂબ સ રસ સચીત્ર જાણકારી
LikeLiked by 1 person
શ્રી અજય દેસાઇના લેખો ખૂબ સરસ હોય છે. વિગતોથી પુરા. આ લેખ પણ સરળતાથી સમજાવાયો છે.
આનંદ થયો.
અમૃત હઝારી.
LikeLiked by 1 person