વીકાસ અને પુરુષાર્થ
–કેદારનાથજી
અનુકુળ પરીસ્થીતી અને સત્સંગ પ્રાપ્ત થવાથી માણસનો વીકાસ થાય છે એમ મેં પહેલા પત્રમાં લખ્યું હતું. પરન્તુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જેને વીકાસની – ઉન્નતીની ઈચ્છા હોય તેનો જ વીકાસ – ઉન્નતી થાય છે. જેને ઉન્નતીની વ્યાકુળતા હોય તે પ્રતીકુળ પરીસ્થીતીમાં પણ પોતાના મનનો સંકલ્પ છોડતો નથી; અનુકુળ કે પ્રતીકુળ – ગમે તેવી પરીસ્થીતી હોય તો પણ તેમાંથી કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રયત્નથી તે પોતાની ઉન્નતીનો માર્ગ જ શોધીને તેનું આલંબન લઈને તે પર ચાલે છે. મોટા મોટા મહાપુરુષોનાં જીવનચરીત્ર વાંચવાથી આ જ વાત વીશેષરુપે દૃષ્ટીગોચર થાય છે. તેમણે અનુકુળ અને પ્રતીકુળ બન્ને પરીસ્થીતીમાંથી પોતાના કલ્યાણનો માર્ગ જ કાઢયો છે. કોઈ પણ પરીસ્થીતીમાંથી પોતાના કલ્યાણનો માર્ગ કાઢવા માટે પ્રચંડ મન:સામર્થ્ય અને અગાધ બુદ્ધીમત્તાની જરુર છે એમાં સંશય નથી. પ્રતીકુળ પરીસ્થીતીમાંથી માર્ગ કાઢવામાં અને તે માર્ગ પર દૃઢ રહેવામાં વધારે વીવેક અને ધૈર્ય જોઈએ. પણ મહાપુરુષોમાં વીવેક અને ધૈર્યની ઉણપ ન હોવાથી તેઓ કોઈ પણ પરીસ્થીતીમાં પોતાનું કલ્યાણ સાધતા હતા.
રાજસ અને સાત્ત્વીક બન્ને જાતના માણસો પાસે ધન હોય છે. એક, ધનનો ઉપયોગ મોજમજા અને વીલાસ વગેરેમાં કરે છે અને બીજો, દયા વગેરે જે સાત્ત્વીક ભાવો મનમાં હોય છે તેમનો તે ધનથી વીકાસ કરીને પોતાની ઉન્નતી કરી લે છે. ધનથી એકની વીલાસીતા વધે છે અને બીજાની સાત્ત્વીકતા વધે છે. કઠણ સમયમાં એક અપ્રામાણીક અને દુરાચારી થઈ શીલભ્રષ્ટ થાય છે તો બીજો તે સ્થીતીમાં દૃઢતાથી કઠણ સમયમાંથી પસાર થાય છે અને શીલ વધારી શીલસંપન્ન થાય છે.
કલ્યાણની ઈચ્છા હોય તો પ્રયત્ન, વીવેક અને સત્સંગથી માણસ રાજસમાંથી ધીરે ધીરે સાત્વીક થઈ શકે છે એમાં જરાયે સંદેહ નથી. દરેક માણસ પાસે થોડીઘણી સામગ્રી તો પહેલેથી હોય છે જ, સામગ્રી વગરના કોઈ પણ માણસ જ નહીં મળે. સામગ્રી એટલે સંસ્કાર. પોતાના ઉચ્ચ ધ્યેય માટે એનો ઉપયોગ કરવાની ઈચ્છા માણસના મનમાં હોવી જોઈએ. ઈચ્છા હોવાથી તે પ્રયત્ન કરશે. પ્રયત્ન કરવાથી માર્ગ અવશ્ય મળશે.
ઉન્નતીની ઈચ્છા રાખવાવાળા સામાન્ય માણસને વીશે મેં તમને પહેલા પત્રમાં લખ્યું હતું. મહાપુરુષ તો પોતાનો માર્ગ કોઈ પણ પરીસ્થીતીમાંથી કાઢી લે છે જ; પરન્તુ સામાન્ય માણસનું જીવન પરીસ્થીતી પ્રમાણે બને છે. કલ્યાણની ઈચ્છા તેના મનમાં રહે છે પણ તે એટલી દૃઢ અને પ્રખર નથી હોતી કે કોઈ પણ પરીસ્થીતીમાંથી તે પોતાનો માર્ગ કાઢી જ લે. પ્રતીકુળ પરીસ્થીતીમાં – કુસંગમાં, તે નાશ પામી જઈ તેનું જીવન બીજા જ માર્ગે જાય છે. તેથી પરીસ્થીતી એવી હોય કે તેના મનમાં રહેલી કલ્યાણની ઈચ્છાને પ્રતીકુળ પરીસ્થીતી સાથે વખતોવખત ટકરાવું ન પડે અને એમાંયે સત્સંગ હોય તો તે પોતાનો વીકાસ કરી શકે છે. આ આશયથી મેં સંક્ષેપમાં લખ્યું હતું. પરન્તુ આ વાત પણ નીશ્ચીત સમજવી જોઈએ કે ક્યારેક કઠણ પ્રસંગનો સામનો કરવાથી સાત્ત્વીકતાની પરીક્ષા થાય છે અને આત્મવીશ્વાસ વધે છે. પરીક્ષા માટે કઠણ પ્રસંગો શોધવાની કે જાણીબુજીને પ્રસંગો નીર્માણ કરવાની જરુર નથી, જીવનમાં કઠણ પ્રસંગો જ આવતા રહે છે. પ્રસંગ આવે ત્યારે વીવેક અને ધૈર્ય છુટવાં ન જોઈએ.
આનન્દ અને પ્રસન્નતામાં ભેદ જરુર છે. મેં સમજાવ્યું હતું અને જીવનશોધનની પ્રસ્તાવનામાં લખ્યું પણ છે. તેને તમે ધ્યાનપુર્વક બેત્રણ વાર વાંચીને તેના પર વીચાર કરો. તમારા ધ્યાનમાં આ ભેદ જરુર આવશે. આનન્દ ઉર્મી છે અને પ્રસન્નતા ચીત્તાની એક છેવટની અવસ્થા છે. પ્રસન્નતા વધારવાથી નહીં વધે. કર્તવ્ય કર્યા પછી ચીત્તમાં તે આપોઆપ આવે છે. ભોજન પછી તૃપ્તી, સમ્પુર્ણ કર્મ પછી જેવો આરામ તેમ તે છે. આનન્દનો અનુભવ જેમ બધાને છે તેમ પ્રસન્નતાનો પણ બધાને છે
હવે પુરુષાર્થ અને પ્રાપ્તી વીશે લખું છું. આપણે પુરુષાર્થનો અર્થ શો કરીએ છીએ? પ્રયત્નથી પ્રાપ્ત થનારા અર્થને અર્થાત્ પ્રાપ્તીને આપણે પુરુષાર્થ સમજીએ છીએ ને? એટલે પુરુષાર્થનો અર્થ પ્રાપ્તી – પ્રયત્નથી પ્રાપ્ત કરેલી સીદ્ધી. તેથી પુરુષાર્થ અને પ્રાપ્તીની મતલબ એક જ થઈ; પણ પુરુષાર્થનો અર્થ તમે પ્રયત્ન એટલો જ કરશો તો પુરુષાર્થ અને પ્રાપ્તી એ બે શબ્દો બે અર્થોના થશે.
લોકોમાં કેવળ પ્રાપ્તીની એટલે લાભની ઉત્કંઠા હોવાથી પ્રયત્ન કરવામાં તેમને કષ્ટ લાગે છે. પ્રાપ્તીમાં જ તેમને આનન્દ જણાય છે અને પ્રાપ્તી પર જ તેમનું ધ્યાન રહે છે; પ્રયત્ન પર જોઈએ તેટલું ધ્યાન નથી રહેતું અને પ્રયત્નમાં તેમને આનન્દ પણ લાગતો નથી. પ્રયત્ન ઓછો કરીને પ્રાપ્તી થાય, અથવા બીલકુલ પ્રયત્ન કર્યા વગર, પ્રયત્નને ટાળીને કે બીજો કોઈ પોતાને માટે પ્રયત્ન કરે અને પોતાને પ્રાપ્તી થાય તો સારું એવું પ્રાપ્તીમાં જ આનન્દ માનવાવાળાને લાગે છે. એવા માણસો પ્રયત્ન પર પુરું ધ્યાન આપતા નથી. ઈચ્છાવશ થઈ કેવળ પ્રાપ્તીનો જ વીચાર કરે છે અને તે માટે ઉત્કંઠીત થાય છે. પરન્તુ વીવેકી માણસ સમજે છે કે જો પ્રાપ્તી જોઈએ તો તે માટે પ્રામાણીકતાથી, આળસ છોડીને નીર્દોષ પ્રયત્ન કરવો જોઈએ. યથાર્થ પ્રયત્ન કરવાથી પ્રાપ્તી જરુર થશે એવો તેને વીશ્વાસ રહે છે. તેના હૃદયમાં આવો વીશ્વાસ હોવાથી તેને પ્રયત્ન અને પ્રાપ્તી બન્નેમાં આનન્દ લાગે છે. પ્રયત્નની અંતીમ અવસ્થા પ્રાપ્તી છે. તે એકબીજાથી અલગ નથી. તેને બન્નેમાં તત્ત્વત: ભેદ જણાતો નથી. વીવેકી અને પ્રામાણીક માણસનો પ્રયત્ન અને પ્રાપ્તી બન્ને પર વીશ્વાસ રહે છે. પ્રયત્ન વગર પ્રાપ્તીની તે ઈચ્છા રાખતો નથી.
વીવેકી માણસને પ્રયત્નમાં પણ આનન્દ લાગવાથી તેના પ્રયત્નમાં ત્રુટી હોવાનો ઓછો સંભવ રહે છે. કેવળ પ્રાપ્તી પર જ ધ્યાન આપનારને પ્રયત્ન કરવામાં શીથીલતા, આળસ કે કંટાળો આવે એવો ભય છે. બીજાઓના શ્રમથી તૈયાર થયેલ વસ્તુ લેવાની ઈચ્છા તેના દીલમાં થવાનો સંભવ છે. ખોરાક ખાવામાં જેટલો આનન્દ લાગે છે, કપડાં પહેરવામાં જેવો આનન્દ લાગે છે એટલો જ અને તેવો જ આનન્દ ખોરાક બનાવવામાં અને સુતર કાંતવામાં આવે તો? આવો આનન્દ વીવેકી અને કર્તવ્યનીષ્ઠ જ લઈ શકે છે.
પત્ર, 14-08-’36
–કેદારનાથજી
શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત માનનીય કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/–(ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે અને દર સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
કેદારનાથજીના ક્રાંતિકારક વિચારો
આનન્દ ઉર્મી છે અને પ્રસન્નતા ચીત્તાની એક છેવટની અવસ્થા છે. પ્રસન્નતા વધારવાથી નહીં વધે. કર્તવ્ય કર્યા પછી ચીત્તમાં તે આપોઆપ આવે છે. ભોજન પછી તૃપ્તી, સમ્પુર્ણ કર્મ પછી જેવો આરામ તેમ તે છે. આનન્દનો અનુભવ જેમ બધાને છે તેમ પ્રસન્નતાનો પણ બધાને છે.વીવેકી માણસને પ્રયત્નમાં પણ આનન્દ લાગવાથી તેના પ્રયત્નમાં ત્રુટી હોવાનો ઓછો સંભવ રહે છે. ખોરાક બનાવવામાં અને સુતર કાંતવામાં આવે તો? આવો આનન્દ વીવેકી અને કર્તવ્યનીષ્ઠ જ લઈ શકે છે.
સટિક સરસ વાતો ધન્યવાદ
LikeLiked by 1 person
સ્વામીજી કેદારનાથજીના વિચારો વાચકને પુરુષાર્થી બનવશે જ. કહેવત છે ને કે, ‘ મન હોય તો માળવે જવાય. ‘ મન અને હૃદયપૂર્પુવકના પ્રયત્નો…પુરુષાર્થ…થી મેળવેલા પરિણામો…પોઝીટીવ પરિણામો….વિકસશીલ જ હોય છે.આનંદદાયક જ હોય. ઘ્યેયસિઘ્ઘિ પામ્યાનો આનંદ આપનાર જ હોય.
આર્ટીકલનો વિષય જ છે…‘ વિકાસ અને પુરુષાર્થ ‘ છે.
ઘ્યેય સિઘ્ઘિ પામવા પ્રમાણીક પુરુષાર્થ જે હૃદયપૂર્વક અને પૂર્ણમગજ ના ઉપયોગથી જ થાય.
ખબર નથી કે આ વાક્ય સાચુ છે કે કેમ, ‘ યા ઓમ કરીને પડો ફતેહ છે આગે.‘ યા ઓમ કરીને ઝંપલાવવું તે વિચારવા વિનાની પહેલ નથી ?
શાંતમગજ સાથે વૈજ્ઞાનિક વિચારઘારાને સહારે ઘ્યેયપ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો તે વિકાસપ્રાપ્તિ માટે અગત્યનું પગલું બને છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઇ ,
સુંદર અને મનનીય લેખ છે. એકજ વાક્યમાં કહેવું હોય તો ” કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી” આમાં બધુજ આવી જાય છે.મનનો આનન્દ અને ચિત્તની
પ્રસન્નતા.
રવિન્દ્ર ભોજક
3-8-2021
LikeLiked by 1 person