એક્રોકોર્ડીડે અને કોલુબ્રીડે કુટુંબના ચાર સાપની સચીત્ર જાણકારી

કુટુંબ : એક્રોકોર્ડીડે (Acrochordidae)

–અજય દેસાઈ

9.         કાનસીયો બીનઝેરી
            File Snake, Western Wart Snake, Little File
            Snake
(Acrochordus granulatus)

મજબુત જાડી કાયા ધરાવે છે, પણ શરીર ચુસ્ત ખેંચાયેલું ન રહેતાં ઢીલું, લબડેલી ત્વચાળુ જણાય છે. પુંછડી પ્રમાણમાં ટુંકી અને એકદમ ગોળ ન હોતાં કાંઈક અંશે ચપટી ગોળ હોય છે; પરન્તુ દરીયાઈ સાપ જેવી ચપટી નથી હોતી. માથું ગળા કરતાં પહોળું નથી હોતું. ઘેરો ભુખરો કે કાળો વાન ધરાવતા આ સાપના શરીર ઉપર સફેદ પટ્ટા કે ધબ્બા હોય છે. જે જુવાન સાપમાં મુખ્યત્વે જોવા મળે છે. શરીર પરનાં ઘેરા ગોળ બંગડી જેવા પટ્ટા પેટાળ કરતાં ઉપરના ભાગમાં વધુ પહોળા હોય છે, માથુ કાળાશ પડતું ભુખરું છે, જેના ઉપર પીળા ધબ્બા જોવાય છે. ઘણીવાર સફેદ રંગ પીઠ ઉપર વધુ દેખાતો હોઈ, સાપનો મુખ્યવાન સફેદ હોય અને તેના ઉપર ઘેરા આડા પટ્ટા હોય તેવું લાગે છે. આંખો નાની અને વધુ પડતી પાછળથી હોય છે, જયારે નસકોરાં વધુ પડતાં ઉપરથી હોય છે. ભીંગડાં નાના અને ખુબજ બરછટ હોય છે. તેના ભીંગડાં ઓજારો ઘસવાની કાનસ-રતેડી (File) જેવા બરછટ તથા ઉપસેલા હોઈ તેને આવું નામ આપવામાં આવ્યું છે.

શરીરની મધ્ય ભાગમાં 100 જેટલા ભીંગડાંની હરોળ હોય છે.

નીશાચર સાપ છે. બીનઆક્રમક સ્વભાવ ધરાવે છે. હાથમાં પકડીએ ત્યારે સંપુર્ણ અસહાય રીતે હાથમાં રહે છે. પાણીમાં અને પાણીની આસપાસ રહે છે. પાણીમાં ડુબેલો હોય ત્યારે, તેનાં નસકોરાંની રચના મુજબ તે આપોઆપ બંધ થઈ જાય છે, જેથી પાણી અંદર પ્રવેશતું નથી. તેનો મુખ્ય ખોરાક માછલી અને બીજા નાના જળચર છે.

માદા નર કરતાં લગભગ બમણી લાંબી હોય છે.

બચ્ચાં જણતો સાપ છે એક વખતના પ્રજનનમાં 6 થી 10 બચ્ચાં જણે છે. બચ્ચાંની લંબાઈ જન્મ સમયે 10 ઈંચ જેટલી હોય છે. પુખ્ત સાપની લંબાઈ 39 ઈંચ હોય છે. મહત્તમ 48 ઈંચ સુધી નોંધાયો છે. આ સાપ સરળતાથી હાથમાં આવી જતો હોઈ કેટલાક લોકો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તથા ચામડીનો ઉપયોગ વીવીધ વસ્તુઓ બનાવવા કરે છે. સમગ્ર ગુજરાતના દરીયા કાંઠાઓમાં જોવા મળે છે.

કુટુંબ : કોલુબ્રીડે (Colubridae)

(તસવીર સૌજન્ય : વીવેક શર્મા, અરુણ દેવાની અને પ્રથમેશ જી.)

10.    લીલવણ, લીલી માળણ, લીલો વેલીયો સાપ આંશીક ઝેરી
         Common Green Vine Snake (Ahaetulla nasuta)

આ લીલા રંગનો સાપ હોઈ ‘ખુબ જ ઝેરી હોય છે’ તેવી માન્યતાને લઈને તેને દેખતાંની સાથે જ મારી નાંખવામાં આવે છે. આપણે આગળ જોયું તેમ ભારતમાં કોઈ પણ પ્રકારનાં થતાં લીલા રંગના સાપ મનુષ્યો માટે ઘાતક નથી હોતા.

ચપટું, પહોળું અને આગળથી અણીયાળું થઈ જતું માં, પાંદડાનો આભાસ કરાવે છે. કાયા એકદમ પાતળી છે. તેમાંય ગળાનો ભાગ તો વધુ પડતો પાતળો છે. સમગ્ર શરીરનો રંગ પોપટી લીલો છે અને પેટાળ પણ આવું જ લીલાશ પડતું હોય છે, બંને પડખાંની ધાર ઉપર સફેદ કે ઝાંખા ભુરા રંગની ઝાંયવાળી સળંગ પટ્ટી હોય છે. આંખ, માથાના પ્રમાણમાં ખુબ મોટી છે. આકારમાં લંબગોળ છે. કીકીનું રંધ્ર આડું છે, અને એનો રંગ સોનેરી છે. પુંછડી શરીરની લંબાઈના ત્રીજા ભાગ જેટલી છે. તેની જીભ પીળાશ પડતી છે. માથા ઉપરના ભીંગડાં પ્રમાણમાં ખુબ મોટા હોય છે. પેટાળનાં ભીંગડાં પણ મોટા હોય છે.

પીઠ ઉપરનાં ભીંગડાં શરીરની મધ્યમાં મહત્તમ 15ની હરોળમાં હોય છે. પેટાળનાં ભીંગડાં 166થી 207 છે. નરમાં પેટાળનાં ભીંગડાં 156 થી 180 જયારે માદામાં 135થી 152 અને વીભાજીત છે. અવસારણી માર્ગ વીભાજીત છે.

આ સાપ મુખ્યત્વે વૃક્ષો, ઝાડી ઝાંખરામાં રહે છે. તે આવી જગ્યાઓમાં ખુબ જ સરળતાથી હલનચલન કરે છે. ખુબ ઉંચા વૃક્ષો ઉપર પણ કયારેક જોવા મળે છે, કયારેક વૃક્ષો નીચેની ઝાડી- ઝાંખરાવાળી જમીન ઉપર પણ જોવા મળે છે. શરીરનો રંગ પાંદડા જેવો હોઈ તથા મોંનો આકાર પણ પાંદડા જેવો હોઈ તે હાલે, ત્યારે જ તેની હાજરીની ખબર પડે છે. આવેશમાં આવે છે, ત્યારે હુમલો કરે છે અને કરડે પણ છે. કરડે છે ત્યારે મોં ફાડ આખી પહોળી કરે છે. મોં ફાડ થતાં આ સાપનું મોં અંદરથી લાલ રંગનું જોવાય છે. તે ઝેર પણ ઠાલવી શકે છે અને તેના આવા ઝેર ઠાલવતા દાંત મોની અંદરથી ઉપરના જડબાંના અંદરના છેડા ઉપર આવેલા છે. શીકારને મોંમાં પકડ્યા બાદ અંદરથી જ તેને દંશીને બેભાન બનાવે છે કે મારે છે. પછી, તેને ગળી જાય છે. તેનું ઝેર આપણા માટે ઘાતક નથી. કયારેક જે ભાગમાં તે કરડ્યો હોય તે ભાગમાં તેની સ્થાનીક અસર દેખાય છે. દા.ત.; સોજો આવવો, બળતરા થવી વગેરે; પરન્તુ તે ટુંકા ગાળા પુરતું જ. દીવાચર સાપ છે. આ સાપ બદામી રંગમાં પણ મળી આવે છે. જેનો દેખાવ Brown Vine Snake (Ahaetula pularulenta) જેવો હોય છે; પરન્તુ મોંના આગળનાં ભાગમાં તફાવતથી તે અલગ પડી આવે છે. જે દક્ષીણ ગુજરાતમાં થતો હોવાની સંભાવના છે; પરન્તુ નોંધાયો નથી. આપણે ત્યાં તો લીલી માલણ જેવી જ તમામ ખાસીયતોવાળી બદામી માળણ મળી આવે છે. આ બદામી રંગની માળણના શરીર ઉપરનું ચીતરામણ કાળું હોય છે. બાકી બધી રીતે તે લીલી માળણને મળતો આવે છે. તે પણ ગુજરાતમાં બધે જોવા મળે છે.

ખોરાકમાં ઝાડી, ઝાંખરામાં થતાં નાના પક્ષી, ગરોળી, કાચીંડા, નાના ઉંદર, દેડકાં વગેરે છે. બચ્ચાં જણતો સાપ છે. એક પ્રજનનમાં 3થી 20 સુધી બચ્ચાં જણે છે. જન્મ સમયે બચ્ચાં 8થી 10 ઈંચનાં હોય છે. પુખ્ત સાપ સરેરાશ 39 ઈંચનો હોય છે. જયારે મહત્તમ 6ફુટ 7 ઈંચ સુધી હોય છે. સમગ્ર ગુજરાતમાં જોવા નથી મળતો, સુકા પ્રદેશોમાં તે નથી જોવાતો.

(તસવીર સૌજન્ય : રવી અરદેસણા અને દીકાંશ પરમાર)

11.    ઘઉંલો, પટીત ધામણ બીનઝેરી
         Banded Racer, Fasciolated Rat Snake (Argyrogena
         faciolata
)

નરમ ભીંગડાંનો આ સાપ છે. એની પીઠ ઉપરનો રંગ બદામી કે થોડો ઝાંખો બદામી છે. આ સાપ યુવાન હોય છે, ત્યાં સુધી સમગ્ર શરીર ઉપર સફેદ, કાળાં અથવા ઘેરા બદામી એવા સમાંતર પટ્ટા હોય છે, જો કે આવા પટ્ટા શરીર વચ્ચેના ભાગમાં અને પુંછડીના ભાગમાં સ્પષ્ટ જોવાતા નથી. જેમ જેમ આ સાપ પુખ્ત થાય છે તેમ તેમ આવા પટ્ટા અદ્રશ્ય થતા જાય છે, અને ક્રમશ: સંપુર્ણ અદ્રશ્ય થઈ જાય છે. તેનું પેટાળ સફેદ કે ખુબ ઝાંખુ પીળાશ પડતું સફેદ હોય છે. ગળું થોડું સાંકડું છે. મોં સ્પષ્ટ અલગ પડે છે અને થોડું અણીયાળું જણાય છે. નસકોરાં પ્રમાણમાં મોટાં છે.

શરીરની મધ્યમાં પીઠ ઉપર મહત્તમ 23ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં 191થી 232 હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 77થી 92 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

દીવાચર સાપ હોઈ, દીવસે પ્રવૃત્ત રહે છે. ખુબ જ આક્રમક સ્વભાવનો સાપ છે. તરત જ ઉશ્કેરાઈ જાય છે અને અતી ચપળ પણ છે. તે આક્રમક બને છે ત્યારે, ઘણીવાર નાગની જેમ આગળનો ભાગ થોડો અધ્ધર કરે છે અને ગળાની પાંસળીઓ થોડીક પહોળી કરી કરડે છે પણ ખરો. જો કે તરત મુળ સ્વરુપમાં આવી જાય છે. આ સાપ દેખાવમાં અને વર્તનમાં પહેલી નજરે નાગને મળતો આવે છે. જો કે થોડીક બારીક નજરે જોતાં તરત જ અલગ તારવી શકાય છે.

મુખ્યત્વે મેદાનોમાં વસે છે. ઉંદરના દર, ઈંટોના ઢગલા, ઝાડી ઝાંખરા વગેરેમાં રહે છે. કવચીત્ માનવ વસવાટ નજીક પણ જોવાય છે.

ખોરાકમાં દેડકાં, નાની મોટી જીવાત, ઉંદર વગેરે છે.

ઈંડા જણતો આ સાપ 3થી 5 ઈંડા મુકે છે. જન્મ સમયે બચ્ચાં 6 ઈંચ લાંબા હોય છે. પુખ્તવયનો સાપ સરેરાશ 30 ઈંચ જેટલો હોય છે. મહત્તમ 69 ઈંચ નોંધાયો છે.

ગુજરાતમાં સર્વત્ર મળી આવે છે.

(તસવીર સૌજન્ય : મેહુલ ઠાકુર)

12.    બીલ્લી સાપ – બેડોમ આંશીક ઝેરી
         Beddome’s Cat Snake (Boiga beddomei)

બ્રીટીશ મીલીટરી અધીકારી રીચાર્ડ હેનરી બેડોમ (1830-1911)ના નામ ઉપરથી આ નામ આપવામાં આવ્યું છે.

પાતળી લાંબી કાયા, પુંછડી તરફ જતાં, થોડીક ચપટી થતી જાય છે. ભીંગડાં સુંવાળા છે. ગળા કરતાં માથું રીતસર અલગ તરી આવે તેવું પહોળું હોય છે. આંખો અન્ય બીલ્લી સાપની જેમ જ, શરીરના પ્રમાણમાં ખાસ્સી મોટી હોય છે, અને તેની કીકીનું રંધ્ર ઉભું લંબગોળ હોય છે. પુંછડી લાંબી છે શરીરનો રંગ પીળો બદામી કે ભુખરો બદામી હોય છે. તેની ઉપર સમગ્ર પીઠ ઉપર મધ્યમાં કાળા ધબ્બા હોય છે જે ભુરા કાળા પણ હોઈ શકે છે. માથા ઉપર નાના છુટાછવાયાં બદામી કે કાળાં નાના ધબ્બા હોય છે. આંખો પાછળથી એક કાળી પટ્ટી મોં ફાડ સુધી હોય છે. પેટાળ સફેદ હોય છે, તેના ઉપર બદામી કે કાળાં ટપકાં હોય છે, કયારેક પેટાળના ભીંગડાંઓની કીનારીઓ ઉપર કાળી રેખા હોય છે.

પીઠ ઉપરનાં ભીંગડાં મહત્તમ 19ની હરોળમાં હોય છે. આ ભીંગડાં પણ અને મોટા હોય છે. પેટાળનાં ભીંગડાં 248થી 266 હોય છે, અને પુંછડીનાં પેટાળનાં ભીંગડાં 111થી 129 અને વીભાજીત હોય છે. અવસારણી માર્ગ વીભાજીત ન હોતાં સળંગ હોય છે.

નીશાચર સાપ છે. નીચા ઝાડી ઝાંખરામાં રહેવું ગમે છે. જંગલોમાં રહેતો સાપ છે. વરસાદના દીવસોમાં જંગલનાં રસ્તાઓ ઉપર કે જમીન ઉપર પ્રવૃત્ત જોવાય છે. દીવસ દરમ્યાન ગુંચળુવળીને વૃક્ષોના પોલાણો કે સુકાયેલા ઝાડી ઝાંખરાઓમાં કે પત્થરોમાં પડી રહે છે. આક્રમક થાય છે ત્યારે તેનું શરીર આગળના ભાગેથી અધ્ધર કરી, વળાંકોમાં રાખી વારંવાર હુમલો કરે છે. કયારેક પુંછડી પણ હલાવતો જોવાય છે. ઉપરના જડબામાં મોની અંદર, પાછળના ભાગમાં બે મોટા પોલા દાંત હોય છે. જે વીષ સ્ત્રાવ કરી શકે છે. તેના વીષની અસરથી પક્ષીઓ કે કાચીંડા વગેરે લકવાગ્રસ્ત થઈ જાય છે. આંશીક ઝેરી સાપ છે.

ખોરાકમાં વૃક્ષો ઉપરની ગરોળી કાચીંડા ઉપર મુખ્યત્વે નીર્ભર રહે છે.

ઈંડા મુકતો સાપ છે. એક પ્રજનનમાં 5થી 10 ઈંડા મુકે છે. 48 ઈંચ જેટલો લાંબો હોઈ શકે છે.

દક્ષીણ ગુજરાતમાં આ સાપ મળી આવે છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

 

5 Comments

  1. કુટુંબ : એક્રોકોર્ડીડેના (1) કાનસીયો, (2) લીલવણ, લીલી માળણ, લીલો વેલીયો સાપ, (3) ઘઉંલો, પટીત ધામણ અને (4) બીલ્લી સાપ – બેડોમ સાપની સચીત્ર સ રસ જાણકારી…
    ધન્યવાદ શ્રી અજય દેસાઈ

    Liked by 1 person

  2. સ્નેહીશ્રી ગોવિંદભાઇ, શ્રી અજયભાઇ દેસાઇ,
    તમારા લેખો થકી સાપની જાતીઓ માટેનું જ્ઞાન ખૂબ મળ્યું.
    શાળા, કોલેજોમાં પણ આ પ્રકારનું જ્ઞાન જો આપવામાં આવે તો ફળદાયી નીકળે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સાપ વીશે અજયભાઈ સુંદર માહીતી આપે છે. દેશમાં હતો અને અમારા ખેતરમાં બે વખત સાપ જોવા મળેલા ત્યારે આ કશી માહીતીની જાણ ન હતી. આભાર અજયભાઈ તથા ગોવીન્દભાઈ આપનો.

    Liked by 1 person

  4. Suggest Ajaybhai to make small YouTube videos for school children – however I know comments are easy then execution but think for future generations.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s