કોલુબ્રીડે (Colubridae) કુટુંબના ત્રણ સાપ
–અજય દેસાઈ
13. બીલ્લી સાપ – ફોરસ્ટેન આંશીક ઝેરી Forsten’s Cat Snake (Boiga forsteni)
લાંબો, પાતળો અને પુંછડી તરફ જતાં ચપટો થતો જતો આ સાપ, બે રંગ તથા ભાતમાં આપણે ત્યાં જોવા મળે છે. એક તો સમગ્ર વાન લાલાશ પડતો બદામી હોય છે, અને તેની ઉપર ઝાંખા પીળા રંગનાં ધબ્બા જેવા આડા પટ્ટા હોય છે અને આંખોથી શરુ કરી બંને બાજુએ મોં ફાડ સુધી તે જ રંગની પટ્ટી હોય છે. જયારે બીજા પ્રકારમાં સમગ્ર વાનનો રંગ ભુખરો હોય છે, તેની ઉપર બદામી કાળા ધબ્બા જેવા આડા પટ્ટા હોય છે. વચ્ચે વચ્ચે સફેદ ધબ્બા પણ હોય છે. બંને સાપમાં પુંછડી તરફ ચોકડીઓ જણાય છે. પેટાળનો રંગ સફેદ છે અને ભીંગડાં નરમ છે. આંખો અન્ય બીલ્લી સાપની જેમ જ મોટી હોય છે અને તેનું રંધ્ર ઉભું અને લંબગોળ હોય છે. ગળું શરીરનાં પ્રમાણમાં વધુ પાતળું છે. માથું સ્પષ્ટ અલગ દેખાઈ આવે તેમ પહોળું હોય છે. શરીર, મધ્યમાં રીતસર જાડું લાગે છે. પુંછડી પ્રમાણમાં લાંબી છે.
પીઠનાં ભીંગડાં મધ્યમાં મહત્તમ 27ની હરોળમાં હોય છે. પેટાળનાં ભીંગડાં 254થી 273 હોય છે, પુંછડીના પેટાળનાં ભીંગડાં 102થી 119 હોય છે. જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું એક જ છે.
નીશાચર છે. વૃક્ષોનાં પોલાણમાં, પાંદડાના ઢગલા, ઝાડી ઝાંખરામાં રહે છે. ડુંગરોની જેમ મેદાનોમાં પણ મળી આવે છે. આક્રમક થાય છે, ત્યારે શરીરને આગળથી અધ્ધર કરી શરીર વળાંકોમાં રાખીને વારંવાર હુમલો કરે છે, કયારેક ફુંફાડે પણ છે. આંશીક ઝેરી સાપ છે. મોંની અંદર ઉપરના જડબામાં પાછળનાં ભાગમાં આવેલાં બે મોટા દાંત પોલા હોય છે. તેમાંથી વીષસ્ત્રાવ કરે છે.
ગરોળી, કાચીંડા, પક્ષીઓ, તેમનાં ઈંડા, ચામાચીડીયા, નાનાં પ્રાણીઓ વગેરે આરોગે છે. કયારેક સાપ પણ ખાય છે. એક પ્રજનનમાં 5થી 10 ઈંડા મુકે છે.
આપણે ત્યાં જે ત્રણ પ્રકારના બીલ્લી સાપ થાય છે, તેમાં આ સહુથી લાંબો છે. મહત્તમ 91 ઈંચ સુધી નોંધાયો છે.
ગુજરાતમાં બધે વ્યાપ્ત નથી, દક્ષીણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે.
(તસવીર સૌજન્ય : વીવેક શર્મા અને ભાવેશ ત્રીવેદી)
14. બીલ્લી સાપ, કોડીયો સાપ, મીંદડીયો સાપ આંશીક ઝેરી Common Cat Snake, Indian Gamma Snake (Boiga trigonata)
Cat familyના બધા મળીને ભારતમાં 25 જેટલી જાતના સાપ જોવા મળે છે. આ પૈકી ગુજરાતમાં આ કુટુંબના 3 પ્રકારના સાપ જોવા મળે છે. કાંઈક અંશે ચપટું અને ત્રીકોણ માથું ધરાવતાં, આ સાપનું ગળું માથાના કદના પ્રમાણમાં વધુ પડતું સાંકડું છે. ગળું અને માથું સ્પષ્ટ અલગ જણાય છે. પીઠનો રંગ ભુખરો બદામી છે. તેની ઉપર ઘેરા બદામી રંગના ગ્રીક અક્ષર ગામા જેવા નીશાન છે. આવા નીશાન માથાથી લઈ સળંગ પુંછડી સુધી જોવા મળે છે, કાયા, પાતળી ને લાંબી છે; પરન્તુ શરીરની વચ્ચેનો ભાગ પ્રમાણમાં વધુ જાડો છે. માથા ઉપરનો પીળાશ પડતો પટ્ટો, આંખથી લઈને જડબાં સુધી દેખાય છે. માથા ઉપર ઘેરા બદામી રંગના, ફેફસાં આકારના નીશાન જોવા મળે છે. જેની ફરતે કાળી કીનારી હોય છે. પુંછડી શરીરના ચોથા ભાગ જેટલી લાંબી છે. પુંછડી અવસારણી માર્ગ પાસેથી ઉપસેલી જણાય છે. સમગ્ર શરીરનાં બંને પડખે, બદામી રંગનાં ટપકાં જોવા મળે છે. આંખની કીકી ગોળ છે. આંખો પ્રમાણમાં મોટી અને વધુ પડતી બહાર જણાય છે. કીકીનું ઉભું અને લાંબુ છે અને તેના રંગ પીળો હોય છે. પેટાળ સફેદ છે. કયારેક આવા સફેદ પેટાળના પડખાના કીનારે કાળા ટપકાં હોય છે. આ સાપની આંખો બીલાડી જેવી હોઈ તેને આવું નામ અપાયું છે.
શરીરની મધ્યભાગમાં મહત્તમ 21ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળનાં ભીંગડાં 206થી 256 હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 75થી 96 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું સળંગ હોય છે.
મુખ્યત્વે વૃક્ષો, ઝાડી, ઝાંખરા, લીલોતરીમાં વસનારો સાપ છે. ગીચ જંગલો તથા છુટી છવાઈ ઝાડીઓ વધુ પસંદ કરે છે અને ખુબ જ સરળતાથી વૃક્ષ ઉપર ચડી શકે છે. ઘણીવાર વૃક્ષ ઉપર ખાસ્સી ઉંચાઈએથી જમીન ઉપર સરકતો જણાય છે. સ્વભાવે આક્રમક છે. માથું અને શરીરનો આગળનો ભાગ અધ્ધર કરી હુમલો કરે છે. આવા સમયે મોં ખોલીને પક્ષીઓને કે નાના જીવોને દંશવા મથે છે. આ સાપને મોંની અંદરના ભાગે બેભાન કરી શકવા સક્ષમ તેવા દાંત હોય છે. આપણા માટે તેનું વીષ અસરકર્તા નથી. જયારે તેને પુંછડીએથી પકડવામાં આવે છે, ત્યારે મોં પાસેથી અધ્ધર થઈ હાથ ઉપર કરડવા મથે છે. અવસારણી માર્ગમાંથી વીચીત્ર ગંધ ધરાવતા પ્રવાહીનો સ્ત્રાવ કરે છે. દીવસ દરમીયાન આરામની પળોમાં ગુંચળું વળી ઝાડીઓમાં કે પથ્થરોનાં પોલાણો કે મુળીયાનાં પોલાણોમાં પડી રહે છે. વૃક્ષો ઉપર ખુબ જ સરળતાથી ચઢી શકે છે. નીશાચર સાપ છે.
ખોરાકમાં વૃક્ષ, ઝાડી ઝાંખરામાં રહેતાં ગરોળી, કાચીંડા, નાનાં પક્ષી, પક્ષીના ઈંડા વગેરે છે. કયારેક શીકારને શરીરની ભીસથી ગુંગળાવીને પણ મારે છે, પછી આરોગે છે.
આ સાપ કંઈક અંશે ફુરસાને દેખાવમાં મળતો આવે છે; પરન્તુ આ બે વચ્ચેનો મુખ્ય તફાવત મોં ઉપરનાં ભીંગડાંનો છે. સુરસાના માથા ઉપર સ્પષ્ટ જણાય તેવાં ભીંગડાં નથી હોતાં અને બીલ્લી સાપનું ગળું એકદમ સાંકડું હોય છે અને આંખો સામાન્ય હોય તે કરતાં વધુ મોટી હોય છે.
મેથી જુલાઈમાં 3થી 11 સુધી ઈંડા મુકે છે. જન્મ સમયે બચ્ચાંની મહત્તમ લંબાઈ 10 ઈંચ જેટલી હોય છે. પુખ્ત સાપની લંબાઈ 30 ઈંચ હોય છે. જયારે મહત્તમ 49 ઈંચ નોંધાયો છે.
સમગ્ર ગુજરાતમાં મળી આવતો, સામાન્ય સાપ છે.
(તસવીર સૌજન્ય : મેહુલ ઠાકુર અને દીકાંશ પરમાર)
15. સોનેરી ઉડકણો, ઉડકણો સાપ, ઉડતો સાપ આંશીક ઝેરી Flying Snake, Golden Tree Snake, Gliding Snake (Chrysopelea ornata)
રંગ, ભાતમાં આપણે ત્યાં થતાં બધા જ સાપમાં, આ સાપ નોખો પડે છે. ખુબ જ આકર્ષક રંગો તથા ભાત વાળો આ સાપ તાંબાપીઠ (Bronze back tree snake)ની ઘણી બધી ખાસીયતો ધરાવે છે.
દેખાવમાં તરત જ નજરે ચઢી જાય તેવા રંગોવાળા, આ સાપની પીઠ ઉપર મુખ્યત્વે કાળો રંગ હોય છે. જેની ઉપર પીળા અને સફેદ પટ્ટા અને તલકાં અને લાલ ચીતરામણ હોય છે. મોં લંબાયેલું, પરન્તુ આગળથી બુઠું થઈ જતું જણાય છે. આંખો મોટી અને ગોળ છે. શરીરની મધ્યમાં સળંગ ગળા પાસેથી લઈ પુંછડી સુધી લાલ કે નારંગી લાલ ટપકાં હોય છે. જેની વચ્ચે કાળી અને પીળી પટ્ટી હોય છે. કાળા માથા ઉપર પીળા પટ્ટા અને ટપકાં હોય છે. પાતળી એવી કાયામાં પુંછડી વધુ પડતી પાતળી અને લાંબી છે. પેટાળ ઝાંખુ લીલુ હોય છે અને તેના ભીંગડાં, ડાળખી તથા થડ ઉપર ચઢવા સહાયક થાય તેવા હોય છે. માથા ઉપરના રંગની ભાત ખુબ જ આકર્ષક છે. ભીંગડાં લીલાં અને નરમ છે. હકીકતમાં આ સાપ પક્ષીઓની જેમ ઉડી શકતો નથી; પરન્તુ એક ડાળથી બીજી ડાળ અને ઝાડ ઉપરથી નીચે સરકી શકે છે. આવું કરવા શરીર વળાંકોમાં ગોઠવીને ઝાટકો મારે છે, ત્યારે ઉડતો હોય તેવો ભાસ થાય છે. હકીકતમાં તેની આ શક્તી પાછળ તેની પાંસળીઓની રચના સહાયક હોય છે. તે આવું કરે છે ત્યારે પાંસળીઓ પ્રસરાવે છે. આ સાપને ગીચ જંગલો અને ગીચ જંગલોથી છવાયેલાં ડુંગરો ખુબ ગમે છે અને ત્યાં જ મુખ્યત્વે રહે છે. આપણે ત્યાં તે ખુબ અલ્પ પ્રમાણમાં દેખાય છે.
પીઠ પરનાં ભીંગડાં મહત્તમ 17ની હરોળમાં હોય છે. પેટાળમાં ભીંગડાં 207થી 230 છે. જે પુંછડી તરફ જતાં બરછટ થતાં જાય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 120થી 138 અને વીભાજીત છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.
વૃક્ષો ઉપર જીવનચર્યા મુખ્યત્વે હોવા છતાં કયારેક જમીન ઉપરની ઘાસમાં કે નાની ઝાડીઓમાં જોવા મળે છે. પેટાળના મોટા તથા પહોળા ભીંગડાંની મદદથી ખુબજ ઝડપથી વૃક્ષો ઉપર ચઢી શકે છે.
આ સાપને પણ ઉપરના જડબાં ઉપર અંદરના ભાગેથી વીષ દંશી શકે તેવા દાંત હોય છે; પરન્તુ તેનુ વીષ, આપણને નુકશાનકર્તા નથી. તેની અસર શીકારને નુકશાન કરી શકવા પુરતી સીમીત છે. મુખ્યત્વે દીવાચર એવો આ સાપ દેડકાં, ગરોળી, કાચીંડા, નાનાં પક્ષી અને ક્યારેક તેઓનાં ઈંડા ખાય છે. માદા સાપ 6થી 10 ઈંડા મુકે છે, જે લંબગોળ હોય છે. જન્મ સમયે બચ્ચાંની લંબાઈ 8 ઈંચ જેટલી હોય છે. પુખ્ત સાપની સરેરાશ લંબાઈ 39 ઈંચ હોય છે. જયારે મહત્તમ 69 ઈંચ નોંધાયો છે.
દક્ષીણ ગુજરાતમાં જોવા મળે છે.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com
શ્રી અજય દેસાઈ દ્વારા અભ્યાસુ માહિતી સરળ ભાષામા સુંદર ફોટાઓ દ્વારા બીલ્લી સાપ – ફોરસ્ટેન, બીલ્લી સાપ, કોડીયો સાપ, મીંદડીયો સાપ, સોનેરી ઉડકણો સાપ, ઉડતો સાપની સુંદર જાણકારી
ધન્યવાદ
LikeLiked by 1 person
શ્રી અજય દેસાઇનો અભ્યાસ ઊંડો છે.
ખૂબ ઉંડી વિગતોથી તેમનો આર્ટીકલ સમૃઘ્ઘ હોય છે.
હાર્દિક અભિનંદન.
આભાર.
અમૃત હઝારી
LikeLiked by 1 person