આજના ભણેલા–ગણેલા યુવાનો પણ જન્માક્ષરમાં માને છે એ કરુણતા છે?

આજના ભણેલા–ગણેલા યુવાનો પણ
જન્માક્ષરમાં માને છે એ કરુણતા છે?

–ભગવાનજી રૈયાણી

એક પ્રવાસમાં જ્યોતીષશાસ્ત્રનો અભ્યાસ કરીને એમાં ઉંચી ડીગ્રી મેળવેલા ભાઈનો પરીચય થાય છે. એક પછી એક કેટલાંક ભાઈ–બહેનોના હાથ જોઈને તેઓ મારો હાથ જોવા માગે છે.

“હું મારો હાથ કોઈને બતાવતો નથી.”

“કેમ?”

“કારણ કે જ્યોતીષમાં હું નથી માનતો.”

મારા સ્પષ્ટ જવાબથી વીદ્વાન જ્યોતીષીને જરા માઠું લાગે છે.

જ્યોતીષ એક સમ્પુર્ણ શાસ્ત્ર છે અને સુર્ય, ચન્દ્ર, તારા, ગ્રહ અને નક્ષત્રોનાં ગતી અને ગણીત પ્રમાણે એ માણસનું ભવીષ્ય ભાખે છે વગેરે દલીલો તેમણે કરી, જે મારા સીવાય લગભગ બધાના ગળે ઉતરી ગઈ.

‘ધારો કે એ સાચું પડતું હોય તો પણ હું આવનાર સમયની ઘટનાઓ અગાઉથી જાણી લઈને જીવન જીવવાનો રોમાંચ નષ્ટ કરવા નથી માગતો. નાટક કે સીનેમા જોતાં પહેલાં એની વાર્તા જાણી લઈએ તો જોવાની મજા શી આવે?’ હું સ્પષ્ટતા કરું છું.

મુમ્બઈની ફુટપાથો પર કેટલાક જ્યોતીષીઓ તેમનાં ટીપણાં પાથરીને બેઠા હોય છે. તેમના ચહેરા, કપડાં અને પગરખાં પર ગરીબી આંટો લઈ ગઈ હોય છે.

હું એને પુછું છું, ‘તમારું પોતાનું ભંવીષ્ય કેમ નથી જોતા?’

“પોતે પોતાનું ન જોઈ શકાય.” એ ભાઈ જવાબ આપે છે અને તેની બાજુમાં બેઠેલો જ્યોતીષી એમાં સુર પુરાવે છે.

“તો તમે બન્ને એકબીજાના જોષ જોઈને પૈસા બનાવવાનું પ્લાનીંગ કેમ નથી કરતા?’ તેઓ જવાબ નથી આપી શકતા.

માનવજાત માટે સુર્ય, ચંદ્ર, તારા, ગ્રહો અને ઉપગ્રહો એ બધા હજારો વર્ષ સુધી બ્રહ્માંડના વણઉકલ્યાં રહસ્યો હતાં. આપણા પંડીતો અને વીદ્વાનો પણ તારામંડળના આ સભ્યોને દેવ અને ઋષીઓનાં નામ આપી એમનાં ગતી, સ્વરુપ અને અંતરની કલ્પનાઓ કર્યા કરતા; પરન્તુ ખગોળશાસ્ત્રના વીકાસની સાથે–સાથે એમની આસપાસ ગુંથાયેલાં રહસ્યોનાં જાળાં ઉકેલાતાં ગયાં અને એ ગ્રહો, ઉપગ્રહો કે નભોમંડળના અન્ય ચમક્તા પદાર્થો વાયુ અને પથ્થર–ખડકોના પદાર્થોથી વીશેષ કંઈ નથી અને એમનાં ગતી અને પરીભ્રમણો પણ એમના પરના ગુરુત્વાકર્ષણના પ્રભાવ મુજબ ચાલ્યા કરે છે એમ સાબીત થતું ગયું; પરન્તુ ગ્રહોની સાથે જોડાયેલી દૈવી અને આસુરી કલ્પનાઓના મીશ્રણથી રચાયેલા જ્યોતીષશાસ્ત્રમાંથી, માનવજીવન પર પડનાર પ્રભાવની અસરો વીશેની લોકમાન્યતાઓ અકબંધ રહી અને ઉલટું વહેમ અને ઉકેલની શોધ માટે માનવી વધુ ઉત્સુક બન્યો.

મુરત કે ચોઘડીયું જોવા સીવાય માણસની છઠ્ઠીથી માંડીને ઉત્તરક્રીયા સુધીનું કોઈ પણ કામ ન થઈ શકે એવો સજ્જડ પ્રભાવ આ જ્યોતીષશાસ્ત્રોનો છે. બાળકનું નામ પાડવું, તેને નીશાળે મોકલવું, વેવીશાળ, લગ્ન, બહારગામ જવું, નવો ધંધો શરુ કરવો, મકાનનું ખાતમુરત કે વાસ્તુપુજા, નવા ઘરમાં રહેવા જવું, કથાપારાયણ, રાજકારણી હોય તો ક્યારે ચુંટણીપ્રચાર શરુ કરવો, ચુંટાય તો ક્યારે પદગ્રહણ કરવું વગેરે દરેક બાબતમાં જ્યોતીષની મદદ લેવાય છે.

બાળક જન્મે એ સમય, સ્થાનની નોંધણી સાથે તેની કુંડળી કે જન્માક્ષર કે હૉરોસ્કોપ તૈયાર કરવા માટે આપણે જોષી પાસે દોડી જઈએ છીએ. જેમના ઘરમાં હાંડલા કુસ્તી કરતાં હોય એવા જોષીમહારાજ બાળકના સમૃદ્ધ ભવીષ્યનું રેખાચીત્ર એમાં દોરી આપે. સાથે અમુક–અમુક સંજોગોમાં રાહુ, મંગળ કે શનીની ઘાત આવશે એની ચેતવણી પણ આપી દેશે.

કોઈ પણ ભવીષ્યવાણીના બે જ જવાબ હોય છે – ક્યાં આમ થશે કે નહીં થાય. ફીફ્ટી–ફીફ્ટી. આગાહી સાચી પડે તો એ કરનારની વાહવાહ થઈ જાય અને ત્યાં શ્રદ્ધાળુઓની લાઈન લાગે. ખોટી પડે એ આગાહીની કોઈ દરકાર નથી કરતું. આમ મહારાજની ભાખરી શેકાતી રહે છે. લોકો સાચું પડે એ યાદ રાખે છે. અને ખોટું પડે એ ઉદારતાથી ભુલી જાય છે.

આ દુષણ તો હવે શહેરોમાં અને ખાસ કરીને સવણમાં એટલુંબધું વધી રહ્યું છે કે આ જેટયુગમાં હવે કમ્યુટર પર કુંડળીઓ બનાવીને વેપાર કરનારાઓ છાપાંઓમાં તોતીંગ જાહેરખબરો દ્વારા અઢળક ધન ઉસેટી રહ્યા છે.

કરુણતા તો એ છે કે વૈજ્ઞાનીક અભીગમ ધરાવતા આજનાં ભણેલા–ગણેલા યુવકો અને યુવતીઓ પણ જન્માક્ષરમાં માનવા લાગ્યાં છે.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 151 ‘જનહીતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.  

‘મીડ ડે’ દૈનીક, મુમ્બઈમાં પ્રગટ થતી એમની કટાર ‘ભારત મહાન! મગર કભી કભી’માં તા. 07 જાન્યુઆરી, 2018ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘મીડ ડે’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone : 98204 03912 Phone (O) : (022) 2614 8872 eMail : fastjustice@gmail.com  

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તનના પરીચયમાં રહેવા મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03–09–2021

 

6 Comments

 1. જ્યોતીષશાસ્ત્ર હિન્દૂ ધર્મ પૂરતું માર્યાદિત નથી. ઇસ્લામ ધર્મ માં તથા ખ્રીસ્તિ ધર્મ માં પણ અનુક્રમે ” નજુમ ” તથા HOROSCOPE. દ્રારા પાખંડીઓ નાણાં બનાવે છે અને અન્ધશ્રદ્ધાળુઓ “ઝૂકતી હૈ દુનિયા ઝુકાને વાલા ચાહિયે” અનુસાર ફસાય જાય છે.

  ઇસ્લામ ધર્મ માં નજુમ એટલે જ્યોતીષશાસ્ત્ર માટે કોઈ સ્થાન નથી. પરંતુ ધર્મ ના નામે ચરી ખાનારાઓ નજુમ ને પૈસા કમાવવા માટે નું સાધન બનાવી લીધેલ છે.

  Liked by 1 person

 2. જ્યોતિષશાસ્ત્રીય વાતોમા પણ અભ્યાસુ અને ઠગ અંગે જાણવુ જરુરી છે.દરેક કહેવાતા ધર્મોમા જેમ ઠગો હોય છે તેમ જ્યોતિષશાસ્ત્રમા પણ છે અને તેને ન જાણનાર ઠગાય તેમા નવાઇ નથી આ અંગે શ્રી ભગવાનજી રૈયાણી એ એક તરફી વાત પર ધ્યાન દોર્યું તે બદલ ધન્યવાદ.
  જ્યોતિષશાસ્ત્રીય સાહિત્યના પં. વરાહમિહિરે ત્રણ વિભાગો ગણાવ્યા છે : (1) સિદ્ધાંત, (2) સંહિતા અને (3) હોરા. વરાહમિહિર પહેલાંના ગ્રંથોમાં જેમ કે વૃદ્ધગર્ગ સંહિતા આદિમાં સિદ્ધાંત-સંહિતા અને હોરા વિભાગો મિશ્ર રૂપે જોવા મળે છે. તે વરાહના સમય પહેલાં વ્યવસ્થિત થવા માંડેલા હશે. જેને વરાહમિહિરે પૂર્ણ રીતે વ્યવસ્થિત કરી ત્રણ સ્કંધોનું વિભાગીકરણ જગત સમક્ષ મૂક્યું છે.
  અમે જ્યોતિષશાસ્ત્રમા શ્રધ્ધા ધરાવીએ છીએ.ઘણા અનુભવોમા એક દાખલો આપુ. મારી ચાર દીકરીઓ છે.તેઓ માટે સ્નેહીઓ કહેતા દીકરી પરણાવી જો અને ઘર બાંધી જો. અમારા વડીલ માનતા કે-‘ગાંડા ઘર બાંધે અને ડાહ્યા તેમા ભાડે રહે !’તેથી ઘર અંગે તો વિચાર ન કર્યો પણ અમારી મોટી દીકરી યામિની ભણી નોકરીએ લાગી ત્યારે જ્યોતિષમા લગ્ન વિષે બતાવવાનો વિચાર આવ્યો.અમારા પડોશીએ નાણાવટમા એક વૃધ્ધ પારસી જ્યોતિષી અંગે જણાવ્યુ તે પ્રમાણે જન્માક્ષર લઇ તેમને મળવા ગઇ.પહેલા તેમની ફી અંગેપુછ્યું તો હસીને કહે કે તેઓ દીકરીની મા પાસે ચાર્જ નથી લેતા. જન્માક્ષર જોઇ કહ્યું કે બધુ સારું છે મેં તેના વિવાહ અંગે પુછતા કહ્યું-‘તે ટાંટીઓ ભાંગશે પછી વિવાહ- લગ્ન થશે.’ઘ્રેર આવી વાત કરી તો દરેકે કહ્યું જે હશે તે રાહ જુઓ ત્યાં પાટણમા ગરબા હરીફાઇમા જવાનુ થયું.રસ્તે આણંદ ચોકડી પર અકસ્માત થયો અને બારડોલી ફોન પર આવ્યો .અમે ત્યાં ગયા તો ડાબા પગની એક આંગળીમા તડ પડ્યો હતો તેથી તેની સારવાર કરી રજા આપી. થોડા સમય બાદ ખૂબ આગ્રહભર્યું આમંત્રણ આવ્યું કે પ્રીત બની પડછાયો નાટકની બધી ટીકીટ વેચાઇ ગઇ છે અને આ નૃત્ય નાટીકામા આવવું જ પડશે.અમારા હાડવૈદ્યે પણ નૃત્યમા પગ સંભાળી ભાગ લઇ શકશો કહ્યું.હું તે નાટીકામા નાના પાત્રમા અને યામિની મુખ્ય પાત્રમા હતી. ઈંટરવલમા અમારા જમાઇ મળવા આવ્યા અને લગ્નનુ નક્કી થયુ.આ યામિની એ જ કવયિત્રી,લેખક ….સુરતમા છે .

  Liked by 1 person

 3. ભણેલા અને ગણેલા પણ હોય એટલે બુદ્ધીશાળી હોય જ એમ માની લેવાની જરુર નથી. આજનું ભણતર ખરેખર યાદશક્તી પર મોટાભાગે તો રચાયેલું છે. આથી Ph.D. કરેલ વ્યક્તી પણ સાવ સામાન્ય હોઈ શકે. અને એ પણ કદાચ વીજ્ઞાનના કોઈ વીષયમાં પણ Ph.D. કરેલું હોઈ શકે. આપણે ત્યાં હજુ વૈજ્ઞાનીક અભીગમ આવ્યો નથી. કદાચ વીજ્ઞાન ભણવાથી એ ન આવે.
  સરસ આર્ટીકલ. હાર્દીક આભાર ભગવાનજીભાઈ તથા ગોવીન્દભાઈ આપનો.

  Liked by 1 person

 4. જ્યોતિષશાસ્ત્રીય વાતોમા પણ અભ્યાસુ અને ઠગ અંગે જાણવુ જરુરી છે.દરેક કહેવાતા ધર્મોમા જેમ ઠગો હોય છે તેમ જ્યોતિષશાસ્ત્રમા પણ છે અને તેને ન જાણનાર ઠગાય તેમા નવાઇ નથી આ અંગે શ્રી ભગવાનજી રૈયાણીએ ધ્યાન દોર્યું તે બદલ ધન્યવાદ.
  જ્યોતિષશાસ્ત્રીય સાહિત્યના પં. વરાહમિહિરે ત્રણ વિભાગો ગણાવ્યા છે : (1) સિદ્ધાંત, (2) સંહિતા અને (3) હોરા. વરાહમિહિર પહેલાંના ગ્રંથોમાં જેમ કે વૃદ્ધગર્ગ સંહિતા આદિમાં સિદ્ધાંત-સંહિતા અને હોરા વિભાગો મિશ્ર રૂપે જોવા મળે છે. તે વરાહના સમય પહેલાં વ્યવસ્થિત થવા માંડેલા હશે. જેને વરાહમિહિરે પૂર્ણ રીતે વ્યવસ્થિત કરી ત્રણ સ્કંધોનું વિભાગીકરણ જગત સમક્ષ મૂક્યું છે.
  અમે જ્યોતિષશાસ્ત્રમા શ્રધ્ધા ધરાવીએ છીએ.ઘણા અનુભવોમા એક દાખલો આપુ. અમારી દીકરી યામિની ભણી નોકરીએ લાગી ત્યારે નાણાવટમા એક વૃધ્ધ પારસી જ્યોતિષીને મળવા ગઇ. જન્માક્ષર જોઇ કહ્યું કે બધુ સારું છે . મેં તેના વિવાહ અંગે પુછતા કહ્યું-‘તે ટાંટીઓ ભાંગશે પછી વિવાહ- લગ્ન થશે.’ ઘ્રેર આવી વાત કરી તો દરેકે કહ્યું જે હશે તે રાહ જુઓ. ત્યાં પાટણમા અમારે ગરબા હરીફાઇમા જવાનુ થયું.રસ્તે આણંદ ચોકડી પર અકસ્માત થયોંં. નડીઆદની હોસ્પીંં.મા દાખલ કરી. ડાબા પગની એક આંગળીમા તડ પડ્યો હતો તેથી તેની સારવાર કરી રજા આપી. થોડા સમય બાદ નૃત્ય નાટિકા ‘ પ્રીત બની પડછાયો ‘ ભજવવા અમદાવાદના ટાઉનહોલ જવાનુ થયુ.ઈંટરવલમા અમારા જમાઇ મળવા આવ્યા હતા બાદ લગ્નનુ નક્કી થયુ.આ યામિની એ જ કવયિત્રી,લેખક ,નાટ્યકાર,અભિનેત્રી ઈ.

  Liked by 1 person

 5. સ્નેહી શ્રી ભગવાનજીભાઇઅે ટૂંકા પ્રશ્નનો ટૂંકો લેખ લખીને સમાજમાં રોજીંદી ચાલતી ચર્ચાને વાચા આપી.
  તેનો પ્રશ્ન છે, આજના ભણેલા ગણેલા યુવાનો અને યુવતીઓ પણ જ્યોતિષમાં માનતા થયા છે.
  મારા વિચારો….આપણે પ્રશ્નનો ઉદ્ ગમ કેવી રીતે ૨૦૨૧ સુઘી પ્રસર્યો તે શોઘવાનું છે.
  ૧. જ્યોતિષ શાસ્ત્ર , જ્યાં સુઘી આપણી બુઘ્ઘિ દોડે છે , તે દિવસથી…કહો કે ૫૦૦૦ વરસોથી માણસોના મગજમાં મૂળીયા નાંખીને પડેલું કહેવાતું શાસ્ત્ર છે. મૂળીયા ખૂબ ઊંડા છે અને તેને દરરોજ પાણી પાવાનું વાંચન લેખનમાંથી મળી રહે છે. દુનિયાની કોઇપણ જાતિ….કોઇપણ રાજા રાણી, ન્યુઝપેપર, લેખકો…..જ્યોતિષનું ખાતર બીઝનેશના બેઇઝ ઉપર ખવડાવતાં રહે છે.
  ૨. જીવન આજે, દરરોજના માનસિક અને શારિરિક પ્રશ્નોથી ભરેલું છે…STRUGGLE FOR EXISTANCE…આ પ્રશ્નો હ્યુમન સાયકોલોજીને જન્મ આપે છે. ફાંફા મરાવે છે.
  હ્યુમન સાયકોલોજી સરસ જવાબ આપી શકે.
  ભારતીય સ્ટીમરના લોન્ચીંગ સમયે સ્ટીમરની પૂજા કરતાં વિજ્ઞાનિકોને પણ જોયા છે.
  હિન્દુઓમાં ચાર વર્ણો જે કામ કરી રહ્યા છે તેનો અભ્યાસ બ્રાહ્મણોના જીવનને અપાયેલી સત્તા તેમને મોટા વેપારી બનવીને જીવે છે.
  ભણેલાં ગણેલાઓ પોતાની નોકરીમાં અને પોતાના ઘરમાં જે જીવન જીવે છે તે અેક સિક્કાની બે બાજુ હોય છે.
  મૂળ તો ૫૦૦૦ વરસોથી ઊંડા મૂળીયા જ્યોતિષશાસ્ત્રને પ્રમોટ કરે છે. અભ્યાસને તેમાં કોઇ સ્થાન નથી હોતું.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s