આપણી આંખો કેમ ખૂલતી નથી?

આપણી આંખો કેમ ખૂલતી નથી?

–રમેશ સવાણી

ધાર્મિક ગુરુઓ; ભક્ત પુરુષો/મહિલાઓનું કઈ કઈ યુક્તિઓથી શોષણ કરતા હતા, તે જાણવા માટે ‘મહારાજ લાઈબલ કેસ’ તથા ‘પોલ કેસ’નો અભ્યાસ કરવો પડે. મહારાજ લાઈબલ કેસમાં ફરિયાદી હતા વૈષ્ણવ મહારાજ જદુનાથજી બ્રિજરતનજી અને આરોપી હતા પત્રકાર/સમાજ સુધારક કરસનદાસ મૂળજી [25 જુલાઈ, 1832 – 28 ઓગસ્ટ, 1871]. કપોળ જ્ઞાતિના કરસનદાસ ‘સત્યપ્રકાશ’ નામનું સામયિક ચલાવતા હતા. કરસનદાસે 21 ઓક્ટોબર, 1860ના રોજ ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ લેખ પ્રસિધ્ધ કર્યો હતો. જેના કારણે ‘મહારાજ લાઈબલ કેસ’ ઊભો થયો હતો. વલ્લભ સમ્પ્રદાયમાં ગુરુઓ પોતે કૃષ્ણ છે; તેમ કહીને ભક્ત મહિલાઓ સાથે વ્યભિચાર કરતા હતા; તે બાબત તેમણે ખૂલ્લી પાડી. મહારાજોએ કપોળ જ્ઞાતિપંચ ઉપર દબાણ કરીને કરસનદાસને નાત બહાર કાઢી મૂક્યા! એટલું જ નહીં, જે કોઈ ભાટિઆ સ્ત્રી/પુરષ મહારાજો વિરુદ્ધ જુબાની આપશે તેમને નાત બહાર કરવામાં આવશે; તેવી ધમકી પણ આપી! તે અંગે ફોજદારી કેસ થયેલ; જે ‘ભાટિઆ કોન્સ્પિરસી કેસ’ [1861] તરીકે જાણીતો છે. તેનો ચૂકાદો 12 ડીસેમ્બર, 1861ના રોજ બ્રિટિશ ન્યાયાધીશ સર જોસેફ આર્નોલ્ડે આપ્યો હતો. મહારાજો અને તેમના ભાટિઆ ભક્તોને ગુનેગાર ઠરાવીને દંડ કર્યો હતો. મહારાજ લાઈબલ કેસ 25 જાન્યુઆરી, 1862ના રોજ શરુ થયો હતો. કેસ ચાલુ હતો તે દરમિયાન મહારાજોના ભક્તોએ કરસનદાસ ઉપર હુમલા કર્યા હતા. મહારાજો કેવી કેવી યુક્તિથી વ્યભિચાર કરતા હતા, તેની વિગતો અદાલત સમક્ષ જાહેર થઈ. ભાટિયા/વાણીયા જ્ઞાતિના ભક્તો પોતાની દીકરીઓ/પત્નીઓને સંભોગ માટે મહારાજોને સોંપતા હતા. મહારાજોના ચાવેલા પાન–સોપારી ભક્તો ખાતા! મહારાજોના ધોતિયાને નિચોવીને પાણી પીતા! મહારાજોની પગની રજકણ ચાટતા! મહારાજોનું એંઠું અન્ન ખાતા! મહારાજો અને ભક્તાણીઓ વચ્ચેની રતિક્રીડાના ‘દર્શન’ માટે શ્રદ્ધાળુઓ પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવતી! આ કેસ 40 દિવસ ચાલ્યો; 24 દિવસ સાંભળવામાં આવ્યો. વાદી તરફે 42 સાહેદો અને પ્રતિવાદી તરફે 30 સાહેદોને તપાસવામાં આવ્યા. કેસનો ચૂકાદો 22 એપ્રિલ, 1862ના રોજ આપવામાં આવ્યો; જેમાં કરસનદાસને નિર્દોષ ઠરાવેલ. અદાલતે કરસનદાસને રુપિયા 11,500/- જદુનાથજી પાસેથી અપાવેલ. આ કેસમાં એ સિદ્ધાંત સ્થાપિત કરવામાં આવ્યો કે ‘જે બાબત નીતિથી નઠારી હોય તેને ધાર્મિક રીતે માન્યતા આપી શકાય નહીં!’

‘મહારાજ લાઈબલ કેસ’ અને ‘ભાટિઆ કોન્સ્પિરસી કેસ’ અંગે મુમ્બઈની ‘દી. લખમીદાસ કમ્પની’એ પુસ્તક બહાર પાડ્યું હતું. આ પુસ્તકની 1911માં ચોથી આવૃતિ બહાર પડી હતી. તેની પ્રસ્તાવનામાં પ્રકાશકે લખ્યું હતું : “જાહેર પ્રજાનો એક વર્ગ સવાલ કરશે કે ‘મહારાજ લાઈબલ કેસ’ના પાને પાને વલ્લભી સમ્પ્રદાયના કેટલાંક આચાર્યોની અનીતિ તેના ખરાબમાં ખરાબ આકારમાં કોર્ટમાં પુરવાર થયેલી છે, તે ફરી છપાવવાની શી અગત્ય હતી; અમે કહીશું કે તેની ઘણી જ જરુર હતી. જે સમ્પ્રદાયની જાળમાં લાખો વૈષ્ણવો પોતાના ધર્મથી વિમુખ થઈ, ફક્ત ટીલાં ટપકાં ખોટા આડમ્બર અને ‘જે જે’ કરવામાં; જૂઠણો ખાવામાં અને ગોકુળનાથજીની ટીકાવાળા બ્રહ્મસમ્બન્ધ [વ્યભિચાર] કરવામાં જ ધર્મ સમજે છે, તેમને પોતાના ગુરુઓના ગુપ્ત ચરિત્રો બતાવવાની ખાસ અગત્ય છે. હજુ પણ આ આચાર્યોમાંના કેટલાંક સુધર્યા હોય તેમ લાગતું નથી!” 1860માં ગુરુઓની કામલીલા ખૂલી પડી છતાં 51 વર્ષ બાદ 1911માં પ્રકાશકે લખ્યું કે ‘કેટલાંક ગુરુઓ હજુ સુધર્યા નથી!’ આ એ બાબત સૂચવે છે કે ધર્મની આડમાં ગમે તેવી અનીતિને પોષણ મળે છે!

ગુજરાતના લોકો ‘પોલ કેસ’ અંગે જાણતા નથી. 26 જુલાઈ, 1926ના રોજ ‘પોલ કેસ’ નામનું પુસ્તક પ્રસિધ્ધ થયું હતું. આ પુસ્તક વડોદરા પાસે પુનિયાદ ગામે ‘કબીર આશ્રમ’ની લાઇબ્રેરીમાંથી મળ્યું હતું. તેમાં વૈષ્ણવ ધર્મગુરુઓની અનીતિ સામે સંઘર્ષની વિગતો છે. આ સંઘર્ષ કરનાર હતા, ‘પ્રવાસી પાગલ’! તેમનો જન્મ 1886માં વડોદરા ખાતે થયો હતો. તેઓ દશાશ્રીમાળી વણિક જ્ઞાતિના હતા. 1926માં તેમની ઉમ્મર 40 વરસની હતી. 17 વર્ષની ઉમ્મરે તેમણે ઘર છોડ્યું હતું; 1908–10 સુધી ગુજરાત/કાઠિયાવાડમાં ખૂબ ભટક્યા બાદ મુમ્બઈ રહેતા હતા, અને મોતીનો ધંધો કરતા હતા. 1917માં તેઓ સિંધ તરફ ગયા. કરાંચીમાં રહેતા હતા. તેઓ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેતા હતા. 1920માં પૂર્વ બંગાળમાં ગયા. અસહકાર/સ્વદેશી/ગૌરક્ષા ઉપર 5થી 6 હજાર ભાષણો તેમણે આપ્યા હતા. નાગપુર કોંગ્રેસમાં, નાસિકથી નીકળી, ગુજરાત થઈ 67 દિવસે પગે ચાલીને નાગપુર પહોંચ્યા હતા. પગની મુસાફરીના કારણે તેઓને ‘પ્રવાસી પાગલ’ તરીકે ઓળખવામાં આવતા હતા! તેમનું મૂળ નામ હીરાલાલ મંગળદાસ હતું! અસહકારની ચળવળ વેળાએ, સરકારે તેમને IPC કલમ–124A હેઠળ એક વર્ષ જેલમાં રાખ્યા હતા. પ્રવાસી પાગલે જોયું કે મહારાજ લાઈબલ કેસ પછી પણ પુષ્ટિમાર્ગના ધર્મગુરુઓમાં અતિશય વ્યભિચારનો સડો છે, વળી એ પંથના કેટલાંક પુસ્તકોમાં વ્યભિચાર સેવવા ઉપદેશ આપેલો છે! તેમણે પુષ્ટિ પંથ વિરુદ્ધ ‘પોલ’ નામનું છાપું કાઢ્યું. બ્લાક્ટાનંદ સ્વામીના પુસ્તક ઉપરથી મહારાજ દેવકીનંદન ઉપર આક્ષેપો મૂક્યા. શેઠ પ્રાગજી સૂરજીએ ફરિયાદ કરી. ‘પોલ કેસ’ 1925માં થયો હતો; 65 વરસ પછી પણ વૈષ્ણવ ગુરુઓનો ધર્મના ઓઠા હેઠળ વ્યભિચાર ચાલુ રહ્યો હતો. પ્રવાસી પાગલે જુદા જુદા 13 પુસ્તકો લખ્યા હતા. તેમની સામે કુલ 14 કેસો થયા હતા; જેની વિગતો મળતી નથી. ‘પોલ કેસ’માં પ્રવાસી પાગલની હાર શા માટે થઈ હતી, તે જાણવું જરુરી છે. સવાલ એ છે કે લોકોની આંખો કેમ ખૂલતી નથી? ધર્મશ્રદ્ધા માણસની ‘વિવેકશક્તિ’ છીનવી લે છે. ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ના કારણે વ્યભિચાર અટકતો નથી. મોટાભાગના કોર્પોરેટ કથાકારો/ધર્મ ગુરુઓનો ઈતિહાસ વ્યભિચાર/અનીતિ/હત્યાથી ખરડાયેલો હોય છે. આજે 2021માં પણ આ સ્થિતિ છે.

આ બન્ને કેસોમાંથી એ બોધપાઠ લેવાનો કે ધર્મશ્રદ્ધા માણસને આંધળો કરી મૂકે છે. ધર્મગુરુઓ ઈશ્વર નથી કે ઈશ્વરના એજન્ટ પણ નથી. પોતે કૃષ્ણ છે, તેમ કહેનાર પાક્કો ઠગ હોય છે.

ફેસબૂક’ ઉપર મારા આ લેખો બિલકુલ ટૂંકા; સરળ શૈલીમાં પ્રગટ થયેલા હતા. ભવિષ્યની પેઢીને મદદરુપ થાય તે માટે ‘લોભી ગુરુ, લાલચી ચેલા’ ઈ.બૂક; ‘અભીવ્યક્તિ’ બ્લૉગના સમ્પાદક ગોવિંદભાઈ મારુએ ભારે જહેમત ઊઠાવીને તૈયાર કરી છે; તેમનો આભાર માનું છું. (સ્રોત : https://govindmaru.files.wordpress.com/2021/09/ebook_49_ramesh_savani_lobhi_guru_laalachi_chelaa_2021-09-08-1.pdf ) આ બન્ને કેસો આપણી આંખો ખોલશે?

–રમેશ સવાણી

‘લોભી ગુરુ, લાલચી ચેલા’ ઈ.બુકની ‘પ્રસ્તાવના’માંથી, લેખકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 8–09–2021

5 Comments

 1. આપણી આંખો કેમ ખૂલતી નથી?
  –રમેશ સવાણી

  આપણી એટલે કે બહુમતી ની આંખો કેમ ખૂલતી નથી? તેનું કારણ એક જ છે અને તે કારણ છે કે બહુમતી અંધશ્રધ્ધાળુ છે. તેમની આંખો સદા માટે સત્ય ને પારખવા માટે બંધ છે, માટે તેઓ આંધળા છે.

  આ પર થી મને યાદ આવે છે કે મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં ત્રણ શ્લોકો છે જે નો સાર એ છે કે આ બહુમતી ના લોકો આંધળા, બહેરા અને મૂંગા છે. તેઓ ક્યારે પણ સત્ય નહીં સમજે, કારણ કે તેઓ પોતાના બાપદાદાઓ ના પગલે ચાલી રહ્યા છે ,ભલે ને તેમના બાપદાદાઓ ખોટા માર્ગે હતા.

  આ છે અંધશ્રધ્ધાળુઓ ની આંધળી આંખો નું કારણ.

  Liked by 1 person

 2. મા શ્રી રમેશ સવાણી દ્વારા બે કેસોના દ્રષ્ટાંત દ્વારા ઠગો જે ધાર્મિક ગુરુઓના વેષમા ભક્ત પુરુષો/મહિલાઓનું કઈ કઈ યુક્તિઓથી શોષણ કરતા હતા, તે ખૂબ જાણીતા ‘મહારાજ લાઈબલ કેસ’ તથા ‘પોલ કેસ’ની વાત ફરી સમજાવે છે આ વાત અંગે ઘણાની આંખો ખૂલી હતી અને તેઓએ તે જમાનામા જ્યારે તેમને આવા ખૂબ શક્તિશાળી ઠગોનો સામનો કરવાનો હતો તેમના પર જાનનું પણ જોખમ હતુ છતા લડી જીત્યા હતા ‘આપણી આંખો કેમ ખૂલતી નથી? વાત અર્ધસત્ય છે ત્યારે પણ આવા ઠગો માટે વિરોધ થયો હતો અને હંમણા પણ વિરોધ થાય છે પણ ખૂબ શક્તિશાળી ઠગો જેમને સાંપ્રતસમયે વિધર્મીઓ, કહેવાતા બુધ્ધિશાળી માઓવાદી અને ભ્રષ્ટ મિડીઆને દુશ્મન દેશો અને સ્થાપિત હીતો દ્વારા અપાતા નાણાથી સ્થિતી વધુ ગૂંચવાય છે છતા પણ જાગૃત સમાજ આ અંગે કરે છે તેમની ગતિને વેગ આપવાની સૌની ફરજ બને છે

  Liked by 1 person

  1. પજ્ઞાબેન,,
   તે સમયે વિરોધ થયો’તો,પણ જેને લઈ આ ભવાડા થાય છે એ ઈશ્વર ક્યાં છુપાય જાય છે?
   આપણે પરાપૂર્વથી જોતા આવીએ છીએ કે જેની લાઠી એની ભેંસ” મંદિરો મા બળાત્કાર,,ચોરી,,ભક્તો નુ શોષણ સદીયો થી ચાલ્યું આવે છે, પૂરાણો ના કાલ્પનિક ચમત્કારો મા પૂજારી,કથાકારો લોકોને ભોળવી છેતરપીંડી કરે છે,, ગોલક મા મંદીર મા તાળું મારવુ ભુલતા નથી,,,Bpन”स्नेहार्द्र’

   Liked by 1 person

 3. When the gullible public’s eyes will open? May be never! Yes we saw some awakening in Gandhi era in thirties to almost seventies. When studying at Baroda from mid fifties to mid sixties, didn’t notice this much religiosity as we see now. Thought with advancing knowledge in science and modern technology, this gullibility will diminish and people will think and act in more and more rational mode, but alas this hasn’t happened at least so far. Very sad commentary on the situation.
  Congratulations to you Govindbhai for publishing this article and salute to Rameshbhai for writing this and bringing out in the light.
  Knew quite a bit about Karsandas Mulji and Maharaj liable case almost 160 years ago. Maharaj a Gujarati novel by Saurabh Shah describes the whole case and the Vaihnav samaj of that era in much detail.
  Knew a little bit about Pravasi Pagal, but Rameshbhai as usual she’d more light.
  Hope people know about such awakened people of the past era and follow their teachings and become rational. Also Narsihbhai Patel was another jewel and contemporary of Pravasi Pagal.
  Thank you to both of you.

  Liked by 1 person

 4. આપણી આંખો કેમ ખૂલતી નથી ? શ્રી સવાણીનો પ્રશ્ન ખૂબ મહત્વનો છે . આ જે માનસિક હાલતને લીઘે હ્યુમન સાયકોલોજીનો પ્રતાપ છે. જૂનામાં જૂના ણતિહાસના પાનાઓ લોભ વિષયે ખૂબ લખી ચૂક્યા છે. મનમાં અને મગજમાં ડી.અેન.અે….જ ભરેલું હોય તો તેવા જ લોકો જન્મ લેશે..
  આ સવાલનો પાયો છે શ્રી સૌરભ શાહની સાચા બનેલા પ્રસંગો ને આઘારે લખાયેલી નવલકથા છે. નામ છે, ‘ મહારાજ ‘ તેને સમાજમાં આ શબ્દોથી દાખલ કરી હતી…
  ‘ ઘર્મની રક્ષા કાજે અઘર્મના આચરણ સામે ફૂંકાતા શંખની નવલકથા.‘
  પ્રકાશક : આર. આર. શેઠ અેન્ડ કંપની પ્રા. લિ.. ૧૧૦ પ્રિન્સેસ સટરીટ , અર્થબાગ, મુંબઇ, ૪૦૦ ૦૦૨. ફોન : ( ૦૨૨ ) ૨૨૦૧૩૪૪૧.
  Email : sales@rrsheth.com
  MAHARAJ : First published : October 2013. Price : 325 Rupees.
  ….જદુનાથ મહારાજે કરસાદાસ અને અેના ચોપાનિયા ‘ સત્યપ્રકાશ ‘ સામે મુંબઇની સુપ્રિમ કાર્ટમાં આબરુની નુકસાની પેટે રુપિયા પચાસ હજારનો દાવો માંડયો………..
  …..બદનક્ષીને અંગ્રેજીમાં ડીફેમેશન ઉપરાંત કાર્ટની ભાષામાં લાયબલ પણ કહે . આ કેસ ણતિહાસમાં ‘ મહારાજ લાયબલ કેસ ‘ તરીકે ખૂબ પ્રસિઘ્ઘિ પામ્યો……
  જીવન આદર્શ સાથે જીવવું જોઇઅે. આ અેક મોઢાની વાત થઇ….અે જ વ્યક્તિનું બીજુ મોઢું જે કોઇ અપકૃત્ય કરે તેને છુપાવીને જીવે. આ રોજની પરિસ્થિતિ છે…..સદીઓ થી……
  સૌને ‘ મહારાજ‘ વા.વાની ભલામણ કરું છું જેથી સમાજના અપકૃત્યોની જાણ થાય….ખૂલેલી આંખે જોયેલા અપકૃત્યને અજાણયા રહેવા થકી શાંતિથી જીવાય.
  આંખને મીરર ગણીને જોશો તો….મીરર કદી જૂઠું બોલતો નથી. પરંતું જાણયુ અજાણયુ કરીને સામાન્ય લોકોઅે જીવવું પડે છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s