કોલુબ્રીડે (Colubridae) કુટુંબના ત્રણ સાપ

કુટુંબ : કોલુબ્રીડે (Colubridae)

–અજય દેસાઈ

19. વોલેસનો પટીત સાપ બીનઝેરી
Wallace’s Striped Snake, Wallace’s Racer Snake (Wallocesophis gujaratensis)

આમ તો આ સાપની માહીતી ‘સર્પ સંદર્ભ’ની પ્રથમ આવૃત્તીથી હતી, પણ આ સાપ ની ઓળખ તે સમયે થઈ શકી ન હતી. સહુ પ્રથમ નક્કર માહીતી 2007માં મળી અને ત્યારબાદ ગુજરાતના અનેક સ્થળોએથી આ સાપ હોવાની માહીતી મળતી રહી. આખરે 2014માં આ સાપ અંગે વૈજ્ઞાનીક રીતે સંશોધનાત્મક કામ થયું અને જુલાઈ, 2015માં તેના પેપર રજુ કરાયા. આખરે માર્ચ, 2016માં તેને કાયદેસરતા આપતી માહીતી પ્રકાશીત થઈ અને તેને નવી પ્રજાતી તરીકે મોભો અપાયો.

પ્રખ્યાત સર્પવીદ Alfred Russel Wallaceના નામ મુજબ Wallace અને ગુજરાતમાંથી આ પ્રજાતી મળી હોઈ gujaratensis શાસ્ત્રીય નામ Wallacesophis gujaratensis આપવામાં આવ્યું. ગુજરાતમાંથી ઘણી બધી જગ્યાએથી આ સાપ મળી આવ્યો છે. ક્યાંક થોડા રંગમાં ફેર પણ જણાય છે; પરન્તુ મુખ્યત્વે આ સાપનો રંગ બદામી સોનેરી છે. દેખાવમાં ખુબજ સુન્દર લાગે છે. નામ મુજબ તેને બે પટ્ટા હોઠ પાસેથી શરુ થઈ આંખોને આવરતા અને પુંછડીના છેવાડા સુધી આ પટ્ટી બન્ને બાજુ હોય છે. જે મુખ્યત્વે ઘટ્ટ બદામી કાળા હોય છે. પેટાળ પીળાશ પડતું હોય છે, જેના ઉપર પટ્ટા જેવા રંગના અનીયમીત ધબ્બા હોય છે, જે શરીરના આગળના ભાગમાં વધારે અને પાછળ પુંછડી તરફ જતા ઓછા થતા જાય છે. માથું પ્રમાણમાં ટુકું અને થોડું ઘટ્ટ રંગનું છે જે આગળના ભાગે દબાયેલું જણાય છે, પણ ગળા સુધી આવતા ઉપસેલું જણાય છે. ગળું ધડથી અલગ જણાતું નથી.

આંખ સમ્પુર્ણ ગોળ છે. રંધ્રનો રંગ સોનેરી કાળો છે અને તેને ફરતી નારંગી રંગની કીનારી હોય છે. પેટાળમાં ભીંગડા 215થી 216 હોય છે. અવસારણી માર્ગનું ભીગડું અવીભાજીત હોય છે. પુંછડીના ભીંગડા વીભાજીત અને 51થી 54 હોય છે.

ઈંડા મુકતો સાપ છે. ખુબજ ચપળ અને સતત પ્રવૃત જણાય છે. દેડકા, માછલી, નાના ઉંદર ગરોળી, જીવાત વગેરે ખાય છે. સામાન્યતઃ 24 ઈંચ જેટલો જોવા મળે છે પણ મહત્તમ 36 ઈંચ હોય છે.

20. તાંબાપીઠ, તામ્રપૃષ્ઠ સાપ, લાલ ધામણ બીનઝેરી
Common Bronzeback Tree Snake, Common Tree Snake (Dendrelaphis tristis)

પાતળી, લાંબી કાયા અને સુંવાળા ભીંગડાં ધરાવે છે. આંખો મોટી છે, અને આંખોનું રંધ્ર ઉભું હોય છે અને તેની કીનારી સોનેરી હોય છે, આંખો પાછળ કાળો પટ્ટો હોય છે. ખુબ સુંદર વાન ધરાવતા આ સાપની પીઠનો રંગ તાંબા જેવા રંગનો છે. તેના દરેક ભીંગડાંની કીનારી ભુખરા કાળા રંગથી છવાયેલી છે. પેટાળના ભીંગડાં ગળા પાસે થોડા વધુ પહોળા મોટા હોય છે. તેને માથા પાસેથી શરુ થઈ, પુંછડી સુધી કાળો, ભુખરો પટ્ટો હોય છે. શરીરનાં બન્ને પડખાંઓ ઉપર ઝાંખા પીળા રંગના પટ્ટા હોય છે. ઉપરના હોઠનો રંગ પણ પીળો હોય છે. પેટાળ પીળાશ પડતું અથવા ભુખરા પીળાશ પડતું હોય છે. ગળા કરતાં માથું સ્પષ્ટપણે અલગ પડતું જણાય છે, માથું ચપટું છે. પુંછડી ખાસ્સી લાંબી, શરીરની કુલ લંબાઈના ત્રીજા ભાગ જેટલી હોય છે. પુંછડી મજબુત છે અને અવસારણી માર્ગ પાસેથી ઉપસેલી હોય છે. નસકોરાં પ્રમાણમાં નાનાં છે.

શરીરની મધ્યમાં પીઠ ઉપર મહત્તમ 15ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળમાં 163થી 197 ભીંગડાં હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 108થી 145 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

ખુબ જ ચપળ એવો આ સાપ સતત સળવળ્યા કરતો હોય છે તે સ્થીર હોય છે ત્યારે, વૃક્ષની ડાળખીનો આભાસ કરાવે છે. સ્વભાવે આક્રમક છે. તેની ચાલ ખુબ જ ઝડપી છે. વૃક્ષ ઉપર ખુબ જ સરળતાથી સરકી શકે છે. તે ભાગ્યે જ જમીન ઉપર આવે છે. આ સાપ નાનો હોય છે, ત્યારે તેના શરીર ઉપર છુટાછવાયાં પટ્ટા હોય છે, જે એક વર્ષનો થયા બાદ જતાં રહે છે. આ સાપની જીભ ઘટ્ટ ભુરા-ઉદા રંગની હોય છે. (આના જેવા જ દેખાવનાં Painted bronze back Tree Snakeની જીભ લાલ રંગની હોય છે, જે ગુજરાતમાં થતો નથી.) વૃક્ષો તથા ઝાડી ઝાંખરાઓમાં જ તેના જીવનનો મહત્તમ સમય વીતાવતા, આ સાપને ઘણાં આપણે ત્યાં ઉડતો સાપ પણ કહે છે. અલબત્ત તેને આ નામ તેની એક ડાળથી બીજી ડાળ પર સરળતાથી સરકી શકવાની ક્ષમતાને લઈને મળ્યું છે. હકીકતમાં તે ઉડી નથી શકતો. દીવાચર સાપ છે,

કવચીત્ રાત્રી દરમ્યાન પણ પ્રવૃત્ત હોય છે.

ખોરાકમાં મુખ્યત્વે વૃક્ષો પર ઉપલબ્ધ એવા ગરોળી, કાચીંડા, જીવાત, વૃક્ષોના દેડકાં, પક્ષીઓ અને તેમના ઈંડા વગેરે છે.

ઈંડા મુકતો સાપ છે, તેના એક પ્રજનનમાં 6થી 8 પાતળા અને લાંબા ઈંડા મુકે છે. ઈંડા વૃક્ષોના પોલાણો કે મુળીયાના પોલાણો અને સુકા પાંદડાના ઢગલાઓ નીચે મુકે છે.

જન્મ સમયે બચ્ચાની લંબાઈ 6 ઈંચ હોય છે. જયારે પુખ્ત સાપ 39 ઈંચનો હોય છે. મહત્તમ લાંબાઈ 5 ફુટ 7 ઈંચ નોંધાઈ છે.

સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે.

21. ઈંડાખાઉ સાપ બીનઝેરી
Indian Egg eater, Indian Egg-eating Snake Westermann’s Snake (Elachistodon westermanni)

ખુબ જ દુર્લભ ગણાતો આ સાપ હમણાં હમણાં ગુજરાતમાં કેટલીક જગ્યાએથી નોંધાયો છે, તથા ફોટોગ્રાફી પણ થઈ છે. આ સાપની દુર્લભતાને લઈને કેટલાંક વર્ષો સુધી તો તે નામશેષ થઈ ગયા હોવાનું મનાતું હતું. અને તેથી જ તેને ઈન્ડીયન વાઈલ્ડ લાઈફ એકટ 1972 અને તેમાં પુરવણી સુધારો 1990 મુજબ પરીશીષ્ટ – 1 હેઠળ વીશેષ સંરક્ષણ આપવામાં આવ્યું છે.

ગંદો લીલો કે ઘટ્ટ જાંબલી બદામી વાન ધરાવતા આ સાપનાં સમગ્ર શરીર ઉપર ગળાથી લઈને પુંછડીના છેડા સુધી પીળો કે સફેદ ઉભો પટ્ટો શરીરની મધ્યમાં હોય છે. બાકીના શરીર ઉપર સફેદ છુટાછવાયાં ધબ્બાં હોય છે. આવા ધબ્બા પડખામાં જતાં, નાનાં થઈ જતાં જણાય છે. માથા ઉપર પીળા બદામી રંગની પટ્ટી હોય છે, જે કપાળથી લઈ ગળા સુધી હોય છે. આંખોની આસપાસ પણ આવો જ રંગ છવાયેલો હોય છે. પેટાળ સફેદ કે પીળાશ પડતું સફેદ હોય છે. આંખો ગોળ હોય છે અને કીકીનું રંધ્ર સફેદ હોય છે. નસકોરાં પ્રમાણમાં મોટા છે.

પીઠનાં ભીંગડાં શરીરની મધ્યમાં 15ની હરોળમાં હોય છે, પેટાળનાં ભીંગડાં 208થી 217 હોય છે અને પુંછડીના પેટાળનાં ભીગડાં 59થી 64 હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું સળંગ છે.

આફ્રીકામાં થતાં તેનાં જાતીભાઈઓ જેવી જ ખાસીયત ધરાવે છે. તે ગળાની પાંસળીઓને મહત્તમ પહોળી કરી શકે છે અને આ પાંસળીઓનાં દબાણથી જ, મોં દ્વારા અંદર આવેલ ઈંડું ફોડી નાંખે છે. ઈંડા અંદરનું બધું દ્રવ્ય પેટમાં ઉતાર્યા બાદ, ઈંડાનુ કોચલું બહાર ઓકી કાઢે છે. સુકા પ્રદેશો, ઘાસવાળી જગ્યાઓ પસંદ છે. ઉધઈનાં રાફડાઓમાં રહેતો જોવાય છે. મુખ્યત્વે નીશાચર છે. દીવસ દરમ્યાન, પોલાણોમાં પણ રહે છે. ઈંડા માટે ક્યારેક વૃક્ષો ઉપર પણ ચઢે છે. અને પક્ષીઓનાં માળામાં ઈંડા ખાય છે.

મહત્તમ ૩૩ ઈંચ સુધી લંબાઈનો નોંધાયો છે. ગુજરાતમાં છુટો છવાયો જોવા મળે છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

2 Comments

  1. શ્રી અજય દેસાઈનો વોલેસનો પટીત સાપ, તાંબાપીઠ, તામ્રપૃષ્ઠ સાપ, લાલ ધામણ અન ઈંડાખાઉ સાપની સચીત્ર ખૂબ સ રસ લેખ

    ધન્યવાદ

    Liked by 1 person

  2. શ્રી અજયભાઇઅે સુંદર અને શોર્ટ લેખ દ્વારા આ ત્રણ સાપોની ઓળખાણ કરાવી. આ બઘી માહિતિઓ નવીન વિશ્વને આપણી સમક્ષ ઘરે છે.
    આભાર, અજયભાઇ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s