તકલાદી ધર્મ, તકલાદી સંસ્કૃતી

તકલાદી ધર્મ, તકલાદી સંસ્કૃતી

–રમણ પાઠક ‘વાચસ્પતી’

વર્ણ એ જાતી નથી, તેમ જ્ઞાતી પણ નથી
અને કુદરતી વ્યવસ્થા પણ નથી.
માત્ર સ્વલાભ માટે દુર્બળ પ્રજા ઉપર
સ્થાપી દીધેલી વ્યવસ્થા જ એ છે.
સ્વામી સચ્ચીદાનંદજી
‘અધોગતીનું મુળ વર્ણવ્યવસ્થા’
(પૃષ્ઠ : 65)

ભારત એક ભારે કમનસીબ રાષ્ટ્ર છે, કારણ કે અનેકાનેક અનીષ્ટોથી તે ખદબદે છે. માનવ સમાજમાં ઉત્પન્ન થઈ શકે એવા કોઈ પણ અનીષ્ટથી ભારતીય સમાજ ભાગ્યે જ મુક્ત છે. વધુમાં વળી, કેટલાંક ગમ્ભીર અનીષ્ટો એ એકલા ભારતની જ વીશીષ્ટતા છે અને એથીય ગમ્ભીરતર કમનસીબી તો એ કે, સમાજને પીડતું આવું કોઈ પણ દુષણ નાબુદ થવાનું નામ જ નથી લેતું! બસ એનો અમલ જાણે યાવત્ ચંદ્ર દીવા કરૌ! પરન્તુ આપણી સૌથી મોટી કમનસીબી તો એ કે, યુગેયુગે આવાં અનીષ્ટોનેય સમર્થન આપનારા, એનો પ્રચાર કરનારા ‘મહાપુરુષો’ય પાકતા રહે છે – એ કેવું? દા.ત. છેક વીસમી સદીના ઉત્તરાર્ધમાંય જો કોઈ મોટા સંત કે ગુરુ–આચાર્ય વર્ણવ્યવસ્થાની જોરદાર હીમાયત કરે, ત્યારે દેશપ્રેમી, માનવતાવાદી પૃથક્જન તો પીડા તથા આશ્ચર્યથી સ્તબ્ધ જ થઈ જાય! ગુજરાતમાં આવી દુ:ખદ–સુખદ બે ઘટનાઓ લગભગ સાથે જ ઘટી : સ્વામીશ્રી સચ્ચીદાનંદજી‘અધોગતીનું મુળ : વર્ણવ્યવસ્થા’ નામક સમર્થ, સુસજ્જ તથા વીગતસમૃદ્ધ ગ્રંથ લખીને, આ સડીયલ તથા અત્યાચારી અને અન્યાયી વ્યવસ્થાનો પ્રચંડ વિરોધ કર્યો, જ્યારે બીજી બાજુ, વધુ વીશાળ શીષ્યગણ તથા આમપ્રજા ઉપર વધુ પ્રભાવ ધરાવતા એવા પૂ. આચાર્યશ્રી, ગુરુવર્યશ્રી પાંડુરંગ આઠવલેજીએ ‘સંસ્કૃતીચીંતન’ નામક પુસ્તક રચી, એમાં વર્ણવ્યવસ્થાની પ્રખર પ્રશંસા કરી, એવી વ્યવસ્થાને ભારતીય સંસ્કૃતીનું એક ઉત્તમ, આવકાર્ય અંગ દર્શાવ્યું!

શ્રી એન. વી. ચાવડા આપણા એક વીદ્વાન રૅશનાલીસ્ટ છે, તેઓનો અભ્યાસ ઉંડો તથા વ્યાપક હોઈ, તેઓ આવા અપપ્રચારનો સચોટ ઉત્તર આપવા સમર્થ છે. ‘સંસ્કૃતીચીંતન’ વાંચીને તેઓને તીવ્ર, ઉંડો આઘાત લાગ્યો. તેઓના ચીત્તમાં ભય સાથે એવી ચીંતા પ્રગટી કે, જો આવાં પંથો તથા પુસ્તકો દ્વારા વર્ણવ્યવસ્થાનો વધુ પ્રચાર થશે, તો ભારતની પ્રજાનું ભાવી ધુંધળું તેમ જ ભયાવહ બની રહેશે. પરીણામે શ્રી ચાવડાએ નીર્ણય કર્યો કે, પોતે એક પુસ્તક રચીને ‘સંસ્કૃતીચીંતન’માં વર્ણવ્યવસ્થાની તરફેણમાં ઉપસ્થીત કરાયેલા અતાર્કીક મુદ્દાઓ તથા પોકળ દાવાઓનું નીરસન કરવું અને વર્ણવ્યવસ્થાની અસલીયતથી સમાજને વાકેફ કરવો. આજે શ્રી એન. વી. ચાવડાનો આ નીર્ણય સાકાર થાય છે, અને આ મુલ્યવાન આવકાર્ય પુસ્તક પ્રગટ થાય છે, જેનું નામાભીધાન છે : ‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’.

સુશીક્ષીત, સજાગ તથા વીચારશીલ પુરુષોને તો એ હકીકતનો ખેદ જ થવો જોઈએ કે, હજી આજેય, એકવીસમી સદીના પ્રારંભકાળે અને વીજ્ઞાનયુગના મધ્યાહ્ને પણ આપણા દેશમાં આવાં પુસ્તકો લખવાં પડે છે! કીંતુ ભલે ગમે તેટલી પીડાદાયક હોય, હકીકત એ હકીકત જ છે. મતલબ કે હજી આજેય, ભારતરાષ્ટ્રમાં વર્ણવ્યવસ્થા તો અકબંધ છે જ, વધુમાં સેંકડો કે હજારો જ્ઞાતીઓમાં પણ આપણો સમાજ વીભક્ત અને છીન્નભીન્ન છે. વધુ દુઃખદ હકીકત તો એ કે, એક બાજુ, વર્ણવ્યવસ્થાનો સદંતર અસ્વીકાર કરતું આ દેશનું બંધારણ છે, અને તદનુસારનું લોકશાહી તંત્ર છે, તેમ છતાંય બીજી બાજુ આજેય નીચલા વર્ગો, જેઓ ભારતીય ધર્મ–સંસ્કૃતીના આદેશ મુજબ શુદ્રો ગણાય છે, તેઓને સામાન્ય ભારતીય નાગરીક જેવા માનવગૌરવથી જીવવાનો અધીકાર નથી, ઉપરાંત તેઓ ઉપર ઉપલા ગણાતા વર્ગો બેફામ તેમ જ બેરહમ સીતમ ગુજારી શકે છે. મનુસ્મૃતી ધ્યાનથી વાંચો, તો જ સ્ત્રીઓ અને શુદ્રો ઉપર ગુજરતા આવા અમાનુષી અત્યાચારોનું મુળ તમને જાણવા મળશે. સ્વામી સચ્ચીદાનંદજી કહે છે કે, હું ‘આપને ભલામણ કરું છું કે આપ સ્વયં શુદ્ર અથવા સ્ત્રી બનીને પુરી મનુસ્મૃતી વાંચજો! પછી નીર્ણય કરજો કે આ પુસ્તકને (મનુસ્મૃતીને) ધર્મગ્રંથ કહી શકાય ખરો?’ (પૃષ્ઠ : 57)

શ્રી એન. વી. ચાવડાએ આ પુસ્તકમાં વર્ણવ્યવસ્થાનાં, સામાજીક, ઐતીહાસીક, નૈતીક, ધાર્મીક, આર્થીક એમ તમામેતમામ પાસાંની વીગત, જ્ઞાનપુત દૃષ્ટીપુર્વક, સત્ય અને ન્યાય પર આધારીત એવી સુંદર–સચોટ ચર્ચા કરી છે. જો સર્વ કોઈ સમભાવી તથા સ્વસ્થ ગુજરાતી નાગરીકો આ પુસ્તક અહંભાવમુક્ત, વિનમ્રતાથી વાંચશે, તો મને પુરી આશા છે કે, શ્રી ચાવડાની એ શુભ–જનહીતકારી આકાંક્ષા સીદ્ધ થશે કે, ‘જે જે લોકો આ પુસ્તક વાંચશે, તેના દ્વારા મારું આ મીશન સતત આગળ ધબકતું રહેશે અને સમાજ વર્ણવ્યવસ્થાના રુઢ ખ્યાલોમાંથી મુક્ત થતો જશે, ભારતીય સમાજ બંધુભાવથી એકત્વ તરફ ગતી કરશે.’ (પૃષ્ઠ : 5) શ્રી ચાવડા આક્રોશપુર્વક પોકારે છે કે, ‘પરન્તુ ભારતીય સમાજને વર્ણવ્યવસ્થાએ હજારો જાતીઓમાં, ઉંચ–નીચની શ્રેણીમાં વીભાજીત કરી નાખ્યો એટલું જ નહીં, શુદ્રોના સ્પર્શથી જ નહીં, પણ પડછાયાથી પણ અન્ય વર્ણો દુર રહેવા લાગ્યા. એટલું જ નહીં, પરન્તુ બ્રાહ્મણ બ્રાહ્મણથી પણ અભડાવા લાગ્યો!’ (પૃષ્ઠ : 6)

શ્રી ચાવડાની રચનારીતીમાં કોઈ પણ દર્શનશાસ્ત્ર કે મીમાંસાગ્રંથ જેવી સુવ્યવસ્થીત યોજના અહીં છે, સબળ રજુઆત છે. વીષયવસ્તુને સ્પર્શતા કોઈ પણ મુદ્દાને તેઓ વણસ્પર્શ્યો છોડતા નથી, તેઓના ચીંતનમાં મૌલીકતા છે. વધુમાં, બને તેટલી જરૂરી વીગતો સમાવતા તેઓ આગળ વધે છે, વર્ણવ્યવસ્થા વીરુદ્ધની દલીલોને ટાંકે છે અને સમર્થીત કરે છે, જયારે વર્ણવ્યવસ્થાની તરફેણ કરતી દલીલોનો સયુક્તીક સમર્થતાથી સાધાર છેદ ઉડાવી દે છે. દા.ત. વર્ણવ્યવસ્થાને ભયંકર અનીષ્ટ ગણાવતા અને એની નાબુદી પ્રેરતા, તથા સ્વયં એવી અમાનવીય વ્યવસ્થાને અવગણતા એવા અનેક મહાપુરુષોના મત અહીં શ્રી ચાવડાએ ટાંક્યા છે : તેઓ છે, કબીર, અખો, નરસીંહ, મીરાં, રૈદાસ, તીરુવલ્લુવર, તુકારામ, એકનાથ ચોખામેળા, જ્ઞાનેશ્વર વગેરે મહાન સંતોએ વર્ણવ્યવસ્થાનો ભારે વિરોધ કર્યો હતો. શ્રી ચાવડા જણાવે છે કે, સમાજ ઉપર આ સંતોના ઉપદેશનો પણ પ્રભાવ છે, અને ‘તેથી તો આજે કેટલાક ધર્માચાર્યો સાધુ–સંતનું મહોરું ચડાવી, વર્ણવ્યવસ્થાનો પ્રચાર કરી, સમાજને ગુમરાહ તથા બેવકુફ બનાવી રહ્યા છે.’

અનામત–વીરોધી હીંસક, માનવતારહીત આંદોલનોએ એ દુ:ખદ પરીસ્થીતી સ્પષ્ટ પુરવાર કરી આપેલ જ છે, અને એ સંદર્ભે શ્રી ચાવડાય લખે છે કે, ‘બ્રાહ્મણો બંધારણનો વીરોધ કરે છે. તેનું કારણ એ છે કે બંધારણે બક્ષેલી સમાન તકને કારણે બ્રાહ્મણોએ જેને શુદ્ર ગણાવી કચડી નાખ્યાં હતાં તે દલીતો, આદીવાસીઓ, અન્ય પછાત વર્ગો તથા સ્ત્રીઓ… શીક્ષણ પ્રાપ્ત કરી, વહીવટી સત્તામાં આવી, બ્રાહ્મણોની બરોબરી કરવા લાગ્યાં, તે બ્રાહ્મણોથી સહન થતું નથી. બ્રાહ્મણોએ વર્ણવ્યવસ્થા દ્વારા એવી માન્યતા ફેલાવી હતી કે શુદ્રો વીદ્યા પ્રાપ્ત કરી, સંસ્કારી બની શકે જ નહીં – એવી બુદ્ધીશક્તી શુદ્રો પાસે હોય જ નહીં. તેઓ પુર્વજન્મનાં પાપને કારણે જ શુદ્ર તરીકે જન્મ્યા છે. શુદ્ર હમ્મેશાં શુદ્ર જ રહે – બ્રાહ્મણોએ ફેલાવેલી આવી જુઠી માન્યતાનો ફુગ્ગો ભારતીય બંધારણે ફોડી નાખ્યો!’ (પૃષ્ઠ : 23) બ્રાહ્મણોને શુદ્રો માટે આટલો બધો તીરસ્કાર કેમ? – એ પ્રશ્નનો જવાબ રજુ કરતાં, ઈતિહાસવીદ્ શ્રી ચાવડા જણાવે છે કે, ‘બ્રાહ્મણ, ક્ષત્રીય અને વૈશ્ય પ્રજા વીદેશી આર્ય પ્રજા છે, જયારે શુદ્રો ભારતની મુળ નીવાસી એવી આદીવાસી પ્રજા છે…. આર્ય–અનાર્યનો સંઘર્ષ ઋગ્વેદકાળથી ચાલ્યો આવે છે. આર્યો બળવાન, અશ્વારોહી, હથીયારધારી, આક્રમણખોર અને યુદ્ધખોર એવી ભટકતી જાતી હતી…. આર્યોએ મુળ આદીવાસી ભારતીય પ્રજાને હરાવીને ગુલામ બનાવી… તેમને વર્ણવ્યવસ્થા દ્વારા શુદ્ર બનાવી દઈને શીક્ષણ, સંસ્કાર તથા સ્વતંત્રતાના અધીકારો છીનવી લઈ કાયમ માટે દબાવી દીધી. (પૃષ્ઠ : 23) ઈતીહાસનો અન્ય એક આધાર ટાંકતાં શ્રી ચાવડા નોંધે છે કે, આર્યોના આગમન પુર્વે ભારતમાં મોહેં–જો–દડો અને હડપ્પાની સંસ્કૃતી હતી, જેમાં વર્ણવ્યવસ્થા હતી જ નહીં.

ચાર્વાકે બે હજાર વર્ષ પુર્વે કહેલું કે, યજ્ઞયાગાદી તથા કર્મકાંડ એ બધું તો બ્રાહ્મણોએ પોતાનાં પેટ ભરવા માટે ગોઠવી કાઢેલા પ્રપંચ છે. શ્રી ચાવડા પણ આ સત્ય ભારપુર્વક પ્રસ્તુત કરે છે કે, ‘બધાં વહેમઅન્ધશ્રદ્ધાઓ એ વર્ણવ્યવસ્થાની જ નીપજ છે. ક્રીયાકાંડોમાં કોઈ તથ્ય નથી, વીજ્ઞાન નથી, એ તો નરી છેતરપીંડી જ છે, વીના પરીશ્રમની આજીવીકા રળનારાઓએ એ ઉપજાવી કાઢ્યા છે. વધુમાં એથી તેઓની શ્રેષ્ઠતા, પુજ્યતા અને પવીત્રતા પણ અકબંધ રહે છે અને સમાજ ઉપર તેમનો કાબુય બરાબર ચાલુ રહે છે.’ (પૃષ્ઠ : 26)

શ્રી એન. વી. ચાવડાએ તથાગત્ બુદ્ધ તથા શ્રી મહાવીર સ્વામીનો પણ સાદર તથા સાધાર ઉલ્લેખ ટાંક્યો છે. તે કાળે બ્રાહ્મણોના સ્વાર્થી વર્ચસ્વમાં ક્ષત્રીયોએ પણ જીવવું પડતું, મતલબ કે બ્રાહ્મણો પોતાની સત્તાનો કુડો અને કપટી દોર ક્ષત્રીયો ઉપર પણ ચલાવતા. આવા અન્યાય સામે બે ક્ષત્રીયોએ જ ક્રાંતી કરી, તેઓ હતા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. આ બે મહાન ધર્મોપદેશકોનાં સમર્થ વક્તવ્યોએ બ્રાહ્મણોને અને તેઓ દ્વારા ચલાવાતી જુલમી વર્ણવ્યવસ્થાને સદંતર જમીનદોસ્ત કરી નાખી : બલીયજ્ઞો બંધ થયા, વર્ણભેદ નષ્ટ થયા, ક્રીયાકાંડો બંધ થયાં, તેઓએ વેદોનો પણ વીરોધ કર્યો, અને સંસ્કૃત ભાષાનું વર્ચસ્વ – જે બ્રાહ્મણોનું પોતાની ઉત્તમતા ઠોકી બેસાડવાનું એક અમોઘ શસ્ત્ર સમાન હતું, એનું વર્ચસ્વ પણ ઘટાડી નાખ્યું. બુદ્ધે પાલીભાષામાં અને મહાવીરે અર્ધમાગધીમાં જ પોતાના ઉપદેશો પ્રચાર્યા. પરીણામે નીચલા કે પછાત વર્ગોને પણ તેઓ પોતીકા લાગ્યા. શ્રી ચાવડા જણાવે છે કે બુદ્ધકાળ એ ભારતીય સંસ્કૃતીનો સુવર્ણકાળ હતો, જેમાં અશોક અને ચંદ્રગુપ્ત જેવા મહાન સમ્રાટો પાક્યા. નાલંદા અને તક્ષશીલા જેવી વીશ્વવીદ્યાપીઠો જગવીખ્યાત બની, વીવીધ કલાકારીગરીઓનો બેનમુન વિકાસ થયો. ભારતીય ધર્મ અને સંસ્કૃતીની સુગંધ દેશ–દેશાવરમાં ફેલાઈ. બૌદ્ધ ધર્મ તો વીશ્વધર્મ બની વીસ્તર્યો. વીદેશના ધર્મપંડીતો જ્ઞાન તથા મૈત્રીની ખોજમાં ભારતની મુલાકાતે આવવા લાગ્યા. શ્રી એન. વી. ચાવડા તારવે છે કે ભારતનાં આવાં અદ્ભુત અને અજોડ વીકાસ તથા સીદ્ધીઓના મુળમાં તથાગત બુદ્ધે કરેલી વર્ણવ્યવસ્થાની નાબુદી જ કારણભુત હતી. શ્રી ચાવડાનો આ મત નિઃશંક સત્યમુલક છે.

આ પુસ્તકમાંનું એક પ્રકરણ ‘આર્યો વીદેશી છે : એક વૈજ્ઞાનીક સત્ય’ ખાસ ધ્યાનાર્હ તથા વીશીષ્ટ છે. આજ પુર્વે આ હકીકત પરત્વે આમ પ્રજાનું કે શીક્ષીતોનું ધ્યાન ભાગ્યે જ ખેંચાયું છે. શ્રી ચાવડા જણાવે છે કે ડી.એન.એ. રીપોર્ટ અનુસાર ભારતના બ્રાહ્મણો તથા અમુક ઉચ્ચ જાતીઓ અને યુરોપીયન ગોરી પ્રજાઓ વચ્ચે ખુબ મળતાપણું છે. આવી અદ્યતન વૈજ્ઞાનીક પરીક્ષણ–પદ્ધતીની શોધ પુર્વે પણ મેક્સમૂલર, ટીળક, ઈતીહાસવીદ્ થાપર, શરદ પાટીલ વગેરેએ પણ એવું સંશોધન કરેલું જ કે ‘ભારતીય આર્યો વીદેશી આક્રમકો છે.’ જો કે આની સામે એક અન્ય, વિરુદ્ધ મત પણ ભારપુર્વક પ્રસ્તુત કરવામાં આવે છે કે, આર્યો મુળ ભારતના જ વતનીઓ છે, અને અહીંથી જ તેઓ યુરોપાદી દેશોમાં ફેલાયા. આમ હોય તો પણ ડી.એન.એ. પરીક્ષણનું તો ઉપર મુજબ જ પરીણામ આવે; પરન્તુ વર્ણવ્યવસ્થા તથા શુદ્રો પર ગુજરેલા યા ગુજરતા સીતમને આધારે તો એમ જ તારવી શકાય કે, આર્યો વીદેશી આક્રમકો હતા. જેઓએ અહીંની સ્થાનીક, મુળ આદીવાસી પ્રજાને હરાવી ગુલામ બનાવી અને વર્ણવ્યવસ્થાની અતુટ બેડીઓથી સમગ્ર રાષ્ટ્રને જકડી લીધું. જો આર્યો મુળ ભારતના જ અસલ વતની હોય તો દેવો અને અસુરો વચ્ચેના પુરાણકથીત સંગ્રામો યા શુદ્રો પ્રત્યેની આર્યોની ઝનુની અને જુલ્મગાર શત્રુવટનું કોઈ કારણ જ ના ઉદ્ભવે. માનો કે શ્રી ચાવડાનું આવું તારણ વીવાદાસ્પદ હોય તો પણ, ડી.એન.એ. પરીક્ષણની હકીકત પ્રગટ કરીને તેઓએ એક અભીનન્દનીય કાર્ય બજાવ્યું છે. કારણ કે તેઓ લખે છે તેમ, ગુજરાતનાં બ્રાહ્મણવાદી સામયીકોએ ડી.એન.એ. સંશોધનનો હેવાલ ઈરાદાસર દબાવી દીધો છે. શ્રી ચાવડા ભારપુર્વક અનુરોધ છે કે, ભારતનું વર્તમાન બંધારણ, જે સમાનતા, સ્વતંત્રતા તથા બંધુતા સ્થાપીત કરે છે, એને બચાવીશું, તો જ આ દેશ બચી શકશે, બાકી બ્રાહ્મણવાદી વીચાર ધરાવતા લોકો તો ટાંપીને જ બેઠા છે કે, આવું સમાનતાવાદી બંધારણ રદ કરી, વર્ણવાદી નવું બંધારણ ઘડવું અને અમલમાં મુકવું.

અન્ય બે આવકાર્ય પ્રકરણો-5 અને 6માં, શ્રી ચાવડા‘સ્વામી સચ્ચીદાનંદ અને વર્ણવ્યવસ્થા’ તથા ‘વર્ણવ્યવસ્થા વીશે ડૉ. આંબેડકરનું દર્શન’ એ બે વીષયો દૃષ્ટીપુર્વક પ્રસ્તુત કર્યા છે. સ્વામીજી એમાં કેટલીક નેત્રદીપક હકીકતો પ્રસ્તુત કરે છે. અત્રે સ્થળસંકોચવશ ટાંકી નથી શકાતું, પરન્તુ એક બે વીશેષણો જ વાપરીને કહ્યું કે સ્વામીજીનો આક્રોશ તથા પુણ્યપ્રકોપ, તેઓનું દર્શન તથા વીશ્લેષણ, તેઓનાં તારણો તથા મંતવ્યો અને તેઓનાં ઐતીહાસીક ઘટનાઓ તથા ધર્મશાસ્ત્રનાં અવતરણો સચોટ, લાજવાબ તથા અજોડ છે. તેઓ સાચું જ કહે છે કે, ‘કેવો તકલાદી ધર્મ, કેવી તકલાદી સંસ્કૃતી?’

જયારે ડૉ. આંબેડકરે સુપેરે દર્શાવ્યું છે કે, મનુસ્મૃતીમાં મનુએ કરેલી ભુલો, છબરડાઓ અને અગાઉથી ચાલી આવતી વર્ણવ્યવસ્થામાં તેણે કરેલા મનઘડંત ફેરફારો અને હીંદુ સ્ત્રીઓની મનુએ કરેલી ભયંકર માનહાની વગેરે લક્ષમાં લેતાં, વર્ણવ્યવસ્થા સનાતન કે ઈશ્વરીય હોય એમ સીદ્ધ નથી થતું. એથી ઉલટું, તે વર્ણવાદી ધર્માચાર્યોનું, માત્ર પોતાની જન્મજાત શ્રેષ્ઠતા, પુજ્યતા અને વીના-પરીશ્રમની આજીવીકા ટકાવી રાખવા માટેનું તેમ જ શુદ્રોને એટલે કે ભારતની મુળનીવાસી પ્રજાને કાયમ માટે ગુલામ બનાવી રાખવા માટેનું કાવતરું જ હતું એમ સીદ્ધ થાય છે. એ જ છે, શ્રી ચાવડા કથીત ‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર!”

એક પ્રકરણમાં શ્રી ચાવડાએ ‘બ્રાહ્મણ-ક્ષત્રીય સંઘર્ષ’નું પણ વીગતે બયાન કરી દર્શાવ્યું છે કે જો વર્ણવ્યવસ્થા ઈશ્વરીય હોય તો, બ્રાહ્મણ અને ક્ષત્રીય વર્ણો વચ્ચે આવો કાતીલ સંઘર્ષ સંભવે જ નહીં, પરશુરામે એકવીસ વાર આખી પૃથ્વીને નક્ષત્રી કરી નાખી અને માત્ર સશક્ત યોદ્ધાઓને જ નહીં, વૃદ્ધો, બાળકો અને સગર્ભા સ્ત્રીઓની પણ હત્યાઓ કરી, આમ બ્રાહ્મણોએ ક્ષત્રીયો ઉપર અમાનુષી અત્યાચારો ગુજાર્યા. વધુમાં ક્ષત્રીય સમાજને પણ જુદાજુદા સંપ્રદાયોમાં વીભક્ત કરી નાખ્યો, અને વર્ણવ્યવસ્થાના પાપે યુદ્ધો લડવાની જવાબદારી એકલા ક્ષત્રીયોને માથે જ રહી… આ બધાં પરીબળોને પરીણામે વીદેશી આક્રમકો સામે આપણે ટકી શક્યા નહીં, પરાજીત થયા અને હજારો વર્ષની ગુલામી ભોગવી. ‘વર્ણવ્યવસ્થા અને કણબી-પાટીદારો’ – એ પ્રકરણ વળી એક જુદું જ મૌલીક દર્શન, અભીનવ સત્ય પ્રગટ કરતું હોઈ, ધ્યાનાર્હ બની રહે છે.

શ્રી એન. વી. ચાવડાએ આ દોહનગ્રંથમાં, વર્ણવ્યવસ્થાના તરફદારોની એકેએક જુઠી દલીલનું નીરસન કર્યું છે, અને તર્કબદ્ધ રીતે સબળતાપુર્વક એમ સીદ્ધ કર્યું છે કે, વર્ણવ્યવસ્થા એક ભયાવહ અનીષ્ટ તથા વીનાશક ષડ્યંત્ર છે. આવું પુસ્તક હીમ્મતભેર લખવા તથા પ્રગટ કરવા બદલ શ્રી ચાવડાને લાખ લાખ હાર્દીક અભીનંદનો! મધુર તથા પ્રસન્ન શૈલીમાં લખાયેલું આ પુસ્તક વર્ણવ્યવસ્થાનાં લગભગ તમામ અનીષ્ટ પાસાંને સુપેરે ઉઘાડાં પાડે છે, જે વાંચવામાં તેમ જ સમજવામાં આસાન બનતું હોઈ, ગુજરાતની પ્રજાની આંખ ઉઘાડશે જ, એવી સાધાર આશા જન્મે છે. વધુમાં એવી આશા પણ દર્શાવીએ કે, આ પુસ્તકનું ભારતની અન્ય ભાષાઓમાં પણ ભાષાંતર થાય; જેથી શ્રી ચાવડાની અપેક્ષા મુજબ, વર્ણવ્યવસ્થા વીરુદ્ધ એક પ્રચંડ જનઆંદોલન પ્રગટે, જે આ સડીયલ, અમાનવીય તથા વીનાશકારી વ્યવસ્થાને કાયમ માટે દફનાવીને જ જંપે!

ધાર્મીક આભડછેટ, ઈચ્છાશક્તીનો
ક્ષય કરી નાખનારી ફીલસુફી
અને દુષીત સમાજરચનાએ મળીને,
ભારતની પ્રજાને પોતાની જ ભુમી ઉપર
ગુલામીની બેડીઓ બંધાવી…”
 
સ્વામી સચ્ચીદાનંદજી

હવે તો એવી બેડીઓથી આપણે મુક્ત થઈએ! યાદ રાખો કે દલીતો, પછાત વર્ગો આદી આજે પણ એ જ જુલમી બેડીઓમાં કણસે છે.

–રમણ પાઠક વાચસ્પતી
તા. 26 માર્ચ, 2004

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતી’ હવે આપણી વચ્ચે નથી.

રૅશનાલીસ્ટ એન. વી. ચાવડા લીખીત પુસ્તક વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’ [પ્રકાશક : (1) અશ્વીની આર્ટ પ્રા. લી., સેન્ટર પૉઈન્ટ, બસ સ્ટેશન પાસે ગોધરા – 389001 અને (2) હ્યુમેનીસ્ટ રૅશનાલીસ્ટ એસોસીએશન, 22, મ્યુનીસીપલ શોપીગ સેન્ટર, મયુર સોઈંગ મશીન, રંગ અવધુત માર્ગ, ગોધરા – 389001 આવૃત્તી પહેલી : 14 એપ્રીલ, 2004 (ડૉ. આંબેડકર જન્મ જયંતી), પાન : 100, કીમ્મત : રુપીયા 25/– (પુસ્તક આઉટ ઓફ પ્રીન્ટ)]માંથી લેખક અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર…

પુસ્તક–લેખક–સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 જીલ્લો : સુરત સેલફોન : 63597 46102

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેઈલ : govindmaru@gmail.com

 

11 Comments

 1. I appreciate શ્રી એન. વી. ચાવડા and સ્વામી સચ્ચીદાનંદજી for their efforts to bring out weaknesses in our culture and falsehood in our understanding of religion. Thank you for the article. Very educational and eye opener.

  Bharat Thakkar, Ph.D.
  (630)267-7890

  >

  Liked by 1 person

 2. બહુ જ ઉત્તમ લેખ. હાર્દીક આભાર શ્રી. એન.વી. ચાવડા અને સ્વામી સચ્ચીદાનંદને સચોટ રીતે રજુ કરવા બદલ રમણભાઈ પાઠકનો તથા ગોવીન્દભાઈ આપનો.
  અહીં, વેલીંગ્ટન, ન્યુઝીલેન્ડમાં વર્ષો પહેલાં બ્રાહ્મણ નહોતા ત્યારે મારા સાળાભાઈ નરસિંહભાઈએ સમાજસેવા તરીકે બધી ધાર્મીક વીધીઓ ત્રીસેક વર્ષ કરાવેલી. એમના રીટાયર થયા પછી મેં વીસેક વર્ષ સુધી એ કર્યું. એ માટે કોઈ ચાર્જ અમે લેતા નહીં. મેં એટલા માટે જ એ સ્વીકારેલું કે ધર્મના નામે કોઈ સમાજનું શોષણ ન કરી જાય. હું હવે ઘણા વર્ષોથી રીટાયર છું. આજે એક ઉચ્ચ વર્ણના ભાઈને ત્યાં વીધી માટે અહીં વેલીંગ્ટનમાં બ્રાહ્મણ હોવા છતાં મને બોવ્યો હતો. એ વીધી કરવાનું મેં એટલા માટે સ્વીકારેલું કે હજુ પણ લોકો એક શુદ્રને (હું કોળી કોમમાં જન્મ્યો છું) બોલાવે છે. એ વાત મેં ત્યાં બધાંની વચ્ચે કહી પણ ખરી કે એક શુદ્ર બ્રાહ્મણ તરીકેનું કામ કરે છે. મારો આશય તમે લોકો અમને શુદ્ર ગણો છો એ દર્શાવવાનો હતો.

  Liked by 1 person

 3. બહુ જ ઉત્તમ લેખ. હાર્દીક આભાર શ્રી. એન.વી. ચાવડા અને સ્વામી સચ્ચીદાનંદને સચોટ રીતે રજુ કરવા બદલ રમણભાઈ પાઠકનો તથા ગોવીન્દભાઈ આપનો ઘનોજ આભાર . બ્રાંહનોએજ વર્ણવ્યવસ્થા નો આસરો લઈ આપનો નાશ કર્યો છે . આવા લેખ વારંવાર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે.
  ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી. આ બે મહાન ધર્મોપદેશકોનાં સમર્થ વક્તવ્યોએ બ્રાહ્મણોને અને તેઓ દ્વારા ચલાવાતી જુલમી વર્ણવ્યવસ્થાને સદંતર જમીનદોસ્ત કરી નાખી : બલીયજ્ઞો બંધ થયા, વર્ણભેદ નષ્ટ થયા, ક્રીયાકાંડો બંધ થયાં, તેઓએ વેદોનો પણ વીરોધ કર્યો, અને સંસ્કૃત ભાષાનું વર્ચસ્વ – જે બ્રાહ્મણોનું પોતાની ઉત્તમતા ઠોકી બેસાડવાનું એક અમોઘ શસ્ત્ર સમાન હતું, એનું વર્ચસ્વ પણ ઘટાડી નાખ્યું. બુદ્ધે પાલીભાષામાં અને મહાવીરે અર્ધમાગધીમાં જ પોતાના ઉપદેશો પ્રચાર્યા. પરીણામે નીચલા કે પછાત વર્ગોને પણ તેઓ પોતીકા લાગ્યા. શ્રી ચાવડા ને પણ ખુબજ ધન્યવાદ. બોલો જય મહાવીર જય ગૌતમ બુદ્ધ, જયજિનેંદ્ર.

  Liked by 1 person

 4. સ્વ રમણ પાઠક અને સ્વ સરોજબેન તો અમારા સ્વજન જેવા તેમના લખાણોને એકોક્તી અને નાટક સ્વરુપે અમારી દીકરી ચિ યામિનીએ રજુ કર્યા હતા તેમના ૯૨મા વર્ષે લાકડી ભેટ આપી હતી તેઓએ તે અંગે ગુજરાતમિત્રમા લેખ લખ્યો હતો અને મૃત્યુ સમય સુધી રેશનાલીસ્ટ અને અમારા જેવા તેમની સાથે ચર્ચામા તેમના વિચાર સાથે સંમત ન હોય તો પણ એક સ્નેહાળ વડીલ જેવો ભાવે મતભેદને મનભેદ નથી થવા દીધો દરેક વિચાર તેના પૂર્વાપર સબંધ અને કેવી રીતે જોવાય તે પર આધારીત હોય છે આવા પ્રશ્નો ને ઘણા વિદ્વાન સંતોએ સમજાવ્યા છે જરુર લાગી ત્યારે ચાબખા પણ માર્યા છે જ – સંત કવિ કબીરના ભજન-
  *नर तुम झुठे जनम गँवाया ।*
  *उस झुठे का कोई अन्त न पाया ।।*
  *झुठे के घर झुठा आया ,झुठे ते परचाया ।*
  *झुठी थारी झुठा भोजन ,झुठ ले सब खाया ।।*
  *झुठे के घर झुठा आया , झुठा ब्याह रचाया ।*
  *झुठा दुल्हा झुठी दुल्हन ,झुठे ब्याहन आया ।।*
  *झुठे नर सब झुठी नारी ,झुठे बालक आया ।*
  *झुठी छाती ,झुठी कोखी ,झुठी दुध पिलाया ।।*
  *साँच कहु मै झुठ न बोलू साँचे को झुठलाया ।*
  *कहे कबीर सोई जन साँचा अपने माहि समाया ।।*મા ગેરસમજ થાય પણ સાધકો દ્વારા તેની વિગતે સમજ આપે તો પણ કેટલાક તે ન સમજાય તે સ્વાભાવિક છે આ રીતે વર્ણવ્યવસ્થા જે સમયે વિચારાઇ તે સાંપ્રત સમયે અપ્રસ્તુત લાગે -તે સાથે હવે પછાતવર્ગ અને સામાન્યવર્ગ, અહીં બ્લેકના અન્યાયની વાતો,છુટાછેડાની બીકમા લગ્ન અંગેના વિચારોમા ફેરફાર અંગે ચર્ચા ચાલ્યા કરે પણ આ વાતોનો આતંકવાળા પોતાના હીતમા ઉપયોગ કરે અને ઝગડામા ખુના મરકી અને નાણાકીય નુકશાન થાય તેમા સાવધ રહેવું પડે !

  Liked by 1 person

 5. તકલાદી ધર્મ કે તકલાદી માણસો…!!!!
  પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી લાખો ગામોમાં પદયાત્રા કરી મનુષ્ય માં જ ભગવાન એની અંદર રહ્યો છે, એ સમજાવી બધા ને એક કર્યા છે. એ ખાલી કહેવાતા “નાસ્તિકો” ની માફક કોઈ ની નિંદા નથી કરી. જમિનિ હકીકત ને જોઈ છે ને કેટલાય લોકો ને પ્રભુ ભક્તિ તરફ વાર્યા છે. એ લોકો માં આદિવાસી દલિત સાવર્ણો માછીમારો ગૌરવભેર જીવન જીવતા થયા છે. એક પુસ્તક પર થી એ વ્યક્તિ નો તમે ક્યારે ક્યાસ નહીં કાઢી શકો. હા ચોક્કસ એવા તકલાદી માણસો ભર્યા છે પણ દરેક ધર્મ માં…!!!!! હિન્દુ ધર્મ માં એ લોકો એ જાતિવાદ વિકસાવ્યો. ને બીજા ધર્મ માં “નાસ્તિકો” ના બહાને હિન્દુઓ ને બદનામ કરવાના ષડયંત્ર કર્યા. કહેવાતા નાસ્તિકો ને પણ પ્રોફાઇલ માં ભગવાન બુધ્ધ નો ફોટો લગાવો પડે છે …!!!!

  અને ભારત માં એ ખ્યાલ નથી આવતો કે આપણાં ઉપર નજીક ના સમય માં મુગલો અંગ્રેજોએ રાજ કર્યું તથા એમના ધર્મ ના પ્રચાર કર્યા છતાં, અમુક લોકો 2000 વર્ષ પાછળ જય ને આર્ય ને મૂળ ભારતીય ના DNA માં જ પડ્યા રહ્યા છે …!!!! એકજ ધર્મ ના હિન્દુઓ ને અલગ પાડવા માં શું આનંદ આવતો હશે ..!!
  “મનુસ્મૃતિ” વિષે આજના કહેવાતા “સવર્ણો” ને જેટલો ખ્યાલ નથી એનાથી વધુ પ્રચાર પ્રસાર કહેવાતા નાસ્તિકો “mind wash” કરવા કરે છે. અરે તમે જેમાં માનતા જ નથી પછી શું કામ એના પાછળ મજગ ખરાબ કરો છો?? એટલો સમય કોઈ પણ ધર્મ ના સારા જ્ઞાન ને ફેલાવા માં કરો.

  તમે ભલે હિન્દુ ધર્મ ને “તકલાદી” કહી શકો પણ કહેવાતી શ્રેસ્થ યુરોપીયન તથા બીજી ગણી સંસ્કૃતિઓ નાશ પામી છતાં 5000 વર્ષ થી ચાલી આવતી સનાતન સંસ્કૃતિ નું પતન ક્યારેય નહિ થાય…!!!!

  Like

 6. પરમ પૂજ્ય સ્વ. શ્રી રમણભાઇ પાઠક ના અભ્યાસુ લેખને તો મેં હૃદયસ્થ કરી દીઘો.
  મારે જે કહેવાનું છે અને દરેક વાચકનું ઘ્યાન દોરવું છે તે કદાચ વાચકને આંખ ખોલનાર લાગે…..
  સંદર્ભ :
  શ્રીમદ્ ભગવદ્ ગીતા.
  અઘ્યાય : ૪.
  શ્લોક ૧૩….શ્રી કૃષ્ણ ઉવાચ : અર્જુનને સંબોઘીને….
  વાંચો :
  ચાતુર્વણય મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ:
  તસ્ય કર્તારમપિ માં વિદ્દદયક્તરિમવ્યયમ .
  અર્થાત :
  ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.
  તે ઉપરાંત,
  અઘ્યાય : ૯. શ્લોક : ૩૨ વાંચો.
  અઘ્યાય : ૧૮ પણ વાંચો….. વઘુ માહિતિઓ મળશે.
  મેં તો લેખ લખ્યો છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Like

 7. રેટીંગ:‌ ૫ માથી ૪:
  વર્ણ-વ્યવસ્થા અને જ્ઞાતી-જાતીના ભેદભાવો ચોક્કસ દુર થવા જરુરી છે, પરંતુ આ માટે પોતાને મુળનીવાસી કહેવડાવીને અને બીજાને વીદેશી ગણાવીને આ કેમ દુર થશે! એક ભેદ દુર થતા એક નવો ભેદ બની રહ્યો છે! જો વર્ણ-વ્યવસ્થા બ્રાહ્મણોની ચાલ હોય તો આ DNA અને મુળનીવાસીની થીયરીને શા માટે એક ચાલ ન કહેવી? શુ ખરેખર કોઇ મુળનીવાસી છે? મુળનીવાસીની વ્યાખ્યા શુ છે?

  ખરેખર તો ન્રુવંશશાસ્ત્રીઓનુ માનીએ તો વાનરમાથી મનુશ્યોનો વીકાસ આફ્રીકા ખંડમાં થયો અને ત્યાથી પછી આખી દુનીયામાં લોકો ફેલાયા. આ પ્રમાણે પોતાને મુળનીવાસી કહેતા લોકો પણ અહીંના મુળનીવાસી નથી. મુળનીવાસી માટે પોતાની રીતે નક્કી કરી દીધુ હોય તેમ જણાઇ રહ્યુ છે. પોતે કદાચ પહેલા આવ્યા એટલે પોતાને મુળનીવાસી ગણવુ કઇ યોગ્ય નથી. પ્રુથ્વી પરની કોઇ જગ્યા પર કોઇ ચોક્ક્સ માનવ જાતીનો હક નથી. એકાદ-બે સદી પહેલા સુધી સામાન્ય લોકો પર કોઇ પાબંદી નહોતી એ પ્રુથ્વી પર કયા જઇ શકે, રહી શકે, અને ક્યા નહી. લોકોમા ભેદભાવો તો શાસન કરવા માગતા લોકો – રાજકારણીઓ – એ પાડ્યા છે. રેશનલ અને લીબરલ ભુપેન્દ્રસીહ રાઓલ પણ આ જ મતના છે.

  આપણા સૌ માટે તો સારુ તો એ જ રહેશે કે આર્યો-અનાર્યો, દ્રવીડો, મુળનીવાસી, સવર્ણ-અવર્ણ જેવા ભેદભાવો દુર કરવા પર ભાર આપીએ, અને ભેદભાવો વધારતી બાબતોને દુર રાખીએ.

  Liked by 1 person

 8. હાલના સમયમાં‌ સ્વામી સચ્ચીદાનંદ એક માત્ર અપવાદરુપ હીન્દુ સાધુ/સંત/સ્વામી હશે જે આટલા લીબરલ અને રેશનલ હોય, અને જાહેરમાં કહી અને લખી શકતા હોય! લોકોને જોડવાનુ અનુકરણીય કાર્ય કરી રહ્યા છે. એન. વી. ચાવડાને પણ આ મુદ્દે સરસ પુસ્તક પ્રકાશીત કરવા બદલ ખુબ અભીનંદન.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s