કોલુબ્રીડે (Colubridae) કુટુંબના ચાર સાપ

કુટુંબ : કોલુબ્રીડે (Colubridae)

–અજય દેસાઈ

22. સામાન્ય વરુદંતી બીનઝેરી Common Wolf Snake (Lycodon aulicus)

ભારતમાં કુલ આઠ જાતના વરુદંતી (Wolf snake) જોવા મળે છે. આ પૈકી ચાર જાતના વરુદંતી ગુજરાતમાં મળે છે. તેના લેટીન નામમાં આવતા lycodonનો અર્થ ‘વરુ જેવા દાંતવાળું’ એવો થાય છે. જયારે “Aulicus”નો અર્થ “House dweller”નો અર્થ “ઘરમાં ચઢી શકનાર” એવો થાય છે. આ સાપને વરુદંતી નામ તેના આગળના દાંત, વરુના દાંતને મળતાં આકારનાં હોઈ, આપવામાં આવ્યું છે.

આ સાપ મુખ્યત્વે ઝાંખો બદામી કે જાંબુડી બદામી, ભુખરો છે. તેના ઉપર ઓછાવત્તા અંતરે સફેદ કે પીળા પટ્ટા હોય છે. આવા પટ્ટાઓની સંખ્યા 12થી 19 સુધી હોય છે, પેટાળ સફેદ છે. પુંછડી પ્રમાણમાં ટુંકી છે, આંખો સમ્પુર્ણ કાળી છે અને પ્રમાણમાં મોટી છે. જે અન્ય સાપમાં ભાગ્યે જ જોવા મળે છે. માથું ચપટું, ત્રીકોણ અને પ્રમાણમાં લાંબુ છે. ધડ અને માથે ગળાથી સ્પષ્ટ અલગ પડતું જણાય છે, ગળું સાંકડુ છે. ગળા ઉપરનો પટ્ટો, તેની ખાસ ઓળખ છે, જે બીજા સાપમાં હોતો નથી. ચળકતા, પાતળા એવા આ સાપની જીભ ગુલાબી અને આગળથી સફેદ હોય છે. અલગ અલગ જગ્યામાં રહેતાં આ સાપના રંગમાં ઘણા બદલાવ હોય છે.

પીઠ ઉપર શરીરના મધ્ય ભાગમાં 17ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળનાં ભીંગડાં 172થી 214 હોય છે. પુંછડી તેના શરીરની કુલ લંબાઈના પાંચમા ભાગ જેટલી હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 57થી 80 છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનુ ભીંગડું વીભાજીત હોય છે.

ગુજરાતમાં મેદાનોમાં ખુબ સામાન્ય છે. આ સાપ ઈંટોનાં ઢગલા, કચરાના ઢગલા, દીવાલની તીરાડો, પ્લાસ્ટરના પોલાણો, કબાટો પાછળ, ચોપડીઓ, રદ્દીના ઢગલામાં, લોખંડ કે લાકડાના કાટમાળમાં અને આ ઉપરાંત એકાંત અને અન્ધારી હોય તેવી જગ્યાઓમાં જોવા મળે છે. મુખ્યત્વે મનુષ્ય વસવાટની આસપાસ તેને ગમે છે. તે સમ્પુર્ણ નીશાચર અને ખુબ જ ચપળ સાપ છે. દીવસ દરમ્યાન ઉપર જણાવેલી જગ્યાઓમાં છુપાઈ રહે છે. સમ્પુર્ણ બીનઝેરી સાપ છે, તેને પકડવામાં આવે છે ત્યારે ભાગવા મથે છે, ભાગી નથી શકતો ત્યારે કરડે છે; પરન્તુ તેના બચકાં ગમ્ભીર નથી હોતાં. આ સાપ દીવાલો ઉપર ખુબ સારી રીતે અને ખાસ કરીને ખરબચડી દીવાલો ઉપર ચઢી શકવા સમર્થ હોઈ ત્રણ–ચાર માળ ઉંચા મકાનોમાં છેક ઉપર સુધી જોવા મળે છે.

આ સાપ દેખાવમાં કંઈક અંશે આપણે ત્યાં થતા ઝેરી સાપ, કાળોતરા (Common Krait) ને મળતો આવતો હોઈ, ઘણાં આ સાપ અંગે ગુંચવણમાં પડે છે. ખાસ કરીને જેમણે બન્ને સાપને ધ્યાનથી જોયા નથી, તેઓ મુંઝવણમાં પડે છે. બન્ને સાપને ઉપરના ભાગમાં પટ્ટા હોય છે, તેમનો દેખાવ અને રંગ પણ કંઈક અંશે સામ્યતા ધરાવે છે; પરન્તુ વરુદંતીના પટ્ટા ભરેલા અને અનીયમીત અંતરે આવેલા છે. જયારે કાળોતરાના પટ્ટા તુટક તુટક બબ્બેની જોડમાં આવેલા હોય છે. કાળોતરાનો જાંબુડી કાળો રંગ સ્પષ્ટ અલગ તરી આવે છે, જયારે તેનું માથુ અલગ તરી આવતું જણાતું નથી. વરુદંતીનું માથું સ્પષ્ટ રીતે ગળાથી અલગ તરી આવતું જણાય છે.

આ સાપનો મુખ્ય ખોરાક ગરોળી છે; પણ તે નાનાં દેડકાં, ઉંદર, જીવડાં પણ ખાય છે. ઈંડા મુકતો આ સાપ વર્ષમાં બે વાર પણ પ્રજનન કરતો નોંધાયો છે. તેના એક વખતના પ્રજનનમાં 3થી 11 ઈંડા મુકે છે. ઈંડા ચોડાઈ કરતા ત્રણ ગણા લાંબા હોય છે. જન્મ સમયે બચ્ચાંની લંબાઈ 6 ઈંચ હોય છે. સામાન્ય રીતે આ સાપ 1 ફુટ 6 ઈંચથી માંડીને 2 ફુટ સુધી જોવા મળે છે. મહત્તમ ૨ ફુટ 8 ઈંચનો નોંધાયો છે. ગુજરાતમાં સર્વત્ર મળી આવતો સામાન્ય સાપ છે.

23. ટપકીલો વરુદંતી બીનઝેરી Yellow Spotted Wolf Snake (Lycodon flavomaculatus)

પાતળું, નરમ શરીર તથા સુંવાળા ભીંગડાં ધરાવતો આ સાપ ચળકતો જાંબલી, કાળો વાન ધરાવે છે જેની ઉપર નાના પીળાં ચમકીલા ટપકાંઓ તથા પટ્ટા હોય છે. આવા પટ્ટા ઉપર શરીરનાં મધ્યભાગમાં પીળા મોટાં, ટપકાં હોય છે. ઉપર નીચે, બન્ને હોઠનાં ભીંગડાં સફેદ હોય છે. માથું શરીરનાં પ્રમાણમાં સામાન્ય વરુદંતીની જેમ જ ચપટું હોય છે. માથા ઉપર એક પીળા રંગનું મોટું ટપકું હોય છે. મોં આગળથી સાંકડું થતું જણાય છે. આંખો સમ્પુર્ણ કાળી છે. પેટાળ સફેદ હોય છે.

શરીરની મધ્યમાં 17ની હરોળમાં ભીંગડાં હોય છે, જયારે પેટાળમાં 165થી 183 ભીંગડાં હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 53થી 63 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે. નીશાચર સાપ છે. રહેવાની ખાસીયત સામાન્ય વરુદંતી જેવી જ છે.

સામાન્ય વરુદંતીની જેમ આક્રમક સ્વભાવનો નથી પણ શાંત છે. હાથમાં લઈએ તો ઉશ્કેરાતો નથી અને કરડતો નથી. તેના ખોરાક ગરોળી, નાનાં દેડકાં તથા ઉંદર છે.

ઈંડા મુકે છે, એક પ્રજનનમાં તેની સંખ્યા 2થી 4 હોય છે. આ સાપની મહત્તમ લંબાઈ 20 ઈંચ સુધી હોય છે. દક્ષીણ ગુજરાતમાં તથા મધ્ય ગુજરાતમાં જોવા મળે છે અને તે પણ ભાગ્યેજ.

24. પટીત વરુદંતી બીનઝેરી Barred Wolf Snake (Lycodon striatus)

મુખ્ય રંગ, ઘેરો બદામી કે કાળાશ પડતો છે. તેના ઉપર સફેદ કે પીળાં, તુટક પટ્ટા હોય છે. જે પુંછડીના અંત સુધી હોય છે. પુંછડી તરફ જતાં આવા પટ્ટા ઓછા થતાં જાય છે. આ સાપના શરીર પડખે, ત્રીકોણ ટપકાં હોય છે. મોં આગળના ભાગના પટ્ટા, સાંકડા અને નજીક નજીક હોય છે. કયારેક ગળા ઉપર સફેદ પટ્ટો હોય છે. ઉપર તથા નીચેના બન્ને હોઠ સફેદ છે. નીચે કરતાં ઉપરનો હોઠ બહાર હોય છે. પાતળી નરમ કાયા ધરાવતાં આ સાપનું માથું, શરીરના પ્રમાણમાં ચપટું છે, તથા ગળા કરતાં થોડુંક પહોળું છે. આંખો એકદમ કાળી છે. પેટાળ સફેદ રંગનું છે.

શરીરની મધ્ય ભાગમાં પીઠ ઉપર 17ની હરોળમાં નરમ ભીંગડાં હોય છે. જયારે પેટાળમાં 154થી 166 ભીંગડાં હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 35થી 50 હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

ઘણીવાર આ સાપ ગુંચળું વળીને પડેલો જોવાય છે, અને માથું ગુંચળાની નીચે છુપાવી રાખે છે, નીશાચર છે. બહુ સામાન્ય નહીં એવો આ સાપ સ્વભાવે શરમાળ છે. જરાક પણ આક્રમક નથી તેને પકડીએ, હાથમાં લઈએ, તો પણ કરડતો નથી.

મેદાનોથી લઈને 2,000 ફુટની ઉંચાઈ સુધી જોવા મળે છે. ખોરાકમાં મુખ્યત્વે ગરોળી, નાગ બામણી, અળસીયાં, નાના દેડકાં વગેરે છે. જુલાઈ–ઓગસ્ટમાં ઈંડા મુકે છે, એક પ્રજનનમાં 2થી 4 ઈંડા મુકે છે. મહત્તમ લંબાઈ 18 ઈંચ હોય છે. ગુજરાતમાં સર્વત્ર મળી આવે છે; પણ અસામાન્ય છે.

25. ત્રાવણકોર વરુદંતી બીનઝેરી Travancore Wolf Snake (Lycodon travancoricus)

આ સાપ દક્ષીણ ગુજરાતના વાંસદાના જંગલોમાંથી બે વખત નોંધાયો છે. દુર્લભ પ્રજાતીનો આ સાપ ગુજરાતમાં અન્યત્ર ક્યાંય નોંધાયો નથી, ડુંગરાળ અને વરસાદી પ્રદેશોમાં રહેવાની ખાસીયત ધરાવતો આ સાપ તેથી જ અગાઉ Hill Wolf Snake તરીકે ઓળખાતો હતો.

પાતળી કાયા, સુંવાળા ભીંગડા ધરાવતા આ સાપનું માથું ચપટું છે, મોંની આગળનો ભાગ સાંકડો અને આંખો સુધી આવતા પહોળો થાય છે, ઉપરના હોંઠ ઝાંખા બદામી કે ગુલાબી હોય છે શરીર સમ્પુર્ણ કાળું કે ઘટ્ટ બદામી કાળું છે તેની ઉપર ગંદા પીળા પટ્ટા કે પટ્ટા સ્વરુપે ટપકાં હોય છે. ગળા પાસેથી આવા પટ્ટા શરુ થતા આવા પટ્ટા પુંછડીના છેવાડા સુધી હોય છે, પેટાળ તરફ જતા આવા પટ્ટા વીભાજીત થાય છે, પેટાળ સમ્પુર્ણ સફેદ હોય છે.

સામાન્ય વરુદંતની સરખામણીમાં આ સાપ આક્રમક સ્વભાવનો છે, તે ગુંચળામાં બેસવું રહેવું પસંદ નથી કરતો, સ્થીર ના રહેતા સતત સળવળ્યા કરે છે.

નીશાચર સાપ છે.

ખોરાકમાં અન્ય વરુદંતીની જેમ જ નાગબામણી, નાના કાચીંડા, ગરોળી, દેડકા આરોગે છે. 2થી 6 ઈંડા એપ્રીલ થી મે મહીનામાં મુકે છે. મહત્તમ લંબાઈ 75 સે.મી. નોંધાઈ છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

3 Comments

  1. મા અજય દેસાઈ દ્વારા
    સામાન્ય વરુંદતી, ટપકીલો વરુંદતી, પટીત વરુંદતી અને ત્રાવણકોર વરુંદતી સાપની સચીત્ર અદભુત જાણકારી …

    Liked by 2 people

  2. શ્રી અજય દેસાઇના આ લેખો ખૂબ માહિતિ સભર હોય છે. નહિ જાણેલા, જોયેલા સાપો વિષે સરસ માહિતિ આપી.
    આભાર.
    અમૃત હઝારી..

    Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s