કોલુબ્રીડે (Colubridae) કુટુંબના ચાર સાપ

કોલુબ્રીડે (Colubridae) કુટુંબના ચાર સાપ

–અજય દેસાઈ

26. સામાન્ય કુકરી સાપ બીનઝેરી
Common Kukri Snake, Banded Kukri Snake (Oligodon arnensis)

અંદાજે 35 જેટલી જાતના કુકરી સાપ ભારતમાં મળી આવે છે. આ પૈકી ગુજરાતમાં બે જાત જોવા મળે છે. સમ્પુર્ણ બીનઝેરી ને સામાન્ય એવા આ સાપ, જમીન ઉપરના મેદાનોમાં થતાં નાના સાપ પૈકીનાં એક છે. તેમના ઉપરના જડબામાં આવેલા દાંત પૈકી, પાછળના ભાગમાં આવેલા કેટલાંક દાંતની ધાર, ગુરખા લોકોની કુકરી જેવી હોવાથી, તેને આવું નામ આપવામાં આવ્યું છે.

આ સાપનો રંગ બદામી કે ભુખરો લીલો છે. તેની ઉપર કાળા કે ઘેરા બદામી રંગના પટ્ટા હોય છે. આવા પટ્ટા પડખામાં સાંકડા થઈ જાય છે કે તુટક થઈ જાય છે. માથા ઉપર ત્રણ ઘેરા બદામી રંગના, તીરના ફણાના આકારના નીશાન હોય છે. આવું પ્રથમ નીશાન આંખોને સ્પર્શ છે, બીજું માથા ઉપર તથા ત્રીજુ ગળા ઉપર હોય છે. ત્યારપછી પુંછડી સુધી આડા પટ્ટા હોય છે. આવા પટ્ટા વચ્ચેથી જાડા પણ હોય છે. પરન્તુ પટ્ટા વચ્ચેનું અંતર, પટ્ટાઓની જાડાઈ કરતાં વધુ હોય છે. આવા પટ્ટા 12થી 20 સુધી હોય છે. પેટાળ સફેદ છે. મોં આગળના ભાગે ચપટું થઈ જાય છે. મોંની આગળનો ભાગ ટુંકો અને બુઠ્ઠો છે. પુંછડી ટુંકી, અને દબાયેલી લાગે છે. ગળું સાધારણ દબાયેલું જણાય છે, એટલે માથું અલગ પડી જાય છે. આંખો ગોળ હોય છે. ભીંગડાં પ્રમાણમાં સુવાળા હોય છે. પુખ્ત સાપ ચોકલેટી બદામી રંગનો હોય છે, જયારે બચ્ચું ગંદા ભુખરા લીલા રંગનુ હોય છે.

પીઠ ઉપર શરીરની મધ્યમાં 17ની હરોળમાં ભીંગડાં હોય છે. નરનાં પેટાળનાં ભીંગડાં 161થી 199 જયારે માદાના પેટાળનાં ભીંગડાં 166થી 201 હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 41થી 59 અને વીભાજીત હોય છે. પુંછડી શરીરની કુલ લંબાઈનાં છઠ્ઠા ભાગ જેટલી હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

આ સાપ ખુબ જ ચંચળ છે. તેને હાથમાં રાખવો મુશ્કેલ પડે છે. તે મુખ્યત્વે દીવાચર સાપ છે. મેદાનોનો રહેવાસી હોવાથી તેને જંગલો, ખડકો માફક નથી આવતાં. આમ તો આક્રમક સાપ નથી, હાથમાં લઈએ તો કરડતો નથી, પણ ત્રાટકે છે જરુર. દબાવીએ તો કરડે છે. આવું કરતી વખતે તે મોં અધ્ધર કરતો હોય છે. મુખ્યત્વે ઠંડી જગ્યાઓમાં પડી રહેવું પસંદ કરે છે.

આ સાપ જુનાં મકાનો, કાટમાળ, લાકડાના ઢગલા, ઉધઈના રાફડા વગેરેમાં જોવા મળે છે. મુખ્યત્વે મનુષ્ય વસવાટની આસપાસ તેને વધુ ફાવે છે. વરસાદની ઋતુમાં વધુ જોવા મળે છે.

તેનો ખોરાક ગરોળી, નાના કાચીંડા, ઘરની જીવાત વગેરે છે અને ન છુટકે જ નાના ઉંદર, દેડકાં વગેરે ખાય છે.

માદા સાપ 4થી 5 ઈંડા મુકે છે. જન્મ સમયે બચ્ચાં 3 ઈંચના હોય છે. પુખ્ત સાપ 14 ઈંચનો હોય છે. આ સાપ મહત્તમ 28 ઈંચનો નોંધાયો છે.

દેખાવમાં આ સાપ દુરથી સામાન્ય વરુદંતી જેવો પણ લાગે છે. સમગ્ર ગુજરાતમાં મળી આવતો સામાન્ય સાપ છે.

27. રેખાંકીત કુકરી બીનઝેરી
Streaked Kukri Snake, Russell’s Kukri Snake (Oligodon taeniolatus)

આ સાપ વીવીધ પાંચ રંગમાં તથા ભાતમાં મળી આવે છે. ઉપરથી ઝાંખો પીળો કે ઝાંખો બદામી હોય છે, અને તેની ઉપર કાળા પટ્ટા હોય છે. મોં ઉપર ઘેરા બદામી રંગના ત્રણ આડા પટ્ટા જોવા મળે છે. પ્રથમ પટ્ટો આંખો સાથે સંકળાયેલો હોય છે. તેની સાથે જોડાયેલો બીજો પટ્ટો, માથા ઉપર છવાયેલો હોય છે. જયારે ત્રીજો પટ્ટો, આ બન્ને કરતા પહોળો હોય છે, તે માથાના મધ્યથી શરુ થઈ ગળા સુધી ફેલાયેલો હોય છે. પીઠ ઉપર વચ્ચોવચ, ગળાથી શરુ થતો સફેદ પાતળો પટ્ટો પુંછડીના છેડા સુધી લંબાયેલો જોવાય છે. બન્ને પડખાઓમાં પણ આવા જ રંગનો પટ્ટો હોય છે. જે ગળાથી શરુ થઈ પુંછડી સુધી લંબાયેલા હોય છે. આ પટ્ટા પહોળા હોય છે. આ પટ્ટાઓની વચ્ચે, પીઠના ભાગમાં કાળી તથા સફેદ રેખાંકીત ભાત હોય છે. આવી ભાત પુંછડી ઉપર જોવાતી નથી. પેટાળ ઝાંખુ પીળુ છે. દેખાવમાં પાતળો

અને ભવ્ય લાગે છે. ગળું અલગ તરી આવતું નથી. કયારેક આ સાપ ખડચીતળ (Russell’s Viper) જેવા દેખાવનો પણ મળી આવે છે. તેથી જ તેનું નામ Russell’s Kukri પણ છે.

પીઠ ઉપર શરીરની મધ્યમાં 15ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં 158થી 218 હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 41થી 60 હોય છે. જે વીભાજીત હોય છે. પુંછડી શરીરની કુલ લંબાઈના પાંચમા ભાગ જેટલી હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

સ્વભાવે બીન આક્રમક છે. તેને પકડવા મથીએ છીએ ત્યારે ભાગવાની કોશીશ કરે છે. ભાગી નથી શકતો અને પકડાય છે, ત્યારે આક્રમક બને છે; પરન્તુ હાથમાં પકડાતાં જ થોડીકવારમાં સહજ બની જાય છે.

આ સાપ માનવ વસવાટથી દુર જોવા મળે છે. પાણીની નજીક રહેવું પસંદ કરે છે કે જયાં નાના દેડકાં ઉપલબ્ધ હોય. તે જંગલોમાં તથા ટેકરીઓમાં મુખ્યત્વે જોવા મળે છે. તડકામાં પથ્થરો કે ઘાસ ઉપર આરામ કરતો જોવા મળે છે. ખાસ કરીને દીવાચર સાપ છે; પરન્તુ ક્વચિત્ રાત્રી દરમીયાન પણ પ્રવૃત્ત જણાય છે.

મુખ્ય ખોરાક ગરોળી, કાચીંડાના ઈંડા, નાના દેડકાં વગેરે છે. માદા 5થી 7 ઈંડા મુકે છે. તે મહત્તમ 2 ફુટ જેટલો મળી આવે છે; પરન્તુ સામાન્ય રીતે 12 ઈંચથી 18 ઈંચ જેટલો જોવા મળે છે. લગભગ પુરા ગુજરાતમાંથી મળી આવે છે; પરન્તુ સામાન્ય કુકરીની જેમ ખુબ જોવા મળતો નથી.

28. પાતળી ધામણ, સંકીર્ણ ધામણ બીનઝેરી
Slender Racer, Gunther’s Racer (Platyceps gracilis)

નાનું શરીર, અને પ્રમાણમાં વધુ પડતી પાતળી કાયા ધરાવતો આ સાપ નરમ ભીંગડાં ધરાવે છે. આ સાપનું મોં ગળા કરતાં ખાસુ પહોળું તથા મોટું હોય છે. આંખો મોટી છે અને ગોળ રંધ્ર ધરાવે છે. પુંછડી પાતળી અને લાંબી છે. સમ્પુર્ણ બદામી વાન ઉપર સફેદ આડા પટ્ટા હોય છે, જેનાં ફરતે કાળી ધારી હોય છે. આવા પટ્ટા પેટાળ તરફનાં પડખામાં પહોળા હોય છે, એટલે શરીરના મધ્ય ભાગમાં પાતળા હોય છે. આવું ચીતરામણ શરીરનાં લગભગ અડધા ભાગ સુધી ઘટ્ટ હોય છે અને પુંછડી તરફ જતાં ઝાખું થઈ જાય છે. માથા ઉપર ત્રણ આડા પટ્ટા હોય છે, તેમાં પણ બે પટ્ટા કપાળનાં ભીંગડાંથી લઈને ગળા સુધી ત્રાંસા હોય છે, ત્રીજો પટ્ટો ગળા ફરતે હોય છે આવા પટ્ટા સફેદ હોય છે અને તેને ફરતી કાળી રેખા હોય છે. મોં આગળના ભાગેથી થોડું અણીયાળું અને સફેદ હોય છે. પેટાળ સફેદ કે પીળાશ પડતું સફેદ છે જેની પડખા બાજુનાં ભાગમાં, કાળા ટપકાં હોય છે.

શરીરના મધ્ય ભાગમાં 21ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળનાં ભીંગડાં 206થી 222 હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 118થી 127 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

આ સાપનો દેખાવ મોં ઉપરનાં ત્રાંસા પટ્ટાઓને લઈને ઘણીવાર કુકરી સાપ જેવો લાગે છે; પરન્તુ કુકરી કરતાં આ સાપની પુંછડી ખાસ્સી લાંબી હોય છે.

દીવાચર સાપ છે. ગરોળી, નાગ બામણી, નાના કાચીંડા વગેરે આરોગે છે. ઈંડા મુકતો સાપ છે. મહત્તમ લંબાઈ 37 ઈંચ જેટલી હોય છે. આ સાપ ખુબ દુર્લભ છે. વીશેષ માહીતી ઉપલબ્ધ નથી.

29. ચળકતા પેટાળની ધામણ આંશીક ઝેરી
Glossy–bellied Racer, Gray’s Rat Snake Hardwicke’s Rat Snake
(Platyceps ventromaculatus)

દેખાવમાં સુંદર એવો આ સાપ તેના શરીર ઉપરની ભાતને લઈને ભવ્ય લાગે છે. રંગ વૈવીધ્ય પણ ખાસ્સું છે. ભુખરો, લીલો બદામી, બદામી કે ગંદો પીળો વાન હોય છે. તેની ઉપર ગળાથી લઈને સળંગ પુંછડી સુધી કાળાશ પડતું ચીતરામણ હોય છે. આવું ચીતરામણ બન્ને પડખે પણ હોય છે, પણ તેનો રંગ ઝાંખો હોય છે. ગળા ઉપર ઉભી ત્રણ રેખા હોય છે. એક ઉપરના ભાગે અને બન્ને પડખે એક એક, જયારે, મોંનો ભાગ, ભાત જેવા જ રંગનો, પરન્તુ ઘટ્ટ હોય છે. મોં ગળા કરતાં થોડું વધુ પહોળું છે; પરન્તુ મોંનો આગળનો ભાગ સાંકડો અને એકદમ ચપટો થઈ જતો જણાય છે. પેટાળ સફેદ કે પીળું ગુલાબી સફેદ હોય છે. આંખો ગોળ છે અને કીકીનું રંધ્ર ગોળ છે.

શરીરની મધ્યભાગમાં 19ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં નરમાં 195થી 202, જયારે માદામાં 199થી 213 હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં નરમાં, 108થી 115 જયારે માદામાં 97થી 106 હોય છે. જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત છે.

પુંછડી તેના શરીરની કુલ લંબાઈનાં ચોથા ભાગ જેટલી હોય છે.

પથરાળ ડુંગરો, ખુલ્લાં ખેતરો, ઝાડી ઝાંખરા, રેતાળ પ્રદેશો અને ક્વચિત્ માનવ વસવાટોમાં રહેતો જણાય છે.

પકડવા જતાં એકદમ સચેત થઈ જાય છે અને તરત જ પ્રતીક્રીયા કરે છે. કરડે પણ છે, જે પીડાદાયી હોય છે ત્યાંથી લોહી નીકળે છે. સોજો પણ આવી જાય છે. યોગ્ય જંતુનાશક દ્રાવણથી ઘા સાફ કરવો જોઈએ અને ધનુરનું ઈજંકશન લેવું જોઈએ.

દીવાચર સાપ છે; પણ કયારેક રાત્રી દરમ્યાન પણ પ્રવૃત્ત હોય છે. નીચી ઝાડીઓ, સુકા પ્રદેશો અને જંગલો પુરા થતાં હોય તેની આસપાસના વીસ્તારોમાં જોવા મળે છે.

ખોરાકમાં મુખ્યત્વે ગરોળી, કાચીંડા છે, ક્વચિત્ ઉંદર વગેરે પણ આરોગે છે.

એક પ્રજનનમાં 6થી 10 ઈંડા મુકે છે, જેમાંથી જુલાઈ–ઓગષ્ટમાં બચ્ચાં બહાર આવે છે.

મહત્તમ લંબાઈ 48 ઈંચ સુધી હોય છે. સમગ્ર ગુજરાતમાં વસે છે. પણ સામાન્ય સાપ નથી, દુર્લભ છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

 

1 Comment

  1. શ્રી અજય દેસાઈ દ્વારા સામાન્ય કુકરી સાપ, રેખાંકીત કુકરી, પાતળી ધામણ, સંકીર્ણ ધામણ અને અને ચળકતા પેટાળની ધામણ સાપની સચીત્ર ખૂબ સુંદર જાણકારી
    ધન્યવાદ…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s