જીવન અને જીવનશુદ્ધી

જીવન અને જીવનશુદ્ધી

–કેદારનાથજી

मानवी जीवननी वीशेषता
જીવન એ કુદરત તરફથી મળેલી અમુલ્ય ભેટ છે. જીવન બધાં પ્રાણીઓને મળેલું છે, તેમ માણસને પણ મળેલું છે; પણ બીજાં પ્રાણીઓના અને માણસના જીવનમાં બહુ મોટું અંતર છે. બીજાં પ્રાણીઓનું જીવન જેટલું નૈસર્ગીક ધર્મોથી બંધાયેલું છે તેટલું માણસનું જીવન તે ધર્મોથી બંધાયેલું નથી. બીજાં પ્રાણીઓની શક્તીબુદ્ધી મર્યાદીત છે. માણસની શક્તીબુદ્ધી આજ વીલક્ષણપણે વધેલી છે. માણસ પોતાની શક્તીબુદ્ધીનો જેવો વીકાસ કરી શકે છે તેવો વીકાસ કોઈનેયે કરતાં આવડતું નથી અને વીકસીત શક્તીબુદ્ધીનો જેવો સદુપયોગ માણસ કરી શકે છે તેવુંયે કરતાં કોઈને આવડતું નથી. માણસ કરતાં બીજાં કોઈ પ્રાણીઓની શક્તી વધારે હોય અથવા તેમનામાં નૈસર્ગીક બુદ્ધી પણ કદાચ વધારે હોય, તોય તે શક્તીનો સદુપયોગ બધાના કલ્યાણ માટે કરવાનો ભાવ ફક્ત માણસમાં જ જણાઈ આવે છે. દરેક જીવ પોતાના દેહરક્ષણના પ્રયત્નમાં હંમેશ હોય છે; પણ માણસને પોતાના રક્ષણનો વીચાર કરીને બીજાઓનાં સુખદુ:ખનો અને રક્ષણનો વીચાર કરવો પડે છે. આ જ તેની વીશેષતા છે અને આ જ મનુષ્યત્વનું મુખ્ય લક્ષણ છે. બીજા જીવો અને માણસ વચ્ચે આ જ મોટું અંતર છે. આ અંતર ધ્યાનમાં લઈને આપણે પોતાના જીવનને વલણ આપવું જોઈએ અને તે પ્રમાણે પોતાનું જીવન ઘડવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ.

जीवननी नश्वरता
જીવન વીશેની આપણી જે કલ્પનાઓ હશે તે પ્રમાણે આપણે પોતાનું જીવન ગાળવાનો પ્રયત્ન કરીશું. તે કલ્પનાનુસાર આપણે જીવનને મહત્ત્વ આપીશું અને તે પ્રમાણે જ આપણને સીદ્ધી પણ મળશે. જીવન વીશે કંઈક ઉંચી આકાંક્ષાઓ ન રાખતાં આપણે તે વીશે ઉદાસીન રહીએ તો આપણું જીવન કેવળ રોજની જરુરીયાતો પુરી કરવામાં અને તે બાજુથી કંઈક સુખ પ્રાપ્ત કરવામાં જ ગમે ત્યારે પુરું થઈ જશે.

संसार म्हणजे सवेंचि स्वार । नाहीं मरणासी उधार ॥
मापी लागलें शरीर । धडीने घडी ।। ।।

(સમર્થ રામદાસ, दासबोध, ३–९–१)

સંસાર એક સવાર પ્રમાણે પોતાની ગતીથી દોડતો ચાલ્યો જાય છે. અહીં મરણ હંમેશ માટે તૈયાર છે. ક્ષણેક્ષણે આયુષ્ય ચાલ્યું જાય છે. એ કયારે પુરું થશે તેનો ભરોસો નથી; અર્થાત્ મરણ કયારે આવશે એ નક્કી નથી.

घडीघडी पलपल आयुष्य जातें तेलमीठसर्पणांत ।
हें मुख किति पाहासिल दर्पणांत ? ।।

ઘડીએ ઘડીએ, પળે પળે તેલ, મીઠું અને બળતણની ચીંતામાં આયુષ્ય ચાલ્યું જાય છે, એ વાત લક્ષમાં ન લેતાં ફરી ફરી આ મોઢું તું કેટલી વાર દર્પણમાં જોતો રહીશ?

આવાં સદવાક્યોથી જીવનની નશ્વરતાનો ઈશારો સંતો આપણને રોજ આપતા આવ્યા છે.

मानवी बुद्धीनो प्रभाव
આપણી પાસે ચાલું જીવન છે. ભવીષ્યમાં કેટલું છે તે આપણે ખાતરીથી કહી શકતા નથી. એટલે ચાલુ જીવનનો સદુપયોગ કરવો એ આપણા હાથની વાત છે. જીવનનો પ્રવાહ આપણે અટકાવી શકતા નથી, રોકી શકતા નથી. તેમાંની એક ક્ષણને પણ આપણે સંઘરી શકતા નથી. વીશ્વના નાનામોટા બધા પદાર્થો ગતીના ચક્રમાં કે પ્રવાહમાં પડેલા છે. જે પૃથ્વીના આધારે આપણા વહેવારો ચાલે છે, જેના આધારે આપણું અસ્તીત્વ છે તે પૃથ્વી અને સુર્ય, ચંદ્ર, નક્ષત્રો, ગ્રહમાળા એ બધું વીશ્વ–બધાને ચક્ર પ્રમાણે કે કેમ તેની ખબર નથી; પણ સદૈવ ભમવાનું લાગેલું છે. તે પ્રમાણે આપણને પણ કયાંયે અટકવાને વખત નથી કે સ્થાન નથી. આ ખરું હોય તો પણ કુદરતે આપણને મનુષ્યોને બુદ્ધીરુપી મહાન શક્તી આપેલી છે. આપણને પ્રીય એવી વસ્તુને કોઈ પણ સ્વરુપે શકય તેટલો લાંબો કાળ આપણે ટકાવી રાખીએ અને તેનું સુખ આપણે વધારેમાં વધારે વખત લઈ શકીએ, એવી માણસમાત્રમાં ઈચ્છા છે. તે ઈચ્છાને સફળ કરવાનો પ્રયત્ન બુદ્ધીમાન મનુષ્યોએ ચલાવ્યો છે અને તેમાં તેમને કંઈક અંશે યશ પણ મળ્યો છે. એવા પ્રયત્નમાંથી જ ચીત્રકલા અને શીલ્પકળાની ઉત્પત્તી થઈ છે અને તે દ્વારા ભુતકાળના મનુષ્યોનાં અને પ્રાણીઓનાં સ્વરુપ આપણને જોવા મળે છે. હવે તો મરેલાં માણસોના શબ્દો, સંગીત, તેમના હાવભાવ, ક્રીયા, સંભાષણ વગેરે યથાતથ આપણે અનુભવી શકીએ છીએ. આ રીતે આપણે ભુતકાળની ઘટનાઓને પ્રત્યક્ષની જેમ જોઈ શકીએ છીએ. ભુતકાળનો ગમે તેટલોય મોટો મહાપુરુષ આપણને જોઈ શકતો નથી; પરન્તુ આજે એકાદો સાધારણ માણસ પણ તેમનું જીવનપટ જોઈ શકે છે. માણસ અલ્પજીવી હોય તોયે તેના રુપનો, તેની કોઈ ક્રીયાનો અને તેના શબ્દોનો લાભ માનવજાતી પ્રત્યક્ષની જેમ હજારો વર્ષો સુધી લઈ શકે, એવા પ્રકારનું બૌદ્ધીક બળ માણસે આજે પ્રાપ્ત કર્યું છે. આજે જે કલા વધી છે તેની શોધ પુર્વકાળે થઈ હોત તો બુદ્ધ, મહાવીર, શંકરાચાર્ય, જ્ઞાનેશ્વર, તુકારામ અને રામદાસના પ્રત્યક્ષ દર્શનના જેવો આનન્દ અને તેમના ઉપદેશનો લાભ આજે પણ આપણે લઈ શકત.

जीवनमां शुद्धीनुं महत्त्व
આ વીશે આટલું લંબાણથી લખવાનો હેતુ એ છે કે, આપણા હાથમાંથી જતા રહેતા વર્તમાનકાળમાંથી કંઈક બચાવીને તે દીર્ધકાળ ટકે એવો આપણે તેને કરી શકીએ છીએ. આ વાત આપણા ધ્યાનમાં આવે અને તેમાંથી બોધ લઈને પોતાના ચાલુ જીવનમાં જ આપણે કંઈક એવું પ્રાપ્ત કરતા રહીએ કે તે આપણા જીવનમાં જ આપણને રોજ ઉપયોગી થતું રહે. ભુતકાળના બનાવોને જો માણસ પોતાના બુદ્ધીબળથી પ્રત્યક્ષમાં લાવી તેમાંથી આનન્દ અને જ્ઞાન મેળવતો હોય, તો પોતાના જીવનના ચાલુ કાળમાંથી ભવીષ્યના જીવનમાં ઉપયુક્ત થાય એવું કંઈ તે મેળવી ન શકે? અને આ વાત જો તે સાધી શકે તો ‘संसार म्हणजे सवेंची स्वार’ આ નીયમ પ્રમાણે જીવન ચાલ્યું જતું હોય, તો પણ તેમાંથીયે અધીક શાશ્વત એવું તે જે પ્રાપ્ત કરે તે, તેની પોતાની પાસે રહેશે – જેમ પૈસા ખર્ચીને તે એકાદી વસ્તુ લાવે તો પૈસા ગયા એમ નહીં; પણ પોતાની તે જ સમ્પત્તી વધારે ઉપયુક્તપણે પોતાની પાસે બીજા સ્વરુપે છે જ એવું તે સમજે છે. આપણને ઉપયોગમાં આવનારી વસ્તુ નશ્વર કે અલ્પકાળ ટકનારી હોય તોયે માનવી બુદ્ધી તે જ વસ્તુ અધીક શાશ્વત, અધીક કાળ ટકે એવી કરવા તરફ લાગેલી હોય છે. આપણા જીવનનો કાળ પ્રવાહની જેમ ઝપાટાથી જતો હોય તો પણ તે જ કાળે આપણને હંમેશ ઉપયોગી થનારી અધીક મહત્ત્વની અને અધીક શાશ્વત વસ્તુઓ પ્રાપ્ત કરી રાખીએ તો તે પ્રાપ્ત કરવામાં ગયેલું જીવન, તે વસ્તુઓરુપે વધારે કીમતી બની આપણને પ્રાપ્ત થયું છે એમ લાગશે. ચાલુ જીવનમાં જ આપણે જ્ઞાન, ચારીત્ર્ય, સદ્ગુણ, કલા અને ચીત્તની પવીત્રતારુપી મહાન વસ્તુઓ પ્રાપ્ત કરીએ તો આપણું જ જીવન અનેક સીદ્ધીરુપ બની પહેલાંના કરતાં વધારે સમૃદ્ધ થયું છે એવો આપણને અનુભવ થશે. અજ્ઞાન, કૃપણતા, ભ્રષ્ટતા, વીકારવશતા વગેરે દોષોથી ભરેલા દીર્ધાયુ કરતાં જેમાં અજ્ઞાનનો સંબંધ નથી, વીકારની ગંધ નથી, કૃપણતા કે સ્વાર્થનું નામ નથી, અધર્મનો જરાયે અંશ નથી એવું થોડા કાળનું એ જીવન આપણને કૃતાર્થ કરશે નહીં કે? માણસે પોતાનું સર્વસ્વ ખર્ચી નાખીને અને ઘણાં કષ્ટો સહીને તે જ જીવન પ્રાપ્ત કરવાનું છે. માનવી જીવન તે માટે છે. જીવનની સીદ્ધી આવી જાતની શુદ્ધીમાં જ છે. ચાલ્યા જતા જીવનને આપણે રોકી શકતા નથી. ગયેલી ક્ષણ આપણે પાછી લાવી શકતા નથી. સુર્યચંદ્રની ગતી અને પૃથ્વીનું સતત ચાલતું ભ્રમણ જો આપણે રોકી શકતા હોઈએ તો જ પોતાનું ગયેલું જીવને આપણે કદાચ પાછું લાવી શકીએ. ગયેલું તારુણ્ય પાછું મેળવવાનો પ્રયત્ન કરનારા ‘યયાતી’ અથવા યોગાભ્યાસથી જીવન વધારવાનો પ્રયત્ન કરનારા ‘ચાંગદેવ’ આજે પણ ક્યાંક મળશે. મૃત્યુ ટાળવાનો કે લંબાવવાનો અથવા તારુણ્ય હંમેશ ટકાવી રાખવાનો પ્રયત્ન કરનારા બધે કાળે હોવાના જ; પણ તે માર્ગે જીવનસાર્થકતા હજુ કોઈને મળેલી નથી, એ આજ સુધીના તેવા પ્રયત્નોના ઈતીહાસ પરથી સીદ્ધ થયું છે. જીવનનો પ્રવાહ ઘણો કાળ ચાલતો રહે અને આપણે કેવળ દીર્ધાયુ થઈએ તેમાં જીવનની સાર્થકતા ન હોઈ, જીવનશુદ્ધીમાં અને સદ્ગુણોની સમૃદ્ધીમાં જીવનસાર્થકતા છે. દીર્ઘ આયુષ્ય કે ધનસમ્પન્નતાના કરતાં ચારીત્ર્ય, શીલ, જ્ઞાન, અનુભવ, સુસંસ્કાર, સદ્ગુણ, પવીત્રતા – એ પ્રકારના ઐશ્વર્ય અને વૈભવથી સમૃદ્ધ બનેલા જીવનની કીમ્મત અને મહત્ત્વ માનવતાની દૃષ્ટીએ અનેકગણાં વધારે છે. આ જાતનું જીવન થોડા વખતમાંયે સીદ્ધ કરી લીધાના દાખલા જગતના ઈતીહાસમાં થોડાયે મળે છે જ. એ માનવજાતીનું ભાગ્ય છે. આદ્ય શંકરાચાર્યે આ જ જીવનસીદ્ધી સાધ્ય કરીને કેવળ બત્રીસ વર્ષમાં જીવનયાત્રા પુરી કરી. ઈસુ ખ્રીસ્તનું જીવન કેવળ તેત્રીસ વર્ષમાં સમાપ્ત થયું. જ્ઞાનેશ્વર, નીવૃત્તીનાથ, સોપાન અને મુક્તાબાઈ એ બધાંએ વીસ–બાવીસ વર્ષની આસપાસ પોતપોતાની જીવનજ્યોતી પરમજ્યોતીમાં મેળવી લીધી. આ પ્રકારનાં ઉદાહરણો ઈતીહાસમાં લખાયેલાં હોય તેટલાં જ છે એવું આ વીશે ન માનતાં, કેટલીયે અપ્રસીદ્ધ વીભુતીઓ પણ આ પ્રયત્નમાં અલ્પ આયુષ્યમાં યશસ્વી થયેલી હોવી જોઈએ એમ માનવું યોગ્ય થશે. આ પરથી આપણે સમજવું જોઈએ કે જીવનની શુદ્ધીમાં જ જીવનની સાર્થકતા છે અને તેની સાર્થકતા પ્રાપ્ત કરવા માટે માનવી જીવન છે.

सुख वीशेनी भ्रांतीमय कल्पना
પશુપક્ષીઓ અને બીજાં પ્રાણીઓનાં જીવન અને માનવી જીવનમાં આ જ મોટો ફરક છે. યોગ્ય ખાનપાન, યોગ્ય પરીશ્રમ, વીશ્રાંતી, ચીંતારહીત જીવનવહેવાર, સમયાનુસાર ઔષધોપચાર વગેરે અનુકુળ સાધનસગવડથી મનુષ્યનું આયુષ્ય વધે છે; પરન્તુ આયુષ્ય કેવળ લંબાયાથી, તે દીર્ઘ થયાથી જીવન સાર્થક થતું નથી. માણસની શ્રેષ્ઠતા દીઠ દીર્ઘ આયુષ્યને લીધે નહીં પણ તેણે પ્રાપ્ત કરેલી માનવતાને લીધે છે. અને તે માનવતા જીવનની શુદ્ધી પર અવલમ્બે છે. શુદ્ધ જીવન પોતાને આનન્દ અને પ્રસન્નતાદાયી થતું રહી બીજાઓને પણ ઉન્નત કરનારું અને તેમની ઉન્નતીમાં પ્રેરણા આપનારું થઈ શકે છે. આજે માનવજાતી દુ:ખી અને ભયાકુલ બનેલી દેખાય છે. સર્વત્ર શંકા અને અવીશ્વાસ જણાઈ આવે છે અને તેથી જ કોઈ પણ જગાએ કોઈને પણ પોતાની ચાલુ સ્થીતી વીશે નીશ્ચીંતતા લાગતી નથી, કારણ કે આપણે બધા જીવનશુદ્ધીના કરતાં બીજા જ ગમે તેને મુલ્યવાન ગણી તેની પાછળ લાગ્યા છીએ. ગમે તેને ભવ્ય કે સુખસર્વસ્વ માનતાં અને એવું જ કંઈક પણ આપણને આકર્ષક લાગતાં તેની પાછળ પોતાની શક્તીબુદ્ધીથી આપણે પડેલા છીએ. જેની પાછળ પડેલા છીએ તે સત્ય છે કે ભ્રાંતી છે, તે ખરેખર સુખ છે કે કેવળ આકર્ષણ છે, અને તેમાં કર્તવ્યનીષ્ઠાનો કંઈક ભાગ છે કે તે મોહ છે તે શોધી કાઢવાનું પણ આપણને સુઝતું નથી. આપણી પરમ્પરા જોતાં આ જ જણાઈ આવે છે. આ માર્ગે આગળ ગયેલા, ધન, વૈભવ, સત્તા, ઐશ્વર્ય પ્રાપ્ત કરેલા, તેમ જ વીદ્યા, કલા કે વૈશીષ્ટયથી યુક્ત એવા લોકો જીવનશુદ્ધીની દૃષ્ટીથી આપણે કયાં છીએ અને આપણી ખરી સ્થીતી શી છે તે જગતને સ્પષ્ટપણે કહેતા નથી. તેથી કોઈનું ધન, કોઈનો ઠાઠમાઠ, કોઈનો આડમ્બર, કોઈની વાક્પટુતા અને ચાતુર્ય, કોઈનું સૌંદર્ય, કોઈનું બળ કે સત્તા અગર સામર્થ્ય, કોઈનું કંઠમાધુર્ય તો કોઈની ચીત્રકુશળતા કે એવી જ કોઈ આકર્ષક વીશેષતા જોઈને મોહવશ બની આપણે તેને જ જીવન–સાર્થકતા સમજીએ છીએ. આપણે અસંખ્ય લોકો– જેમને આમાંનું કોઈ વૈશીષ્ટય પ્રાપ્ત થયું નથી તે આપણે બધા–આવી જાતની ભ્રાંતીમાં જ જીવન કાઢીએ છીએ. આ પૈકી ગમે તેને જીવનસાર્થકતાનું સાધન માનીએ છીએ અને આમાંની કોઈ પણ જાતની વીશેષતા પ્રાપ્ત ન કરતાં જ પોતાનું જીવન પુરું કરીએ છીએ. વળી, પોતાની ભુલભરેલી સમજણને લીધે જીવનનો ખરો રસ્તો ચુકી જઈ અયોગ્ય પ્રવાહમાં પડેલાઓને તેમની બહારની વીશેષતા જોઈને આપણે બધા જે માન અને આદર આપીએ છીએ, જે શ્રેષ્ઠતા આપીએ છીએ તેને લીધે તેમનામાં પણ ખરા માર્ગનું ભાન થવા માટે જોઈતી જાગૃતી કદી આવતી નથી. અનેક પ્રકારની દુર્બળતાઓને લીધે અને પોતાની પ્રતીષ્ઠા જાળવવાના લોભને લીધે તેઓ ભુલભરેલા માર્ગે એમ જ આગળ જાય છે અને તેઓ ખરેખર સુખી હોઈ તેમનું જીવન સફળ થયું છે એવા ભ્રમમાં આપણે પણ રહીએ છીએ. આ પ્રમાણે આપણે બધા ભુલભુલામણીમાં પડી જઈ જીવનપથ આક્રમીએ છીએ.

आदर्श वीशेनी पसंदगी
જગતના લોકોનો મોટો ભાગ પોતાનું અને પોતાના કુટુંબના માણસોનું જેમ તેમ કરીને આબરુથી ભરણપોષણ કરવા પાછળ પડેલો છે; છતાં દરેકના મનમાં જીવનવીષયક કંઈ ને કંઈ ઉચ્ચપણાની કલ્પના, એટલું જ નહીં પણ કંઈક અસ્પષ્ટ એવી આકાંક્ષા પણ હોય છે. તે પુરી થતી ન હોવાથી દરેક જણ અસંતુષ્ટ રહે છે. જે વસ્તુઓના અભાવને લીધે આપણને રોજ અડચણો અને દુ:ખમાં દીવસો કાઢવા પડે છે તેનો જેની પાસે અભાવ નથી, ઉલટું તેની વીપુલતા હોય છે તેની તે વીશીષ્ટતાથી પોતાની જે આકાંક્ષાની પુર્તી થશે એમ દરેક જણ માને છે અને તેને જ બધાં દુ:ખોનું નીવારણ કરવાનું અને સુખનું સાધને પણ સમજે છે; પણ આ પરીક્ષા કે આ નીર્ણય મોટેભાગે ભુલભરેલો ઠરે છે. કોઈ પણ વીશેષતાથી, તેના અભાવને લીધે સહન કરવાં પડતાં દુ:ખો નાશ પામે છે; પણ બાકીનાં દુ:ખોને અને તે વીશેષતાને લીધે જ નીર્માણ થનારા અનીષ્ટ પ્રસંગોને રોકવાની શક્તી તે વીશેષતામાં છે કે નહીં એનો વીચાર કોઈનાયે મનમાં મોટે ભાગે આવતો નથી. નાનપણમાં રેલગાડીમાં જવાના પ્રસંગો જેમને આવેલા છે એવા છોકરાઓ પૈકી ઘણાને મોટા થઈને પોતે ગાર્ડ થઈએ તો સારું એમ લાગે છે. રેલગાડી પરનું ગાર્ડનું પ્રભુત્વ, તેનો પોશાક, સીસોટી વગાડવાનો તેમ જ ધજા ફરકાવવાનો તેનો ઠાઠ, બધાની પછી તેનું એકદમ ગાડીમાં ચડી જવું; એ બધી વાતો કોઈ પણ છોકરાને આકર્ષક લાગતી નથી કે? તે જ પ્રમાણે શીક્ષક થવાની અને તેમાંયે વીશેષ કરીને છોકરાઓને મારવાની આદતવાળા માસ્તર થવાની અભીલાષા કે આદર્શ કયા વીદ્યાર્થીના મનમાં પેદા થયો નહીં હોય? (નીદાન મારી વીદ્યાર્થી દશામાં તો વીદ્યાર્થીવર્ગની મનોદશા આ પ્રકારની હતી.) જાદુના ખેલો, પત્તાંની રમતો, શરીરસામર્થ્યના પ્રયોગો પૈકી જે કંઈ જોવામાં આવે તે આકર્ષક જણાતાં જીવનમાં પ્રાપ્ત કરવું એમ કયા યુવકને લાગતું નહીં હોય? આ રીતે વધતી જતી ઉમ્મર પ્રમાણે જે જે સમયે જે જે આપણને ભવ્ય અને આકર્ષક જણાતું જાય છે તે તે પ્રકારની જીવનવીષયક મહત્ત્વાકાંક્ષા આપણે ધારણ કરતા રહીએ છીએ. તેમાંની આપણી પસંદગી વ્યાપક અનુભવ અને જ્ઞાનને લીધે જેમ જેમ ભુલભરેલી ઠરતી જાય છે, તેમ તેમ આજે પણ આપણે સુખ વીશેની જે કલ્પનાઓ ધારણ કરી પોતાનું જીવન ચલાવીએ છીએ તે પણ ભુલભરેલી ઠરવાનો તેટલો જ સંભવ નથી શું? તેથી જીવન વીશે ઉંડો વીચાર કરીને તેનો આદર્શ ઠરાવવો આવશ્યક છે. જુદી જુદી મહાન આકાંક્ષાઓ ધારણ કરીને તેમાં સફળતા મેળવેલી જુદી જુદી વ્યક્તીઓના જીવનનો અભ્યાસ કરી તેમાં છેવટે માનવોચીત સુખ, શાંતી, પ્રસન્નતા, ધન્યતા અને સાર્થકતા કોને પ્રાપ્ત થઈ, કોનું જીવન તેમને પોતાને અને તેમના સંબંધમાં આવેલા બીજાઓને સહાયક, ઉન્નતીપ્રદ, પ્રેરણાદાયક અને માનવજાતીને બોધપ્રદ થયું વગેરે બાબતોનો વીચાર કરીને આપણે જીવન વીશેનો આદર્શ ઠરાવવો જોઈએ. કેવળ થોડો વખત આકર્ષક કે બહારથી ભવ્ય જણાતું જીવન પરીણામ તે વ્યકીતને અને બીજાઓને કેટલું શાંતીદાયી અને ધન્યતા લાગવા જેવું થયું છે તે સમજી લઈને પણ આપણે તે પર વીચાર કરવો જોઈએ અને તેના પરથી આપણે પોતાના જીવનનો આદર્શ ઠરાવવો જોઈએ. વીચાર કર્યા વગર કેવળ બાહ્યત: આકર્ષક અને લાભદાયી વસ્તુઓની પાછળ આપણે ન પડવું જોઈએ. પરમાત્માએ આપેલી વીવેકબુદ્ધીને વધારે તીક્ષ્ણ અને તેજસ્વી કરીને જીવનનો આદર્શ ઠરાવવામાં આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.

जीवनशुद्धीनो प्रभाव
જીવનનો સાચો હેતુ–સાચો આદર્શ જેઓ સમજ્યા અને પુરુષાર્થ કરીને જેમણે તે સીદ્ધ કર્યો તેઓ ધન્ય છે. પ્રાપ્ત થયેલું જીવન સાર્થક ન કરતાં જેમણે તેને ક્ષણીક સુખની પાછળ ગુમાવ્યું તેઓ વૃથા જન્મ્યા અને ગયા એમ સમર્થ રામદાસે કહ્યું છે. જેમણે જીવનશુદ્ધી સાધી છે એવા મહાપુરુષો જગતમાં સર્વકાળ વંદનીય થાય છે. જગતમાં અત્યાર સુધી અનેક સમ્રાટો, અનેક ચક્રવતી રાજાઓ થઈ ગયા, મહાન સત્તાધારીઓ થઈ ગયા. પોતપોતાના સમયમાં બધાને ભીતી લાગે એવી સત્તા ચલાવનારાઓયે થઈ ગયા. તેમના દરેકના જમાનામાં તેમના કાયદાઓને, તેમના શબ્દોને તોડવાની તાકાત કે હીંમત કોઈમાંયે નહોતી; પણ આજે તે કાયદાઓની કે શબ્દોની શી કીમ્મત છે? પણ જેમણે મનુષ્યજન્મ પામીને જીવનશુદ્ધી સાધી માનવતાની પ્રાપ્તી કરી, એવા ધર્મનું આચરણ કરી, સમાજમાં જ્ઞાન અને ધર્મનો જેમણે પ્રચાર કર્યો અને તે માટે પોતાને અનેક રીતે સહન કરવું પડ્યું; છતાં જગતનાં દુ:ખો ઓછો કરવા માટે પ્રયત્ન કર્યો તેઓ નીષ્કીંચન અને સત્તાહીન હતા તોયે તેમના શબ્દોને આજે પણ લોકો પરમ વંદ્ય માને છે. સેંકડો હજારો વર્ષો પુર્વે તે શબ્દો ઉચ્ચારાયેલા છે; પણ તેમનો પ્રભાવ અને તે વીશેનો આદરભાવ હજુ કાયમ છે. આપણી દુર્બળતા અને વીકારવશતાને લીધે આપણે તેમના શબ્દો પ્રમાણે વર્તી શકતા નથી એ વાત ખરી છે; પણ આપણા મનમાં તે શબ્દો વીશે હજુ શ્રદ્ધા છે એ વાત પણ તેટલી જ ખરી છે. આ પ્રભાવ જીવનશુદ્ધીનો છે. ચીત્તની નીર્મળતા, કર્મોની પરીશુદ્ધી, સદ્ગુણોની પુર્ણતા, સદૈવ જાગરુકતા, વીવેકની સુક્ષ્મતા અને પ્રગલ્ભતા વગેરેથી આપણે પણ આ જ સીદ્ધી સાધવાની છે. દુનીયાનું બધું જ્ઞાન, બધી વીદ્યા, કલા, ભક્તી, યોગ વગેરે સાધનો દ્વારા આ જ ભુમીકા સીદ્ધ કરવાની છે. મનુષ્ય તરીકે જન્મ પામીને આપણે આ સ્થીતીએ પહોંચવાનું છે. આપણા જીવન અને શુદ્ધીનો આ જ સંબંધ છે અને આ જ આપણા જીવનની વીશેષતા છે. આ વીશેષતા પ્રાપ્ત થાય તો જન્મ પામીને બીજું કશું સાધવાનું રહેશે નહીં.

प्रयत्ननी जरुर
થોડો વીચાર કરતાં આપણા ધ્યાનમાં આવે છે કે દરેક માણસના મનમાં શુદ્ધી વીશે યોગ્ય કલ્પના છે, એટલું જ નહીં પણ તે જાતની ઈચ્છા અને સ્વાભાવીક રુચી પણ છે. અન્ન, પાણી, કપડાં, વાસણ, ઘર, જગા અને વાપરવાની વસ્તુઓ સ્વચ્છ હોવી જોઈએ એમ દરેકને લાગે છે. આપણી સોબતમાં રહેનારા માણસો પણ સ્વચ્છ હોવા જોઈએ એમ આપણે ઈચ્છીએ છીએ. આપણી પોતાની પરીસ્થીતી, કંઈક આળસ, જડતા વગેરે કારણોને લીધે આપણે અનેક બાબતોમાં અસ્વચ્છતા ચલાવી લઈએ છીએ, સહન કરીએ છીએ; પરન્તુ આપણી ખરી રુચી સ્વચ્છતા તરફ છે. અંધારા કરતાં પ્રકાશ, અજ્ઞાન કરતાં જ્ઞાન, દુર્બળતા કરતાં બળ, અને ગરીબાઈ કરતાં સમૃદ્ધી જેમ આપણને સહેજે પ્રીય છે તે પ્રમાણે સ્વચ્છતા પણ આપણને પ્રીય છે. આમ સ્વાભાવીક હોવા છતાં આપણે પોતાના મનની પવીત્રતા સાધવામાં, જીવનની શુદ્ધી પ્રાપ્ત કરવામાં અને સદ્ગુણસમ્પન્ન થવામાં અત્યંત ઉદાસીનતાથી વર્તીએ છીએ એ ઘણા આશ્ચર્યની અને દુ:ખની વાત છે. માનવોચીત સુખની અને માનવતાના ભાગ્યની આપણને ઈચ્છા નથી એમ નહીં; પણ તે માટે કરવા જોઈતા પરીશ્રમનો અને પ્રયત્નનો કંટાળો આવે છે એ આપણી જડતા છે. આ જડતા છોડ્યા વગર આપણે ઉન્નત નહીં થઈએ. તે જડતા આપણે જ છોડવી જોઈએ. એ સીવાય બીજી ગતી નથી. જીવનનું અને જીવનશુદ્ધીનું મહત્ત્વ સમજીને આપણે વર્તીએ તો જ માનવતાની દૃષ્ટીથી આપણે કૃતાર્થ થઈશું અને કુદરતે આપેલી જીવનરુપી મહાન ભેટનો સદુપયોગ કર્યાનું પરમ સમાધાન પણ આપણને પ્રાપ્ત થશે.

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ – 380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/– (ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 22/10/2021

4 Comments

  1. પુજ્ય કેદારનાથજીનું જીવન ઉપરનું ચિંતન અને મનન ખૂબ ઊંડું છે. જીવન અને જીવન જીવવાના રસ્તાઓ સરસ રીતે સમજાવ્યા છે. ખુબ ગમ્યા.
    મારા વિચારો.
    આ પૃથ્વિ ઉપર બે જાતના જીવો જન્મે છે. બન્નેમાં કુદરતે મુકેલો ‘ જીવ ‘ તેમને જીવંત રાખે છે. બન્ને જન્મે છે…જીવ સાથે. બન્ને મરે છે તેના જીવનને અંતે…જે નક્કિ નથી.

    (૧) પ્રાણિ અને (૨ ) વનસ્પતિ.
    બનને પછી જુદા જુદા નામે જન્મે છે. બનનેની શારિરિક અઅ ને માનસિક પરિસ્થિતિ જુદી જુદી હોય છે.
    પ્રાણિમાં ફક્ત જેને માણસ કહીઅે છીઅે તેને અપાયેલું મગજ ખૂબ વિકસેલું છે. જેના ફળો આજના વિજ્ઞાને બતાવ્યા છે. માનસિક પરિસ્થિતિ પણ….
    બીજા પ્રાણિઓને પણ મગજના જેવી ચેતાતંત્ર જેવી, વ્યવસ્થા કુદરતે આપેલી છે જેનો તેઓ લીમીટેડ ઉપયોગ કરે છે…પ્રાણિ દર પ્રાણિ કેની ક્ષમતા જુદી જુદી હોય છે.
    વનસ્પતિમાં પણ ચેતાતંત્ર હોય છે. તેનો ઉપયોગ લીમીટેડ હોય છે.
    હવે, જીવનું જીવન…..અેટલે કે….બન્ને…પ્રાણિ અને વનસ્પતિ….
    જીવન આ પૃથ્વિ ઉપર ફક્ત ત્રણ જીવન કર્મ કરવા માટે આવે છે….બઘા જ જીવો…
    (૧) જન્મ લેવો, (૨) પુખ્તવયના થવું અને પ્રજનન કરી પોતાનું કુટુંબ વઘારવું…તેની પેઠીઓ વઘારવી અને (૩) મરણ શરણ થવું.
    માણસ પણ આ ત્રણ સ્ટેજમાંથી પસાર થાય છે….તે પણ આ ત્રણ પગથીયે જીવન પુરું કરે છે.
    ફક્ત માણસ પાસે વિકસીત મગજ છે….આદી માનવના જીવનમાં જરુરીઆત મુજબ વૈજ્ઞાનિક શોઘો કરવામાં આવી. કુટુંબીક જીવન અને તેના નિતિનિયમો ઘડાયા….ખરા ખોટાની સમજ પડી, સારા ખરાબની સમજ પડી, અને ‘ માણસ ‘ ઘીમે ઘીમે ‘ માનવ ‘ બનવા માંડયો.
    ફક્ત માણસ…માનવતા વર્તતો થયો. પરંતું આજ મગજે તેને હિંસક પણ બનાવ્યો….બાકીનું માણસનું જીવન ેવું છે તે આપણે સૌ જાણીઅે છીઅે કારણ કે પહેલાં આપણે માણસ છીઅે અને તેમાંથી થોડા ‘ માનવ ‘ બની શક્યા છીઅે.
    પૃથ્વિને સ્વર્ગ બનાવવી હોય તો…હરેક માણસે ‘ માનવ ‘ બનવું જરુરી છે.
    જો માણસ માનવતા નહિ વર્તે તો આખરે તે અેક પ્રાણિ જ છે.
    માણસ જો માનવ બને તો …સ્વર્ગ તેનામાં પોતાનામાં છે…..
    આભાર.
    અમૃત હઝારી.

    Like

  2. જીવન અને જીવનશુદ્ધી અંગે-‘આપણે માનવી જીવનની વીશેષતા, જીવનની નશ્વરતા, માનવી બુદ્ધીનો પ્રભાવ, જીવનમાં શુદ્ધિનું મહત્ત્વ, સુખ વીશેની ભ્રાંતીમય કલ્પના, આદર્શ વીશેની પસંદગી, જીવનશુદ્ધીનો પ્રભાવને સમજીને વર્તીએ તો જ માનવતાની દૃષ્ટીથી આપણે કૃતાર્થ થઈશું’–વાતે આ.–કેદારનાથજીનો પ્રેરણાદાયી લેખ

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s