વંચીતતા અને વર્ણવ્યવસ્થા

વંચીતતા અને વર્ણવ્યવસ્થા

–સ્વામી સચ્ચીદાનંદ

ઉત્તમ સમાજવ્યવસ્થાના ઓછામાં ઓછાં ત્રણ લક્ષણો છે : 1. સૌને સન્માન મળે, 2. સૌને આજીવીકા મળે અને 3. સોને સુરક્ષા મળે. વર્ણવ્યવસ્થાએ ઈશ્વરીય ધાર્મીક રુપ ગ્રહણ કર્યું એટલે કેટલાક માણસો જન્મજાત ભુદેવ, પવીત્ર અને પુણ્યાત્મા થઈ ગયા. બીજી તરફ વીશાળ પ્રજા પાપાત્મા થઈ ગઈ. સવારના પહોરમાં તેમનું મોઢું જોવામાં પણ પાપ લાગવા માંડ્યું. કારીગરો, વસવાયાં ખેડુતો, મજુરો અને સ્ત્રીઓનું સ્થાન ઘણું નીચું આવી ગયું. સમાજવ્યવસ્થામાં કદાચ સૌને પુરેપુરું સન્માન ન મળે તો ચાલે પણ કોઈનું જન્મમાત્રથી અપમાન તો ન જ થવું જોઈએ. આપણે જ્યારે કોઈને જ્ઞાતી પુછીએ છીએ, ત્યારે ઉતરતી જ્ઞાતીના માણસો અત્યંત સંકોચ સાથે પોતાની જ્ઞાતી બતાવતા હોય છે. તેમને ભય હોય છે કે મારી જ્ઞાતી જાણ્યા પછી મારા પ્રત્યે અણગમો થશે. પ્રત્યેક માટે સન્માન એ જીવવા માટેની અનીવાર્ય આવશ્યકતા છે. જો કોઈ ધર્મ અથવા સમાજવ્યવસ્થા, કોઈ પણ કારણ વીના માત્ર જન્મના કારણે કોઈ વ્યક્તી કે વર્ણને અપમાનીત કરતી રહે તો તે પ્રજાનો ધર્મ ન કહેવાય. એક તરફ અકારણ જન્મમાત્રથી સન્માનીત અને બીજી તરફ અકારણ જન્મમાત્રથી અપમાનીત થતો વર્ગ હોય તો એકતા કેવી રીતે થાય?

ભારતના કોઈ ગામમાં જઈને જોજો. મુઠ્ઠીભર શસ્ત્રધારી પ્રજા, પુરા ગામની શસ્ત્ર વીનાની પ્રજાને રંજાડતી હોય છે. ગરીબ, કંગાળ, દુર્બળ અને પછાત પ્રજા તો ઠીક પણ સમૃધ્ધ પ્રજા પણ ફફડતી ફફડતી જીવન જીવતી હોય છે. કારણ કે તેમને પૈસા તો કમાતાં આવડે છે; પણ તેનું રક્ષણ કરવાની શક્તી તેમનામાં નથી. પેલી શસ્ત્રધારી પ્રજા રીવૉલ્વર, છરી, તલવારના જોરે પોતાનું ધાર્યું કરતી હોય છે. આવું કેમ થયું? ઉત્તર સ્પષ્ટ છે. વર્ણવ્યવસ્થાએ મુઠ્ઠીભર માણસોને શસ્ત્રધારી બનાવ્યાં અને બાકીના લોકોને શસ્ત્ર વીનાનાં બનાવ્યાં, એટલે પેલાં મુઠ્ઠીભર માણસો આખા ગામ ઉપર રંજાડ કરતાં રહે. સૌ તેમનાથી ડરે. વર્ણવ્યવસ્થાથી કાયરતા વધી. રંજાડ વધી. જો વર્ણવ્યવસ્થા ન હોત તો અમેરીકાના ખેડુતની માફક અહીંનો ખેડુત પણ શસ્ત્રધારી થયો હોત. તો તે નીડર અને ખમીરવાળો હોત, રંજાડ અને ગુંડાગીરી દુર્બળ માણસો ઉપર વકરતી હોય છે. વર્ણવ્યવસ્થાએ ઉત્પાદક તથા શ્રમજીવી પ્રજાને દુર્બળ બનાવી જેથી તે કાયમ માટે રંજાડનો શીકાર થતી રહી. મહેનત કરીને મરી જનારા મેલાં લુગડાં પહેરતા હોય અને રંજાડ કરીને જીવનારા ફુલફટાકીયા થઈને ફરતા હોય. અધુરામાં પુરું ધર્મગુરુઓ આવા રંજાડનારાઓના ગુરુઓ થવામાં ગોરવ લેતા હોય!

વર્ણવ્યવસ્થાથી જે સમાજ રચાયો તેની સૌથી ભુંડી અસર આજીવીકાના ક્ષેત્ર ઉપર પડે છે. ઉપરની જ્ઞાતીઓને આજીવીકાની જેટલી તકો સરળતાથી મળે છે તેટલી ઉતરતી જ્ઞાતીઓને કઠીતાથી પણ નથી મળતી. એક બ્રાહ્મણ સરળતાથી ભોજનાલય, હોટેલ વગેરેમાં ધંધો કરી શકશે, પણ જો આ જ ધંધો હરીજન, વણકર, ચમાર, વાઘરી, કોળી, ભીલ, સરાણીયા, બજાણીયા વગેરેમાંથી કોઈ કરશે તો તેનો ધંધો નહી ચાલે. ઉતરતી જ્ઞાતીઓને જીવવા માટે અત્યંત નાનું અને રસકસ વીનાનું ક્ષેત્ર મળ્યું છે. તેથી તે કંગાળ રહે છે. આ દરીદ્રતા માનવસર્જીત છે, ધર્મના શોષણથી થયેલી છે. તેને દુર કરવા ના તો કોઈ રાજા આવ્યો, ના કોઈ બાદશાહ આવ્યો, ના કોઈ ધર્મગુરુ આવ્યો, ના કોઈ અંગ્રેજ આવ્યો. ભારતમાં મોક્ષ અપાવનારા લાખો મોક્ષના ઠેકેદારો ફરે છે,

પણ રોજીરોટી અપાવનારા ક્યાં જોવા મળે છે? ગરીબ પ્રજા માટે મુળ પ્રશ્ન રોજીરોટીનો છે, મોક્ષનો નહીં. જયાં સુધી તેમના પ્રત્યે થયેલો ધાર્મીક તથા સામાજીક અન્યાય દુર નહીં કરાય ત્યાં સુધી વંચીતોને સ્વમાનપુર્વક પોતાની મેળે આજીવીકા મળવાની નથી. વર્ણવ્યવસ્થાએ ઉપરની વીસેક ટકા પ્રજા માટે એંસીથી નેવું ટકા સમૃધ્ધ આજીવીકાનું ક્ષેત્ર સુરક્ષીત રાખ્યું અને બાકીની એંશી ટકા પ્રજા માટે નીમ્ન કક્ષાની દસથી વીસ ટકાની આજીવીકાનું ક્ષેત્ર નીર્મીત કર્યું. આ રીતે વીશાળ પ્રજાને કારમી અને કાયમી ગરીબાઈમાં સબડતી કરી. પ્રત્યેકને પોતપોતાની યોગ્યતા પ્રમાણે આજીવીકાની સમાન તકો મળવી જોઈએ. પોતાની યોગ્યતાને વીકસાવવાની તથા વીકસીત યોગ્યતાનાં પુરાં ફળ પામવાની પુરેપુરી સંભાવના રહે તો પ્રજા સુખી અને સંપન્ન થાય.

સમાજરચના એવી હોય કે પ્રત્યેક વ્યક્તીને સુરક્ષાનું છત્ર મળે. પોતે પોતાના સમાજ દ્વારા સુરક્ષીત છે તેવી તેને દૃઢ પ્રતીતી થાય. એક ગરીબ મુસ્લીમ પોતાના સમાજ દ્વારા સુરક્ષાની જેટલી ગૅરન્ટી મેળવીને આશ્વસ્ત રહી શકે છે, તેટલો એક સમર્થ હીન્દુ પોતાના સમાજથી સુરક્ષીતતાનું આશ્વાસન નથી મેળવી શકતો. કારણ કે સમાજ જ નથી. એકતાનો આધાર જ નથી, ખાવું જુદું, બેસવું જુદું, વસ્ત્રો જુદાં, ભાષા જુદી, ઉચ્ચારણો જુદાં, લહેકા જુદાં, આચારવીચારો જુદાં, નામ જુદાં, કામ જુદાં, મંત્રો જુદા, દેવો જુદાં, શાસ્ત્રો જુદાં, પંથો જુદાં, ગુરુ ઓ જુદાં, મંડળો જુદાં, જ્ઞાતી જુદી, ગોળ જુદા, બસ જુદું જ જુદું વર્ણવ્યવસ્થાપ્રેરીત હીન્દુ સમાજ માત્ર બાદબાકી જ બાદબાકી છે. સરવાળો નથી, એટલે સુરક્ષા નથી,

–સ્વામી સચ્ચીદાનંદ

સ્મરણીય ઈન્દુકુમાર જાની સમ્પાદીત લોકપ્રીય પુસ્તીકા ‘આસુંભીનાં રે હરીના લોચનીયાં’માંથી.. સ્વામીજીના અને સમ્પાદકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : સ્વામી શ્રી સચ્ચીદાનંદજી, ભક્તીનીકેતન આશ્રમ, પો.બો.નં. 19, પેટલાદ – 388 450 ભારત ફોન :  (02697) 252 480

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–11–2021

6 Comments

  1. આ.સ્વામી સચ્ચીદાનંદ ના ખૂબ ચિંતન-મનન અને નાનપણથી સમાજ વ્યવસ્થાના અનુભવો સાથે વંચીતતા અને વર્ણવ્યવસ્થા અંગે ખૂબ સ રસ લેખ .
    તેમના આ પ્રશ્ન -‘એક ગરીબ મુસ્લીમ પોતાના સમાજ દ્વારા સુરક્ષાની જેટલી ગૅરન્ટી મેળવીને આશ્વસ્ત રહી શકે છે, તેટલો એક સમર્થ હીન્દુ પોતાના સમાજથી સુરક્ષીતતાનું આશ્વાસન મેળવી શકે છે? ભારતમાં મોક્ષ અપાવનારા લાખો મોક્ષના ઠેકેદારો ફરે છે; પણ રોજીરોટી અપાવનારા ક્યાંય જોવા મળે છે?’
    અંગે પહેલા આપણે, બાદમા સમાજ અને ત્યારબાદ સરકારની અપેક્ષા રાખવી જોઇએ.

    Liked by 1 person

  2. સ્નેહી ગોવિંદભાઇ,
    તમને હાર્દિક અભિનંદન. સ્વામીશ્રી સચ્ચિદાનંદજીનો કળયુગની આંખ અને મગજ ઉઘાડનારો લેખ તમે છાપ્યો. હિન્દુઓની આંખ અ ને મગજ ખોલવા આવા સત્યના લેખો છાપવા જોઇઅે.
    સ્વામીજીની બુક…‘ અઘોગતિનું મુળ…વર્ણવ્યાવસ્થા ‘દરેક હિન્દુઓઅે વાંચીને પોતાના જીવનમાં ઉતારવી જોઇઅે.
    સાથે સાથે સ્વામીજીની બીજી બુક …‘ નવી આશા ‘ વાંચીને જીવનમાં ઉતારીને હિન્દુ ઘર્મની રક્ષા કરવી જોઇઅે…
    અેકતા સાઘવી જ રહી. કળીયુગના જમાનામાં આવું જ થાય જેવા વિચારો હિન્દુઓને નિર્માલ્ય બનાવી રહ્યા છે.
    રોજીંદા બની બેઠેલા સાઘુઓ અને સન્યાસીઓ જે રીતે સામે બેઠેલાઓને ગેરમાર્ગે દોરે છે તેનાથી ચેતવવા જોઇઅે.
    મુસ્લીમોથી ચેતતા રહેવાનું છે….તે તો બરાબર છે પરંતું તેમનાથી રક્ષણ પામવાની પુરેપુરી તૈયારી કરવાની છે. મહાભારતમાં અર્જુન સામે પિત્રાઇઓને જોઇને હથિયાર હેઠા મુકી દે છે. ત્યારે તેના સારથી તેને સમજાવીને કહે છે કે અન્યાયનો હંમેશા સામનો કરવો જ રહ્યો…નાશ કરવો જ રહ્યો. આવા સમયે હિંસા જ યોગ્ય રસ્તો બને છે. અહિંસા જેવા આદર્શને પાળીને પોતાનું નિકંદન કાઢવાની વાત ખોટી છે. કૃષ્ણ જો હથિયાર ઉઠાવવાની સલાહ દેતા હોય તો ? અને મહાથારતનો જન્મ થયો. રાવણનો નાશ કરીને રામે અન્યાયનો નાશ કરેલો. રામે પણ હિંસાનો સાથ લીઘેલો. અહિંસા અે ફક્ત આદર્શવાદી શબ્દ છે…આજની દુનિયામાં ફક્ત હિંસાનું જ રાજ ચાલે છે….દરેક માનવી પોતાના અંગત જીવનને સચ્ચાઇથી યાદ કરી જૂઅે…અને હિંસા, અહિંસાનો તેના જીવનમાં રોલ મુલવી જૂઅે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. સાચા અર્થમાં ‘સ્વામી’ – સાધુ વ્યક્તિત્વ.. એમના લખેલા લેખો વાંચીને (અને સમજીને) હું મારા પોતાના જીવન-મૂલ્યો અંગે આત્મનિરીક્ષણ કરીને ઘણી વધારે સમાજ કેળવી શક્યો છું. એ માટે શ્રી સ્વામી સચ્ચિદાનંદ અને એમના જેવા ઘણાં વ્યક્તિ વિશેષનો આભારી છું અને રહીશ. આ બ્લોગ જે વ્યક્તિઓ ચલાવે છે અને સતત સારી વાંચન-વિચારની સામગ્રી પહોંચાડે છે, એમને માટે ગોવિંદભાઇ અને અન્ય સજ્જનો, સન્નારીઓનો આભાર માનું એટલો ઓછો છે. ~ હિમાંશુ ત્રિવેદી, ઑકલેન્ડ, New Zealand (Aotearoa)

    Like

Leave a comment