ભવીષ્યવેતાઓની ભવીષ્યવાણી : ન ઘેંસ ન ઘાણી

ભવીષ્યવેતાઓની ભવીષ્યવાણી : ન ઘેંસ ન ઘાણી

–ભગવાનજી રૈયાણી

જવાહરલાલ નેહરુ કહેતા…

“મુરખાઓ જ્યોતીષીઓ પાછળ દોડે છે અને ડાહ્યાઓ પોતાની બુદ્ધીશક્તી વાપરીને પોતાના પ્રશ્નોનો નીવેડો લાવે છે.” એની પહેલાં પાંચ હજાર વર્ષ પહેલાં મહાભારત ઉવાચ : ‘બ્રાહ્મણો પુજા કરાવીને પેટ ભરે છે. નક્ષત્ર જ્યોતીષ પર પ્રતીબંધ લાદવો જોઈએ.”

નેહરુ ભલે એમ માનતા. મહાભારતકર્તા વ્યાસજીના વીચારો એમને મુબારક. અમે તો અમારા દેશના 99 ટકા લોકોને જેમાં આંધળો વીશ્વાસ છે એવા જ્યોતીષીઓને પુછીને જ પાણી પીવાવાળા.

આડે પાટે ચડી જઈએ એ પહેલાં આજના નવા વરસના શુભદીને વરતારો શું કહે છે એ જોઈએ : 11 ફેબ્રુઆરી, 2011ના રોજ સાત ગ્રહ મકર રાશીમાં ભેગા થાય છે, જે ખળભળાટ મચાવશે. ચીન–પાકીસ્તાનની અવળચંડાઈ વીશ્વને યુદ્ધ તરફ ધલશે. જ્યોતીષીઓએ 12 રાશીઓ બનાવી છે. રાશીઓને મોઢે કહેવડાવ્યું છે કે ભક્તી, પુજા, શાંતી, પરીભ્રમણ, આરોગ્ય સુખાકારી, ધર્મકાર્ય, પત્ની–સંતાન–પરીવાર, આર્થીક સુખ, યશ–પ્રતીષ્ઠા, ધંધામાં બઢોતરી વગેરે ભાખીને બધાને ખુશ કરી દીધા. ‘કુદરતી’ આપત્તીઓ ગુજરાતમાં આવશે. મોદીનો પ્રભાવ ઘટીને કોંગ્રેસનો દબદબો વધશે.

આ લેખકે જે કંઈક સંશોધનો કર્યા છે એમાંના કેટલાક અંશોની વાત હવે કરવી છે.

આપણે જાણીએ છીએ કે ગ્રહો એ કંઈ જીવીત પદાર્થો નથી. તેઓ માટી, પથ્થર અને અગ્નીમાંથી ઉપજ્યા છે. કરોડો–અબજો માઈલ દુર હોઈને પ્રાણીસૃષ્ટીને અસર કરી શકે નહીં. છેલ્લાં 4800 વર્ષોમાં જ્યોતીષના સેંકડો વરતારા ખોટા પડ્યા છે.

વર્ષો પહેલા અંક્લેશ્વરના એક શીક્ષક અબ્દુલભાઈ વકાણીએ પડકાર કરેલો કે એમના પ્રશ્નોનો સાચો જવાબ આપનાર કોઈ પણ જ્યોતીષીને તેઓ બે લાખનું ઈનામ આપશે. હજી સુધી ઈનામ લેવા કોઈ આવ્યું નથી. જ્યોતીષના આરંભકાળથી અત્યાર સુધી ચંદ્ર, રાહુ–કેતુ, મંગળ, ગુરુ, શુક્ર, સુર્ય, શની એટલા ગ્રહો જ ફળાદેશ નક્કી કરવામાં વપરાતા પણ યુરેનસ, નેપ્યુન અને પ્લુટો તો પાછળથી શોધાયા. અગાઉના નડતા હોય તો આ છેલ્લા ત્રણ કેમ નહીં? આમાંના ચંદ્ર, રાહુ અને કેતુ પૃથ્વીથી ચાર લાખ કી.મી. દુર છે, એમાંય રાહુ–કેતુ તો તારા છે, ગ્રહ નથી અને બાકીના ગ્રહો તો આપણાથી 15 કરોડથી લઈને 170 કરોડ કી.મી. દુર છે. તેઓ બધા આપણી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? અને આપણા પર પ્રભાવ પાડે તો પશુ–પક્ષી, વનસ્પતી, જીવ–જંતુ પર તો એમની કોઈ અસર દેખાતી નથી..

જાન્યુઆરી, 1980માં જનતા પક્ષની સરકાર તુટી પડી. ફરી ચુંટણી થઈ અને કોંગ્રેસના સર્વેસર્વા ઈન્દીરા ગાંધી ફરી પાછા વડા પ્રધાન બન્યાં. એ ચુંટણી પહેલાં ‘વીખ્યાત જ્યોતીષી બી. વી. રામને ભવીષ્ય ભાખ્યા હતા :

જનતા પક્ષ વીલીન નહીં થાય, પણ વધુ મજબુત બનશે. ગ્રહોની ગતી બતાવે છે કે જનતા પક્ષ ફરીથી સરકાર બનાવશે, પણ આ રામનસાહેબનું તો બધું જ ઉધું પડ્યું.

એસ્ટ્રોલોજીકલ મેગેઝીન નામના સામયીકે છાપ્યું :

ઈન્દીરા ગાંધીની કોંગ્રેસની સીટો (1979ની ચુંટણી કરતાં જ્યારે એમણે ગાદી ગુમાવી હતી). આ 1980ની ચુંટણીમાં વધશે; પણ વડાપ્રધાન તો નહીં જ બની શકે અને ભવીષ્યમાં પણ ક્યારેય સરકાર નહી રચી શકે.

યાદ કરો. ફીનીકસ પંખી જેમ રાખમાંથી નવજીવીત થાય એમ ઈન્દીરા ગાંધી નેહરુ 1979માં જનતા જુવાળમાં એવા તણાઈ ગયાં કે તેઓ અને ઈન્દીરાપુત્ર સંજય બન્ને પોતપોતાની સીટો હારી ગયાં. ભૃગુસંહીતાના વીદ્વાન પંડીત રાસબીહારી દાસ જેમણે ઈન્દીરાજીને અનાર્ય નારી કહ્યાં. એમણે સો ઉપરાંત જન્માક્ષરોનો અભ્યાસ કર્યો હતો. એમણે મોરારજી દેસાઈને 1982 સુધી ગાદીનશીન કર્યા પણ એમને તો ચરણસીંહે 1979માં જ ઉથલાવી નાખ્યા.

જ્યોતીષનાં ભાઈ–બહેનો પણ ઘણાં છે, જેમ કે વાસ્તુ, રેકી, ફેંગશુઈ, ટેરોટ, ફેસ રીડીંગ, હસ્તરેખા, ઝોડીયાક રીંગ્સ, રાશીફળ, રુદ્રાક્ષ થેરેપી, જનમમરણની જાણકારી વગેરે વગેરે.

 ખગોળશાસ્ત્રી ડૉ. જયંત નાર્લીકર કહે છે કે જ્યોતીર્વીજ્ઞાન આપણા દેશને સદીઓ પહેલાંના મધ્યયુગમાં લઈ જશે.

આવા લેભાગુઓને પાસળાં કરવા માટે આપણે ત્યાં બે સુંદર કાયદાઓ છે : ‘ડ્રગ્સ એન્ડ મેજીક રેમેડીઝ (ઓજેકશનેબલ એડવર્ટાઈઝમેન્ટસ) એકટ, 1954 અને બીજો ‘મહારાષ્ટ્ર ઈરેડીકેશન ઑફ બ્લેક મેજીક એન્ડ ઈવીલ ઍન્ડ અઘોરી પ્રેક્ટીસીસ એકટ, 2005’. આ બન્ને કાયદા કોગ્નીઝેબલ ઓફેન્સ એકટસ ગણાય છે, જેમાં ગુનો કરનારની તત્કાલ ધરપકડ થઈ શકે અને ત્યાર બાદ એની ઈક્વાયરી, એફ.આઈ.આર. અને કોર્ટમાં કેસ દાખલ કરીને પોલીસ ચાર્જશીટ ફાઈલ કરી શકે છે; પણ કામ કરતી સરકાર આપણે ક્યાં શોધવા જવી?

વીસેક વર્ષ પર દુનીયાના 186 વીજ્ઞાનીઓ ભેગા થયા એમાં વીસ તો નોબેલ પ્રાઈઝ મેળવેલ વીજ્ઞાનીઓ હતા. એમણે સર્વાનુમતે નીવેદન બહાર પાડ્યું કે જે લોકો જ્યોતીષમાં આસ્થા રાખે છે એમણે જાણવું જોઈએ કે જ્યોતીષને કોઈ વૈજ્ઞાનીક આધાર નથી; પણ એની વીરુદ્ધની સાબીતીઓ છે.

તથાગત્ બુદ્ધ કહે છે કે કોઈ પણ વ્યક્તીએ જેની વીશ્વાસપાત્ર સાબીતી ન હોય એને માનવી નહીં, દયાનંદ સરસ્વતી કહેતા કે માણસ ધનવાન કે ગરીબ તે પોતાનાં કર્મોથી બને છે. ગ્રહોથી નથી બનતો.

અંકશાસ્ત્રના મોહમાં અજય દેવગણે અટકમાંથી ‘એ’ અક્ષર પડતો મુક્યો. ઢોંગીબાબાએ અપશુકનીયાળ ગણેલી દીકરીને બાથરુમમાં ગોંધી મારી નાખનારી માતાને ત્રણ દીવસની સજા. મુનીર ખાને એકટ્રેસ તબસુમ, અન્ય એકટર્સ, ડાયરેકટર્સ અને પોલીસોને પણ ફસાવ્યા. એક ક્લીનીકમાંથી 21 જણને પકડ્યા; પણ કોઈ પણ રોગને મટાડવાનો દાવો કરનાર મુનીર ખાન પોલીસને હાથતાળી દઈ ગયો. 13મી ડીસેમ્બર પહેલા લગ્ન આટોપો, પછી પાંચ મહીના મુરત નથી, તાંત્રીકે નવજાતના પેટે ડામ દીધા, ચુંટણી પરીણામ ભાખી બતાવો અને 21 લાખ રુપીયા જીતો : અંધશ્રદ્ધા નીર્મુલન સમીતી 11 કલાકમાં સો ટકા ઉકેલનું જુઠાણું. લગ્ન બાદ બાળક નહીં થવાથી પત્નીને તાંત્રીકને હવાલે કરનારા પતી અને તાંત્રીકની ધરપકડ. આ છે માત્ર થોડા નમુના.

વીર નર્મદ દક્ષીણ ગુજરાત યુનીવર્સીટીના પુર્વ ઉપકુલપતી ડૉ. બી. એ. પરીખે એક પુસ્તીકા લખી છે. તેમણે 1503માં જન્મેલ ફ્રાન્સના આજ સુધીનો સૌથી મહાન જ્યોતીષી નોસ્ટ્રેડેમસ વીશે લખ્યું છે :

નોસ્ટેડેમસે આગામી હજાર વર્ષમાં બનનારી ઘટનાઓની આગાહી કરી છે. એણે ભાખેલી મોટા ભાગની આગાહી ખોટી પડી છે.

ડૉ. પી એમ ભાર્ગવ આપણા એક વૈજ્ઞાનીક છે. તેઓ હૈદરાબાદ સ્થીત સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મોલેકયુલર બાયોલૉજી સંસ્થાના સ્થાપક અને નીયામક છે. સરકારે એમને પદ્મભુષણથી સન્માનીત કર્યા છે. એ ઉપરાંત એમને અન્ય અનેક એવોર્ડ મળ્યા છે. 2001ની સાલમાં દેશમાં ડૉ. મુરલી મનોહર જોશી શીક્ષણ પ્રધાન હતા (વાજપેયી સરકારમાં) ત્યારે તેમણે ‘યુનીવર્સીટીઓમાં જ્યોતીર્વીજ્ઞાન અને ધાર્મીક વીધીઓ માટેના કોર્સ દાખલ કર્યો. કેટલીક યુનીવર્સીટીઓ ઘેલી થઈ ગઈ. એમણ આદેશને અનુરુપ પગારદાર અધ્યાપકો (ડીગ્રી વગરનાસ્તો) આવું ભણાવવા માટે અને બેત્રણ વર્ષે કોર્સ પુરો થયે ડીગ્રી એનાયત કરવાની યંત્રણા ઉભી કરી દીધી.

ડૉ. ભાર્ગવે આંધ્રપ્રદેશ હાઈ કોર્ટમાં જનહીત યાચીકા (પીઆઈએલ) કરી. કોર્ટે એમની પીટીશન એમ કહીને ડીસમીસ કરી કે આ એક સરકારનો પોલીસી ડીસીઝન છે અને અમે આ વીષયના નીષ્ણાત નથી. લ્યો કરો વાત. પોલીસી ડીસીઝન તો માત્ર સરકારી પરીપત્ર છે. જેને કાનુનનો આધાર હોય કે ન પણ હોય, પણ હોય તો પણ અદાલત એને એ અયોગ્ય અને પ્રજાવીરોધી હોય તો રદબાદલ કરી શકે છે. ડૉ. ભાર્ગવ એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા. શાંતીભુષણ, દેશના સર્વોચ્ચ વકીલોમાંના એક, એમણે દલીલ કરી કે જ્યોતીષ એ કંઈ વીજ્ઞાન નથી; પણ સુપ્રીમ કોર્ટે આ કેસમાં દરમીયાનગીરી કરવાની ના પાડી દીધી. અને શાસનને જાણે ગ્રહણ ટાણે એરુ આભડી ગયો પરીણામે ભારતીય લશ્કરના હીંદુ, મુસ્લીમ, ખ્રીસ્તી કે અન્ય જવાનોને આ ફતવાશીક્ષણ આપવા માટે ‘ગુરુઓ’ની મસમોટી જાહેરખબરો આપીને ભરતી થઈ ગઈ.

આ લેખક જે સીવીલ એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતો એક સામાન્ય સ્નાતક છે, એડવોકેટ થયો નથી; પણ ડૉ. ભાર્ગવની પીટીશનની સુનાવણી થાય એ પહેલાં આજ વીષય પરની મારી પીટીશનની સુનાવણી સુપ્રીમ કોર્ટે હાથ ધરી. ફોરમ ફૉર ફેઅરનેસ ઈન એજ્યુકેશન નામની સંસ્થા વતી 8મી ઑક્ટોબર, 2001ના રોજ મેં જસ્ટીસ ભરુચા, સાભરવાલ અને અશોક ભાણની ખંડપીઠ સામે દલીલો કરી; પણ એમણે મારી પીટીશન એમ કહીને ડીસમીસ કરી કે ડૉ. ભાર્ગવની પીટીશન અમારી સામે પેન્ડીંગ છે અને એમાં તમારા જેવા જ મુદ્દાઓ છે, જેને અમે સાંભળીશું!

લગભગ આ જ અરસામાં કેનેડાથી એક ‘ડીવાઈન હીલર’ (દેવીકૃપાથી દુઃખ મટાડનાર) નામે ક્લાઈવ હેરીસ મુંબઈની એક હોટલમાં ઉતરીને હોલ અને મેદાનો ભાડે રાખીને ‘ચમત્કાર’નો ધંધો માંડી બેઠો. રુા. 25,000/-ની કન્સલ્ટેશન ફી, લોકોની લાઈન લાગે. કોઈ ટ્રસ્ટે એને અહીં બોલાવેલ. હું પોલીસને લઈને એને મળવા ગયો પણ કંઈ થયું નહીં; પછી હાઈ કોર્ટમાં ગયો અને એણે બીસ્તરા પોટલાં બાંધીને સ્વદેશ પ્રયાણ કર્યું.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ’ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ’ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.  

‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 23 નવેમ્બર, 2020ના રોજ પ્રગટ થયેલ આ લેખ, લેખકશ્રીના અને ’મીડ ડે’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floor, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone (O): (022) 2614 8872 eMail: fastjustice@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,   ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 05–11–2021

6 Comments

 1. વાંચકો ની જાણ માટે :

  મુસ્લિમ સમાજ માં પણ આવા ભવીષ્યવેતાઓ અને જ્યોતીષીઓ નો પાર નથી. પરંતુ મુસ્લિમ ધર્મ માં આવા તમાશા માટે કોઈ સ્થાન નથી. એટલે કે મુસ્લિમો ના ધર્મ શાસ્ત્ર માં આ વિષે કશું પણ કહેવામાં આવેલ નથી. તથા મુસ્લિમો ના પયગંબર સાહેબે પણા આવા ધતીંગો માટે ચેતવણી આપેલ છે કે ઇસ્લામ ધર્મ માં નજુમ અને નજુમી ( જ્યોતીષ શાસ્ત્ર અને જ્યોતીષી ) માટે કોઈ સ્થાન નથી.

  ખરી રીતે તો આ એક ધંધો છે જેના થકી આવા પાખંડીઓ અંધ શ્રદ્ધાળુઓ પાસે થી પૈસા પડાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. .

  Liked by 1 person

 2. ‘ઢોંગીબાબાએ અપશુકનીયાળ ગણેલી દીકરીને બાથરુમમાં ગોંધી મારી નાખનારી માતાને ત્રણ દીવસની સજા. મુનીર ખાને એકટ્રેસ તબસુમ, અન્ય એકટર્સ, ડાયરેકટર્સ અને પોલીસોને પણ ફસાવ્યા. એક ક્લીનીકમાંથી ૨૧ જણને પકડ્યા; પણ કોઈ પણ રોગને મટાડવાનો દાવો કરનાર મુનીર ખાન પોલીસને હાથતાળી દઈ ગયો’ આવા દ્રુષ્ટાંતો દ્વારા દરેક ક્ષેત્રમા હોય છે તેમ ઢોંગી જ્યોતીષીઓને અંગે જન જાગૃતિનું કામ સતત ચાલુ રાખવું જોઇએ. આવી વાતોમા જાગૃતિની ગતી ધીમી હોય છે .
  જ્યોતિષવિદ્યાના ચોક્કસ મૂળતત્વોની મા્યતા દર્શાવવા માટે પોતાનું જીનવ સમર્પિત કરનાર ફ્રેન્ચ મનવૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી મિશેલ ગૌક્વેલિને, લખ્યું હતું કે તેમણે કેટલાક ગ્રહોની સ્થિતિ અને ઇશ્વરીય પ્રેરણા જેવા ચોક્કસ માનવ ઘાત વચ્ચે સહસંબંધ શોધી કાઢ્યો છે. ગૌક્વેલિનનો મોટે ભાગે જાણીતો ખ્યાલ મંગળની અસર છે, જે દર્શાવે છે કે જાણીતા રમત વિજેતાના જન્મ સમયે આકાશમાં ચોક્કસ સ્થાન ગ્રહણ કરે છે, જ્યારે સામાન્ય વ્યક્તિના જન્મ સમયે આવું થતું નથી. સમાન પ્રકારનો ખ્યાલનું રિચાર્ડ ટાર્નસ દ્વારા તેમની કૃતિ કોસ્મોસ એન્ડ સાયચેમાં ,સંશોધન કરવામાં આવ્યું છે, જેમાં તેઓ ગ્રહોની ગોઠવણી અને ઐતિહાસિક અગત્યની ઘટનાઓ અને વ્યક્તિગત વચ્ચે સમાનતાની ચકાસણી કરે છે. તેમના ૧૯૯૫માં મૂળભૂત પ્રકાશનથી, મંગળની અસર અભ્યાસનો વિષય રહ્યો છે.
  અમને અને અમારા જેવા અનેકોને જ્યોતિષ અંગે સારા અનુભવો થયા છે.
  જ્યોતિષવિદ્યામાં વૈજ્ઞાનિક સંશોધનો હાથ ધરવા માટે મહત્વના અંતરાયો છે, જેમાં ભંડોળનો અભાવ જ્યોતિષીઓ દ્વારા વિજ્ઞાન અને આંકડાશાસ્ત્રની પાશ્ચાદ ભૂમિકાનો અભાવ, અને સંશોધન કરતા વિજ્ઞાનીઓ અને સંશયકારો દ્વારા જ્યોતિષવિદ્યામાં કુશળતાના અભાવનો સમાવેશ થાય છે
  પ્રવર્તમાન વર્તણૂંક અને કેટલાક જ્યોતિષવિદ્યાના વિરોધીઓના હેતુઓ ચકાસવામાં આવનારી કલ્પનાની રચના, પરીક્ષણ હાથ ધરવું અને પરિણામો જાહેર કરવામાં સભાનપૂર્વકના અને સભાનતા વિનાના પક્ષપાતો રજૂ કરે છે.
  દરેક ક્ષેત્રમા ઢોંગી હોય છે તબિબિ ક્ષેત્રે જેને ભૂલ ગણાવે છે તેમા-‘Recent studies of medical errors have estimated errors may account for as many as 251,000 deaths annually in the United States (U.S)., making medical errors the third leading cause of death.’
  આવી સ્થિતીમા સુકા ભેગુ લીલુ પણ ન બળે તેનું ધ્યાન રાખી જ્યોતિષ વિદ્યાને ખોટી ગણવાને બદલે તેના નામે ધંધો કરનાર ઢોંગીઓને માટે જાગૃતિનુ કામ કરવું જોઇએ.

  Liked by 2 people

 3. મિત્રો,
  શુભ દિપાવલી અને શુભ વિક્રમ સંવત ૨૦૭૮ ની હાર્દિક શુભેચ્છાઓ.
  જ્યોતિષી…અે અેક હજારો વરસથી જીવંત પ્રશ્ન છે….તેને ખોટો સાબિત કરવા ઘણા ઘણા મહાન જ્ઞાનીઓઅે પ્રયત્નો કર્યા છે. કોઇ સફળ થયું નથી. ભણેલાં ગણેલાં વિજ્ઞાનીઓ, ઓફીસરો, ઉદ્યોગોના માલિકો…અને કોણ કોણ નથી માનતું ?
  સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક ‘ નવી આશા‘ જરુરથી વાંચો. તેઓઅે પણ આ વિષય ઉપર જ ઘણું લખ્યુ છે.
  ફક્ત ભારતિયો નહિ વિશ્વના લગભગ દરેક દેશોમાં જ્યોતિષ તેના જુદા જુદા સ્વરુપે જીવંત જોવા મળે છે….કારણ….જ્યોતિષ દરેક માનવીના હૃદયમાં, મગજમાં અને લોહીમા, જીન્સમાં વણાય ગયેલું છે.
  આ ખોટે રસ્તેથી પાછા વળવું લગભગ અશક્ય છે.
  ફક્ત અેક જ રસ્તો છે….દરેક ઇન્ડીવિજ્યુઅલ પોતે પોતાના વિચારો અને કર્મમાં ઉતારવાથી બહાર નિકળે.
  આ જ્યોતિષી વિજ્ઞાન ( ?) ને સહારે પોલીટીશીયનો જીવે છે…લોકોને ‘ ઉલ્લુ ‘ બનાવવામાં સફળ બને છે.
  જ્યોતિષિમાં માનનાર કદાચ ઓપનમાં તેનો વિરોઘ પણ કરતાં દેખાતા હશે. મુખમેં રામ બગલમેં ખુરી જેવો ઘાટ…..
  અમૃત હઝારી.

  Liked by 1 person

 4. પરિણામ માટે સાધનનો વાંક કાઢનારને શું કહેવું? ચપ્પુ થી શાક સુધારાય અને ઈજા કે ખૂન પણ થાય તો જવાબદાર કોણ?
  અંધ શ્રદ્ધા અને શાસ્ત્રજ્ઞાનનો તફાવત ન કરી શકે તે અજ્ઞાની જાંણવો.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s