ત્રણ કુટુંબના ચાર સાપ

કુટુંબ : કોલુબ્રીડે (Colubridae)

  1. ધામણ, ચીતવાડું, ખેતરીયું બીનઝેરી
    Indian Rat snake or Dhaman (Ptyas mucosa)

આ સાપ ગુજરાતનાં મેદાનમાં મુખ્યત્વે વસે છે; પરન્તુ સર્વત્ર છે વત્તે અંશે મળી આવે છે. ધામણ એટલે સંસ્કૃતમાં દોરડું એવો અર્થ થાય છે. દોરડાં જેવી લાંબી કાયાને લઈને આમ કહેવાયું હશે. જયારે અંગ્રેજીમાં Rat snake તેના ઉંદર ખાવાનાં પ્રીય શોખને લઈને કહેવાયું છે.

મજબુત, ત્રીકોણ પડતી લાંબી કાયાથી તે અલગ તરી આવે છે. કાયાની કુલ લંબાઈના ત્રીજા ભાગ જેટલી લાંબી પુંછડી હોય છે. પીળાશ પડતી કે લીલાશ પડતાં ભુખરા કથ્થાઈ રંગની તેની કાયા ઉપર કાળી છુટક આડી રેખાઓ, એ તેની સાદી ઓળખ છે. માથું ગળા કરતાં પહોળું હોય છે, ગળાનો ભાગ ખાસ્સો સાંકડો છે. ગળું પાતળું અને ખાસ્સુ લાંબુ છે. મોં પણ નાનું છે. જુવાન ધામણ કરતાં, પુખ્ત ધામણ વધુ ઘેરા રંગની હોય છે. આંખો પ્રમાણમાં મોટી અને બહાર વધુ ઉપસેલી જણાય છે. આંખની કીકી ગોળ અને નેત્રબીંદુ પીળું છે. હોઠ અને ગળું સફેદ છે. જયારે નીચેના હોઠ ઉપર આડી કાળી રેખાઓ જણાય છે, પુંછડી લાંબી હોય છે. પેટાળ પીળુ કે પીળાશ પડતું સફેદ હોય છે.

શરીરની મધ્યમાં પીઠ ઉપર મહત્તમ 19ની હરોળમાં ભીંગડાં હોય છે. જયારે પેટાળનાં ભીંગડાં 190થી 213 હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 100થી 146 અને વીભાજીત હોય છે. જયારે અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

મુખ્યત્વે ઉંદરના દર, ઝાડની બખોલો, ડાંગરનાં ખેતરો, નળીયાં કે છાપરાંનાં પોલાણો વગેરે જગ્યાએ જોવા મળે છે. આ સાપ દીવાચર છે. માનવ વસ્તી ઓછી હોય ત્યાં દીવસે પણ બેધડક બહાર ફરતો જોઈ શકાય છે. તે ખુબ સારો તરવૈયો છે. તેથી જ કદાચ પાણીમાંના દેડકાં આરોગતો જોઈ શકાય છે. વૃક્ષ ઉપર ચડવું પણ તેના માટે રમત વાત છે. પક્ષીઓ અને તેમના ઈંડા આરોગે છે. ઘણી વખત તે ઝાડની ટોચ સુધી પહોંચી જાય છે. આ સાપ દેખાવમાં અને વર્તનમાં પહેલી નજર નાગને મળતો આવે છે. જો કે થોડીક બારીક નજરે જોતાં તરત જ અલગ તારવી શકાય છે.

દીવાચર સાપ છે. ભારતના સહુથી ઝડપી અને ચપળ સાપ પૈકીનો એક છે. તે ઘણાં બધાં રંગમાં મળી આવે છે, પણ તેની ભાત એક સરખી જ હોય છે. અગાઉ જોયું તેમ આ સાપની પુંછડી લાંબી છે. તેથી જ આપણે જયારે તેને પકડીએ છીએ ત્યારે તે તેની લાંબી પુંછડીની મદદથી શરીર ઉપર ગાંઠ જમાવવા પ્રયત્ન કરે છે. તેને પકડવા જતાં, શરુઆતમાં ખુબ આક્રમક જણાય છે. પછી ક્રમશઃ ટેવાઈ જાય છે. હુમલો કરવાનો હોય ત્યારે મોં અધ્ધર કરે છે, ગળુ ફેલાવે છે, અવાજ કરે છે, અને આક્રમણ કરે છે. તેને પ્રથમ પકડીએ છીએ ત્યારે અવસારણી માર્ગમાંથી ગંધાતું પ્રવાહી છોડે છે. તેને બંધનાવસ્થામાં પણ આસાનીથી રાખી શકાય છે. તે ગમે તેવા વાતાવરણથી ટેવાઈ જાય છે. સમ્પુર્ણ બીનઝેરી સાપ છે; પરન્તુ તે કરડે તો, ક્યારેક સાધારણ ચકકર જેવું લાગે છે અને મોઢામાં લાળ પણ વધુ આવે છે.

ખોરાકમાં મુખ્યત્વે ઉંદર, ત્યારપછી પક્ષી, ઈંડા, દેડકાં, કાચીંડા અને જે ઉપલબ્ધ હોય તે બધુ આરોગે છે. નાના શીકારને ભીંસમાં લઈ, ગુંગળાવી મારી ખાવા કરતાં, સીધો જ મોંમાં પકડી જીવતો જ ગળી જાય છે, ક્યારેક શીકારને મોંમાં દબાવી, ખુબ દબાણ આપીને મારીને પણ ખાય છે.

સંવનન મુખ્યત્વે ગરમીની શરુઆતના દીવસોમાં થાય છે. એક પ્રજનનમાં તે 6થી માંડીને 20 સુધી ઈંડા મુકે છે. તેના ઈંડા લાંબા અને પ્રમાણમાં પાતળા હોય છે. ઈંડા સેવવાનો ગાળો લગભગ 60 દીવસનો છે. ઈંડામાંથી તરતના બહાર નીકળેલા બચ્ચાં જન્મ સમયે 18 ઈંચ જેટલી લંબાઈના હોય છે.

સામાન્ય રીતે 5 ફુટથી 8 ફુટ સુધીની લંબાઈમાં જોવા મળતો આ સાપ ગુજરાતમાં અજગર પછી બીજા નંબરે થતો લાંબો સાપ છે. તેની મહત્તમ લંબાઈ 11 ફુટ 9 ઈંચ નોંધાઈ છે. સમગ્ર ગુજરાતમાં મળી આવતો સામાન્ય સાપ છે.

  1. રજવાડી સાપ, કેવડીયો સાપ, રજત બંસી સાપ બીનઝેરી
    Black–headed Royal snake, Diadem Snake (Spalerosophis atriceps)

એકદમ ઝાંખા બદામી કે નારંગી પીળાશ પડતો ભુખરો વાન ધરાવતા, આ સાપની પીઠ ઉપર ઘેરા બદામી કે કાળાં, અનીયમીત ગોળાકાર ધબ્બાં હોય છે. પડખામાં આવા ધબ્બાં નાના થતાં જાય છે. મોંનો ભાગ ભુરો કાળો હોય છે. ખાસ કરીને આંખોની આસપાસનો ભાગ ઘેરો કાળો હોય છે. ગળા પછી પીઠ ઉપર અડધે સુધીનો ભાગ લાલ હોય છે. પેટાળ ગુલાબી સફેદ છે અને પેટાળમાં નાનાં ઝાંખા કાળા ધબ્બા હોય છે. પુંછડી શરીરની કુલ લંબાઈના ચોથા ભાગ જેટલી હોય છે. ગળું સાંકડું હોઈ, માથું તથા ધડ સ્પષ્ટપણે અલગ જણાય છે. શરીરના ભીંગડાં બરછટ છે. આપણે ત્યાં થતાં સાપમાં આ એક એવો સાપ છે, જેની વૃદ્ધીની સાથે સાથે તેના રંગમાં ફેરફાર થતાં રહે છે. જુવાન સાપ અને પુખ્ત સાપ વચ્ચે કલ્પી ન શકાય એટલો ફેર જણાય છે. દેખાવમાં ભવ્ય લાગે છે.

શરીરની મધ્યમાં મહત્તમ 33ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળમાં 216થી 250 ભીંગડાં હોય છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 82થી 112 હોય છે. જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

આ સાપ નીશાચર છે. ચોમાસામાં ખુબ સચેત તથા પ્રવૃત્ત રહે છે. જયારે તેને છંછેડવામાં આવે છે, ત્યારે તે ગુંચળામાં ગોઠવાઈને જોરથી ફુંફાડા મારે છે. જો કે તે ભાગ્યે જ કરડે છે. તેની એક ખાસીયત વૃક્ષો, ઝાડી, ઝાંખરામાં ફરવાની છે. વૃક્ષ ઉપર ખુબ જ સરળતાથી ચઢી શકે છે. વૃક્ષો અને ઝાડીઓમાં વધુ જોવાય છે. ઉંદરનાં દર તથા ખડકનાં પોલાણોમાં આ સાપ રહે છે.

ખોરાકમાં મુખ્યત્વે ઉંદર, નાના કૃતક પ્રાણી, પક્ષી, ઈંડા, ગરોળી વગેરે છે.

ઈંડા મુકતો સાપ છે, જો કે વીગતવાર માહીતી ઉપલબ્ધ નથી.

તરતનાં જન્મેલા બચ્ચાં 19 ઈંચ જેટલાં હોય છે. જયારે મહત્તમ 6 ફુટ 7 ઈંચ નોંધાયો છે. ગુજરાતમાં તે કચ્છ અને ઉત્તર ગુજરાતનાં સુકા અને આંશીક સુકા એવા પ્રદેશોમાં જોવા મળે છે.

કુટુંબ : સીબાયનોફીડે (sibynophidae)

  1. શ્યામ શીર સાપ બીનઝેરી
    Dumeril’s Black–headed Snake, Jerdon’s many tooth Snake (Sibynophis subpunchtatus)

ઝાંખો બદામી રંગ ધરાવતા આ સાપની પીઠની મધ્યભાગમાં સળંગ નાના કાળાં, ગોળ ટપકાંની હરોળ હોય છે. માથું અને ગળું ઘટ્ટ બદામી કે કાળું હોય છે. ઉપલા હોઠ ઉપરથી લઈને આંખો સુધીનાં ભાગમાં મોંની ચોડાઈ જેટલી પીળા રંગની પટ્ટી હોય છે. આંખોની પાછળ પીળા રંગનાં બે ધબ્બાં હોય છે તથા ગળા ઉપર સફેદ રંગનો પટ્ટો હોય છે. પેટાળનાં પડખેના દરેક ભીંગડાંમાં કાળા ટપકાં હોય છે. પેટાળનો ભાગ લીલાશ પડતો કે પીળો હોય છે. હોઠ પીળા રંગનાં હોય છે. શરીર પાતળું અને સુંવાળુ છે. માથું ગળા કરતાં થોડુંક વધુ પહોળું હોય છે. આંખો કાળી છે, તથા કીકીનું રંધ્ર ગોળ છે. આ સાપ આપણે ત્યાં થતા સૌથી નાના ઝેરી પ્રવાળ સાપ (Slender Coral Snake) જેવો દેખાય છે.

પીઠ ઉપર શરીરનાં મધ્ય ભાગમાં 17ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળનાં ભીંગડાં 172થી 215 હોય છે, જયારે પુંછડીના પેટાળના ભીંગડાં 60થી 76 હોય છે. જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત છે.

મુખ્યત્વે ડુંગરો ગમે છે, પરન્તુ બધા વીસ્તારમાં જોવા મળે છે.

દીવસ અને રાતે બન્ને સમય દરમીયાન પ્રવૃત્ત હોય છે. પાંદડાનાં ઢગલાં નીચે, પત્થરો નીચે અને લાકડાનાં ઢગલામાં ખાસ જોવા મળે છે.

ખોરાકમાં ગરોળી, નાના કાચીંડા, નાગ બામણી, નાના સાપ, અળસીયા વગેરે છે. એક પ્રજનનમાં 2થી 5 ઈંડા મુકે છે. બચ્ચાં જન્મ સમયે 3 ઈંચ જેટલાં હોય છે.

સરેરાશ લંબાઈ 10 ઈંચ જેટલી હોય છે, પરન્તુ મહત્તમ 18 ઈંચ સુધી પણ જોવા મળે છે. આ સાપ અસામાન્ય નથી. સમગ્ર ગુજરાતમાં છુટો છવાયો મળી આવે છે.

કુટુંબ : લમપ્રોફીડે (Lamprophidae)

  1. રેતીયો સાપ (કોન્ડેનરસ) આંશીક ઝેરી
    Condanarus Sand Snake (Psammophis condanarus)

લીલો બદામી કે પીળાશ પડતો લીલો બદામી વાન હોય છે. તેની ઉપર ઘટ્ટ બદામી રંગના પટ્ટા હોય છે. આવા પટ્ટા ભુરા બદામી, કે કાળાં પણ હોઈ શકે છે. પટ્ટા માથાથી શરુ થાય છે, તે સમગ્ર શરીરની લંબાઈ ઉપર હોય છે અને પુંછડીના છેવાડા સુધી જાય છે. પેટાળ પીળાશ પડતું સફેદ છે. પેટાળનાં ભીંગડાંઓ પડખામાં જયાં સ્પર્શે ત્યાં કાળી રેખા હોય છે. કાયા લાંબી તથા પાતળી છે, ભીંગડાં સુંવાળા છે. પેટાળના ભીંગડાં પડખા તરફ જતાં ગોળ થાય છે. માથું પ્રમાણમાં લાંબુ છે. આગળનાં ભાગે જતાં ઉપસેલું લાગે છે. ગળાં કરતાં માથું થોડુ વધુ પહોળું છે. આંખો મોટી, ગોળ છે. આંખોનું રંધ્ર પણ ગોળ અને કાળું હોય છે, જેને ફરતે સોનેરી કીનારી હોય છે, પુંછડી લાંબી છે.

પીઠ ઉપર મધ્યમાં ભીંગડાં મહત્તમ 17ની હરોળમાં હોય છે. પેટાળનાં ભીંગડાં 165થી 179 હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં વહેચાયેલા હોય છે, જે નરમાં 85થી 93 અને માદામાં 75થી 85 હોય છે. ઉપરનાં જડબાંમાં અંદરનાં છેવાડામાં, બે દાંત મોટા, પોલાં અને અંદરની તરફ વળેલાં હોય છે, જે વીષ સ્ત્રાવ કરી શકે છે. આંશીક ઝેરી સાપ છે.

દીવાચર સાપ છે. આ સાપ પણ સામાન્ય રેતીયા સાપની જેમ માટી કે રેતીમાં જ નથી રહેતો, વૃક્ષો ઉપર સરળતાથી ચઢી શકે છે. પથરાળ વીસ્તારો, છુટાછવાયાં જંગલો વગેરે પસંદ છે. ખોરાકમાં દેડકાં, ગરોળી, કાચીંડા, નાના કૃતક પ્રાણી વગેરે ખાસ છે. કવચીત્ સાપ પણ ખાય છે. ઈંડા મુકે છે. આ સાપની મહત્તમ લંબાઈ 42 ઈંચ છે. સમગ્ર ગુજરાતમાં જોવાય છે, પણ અસામાન્ય સાપ છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

6 Comments

    1. આપના બ્લૉગ ‘નીરવ રવે’ પર ‘ત્રણ કુટુંબના ચાર સાપ’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

  1. શ્રી અજય દેસાઈનો કોલુબ્રીડે કુટુંબ ના- ધામણ, ચીતવાડું, ખેતરીયું, રજવાડી સાપ, કેવડીયો સાપ, રજત બંસી સાપ, શ્યામ શીર સાપ અને રેતીયો સાપ (કોન્ડેનરસ) સાપની સચીત્ર ખૂબ સ રસ જાણકારી બદલ ધન્યવાદ…

    Liked by 1 person

  2. શ્રી અજય દેસાઇ, સરીસૃપ પ્રકારના જીવો ના શીક્ષક છે.
    આ પ્રકારના સરીસૃપની રીસર્ચનો અભય્યાસ ઊંડો કરેલો છે..
    આ વિગતો સમજીને આનંદ થાય છે.
    આભાર.
    સૌ મિત્રોને દિવાલીની અને વિક્રમ સંવત ૨૦૭૮ ની શુભેચ્છાઓ.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. દેશમાં હતો ત્યારે આ પ્રકારની કશી જ માહીતી મને ન હતી. ખુબ સારું જાણવાનું મળે છે, પણ આ દેશમાં (ન્યુઝીલેન્ડમાં) સાપ હોતા જ નથી, આથી અહીં તો એનો કોઈ ઉપયોગ નથી. છતાં ઘણા રસપુર્વક સાપ વીશેની ભાઈ અજય દેસાઈ દ્વારા આપવામાં આવતી બધી માહીતી વાંચું છું. એમનો તથા ગોવીન્દભાઈ આપનો હાર્દીક આભાર.

    Liked by 1 person

  4. સાપની માહિતી સુંદર આપી. ધન્યવાદ સાહેબ
    મારુ અંગત માનવું છે અને જોયું છે કે સાપ હવે નામ શેષ થાય તેમ લાગે છે જયાં પણ સાપ કે ઝેરી સરીસૃપો જોવા મળે તુરત જ નાશ કરવામાં આવે છે
    જંગલ વિસ્તાર પણ હવે ઓછા થાય છે ટૂંકમા કહું તો દરેક જગ્યાએ માનવ વિસ્તાર, વિસ્તાર પામેલા છે.
    તો સરીસૃપો માટે પણ અભયારણ્યો બને તેવી મારી ખાસ વિનંતી છે આપ આ બાબત વિશે કંઈક કરશો…..
    મીનાબેન હસમુખભાઈ પરમાર,
    મો.નં.94293 72076
    મુ.પો.-રેવાસ,
    તાલુકો-ઇડર.
    સાબરકાંઠા

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s