અભીવ્યક્તી સ્વાતંત્ર્ય, એ તો લોકોનો વીશેષાધીકાર

અભીવ્યક્તી સ્વાતંત્ર્ય, એ તો લોકોનો વીશેષાધીકાર

–રમણ પાઠક ‘વાચસ્પતી

No experiment can be more interesting than that we are now trying, and which we trust will end in establishing the fact that man may be governed by reason and truth. Our first object should therefore be to leave open to him all the avenues of truth. The most effective hither–to found is the freedom of the press.

– THOMAS JEFFERSON

ત્રીજા અમેરીકી પ્રમુખ જેફરસને આ એક વાત બહુ જ કીમતી કહી છે કે, ‘માણસ ઉપર, અર્થાત્ પ્રજા ઉપર વીવેકબુદ્ધી તેમ જ સત્ય દ્વારા શાસન ચલાવી શકાય છે. માટે સરકારની પ્રથમ ફરજ એ બની રહે છે કે જનતાને માટે સત્ય જાણવાના તમામ માર્ગો ખુલ્લા રાખી દેવા, આવા માર્ગોમાં જે સૌથી વધુ અસરકારક માર્ગ આજપર્યંત સીદ્ધ થયો છે, એ છે અખબારી સ્વાતંત્ર્ય, અર્થાત્ અભીવ્યક્તી સ્વાતંત્ર્ય.’ જેફરસને પુરાં બસો વર્ષ પુર્વે કેવળ વ્યક્ત કરેલી જ નહીં, સ્વયં અમલી બનાવેલી આ ભદ્ર અને ભવ્ય ભાવના આપણે તથા એશીયાનાં મોટા ભાગનાં કમભાગી રાષ્ટ્રો હજી આજેય સમજી શકતા નથી, તો અમલની તો વાત જ ક્યાં?

એથી ઉલટું, આજે તો આપણા શાસકો પારોઠનાં પગલાં ભરી રહ્યા છે. જે દેશોએ પોતાને ‘ધાર્મીક રાજય’ જાહેર કરવાની અધાર્મીકતા આચરી છે, ત્યાંની પ્રજાની તો દયા જ ખાવી રહી. કારણ કે ધર્મ વ્યક્તી સ્વાતંત્ર્યનો મોટામાં મોટો શત્રુ છે. ધર્મ તો હમ્મેશાં સરમુખત્યારી તથા ફાસીવાદને આધારે જ ફાલીફુલી શકે છે, અને ટકે છે. આખર આ ધર્મ તે છે શું? કોઈ એક વ્યક્તીને સમાજ માટે, જે સમાજ તે કાળે પ્રમાણમાં ઘણો નાનો તથા સંકુચીત હતો, કારણ કે લગભગ તમામ ધર્મોનું ઉત્પાદન પ્રાચીન કાળમાં જ થયું છે; એવા સમાજ માટે જે તત્કાલ હીતકારી લાગ્યા તેવા આદેશો અને વીધીનીષેધો. પરીણામે ધર્મના સીધ્ધાંતો તત્કાલીન, કાળસાપેક્ષ તથા કામચલાઉ જ હોય છે, જેને સર્વકાલીન સત્ય રુપે જનતા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે. કોઈ એક ધર્મસ્થાપક પુરુષ અને થોડા તેના સમર્થકો પછી ઉપદેશાદીની સાથે સાથે જ, બળનો આશરો લે છે, અને સમ્બન્ધીત ધર્મને ફેલાવે છે. માટે જ ધર્મ સૌથી વધુ ડરે છે, સત્યથી! પરીણામે ધર્મના શાસકો જનતાની જબાન સર્વપ્રથમ કાપી નાખે છે, અર્થાત્ અભીવ્યક્તી સ્વાતંત્ર્યને સદંતર રુંધી મારે છે. ધાર્મીક વાનરોના ત્રણ અફર આદેશો છે : સત્ય સાંભળશો નહીં, સત્ય બોલશો નહીં; સત્ય જોશો નહીં!

આજે આપણા દુર્ભાગી દેશમાં લોકશાહીનો નતીજો કરુણ તથા વીપરીત રીતે ફાસીવાદમાં પરીણમ્યો છે, જેથી વ્યક્તી સ્વાતંત્ર્ય તથા અભીવ્યક્તી સ્વાતંત્ર્ય ઉપર સખત અને સતત કાપ ઝીંકાઈ રહ્યો છે. ધર્મ અને સંસ્કૃતીને નામે આપણી સત્યલક્ષી સામાજીક, રાજકીય, ધાર્મીક, કલાકીય, માનવીય તથા જીવનીય એમ તમામ પ્રકારની અભીવ્યક્તીને ગુંગળાવવામાં આવે છે. દુ:ખદત્તમ હકીકત એ કે, અમુક બળીયાં જુથ ફરમાવે છે કે, અમે કહીએ તે જ સત્ય છે, રાષ્ટ્રનું હીત છે; માટે અમે કહીએ તે જ અને તેટલું જ તમે કરી શકો, એમાં તમારો પોતાનો કોઈ વીચાર કે મત ચાલશે જ નહીં! વધુ દુ:ખદ વક્રતા વળી એ કે, આવા ફરમાનો ફગાવનારાં ઝનુની અને કાંડાબળીયા તત્ત્વો પોતે જ પાછા આપણી બૃહદ્, વૈવીધ્યપુર્ણ સંસ્કૃતીના મુળભુત સ્વરુપ તથા સત્યો ભાગ્યે જ પુરાં જાણતાં હોય છે, વાસ્તવમાં નહીવત્ જ જાણતાં હોય છે! છતાં બાવો બોલ્યો તે જ સત્ય! અમેરીકી લેખક–વીચારક, રાજકીય અગ્રણી તથા વીજ્ઞાની એવો બેન્જામીન ફ્રેંકલીન લખે છે : ‘જે દુર્ભાગી, પછાત રાષ્ટ્રોમાં નાગરીક પોતાની જબાનને જ પોતાની માલીકીની ગણાવી શકતો નથી, એવા દેશનો વાસી તે દુ:ખીયારો જણ પછી ભાગ્યે જ રાષ્ટ્રની કોઈ સન્પત્તીને પોતાની લેખાવી શકે છે. માટે જ જે સરમુખત્યારો જનતાની આઝાદીને છીનવી લેવા પ્રવૃત્ત બને છે; તેઓ સર્વપ્રથમ અભીવ્યક્તી સ્વાતંત્રને, વાણીસ્વાતંત્ર્યને કચડી નાખે છે.’

માણસ એ વીચાર કરનારું પ્રાણી છે; પ્રત્યેક પદાર્થ તથા પરીસ્થીતી પરત્વે તે અચુક વીચારે જ છે, અને નીજી અભીપ્રાય તારવે છે. હવે જો એવો પોતાનો મત વ્યક્ત કરવાની એને મુદ્દલેય સ્વતંત્રતા ન મળે, ત્યારે તે ભયંકર ગુંગળાય છે, અને અંતે પોતે મનુષ્ય હોવાનું ગૌરવભાન તેમ જ સક્રીયતા તે ગુમાવી બેસે છે. પછી એવા માણસનું જીવન અર્થશુન્ય, સુખ–સંતોષ રહીત, આનન્દહીન બની રહે છે, પછી તે યંત્ર કે ઘેટા જેવું કેવળ શ્વસતું જડસુ અસ્તીત્વ વેંઢાર્યા કરે છે. આવી પરીસ્થીતી શાસકો તથા શોષકોને ખુબ જ માફક આવી જાય છે. મતલબ કે થોડા બળવાન આગેવાનો અમનચમન ઉડાવે છે, અને પ્રજા ફક્ત એ લોકના આનન્દ ખાતર મુંગીમુંગી શ્રમ કર્યા કરે છે. યાદ રાખો કે, માણસ ઈતર પ્રાણીઓની જેમ કેવળ આહાર, નીદ્રા અને મૈથુનની પ્રવૃત્તી કરી, સંતુષ્ઠ જીવી શકતો નથી. મનુષ્યને તો પોતાના માનવ–હોવાપણાની સશક્ત અનુભુતી જોઈએ જ, જે વાણી–વ્યવહારના સ્વાતંત્ર્ય દ્વારા જ તે પ્રાપ્ત કરી શકે છે.

સુધરેલા તથા સંસ્કૃત માનવસમાજમાં વ્યવહાર – વર્તનના સ્વાતંત્ર્યને ચોક્કસ મર્યાદા અવશ્ય નડે જ, બલકે નડવી જ જોઈએ, અને તો જ સમાજ ટકે. આ મર્યાદા તે એ અને એટલી જ કે અન્યને હાની કે પીડા થાય એવો વ્યવહાર રાષ્ટ્રનો કોઈ પણ નાગરીક કદાપી આચરી શકે નહીં. શાસનતંત્રની પ્રતીબંધક ફરજ ફક્ત આટલી જ હોવી ઘટે. બીજી બાજુ, અભીવ્યક્તી સ્વાતંત્ર્યની તો તાસીર જ જુદી લેખાય, અને એથી તે સમ્પુર્ણ અબાધીત જ હોવું જોઈએ : ‘આનો ભદ્રાઃ ક્રતવો યન્તુ વીશ્વતઃ’ ધર્મ, સંસ્કૃતી, માન્યતાઓ, આના કે તેના વીશેષાધીકારો, નીતીના પરમ્પરાગત આચારો આદી નીમીત્તે નાગરીક વ્યક્તીનું વાણીસ્વાતંત્ર્ય ડામી દઈ શકાય નહીં. અશ્લીલતા જેવા કાનુનો સંસ્કૃતી તથા સુરુચીના ઉપલક્ષમાં ભલે હોય; પણ તે ખુબ ઉદાર હોવા જોઈએ અને એનાં નીર્ણાયક પરીબળોમાં, કેવળ અદાલત અને ધારાશાસ્ત્રીઓનો જ નહીં નીષ્ણાતો, તજ્જ્ઞો તથા સમાજના અધીકારી પુરુષોના વીશાળ વર્તુળનો સમાવેશ થવો જોઈએ. એ જ રીતે, રાષ્ટ્રહીત માટેની ગુપ્તતાની વીભાવના સમ્પુર્ણ વ્યાખ્યાયીત થયેલી હોવી જોઈએ, જેથી એ બહાને શાસકવર્ગ ગમે તે સત્યને યા અન્ય દ્વારા એની અભીવ્યક્તીને દબાવી દઈ શકે નહીં.

સમાજ યા શાસક વર્ગની પછાત અને સત્તાપરસ્ત મનોદશાની દ્યોતક એવી સૌથી વધુ ખતરનાક, દુ:ખદ, અત્યાચારી તેમ જ અન્યાયી જોગવાઈ વળી એ છે કે, અમુક યા તમુક જુથની લાગણી દુભાવાને નીમીત્તે કોઈ વ્યક્તીના અભીવ્યક્તી સ્વાતંત્ર્યને ધાકધમકીથી કચડી મારવું. ‘અર્થાત્’ સામયીક તથા એમાં પ્રગટેલા સમ્બન્ધીત લેખ બાબતે થયેલો ફોજદારી કેસ આ જ ભયાવહ, અમાનવીય જોગવાઈનો પ્રહાર છે. વાસ્તવમાં, સંસ્કૃત સમાજમાં કોઈ પણ મુદ્દાની મુક્ત ચર્ચા યા મત–પ્રદર્શનથી અન્ય કોઈ જુથની લાગણી દુભાવી જ ના જોઈએ. છતાં ધારો કે કોઈની દુભાય, તો શાંત અને તાત્ત્વીક સમજાવટનો માર્ગ અપનાવી શકાય; પરન્તુ એવી ચર્ચા યા અભીપ્રાયથી સમ્બન્ધીત જુથની લાગણી દુભાતા, જાહેર શાંતીના ભંગનું જોખમ ઉદ્ભવવા સંભવ છે કે કેમ? – એ બાબતનો નીર્ણય સરકાર આપે અને પછી એવી અભીવ્યક્તી સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજુરી આપે – આવી જોગવાઈ અભીવ્યક્તી સ્વાતંત્ર્યને ગુંગળાવવાની સરમુખત્યારી ચાલબાજી જ લેખાય, જે ઈતીહાસ યા સંશોધન જેવી પ્રવૃત્તીને રુંધી નાખનારી જ બની રહી છે. ઉશ્કેરણી અને વીદ્વદ્પ્રવૃત્તી વચ્ચેનો સ્પષ્ટ, તાત્ત્વીક ભેદ સરકારે નીષ્ણાતોની પુરી સલાહસુચના લઈ પાકો કરી લેવો જોઈએ.

વળી, એથીય વધુ વીઘાતક, વેદનાકારી, આઘાતકારક અને અત્યાચારી દમન તો ટોળાશાહીનું છે. આપણે ત્યાં તોફાની ટોળાંના હીંસક દાબદબાણથી અભીવ્યક્તી સ્વાતંત્ર્ય જેટલું રુંધાય છે, એટલું તો દમનકારી કાયદાઓથી પણ ભાગ્યે જ રુંધાતું હશે : ‘તમે આમ જ બોલો અને કરો! આમ તો તમે બોલી જ ના શકો, તેમ તો કરી જ ના શકો! અમે એમ કદાપી નહીં થવા દઈએ!’ – ઝનુની ટોળાશાહીની આવી દાદાગીરીનો શો ઈલાજ? આજે તો આ પ્રશ્નનો કોઈ જવાબ નથી, ફક્ત લાચારી છે. પરન્તુ ફાસીઝમનો આ જન્મકાળ છે, એની સામે આપણે સંગઠીત થઈ સશક્ત રીતે લડવું જ રહ્યું. જુઓ, વીખ્યાત અમેરીકન લેખક ઈમર્સન લખે છે : ‘જે દેશમાં કાનુન કે ટોળાશાહીના ભય યા જોખમ વીના સત્ય જ્ઞાનનો પ્રસાર શક્ય જ ના હોય, જ્યાં તમારી જબાનને બાંધી દેવામાં આવી હોય, જ્યાં તમારાં અંગત લખાણો કે પત્રોની પણ ચોરી છુપીથી ચકાસણી થતી હોય, જયાં સામાજીક સંસ્થાઓ કે જાહેર જીવનમાં મુક્ત વ્યવહાર પર હુમલા થતા હોય – આવો દેશ સંસ્કૃત ન કહેવાય, બલકે જંગલી જ લેખાય; આવી નીતીરીતી આત્મઘાતી જ નીવડે, એવા રાષ્ટ્રને પછી કોઈ બચાવી શકે નહીં.’

પરન્તુ એક વાત ખાસ નોંધવા જેવી છે કે, જ્યાં સુધી પ્રજા પોતે જ પોતાના અધીકારનું જતન કરવા સદૈવ સજાગ તથા સક્રીય નહીં હોય, જયાં સુધી પ્રજા પોતે જ પોતાનાં સ્વાતંત્ર્યોને અબાધીત ભોગવવા પ્રતી લાપરવાહ બની બેઠી રહેશે; ત્યાં સુધી આપખુદ શાસકો અને જુલમી તથા ઝનુની જુથો, એવી પ્રજાનાં અધીકારો તથા સ્વાતંત્ર્યો કચડતાં જ રહેશે અને ધર્મ–સંસ્કૃતીને નામે તેનાં કદમને વજ્રબેડીઓથી જકડતાં જ રહેશે, વોલ્ટેર કહે છે : ‘હું તમારા અભીપ્રાય સાથે જરાય સંમત થતો નથી; પરન્તુ તે વ્યક્ત કરવાના તમારા અધીકારનું રક્ષણ કરવા હું જાનના ભોગેય ઝઝુમીશ.

–રમણ પાઠક ‘વાચસ્પતી

લેખક–સમ્પર્ક : અફસોસ, પ્રા. રમણ પાઠક વાચસ્પતી હવે આપણી વચ્ચે નથી.

રૅશનાલીસ્ટ રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ :  12/11/2021

3 Comments

  1. ‘‘માણસ ઉપર, અર્થાત્ પ્રજા ઉપર વીવેકબુદ્ધી તેમ જ સત્ય દ્વારા શાસન ચલાવી શકાય છે. માટે સરકારની પ્રથમ ફરજ એ બની રહે છે કે જનતાને માટે સત્ય જાણવાના તમામ માર્ગો ખુલ્લા રાખી દેવા, આવા માર્ગોમાં જે સૌથી વધુ અસરકારક માર્ગ આજપર્યંત સીદ્ધ થયો છે, એ છે અખબારી સ્વાતંત્ર્ય, અર્થાત્ અભીવ્યક્તી સ્વાતંત્ર્ય.’અંગે વિસ્તારપુર્વક સમજુતી ધન્યવાદ

    Liked by 1 person

  2. સ્વ, શ્રી રમણભાઇ પાઠક અેક આઘુનિક સમય અને સમાજના હિતકારી વિચારક અને ચિંતન કરનાર લેખક હતાં.
    મારા તેમને હૃદયપૂર્વકના વંદન.
    આ લેખને હું તેના શબ્દે શબ્દથી સ્વીકારું છું.
    અેક વિચાર વાંચ્યો હતો….
    ‘ લોજીક ‘ માં કોઇ માનતુ નથી….બઘાને મેજીકમાં જ રસ છે….
    માટે જ દેશમાં વૈજ્ઞાનિક કરતાં….બાવા વઘું ફેમસ છે.
    અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય.?…સ્વતંત્ર ભારતમાં દેખાતી નથી. મીડીયા અને રીપોર્ટરો પણ વેચાયેલા જોવા મળે છે…વેપારનું રાજ છે.
    સચ્ચાઇ ?….પોલીટીક્સ ? અને પોલીટીશીયનો…ના… ત્યાં સચ્ચાઇને કોઇ સ્થાન નથી. સચ્ચાઇના આદર્શો ? પેપર ઉપર…શુભવિચારોના લખાણમાં જ જોવા મળે.
    કળીયુગ કહેવો ?
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Indian politicians will never ever listen to public as they in power because of corruption n they want save their skin at any cost so who cares for public

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s