લમપ્રોફીડે (Lamprophidae) અને નેટ્રીસીડે (Natricidae) કુટુંબના ચાર સાપ

લમપ્રોફીડે (Lamprophidae) અને
નેટ્રીસીડે (Natricidae) કુટુંબના ચાર સાપ

–અજય દેસાઈ

કુટુંબ : લમપ્રોફીડે (Lamprophidae)

 1. પટીત રેતીયો સાપ આંશીક ઝેરી
  Leith’s Sand Snake, Indian Ribbon Snake (Psammophis leithi)

સામાન્ય રેતીયા સાપ જેવી લગભગ બધી ખાસીયત ધરાવતો સાપ છે, તેના શરીર ઉપર 4 કાળા પટ્ટા હોય છે, જે મોંનાં છેક આગળનાં ભાગથી શરુ થઈ, આંખો પર થઈને પુંછડીના છેવાડા સુધી લંબાયેલા હોય છે. આવા પટ્ટામાં બન્ને આંખો પાછળ થઈને જતાં પટ્ટા પ્રમાણમાં થોડા ઝાંખા હોય છે; પરન્તુ માથા ઉપર થઈને જે બે પટ્ટા જાય છે તે ઘટ્ટ હોય છે, જે નસકોરાં પાસેથી શરુ થઈને જાય છે. માથા ઉપરના બે પટ્ટા વચ્ચે કપાળના ભાગે એક ત્રીજો પટ્ટો હોય છે, જે ફકત માથા પુરતો જ હોય છે. શરીરનો રંગ ઝાંખો લીલો બદામી કે પીળો બદામી છે. માથું લાંબુ અને આગળથી ઉપસેલું છે. ગળાં કરતાં માથું થોડું પહોળું હોય છે. કાયા પાતળી, પણ સુંવાળી છે, પેટાળના ભીંગડાં પડખા તરફ ગોળ હોય છે. આંખો ગોળ છે, રંધ્ર પણ ગોળ છે તેને ફરતે પીળાશ પડતાં સફેદ રંગની કીનારી હોય છે. પુંછડી લાંબી છે, જે તેના શરીરની લંબાઈનાં ચોથા ભાગની જેટલી છે. પેટાળ પીળું સફેદ છે.

પીઠ ઉપર મધ્યમાં મહત્તમ 17ની હરોળમાં ભીંગડાં હોય છે. પેટાળના ભીંગડાં નરમાં 159થી 175, જયારે માદામાં 170થી 187 હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત નથી. પુંછડીના પેટાળના ભીંગડાં નરમાં 104થી 109 હોય છે. જયારે માદામાં 92થી 104 હોય છે. જે વીભાજીત હોય છે.

આંશીક ઝેરી સાપ છે. રેતીયા સાપની જેમ જ ઉપરના જડબાનાં અંદરના છેવાડાના બે દાંત મોટા–પોલા તથા અંદરની તરફ હોય છે. જે વીષ સ્ત્રાવ કરી શકે છે. દીવાચર સાપ છે, જમીન તથા નાના ઝાડી ઝાંખરા બન્ને પસંદ છે. ઝાડીઓ, ઘાસ, માટીવાળા પ્રદેશો, રેતાળ પ્રદેશો, બધે જ મળે છે.

ખોરાકમાં ગરોળી, કાચીંડા, નાગ બામણી વગેરે આરોગે છે.

ઈંડા મુકતો સાપ છે. 4થી 10 ઈંડા મુકે છે. મહત્તમ લંબાઈ 35 ઈંચ જેટલી છે. ગુજરાતમાં સર્વત્ર મળી આવતો સામાન્ય સાપ છે.

35. સામાન્ય રેતીયો સાપ આંશીક ઝેરી
Common Sand Snake, Stout Sand Snake, Long Sand Racer (Psammophis longifrons)

લાંબી મજબુત કાયાવાળો આ સાપ, મુલાયમ ભીંગડાં ધરાવે છે. શરીરના પીઠ ઉપરનાં ભીંગડાંઓ ફરતે કાળી કીનારી હોય છે. પેટાળનાં ભીંગડાંઓ પડખા પાસેથી સાધારણ ગોળ હોય છે. માથુ લાંબુ અને આગળથી ઉપરની બાજુએ ઉપસેલું અને ગળા કરતાં થોડુ વધુ પહોળું છે. આંખો ગોળ અને પ્રમાણમાં મોટી છે અને આંખોનું રંધ્ર પણ મોટું, કાળુ અને તેને ફરતે સોનેરી કીનારી ધરાવે છે. પુંછડી લાંબી છે. શરીરનો વાન બદામી છે. જયારે પેટાળ મુખ્યત્વે સફેદ હોય છે, કયારેક પીળાશ પડતું કે ભુખરું પણ હોઈ શકે છે.

પીઠ ઉપરનાં ભીંગડાં મહત્તમ 17ની હરોળમાં હોય છે, જે નરમ તથા સુંવાળા હોય છે. પેટાળનાં ભીંગડાં 166થી 175 હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત છે. પુંછડીના પેટાળનાં ભીંગડાં 79થી 93 તથા વીભાજીત હોય છે. ઉપરના જડબામાં, અંદરના છેવાડાના બે દાંત મોટા અને પોલા તથા અંદરની તરફ વળેલા છે. આંશીક ઝેરી સાપ છે.

તેના નામમાં Sand Snake લખાય છે, પરન્તુ ખરેખર તેવું નથી, કારણકે આ સાપ રેતી કે માટીમાં જ નથી રહેતો, તેને વૃક્ષો તથા લીલોતરી વધુ ગમે છે. પકડીએ તો કરડતો નથી, આક્રમક નથી, સ્વભાવે શાંત છે, પરન્તુ તેની પ્રતીક્રીયાઓમાં ખુબ જ ચપળ છે.

મુખ્યત્વે ગરોળી, કાચીંડા, કવચીત્ દેડકાં, ઉંદર પણ ખાય છે. ઈંડા મુકતો સાપ છે. વધુ માહીતી ઉપલબ્ધ નથી. મહત્તમ 48 ઈંચ લંબાઈનો મળે છે. આપણે ત્યાં તે દક્ષીણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં મળી આવે છે.

36. રેતીયો સાપ આંશીક ઝેરી
Afro–Asian Sand Snake, Forskal’s Sand Snake, Schokari Sand Snake, Schokari Sand Racer (Psammophis schokari)

ગુજરાતમાં અત્યાર સુધી રેતીયા સાપ ત્રણ પ્રકારના નોંધાયા હતા, પરન્તુ હમણાં થોડા સમય પહેલાં જ ચોથા પ્રકારના રેતીયા સાપની ઓળખ તથા ફોટોગ્રાફી કચ્છના મોટા રણની બાજુમાં આવેલ લોડાઈ ગામેથી પ્રાપ્ત થઈ છે. આ પ્રથમ અને એક માત્ર નોંધ છે, અત્યાર સુધી આ સાપ ગુજરાતમાં હોવાની છેલ્લી નોંધ 1872માં હતી.

આ સાપની એશીયા અને આફ્રીકામાં ભેગા થઈ 34 જાત જોવા મળે છે.

મુખ્યત્વે સુકા પ્રદેશનો આ દીવાચર સાપ છે, સમગ્ર શરીરનો રંગ ઝાંખો પીળો કે ભુખરો હોય છે, જેની ઉપર ચાર ઘટ્ટ બદામી રંગના પટ્ટા હોય છે જે પૈકી બે પટ્ટા હોંઠ પાસેથી શરુ થઈ આંખો ઉપર થઈ પુંછડી સુધી લંબાયેલા હોય છે. જયારે બીજા બે પટ્ટા માથા પરથી શરુ થઈ પુંછડી સુધી લંબાયેલા હોય છે આ પટ્ટા પહોળા હોય છે. આ ઉપરાંત શરીરની મધ્યમાં અને બન્ને પડખે એમ કુલ ત્રણ પટ્ટા પીળા હોય છે જે પટ્ટા પણ બદામી ચાર પટ્ટાઓની જેમ પુંછડી સુધી લંબાયેલા હોય છે. માથા ઉપર ખાસ પ્રકારના ચીહ્નો હોય છે, જે તેને બીજા રેતીયા સાપ કરતાં અલગ પાડે છે. પેટાળ ઝાંખુ પીળું હોય છે. જેની ઉપર પેટાળ અને પડખા શરુ થાય ત્યાં કાળા અનીયમીત આકારના ટપકાં હોય છે જે હારબંધ હોય છે. આ સાપના વાનના રંગમાં ઘણીવાર ભીન્નતા પણ હોય છે. માથું લાંબુ છે અને ગળાથી સ્પષ્ટ અલગ પડતું જણાય છે. મોંના મોંભનો ભાગ પણ લાંબો મજબુત હોય છે. આંખો પ્રમાણમાં ખુબ મોટી અને ઉપસેલી હોય છે. આંખોની કીકીનું રંધ્ર કાળું અને ગોળ હોય છે.

મુખ્યત્વે જમીનનો સાપ હોવા છતાં નાના ઝાડી ઝાંખરામાં પણ જોવા મળે છે.

પીઠ ઉપર મધ્યમાં ભીંગડા 13થી 14 હોય છે જે બહુ જ સ્પષ્ટ હોય છે. પેટાળના ભીંગડા 164થી 187 સુધી હોય છે. ઉપરના જડબાંમાં જે દાંત હોય છે તેમાં પાછલી હરોળમાં બે દાંત મોટા અને પોલા હોય છે જે વીષ સ્ત્રાવ કરી શકે છે. જોકે તેનું વીષ આપણા માટે ઘાતક નથી હોતું. ખોરાકમાં અન્ય રેતીયા સાપની જેમ જ દેડકાં ગરોળી, કાચીંડા, નાના ક્રુતક પ્રાણી વગેરે છે. મધ્યમ લંબાઈનો સાપ છે. મહત્તમ 50 ઈંચ સુધી જોવા મળે છે.

કુટુંબ : નેટ્રીસીડે (Natricidae)

37. પીત પટીત સાપ, પીળા પટ્ટાવાળો સાપ બીનઝેરી
Striped Keelback, Buff Striped Keelback (Amphiesma stolatum)

ડેંડુ અને લીલવાની બધી ખાસીયતો ધરાવતો આ સાપ પણ પાણીની આસપાસ રહે છે. આ સાપ ખુબ જ સામાન્ય સાપ છે. તેની પાતળી કાયા ખરબચડા ભીંગડાંથી આચ્છાદીત હોય છે. બદામી કે ગંદો લીલો બદામી વાન ધરાવે છે તેની ઉપર શરીરનાં આગળનાં ભાગમાં કાળા કે ઘટ્ટ બદામી ટપકાં અને પટ્ટા હોય છે; પરન્તુ તેની ઉપર ગળાથી શરુ થઈને પુંછડીના છેવાડા સુધી પહોંચતાં બે પીળા પટ્ટા હોય છે. આવા પટ્ટા શરીરના શરુઆતમાં અડધા ભાગ સુધી સળંગ ન હોતાં તુટક હોય છે અને અડધા શરીર બાદ, તે પાછળ તરફ જતાં ટપકાં સ્વરુપે ન રહેતાં મુખ્ય પટ્ટા સ્વરુપે ફેલાઈ જાય છે. સમગ્ર શરીર ઉપર બે પીળા પટ્ટા વચ્ચે અને પટ્ટાથી પડખા સુધી ભુરા આસમાની રંગના આડા તુટક પટ્ટા હોય છે. માથું ઝાંખુ બદામી હોય છે. હોઠની આસપાસ અને આંખોની નીચેનો ભાગ પીળા રંગનો હોય છે તથા ગળું સફેદ રંગનું કે આવા જ પીળા રંગનું હોય છે પેટાળ સફેદ હોય છે, કયારેક પડખાનાં ભીંગડાંઓમાં કાળા ટપકાં હોય છે. તેના રંગ તથા ચીતરામણથી દેખાવમાં ભવ્ય લાગે છે. પુંછડીની લંબાઈ શરીરની કુલ લંબાઈનાં ચોથા ભાગ જેટલી હોય છે. આંખો શરીરના પ્રમાણમાં મોટી હોય છે અને આંખોની આસપાસ ઉભી કાળી પટ્ટીઓ હોય છે. કીકીનું રંધ્ર ગોળ હોય છે, અને રંધ્ર સોનેરી પીળા રંગનું હોય છે. માથું ગળાથી અલગ પડે છે. સંવનન ઋતુમાં ગળાથી લઈને શરીરનાં થોડા આગળનો ભાગ સુધી લાલ રંગ છવાઈ જાય છે. જીભ કાળા રંગની હોય છે.

શરીરના મધ્યભાગમાં મહત્તમ 19ની હરોળમાં ભીંગડાં હોય છે. જે ખરબચડાં હોય છે. પેટાળના ભીંગડાં 118થી 161 હોય છે. પુંછડીના પેટાળના ભીંગડાં 46થી 89 હોય છે, જે વીભાજીત હોય છે. અવસારણી માર્ગનું ભીંગડું વીભાજીત હોય છે.

ભારતનો આ સર્વસામાન્ય સાપ છે. તે દીવાચર છે. ડાંગરનાં ખેતરો, તળાવ, બગીચાઓ, નદી–નાળા, કીનારાની ઝાડી ઝાંખરા વગેરેમાં રહે છે. વરસાદનાં દીવસોમાં ખુલ્લા પ્રદેશોમાં પણ જોવા મળે છે. વરસાદનાં દીવસોમાં ખુબ સક્રીય હોય છે. જયારે આક્રમક બને છે ત્યારે ગળાનો ભાગ થોડો પહોળો કરી શરીરનો આગળનો ભાગ અધ્ધર કરે છે. તે ખુબ જ શાંત સ્વભાવનો સાપ છે, ભાગ્યે જ કરડે છે. આક્રમક મુદ્રામાં ખુબ સુંદર લાગે છે ઠંડીના દીવસો દરમીયાન જમીનમાં ઘાસનાં મુળીયામાં દબાઈ રહે છે.

તેનો મુખ્ય ખોરાક નાના કાચીંડા, જીવડાં, દેડકાં, ગોકળ ગાય, ગરોળી, માછલી વગેરે છે. એપ્રીલના અંતમાં કે મે માં, સંવનન કરે છે. જુલાઈ કે ઓગષ્ટમાં ઈંડા મુકે છે, એક વખતનાં પ્રજનનમાં 5થી 10 ઈંડા મુકે છે. ઈંડા સફેદ રંગનાં હોય છે. ઈંડા સેવવાનાં સમગ્ર સમય દરમીયાન માદા સાપ ત્યાં જ રહે છે. જન્મ સમયે બચ્ચાંની લંબાઈ મહત્તમ 7 ઈંચ જેટલી હોય છે, જયારે સરેરાશ લંબાઈ 18 ઈંચથી 20 ઈંચ જેટલી હોય છે, મહત્તમ 32 ઈંચ સુધી નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં મળી આવતો સામાન્ય સાપ છે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/–)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

4 Comments

 1. મા શ્રી અજય દેસાઈ દ્વારા પટીત રેતીયો સાપ, સામાન્ય રેતીયો સાપ, રેતીયો સાપ અને પીત પટીત સાપ, પીળા પટ્ટાવાળો સાપની ખૂબ સ રસ સચીત્ર જાણકારી માણી મજા આવી ધન્યવાદ

  Liked by 1 person

  1. આપના બ્લૉગ ‘નીરવ રવે’ પર ‘લમપ્રોફીડે (Lamprophidae) અને નેટ્રીસીડે (Natricidae) કુટુંબના ચાર સાપ’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Like

 2. પ્રકૃતિ અને પર્યાવરણપ્રેમી શ્રી અજયભાઇ દેસાઇનો ગ્રંથ..‘ ‘ સર્પ સંદર્ભ ‘ ના વિષયો આપણને ખૂબ જ જ્ઞાન પ્રેરક બની રહ્યા છે.
  તેમનો ખૂબ ખૂબ આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s