બંધારણને બદલે મનુસ્મૃતીવાળું વર્ણવ્યવસ્થાનું શાસન હોત તો ‘ખેડે તેની જમીન’ની પોલીસી બની હોત ખરી? “1947 પહેલાંના હજારો વરસમાં દેવી–દેવતાઓ/સાધુ–સંતો ક્યારેય તેમની કૃપા શા માટે વરસાવતા ન હતા? શું આ દેવી–દેવતાઓએ/સાધુસંતોએ પાટીદારો, પછાત વર્ગો તથા મહીલાઓને આજની સ્થીતીએ પહોંચાડ્યા છે?”
ઈ.બુકનો આવકાર
–રમેશ સવાણી
ગુજરાતમાં વર્ણ વ્યવસ્થાનું જોર કેમ છે?
શીક્ષક અને રૅશનાલીસ્ટ એન. વી. ચાવડાએ જ્યારે પાંડુરંગ શાસ્ત્રીનું પુસ્તક ‘સંસ્કૃતી ચીંતન’ વાંચ્યું ત્યારે તેમને તીવ્ર/ઉંડો આઘાત લાગ્યો અને ચીંતામાં મુકાઈ ગયા કે વર્ણવ્યવસ્થાની હીમાયત માટે વધુ પ્રચાર થશે તો ભારતના લોકોનું ભવીષ્ય ધુંધળું બની જશે! તેથી વર્ણવ્યવસ્થાની તરફેણમાં થતા પોકળ દાવાઓનો પર્દાફાશ કરવા તેમણે પુસ્તક લખ્યું : ‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’. આ પુસ્તક દ્વારા લેખકે લોકસમજ ઘડતરની મોટી સેવા કરી છે. આપણું બંધારણ વર્ણવ્યવસ્થાનો અસ્વીકાર કરે છે; એટલાં માટે જ મનુસ્મૃતીના ચાહક RSS; તેમને અનુસાર લોકો અને સમ્પ્રદાયવાદી ભક્તોને બંધારણ ગમતું નથી! બંધારણ માનવ ગૌરવને વરેલું છે; જ્યારે મનુસ્મૃતી માનવગૌરવનો ઈન્કાર કરે છે. મનુસ્મૃતી, મહીલાઓ અને શુદ્રો ઉપરના અત્યાચારને ઉચીત ઠેરવે છે. કોઈ મહીલા કે શુદ્ર મનુસ્મૃતી વાંચે તો તેને ધર્મગ્રંથ તરીકે સ્વીકારી શકે નહીં!
વર્ણવ્યવસ્થા મુજબ ટોચ ઉપર બ્રાહ્મણ પછી ક્ષત્રીય અને ત્યાર બાદ વણીક છે. એ સીવાયના લોકો – કણબી/ચૌધરી/રબારી/ભરવાડ/આહીર/સુથાર/લુહાર/કુંભાર/સોની/દરજી/ખારવા/ટંડેલ/કોળી/ભીલ વગેરે શુદ્રમાં આવે. વર્ણવ્યવસ્થાના મુળીયા કેટલા ઉંડા છે તે સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. આપણે જેને શુદ્ર કહીએ છીએ તેને સહજાનંદજી ‘જાતીએ ઉતરતા સત્શુદ્ર’ કહે છે! શીક્ષાપત્રીના શ્લોક નંબર–45માં કહ્યું છે કે ‘જાતીએ કરીને ઉતરતા ભક્તજનોએ લલાટ વીષે કેવળ ચાંદલો કરવો, પણ તીલક ન કરવું!’ ટુંકમાં અનુસુચીત જાતીના કોઈ ભક્તજન સ્વામીનારાયણનું તીલક ન કરી શકે! વળી, સ્વામીનારાયણ સમ્પ્રદાયમાં સાધુઓને જન્મથી બ્રાહ્મણ હોય તે જ દીક્ષા આપી શકે! જો કે 1905માં સ્થપાયેલ હરીફ સમ્પ્રદાય BAPS–બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થામાં આ નીયમ લાગુ પડતો નથી!
સ્વામી સચ્ચીદાનંદજીએ પોતાના પુસ્તક ‘અધોગતીનું મુળ વર્ણવ્યવસ્થા’માં લખેલ છે કે ‘વર્ણ વ્યવસ્થા સ્વલાભ માટે દુર્બળ લોકો ઉપર થોપેલી વ્યવસ્થા છે!’ કબીર, અખો, નરસીંહ મહેતા, મીરાં, રૈદાસ, તીરુવલ્લુવર, તુકારામ, એકનાથ, જ્ઞાનેશ્વર વગેરે સંતોએ વર્ણ વ્યવસ્થાનો; જાત–પાત અને ક્રીયાકાંડોનો વીરોધ કર્યો હતો; છતાં દેશમાં વર્ણવ્યવસ્થાનું દુષણ દુર થયું નથી. ગુજરાતમાં વર્ણ વ્યવસ્થાના સમર્થકો બહુમતીમાં છે, તેનું કારણ વૈષ્ણવ સમ્પ્રદાય/સ્વામીનારાયણ સમ્પ્રદાય/સ્વાધ્યાય પરીવાર છે. આ ત્રણેય સમ્પ્રદાયોનો ગુજરાતના લોકો ઉપર જબરજસ્ત પ્રભાવ છે. પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પુસ્તક ‘સંસ્કૃતી ચીંતન’માં વર્ણવ્યવસ્થાને ‘અતી સાયન્ટીફીક’ કહી છે! સહજાનંદજીએ ‘શીક્ષાપત્રી’માં વર્ણવ્યવસ્થાનું સમર્થન કરેલ છે. ગુજરાતીઓ સમ્પ્રદાયવાદી/રુઢીચુસ્ત હોવાથી સ્વામી સચ્ચીદાનંદનું જ્ઞાન તેમને પચતું નથી! ધર્મ/સમ્પ્રદાયના કોઈ ચુસ્ત અનુયાયીને તમે સત્યની ઝાંખી કરાવી શકો નહીં. તે અફીણ પીધેલો માણસ છે. તેને પોતાની ભ્રામક માન્યતાઓનો એટલો ભયંકર નશો હોય છે કે તે સાચી વાત સાંભળવા તૈયાર જ નથી હોતો! વર્ણવાદીઓએ, દલીતોને/પછાતવર્ગોને ભુતકાળના શુદ્રસ્થાને ક્યારના મોકલી દીધા હોત; પરન્તુ આડે આવે છે બંધારણ. એટલા માટે ધર્મ/સંસ્કૃતીના મીથ્થાભીમાન વડે વર્ણવ્યવસ્થાનું સમર્થન કરવાની કોશીશ થયા કરે છે. ગુજરાતમાં દલીતોના સ્મશાન જુદા છે; તેમના મન્દીરો જુદા છે; ગામના રામમન્દીરમાં તેમનો પ્રવેશ વર્જીત છે. હીન્દુ મન્દીરોમાં પુજારી તરીકે દલીત હોય તેવી કલ્પના થઈ શકતી નથી. આ સ્થીતીમાં વર્ણવ્યવસ્થા ‘અતી સાયન્ટીફીક’ છે તેવો પ્રચાર પાંડુરંગ શાસ્ત્રી/સ્વાધ્યાય પરીવાર કરે ત્યારે રુઢીચુસ્તતા મજબુત બને અને આખરે માનવગૌરવને હાની પહોંચે! સમ્પ્રદાયવાદીઓ બહુ જ ચાલાકીપુર્વક પોતાના હીતની રખેવાળી ધર્મ/સંસ્કૃતીના રુપાળા નામે શોષીત લોકો પાસે જ કરાવી રહ્યાં છે!
શું વર્ણવ્યવસ્થા ‘અતી સાયન્ટીફીક’ છે?
‘વર્ણવ્યવસ્થા : એક ષડયંત્ર’ પુસ્તકમાં લેખક કહે છે કે ‘ગાંધીજીએ વર્ણવ્યવસ્થા હીન્દુધર્મનો પાયો છે તેમ કહ્યું હોય પરન્તુ તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. જો તેઓ વર્ણવ્યવસ્થાના સમર્થક હોય તો તેમના કાર્યોમાં ફરક કેમ? ગાંધીજી વણીક હતા, તેમણે વેપાર કરવો જોઈએ; પરન્તુ તેઓ રાજકારણમાં આવ્યા! નવદમ્પતીમાં એક દલીત અને એક સવર્ણ હશે તો જ હું આશીર્વાદ આપીશ; એવી ગાંધીજીની જાહેરાત સુચવે છે કે તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. પોતાના આશ્રમમાં દલીતોનો સમાવેશ કરેલ અને જાતે પાયખાના સાફ કરેલ તે સુચવે છે કે તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. ગાંધીજી આઝાદીની લડતમાં સ્ત્રીઓને જોડી, કેમ કે તેઓ વર્ણવ્યવસ્થામાં માનતા ન હતા. ગાંધીજીએ 25 ઓગષ્ટ, 1927ના રોજ ‘યંગ ઈન્ડીયા’માં લખ્યું હતું કે ‘પ્રત્યેક હીન્દુ કીશોર/કીશોરીએ સંસ્કૃત જાણવું જ જોઈએ!’ વર્ણધર્મ તો કહે છે કે ‘સંસ્કૃતનો એકાદ શ્લોક કે શબ્દ શુદ્રના કાને પડી જાય તો શુદ્રના કાનમાં ધગધગતું સીસું રેડવાનો આદેશ આપેલ છે!’ જો ગાંધીજી વર્ણવ્યવસ્થા મુજબ વર્તતા હોત તો શુદ્રોની સેવા કરનારા; માણસાઈના દીવા પ્રગટાવનારા રવીશંકર મહારાજ જેવા અનેક મહાનુભાવો આપણને મળે ખરા?
સવાલ એ છે કે શું વર્ણવ્યવસ્થા ‘અતી સાયન્ટીફીક છે? વર્ણવ્યવસ્થાના સમર્થકોની દલીલો જોઈએ :
[1] વીદેશમાં લોકો વર્ણવ્યવસ્થા અપનાવવા માંગે છે; પરન્તુ તેની શરુઆત કેમ કરવી તેની મુંઝવણમાં છે!
સ્પષ્ટતા : ભારતની વર્ણવ્યવસ્થામાં ઉંચનીચના ભેદ/અસ્પૃશ્યતા/દલીતો અને સ્ત્રીઓનું અપમાન/અન્યાય/શોષણ/તીરસ્કાર જોઈને વીદેશીઓ વર્ણવ્યવસ્થા અપનાવે ખરા? અહીંની ગરીબી/બેકારી/ભુખમરો/કુપોષણ/કંગાલીયત જોયા પછી વીદેશીઓ પોતાના દેશમાં વર્ણવ્યવસ્થા સ્થાપે ખરા?
[2] વર્ણવ્યવસ્થા આખી દુનીયામાં છે!
સ્પષ્ટતા : વીદેશમાં કોઈ જગ્યાએ સફાઈ કામદારના સંતાનો સફાઈ કામદાર જ બને, તેવી વ્યવસ્થા નથી!
[3] મનુષ્ય અનેક ગુણોમાં અસમાન હોય છે; વર્ણવ્યવસ્થા તેનું વીભાજન કરે છે!
સ્પષ્ટતા : સરખા ગુના માટે, ઉચ્ચ વર્ણના ગુનેગારને ઓછી સજા અને શુદ્રને આકરી સજા શા માટે? વધારે ગુણવાન શુદ્ર IAS/IPS બને કે શીક્ષક બને તો વાંધો શા માટે? બંધારણ મુજબ જાત/રંગ/વર્ણ/કોમ/ધર્મ કોઈ વ્યક્તીના વીકાસની આડે આવી શકે નહીં.
[4] વર્ણવ્યવસ્થા ઈશ્વરકૃત છે! ગીતામાં કહ્યું છે!
સ્પષ્ટતા : કોઈ પુસ્તક ઈશ્વરકૃત હોઈ શકે નહીં. જો વર્ણવ્યવસ્થા ઈશ્વરકૃત હોય તો આખા વીશ્વમાં હોવી જોઈને? ભારતમાં જ શા માટે? વર્ણવ્યવસ્થા જો ઈશ્વરકૃત હોય તો ઉચ્ચ વર્ણનું લોહી કેસરી અને શુદ્રોનું લોહી કાળું હોત!
[5] વર્ણવ્યવસ્થા સાયન્ટીફીક છે!
સ્પષ્ટતા : રંગસુત્રો ઉચ્ચ વર્ણના પુત્રને ઉચ્ચ વર્ણ અને શુદ્ર વર્ણના પુત્રને શુદ્ર બનાવતા નથી. જીનેટીક સાયન્સ કહે છે કે માનવીના અમુક જીન્સ લાખો પેઢીઓ સુધી ઉતરી આવે છે; પરન્તુ તેને વર્ણવ્યવસ્થા સાથે સમ્બન્ધ નથી. કોઈ પણ વર્ણનો વ્યક્તી કવી/લેખક/ડોક્ટર બની શકે છે.
[6] દુનીયાની દરેક સંસ્કૃતી નાશ પામી; પરન્તુ આપણી વર્ણવાદી સંસ્કૃતી ટકી રહી છે!
સ્પષ્ટતા : લોકોનો બહુમતી વર્ગ અજ્ઞાન હતો, તેને અભણ રાખ્યો હતો. પોતાની ઉપર થઈ રહેલા અન્યાય/અત્યાચાર/દમન/શોષણને તે જાણતો ન હતો. કથા/આખ્યાન/ રામલીલા દ્વારા વર્ણવ્યવસ્થા/પુર્વજનમ/પ્રારબ્ધના મુલ્યો લોકોના મનમાં ઠાંસી ઠાંસીને ભરી દીધાં છે. હજુ પણ તેમાંથી બહાર નીકળી શકતા નથી. વર્ણવાદી સંસ્કૃતી ટકી રહી તેનું કારણ તેની દીવ્યતા/શ્રેષ્ઠતા નથી; પરન્તુ બહુજન સમાજનું અજ્ઞાન છે.
[7] વર્ણવ્યવસ્થાએ સમાજને સ્થીરતા/શાંતી/સલામતી/એકતા બક્ષી!
સ્પષ્ટતા : શુદ્રો અને મહીલાઓની સ્થીતી પશુ કરતાંય ખરાબ હતી. પતીના મોત સાથે પત્નીને સળગાવી દેવામાં આવતી. વર્ણવ્યવસ્થા જો શાંતી/સલામતી આપતી હોત તો પરશુરામે શા માટે 21 વખત ક્ષત્રીયોનું નીકંદન કાઢ્યું હશે? વર્ણવ્યવસ્થાના વીરોધી બુદ્ધ અને મહાવીરે સમાજમાં અહીંસા/કરુણા/બંધુતા/સમાનતા સ્થાપી હતી. વર્ણવ્યવસ્થામાં શાંતી/સલામતી/સ્થીરતા ઉચ્ચ વર્ણ માટે હોય છે; જ્યારે બહુજન માટે હોય છે શોષણ.
[8] પશુપક્ષીઓમાં/જીવજંતુમાં સમાજવ્યવસ્થા હોય છે; રક્ષણ/ભોજન/સંભાળની અલગ–અલગ કામગીરી હોય છે!
સ્પષ્ટતા : પ્રાણીઓ/જીવજંતુઓ હજારો વરસથી જ્યાં છે ત્યાં છે. જ્યારે મનુષ્ય ઈન્ટરનેટ મારફતે દુનીયા સાથે જોડાઈ ગયેલ છે. માનવીએ વૈચારીક પ્રગતી સાધી છે; જીવજંતુ સાથે તેની સરખામણી થઈ શકે નહીં.
[9] મનુસ્મૃતીમાં શુદ્રો અને મહીલાઓ માટે સારા શ્લોકો પણ છે!
સ્પષ્ટતા : સારા શ્લોકો હોય તો તેનો અમલ કેમ જોવા મળતો નથી? વીધવા લગ્ન શા માટે નહીં? શુદ્રો પ્રત્યે અસમાન વ્યવહાર કેમ? તેમના માટે પુર્વગ્રહો કેમ? વર્ણવ્યવસ્થાના પ્રદુષણનો ભોગ શુદ્રો પણ બન્યા છે; તેમાં પણ એક જાતી બીજી જાતીને હલકી માને છે! વર્ણવ્યવસ્થાએ માણસને માણસ રહેવા દીધો નથી. વર્ણવ્યવસ્થાએ સમાજમાં બંધુત્વ પ્રગટે તેવી એક પણ શક્યતા રહેવા દીધી નથી! બંધારણમાં વર્ણવ્યવસ્થાનું સહેજ પણ સમર્થન કરવામાં નથી આવ્યું તે આપણી સૌથી મોટી વૈચારીક જીત છે! એટલું નક્કી છે કે બંધારણને સળગાવનારા વર્ણવ્યવસ્થાના કટ્ટર હીમાયતી છે!
મનુસ્મૃતીના શાસન કરતાં
બંધારણવાળું શાસન શા માટે શ્રેષ્ઠ છે?
1941માં, પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા ‘મળેલા જીવ’ પ્રગટ થઈ ત્યારે કવી નાનાલાલે તેનો ઉપહાસ કરતાં કહ્યું હતું કે “શું હવે આપણે પટલા (પટેલ) અને ઘાંયજાના લખેલાં પુસ્તકો વાંચવાં પડશે?” સ્વામી સચ્ચીદાનંદજીની મુલાકાત વેળાએ તેઓએ કહ્યું હતું : “આ તો હું બ્રાહ્મણ છું એટલે લોકો મારા પુસ્તકો વાંચે છે! હું જો વાણંદ હોત તો લોકો કહેત કે જોયા હવે ઘાંયજાના વીચારો!” વર્ણ વ્યવસ્થા કેવા પુર્વગ્રહો સર્જે છે; શું ભુમીકા ભજવે છે; તે આ ઉદાહરણ ઉપરથી જોઈ શકાય છે. કેટલાંક વર્ણવાદીઓ બંધારણનો એટલા માટે વીરોધ કરે છે કે તેની સાથે ડૉ. આંબેડકરનું નામ જોડાયેલું છે!
રાજા–મહારાજાઓના શાસન વેળાએ બહુજન સમાજ ગુલામી ભોગવતો હતો. મહેનત/મજુરી કરનારને તથા સ્ત્રીઓને શીક્ષણ મેળવવાનો અધીકાર ન હતો. આઝાદી બાદ બંધારણ અમલમાં આવતા કોઈ પણ નાગરીકને નાત–જાત/ધર્મ/લીંગ/વર્ણના ભેદભાવ વગર પોતાનો વીકાસ કરવાની સ્વતંત્રતા અને સમાન તક મળી. દેશમાં 1947 અગાઉ વર્ણ વ્યવસ્થાવાળું શાસન હતું ત્યારે કણબી/પટેલો/પાટીદારો તથા પછાતવર્ગોની સ્થીતી શું હતી? બંધારણને બદલે મનુસ્મૃતીવાળું વર્ણવ્યવસ્થાનું શાસન હોત તો ‘ખેડે તેની જમીન’ની પોલીસી બની હોત ખરી? મહેસુલ વસુલ કરવા રાજસત્તા તરફથી ખેડુતો ઉપર જુલમ થતો હતો. બંધારણે વર્ણવ્યવસ્થા વીહીન સમાજ રચનાની જોગવાઈ કરી એટલે પછાત વર્ગો તથા પાટીદાર મહીલાઓ/પુરુષો; ડોક્ટર્સ/એન્જીનીયર્સ/વકીલો/ન્યાયાધીશો/વેપારીઓ/ઉદ્યોગપતીઓ/લેખકો/કવીઓ/કલાકારો/ અધીકારીઓ/મંત્રીઓ બની શક્યા છે. સવાલ એ છે કે ‘ખેડે તેની જમીન’નો કાયદો શા માટે આવ્યો? આપણા બંધારણના કારણે. સામાજીક ન્યાય હાંસલ કરવાની દીશા બંધારણ ચીંધે છે.
પાટીદારો અને પછાતવર્ગોએ જે વીકાસ હાંસલ કર્યો છે; એ જેમનાથી સહન નથી થતો; એવા કેટલાંક વર્ણવાદીઓ બંધારણ નીષ્ફળ ગયું છે; તેવો ખોટો ઉહાપોહ કરે છે. દુ:ખની વાત એ છે કે પાટીદારો/પછાતવર્ગોની પ્રગતી બંધારણને આભારી છે; તેનો ખ્યાલ તેમને નથી. તેઓ પોતાની પ્રગતીનું શ્રેય માતાજીઓ/સાધુ–સંતોની કૃપાને આપી રહ્યા છે અને તેમની પુજા–ભક્તીમાં લીન બની તનમનધન એમની સેવામાં અર્પણ કરી રહ્યા છે! માતાજીઓના ભવ્ય મન્દીરો બંધાવી રહ્યા છે. એક પછી એક સ્વામીનારાયણ મન્દીરો બંધાઈ રહ્યા છે! પગપાળા તીર્થયાત્રા યોજી રહ્યા છે. ભવ્ય કથા/પારાયણો/ સામૈયાઓ યોજી રહ્યા છે! આજે આ પછાતવર્ગો/પાટીદારો એ વીચારવા તૈયાર નથી કે “1947 પહેલાંના હજારો વરસમાં આ દેવી–દેવતાઓ/સાધુ–સંતો ક્યારેય તેમની કૃપા શા માટે પોતાની ઉપર વરસાવતા ન હતા? શું આ દેવી–દેવતાઓએ/સાધુસંતોએ પોતાને આજની સ્થીતીએ પહોંચાડ્યા છે?” પાટીદારો/પછાતવર્ગો વર્ણવ્યવસ્થાજન્ય ક્રીયાકાંડોમાં પોતાના અમુલ્ય સમય/શક્તી/ધનનો દુરુપયોગ કરી રહ્યાં છે; મન્દીરો અને કથા/પારાયણોમાં પોતાનું ધન વેડફી રહ્યાં છે. જે ધર્મ/સમ્પ્રદાયે તેમને હજારો વર્ષ સુધી ગુલામ/ગરીબ/નીમ્ન બનાવ્યા હતા; એ જ ક્રીયાકાંડોવાળા ધર્મ/સમ્પ્રદાયને ઉત્તેજન આપી પોતાના પગ ઉપર પોતે જ કુહાડો મારી રહ્યાં છે! ક્રીયાકાંડો એ ધર્મ નથી; પરન્તુ સદાચાર અને સેવા એ સાચો ધર્મ છે. કેટલાંક પછાતવર્ગો/પાટીદારો બંધારણની જગ્યાએ મનુસ્મૃતીનો અમલ ઈચ્છે છે; કેમ કે તેઓ પોતાનો ઈતીહાસ ભુલી ગયા છે.
રૅશનાલીસ્ટ ગોવીંદ મારુએ ‘વર્ણવ્યવસ્થા : એક ષડયંત્ર’ પુસ્તકની ઈ–બુક દ્વારા આપણી સમક્ષ ઉત્કૃષ્ટ વીચારથાળ રજુ કર્યો છે; જે બદલ તેમને ધન્યવાદ… આ ઈ-બુકના લોકાર્પણ માટે તેઓએ ‘Constitution Day of India – બંધારણ દીવસ – 26મી નવેમ્બર’ને પસન્દ કર્યો તેથી વર્ણવાદીઓના કારસ્તાનનો પર્દાફાશ કરીને તેમણે બંધારણ પ્રત્યે નીષ્ઠા દાખવી છે. 1949માં, આ દીવસે ભારતની બંધારણ સભાએ ભારતના બંધારણને સ્વીકાર્યુ હતું; અને 26 જાન્યુઆરી, 1950ના દીવસે અમલમાં મુક્યું હતું. લેખક એન. વી. ચાવડાએ હીમ્મતપુર્વક તથ્યોને આપણી સમક્ષ મુકીને રાષ્ટ્રની સાચી સેવા કરી છે. ‘જો આપણે બંધારણનું રક્ષણ નહીં કરીએ તો વર્ણવ્યવસ્થા ફરી સ્થાપીત થઈ જશે! બંધારણના રક્ષણમાં જ બહુજનોનું રક્ષણ સમાયેલું છે!’ લેખકના આ સુર સાથે સહમત થયા વીના રહી શકાય તેમ નથી!
‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’ ઈ.બુક
ડાઉનલોડ કરવા માટે સ્રોત :
Click to access ebook_53_n_v_chavda_varnavyavastha_ek_shadyantra_final-1.pdf
–રમેશ સવાણી
‘વર્ણવ્યવસ્થા : એક ષડ્યંત્ર’ ‘ઈ.બુકનો આવકાર’માંથી, લેખકના અને ઈ.બુક–પ્રકાશકના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 26–11–2021
‘ મનુસ્મૃતી માનવગૌરવનો ઈન્કાર કરે છે. મનુસ્મૃતી, મહીલાઓ અને શુદ્રો ઉપરના અત્યાચારને ઉચીત ઠેરવે છે. ‘ આવી મનુસ્મૃતી અંગે સમાજમાં કેટલાક ભ્રામક ખ્યાલો કે ગેરસમજો પ્રવર્તે છે . વળી સાંપ્રત સમયે આ યોગ્ય ન લાગે તેથી માનવ ગૌરવને વરેલું બંધારણ સ્વીકારવું યોગ્ય છે . તે સાથે મનુસ્મૃતીના બીજા સારા મુદ્દાને સ્વીકારવા જોઇએ.. આ.સહજાનંદજી અને આ.સ્વામી સચ્ચીદાનંદજી જેવાએ આ અંગે ચિંતન-મનન કરી સમજાવેલી વાત સ્વીકારી છે .
LikeLiked by 1 person
સ્વામી સચ્ચુદાનંદજી ના પુસ્તક, ‘ અઘોગતિનું મૂળ…વર્ણવ્યવસ્થા ‘ બઘુ જ સરસ રીતે સમજાવે છે. જેને સમજવું હોય તે સમજશે. જેને પોતાની જાતને છેતરીને , મુરખ બનાવીને તે લખાણ સમજવું નથી તો તેને સમજાવવાની જરુર નથી.
આજે સ્ત્રીઓની પરિસ્થિતિ સુઘરી છે. સ્ત્રીઓ ભણે છે. નોકરી કરે છે. પોતાની આઝાદીની વાતો સમજે છે. સ્વચ્છંદતા શું કહેવાય તે પણ સમજે છે.
શુદ્રોને ગાંઘીજીઅે ‘ હરિજન ‘ બનાવ્યા પરંતું લોકોઅે કાયદાને માન આપીને ઓપનલી હરિજન ગણયા હશે ….પોતાના મનમાં નહિ……
મનુસ્મૃતિ….? જેમને હિન્દુ કહીઅે છીઅે તેમને અઘોગતિ તરફ લઇ ગયું કહેવાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઘ્યાય : ૪, શ્લોક: ૧૩માં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે…‘ ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.‘
વર્ણવ્યવસ્થા શું શ્રીકૃષ્ણે બનાવી હતી. ?
બીજુ બઘું ડીસ્કશન ના કરીઅે પરંતું જે સત્ય છે અને જેના કુફળો હિન્દુઓ ભોગવી રહ્યા છે…અઘોગતિ પામી રહ્યા છે તે વર્ણવ્યવસ્થા છે. માણસ માણસને ઊંચા…નીચા બનાવે છે. અને પરિણામે હિન્દુઓ કદાપી ‘ અેકતા ‘ બનાવી શક્યા નથી. અને અેકતા પામી શકવાના નથી. ઇસ્લામ કે ઇશાઇઓને જૂઓ તેઓ અેકતા…યુનિટી…માં જીવે છે…અેક થઇને જીવે છે. વર્ણો નથી કે હજારો દેવો,,,દેવીઓ નથી…હિન્દુઓમાં .રોજે નવા ભગવાનો પેદા થઇ રહ્યા છે. અેક પંથવાળો બીજાનું મોઢુ નહિ જૂઅે…
હિન્દુઓ ખરેખર ‘ અઘોગતિ‘ તરફ જઇ રહ્યા છે.
મુસ્લિમો હાલમાં કુરાનને નામે…‘ ઇસ્લામ સ્વીકારો અથવા મોત સ્વીકારો‘ લઇને નીકળી પડયા છે. સોમનાથનું મંદિર લગભગ ૧૮ વખત લુટાયું , સ્ત્રીઓ બળાત્કારની ભોગ બની…હિન્દુ, પૂજારીઓ કે બિજા વર્ણોના હિન્દુ મંદિરના કે સ્ત્રીઓના રક્ષણ માટે બહાર આવ્યા ન્હોતા. અહિંસાના ખોટા પાઠ ભણાવ્યા….શ્રીકૃષણઅે મહાભારતમાં અન્યાય સામે હથીયાર ઉઠાવવા અર્જુનને શીખવ્યું….અને તે ભૂલીને આજના બની બેઠેલાં સાઘુઓ…અહિંસાના પાઠ ભણાવે છે. અેકતા નથી શીખવતા….
હિન્દુ ?
મોટો પ્રશ્ન બની રહ્યો છે.
વર્ણવ્યવસ્થા મૂળમાં છે.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Good
LikeLiked by 1 person