શ્રેષ્ઠ જીવનની કેળવણી

બધાં પ્રાણીઓમાં મનુષ્યપ્રાણી શ્રેષ્ઠ છે એમ માણસ ગર્વથી કહે છે; પણ ખરેખર તે શ્રેષ્ઠ છે શું? આપણી વૃત્તીઓ યોગ્ય છે કે અયોગ્ય? તે ધર્મ્ય છે કે અધર્મ્ય? તેમનું શમન કરવામાં માનવતાનો વીકાસ છે કે હ્રાસ?

શ્રેષ્ઠ જીવનની કેળવણી

–કેદારનાથજી

બધાં પ્રાણીઓમાં મનુષ્યપ્રાણી શ્રેષ્ઠ છે એમ માણસ ગર્વથી કહે છે; પણ ખરેખર તે શ્રેષ્ઠ છે શું? એનો સુક્ષ્મ દૃષ્ટીથી વીચાર કરીએ તો કેટલીક બાબતોમાં શ્રેષ્ઠ છે તો કેટલીક બાબતોમાં શ્રેષ્ઠ કહેવડાવવાને તે લાયક નથી એમ જણાઈ આવે છે. માણસ જ્યારે વીવેકથી સંયમપુર્વક સર્વહીતબુદ્ધીથી વર્તે છે અર્થાત્ ધર્મબુદ્ધીથી વર્તે છે ત્યારે તે શ્રેષ્ઠ કહેવડાવવાને લાયક છે એમ લાગે છે; પણ પોતાને બુદ્ધીમાન સમાજનારો માણસ જ્યારે અવીવેકથી સ્વછંદપણે, કેવળ પોતાની વૃત્તીઓ પ્રમાણે વર્તીને પોતાના અને બીજાઓના દુ:ખનું કારણ બને છે, ત્યારે તે શ્રેષ્ઠ ગણાવાને લાયક નથી એમ કહેવું પડે છે. કેવળ સ્વાર્થ માટે છળકપટ, દુષ્ટતા, અન્યાય અને અત્યાચાર કરનારું બુદ્ધીમાન પ્રાણી માણસ સીવાય બીજું કોઈ નથી એમ દેખાય છે ત્યારે તે સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે એમ કહેવું એટલે એણે કરેલા દોષોમાં ઉમેરો કરવો એટલો જ અર્થ થાય છે. માણસ સીવાયનાં બીજાં પ્રાણીઓ કેવળ કુદરતી ધર્મ પ્રમાણે વર્તે છે. તેમની ઈચ્છાઓ, વાસનાઓ, વીકારો અને ભાવનાઓ બધી મર્યાદીત છે. એ કુદરતને અનુસરીને છે. કુદરતે તેમને જેમ પેદા કર્યા છે અને જે વીકાર અને ભાવનાઓ તેમનામાં મુક્યાં છે, તે પ્રમાણે તેઓ વર્તે છે. તેમનું જીવન અને જીવનવ્યવહાર કેવળ કુદરતી ધર્મ પ્રમાણે હોય છે. તેમનામાં વીકાર છે પણ તે કેવળ પ્રકૃતીધર્મ પ્રમાણે છે. તેમનામાં સંયમ છે, પરન્તુ તે તેમણે પ્રયત્નપુર્વક સીદ્ધ કરેલો ન હોઈ પ્રકૃતીધર્મ પ્રમાણે છે. એટલે વીકાર માટે તેમને દોષ તેમ સંયમ માટે તેમને શ્રેષ્ઠતા અપાય નહીં. વીકાર અને સંયમના ખોટાસાચાનું જ્ઞાન થઈ તેમાં ઓછુંવત્તું કરવાની શક્તી અને બુદ્ધી પણ તેમનામાં નથી. માણસમાં આ જાતની સર્વ બુદ્ધી અને શક્તી છતાં તેનો ઉપયોગ ન કરતાં તેણે વીકારની પાછળ લાગી સંયમને છોડી દઈ વીકૃતી નીર્માણ કરેલી છે અને તે વધારેલી છે. એ વાત તેના શ્રેષ્ઠપણાને શોભતી નથી. અવીવેક, અસંયમ, વીકૃતીની બુદ્ધી અને સંયમનો અભાવ માનવી જીવનમાં પુર્ણપણે દેખાઈ આવે તો તેને શ્રેષ્ઠ કેવી રીતે કહેવાય? એક વાત ની:શંકપણે કબુલ કરવી પડે છે કે વીવેક અને સંયમથી પોતાના વીકારોને તાબે રાખીને, ઈચ્છાઓ અને વાસનાઓને આવરીને પ્રકૃતી પર વીજય મેળવનારા માનવજાતીમાં જન્મ્યા છે. પોતાનું જીવન હમ્મેશ બીજાઓને માટે ખર્ચનારા, સદ્ધર્મ પ્રમાણે વર્તીને શાંતી મેળવી જીવન સાર્થક કરનારા માનવકુળમાં પેદા થયા છે. સત્યને ખાતર પોતાના પ્રાણની પરવા નહીં કરનારા, પોતાનાં વ્યક્તીગત સુખદુ:ખનો વીચાર ન કરતાં માનવજાતના સુખાર્થ અને દુ:ખનીવારણાર્થ જીવનસર્વસ્વ અર્પણ કરનારા માનવવંશમાં નીર્માણ થયા છે એમાં શંકા નથી. તેમણે જ માવનજાતીમાં વધી પડેલી વીકૃતીનો નાશ કરી કેવળ પ્રાકૃતીક ધર્મોને પણ તાબામાં લાવી ઉચ્ચ સંસ્કૃતી નીર્માણ કરી છે અને માનવજાતીને શ્રેષ્ઠતા તરફ લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. આવી કેટલીક વીભુતીઓ, આવી કેટલીક ધર્મનીષ્ઠ વ્યક્તીઓ માનવસમાજમાં પેદા થયેલી હોવાથી બધી માનવજાતીને પોતાને શ્રોષ્ઠ કહેવડાવવાનો આધાર મળ્યો છે એટલું જ; પણ એ પરથી મનુષ્યમાત્ર શ્રેષ્ઠ છે એમ કહી ન શકાય. જેમણે માનવજાતી માટે ઉચ્ચ પ્રકારની સંસ્કૃતી નીર્માણ કરી, વીવેકનો આશ્રય લઈ સંયમની મદદથી ક્ષુદ્ર વૃત્તીઓને આવરીને જેમણે પોતાની ઉન્નતી સાધી લીધી તે જ શ્રેષ્ઠ કહેવડાવવાને લાયક છે એમ લાગે છે. તેમના નામે આપણે બધા પોતાને શ્રેષ્ઠ માનીએ એમાં ખરેખર ન્યાય નથી. સંતસજ્જનોએ માનવી સંસ્કૃતી નીર્માણ કરી અને તેઓ તે પ્રમાણે વર્ત્યા. તેમણે આપણને ઉચ્ચ સંસ્કૃતીના પાઠ આપ્યા. તેમણે આપેલા આદેશ અને ઉપદેશ પ્રમાણે આપણે વર્તીએ તો આપણે પણ તેમની જેમ ઉન્નત થઈએ અને બધાં પ્રાણીઓમાં માનવ શ્રેષ્ઠ છે એવી સમજણ, એવી માન્યતા આપણે પોતાના આચરણથી સાચી કરી બતાવીએ.

જગતના બધા સંતમહાત્માઓ કહેતા આવ્યા છે કે જીવન નકામું જવા ન દેશો. સદૈવ જાગ્રત રહો. જાગ્રત નહીં રહો તો અનેક ક્ષુદ્ર બાબતોમાં તમારું જીવન વ્યર્થ જતું રહેશે. તમારા સમ્બન્ધીઓ, તમારા આસપાસના માણસો નકામી વાતોમાં પોતાનું જીવન ખર્ચી નાખશે. તમારી નીકટના માણસો, તમારા મીત્ર કહેવડાવનારા પણ જો પોતે વીવેકી, સંયમી અને જીવન વીશે ઉચ્ચ વીચાર કરનારા નહીં હોય તો પોતપોતાના ક્ષુદ્ર હેતુની સીદ્ધીમાં પોતાનું જીવન ફોકટ ગાળશે. પોતાના ક્ષુદ્ર હેતુમાં તમારી મદદ લઈ તમારું જીવન પણ વાપરશે. આ જાતનું સુચન સંત-મહાત્માઓ કરતા આવ્યા છે; પરન્તુ આપણે તેમના લાગણીપુર્વક કરેલા ઉપદેશ તરફ લક્ષ આપતા નથી. વહેવારમાં આપણે જોઈએ છીએ કે એક કામ વગરનો માણસ નવરાશનો પોતાનો વખત ગાળવા માટે બીજા કામ વગરના માણસ પાસે જાય છે અથવા કામમાં પડેલા માણસ પાસે જઈને ગપ્પાં મારે છે, ક્યારેક પત્તાં રમવામાં પોતાનો અને બીજાઓનો વખત ફોકટ ગાળે છે. એક વ્યસની માણસ બીજા ઘણાને વ્યસની કરીને પોતાનું અને બીજાઓનું જીવન ખરાબ કરે છે. માણસ પોતાની જેમ બીજાઓને બનાવીને પોતાની વૃત્તીઓનું શમન કરે છે. આ રીતે આપણે બધા એકમેકની ખોટી વૃત્તીઓમાં એકમેકને મદદ કરીને જીવન વ્યર્થ ગાળીએ છીએ. જીવન સાર્થક કરવા માટે એકબીજાને મદદરુપ ન થતાં જીવન વ્યર્થ ગાળવામાં આપણે એકબીજાને સહાય કરીએ છીએ. કુદરતે આપણને આપેલી વીશેષ બુદ્ધી યોગ્ય રીતે વાપરીને આપણે પોતાનું જીવન સાર્થક કરી લેતા નથી. એનું કારણ એ કે આપણે માણસ છીએ એમ આપણે માત્ર કહીએ છીએ; પણ આપણે સાચેસાચ માનવતાના ઉપાસક નથી. જીવનનો ઉચ્ચ ઉદ્દેશ આપણે ધારણ કર્યો નથી. આપણા ચીત્તમાં ઉઠનારી વૃત્તીઓના શમનથી તાત્કાલીક જે કાંઈ સુખ કે સ્વાસ્થ્ય મળે તેની પાછળ લાગેલા છીએ. આપણી વૃત્તીઓ યોગ્ય છે કે અયોગ્ય? તે ધર્મ્ય છે કે અધર્મ્ય? તેમનું શમન કરવામાં માનવતાનો વીકાસ છે કે હ્રાસ? એનો વીચાર ન કરતાં કેવળ આપણી વૃત્તીઓના પ્રવાહ પ્રમાણે આપણે વર્તીએ છીએ. તે પ્રયત્નમાં આ પ્રવાહને વધારે વેગ મળે છે અને તે વેગમાં આપણું જીવન ચાલેલું હોય છે; પણ આ રીતે ચાલેલા જીવનમાં આપણને સુખ પ્રાપ્ત થાય છે જ એવું નથી. ઉલટા દુ:ખના જ અનુભવો આપણને વધારે થાય છે. તો પણ એ પ્રવાહ આપણે ટાળી શકતા નથી, તોડી શકતા નથી અથવા તેમાંથી આપણે નીકળી શકતા નથી. એવી આપણી સ્થીતી છે, અને એ સ્થીતીમાં જ દીવસ પછી દીવસ, મહીના પછી મહીના અને વર્ષ પછી વર્ષ જતાં હોઈ આપણું જીવન પુરું થાય છે.

આપણે દરેક જણ સુખ ઈચ્છીએ છીએ; પણ એકંદરે જોઈએ તો દુ:ખની જ અનુભુતી આપણને વધારે થાય છે. આનું કારણ આપણી આજની સદોષ જીવનપદ્ધતી છે. ઉપરાંત માણસને સુખના કરતાં દુ:ખની તીવ્રતા હમ્મેશ વધારે લાગે છે, આવો આપણો મનોધર્મ થઈ ગયો છે. માણસને પોતાની સુખરુપતાનું તે સમયે ભાન પણ હોતું નથી. દુ:ખકાલીન અવસ્થાનું તેને સ્મરણ થાય છે ત્યારે તેને ચાલુ સુખરુપ સ્થીતીનું ભાન થાય છે અથવા બીજાઓનું દુ:ખ જોઈને પોતાની સુખરુપ સ્થીતી તેના લક્ષમાં આવે છે. નહીં તો સુખને વખતે પણ તેને તેનું સતત ભાન હોતું નથી. તેની અનુભુતી તેને તીવ્ર લાગતી નથી. સુખ એ તેને પોતાના હકનું લાગે છે. આપણે દરેક સુખ ભોગવવાને લાયક છીએ એવું તેને હમ્મેશ લાગતું હોય છે. પોતાની સુખરુપ અવસ્થા માટે બીજાની ભલાઈ અથવા કોઈની ઉદારતા અને શ્રદ્ધા કારણ છે એવું પ્રત્યક્ષ દેખાતું હોય તોયે તેનું ખરું કારણ સુખ ભોગવવાની પોતાની લાયકી જ છે એમ તે સમજે છે. તેથી સુખની બાબતમાં તે કોઈની કૃપા કે કોઈનો ઉપકાર માનવાને તૈયાર હોતો નથી; પણ દુ:ખને પ્રસંગે કેવળ પોતાના જ દોષને લીધે, મુર્ખાઈને લીધે આપણે તે ભોગવવું પડે છે એમ તેને લાગતું ન હોવાથી બીજા કોઈનાયે દોષને લીધે પોતાના પર તે આપત્તી આવેલી છે એમ તે સમજે છે. આપણે પોતાને નીર્દોષ સમજીને આપણા દુ:ખને માટે બીજા જ કારણ છે એવી સમજણ આપણે કરી લઈએ છીએ અને દુ:ખ એ આપણા દોષોનું ફળ છે એમ ન સમજતા હોવાથી તેની તીવ્રતા પણ માણસને વધારે લાગે છે. સ્વાભાવીક રીતે માણસને સુખના કરતાં દુ:ખની અનુભુતી વધારે તીવ્રતાથી થાય છે. તેમાં પણ બીજાઓના દોષોનું તે પરીણામ છે એમ તે સમજતો હોવાને લીધે તેમાં તેને અન્યાય લાગવાથી દુ:ખની તીવ્રતા વધી જાય છે. એવી સ્થીતીમાં માણસને ચીત્તસ્વાશ્ય – શાંતી કેવી રીતે મળવાની?

આ ગેરસમજ અને ભ્રાંતીમાંથી નીકળીને પોતાના જીવનનું સાર્થક કરવા માટે પોતાનાં સુખદુ:ખનાં કારણો આપણે સુક્ષ્મપણે શોધી કાઢવાં જોઈએ. અંતર્મુખ થઈ આત્મપરીક્ષણની ટેવ આપણે પાડવી જોઈએ. આપણાં સુખદુ:ખ માટે આપણા પોતાના કે બીજાના ગુણદોષ કેટલે અંશે કારણભુત છે તે આપણે શોધવું જોઈએ. આવી રીતે અંતર્મુખતા અને આત્મપરીક્ષણ સાધ્યા વગર આપણે ભળતે જ માર્ગે જઈએ તો જીવનમાં જે સત્ય અને કીમતી વસ્તુ પ્રાપ્ત કરવી જોઈએ તે આપણને કદી મળશે નહીં. તે માટે જીવનવીષયક ઉચ્ચ આકાંક્ષા ધારણ કરીને આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. અંતર્મુખતા અને આત્મપરીક્ષણના અભાવે આપણે સત્ય સ્થીતી જાણી શકીશું નહીં, આપણાં સુખદુ:ખનાં કારણો આપણે જાણી શકીશું નહીં. તે જાણ્યા વગર આપણે પોતાનાં દુ:ખોનો નાશ કરીને સુખ પ્રાપ્ત શકીશું નહીં. પોતાના અહંકાર અને પોતા વીશેના મમત્વને લીધે આપણે પોતાને હમ્મેશ નીર્દોષ અને બીજાઓના કરતાં સારા સમજીએ છીએ. આવી અંતર્મુખતા અને આત્મપરીક્ષણની પોતાને ટેવ પાડ્યા વગર આ દોષમાંથી આપણે છુટી શકીશું નહીં. આપણને પ્રાપ્ત થયેલા સુખ માટે કેટલાયને કષ્ટ સહન કરવું પડેલું હોય છે અને પડે છે એનો વીચાર મનમાં ન લાવતાં આપણું સુખ એ આપણા પુરુષાર્થનું ફળ છે એટલું જ નહીં પણ બીજાઓના સુખ માટે પણ આપણે કારણભુત છીએ એવું આપણે સમજીએ છીએ; પરન્તુ આપણા પોતાનાં અને બીજાઓનાં કેટલાંયે દુ:ખોનું આપણે કારણ છીએ એવું આપણને કદી લાગતું નથી; એનું કારણ અંતર્મુખતા અને આત્મપરીક્ષણનો અભાવ જ છે. આ આપણા દોષને લીધે આપણામાં છુપાઈ રહેલા બીજા કેટલાયે દોષો આપણા લક્ષમાં આવતા નથી. અંતર્મુખતા અને આત્મપરીક્ષણ એ આયના જેવાં છે. આપણું જ મોં જેમ આયના વગર આપણે જોઈ શકતા નથી તેમ આપણા જ દોષો અંતર્મુખતા વગર આપણા ધ્યાનમાં આવતા નથી.

સંતમહાત્માઓએ માણસના છ રીપુઓના પ્રતાપનું વર્ણન કરેલું છે. તે આપણા પોતાના જ રીપુઓનું વર્ણન છે એવું આપણને ન લાગે તો તે વર્ણન વાંચવાનો આત્મોન્નતીની દૃષ્ટીથી આપણને કશો ઉપયોગ નથી. છ રીપુઓ દરેકના શરીરમાં હોઈ દરેકને છળે છે, એવું સર્વસાધારણ વર્ણન આપણને ગળે ઉતરે છે, પરન્તુ તે જ રીપુઓ આપણામાં પણ છે, એ આપણને ગળે ઉતરતું નથી. ગળે ઉતરે તોયે રુચતું નથી. જગતમાં મનુષ્યમાત્રમાં દોષો છે એ પણ આપણે કબુલ કરીએ છીએ, પણ તેનો અર્થ આપણને બાદ કરીને બાકીના મનુષ્યમાત્રમાં છે એવો આપણે કરીએ છીએ. આપણે આવો ભુલભરેલો અર્થ સમજ્યા વગર કરીએ અથવા સમજીબુજીને કરીએ તોયે તેનાથી સૃષ્ટીના કાયદાઓ, મનના ધર્મો બદલાતા નથી. ઉલટું જે બાબતમાં સાવધ રહીને પ્રયત્નશીલ રહેવું જોઈએ તે બાબતમાં આપણે દુર્લક્ષ કર્યાથી આપણામાં રહેલા રીપુઓ પ્રબળ થાય છે અને દોષો વધે છે. સાચું પુછતાં સંતમહાત્માઓએ આપણને સાવધ થવા માટે આપણા રીપુઓનું વર્ણન કર્યું છે. આપણા કામ, ક્રોધ, લોભ વગેરે વીકારોને લીધે આપણું જેટલું નુકસાન થાય છે, તેને લીધે આપણા પર જેટલા દુ:ખના પ્રસંગો આવે છે, તેટલું નુકસાન બીજા કોઈનાયે તરફથી થઈ શકતું નથી અથવા તેટલા દુ:ખના પ્રસંગો કોઈને લીધે પણ આપણા પર આવતા નથી. આ ખરી સ્થીતી છે. આ સ્થીતી લક્ષમાં લઈને તે વીકારોને તાબામાં લેવાનો પ્રયત્ન આપણે કરીએ તો ચાલુ દુ:ખોમાંથી કેટલાંયનો સહેજે નાશ થશે. આપણા જીવનનું, તેનાં નાનાંમોટાં કૃત્યોનું અને બનાવોનું તેમ જ આપણે બોલીએ છીએ તે શબ્દોનું આપણે અવલોકન કરીએ, તેનું પૃથક્કરણ અને સંશોધન કરીએ તો આપણા દુ:ખનાં કારણો આપણા લક્ષમાં આવશે. તે લક્ષમાં આવ્યા પછી દૃઢ નીશ્ચયથી આપણે તેનો નાશ કરીએ તો આપણાં દુ:ખો નાશ પામે અને આપણે સુખના માર્ગે લાગીએ. આપણે સારા સારા ગ્રંથો વાંચીએ છીએ, મોટા મોટા પુરુષોના ચરીત્રગ્રંથો પણ વાંચીએ છીએ, પણ તે બધાનો ઉપયોગ આપણા જીવનમાં કરી લેવા માટે આપણે સુક્ષ્મદર્શી અને વીવેકી ન થઈએ, તેમ જ તે બાજુથી પ્રયત્નશીલ ન રહીએ તો તે વાચનથી શો લાભ થશે? વૈદકીય ગ્રંથો વાંચીને પોતાના રોગનું નીદાન ન થાય, તે પર ઉપાય આપણને ન મળે અથવા મળે તો પણ તેનો ઉપયોગ આપણે ન કરીએ તો તે વાચનનો શો ઉપયોગ? કેવળ મનોરંજન માટે આવા ગ્રંથો વાંચ્યાથી તેનો આપણી ઉન્નતીની દૃષ્ટીથી કશો ઉપયોગ થતો નથી. તે પ્રમાણે ગીતા, ઉપનીષદો, રામાયણ, મહાભારત, સંતચરીત્રો અને મહાન પુરુષોનાં ચરીત્રોને પણ કેવળ મનોરંજન માટે વાંચતાં રહેવાથી જીવન સુધરતું નથી. તત્ત્વજ્ઞાનના વાચનથી આપણે પોતાના જીવનને ઉન્નત કરી શકીએ એવી તાત્ત્વીક દૃષ્ટી આપણને પ્રાપ્ત ન થાય તો તેનો શો ઉપયોગ? રામાયણ વાંચવાં છતાં માતૃપીતૃભક્તી, બંધુપ્રેમ, ધર્મનીષ્ઠા, શરણાગતવત્સલતા, દીનદુખીયાં માટે સમભાવ એ ગુણો આપણામાં ન આવે, સાવકી માના મત્સરથી કુટુંબનાશ કેવી રીતે થાય છે એ આપણા ધ્યાનમાં આવવા છતાંયે આપણે તેમાંથી બોધ ન લઈએ અને પોતાને બીજા લગ્નનો પ્રસંગ આવે ત્યારે ઘરમાં રામાયણ થવાનો સમ્ભવ છે એ ભુલી જઈને બીજું લગ્ન કરીએ, તેમ જ આપણાથી માતૃપીતૃદ્રોહ અને બંધુદ્રોહ થાય તો તે રામાયણ-વાચનનો શો ઉપયોગ? સદ્ગ્રંથોમાંથી બોધ લઈ તેનો ઉપયોગ આપણા જીવનમાં આપણે કરવાનો છે એ હેતુ સદ્ગ્રંથ વાંચવાની કે સાંભળવાની પાછળ ન હોય તો તેથી જીવન પર કોઈ ઉદાત્ત પરીણામ થઈ શકતું નથી. માટે વાચન કે શ્રાવણ જીવન ઘડવા માટે કરવાનું છે એવી તેની પાછળ આપણી દૃઢ શ્રદ્ધા અને તેવો હેતુ હોવો જોઈએ.

વાચન કે શ્રવણ મનન માટે કરવાનું છે. મનનમાંથી અર્થબોધ, તેનો સાર કાઢીને તેને આચરણમાં લાવવાનો આપણો હેતુ હોવો જોઈએ. મનનમાંથી તારવેલો બોધ આપણા જીવનમાં ક્યાં અને કેવો ઉપયોગી થઈ શકશે એ જોવા માટે આપણને આપણા દોષો – આપણી ઉણપો ધ્યાનમાં આવવી જોઈએ. અને તે માટે જ અંતર્મુખતા અને આત્મશોધનની જરુર છે. તે માટે સંતમહાત્માઓ આપણને જાગ્રત રહેવા માટે, સાવધ રહેવા માટે ઈશારો કરતા આવ્યા છે. આપણા કામ, ક્રોધ, લોભ વગેરે વીકારોને લીધે, તેમ જ મમત્વ અને અહંકારને લીધે આપણામાં ઉઠતી વૃત્તીઓના શમન પાછળ, તે પુરી કરવા પાછળ તમે ન લાગશો એવું તેઓ આપણને કળકળથી કહેતા આવ્યા છે. આ તેમના સુચવવાનું કે કહેવાનું રહસ્ય – તેનો હેતુ ઓળખીને આપણે પોતાના જીવનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમ આપણે કરીએ તો આપણાં દુ:ખો ઓછાં થશે અને આપણાં સુખ વધશે. આપણું જીવન સાર્થક થશે અને આપણા જીવન પરથી મનુષ્યપ્રાણી બીજાં પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ છે એવી ખાતરી થશે. સ્વચ્છંદ, સ્વૈરાચાર અને અસંયમથી માણસ સુખી થતો નથી પણ સંયમ, દૃઢતા અને નીયમબદ્ધતાથી તે સુખી થાય છે; ધન, બળ અને વીદ્યાથી માણસ સુખી થતો નથી પણ તેમનો બીજાના કલ્યાણર્થે ઉપયોગ કરવાથી તે સુખી થઈ શકે છે. એ સીદ્ધાંત આપણા પોતાના ધર્મરુપ જીવનવ્યવહારથી આપણે સીદ્ધ કરવો જોઈએ એટલી મોટી જવાબદારી મનુષ્યરુપે આપણા પર આવેલી છે, એ ઓળખીને આપણે વર્તવું જોઈએ. એમ સમજીને આપણે વર્તીએ તો જ માનવી જીવન શ્રેષ્ઠ છે એમ કહેવામાં કંઈ અર્થ છે એમ સીદ્ધ થશે. વીકૃતીનો નાશ કરીને, પ્રકૃતીને તાબામાં લાવીને માનવસંસ્કૃતીનો વીકાસ કરી, તેને ઉત્તરોત્તર આપણે શુદ્ધ કરવાની છે એ વાત – એ જવાબદારી આપણે કયારે પણ ભુલવી ન જોઈએ એ જ આ બધા લખાણનું રહસ્ય છે.

–કેદારનાથજી

શ્રી. રમણીકલાલ મગનલાલ મોદી સમ્પાદીત શ્રી. કેદારનાથજીના ‘જીવનવીષયક અને માનવતાની વીચારસરણી’નો વીશદ ખ્યાલ આપતો સંગ્રહ ‘વીચારદર્શન’ {પ્રકાશક : નવજીવન પ્રકાશન મન્દીર, અમદાવાદ –380 014; ચોથું પુનર્મુદ્રણ : 2008; પાનાં : 294 મુલ્ય : રુપીયા 35/– (ચાર પુસ્તકોના સમ્પુટની રાહત દરની કીમ્મ્ત છે)}માંથી, લેખક, સમ્પાદકો અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : અફસોસ, શ્રી. કેદારનાથજી હવે આપણી વચ્ચે નથી.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે અને સોમવારે મળી, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

4 Comments

  1. ‘વીકૃતીનો નાશ કરીને, પ્રકૃતીને તાબામાં લાવીને માનવસંસ્કૃતીનો વીકાસ કરી, તેને ઉત્તરોત્તર આપણે શુદ્ધ કરવાની છે
    આ કેદારનાથજીની પ્રેરણાદાયી વાત સાથે યાદ રાખવાનુ છે કે
    એ જવાબદારી આપણે કયારે પણ ભુલવી ન જોઈએ છે.
    ધન્યવાદ

    Liked by 1 person

  2. ગોવીન્દભાઈ, આપે ખુબ જ ઉપયોગી આર્ટીકલ મુક્યો છે. એમાંનું એકેએક વાક્ય બહુ જ બોધદાયક છે. કેટલાંક વાક્યો મેં નોંધ્યાં, પછી થયું કે બધાં જ વાક્યો નોંધવા જેવાં છે,પણ જે થોડાં વાક્યોનું મેં ટાંચણ કર્યું છે તે આ રહ્યાં: આપણા દુ:ખને માટે બીજા જ કારણ(ભુત) છે એવી સમજણ આપણે કરી લઈએ છીએ અને દુ:ખ એ આપણા દોષોનું ફળ છે એમ ન સમજતા હોવાથી તેની તીવ્રતા પણ માણસને વધારે લાગે છે. ……. માણસને સુખના કરતાં દુ:ખની અનુભુતી વધારે તીવ્રતાથી થાય છે. તેમાં પણ બીજાઓના દોષોનું તે પરીણામ છે એમ તે સમજતો હોવાને લીધે તેમાં તેને અન્યાય લાગવાથી દુ:ખની તીવ્રતા વધી જાય છે. ………… પોતાના અહંકાર અને પોતા વીશેના મમત્વને લીધે આપણે પોતાને હમ્મેશ નીર્દોષ અને બીજાઓના કરતાં સારા સમજીએ છીએ. …… અંતર્મુખતા અને આત્મપરીક્ષણની પોતાને ટેવ પાડ્યા વગર આ દોષમાંથી આપણે છુટી શકીશું નહીં. ……. અંતર્મુખતા અને આત્મપરીક્ષણ એ આયના જેવાં છે. આપણું જ મોં જેમ આયના વગર આપણે જોઈ શકતા નથી તેમ આપણા જ દોષો અંતર્મુખતા વગર આપણા ધ્યાનમાં આવતા નથી. જગતમાં મનુષ્યમાત્રમાં દોષો છે એ પણ આપણે કબુલ કરીએ છીએ, પણ તેનો અર્થ આપણને બાદ કરીને બાકીના મનુષ્યમાત્રમાં છે એવો આપણે કરીએ છીએ.
    ખુબ ખુબ આભાર ગોવીન્દભાઈ આપનો, કેદારનાથજીનો (એમની એક બુક 1974માં ન્યુઝીલેન્ડ આવ્યાં ત્યારે હું મારી સાથે લાવ્યો છું.), તથા રમણીકલાલનો.

    Liked by 1 person

  3. આ લેખ માં ખરાબ વૃત્તિઓ ના કારણ ની ચર્ચા નથી માટે આ ઉપદેશ છે.
    સત્ય શું છે ? મનુષ્યું શા માટે ખરાબ વૃત્તિઓ કરે છે ? એ જણાવો સર
    ૯૦૩૩૦૧૧૩૨૫

    Liked by 1 person

  4. શ્રેષ્ઠ જીવનની કેળવણી કે જીવનની શ્રેષ્ઠ કેળવણી ?
    બાળપણ, યુવાની, મઘ્યજીવન, પુખ્તતા, ઘડપણ (?) કે સિનિયોરીટી ?…
    આ જીવનના જુદા જુદા સમયમાં કયા વરસમાં શ્રેષ્ઠ કેળવણી મળે કે તે મેળવનારનું જીવન શ્રેષ્ઠ બને ? સમાજમાં , પોતાના અંગત જીવનમાં કે પ્રાણિ જગતમાં તે માનવી શ્રેષ્ઠ બની રહે ….લોકસેવામાં, સ્વાર્થ રહિત બની શકે ?
    જ્યારે ગર્ભાઘાન થાય ત્યારે ગર્ભમાં સ્ત્રી કે પુરુષ બને. બન્નેને પોતાની શારિરીક બાંઘણીના રુપે, મગજમાં વિચારોની જુદાપણું હોય છે.
    પુરુષનો દાખલો લઇઅે…વિચાર માટે….હાલમાં જે જીવન રીયાલીટીમાં જીવી રહ્યો છે તેના સંદર્ભમાં વિચારીઅે….
    દરેક પુરુષનું મગજ કૌટુંબિક લક્ષણોવાળું જન્મે છે.
    જ્યારે તે પુરુષ યુવાન બને છે ત્યારે તેને વાતાવરણની અસર થવા માંડે છે. પરણયા પછી નોકરી…કમાણીનો પ્રશ્ન સોલ્વ કરવાનો સમય આવે છે. ત્યાર સુઘીમાં તે જે સમાજમાં જીવન જીવી રહ્યો હોય છે તેમાં…સારા અને ખરાબ વિચારોથી તે વાકેફ થાય છે.
    જીવનની રીયાલીટીમાં તેને સ્ટરગલ ફોર અેક્ઝીસ્ટન્સમાં જીવવું પડે છે. અને આ સ્ટેજ ઉપર તેણે વિચારવું પડે છે….કેવાં સંસ્કારવાળું જીવન જીવવું જેથી તેની અને તેના કુટુંબની પરિસ્થિતિ સાનુકુળ વાતાવરણમાં જીવી શકાય.
    આદર્શવાળી જીંદગી કે પ્રેક્ટીકલ જીવન ????
    આદર્શ અેક અેવી વસ્તુ છે જે ૧૦૦ ટકા પ્યોર વસ્તુ છે. જે કોઇથી પણ પામી શકાયું નથી. જે કોઇ કહે કે તે આદર્શ જીવન જીવે છે તે તેને મુબારક હોય. હરેકે પ્રેક્ટીકલ લાઇફ જ જીવવી પડે છે….તે ૧૦૦ ટકા સત્ય છે.
    શ્રી પરેશ વોરાજીના વિચારોનું પ્રથમ વાક્ય ૧૦૦ ટકા સત્ય છે. કહેવાય છે કે ‘ ઉપદેશ આપવો સહેલી વસ્તુ છે પણ, પોતાના જીવનમાં તે જ ઉપદેશ પાળવો ખૂબ અઘરી વસ્તુ છે. ઉપદેશ આપનાર પણ પ્રેક્ટીકલ લાઇફ જ જીવતો હોય છે. જો તે પ્રેક્ટીકલ લાઇફ જીવતો નહિ હોત તો ઉપદેશ આપી જ શકતે નહિ.
    સાચી વાત તો તે છે કે પ્રેક્ટીકલ લાઇફ અેવી રીતે જીવો કે જેમાં તમે લોકસેવા…સ્વાર્થ વિનાની… પ્રેક્ટીકલ લાઇફ જીવો..જેમાં કોઇને જાણીઅે કે અજાણીઅે નુકશાન નહિ કરો….પ્રેમ અને શાંતિના વાહક બનો…પોતાના કુટુંબીજનોને માટે પોતાની હરેક જવાબદારી પૂર્ણતાથી પૂરી કરો.
    આ કર્મ આપણે માણસ છીઅે , વિકસેલા મગજવાળા છીઅે અેટલે બીજા પ્રાણિઓથી જુદા છીઅે તેનો ખ્યાલ રાખીને વર્તણુક કરવાની છે.
    આદર્શ પામવાની વાતથી દૂર રહો…જે કાંઇ કરીઅે તે લોકહિતાર્થ બની રહે તે જૂઓ.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s