સેક્યુલરીઝમ એટલે શું?

શું ધર્મમાં કહેવાયેલું બધું સત્ય છે? ધર્મએ રાજયમાં માથું ના મારવું જોઈએ કે રાજ્યે ધર્મમાં માથું ના મારવું જોઈએ? સેક્યુલર વ્યવસ્થાની હીમાયત કરવાની શા માટે જરુર પડી?

સેક્યુલરીઝમ એટલે શું?

– જયંતી પટેલ

સેક્યુલર શબ્દ આપણે સામાન્ય રીતે રાજયના સન્દર્ભમાં વાપરીએ છીએ. સેક્યુલર રાજય કોઈ ધર્મનું સમર્થક ના હોય, કોઈ ધર્મ પ્રત્યે પક્ષપાત કે વેર ધરાવતું ના હોય, તેમાં ધર્મ અને રાજ્યનાં ક્ષેત્રોને ઓછામાં ઓછાં અલગ ગણવામાં આવે અને ધર્મ, ધર્મગ્રંથ, માન્યતાઓ કે ધર્મગુરુઓના આદેશો રાજય માટે બંધનકર્તા લેખવામાં આવતા ના હોય. કમભાગ્યે, આપણે ત્યાં એક એવો અર્થ પ્રચલીત બન્યો કે રાજ્ય દરેક ધર્મને સમાન ગણે, રાજ્ય ધાર્મીક બાબતો, ધાર્મીક ક્રીયાકાંડો કે માન્યતાઓ, ધર્મગુરુઓ અને ધર્મસ્થાનકને સમાન રક્ષણ આપે, તેમાં દરમીયાનગીરી ના કરે. એટલે કે, સર્વધર્મસમભાવ, કે સર્વધર્મમમભાવ. આમ ધર્મ રાજયમાં માથું ના મારે તેના બદલે રાજ્ય ધર્મમાં માથું ના મારે, તેવો અર્થ થયો. યુરોપમાં ધર્મ પરલોક કે આધ્યાત્મીક બાબતો વીશે જે કહેવું હોય તે કહે, પણ ઐહીક બાબતોમાં, રાજકીય, સામાજીક કે આર્થીક વ્યવહારો બાબત, કોઈ આદેશ આપી ના શકે તેવી સમજ વીકસી જયારે, આપણે ત્યાં, ધાર્મીક વ્યવહારો (પછી તે આર્થીક, રાજકીય કે સામાજીક વ્યવસ્થાને સ્પર્શતા હોય) તો પણ રાજયે તેમાં દખલ ના કરવી જોઈએ તે આગ્રહ ચાલુ રહ્યો છે. આ વાત સેક્યુલરના ખ્યાલથી સાવ વીપરીત ગણાય. સેક્યુલરનો ખરો અર્થ થાય સર્વધર્મઅભાવ કે ધર્મનીરપેક્ષ.

બીજી એક એવી દલીલ પણ થાય છે કે રાજય ભલે સેક્યુલર રહે, પણ સમાજ તથા વ્યક્તી વત્તાઓછા અંશે સેક્યુલર ના હોય તો પણ વાંધો નહીં. હવે સવાલ એ થાય છે કે જ્યાં સુધી વ્યક્તીએ સેક્યુલર વલણ આત્મસાત્ કર્યું ના હોય, સમાજની પ્રથાઓ સેક્યુલર ના હોય તો રાજ્ય ક્યાં સુધી, કેટલા અંશે અને કેવી રીતે સેક્યુલર રહી શકે? હકીકતમાં જ્યાં સુધી સમાજમાં તથા એકંદર માનવીના વૈયક્તીક જીવનમાં ધર્મ ગૌણ ના બન્યો હોય, તેના પ્રત્યેની પ્રતીબદ્ધતા પાતળી પડી ના હોય, ધર્મ સમાજજીવનમાં માર્જીનલાઈઝ્ડ બન્યો ના હોય અથવા સમાજના મુખ્ય પ્રવાહ પરથી તેનો પ્રભાવ દુર થયો ના હોય ત્યાં સુધી સેક્યુલર રાજય પણ સમ્ભવીત નથી. યુરોપીય દેશોમાં બધી વ્યક્તીઓએ ધર્મ ત્યજ્યો છે તેવું નથી, પણ ધર્મ તથા ધાર્મીક માન્યતાઓ મુખ્ય પ્રવાહના અંગરુપ નથી, ધાર્મીક રીવાજો પણ ઔપચારીક ઉજવણી – તે પણ વર્ષમાં માંડ બે–એક પ્રસંગે જોવા મળે. ધર્મ તથા ધર્મની વાતોને ગંભીરતાથી લેનારી વ્યક્તીઓ ત્યાં પણ છે, પરન્તુ તેમની સંખ્યા જુજ છે અને તેઓ ભાગ્યે જ ધાર્મીક આદેશો અનુસાર કાયદા ઘડવા જોઈએ તેવો આગ્રહ સફળ કે નીર્ણાયક રીતે – કરી શકે છે. ટુંકમાં, ત્યાં ધાર્મીક વ્યક્તીઓ અને ધર્મ માર્જીનલાઈઝ્ડ થઈ ગયાં છે. રાજ્ય દ્વારા ધર્મ, ધાર્મીક આદેશો કે માન્યતાઓ, ધર્મગુરુઓ કે ધર્મસ્થાનકો કે ધાર્મીક મીલકતોના રક્ષણ, પુરસ્કારનો તો પ્રશ્ન જ નથી રહેતો.

સેક્યુલરના ખ્યાલ તથા સેક્યુલર સમાજના ઘડતરની વાતમાં આ બે બાબતોનો ઉલ્લેખ કરવો એટલા માટે જરુરી છે કે ઘણી બધી દલીલો તથા ગેરસમજ આ સ્થીતી સાથે સંકળાયેલાં છે. વળી, આ વીવેચનમાંથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે, સેક્યુલર વ્યવસ્થામાં નીચેનામાંથી કોઈના વર્ચસ્વને સ્વીકારવામાં આવતું નથી. (1) ધર્મ, (2) ધાર્મીક માન્યતાઓ, ક્રીયાકાંડ કે નીયમો, (3) ધર્મગ્રંથ, (4) દૈવી ફરમાનો, (5) અવતાર કે પયગમ્બરના આદેશો, (6) ધર્મગુરુઓના ફતવાઓ તથા (7) ધાર્મીક ટ્રસ્ટો કે ધર્મસ્થાનકોની રક્ષા, નીભાવ કે તેને ખાસ સવલતોની રાજય દ્વારા કરાતી જોગવાઈ.

અહીં, પ્રથમ એ સવાલ થાય કે ધર્મને આવી રીતે દેશનીકાલ કરવાની શી જરુર પડી? ધર્મની વાતોમાં એવું શું છે કે સ્વસ્થ અને પ્રગતીશીલ સમાજ રચવા માટે તેને બાજુએ રાખવાનું મુનાસીબ ગણવામાં આવ્યું? ધર્મના કારણે એવી તો કેવી પરીસ્થીતી પેદા થઈ કે તેને કોરાણે મુકવાનું આવશ્યક બન્યું? અને સેક્યુલર વ્યવસ્થાની હીમાયત કરવાની જરુર પડી? માનવજાતના ઈતીહાસ પર નજર કરતાં આ પ્રશ્નોના ઉત્તર સરળતાથી મળી રહે છે, ઉપરાંત, ધર્મના કારણે વૈચારીક ક્ષેત્રે તેમ જ, જ્ઞાનપ્રાપ્તીના ક્ષેત્રો જે બંધીયાર તથા અવરોધક સ્થીતી સર્જાઈ હતી, તેમાં આ ધાર્મીક વર્ચસ્વ સામેના વીદ્રોહનો પાયો જોઈ શકાય છે. ધાર્મીક વાડાઓને કારણે માનવસમુહોમાં ફાલેલી જુથબંધી, વેર–ઝેર, દમન અને અન્યાય (દા.ત. વર્ણવ્યવસ્થા, સ્ત્રી–પુરુષ સમાનતા) તથા માનવએકતા, અરે, એક રાષ્ટ્રનીર્માણના કાર્યમાં પણ જે મુસીબતો પડતી હતી તેને કારણે ધર્મને જાકારો આપવો જરુરી બન્યું હતું. અલબત્ત, ધર્મે બધું ખોટું જ કર્યું છે એમ ના કહી શકાય. એક સમયે તેણે માનવસમાજને આવશ્યક સ્થીરતા, નીયમપાલન વગેરેમાં ફાળો આપ્યો હતો, પરન્તુ ધીરે ધીરે તેણે જે સ્વરુપ અખત્યાર કર્યું તથા તેની કામગીરી વધુ કાર્યક્ષમ રીતે ઉપાડી લે તેવાં તન્ત્ર રચાતાં તેની લાભકર્તા બાજુના બદલે હાનીકર્તા પાસું જ બાકી રહ્યું.

ધર્મની દખલને કારણે સર્જાયેલી રાજકીય પરીસ્થીતી સામેનો વીદ્રોહ પ્રથમ રાજકર્તા વર્ગે યુરોપમાં ઉઠાવ્યો. અને સંસ્થીકૃત ધર્મસંસ્થા–દેવળને ઐહીક – રાજકીય બાબતોમાંથી ફારેગ કરવાનું વલણ જનમ્યું. આપણે ત્યાં સંસ્થીકૃત દેવળ સ્વરુપે ધર્મે આવી દખલ કરી ન હતી તેથી તેની સામે ખાસ ઉહાપોહ થયો નહીં (બૌદ્ધ અને જૈન ધર્મ સંસ્થીકૃત હતા સંઘસ્વરુપે), પણ વીવીધ ધર્મોમાં માનનારા રાજા–પ્રજાને કારણે તથા ધર્મ વૈયક્તીક મુક્તી માટેનાં આચરણો ઉપર જ ખાસ લક્ષ આપતો હોવાથી આ વીશે ઝાઝી ચણભણ થઈ નહીં. યુરોપમાં, એક વાર, ધર્મને એક ક્ષેત્રમાંથી જાકારો અપાતાં, અન્ય ઐહીક બાબતો સામાજીક તથા જ્ઞાનપ્રાપ્તીની બાબતે પણ ધર્મની સર્વોપરીતા સામે પડકાર થવા લાગ્યો. ધર્મ સમ્પુર્ણ સત્ય નથી તેવું એક ગાબડું પડતાં તેની ઈમારત કાચી પડવા લાગી. તેનાં સત્યો અને તારણો ચકાસાવા લાગ્યાં. અને, પ્રબોધન (એનલાઈટનમેન્ટ) તથા નવજાગરણ (રેનેસાં)ના જુવાળે આ કાર્યની પરીપુર્તી કરી. આ વૈચારીક મુક્તી અને સ્વાતન્ત્ર્યની ક્રાંતીનાં મુળ યુરોપમાં શરુ થયેલી વૈજ્ઞાનીક સંશોધનની પ્રક્રીયા સાથે પણ સમ્બન્ધ ધરાવતાં હતાં. આ જગત સ્થીર – પૃથ્વીકેન્દ્રી નથી, પૃથ્વી ફરે છે અને આપણા ગ્રહમંડળનું કેન્દ્ર સુર્ય છે એ વાત ધર્મગ્રંથ બાઈબલ સાથે સુસંગત ના હોવાથી ગેલીલીયોને જે સહન કરવું પડ્યું તે તો જાણીતી વાત છે. ધર્મસંસ્થાનાં જ્ઞાન–સાધના, સત્ય–શોધનના આ પ્રયાસને ડામવાનાં પગલાંથી વૈચારીક મુક્તીના સંગ્રામને ધાર સાંપડી, વાસ્તવમાં, આપણે ત્યાં સેક્યુલર મતના રાજ્યથી ધર્મને અલગ કરવાનાં પાસાં વીશે ઠીક ઠીક ચર્ચા – વીવેચન થાય છે, પરન્તુ જ્ઞાનપ્રાપ્તીના સન્દર્ભમાં પ્રગટેલા આ વીદ્રોહ અને સેક્યુલર આંદોલન સાથેના તેના પાયારુપ સમ્બન્ધ અંગે ભાગ્યે જ ભાર મુકાય છે. હકીકતમાં, જ્ઞાનપ્રાપ્તી માટેના આ વૈચારીક સ્વાતન્ત્ર્યની ઝુંબેશ સેક્યુલરીઝમનું મુળ તત્ત્વ છે, પાયો છે. તેના આધારે જ રાજકીય તથા સામાજીક ક્ષેત્રોમાં પણ ધર્મના આધીપત્યને પડકારવા માટેની દાર્શનીક ભુમીકા રહેલી છે. દાર્શનીક દૃષ્ટીએ સેક્યુલરીઝમ જ્ઞાનશાસ્ત્રીય (એસ્ટીસ્ટેમોલૉજીકલ) ક્ષેત્રની ક્રાંતી છે. આથી જ, ગ્રોથ્યુઅસન કહે છે, If secularism is defined as the attempt to establish, an autonomous, sphere of knowledge purged of supernatural and fideistic presuppositions, its modern origin are to be traced to the latter Middle Ages of Western Europe. The distinction drawn up by the scholastics between faith and knowledge… which places its chief emphasis on the truths perceptible by human reason… (Groethuysen, B. ‘Secularism’ Encyclopedia of Social Sciences, Vol. 13, P. 631, Macmillan 1957.) એટલે કે સેક્યુલરીઝમમાં જ્ઞાનનો પાયો અતીમાનુષી કે ઈશ્વરલક્ષી માન્યતાઓ સાથે નથી, શ્રદ્ધા સાથે નથી, પરન્તુ માનવબુદ્ધીથી પ્રેક્ષીત સત્યમાં છે. જ્ઞાનશાસ્ત્રની દૃષ્ટીએ આ મહત્ત્વનું પ્રસ્થાન છે, જે વૈજ્ઞાનીક અભીગમનો પાયો છે.

આ અભીગમને કારણે પ્રથમ તો ધર્મમાં કહેવાયેલું બધું સત્ય છે તેવી શ્રદ્ધા નાબુદ થાય છે. પછી તો તેના આદેશો અને ફરમાનો પણ ચકાસાવા લાગ્યાં, તેની ક્ષતીઓ તથા હાનીકારક પાસાં છતાં થવાં લાગ્યાં, તેની સર્વોપરીતા નકારાઈ અને સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવાની ઝંખના જાગી. આ વૈચારીક મુક્તી સાથે સામાજીક સુધારણા વૈજ્ઞાનીક સંશોધન, માનવપ્રયાસ દ્વારા પરીવર્તન લાવવાની રંગદર્શી ક્રાંતી વગેરે સાકાર બન્યાં, પ્રગતી પરના આગળા તુટી પડ્યા અને તેને મોકળું મેદાન સાંપડ્યું.

(અપુર્ણ)

નોંધ : આ લેખનો બીજો ભાગ તા. 6 ડીસેમ્બરે પ્રગટ કરવામાં આવશે.  ગોવીન્દ મારુ

લેખક–સમ્પર્ક : પ્રા. જયંતી પટેલ, 10, મહાશ્વેતા–કાદમ્બરી સોસાયટી. સુરેન્દ્ર એમ. રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015 સેલફોન : +91 94294 28822 ઈ.મેલ : jaykepatel@gmail.com

શ્રી રમેશ સવાણી લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com)ની પ્રસ્તાવનામાંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,    ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 03–12–2021

4 Comments

 1. શ્રી જયંતી પટેલનો સેક્યુલરીઝમ અંગે અભ્યાસપુર્ણ લેખ
  સાંપ્રતસમયે ભેદભાવ વગર કામ કરે તો સાંપ્રદાયિક ગણાય !
  દેશદ્રોહીઓ અને આતંગવાદીઓને સેક્યુલરીઝમની રમતે વિશ્વમા ઘણા દેશમા ખૂબ નુકસાન કર્યું છે અને હાલ થાય છેસેક્યુલરીઝમ અંગે સમજ કેળવવા આ પ્રેરણાદાયી લેખ બદલ ધન્યવાદ

  Liked by 1 person

 2. ભાઇશ્રી ગોવિંદભાઇ અને પ્રા. જયંતિ પટેલ સાહેબ,
  સેક્યુલરીઝમ અેટલે શું ? સવાલનો પૂર્ણ અભયાસ , બીઘિક, મનનશીલ અને ચિંતનપૂર્ણ જવાબ શોઘવાનો લેખ વાંચ્યો. વિચાર્યો. આ વિષયને ટચ કરતાં લેખો અભિવ્યક્તિમાં અગાઉ પણ વાંચ્યા હતાં. જયંતીભાઇનો લેખ THEORY ની સમજ આપે છે. મને દૈનિક જીવનમાં પ્રેકટીકલી વપરાતી આ થીયરીના વિશે વિચાર આવે છે. થોડું મારા મનમાં ભમે છે તેની વાત કરું. ગમશે.
  Rational = બુઘ્ઘિવાદ, Possessing power of reasoning, વિચાર શક્તિ, સમજશક્તિવાળું, બુઘ્ઘિશાળી, તર્ક પર આઘારિત, તાર્કિક, બુઘ્ઘિગમ્ય, તર્કસંગત,.તટસ્થ રહેવું…
  Theory = સિઘ્ઘાંત, કલ્પના, તર્ક…Speculative view…
  Practical = વ્યવહારુ, અમલી…
  પટેલ સાહેબના લેખના પહેલાં પેરેગ્રાફના વાક્યો અને શબ્દો ખૂબ ગમ્યા……
  “….અેટલે કે સેક્યુલરીઝમમાં જ્ઞાનનો પાયો છે. અતીમાનુષી કે ઇશ્વરવાદી માન્યતાઓ સાથે નથી, શ્રઘ્ઘા સાથે નથી, પરંતું માનવબોઘ્ઘિવાદથી પ્રેક્ષીત સત્યમાં છે. જ્ઞાનશાસ્ત્રની દ્રષ્ટિઅે આ મહત્વનું પ્રસ્થાન છે., જે વૈજ્ઞાનિક અભિગમનો પાયો છે. ”
  મારા વિચારો.
  દૈનિક જીવનમાં જે કાંઇ સાચા અર્થમા કામ આવે તે જ સાચુ સેક્યુલરીઝમ. અને સચ્ચાઇમા ‘ સેકયુલરીઝમ ,,,,‘ અે અેક થીયરી છે…આદર્શ છે. આદર્શ…થીયરી ૧૦૦ ટકાની ગણત્રીથી લાંબા જીવનમાં ઓળખાય. ખોટા કર્મોની સત્યતા ત્યારે જ આનંદ આપે કે જ્યારે આપણે પહેલેથી સચ્ચાઇ જાણતા હોઇઅે.
  સો ટકા ‘ આદર્શ‘ પામવું અશક્ય છે. પ્રેક્ટીકલ જીવનમાં
  સેક્ુલરીઝમના દરરોજના જીનમા…આજના ..૨૦૨૧ના જીવનમાં અને આવતા વરસોના દૈનિક જીવનમાં દુશ:મનો છે..જે સમાજમાં ખૂબ જ અેક્ટીવ જીવે છે…..જેવા કે
  પોલીટીક્સ….જીવનના દરેક ક્ષેત્રે, અંઘશ્રઘ્ઘા, ઘેટાશાહી, અભણતા, વિ…વિ…
  અેક શબ્દ છે.
  Secular = Going on for a very long time. સુદીર્ઘકાલિન, લાંબા સમય સુઘી અમલમાં રહે તેવું., તટસ્થ રહેવું, દુનિયાદારીનું, સાંસારિક, ભૌતિક, બિનસાંપ્રદાયીક -ism, બિનસાંપ્રદાયિકતાનો સિઘ્ઘાંત-ity.,, બિનસાંપ્રદાયિકતા-ize, ise, બિનસાંપ્રદાયિક બનવું, તટસ્થ રહેવું.
  માણસ પાસે મગજ છે. પોતાના સ્વતંત્ર વિચારો છે. ઘેટાશાહી પણ છે અને ઘર્માંઘતા પણ છે. સ્વાર્થી જીવન પણ જીવે છે….પોતાને પૈસા મળે તો વેચાવાની પણ શક્તિ છે. જસ્ટીશ સીસ્ટમ પણ ?????
  સેક્યુલરીઝમ…દૈનિક જીવનમાં જીવવું લગભગ અશક્ય છે. માનવને આદર્શના પરિણામો પોતાના જીવનમાં મળે તેવી ભાવના હોય છે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s