સેક્યુલરીઝમ એટલે શું? (ભાગ–2)

નૈતીક ધોરણોનો આધાર શેમાં છે? નૈતીક ધોરણો કોણ ઘડે છે? નૈતીક ધોરણો માટેનું પીઠબળ શેમાં છે? શું ‘સેક્યુલર’ શબ્દ કંઈક ફેશનેબલ બની ગયો છે? શું તેનો મનફાવતો અર્થ કરી તેનો લપટો બનાવી દેવાયો છે?

સેક્યુલરીઝમ એટલે શું?

– જયંતી પટેલ

(સેક્યુલરીઝમ એટલે શું? લેખનો પ્રથમ ભાગ માટે સ્રોત :  https://govindmaru.com/2021/12/03/prof-jayanti-patel-3/ )

આજે પણ ઘણા માણસો માને છે કે ધર્મ ન હોય તો નીતી ન રહે. આ દલીલ કરનારા ભુલી જાય છે કે નૈતીકતાનાં ધોરણો ધર્મ કરતાં પણ પુરાણાં છે. વધુમાં, જો નીતીનો પાયો ધર્મમાં હોય તો દરેક ધર્મ અનુસાર નૈતીકતા જુદી હોય! વાસ્તવમાં, નીતી ધર્મથી નીરપેક્ષ અને સ્વાયત્ત અસ્તીત્વ ધરાવે છે. સેક્યુલરીઝમનો આ મહત્ત્વનો પાયો છે. નૈતીક ધોરણોનો આધાર શેમાં છે? નૈતીક ધોરણો કોણ ઘડે છે? નૈતીક ધોરણો માટેનું પીઠબળ શેમાં છે? આ પ્રશ્નોનો ઉત્તર સેક્યુલર વલણ નક્કી કરવામાં ચાવીરુપ છે. નૈતીકતાનો પાયો ધાર્મીક, આધ્યાત્મીક, અલૌકીક, મનુષ્યેતર કે માનવબુદ્ધીથી અગમ્ય સ્રોતોમાં છે, તેવી માન્યતા સેક્યુલર વલણ સાથે અસંગત છે.

સેક્યુલર વ્યવસ્થા–સંસ્કારોના મુળમાં રહેલાં દર્શન તથા મુલ્યો બાબત બહુ ઓછી વ્યક્તીઓ સજાગ છે. આથી સેક્યુલર ખ્યાલ પાછળ રહેલાં પાયાનાં મુલ્યો તથા માન્યતાઓ તેમ જ તેના તાર્કીક ફલીતાર્થો વીશેની વૈચારીક સ્પષ્ટતા આવશ્યક બની રહે છે. સેક્યુલર સમાજવ્યવસ્થા કે તેવાં વલણ ધરાવતો માનવી ઘડવા માગતા હોઈએ તો સેક્યુલરના ખ્યાલ સાથે અંગભુત આ લક્ષણોની સ્પષ્ટ સમજ હોવી જોઈએ.

પ્રથમ તો આપણે કેવો સમાજ નીર્માણ કરવા માગીએ છીએ તેની સ્પષ્ટ કલ્પના હોવી જોઈએ. આ સમાજનાં લક્ષ્યો, આદર્શો અને સમ્બન્ધો તથા વ્યવહારો વીશેનું સ્પષ્ટ ચીત્ર હોવું જોઈએ. ત્યારબાદ તે કેટલે અંશે સેક્યુલર વ્યવસ્થા અને સંસ્કારો સાથે સુસંગત છે તે જોવું જોઈએ. તદુપરાંત, આવા સમાજ માટે માનવીમાં કેવાં સંસ્કારો અને વલણ દૃઢ કરવાં જોઈએ તે સમજી લેવું જોઈએ, કારણ કે, છેવટે વ્યક્તીનાં વલણો અને સંસ્કારો તેના વર્તન અને વ્યવહારને ઘડે છે. વ્યક્તીના વર્તન દ્વારા સમાજનાં વ્યવહારો, તન્ત્ર અને પ્રથાઓ સંચાલીત થાય છે. એટલે કે, વ્યક્તીમાં આપણે એવાં સંસ્કાર અને વલણ સીંચવાં જોઈએ, પ્રેરવાં જોઈએ, જે આપણી કલ્પના અનુસારના સમાજને સમર્થક હોય.

જો આપણે એવા સમાજની કલ્પના કરતાં હોઈએ કે જેમાં વ્યક્તીમાત્રની શક્તીઓને મુખરીત થવાની મોકળાશ હોય; વ્યક્તીમાત્રનું ગૌરવ થતું હોય; સૌ સમાન હોય; દરેક વૈચારીક મુક્તી ધરાવતો હોય; કોઈનું શોષણ કે દમન ના થતું હોય; દરેક વ્યક્તીને પોતાની આવશ્યકતાઓ સંતોષવા માટે માર્ગો સુલભ હોય; ધર્મ, જ્ઞાતી, જાતી, લીંગ, પ્રદેશ, રાષ્ટ્ર જેવાં જન્મજાત બંધનોથી ઉભા થતા સંકીર્ણ વાડાઓમાં માનવીનું વીભાગીકરણ થયું ના હોય; વ્યક્તીનું મુલ્યાંકન જન્મજાત લક્ષણોથી નહીં, પરન્તુ તેણે પ્રાપ્ત કરેલા ગુણો દ્વારા થતું હોય. જુથવાદના પુર્વગ્રહો કે વેરઝેર ના હોય. માનવી પરસ્પર સહયોગ અને ભાઈચારાથી જીવતો હોય. મતભેદ હોય પણ મનભેદ ના હોય. માનવી માનવી વચ્ચે, તેના હાથ બહારનાં કે જન્મગત લક્ષણોને કારણે વેરો–આંતરો ના હોય. આ એક વીશ્વસમાજનું કલ્પન છે, વીશ્વમાનવનું કલ્પન છે.

આ કલ્પનમાં સેક્યુલર સમાજ વ્યવસ્થાનાં, સેક્યુલર વલણ ધરાવતાં માનવીનાં, લક્ષણો સુચીત છે. સેક્યુલર રચનાનું આપણું કલ્પન આ ચીત્ર સાથે સુસંગત હોય તો આપણે એવી તન્ત્રરચનાઓ (સ્ટ્રક્ટર્સ), પ્રથાઓ (ઈન્સ્ટીટ્યુશન્સ) અને વલણ તથા સંસ્કારોને (કલ્ચર) દૃઢ કરવાં જોઈએ, પ્રેરવા જોઈએ, જે આ ચીત્રને યથાર્થ બનાવે.

સમાજની તન્ત્રરચના અને પ્રથાઓ તથા વ્યક્તીનાં વલણ અને સંસ્કારો એકબીજાને પ્રભાવીત કરતાં હોય છે. આ ત્રણેની ગુંથણીમાંથી સમાજનું પોત રચાય છે, સામાજીક સ્થીરતા સર્જાય છે; પરન્તુ આ ગુંથણીથી રચાતી વ્યવસ્થા માનવપ્રગતી  માટે આવશ્યક પાયાનાં મુલ્યો સાથે સુસંગત ના હોય ત્યારે વ્યક્તી વીદ્રોહ કરી નવાં મુલ્યો અને તેને અનુરુપ તન્ત્ર અને પ્રથાઓ સ્થાપવા સંઘર્ષ કરે છે. તેમ જ બાહ્ય પરીબળો કે નવી અપેક્ષાઓ તથા ઉપરથી આવતા તન્ત્રગત પરીવર્તનને કારણે પણ પરીવર્તનનાં ચક્રો ગતીશીલ બને છે. ક્યારેક આ બન્ને એક સાથે પણ આવે છે, પરન્તુ છેવટે સમાજની રચના કે પ્રથાઓ પાછળનાં મુલ્યો અને વ્યક્તીનાં વલણ તથા સંસ્કારો માનવ પ્રગતીને પ્રેરક હોય; સ્વતન્ત્રતા, સમાનતા અને બંધુત્વને સમર્થક હોય તો જ સ્થીર અને ન્યાયી સમાજ રચી શકાય.

આ દૃષ્ટીએ જોતાં સમાજ અને વ્યક્તી બન્ને સેક્યુલર હોય તે જરુરી ગણાય. સમાજની તન્ત્રરચના અને પ્રથાઓ એવી હોવી જોઈએ કે જે સેક્યુલર મુલ્યોને સમર્થક હોય. તે જ રીતે, વ્યક્તીનાં વલણો અને સંસ્કારો એવાં હોવાં જોઈએ કે જે સેક્યુલર મુલ્યો સાથે સંવાદી હોય. એ શક્ય છે કે બન્ને ઓછાવત્તા પ્રમાણમાં સેક્યુલર હોય; પરન્તુ તેમનાં મુખ્ય ઝોક અને વલણ કઈ તરફનાં છે તે મહત્ત્વનું છે. પરીણામે સેક્યુલર સમાજ કે માનવીને આકાર આપવા માગતી વ્યક્તીઓએ એવાં તન્ત્ર કે પ્રથાઓનું સમર્થન કે નીર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર મુલ્યોની નીકટ હોય; વ્યક્તીમાં એવાં વલણો કે સંસ્કારોનું સમર્થન–નીર્માણ કરવું જોઈએ, જે સેક્યુલર હોય, તેમ જ સેક્યુલર લક્ષ્યથી વીરોધી કે તેને અવરોધક પરીબળોને નાબુદ કરવા મથવું જોઈએ.

તન્ત્રની રચના અને તેનું સંચાલન કરતી પ્રથાઓ માનવ નીર્મીત છે. વ્યક્તીનાં વલણો અને સંસ્કારો પણ માનવી દ્વારા ઘડાય છે, આમ બન્નેમાં કેન્દ્રસ્થાને માનવી છે. આથી, વ્યક્તીનાં વલણો અને સંસ્કારોમાં પરીવર્તન લાવવામાં આવે તો ક્રાંતીકારી પરીવર્તન માટેનાં દ્વાર ખુલી જાય છે. તન્ત્ર અને પ્રથાઓ મહત્ત્વનાં છે, તેમની શક્તી ઓછી આંકવી જોઈએ નહીં. તન્ત્રકીય પરીવર્તન દ્વારા પણ ક્રાંતીકારક કુદકો લગાવી શકાય; પરન્તુ જ્યાં સુધી વ્યક્તીઓના સંસ્કાર તેને અનુરુપ બને નહીં ત્યાં સુધી આ તન્ત્ર ઉપરછલ્લું રહે છે. તેમ જ, ઘણી વાર તેની રક્ષા માટે દમન આચરવું પડે છે. અલબત્ત, જ્યારે તન્ત્ર, પ્રથાઓ અને વલણ એકબીજાને પોષતાં હોય, એકબીજાનું સમર્થન કરતા હોય અને તેથી એક વીષચક્રનો કીલ્લો રચાયો હોય ત્યારે ઘણી વાર તન્ત્રને બદલવા માટેનો માર્ગ આકર્ષક બને છે તેમ જ તે માટે બળપ્રયોગની હીમાયત થતી રહી છે; પરન્તુ માત્ર તન્ત્ર કબજે કરવાથી વૈચારીક પરીવર્તન લાવી શકાય તેમ માની લેવાની ભુલ પણ ના કરવી જોઈએ. એ સાચું છે કે વ્યક્તીનાં વલણ કે સંસ્કાર બદલવાની વ્યક્તીના વીચારો અને અભીગમમાં પરીવર્તન લાવવાની પ્રક્રીયા ખંત અને ધીરજ માગી લે છે. કંઈક અંશે તે દીર્ઘ પ્રક્રીયા છે; પરન્તુ એ જ પાયાની ક્રાંતી છે.

સેક્યુલર સમાજવ્યવસ્થા કે વૈયક્તીક વલણોના ઘડતરમાં પણ વૈચારીક ક્રાંતી પ્રથમ સોપાન છે. પરીણામે આ વૈચારીક ક્રાંતી ‘સેક્યુલર’ના ખ્યાલમાં સમાયેલાં મુળ તત્ત્વોનું પ્રતીબીંબ પાડતી હોય તે જરુરી છે તેમ જ આ તત્ત્વો આપણા કલ્પના મુજબના સમાજના નીર્માણમાં કેટલા અંશે નીર્ણાયક છે તે સ્પષ્ટ થવું જોઈએ. સેક્યુલરીઝમ એક દર્શન–પ્રણાલીની નીપજ છે. તેનાં મુળતત્ત્વોનું ચોક્કસ સ્વરુપ છે. કોઈને આ તમામ તત્ત્વો સ્વીકાર્ય ના હોય તે શક્ય છે; પરન્તુ ત્યારે પ્રામાણીકપણે ‘સેક્યુલર’ શબ્દનો પ્રયોગ કરવાનું ટાળવું જોઈએ. પોતે સેક્યુલરીઝમના સમર્થક નથી તેવું સ્પષ્ટ કહેવું જોઈએ.

હકીકતમાં પોતાને સેક્યુલર ગણાવવાનું આજે સૌને ગમે છે. આ શબ્દ કંઈક ફેશનેબલ બની ગયો છે. પરીણામે તેનો મનફાવતો અર્થ કરી તેનો લપટો બનાવી દેવાયો છે. પોતાને લોકશાહી, આધુનીક, પ્રગતીશીલ, માનવવાદી કે એવી બીજી કોઈ હરોળમાં સામેલ કરવા ઈચ્છતા ઘણા માણસોએ સેક્યુલરના ખ્યાલને મચડ્યો છે. ક્યારેક વ્યવહારુ વલણ લેવાને બહાને તેમાં સમન્વયવાદી કે વીરોધાભાસી અર્થ પણ સામેલ કરાયા છે. આનું પ્રથમ ઉદાહરણ આપણું બંધારણ છે. ભારતના બંધારણમાં એક બાજુ સેક્યુલર હોવાનો દાવો છે, તો બીજી બાજુ દરેક ધર્મનો સ્વીકાર છે. આ ધર્મો દ્વારા પુરસ્કૃત અનેક જુથવાદી કે અલગતાવાદી ધોરણોનો સ્વીકાર અને રક્ષાની જોગવાઈઓ છે. આમાં દરેક સમ્પ્રદાયના આચાર–વીચારની સમાન રક્ષા છે. દરેક પંથ પ્રત્યે સહીષ્ણુતા છે. સરકાર કોઈ સમ્પ્રદાય પ્રત્યે વીશેષ લગાવ ધરાવતી નથી. વાસ્તવમાં સાંપ્રદાયીક બાબતોમાં દરમીયાનગીરી નહીં કરવાની બાંયધરી મુક્ત, ન્યાયી અને સમાનતાવાદી વ્યવસ્થા માટેના આદર્શ સાથે સુસંગત ના રહી શકે. બંધારણ માત્ર જાહેર શાંતી, આરોગ્ય જેવી બાબતો પુરતી જ ધર્મની આણને અવગણે છે. બાકી, આંતરીક વ્યવસ્થા, નીયમો, શીક્ષણ, સાંપ્રદાયીક પ્રચાર બાબતમાં રાજ્ય તટસ્થ રહે છે. આ અર્થઘટન સેક્યુલર કરતાં દરેક પંથને સમાન રક્ષણની વ્યવસ્થા સુચવે છે. તેમાં બીનસાંપ્રદાયીકતા પણ નથી, કારણ કે તેમાં સમ્પ્રદાયોથી ઉપર ઉઠવાની કે બહાર નીકળવાની વાત પણ નથી.

 (અપુર્ણ)

નોંધ : આ લેખના ત્રીજો અને અંતીમ ભાગ તા. 10 ડીસેમ્બરે પ્રગટ કરવામાં આવશે.  ●ગોવીન્દ મારુ

શ્રી રમેશ સવાણી લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલrjsavani@gmail.com)ની પ્રસ્તાવનામાંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : પ્રા. જયંતી પટેલ, 10, મહાશ્વેતા–કાદમ્બરી સોસાયટી. સુરેન્દ્ર એમ. રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015 સેલફોન : +91 94294 28822 ઈ.મેલ : jaykepatel@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,    ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 06–12–2021

3 Comments


  1. સેક્યુલરીઝમને નામે ઘણા ગેરસમજ ફેલાવી પોતાનો સ્વાર્થ સાધે છે.રાજકારણમા પણ દુશ્મન દેશોના નાણા સેક્યુલરીઝમને નામે ઠલવાય છે. આ અંગે શ્રી જયંતી પટેલ
    ‘નૈતીક ધોરણોનો આધાર શેમાં છે? નૈતીક ધોરણો કોણ ઘડે છે? નૈતીક ધોરણો માટેનું પીઠબળ શેમાં છે? શું ‘સેક્યુલર’ શબ્દ કંઈક ફેશનેબલ બની ગયો છે? શું તેનો મનફાવતો અર્થ કરી તેનો લપટો બનાવી દેવાયો છે?’ વિષય પર વિગતે ચર્ચા કરી પ્રેરણાદાયી વાતો ઉજાગર કરી તે બદલ ધન્યવાદ

    Liked by 1 person

  2. શ્રી જયંતી પટેલનો બીજા ભાગનો લેખ મળ્યો.
    સવાલો, પણનૈતીક ઘોરણોનો આઘાર શેમાં છે ? જાગૃત થયા છે.
    ૧. સેક્યુલરીઝમ અેટલે શું ? ૨. નૈતીક ઘોરણોનો આઘાર શેમાં છે ? ૩. નૈતીક ઘોરણો કોણ ઘડે છે ? ૪. શું તેનો મનફાવતો અર્થ કરી તેની લપટો બનાવી દેવાયો છે.?
    સરસ સવાલો છે.
    પહેલા સવાલનો જવાબ તો પહેલા વિભાગના લેખમાં આપણને સમજાવાયો છે.
    બીજા સવાલના જવાબની શોઘ કરીઅે તેમાં મને લાગે છે કે સમાજના થોડા ભાગો પડેલા જ છે. તે ભાગો સેની ઉપર આઘારિત છે તે ફેક્ટરો પણ ઘણા છે. ગરીબાઇ, અભણતા, પોતાના કાર્યો…દા.ત. ખેડૂત, મોચી, કુંભાર, દરજી…વિ.વિ…
    પછી મોટા ફેક્ટરીવાળાઓ, નાની દુકાનવાળાઓ, ટીચરો…શાળાના અને કોલેજના. કારકુનની સરકારી કે પ્રાઇવેટ નોકરી…વિ…વિ…
    ગવર્નમેંટમાં જુદી જુદી કેટેગરીમાં નોકરી…વિ…વિ…
    ભીખારીઓ, જ્યોતીષો, બ્રાહ્મણો, પૂજારીઓ, ગોરપદુ કરનાર…મંદિરો, જુદા જુદા ઘર્મો…અને ઘર્મોની પોતાની માન્યતાઓ….
    રીટાયર્ડ વડીલો… અને પોલીટીશીયનો…કોઇપણ કેટેગરીના…ઘરના કે સરકારના કે સામાજીક સંસ્થાના…..
    આમ લીસ્ટ મોટુ થતું જાય…અને છેલ્લા કુટુંબો અને સગાવ્હાલાઓ….
    આ દરેકને તેના વાતાવરણને અનુલક્ષીને સમાજે જુદા જુદા સેક્યુલરીઝમના નિયમો બનાવ્યા હશે જ. દરેક યુગમાં તેના વાતાવરણોને અનુલક્ષીને તે સમયના ‘ માણસો‘ જ નિયમો બનાવ્યા હશે. લીડરોઅે.
    હવે સવાલ નં. ૪ ઉપર જઇઅે.
    દરેક માણસ ( સેલ્ફ સેન્ટર્ડ ) સ્વકેન્ડરી છે. જે નિયમ તેના પક્ષમાં હોય તેને તે પાળે. ,કોઇપણ કેટેગરીમાં. દરેક માણસ ઘર્મોના પુસ્તકો કે તેના ઉપદેશોની વ્યાખ્યા પોતાના સ્વાર્થ ના પાયા ઉપર લખે છે. મનફાવે તે વ્યાખ્યા કોઇ નથી કરતું પણ કહીઅે કે સ્વાર્થી વ્યાખ્યા જ કરે છે.
    જો સેક્યુલરીઝમને પોતાના જીવનનો ફક્ત અેક નો અેક જ નિયમ બનાવી જીવનમા્ પાળતો માણસ શોઘવો રહ્યો….કુટુંબો વચ્ચે, આંતરજ્ઞાતિય લગ્નોમાં, વિ…વિ…
    મને લાગે છે કે સેક્યુલરીઝમ અેક પેપરને પાને શોભતો આદર્શ નિયમ છે. જે ભાષણોમાં શોભે છે…પ્રેક્ટીકલ લાઇફમાં નહિ.
    મારા વિચાર કોઇની ઉપર થોકી બેસાડવાના નથી…તે મારા જ છે. જેમને ગમે તેઓ વઘુ વિચારશે…નહિ તો બંઘ કરી દેશે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s