સેક્યુલરીઝમ એટલે શું? (અંતીમ ભાગ)

સેક્યુલરીઝમનાં અંગભુત તત્ત્વો કેટલા છે અને કઈ રીતે ઓળખી શકાય? સેક્યુલરીઝમના પાયાની દાર્શનીક માન્યતાઓ શી છે? આ માન્યતાઓના પીંડમાંથી ઘડાયેલું વલણ સેક્યુલર વલણ સર્જે છે તથા સેક્યુલર સમાજને શક્ય બનાવે છે?

સેક્યુલરીઝમ એટલે શું?

– જયંતી પટેલ

(સેક્યુલરીઝમ એટલે શું? લેખનો પ્રથમ ભાગ માટે સ્રોત : https://govindmaru.com/2021/12/03/prof-jayanti-patel-3/ અને દ્વીતીય ભાગ માટે સ્રોત :
https://govindmaru.com/2021/12/06/prof-jayanti-patel-4/ )

સેક્યુલરીઝમનાં અંગભુત તત્ત્વોને નીચે મુજબ ઓળખાવી શકાય: (1) ઐહીકવાદ, (2) ભૌતીકવાદ, (3) માનવકેન્દ્રી વલણ, (4) બુદ્ધીનીષ્ઠા અને (5) વૈજ્ઞાનીક અભીગમ. સેક્યુલરીઝમની વીભાવના માટે આ તત્ત્વોનું સ્વરુપ સમજી લેવું જરુરી છે. વાસ્તવમાં આ પાંચેય વલણો એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે.

ઐહીકવાદ આ જગતને સત્ય અને વાસ્તવીક માને છે. જગત મીથ્યા છે અને ત્યજવા યોગ્ય છે અથવા આ જગતમાનું જીવન બંધન છે, તેમાંથી મુક્ત થવું અને કાલ્પનીક પરલોકને પામવા આ જગતને અવગણવાના વલણને તે સ્વીકારતો નથી. પરીણામે, વર્તમાન જીવનને તેના સમ્પુર્ણ સ્વરુપમાં જીવવું, તેના બધા જ આવીર્ભાવોને પામવા અને માણવા એમ તે માને છે અને માનવીના તેવા હક્કનું સમર્થન કરે છે, પરીણામે, વર્તમાન માનવજીવનને સુખી અને સમૃદ્ધ બનાવવાનું લક્ષ્ય તે સ્વીકારે છે. વર્તમાન જીવનમાં માનવી સામેના અન્યાયોને તે સહી લેતો નથી. શોષણ, દમન કે અન્યાય માટે તે કોઈ બહાનું સ્વીકારવા તૈયાર નથી. પરીણામે, દરેક માનવીનું વર્તમાન જીવન જીવવા યોગ્ય બને તે માટેની ઝુંબેશને તે પ્રેરે છે.

ભૌતીકવાદ ઐહીકવાદનો જોડીયો છે. તેના વીશે ઘણી ગેરસમજ ચાલે છે. ક્યારેક તેને જડવાદ કહેવાય છે, કોઈક તેને ભોગવાદ કે વીલાસવાદ સાથે ભેળવી દે છે. તો ક્યારેક તેને આર્થીક નીયતીવાદના સીમીત અર્થમાં જ જોવામાં આવે છે. હકીકતમાં ભૌતીકવાદ એક દર્શન પ્રણાલી છે, વીશ્વદર્શન છે, વીશ્વના મુળ તત્ત્વ, સ્વરુપ, પ્રક્રીયા અને કારણનું દર્શન તેમાં છે. ભૌતીકવાદ માને છે કે દરેક કાર્ય પાછળ ભૌતીક કારણ રહેલું છે. કોઈ પણ કાર્ય અગમ્ય કે અલૌકીક પરીબળોની નીપજ નથી. તે માને છે કે કશું જ શુન્યમાંથી સર્જાતું નથી. ઐહીકવાદની માફક ભૌતીકવાદ પણ આ વીશ્વને વાસ્તવીક માને છે. વર્તમાન માનવજીવનને સમૃદ્ધ કરવાનો આગ્રહ રાખે છે. બન્ને માન્યતામાં પરલોક, ગત જન્મ, કર્મ કે સ્વર્ગના નામે, મનુષ્યને દુરનાં છેતરામણાં પ્રલોભનો આપી, વર્તમાન અન્યાય કે દમનને છાવરવા સામે વીરોધ છે. આથી જ ઘણી વાર આ માન્યતાઓને ન્યાયી સમાજવ્યવસ્થા સ્થાપવા માટેના, ક્રાંતીકારી પ્રયાસ તથા વીકાસ માટેના પુરુષાર્થને પ્રેરક દર્શન પ્રણાલી તરીકે વધાવવામાં આવે છે. તેમાં વર્તમાન જીવનના પડકારો ઝીલવાની વાત છે તેમાંથી પલાયન થવાની નહીં.

માનવકેન્દ્રી વલણ આ માન્યતાઓ સાથે અંગભુત છે. તેમાં માનવીનો એક વ્યક્તી તરીકે સ્વીકાર છે. તે કોઈ અલૌકીક બળોના હાથનું રમકડું નથી. પોતાના ભવીષ્યનીર્માતા તે પોતે જ છે. આ માન્યતા દ્વારા માનવીને પુરુષાર્થ માટેની મુક્તી મળે છે તેમ જ, સાથે સાથે, ભવીષ્યના નીર્માણની જવાબદારી પણ તેની છે. આ જવાબદારીમાંથી તે છટકી શકે નહીં, વીધી કે દૈવને દોષ આપી શકે નહીં. માનવી પોતે જ આખરી લક્ષ્ય છે, તેની અંતર્ગત તમામ શક્તીઓનો વીકાસ મુખ્ય લક્ષ્ય છે. પરીણામે, માનવી કશાથી ઉતરતો નથી, અન્ય કશા માટે તેનું બલીદાન લઈ શકાય નહીં. અલબત્ત, વીકાસ અને પ્રગતી માટે સ્વેચ્છાએ તે યમ–નીયમ સ્વીકારે તે જુદી વાત છે; પરન્તુ કોઈ સામુદાયીક આદર્શ માટે વ્યક્તીને ગૌણ કે માત્ર સાધન ગણવાની ચેષ્ટા થવી જોઈએ નહીં. રાષ્ટ્ર, સમાજ, ધર્મ કે સમ્પ્રદાયના નામે વ્યક્તીનો ભોગ લેવાવો જોઈએ નહીં, આ પ્રકારનાં સામુહીક કલ્પનને અગ્રતા આપવાને કારણે કોમવાદ, સાંપ્રદાયીક દંગા અને ધર્મયુદ્ધો, આક્રમક રાષ્ટ્રવાદ તેમ જ ફાસીવાદ જેવી માનવવીરોધી પ્રવૃત્તીઓને છુટો દોર મળે છે. માનવવાદ એવી માન્યતાનું સમર્થન કરે છે કે સમાજનું મુળ તત્ત્વ મનુષ્ય છે, વ્યક્તી છે. વીશ્વની વાસ્તવીકતા, સાચું સ્વરુપ માનવી દ્વારા જ પ્રત્યક્ષ થાય છે. માનવીની જ્ઞાનેન્દ્રીયો દ્વારા પ્રાપ્ત માહીતી અને જ્ઞાન દ્વારા જ વીશ્વનું સ્વરુપ સમજાય છે.

આ ભુમીકાનું સ્વાભાવીક, તાર્કીક, પરીણામ બુદ્ધીનીષ્ઠા (રૅશનાલીટી)માં આવે છે. માનવીનું મુખ્ય લક્ષણ બુદ્ધી છે. પરીણામે માનવીના સ્વીકાર સાથે બુદ્ધીનો સ્વીકાર અને અગ્રતા સ્થપાય છે. જ્ઞાનેન્દ્રીયો દ્વારા સાંપડેલી માહીતીનો મગજમાં સંગ્રહ થાય છે. બુદ્ધી દ્વારા તેનું સંકલન અને મુલ્યાંકન થાય છે. વીચારો અને મુલ્યોને આધારે તેને અગ્રતા અપાય છે. આમાંથી વર્તન તથા તે માટેનાં ધોરણો આકાર પામે છે. બુદ્ધીનીષ્ઠા સાથે વૈજ્ઞાનીક અભીગમ પણ જરુરી છે. વૈજ્ઞાનીક અભીગમ વીનાની બુદ્ધી ઘણી વાર માત્ર તર્ક, વાચાળતા અથવા આત્મઘાતી રહસ્યવાદની હીમાયત કરનારી પણ બની રહે. વૈજ્ઞાનીક અભીગમને કારણે કેટલીક મહત્ત્વની કડીઓ એકબીજાથી સંકળાઈ જાય છે. પ્રથમ તો તેમાં પ્રમાણવાદ છે. ભૌતીક અને બુદ્ધીગમ્ય સાધનો દ્વારા હકીકતને ચકાસવાની, સાંકળવાની વાત છે અને, વધુમાં, તેને સાર્વત્રીક તથા સર્વ દ્વારા સમાન રીતે ચકાસી શકાય, મુલવી શકાય તેવી જોગવાઈ છે. આમ, જ્ઞાન તથા સત્યને તે રહસ્યમય બની જતાં, એકાદ વ્યક્તીનો ઈજારો બની જતાં અટકાવે છે. દરેક સત્યની પુનઃ ચકાસણી, તેમાં સંશોધન અને સંમાર્જન માટેની ભુમીકા આ વલણને કારણે સર્જાય છે. પરીણામે, સીદ્ધાંતજડતા, બંધીયાર પોથીવાદ કે સર્વસત્તાવાદને તે જાકારો આપે છે.

સેક્યુલરીઝમના પાયાની આ દાર્શનીક માન્યતાઓ છે. આ માન્યતાઓના પીંડમાંથી ઘડાયેલું વલણ સેક્યુલર વલણ સર્જે છે તથા સેક્યુલર સમાજને શક્ય બનાવે છે. આ માન્યતા સાથે સુસંગત સામાજીક–આર્થીક–રાજકીય વ્યવસ્થા કે પ્રથાઓને સેક્યુલર કહી શકાય. એ સમ્ભવીત છે કે કોઈ પણ સમાજની બધી સંસ્થાઓ સેક્યુલર ના હોય, વ્યક્તીના વલણ અને વર્તનમાં સમ્પુર્ણ સેક્યુલર મુલ્યો પ્રતીબીંબીત ન થાય. વર્ષોથી રુઢ થઈ ગયેલા તન્ત્ર, પ્રથાઓ અને વલણ એકદમ અદૃશ્ય થઈ જતાં નથી. આ માટે સચેત અને સજાગ પ્રયાસ કરવો પડે છે; પરન્તુ આ દીશામાં જવાની સમજ અને નીર્ધાર, મુક્તી, સમાનતા અને ભાઈચારાનાં મુલ્યો ધરાવતો સમાજ રચી શકે, જુથવાદ, કોમવાદ જેવાં અનીષ્ટો નીવારી શકે અને માનવીને વીશ્વમાનવ બનવા માટેની ક્ષમતા બક્ષી શકે. માનવીનાં વર્તન અને વલણ ઘડનારી માન્યતાઓ પાછળના મુળભુત દર્શનનો પાયો સેક્યુલર હોવો જોઈએ. જ્ઞાનશાસ્ત્ર, નીતીશાસ્ત્ર અને જગતના મુળ કારણરુપ તત્ત્વ વીશેનું દર્શન સેક્યુલર હોવું જોઈએ. આ દર્શનના આધારે જ નસીબવાદ, ધાર્મીક અન્ધશ્રદ્ધા અને ઝનુન તથા જુથવાદ જેમાં માનવવીરોધી વલણોનાં મુળમાં ઘા કરી શકાય.

અહીં રજુ થયેલા લેખોમાં સેક્યુલરીઝમનાં વીવીધ પાસાં, તેનાં પાયાનાં તત્ત્વો, તેની આવશ્યકતા, સામાજીક એકતા, લોકશાહી તથા પ્રગતી સાથેના તેના સમ્બન્ધનું તથા તેની સામેના પડકારોનું નીરુપણ કરવામાં આવ્યું છે. મુદ્દાસર, સ્પષ્ટ અને સરળ શૈલીમાં રજુઆત લેખકની વીશીષ્ટતા છે, જે અહીં પણ પ્રગટ થઈ છે. સેક્યુલરીઝમ સ્વસ્થ, મુક્ત, લોકશાહી અને માનવસમાજ માટે એક અનીવાર્ય આવશ્યકતા છે તે વાત તેમણે સુપેરે આલેખી છે, સાથે સાથે સામાજીક ન્યાય, શોષણની નાબુદી જેવાં પાસાં પણ તેમણે ઉપસાવ્યાં છે. આ પુસ્તીકા એ દૃષ્ટીએ પણ સુચક છે કે, ગુજરાતના સાહીત્યજગતમાં વાર્તાઓ અને કવીતાઓ ઉપરાંત વીચારોની, ચીંતન અને મંથનની સરવાણીને બળવત્તર કરતું સાહીત્ય પણ સમૃદ્ધ બની રહ્યું છે.

 (સમ્પુર્ણ)

શ્રી રમેશ સવાણી લીખીત પુસ્તીકા ‘સાંચ બીના સુખ નાહી’ (પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com )ની પ્રસ્તાવનામાંથી.. લેખકના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : પ્રા. જયંતી પટેલ, 10, મહાશ્વેતા–કાદમ્બરી સોસાયટી. સુરેન્દ્ર એમ. રોડ, આંબાવાડી, અમદાવાદ – 380 015 સેલફોન : +91 94294 28822 ઈમેલ : jaykepatel@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 10–12–2021

5 Comments

  1. શ્રી જયંતી પટેલ દ્વારા સેક્યુલરીઝમનાં વીવીધ પાસાં, તેનાં પાયાનાં તત્ત્વો, તેની આવશ્યકતા, સામાજીક એકતા, લોકશાહી તથા પ્રગતી સાથેના તેના સમ્બન્ધનું તથા તેની સામેના પડકારોનું સ રસ નીરુપણ
    ધન્યવાદ

    Liked by 1 person

  2. સેક્યુલરીઝમ શબ્દને આપણે ગુજરાતીભાષામાં પણ અેજ અંગ્રેજી શબ્દના રુપમાં જ વાપરીયે છીઅે. મને લાગે છે કે ગુજરાતી ભાષા તે શબ્દના દૈનિક વ્યવહારમાં વાપરવા માટે વ્યાખ્યામાં નાનો પડતો હશે કે કદાચ મોટો પડતો હશે.

    પ્રા. જયંતી પટેલના ત્રણે લેખો ખૂબ ગમ્યા. ફલક અને વ્યાખ્યા વઘુ ચોખ્ખી બની…મારે માટે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. Read with interest all the 3 parts of this detailed discussion and analysis with definitions of rationalism,humanism and secularism. Also a discussion and definition of true atheism with scientific outlook.
    This all is very good and should have open and frank discussion, but how many are the readers of this kind of articles where a magazine like ‘ Jankalyan’ is widely read. My understanding is this kind of articles are being read by a very few people who hold the similar views,most of the public either don’t care don’t read as they are listening to their babas and bapus.
    We Gujaratis are poor readers, look at any printed book and you will know that hardly 1250 to 2500 prints per edition in a population of more than 60 millions. We are leaders in building mandirs but not libraries. A sad commentary.
    Anyhow being a rationalist, welcome these articles but with a sadness that we don’t get wide platform.
    Thank you all, the author and Govindbhai to you for continued steadfast effort of spreading the message of rationalism.

    Liked by 1 person

Leave a comment