લેખકે ઉદાહરણો અને પોતાના અનુભવ સહીત ‘ઈશ્વર, શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા’ વીશે કરેલ વાત અત્રે પ્રસ્તુત છે…
ઈશ્વર, શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા
–ભગવાનજી રૈયાણી
આજથી 87 વર્ષ પહેલાં ગુજરાતના પ્રખર સમાજસુધારક અને સ્વાતંત્ર્ય સૈનીક ઈશ્વરભાઈ પટેલ એમના ‘ઈશ્વરનો ઈન્કાર’ નામના પુસ્તકમાં લખે છે : ‘માનવીને શ્રદ્ધાધર્મના નશાથી મુર્છીત–જડ કરી મુકીને ધર્મગુરુ પોતાને સુખેથી વશ રાખી શકે. નશો ઉતરે ત્યારે માનવીને સાચું ભાન આવે પણ શ્રદ્ધાનશો ભાગ્યે જ ઉતરે.’ (‘ઈશ્વરનો ઈન્કાર’ ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.files.wordpress.com/2021/06/ebook_47_narsinh_i_patel_ishwarno_inkaar_final_2021-03-03-1.pdf )
1947માં આપણે સ્વતન્ત્ર થયા ત્યારે દેશની વસ્તી 33 કરોડની હતી અને 33 કરોડ દેવદેવીઓ હતા. દરેકને ભાગે એકએક ત્યારે પણ ગઝનવીઓ, ખીલજીઓ, બેગડાઓ અને ઔરંગઝેબો એમનાં મન્દીર–મહેલાતો લુંટીને એ જમાનામાં કરોડો રુપીયાનાં ઝરઝવેરાતો મન્દીરો અને મુર્તીઓનો ધ્વંસ કરતા ગયા. આપણા ભક્તો કે બ્રાહ્મણ પુજારીઓ અને રાજાઓ એમને બચાવી ન શક્યા. ભગવાન ખુદ પણ ભેરે ન આવ્યા. માણસોએ ભગવાનનું રક્ષણ કરવા માટે મન્દીરોને તાળાં મારવાં પડે છે તો લુંટારાઓ તો તાળાં તોડીનેય ભગવાનના ઘરેણાં અને શણગાર ઉપાડી જાય છે.
20મી સદીના એક મહાન તત્ત્વજ્ઞાની બર્ટ્રાન્ડ રસેલે લખ્યું છે કે ‘હું જન્મે ક્રીશ્ચીયન પણ માણસ તરીકે નીરીશ્વરવાદી છું. એક સેતાનને પણ દુનીયા બનાવવાનું કહેવામાં આવે તો ઈશ્વરે બનાવેલ આ દુનીયાથી વધુ સારી દુનીયા બનાવી શકે. કેવી છે આ દુનીયા?’
સ્ત્રીઓ અને શુદ્રોનું અપમાન અને શોષણ, પુરાતન કાળથી મધ્યયુગ અને અર્વાચીન કાળ સુધી થતાં યુદ્ધો અને ષડ્યન્ત્રો, ધર્મ અને સમ્પ્રદાયોના ઝઘડાઓ, યુદ્ધો અને દમનો, ખુનખરાબા, અત્યાચારો અને વ્યભીચારો, પોતાનાં જ સંતાનો પર આ ઈશ્વરનો આ તે કેવો જુલમ? અહીં બાપ દીકરીનું, પતી પત્નીનું, પ્રેમી પ્રેમીકાનું, ભાઈ ભાઈનું ખુન કરે. કોઈ નરાધમ ચાર વર્ષની બાળકી પર કે કોઈ પીતા પોતાની જ પુત્રી પર બળાત્કાર કરે. આવી છલના અને આટાપાટા ખેલનારને આપણે રહેનુમા કે દયાળુ ઈશ્વર કેમ કહી શકીએ?
22 માર્ચ, 2016ના એક લેખનું મથાળું છે : ‘મોટા ભાગના નોર્વેજીયનો ઈશ્વરમાં માનતા નથી,’ ગેલપ ઈન્ટરનેશનલના એક સર્વે પ્રામાણે મળેલાં તારતમ્યો પ્રમાણે :
90 ટકા ચીનાઓ અને 70 ટકા હોંગકૉંગવાસીઓ કોઈ પ્રચલીત ઘર્મોમાં કે આસ્તીક્તામાં માનતા નથી. ઝેકોસ્લેકીયામાં 45 ટકા લોકો ધર્મમાં નથી માનતા અને ૩૦ ટકા તો સમ્પુર્ણ નાસ્તીક છે. જાપાનમાં પચીસથી 31 ટકા લોકો આ ગ્રુપ્સમાં આવે છે. ઈઝરાયલમાં 57 ટકા નોનરીલીજીયસ અને આઠ ટકા સમ્પુર્ણ નાસ્તીક. જર્મનીમાં 60 ટકા પોતાની જાતને નાસ્તીક માને છે.
વીચાર કરો કે આ દેશો સમૃદ્ધ કેમ થયા? આપણે આટલા પાછળ કેમ? જવાબ સ્પષ્ટ છે, આપણે ખોટાં કામ કરીને ગંગા–ગોદાવરીમાં પગ ધોઈને પાપનીવારણ કરવા જઈએ છીએ. ધારી લીધેલા સંત–મહંતો, પપુધધુ (પરમ પુજ્ય ધર્મ ધુરંધરો)ઓને પાય પડીને પુણ્ય મેળવીએ છીએ. ધર્માચારીઓનાં પ્રવચનો સાંભળીને ઈશ્વરી જ્ઞાન મેળવવા તલપાપડ થઈએ છીએ. મન્દીરો, મઠો અને આશ્રમો બાંધવામાં લખલુટ ખર્ચા કરીએ છીએ પણ સામાજીક ઉત્થાન કે વૈજ્ઞાનીક સંશોધમાં ખર્ચ કરતા નથી. ચોરે અને ચૌટે, ગલીએ અને મહોલ્લે મન્દીર જ મન્દીર દેખાય છે. મની લોન્ડ્રીન્ગ કરીને નામ કમાવા માટે દાન કરવાનો આ સરળ રસ્તો છે. આવાં મન્દીર ટ્રસ્ટોને ટેક્સમાં રાહત મળે છે પણ દાનના સ્રોત ઉપર પુછપરછ કરવાનો સરકારને પણ કાયદેસર અધીકાર નથી.
ફરીથી ઈશ્વરના દરબારમાં જઈને સ્વામી વીવેકાનંદે શું જોયું? ‘જે ઈશ્વર કે ધર્મ વીધવાનાં આંસુ લુછી ન શકે, કે અનાથ (ગરીબ)ના મુખમાં રોટલાનું બટકું ન આપી શકે એવા ઈશ્વર કે ધર્મમાં હું માનતો નથી.’ નીરીશ્વરવાદ ઉપરની એક પુસ્તીકા લેખકના હાથમાં આવી છે જેમાં લખ્યું છે : ‘આપણા જેટલો આંધળો દેશ કોઈ ન હોઈ શકે, કેમ કે લાખો ગરીબ લોકો કંગાળ હાલતમાં ભુખે મરે તે કોઈને દેખાતું નથી અને કરોડોનાં મન્દીરો થઈ રહ્યાં છે, વળી તેની વાહવાહ થાય છે કારણ કે લોકોને ઈરાદાપુર્વક અન્ધ–શ્રદ્ધામાં વ્યસ્ત રખાય છે. મન્દીરોમાં ચોરીઓ થાય છે. યાત્રીઓની બસના એક્સીડન્ટ થાય છે, લોકો પણ એટલુંય નથી સમજતા કે જે દેવ મન્દીરોમાં ઉત્સવો દરમીયાન ભાગદોડમાં પોતાને શરણે આવતા પોતાના ભક્તોને બચાવી શક્તા નથી તે આપણા ધંધા–રોજગારને કેવી રીતે વધારી શકે?
નાસ્તીક તરીકે તમે સમાજમાં સુરક્ષીત રહી શકો પણ નાસ્તીકતાનો પ્રચાર કરવાનું કેટલું જોખમકારક છે એની અહીં વાત કરવી પ્રસંગોચીત જણાશે. ગુજરાતના લેખક રજનીકુમાર પંડયા મારા મીત્ર છે. વર્ષો પહેલાં તેઓ રૅશનાલીઝમ (વીવેકબુદ્ધવાદ)ની એક મીટીંગમાં મુમ્બઈ આવ્યા હતા. એ કૉન્ફરન્સમાં કેટલાક કટ્ટર આસ્તીકવાદીઓ ઘુસી ગયા. સેમીનાર માંડ અર્ધો કલાક ચાલ્યો હશે ત્યાં એ લોકોએ ધમાલ કરી મુકી, ગાળાગાળી અને ગડદાપાટુ સુધી મામલો બીચક્યો. આમ મીટીંગનું બાળમરણ થયું. રજનીકુમારભાઈ ખુદ બ્રાહ્મણ હોવા ઉપરાંત નખશીક રૅશનાલીસ્ટ છે.
આવા જ એક રાજકોટવાસી મારા નજીકના મીત્ર જે ઍડવોકેટ હોવાની સાથે સાથે ખગોળવીદ્યાના જાણકાર અને ‘વીજ્ઞાન જાથા’ ચલાવતા જયંત પંડ્યા આકાશી ગ્રહોની સાથે અદ્ભુત નઝારો બતાવતા રહીને બાપા–બાવાઓના પાખંડભંગ કરતા રહે છે. એક્વાર એમની ટીમ આવા જ કોઈક કાર્યક્રમ માટે વડોદરા ગઈ. કાર્યક્રમ શરુ થયો અને બ્રાહ્મણામંડળના કાર્યકરો એમની ‘હેસીયત’નો પ્રસાદ ચખાડવા આવ્યા. જાનના જોખમે એમને પણ સભામંડપ છોડીને ભાગવું પડ્યું.
એપ્રીલ, 2000ની સાલમાં ચેમ્બરના એક હૉલમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તામીલનાડુના રૅશનાલીસ્ટોની બે દીવસની કૉન્ફરન્સ મેં આયોજીત કરેલી. કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો. મુમ્બઈમાં રૅશનાલીસ્ટોનું એક સંગઠન બનાવવા માટે મેં અથાક મહેનત કરી પણ સફળતા ન મળી. ત્યારબાદ ‘મુમ્બઈ–ગુજરાત રૅશનાલીસ્ટ ઍસોસીયેશન’ બન્યું છે પણ શરુઆતનાં થોડાં વર્ષો સારી પ્રવૃત્તીઓ ચાલી, એક સામયીક પણ ચલાવ્યું અને નીષ્ક્રીય થઈ ગયું.
આ લેખના મથાળે ‘આત્મશ્રદ્ધા’ને પણ સ્થાન મળ્યું. એની પણ વાત કરી લઈએ. આ જ અખબારના પાના પર ચેમ્બુરની રૅશનાલીસ્ટ કૉન્ફરન્સના દીવસે મારો એક લેખ ‘હું રૅશનાલીસ્ટ (નાસ્તીક) કેમ બન્યો?’ છપાયો. એમાં લખેલ કે હું આઠ વરસનો અને ગામની શેરીમાં રમતી ચાર વર્ષની મારી બહેનને હડકાયો શ્વાન કરડ્યો. પીતાજી ગામના ભુવા પાસે એને લઈ ગયા ત્યારે હું પણ સાથે ગયો. એણે ધુણતાં ધુણતાં માતાજીને યાદ કરીને ચપટી જુવારના દાણા રાધાને આપ્યા જે એ ચાવી ગઈ. જાઓ મટી જશે; પણ બે મહીનામાં એને હડક્વો થયો અને મારી બહેન મરી ગઈ. તે દીવસથી મેં ઈશ્વરની શોધ કરી કે મારી નીર્દોષ બહેનને તેં કેમ ઉપાડી લીધી એનો જવાબ આપ, પણ એ જવાબ ક્યારેય મળ્યો જ નહીં. હજારો લોકોને પુછ્યું કે તમે ઈશ્વરને જોયો છે? પણ ઉત્તર ‘ના.’
સ્કુલ–કૉલેજ માં સતત ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટમાં પાસ થતો હું એન્જીનીયરીંગના પ્રથમ વરસે જ નાપાસ થયો. આગળ ભણાવાના પૈસા નહીં. સીવીલ એન્જીનીયરીંગની ડીગ્રી લઈને મુમ્બઈ આવ્યો અને 1963ના એક દીવસે મારી રુપીયા ૩૦૦/–ની નોકરી ગઈ. ખીસ્સામાં હતા માત્ર દસ રુપીયા. બીઝનેસમાં બે વાર રરતા પર આવી ગયો; પણ આ સંઘર્ષના દીવસોમાં ક્યારેય ઈશ્વરની મદદ માગી નથી. એક વખત પગ અને બે વખત હાથ ભાંગ્યા; પણ ઈશ્વરને પ્રાર્થના કરી નથી. ઉત્તરાખંડના રાણીખેતમાં પડી જતાં હું બેભાન થયો અને બ્રેઈન હેમરેજ થઈ ગયો. પત્નીએ એમ્બ્યુલન્સ ભાડે કરીને દીલ્હીની હૉસ્પીટલમાં દાખલ કરાવ્યો. ચાર દીવસ પછી મુમ્બઈ લાવીને બીજા સોળ–દીવસ હૉસ્પીટલમાં રાખ્યો. ત્યારે પણ ઈશ્વરને યાદ કર્યો નથી. સંકટ સમયનો જાત પરનો વીશ્વાસ એનું નામ આત્મશ્રદ્ધા.
–ભગવાનજી રૈયાણી
રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ’ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ’ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.
‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 23 નવેમ્બર, 2020ના રોજ પ્રગટ થયેલ આ લેખ, લેખકશ્રીના અને ’મીડ ડે’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floor, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone: [O] (022) 2614 8872 eMail: fastjustice@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 17–12–2021
મા ભગવાનજી રૈયાણી દ્વારા ઈશ્વર, શ્રદ્ધા, અન્ધશ્રદ્ધા અને આત્મશ્રદ્ધા અંગે અભ્યાસપૂર્ણ સ રસ લેખ બદલ ધન્યવાદ
LikeLiked by 1 person
ખૂબ સરસ સમજ આપતો લેખ.
થીયરીઓમાં જીવતા માણસો કદાપી પ્રેક્ટીકલ લાઇફ જીવી ના શકે. થીયરીસ્ટો મનના તુક્કાના માલિકો હોય છે. દૈનિક , રોજીંદુ જીવન જીવવાવાળઓ અેવી અઅેવી પરિસ્થિતિઓમાં જીવતા હોય છે કે તેમની આત્મશ્રઘ્ઘા લગભગ નાશ પામેલી હોય છે. જેનો પાંખંડીઓ ગેરલાભ ઉઠાવતા હોય છે.
સેલ્ફ કોન્ફીડન્સ…પોતાની શક્તિઓમાં જેને શ્રઘ્ઘા કે વિશ્વાસ હોય તે જ કોઇપણ વિપરિત પરિસ્થિતિમાં રસ્તો શોઘવાનું કર્મ કરી છકે છે., ડીપેન્ડન્ટ થવા વિના.
ખૂબ સરસ લેખ. ( હસવા માટે જ આ વાત લખું છું …બાળકોના જન્મ સમયે નામો પણ ભગવાનના નામે રખાય છે…)
અેક સરસ વાત વાંચી હતી.
અેક સેવક માતાજીના મંદિરમાં માંસનો પ્રસાદ લઇને આવ્યો. પુજારી ભડક્યા, બોલ્યા, આ મંદિર છે, અહિ માંસ હોય ?
સેવકે કહ્યું, હું તો સીંહને ઘરાવવા આવ્યો છું. જો માતાજીનું વાહન ભુખ્યું હશે તો માતાજીને પરીવહન કોણ કરાવશે ?
પુજારીઅે કહ્યું, ‘ મુરખ, આ સીંખ તો પથ્થરનો છે.
સેવક બોલ્યો, આમ તો માતાજી પણ પથ્થરના જ છે…….
પોતાનામાં શ્રઘ્ઘા કળવવી રહી…
ખૂબ આભાર.,
અમૃત હઝારી.
LikeLiked by 1 person
ગુજરાત એ અંધશ્રદ્ધા ફેલાવવા નું કેન્દ્ર સ્થળ છે, અહીં બાપુઓ, માતાજીનો, મહાદેવ ઓ અને ભક્તો ભક્તાણી ઓ મધપુડા ઓ અસંખ્ય પ્રમાણ માં વધારે છે, અને રેશના લિસ્ટો એ તો સંતાતા ફરવું પડે એવી ભયનકર હુમલા ખોર નું આશ્રય સ્થાન અને અભયારણ્ય છે, ગૌરી લંકેશ, પાનસરે ની જેમ મહેશ્વરી નું કચ્છ જિલ્લામાં વકીલ હોવા છતાં ધોળા દિવસે હત્યા કરવામાં આવે છે, એમપી સોલંકી પત્રકાર ની કોર્ટ માં હત્યા કરી ને બિન્દાસ આઝાદ ફરે છે, સ્વામીઓ પણ સ્વામીઓ અને ભક્તો ની હત્યા કરવામાં પાછા નથી, આશારામ ના સમૃદ્ધ અડ્ડા ઓ ને ગુજરાત રક્ષણ અને સંરક્ષણ આપે છે, હરેન પંડ્યા ની હત્યા નું પગેરું ગૃહમંત્રી હોવા છતા પકડાતું નથી, જસ્ટિસ લોયા ની હત્યા ની તપાસ નો સુપ્રિમ કોર્ટ દ્વારા ઇનકાર કરવા માં આવે છે, અહેસાન જાફરી ના હત્યારાઓ ની ફાઈલ બંધ કરવા માં આવે છે, માનવ અધિકાર પંચે ઓફિસ છોડી ભારત બહાર ભાગવું પડે છે, ગૃહ રાજ્ય મંત્રી ભારત સરકાર ખેડૂત હત્યા કરવા માં પુત્ર ને ખેડૂતો પર કચડી ને મારી નાખવા ના કાર્ય કરાવે છે,4 સુપ્રિમ જજ પ્રેસ કોન્ફરન્સમાં લોકશાહી દેશમાં ખતરો બતાવે છે…. કાશ ઘેર ઘેર ભગત સિંહ જેવા બેટાઓ પાકે 🙏🏻💐🙏🏻
LikeLiked by 1 person
શ્રી ગોવિંદભાઈ પ્રણામ. ઈશ્વરનો ઈનકાર ની PDF બનાવી છે. તો હવે ભુપેન્દ્ર રાઓલ ની રાસાયણીક ગીતા ની PDF રજુ કરવા નમ્ર વિનંતિ.
LikeLiked by 1 person
ખૂબ સરસ લેખ વિદ્વાન મિત્રો ની માહિતી સભર કૉમેન્ટ્સ ધન્યવાદ
LikeLiked by 1 person