‘ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ’ ઈ.બુકનો આવકાર

‘ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ
ઈ.બુકનો આવકાર

–રમેશ સવાણી

કૃષ્ણને વિષ્ણુના અવતાર ઘોષિત કરવા પાછળ શું કાવતરું હતું?

શું કૃષ્ણ વીષ્ણુનો અવતાર હતા? માખણચોર હતા? આર્ય હતા? ચારવર્ણની વ્યવસ્થા કરનાર હતા? રણછોડ હતા? લંપટ હતા? પુરાણોમાં દર્શાવેલ કૃષ્ણનું ચરીત્ર સાચું છે? જવાબ છે– ના, ના અને ના! આ વીશે વીગતે જાણવા માટે જયંતીભાઈ મનાણીએ લખેલ પુસ્તક– ‘ક્રાન્તીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ’ વાંચવું પડે!

પ્રાચીન ભારતના આદીનાયક શંકર પછી બીજું નામ કૃષ્ણનું આવે છે. વેદ, પુરાણો, મહાભારત, સ્મૃતીઓ તથા ભાગવતગીતાનું લેખન બ્રાહ્મણધર્મના પંડીતોએ કર્યું છે. જેમાં કૃષ્ણ, શીવ, બુદ્ધ તથા મહાવીરની વીચારધારાને અનુસરનારાઓને નીમ્નકક્ષાના ગણવામાં આવ્યા છે! સવાલ એ છે કે કૃષ્ણને 3500 વર્ષ પછી પણ દેશની મુળનીવાસી આબાદી શા માટે નથી ભુલી? કૃષ્ણ મુળનીવાસીઓના જનનાયક શા માટે રહ્યાં છે? શું મહાભારતમાં દર્શાવેલ કૃષ્ણનું ચરીત્ર કૃષ્ણના અસલી ચરીત્ર સાથે મેળ ખાય છે? શું ભાગવતપુરાણ કે અન્ય પુરાણોમાં દર્શાવાયેલ કૃષ્ણ; અસલી જનનાયકના ખરા ચરીત્રને રજુ કરે છે? વીષ્ણુ તથા કૃષ્ણને કોઈ સમ્બન્ધ છે? કૃષ્ણની મહાનતા જન્મથી હતી કે પોતાના ઉમદા કર્મોથી હતી? શું કૃષ્ણ બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાના સમર્થક હતા? કૃષ્ણની સમાનતાવાદી વીચારધારાને બ્રાહ્મણવાદી વીચારધારા સાથે કોઈ મેળ છે? કૃષ્ણના નામે લખાયેલા ગ્રંથો ધર્મગ્રંથ છે? કૃષ્ણના નામે મુળનીવાસીઓનું શોષણ કોણ કરી રહ્યા છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા એટલા માટે જરુરી છે કે કૃષ્ણનું નામ આવતા વર્ષોમાં પણ ભુંસાવાનું નથી.

ઋગ્વેદમાં કૃષ્ણને અસુર કહ્યાં છે. કૃષ્ણ અનાર્ય હતા. ઋગ્વેદમાં કૃષ્ણને વન્ય જાતીઓની દશ હજાર સેનાના માલીક, યમુનાના કીનારા પર રહેનારા દર્શાવેલ છે. કૃષ્ણ મુળનીવાસી હતા. કૃષ્ણ સનાતન શીવશક્તી ધર્મ અને માતૃપ્રધાન સંસ્કૃતીના વાહક હતા. બ્રાહ્મણ સંસ્કૃતી; જ્ઞાન–વીજ્ઞાન વીરોધી અને અસમાનતા સર્જક હતી. જ્યારે કૃષ્ણ સમાનતા, સ્વતન્ત્રતાના સમર્થક હતા. આર્ય બ્રાહ્મણ પંડીતોએ કૃષ્ણના મામા કંસને રાક્ષસ તથા અસુર કહ્યાં છે. કૃષ્ણની પત્નીઓમાં રુક્ષ્મણી નાગવંશ, જામ્બુવંતી રીંછ વંશના હતા. તેમની આઠ પત્નીઓ દેશના જુદા જુદા મુળનીવાસી વંશોની કન્યાઓ હતી. કૃષ્ણના પૌત્ર અનીરુદ્ધના લગ્ન અસુરવંશના રાજા બાણાસુરની કન્યા સાથે થયા હતા. કૃષ્ણના મામા રાક્ષસ હોય, વેવાઈ અસુર હોય તથા તેની પત્નીઓ દેશના જુદા જુદા મુળનીવાસી અનાર્યવંશોની સ્ત્રીઓ હોય તો કૃષ્ણ આર્ય હોઈ શકે નહીં. જો કૃષ્ણ અનાર્ય હોય તો તે આર્ય વીષ્ણુનો અવતાર કેવી રીતે હોઈ શકે?

કૃષ્ણને વીષ્ણુના અવતાર ઘોષીત કરવા પાછળ શું કાવતરું હતું? ક્રીયાકાંડ એ ધર્મ નથી પરન્તુ માનવીઓએ પોતાના કર્મોના નૈતીક આચરણ દ્વારા ધર્મનું પાલન કરવું; એવી વાત જૈન તથા બૌદ્ધ વીચારધારા દ્વારા પ્રસરી. તેના કારણે બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય તથા શુદ્ર એમ ચાર વર્ણમાં માનવીને વહેંચતી વર્ણવ્યવસ્થા નબળી પડી; કેમ કે ગુણકર્મ અનુસાર માનવીની ઉચ્ચતાને સ્થાન મળ્યું! નંદવંશ તથા મૌર્ય વંશના રાજાઓ શુદ્રવર્ણ જાતીના શાસકો હતા. બુદ્ધ પોતે શાક્યવંશના હતા, જે આજે શુદ્ર વંશ ગણાય છે તથા તેમની માતા કૌલ (કોલી) વંશના હતા. ગૌતમ બુદ્ધની પત્ની યશોધરા જેમનું બાળપણનું નામ ગોપા હતું તે યાદવ કન્યા હતી. ચંદ્રગુપ્ત મૌર્ય પોતે પશુપાલકનો પુત્ર હતો. ચંદ્રગુપ્ત મૌર્ય તથા સમ્રાટ અશોકના શાસનમાં જૈન તથા બૌદ્ધ ધર્મનો વ્યાપક ફેલાવો થયો. યજ્ઞો બંધ થઈ ગયા. ભારતને જગતગુરુનું સ્થાન મળ્યું. બૌદ્ધ ધર્મનો ફેલાવો શ્રીલંકા, બ્રહ્મદેશ, કંબોડીયા, ચીન તથા જાપાન સુધી થયો. તક્ષશીલા તથા નાલંદાની વીદ્યાપીઠોમાં વીશ્વના દેશોમાંથી વીદ્યાર્થીઓ જ્ઞાનવીજ્ઞાન શીખવા ભારતમાં આવતા હતા. આ સમયે દેશની મોટાભાગની આબાદી બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, સનાતન શીવ–શક્તી ધર્મ, ભાગવત ધર્મને અનુસરતી હતી. વૈદીક બ્રાહ્મણ ધર્મના અનુયાયીઓ માત્ર બ્રાહ્મણો જ હતા. કૃષ્ણ માટે આદર અને જનનાયક તરીકેનું સ્થાન તમામ વર્ગોમાં હતું. કૃષ્ણને વીષ્ણુનો અવતાર છે તેવી કોઈ માન્યતા પુષ્યમીત્ર શૃંગના શાસન સમયના ભારતમાં ન હતી. કૃષ્ણનું કોઈ મંદીર પણ દેશભરમાં ક્યાંય ન હતું. એ સમયે ગીતામાં માત્ર 70 શ્લોક હતા. તેમાં કૃષ્ણ અર્જુનને તેની નૈતીક ફરજનો હવાલો આપી યુદ્ધ કરવા માટે તૈયાર કરે છે, એટલી જ વાત હતી! તેમાં વર્ણવ્યવસ્થાની વાત ન હતી. જનનાયક કૃષ્ણનો ઉપયોગ બૌદ્ધ ધર્મને ખતમ કરવા માટે કૃષ્ણના નામે સાહીત્ય રચવાની ચતુરાઈ બ્રાહ્મણ પંડીતોએ કરી! પરન્તુ કૃષ્ણ અનાર્ય હતા એટલે બ્રાહ્મણ તેની પુજા ન કરી શકે. બ્રાહ્મણ વીષ્ણુની જ પુજા કરી શકે. તેથી આર્ય બ્રાહ્મણ પંડીતોએ વીષ્ણુના જુદા જુદા અવતારો વીષેના પુરાણો લખવાની શરુઆત ઈ.સ. 400 પછી કરી. આમ કૃષ્ણને વીષ્ણુનો અવતાર જાહેર કરાયા. ગીતામાં 700 શ્લોક મુકી દેવાયા. ભગવદ્ ગીતાના લેખક તરીકે પણ મહર્ષી વ્યાસનું નામ મુકી દીધું! અનુયાયીઓને મુક્તીની ગેરંટી આપવામાં આવી! બધા પુરાણો બુદ્ધ પછીના સમયમાં લખાયા છે. પુષ્યમીત્ર શૃંગે બૌદ્ધરાજા બૃહદ્રથની હત્યા કરીને પોતાનું બ્રાહ્મણ રાજ સ્થાપીત કર્યું; બૌદ્ધ ધર્મને નેસ્તનાબુદ કરવા બૌદ્ધ સાધુઓની હત્યા કરીને તેનું માથું રજુ કરનારને 100 સોનામહોરોનું ઈનામ જાહેર કર્યું! વૈદીક બ્રાહ્મણધર્મને રાજ્યધર્મ બનાવ્યા પછીના સમયમાં પુરાણો લખવામાં આવ્યા છે. ભાગવત પુરાણમાં કૃષ્ણનું ચરીત્ર એક ફીલ્મ સુપરસ્ટાર જેવું દર્શાવાયું છે. જેમની પાછળ હજારો સ્ત્રીઓ પાગલ છે. આવી સ્ત્રીઓ સાથે કૃષ્ણ રાસલીલાઓ કરે છે. સ્ત્રીઓ જ્યારે નદીમાં સ્નાન કરતી હોય છે ત્યારે કૃષ્ણ તેમના કપડા સંતાડી દઈને નગ્ન દશામાં જ નદીની બહાર આવવા મજબુર કરે છે. કૃષ્ણ પોતાના બાળમીત્રો સાથે ગમે તેના ઘરમાં જઈને માખણની ચોરી કરે છે! જાણે કે નંદ કોઈ ગરીબ પશુપાલક હોય, જેના ઘરમાં જાણે માખણ જ મળતું ન હોય! કૃષ્ણને માત્ર ચોર જ નથી દર્શાવાયા પરન્તુ તેને જાદુગર જેવા ચમત્કારી પણ દર્શાવાયા છે. ભાગવત–પુરાણના કૃષ્ણને નૈતીકતા સાથે કોઈ સમ્બન્ધ નથી, યાદવો તથા ભારતવાસીઓના સામાજીક ઉત્થાન સાથે કોઈ સમ્બન્ધ નથી.

અસત્ય, જુઠાણા, કુતર્કોનો સહારો લઈને બ્રાહ્મણ પંડીતોએ પોતાના સ્વાર્થ માટે અવતારવાદનું તરકટ રચ્યું છે!

શું કૃષ્ણ વીલાસી જીવનના પ્રતીનીધી છે?

શામાટે કૃષ્ણ વીશે જાણવું જરુરી છે? શું કૃષ્ણનો ઉપયોગ ધર્મના ઠેકેદારો લોકોને છેતરવા માટે, તેમના તનમનધન લુંટવા માટે કરતા નથી? ધર્મના ઠેકેદારો, કૃષ્ણના નામે મંદીરો ઉભા કરી/કથાઓ કરી વૈભવી/વીલાસી જીવન જીવી રહ્યા નથી? કૃષ્ણને પોતાના ધંધાનું સાધન બનાવીને બ્રાહ્મણવાદીઓ કરોડો તથા અબજો રુપીયાનો ધંધો કરી રહ્યા છે. કૃષ્ણના નામે ચમત્કારો, કૃષ્ણના નામે રાસલીલાઓ, કૃષ્ણની પાછળ વીહવળ થતી સ્ત્રીઓ, આવું ચીત્રણ ભાગવત પુરાણમાં કરીને બ્રાહ્મણ પંડીતોએ પોતાના સ્વૈચ્છાચારને મોકળું મેદાન આપ્યું! કૃષ્ણના નામે વીષ્ણુ તથા પોતાની પુજા કરાવીને બ્રાહ્મણવાદી પંડીત–પુરોહીતોએ સંતોષ નથી માન્યો; પરન્તુ કૃષ્ણની લીલા અને વીષ્ણુના અવતારના નામે પોતાની કામેચ્છા, વીષયવાસના અને જાતીય સ્વૈચ્છાચાર કરતા રહ્યા છે. પુરાણોમાં કૃષ્ણના નામે વીષયવાસના, સંભોગનું ચીત્રણ કરવામાં આવ્યું છે. કૃષ્ણએ રાધાને ચાર પ્રકારના ચુંબન કર્યા અને તેની સાથે આઠ પ્રકારનો સંભોગ કર્યો તે અંગેની વીગતો લખી! બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણના ચરીત્રને રશીયાના રાસ્પુટીન જેવું વીલાસી દર્શાવ્યું છે! પુરાણોમાં કૃષ્ણનો સમ્બન્ધ એક લાખ સ્ત્રીઓ સાથે સ્થાપીત કરવામાં આવ્યો છે! પોતાના ભોગવીલાસ માટે બ્રાહ્મણ પંડીતોએ કૃષ્ણ, ઈશ્વર તથા ભગવાનના નામ પર મનઘડંત કથાઓ રચીને બ્રાહ્મણ પંડીતો ધર્મના નામે કામાતુર સાંઢ બની ગયાં! કૃષ્ણના નામનો આવો દુરુપયોગ થઈ રહ્યો હોય ત્યારે કૃષ્ણ વીશે સાચી હકીકતો જાણવી અનીવાર્ય બની જાય છે.

18મી સદીમાં લુડોવીક ડી. વારથોમ નામના એક વીદેશી પર્યટકે ભારતના મલહારની મુલાકાત અંગે લખ્યું છે : “જ્યારે રાજા લગ્ન કરે છે તો તે બ્રાહ્મણોમાંથી શ્રેષ્ઠ વ્યક્તીને પસંદ કરે છે અને તેને પ્રથમ રાત્રી દરમીયાન પોતાની પત્ની સાથે સુવડાવે છે, જેથી તે તેની સાથે સંભોગ કરે. બ્રાહ્મણ આ કામ પ્રસન્નતાપુર્વક કરે છે. રાજાએ તેને ચારસો–પાંચસો ગીની દેવી પડે છે.” (વોયેજ ઓફ વારથોમ, પૃષ્ઠ–14) વીદેશયાત્રી હેમીલ્ટને લખ્યું છે : “જ્યારે કાલીકટના રાજા જમોરીન વીવાહ કરે છે તો તેના માટે એ આવશ્યક છે કે જ્યાં સુધી નંબુદ્રી બ્રાહ્મણ તેની સ્ત્રીનો રસાસ્વાદ ન કરી લે ત્યાં સુધી તેની સાથે સમાગમ ન કરે. બ્રાહ્મણ જો ઈચ્છે તો સ્ત્રીને ત્રણ રાત્રી પોતાની પાસે રાખી શકે છે, કેમ કે સ્ત્રીના વીવાહનું પ્રથમ ફળ પ્રભુને ભેટ કરવું જોઈએ!” વૈષ્ણવ સમ્પ્રદાયના મહારાજો આવી પ્રથાને કૃષ્ણાર્પણ/બ્રહ્મસમ્બન્ધ વીધી બહાને પારકી સ્ત્રીઓનું શોષણ કરતા હતા! આ પ્રથા સામે કરસનદાસ મુળજીએ 1860માં બંડ પોકાર્યું હતું. આ પ્રથાની દયાનંદ સરસ્વતી અને ગાંધીજીએ ટીકા કરી હતી. ધર્મને પોતાનો વારસાગત ધંધો બનાવી, પોતાને દેવી–દેવતાઓના સેંકડો વર્ષોથી એજન્ટ બનીને લોકોનું આર્થીક તથા જાતીય શોષણ બ્રાહ્મણવાદી પંડીત પુરોહીતો, મુખ્યાજી કે આચાર્ય કરતા રહ્યા છે. દ્વારીકાનું કૃષ્ણ મંદીર, ગોકુળ મથુરાના કૃષ્ણમંદીરો કે અન્ય કૃષ્ણના નામે ઉભા કરાયેલા મંદીરોનો કબ્જો બ્રાહ્મણવાદીઓના હાથમાં છે. આવા મંદીરોમાં કૃષ્ણની મુર્તી પાસે યાદવવંશી આહીર, ભરવાડ, ચારણ તથા રબારી જેવી જાતીઓને નજીક જવાની મનાઈ છે. જે વંશમાં કૃષ્ણ જન્મ્યા હોય, તે વંશના લોકોથી કૃષ્ણ અભડાઈ જાય?

પાદરી માર્ટીન લ્યુથરે મોક્ષપત્રીકા વેચી ભોગ–વીલાસ કરતા પાદરીઓ સામે બંડ પોકાર્યું હતું. માર્ટીન લ્યુથરે ચર્ચની સામેના ચોકમાં મોક્ષપત્રીકાઓનો ઢગલો કરીને તેની હોળી કરી હતી. લોકોએ તેને સહકાર આપ્યો. પોપલીલાનો અંત આણવા પ્રોટેસ્ટ ખ્રીસ્તી પંથ બન્યો. રાજાઓ પોપ તથા પાદરીથી મુક્ત થયા. લોકો પોપ તથા પાદરીઓના નીયન્ત્રણથી મુક્ત થયા. શાળાઓમાં શીક્ષણ વધ્યું, પોપે બદલાવું પડ્યું, પાદરીઓએ બદલાવું પડ્યું. ધાર્મીક ક્રાંતીના પરીણામે યુરોપ આજે આધુનીક યુરોપ બની ચુક્યું છે.

ભારતમાં ગરીબ અને દલીતો (એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.)ને લાત મારીને તેમના બધા ધાર્મીક અધીકારો છીનવી લેવાયા હતા. સ્ત્રીઓને પગનું ખાસડું સમજવામાં આવતી હતી. સ્ત્રીઓ અને શુદ્રોને ભણવાનો કોઈ અધીકાર ન હતો. વીધવાઓના દર્દભર્યા નીસાસાઓ નાખતી હતી! ઈશ્વરની ઉપાસનાના વીષયમાં મતમતાંતરોના પરસ્પરના ઝઘડાઓથી ઈશ્વર ઝઘડાનું કારણ બની ગયો હતો. વહુ–બેટીની ઈજ્જત લેનારાને આપણે ઢીબી નાખીએ છીએ; પરન્તુ આપણા દેવી–દેવતાઓની સરેઆમ બેઈજ્જતી કરનાર દુકાનદારોને/કથાકારોને ચલાવી લઈએ છીએ, તે આપણી નબળાઈ નથી? ધર્મના નામે કોણ, ક્યાં, કેટલી રકમ ભેગી કરે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ચકાસણી આપણે કરી શકતા નથી! એક તરફ શીક્ષણની હાટડીઓ ફુલીફાલી છે અને બીજી તરફ ધર્મની. આવું ક્યાં સુધી ચલાવી લઈશું? જેટલી શાળાઓ કે કૉલેજો નથી, તેથી વધુ મંદીરો અને મસ્જીદો છે! બીજી તરફ ગરીબ માનવી માટે પાયાની સગવડો પણ નથી. ગામડામાં નથી સારુ શીક્ષણ/આરોગ્ય સેવા કે સુરક્ષા!

ભારતમાં ધર્મના નામે ચરી ખાનારાઓની સંખ્યા 50 લાખથી વધુ છે. આ બાવા/સાધુઓ ધર્મના નામે નફરત ફેલાવે છે અને તેના કારણે દેશમાં પારાવાર જાનમાલનું નુકસાન થાય છે. ધર્મ અને ધાર્મીક ઉત્સવો પાછળ ખર્ચાતી રકમો જો ગરીબોના આરોગ્ય અને શીક્ષણ પાછળ ખર્ચાય તો કેટલી રાહત થઈ જાય? વીજ્ઞાનનો વીરોધ કરતા ધાર્મીક ઠેકેદારો વૈજ્ઞાનીક સાધનો વડે પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે! ટીવી ચેનલો ઉપર ધાર્મીક ઉપદેશો અને સત્સંગનું વર્ચસ્વ વધવા લાગ્યું છે. સંતોની ઓડીયો–વીડીયો સીડીનું ધુમ વેચાણ થાય છે અને તેના પુસ્તકો પણ ધડાધડ વેચાય છે. કોર્પોરેટ સંતોના પ્રવચનો સાંભળવા લાખો લોકોની ભીડ ઉમટી પડે છે અને ટીવી ઉપર તેમના પ્રવચનોનું લાઈવ ટેલીકાસ્ટીંગ થાય છે. કેટલાક બાપુઓ/બાબાઓ/સંતોનું બુકીંગ 10 વર્ષ સુધીનું થઈ જાય છે! વીદેશમાં પણ સંતો મોટી સંખ્યામાં ભક્ત–ઘેટાંઓ એકત્ર કર છે. બધું જ કૃષ્ણના નામે થાય છે! જુદા જુદા પંથો/સમ્પ્રદાયો વધતા જાય છે. મંદીરો ઉભા કરવા, ઉત્સવો કરવા અને વધુ ને વધુ ધન ઉઘરાવીને પોતાની ધર્મ–ઈન્ડસ્ટ્રીઝને સમૃદ્ધ કરવાની હરીફાઈ ચાલે છે. કૃષ્ણ, આદીનાયક શંકર, તથાગત બુદ્ધ, મહાવીર, સંત કબીર, ગુરુનાનક, મહાત્મા જ્યોતીબા ફુલે, સ્વામી વીવેકાનંદ, બાબાસાહેબ ડૉ. આંબેડકર તથા રામાસ્વામી પેરીયારના સામાજીક આંદોલનોના અભ્યાસથી જ આપણને માર્ગ મળી શકે છે કે સાચું શું છે? ખોટું શું છે? મંથન, ચીંતન અને મનન દ્વારા, તર્ક અને સત્ય પ્રમાણની એરણ પર ચકાસણી કરવાથી જ પાખંડથી બચી શકાય. બીજાને બચાવી શકાય. આપણા દેશને વીશ્વના અગ્રીમ દેશોની હરોળમાં લઈ જવો હશે તો ક્રાંતીકારી જનનાયક કૃષ્ણના ઉજ્વલ ચરીત્રને જાણવું પડે, તેના માર્ગે ચાલવું પડે!

અવતારવાદની થીઅરી શા માટે વાહીયાત છે?

શું અવતારથી ધરતી ઉપર ન્યાય સ્થપાઈ જાય છે? નીતીમત્તા આવી જાય છે? વીકાસ થઈ જાય છે? જાપાન, અમેરીકા, યુરોપ વગેરે દેશોમાં એક પણ અવતાર થયો નથી; છતાં ત્યાં ઉત્તમ કક્ષાની નીતીમત્તા છે જ. અવતાર વીના આ બધા દેશો વધુ સમૃદ્ધ તથા નીતીમાન છે અને આપણે ત્યાં આટઆટલા અવતારો થયા છતાં અને પુજાપાઠ વગેરે કરવા છતાં દેશ દરીદ્ર અને કંગાળ કેમ છે? લાંચરુશ્વત અને અનૈતીકતાથી આપણે ખદબદી રહ્યા છીએ. સવાલ એ છે કે તો પછી આ અવતારોએ કર્યું શું? સ્વામીનારાયણ ભગવાન અક્ષરધામમાં ગયા તેને 191 વરસ નથી થયાં ત્યાં તેમના સમ્પ્રદાયના અનેક ટુકડાઓ કેમ થઈ ગયા? અવતારવાદની માન્યતા જ એક ભ્રાંતી ભરી છે. અવતારવાદથી ઈશ્વરનું સાચું સ્વરુપ ગુંચવાયું છે, અરે ખોવાઈ ગયું છે. લોકો જે ઈશ્વર નથી તેને ઈશ્વર સમજીને ઉપાસના કરે છે, વ્યર્થના દોડાદોડી કરે છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદમાં અવતારવાદ નથી. ઈશ, કેન, કઠ, મુંડક, માંડુક્ય, પ્રશ્ન, એતરેય, તૈત્તરીય, શ્વેતાશ્વર, છાંદોગ્ય અને બૃહદારણ્યક સહીતના અગીયાર ઉપનીષદોમાં અવતારવાદની કોઈ વાત નથી. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષીક, મીમાંસા તથા બ્રહ્મસુત્ર સહીતના પાંચ શાસ્ત્રોમાં અવતારવાદ ક્યાંય નથી!

જૈનો–બૌદ્ધોએ મહાવીર અને બુદ્ધની મુર્તીઓ સ્થાપીત કરી અને તેની પુજા શરુ કરી. તેઓની દેખાદેખીમાં બ્રાહ્મણોએ અવતારવાદને સ્થાપીત કર્યો. કુલ 18 પુરાણોમાં 24 અવતારો સ્થાપીત કર્યા! સવાલ એ છે કે આ 24 અવતારો સાચા ધર્મની સ્થાપના કેમ કરી શક્યા નહીં? રાક્ષસોને મારવા ઈશ્વરને અવતાર લેવો પડે? મોહીની, વામન, પરશુરામ એવા અવતારો છે કે જેમના કાર્યનું સમર્થન કરીએ તો ધર્મ તથા ન્યાયનું શું? કોઈ ઈશ્વર આકાશમાંથી ઉતરીને દુઃખીઓનું દુઃખ દુર કરવા તથા દુષ્ટોને મારવા આવે છે, એમ માનવું તે પાક્કી અન્ધવીશ્વાસ છે! બૌદ્ધ તથા જૈન વીચારધારાના વ્યાપક સ્વીકારથી બ્રાહ્મણ પંડીત–પુરોહીતોનો ધંધો પડી ભાંગ્યો હતો. તેથી બ્રાહ્મણ પંડીતોએ જનનાયક કૃષ્ણને અવતારના રુપમાં મહાભારતમાં ચીત્રીત કર્યા છે. અવતારવાદ ભારતીય મુળની ધારણા નથી. બાઈબલ તથા કુરાનમાં અવતારવાદી જેવી ધારણાઓ છે. બાઈબલ કહે છે કે ઈશુ ઈશ્વરના એકમાત્ર પુત્ર છે. કુરાન કહે છે કે મહંમદ ઈશ્વરના પૈગમ્બર–સંદેશાવાહક છે. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધે છે, દુષ્ટોનો દુષ્ટાચાર વધે છે ત્યારે ત્યારે ઈશ્વર મનુષ્યરુપે અવતાર ધારણ કરીને દુષ્ટોનો નાશ કરે છે; આ અન્ધશ્રદ્ધા છે. ઈશ્વર; રાવણ તથા કંસને સૌથી વધુ અત્યાચારી સમજીને તેને મારવા માટે તે પોતાનું સીંહાસન છોડી ધરતી પર આવી ગયો. તેમની દૃષ્ટીમાં ચંગીઝખાન, મહમુદ ગઝનવી, મુહમ્મદ ઘોરી, નાદીર શાહ વગેરે અત્યાચારી ન હતા? પ્રહલાદને બચાવવા માટે ઈશ્વરે થાંભલો ફાડી નાખ્યો અને નૃસીંહ રુપે પ્રગટ થયા; પરન્તુ અયોધ્યામાં રામમંદીર, કાશીનું શીવમંદીર, સોમનાથનું શીવમંદીર, મથુરાનું ગોપાલ મંદીર જ્યારે આક્રમણકારોએ તોડ્યું ત્યારે કોઈ ભગવાન કેમ દીવાલ તોડીને બહાર ન આવ્યો? ગુરુ ગોવીંદસીંહના બે દીકરાઓને જ્યારે એક મુસ્લીમ બાદશાહે દીવાલમાં જીવતા ચણાવી દીધા ત્યારે દીવાલ તોડીને ભગવાન કેમ બહાર ન આવ્યો? અવતારવાદની થીઅરી વાહીયાત છે! શું ભગવાન અત્યાચારીઓને ફક્ત મારી શકે છે; પણ તેમની બુદ્ધી સુધારી શકતો નથી? પેટ ભરવા તથા રાજવી વૈભવ માટે આપણા મઠાધીશો, કોર્પોરેટ કથાકારો, બાપુઓ, મહંતો, પુજારીઓ ધર્મનો હથીયાર તરીકે ઉપયોગ કરે છે. તેઓ કદી સમાજને સાચી દીશામાં લઈ જઈ શકે નહીં. ઈશ્વર અંગે અનેક અસ્પષ્ટતામાંથી અને અવતારવાદી અસ્પષ્ટતામાંથી જો હીન્દુઓ છુટે તો જ એમનો ઉદ્ધાર શક્ય બને! કૃષ્ણ જન્મજાત ઉંચ–નીચના વીરોધી હતા. તેઓ ચાર વર્ણની વ્યવસ્થા કરે ખરા? જો કૃષ્ણે ચાર વર્ણની વ્યવસ્થા કરી હોય તો આહીર, ભરવાડ, રબારી તથા ચારણ જેવી યાદવ આબાદીને શુદ્ર વર્ણમાં મુકે ખરા? પોતાને શુદ્ર વર્ગમાં મુકે ખરા?

જેઓની રોજીરોટી અને ભોગ–વીલાસના સાધનો મંદીર, મુર્તીપુજા, પુરાણો, અવતારો, કથા–સપ્તાહો, કર્મકાંડો અને તેના પર આધારીત ધર્મનો ધંધો છે તેઓ પાખંડ છોડવાના નથી. જે રીતે પોપ–પાદરીઓ મોક્ષપત્રીકાઓ વેચીને લોકોને સ્વર્ગમાં મોકલવાના નામે ધન પડાવતા હતા તે રીતે જ સ્વર્ગના નામે, મોક્ષના નામે, મુક્તીના નામે લોકોને લુંટીને પોતાની લંપટલીલાઓ કરતા કરતા કરોડો રુપીયાની આવકો ઉભી કરવાનો ખેલ ચારે બાજુ વ્યાપ્ત છે. આપણે આપણા ગામ, શહેર કે મેટ્રોપોલીટીન મહાનગરોનું વાતાવરણ જોઈશું તો ચોતરફ નાની–મોટી દેરીઓ, મંદીરો, ભજન–કીર્તન, કથાઓ, રથયાત્રાઓ, પારાયણો, પ્રવચનો, સત્સંગ, મંદીર નીર્માણ વગેરેનો માહોલ જામેલો દેખાશે જ. શું મંદીરોની કે મસ્જીદોની સંખ્યા વધે છે તેનો અર્થ એવો થઈ શકે કે ધર્મમાં શ્રદ્ધા વધી છે કે અન્ધશ્રદ્ધા દ્રઢ થઈ છે? હવે ધર્મ શીક્ષણના ક્ષેત્રમાં પણ પ્રવેશ્યો છે અને ધાર્મીક શીક્ષણ તરફ ઝોક વધવા લાગ્યો છે. ધર્મની રાજકારણ ઉપર મજબુત પકડ જામી ચુકી છે. ધર્માચાર્યો પણ રાજકીય માહોલમાં ખેંચાવા લાગ્યા છે અને દેશમાં કાયદાનું શાસન હોવા છતાં ધર્મની સામે કોઈ કાયદાનો ઉપયોગ કરતા ડરે છે. શું ધર્મ માનવીને કાયર બનાવી દે છે? ધર્મ એક ઉદ્યોગ બની ગયો છે પરન્તુ તેના પર ન કોઈ કરવેરા લાગે છે કે ન તેના માથે કોઈ સામાજીક જવાબદારી છે! આજે વીશ્વની સૌથી કદાવર લોકશાહી ધર્મના સકંજા નીચે ખોખલી બની ચુકી છે. ધર્મના નામે લીંચીંગ થાય છે. ગાંધીના હત્યારાને દેશભક્ત કહે છે! જે ધર્મ આત્માની ઉન્નતીનો માર્ગ છે, તેનો ઉપયોગ મતપેટી ભરવા માટે કરવામાં આવી રહ્યો છે!

કૃષ્ણ શા માટે ક્રાંતીકારી જનનાયક હતા?

ઋગ્વેદ મુળનીવાસી ભારતીયો તથા આક્રમણકારી આર્યો વચ્ચેના યુદ્ધોનો પ્રાચીન દસ્તાવેજ છે. ઋગ્વેદનો રચનાકાળ ઈ.સ. પુર્વે 1500 વર્ષ પહેલાનો ગણવામાં આવ્યો છે. વીદેશી આર્યોના ભારત પર આક્રમણ પછી ઋગ્વેદની શરુઆત થાય છે. ઋગ્વેદમાં તત્કાલીન મુળનીવાસી ભારતીયોને નાગ, દ્રવીડ, રાક્ષસ, અસુર, દાસ, દસ્યુ તથા અનાર્ય તરીકે દર્શાવેલ છે. ઋગ્વેદના સમયે મુળનીવાસી ભારતીયો પ્રકૃતીપુજક હતા. સનાતન શીવ–શક્તી ધર્મના ઉપાસક તથા માતૃપ્રધાન સંસ્કૃતી ધરાવતા હતા. તેમાંથી કેટલાકનું ધર્માંતર વૈદીક ધર્મમાં શરુ થયું હતું. વીદેશી આર્યોએ પોતાના માટે બ્રાહ્મણ ઓળખ તથા ધર્માંતર થયેલા મુળનીવાસી લોકો માટે ક્ષત્રીય તથા વૈશ્ય ઓળખ આપવી શરુ કરી હતી. તે સમયે મુળનીવાસી આબાદીના વૈદીક ધર્મમાં થઈ રહેલાં ધર્માંતરને અટકાવવાનું કામ કૃષ્ણએ કર્યું હતું. કૃષ્ણ સમાનતા, ન્યાય, સ્વતન્ત્રતા અને સનાતન શીવ–શક્તી ધર્મના પુરસ્કર્તા હતા. આર્યોના આક્રમણ સમયે મુળનીવાસી ભારતીયો જેમને અસુર, રાક્ષસ, દસ્યુ તથા અનાર્ય ગણવામાં આવેલ તેનો સર્વનાશ કરવાની પ્રાર્થના એટલે ઋગ્વેદ. ઋગ્વેદના આ શ્લોકો જુઓ– “અમારી ચારે તરફ દસ્યુ જાતી છે. તે યજ્ઞ નથી કરતી, કંઈ માનતી નથી. એ અન્ય વ્રતી અને અમાનુષ છે. હે શત્રુને હણનાર ઈંદ્ર, તું એમનો વધ કરવાવાળો છે, દાસને કાપી નાખો!” (10–22, 8) “હે ઈન્દ્ર, તેં પચાસ હજાર કાળા લોકોને માર્યા.” (4–16, 13) “હે ઈન્દ્ર તું બધા અનાર્યોને સમાપ્ત કર.” (1–113, 7) “તેં પૃથ્વીને દાસોની શૈયા બનાવી દીધી છે.” (1–174, 7) “રક્ષાવીહીન દુર્ગમ સ્થાનથી જવાવાળી વ્યક્તીને જેમ ચોર મારી નાખે છે એ રીતે જ ઈન્દ્રએ હજારોની સેનાનો વધ કર્યો છે.” (4–28, 3) “(ઈન્દ્ર કહે છે) મેં સોમરસથી મસ્ત બનીને શંબર (દાસરાજા)ના 99 નગરોનો એક જ કાળમાં નાશ કર્યો હતો.” (4–26, 3) “(ઈન્દ્ર કહે છે) મારા માટે ઈન્દ્રાણીના દ્વારા પ્રેરાયેલા યજ્ઞ કરનાર લોકો 15–20 સાંઢ કે બળદ પકાવે છે જેને ખાઈને હું મોટો થાઉં છું. મારા બન્ને પડખાઓ યજ્ઞ કરવાવાળા લોકો સોમ(રસ)થી ભરે છે.” (10–86, 14) મહાભારતના વનપર્વમાં કહ્યું છે કે “રાજા રંતીદેવની રસોઈ માટે બે હજાર પશુઓ કાપવામાં આવતા હતા. દરરોજ બે હજાર ગાયો કાપવામાં આવતી હતી! માંસસહીત અન્નનું દાન કરવાથી રાજા રંતીદેવની કીર્તી અતુલનીય થઈ ગઈ!” મહાભારતના અનુશાસન પર્વમાં કહ્યું છે કે “ગાયના માંસથી શ્રાદ્ધ કરવાથી પીતૃઓને એક વર્ષ સુધી તૃપ્તી થાય છે!” મહાકવી ભવભુતીએ લખ્યું છે કે વાલ્મીકીના આશ્રમમાં જ્યારે વશીષ્ઠ પહોંચ્યા તો તેનો સત્કાર બે વર્ષની વાછડીનું માંસ ખવડાવીને કરવામાં આવ્યો!

કૃષ્ણ યજ્ઞમાં ગાય, સાંઢ કે બળદનો બલી ચડાવવાના વીરોધી હતા, આર્ય બ્રાહ્મણોના કર્મકાંડના વીરોધી હતા, એટલા માટે તેમને ઈન્દ્ર સાથે યુદ્ધ થયું હતું. ગોમેધયજ્ઞમાં ગાયોનો બલી ચડાવવામાં આવતો હતો. ‘આપસ્તમ્બ ગૃહ્યસુત્ર’, ‘બૃહદારણ્યકોપનીષદ’, ‘શતપથ બ્રાહ્મણ’, ‘ઋગ્વેદ’ અને ‘યજુર્વેદ’ જેવા અનેક બ્રાહ્મણ ગ્રંથોમાં બ્રાહ્મણ ઋષીઓ માંસનો આહાર કરતા હતા તેનો ઉલ્લેખ છે. આર્યોની વૈદીક યજ્ઞ સંસ્કૃતીની હીંસા તથા શોષણ સામે કૃષ્ણનો સંઘર્ષ થયો, જેમાં કૃષ્ણે ઈન્દ્રને પરાજીત કર્યો હતો. પુરાણો ઈ.સ. ચોથી સદી પછી લખાયેલા છે; તેથી તેના આધારે ઈ.સ. પુર્વે 1500 વર્ષ પહેલા થઈ ગયેલા કૃષ્ણનું મુલ્યાંકન ન થઈ શકે. કૃષ્ણના સમયમાં 95% લોકોનો વ્યવસાય પશુપાલનનો હતો. વસ્ત્રો માટે ચામડાનો વ્યાપક ઉપયોગ થતો હતો. વીશાળ ભારત દેશમાં વન, ઉપવન તથા જંગલો સહીત પશુઓના ચરીયાણ માટે વીપુલ જમીનો હતી. અનેક નદીઓ હોવાથી મોટા ભાગની આબાદી નદી કીનારાઓના ભાગ પર વસેલી હતી. ગાયો, ભેંસો જેવા પશુઓના પાલન–પોષણથી દુધ, દહીં, માખણ તથા ઘીનો ખોરાકમાં વીપુલ પ્રમાણમાં ઉપયોગ થતો હતો. જંગલી પશુઓનો શીકાર કરીને માંસાહાર પણ થતો હતો. પશુઓને ખાવા–પીવા માટે પાણી તથા ચરવા માટે મેદાનો નદી કીનારાની નજીક હોવાથી યાદવોનો વસવાટ યમુનાના કીનારાઓ પર થયો હતો. ભારે વરસાદના કારણે જ્યારે યમુનામાં ભરપુર પુર આવતું ત્યારે કીનારાઓ પર વસેલા યાદવ પરીવારોના પશુઓ પુરમાં તણાઈ જતા, ક્યારેક ભારે પુરમાં સ્ત્રીઓ, વૃદ્ધો કે બાળકો પણ તણાઈ જતા હતા. આવી દુર્ઘટનાઓ બાબતે આર્યબ્રાહ્મણ ઋષીઓએ જુઠાણું ચલાવ્યું હતું કે ઈન્દ્ર મેઘનો રાજા છે. વરસાદ ભારે પડે કે ઓછો પડે તેનું નીયન્ત્રણ ઈન્દ્રના હાથમાં છે. ઈન્દ્રને રાજી કરવા માટે સોમરસ તથા યજ્ઞોમાં ગાયો સહીતના પશુઓનો બલી ચડાવીને તથા ઋષીઓને પશુઓ ભેટ આપવામાં આવે તો ઈન્દ્રના પ્રકોપથી બચી શકાય! ઈન્દ્રના કાલ્પનીક કોપથી બચવા યાદવો પણ ગોમેઘ યજ્ઞ કરાવવા લાગ્યા હતા. કૃષ્ણ તથા બલરામ સાંદીપની ઋષીના આશ્રમમાં ભણ્યા હતા. સાચું અને જીવન ઉપયોગી શીક્ષણ મેળવ્યું હતું. ચોમાસુ, શીયાળો તથા ઉનાળાના ઋતુચક્રની સમજ સાથે ખગોળશાસ્ત્ર અને પ્રકૃતીની સમજ મેળવી હતી. કૃષ્ણ અને બલરામ જ્યારે આશ્રમનો અભ્યાસ પુર્ણ કરીને પરત આવ્યા ત્યારે ઈન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞોનો તેમણે વીરોધ કર્યો. તેમણે કહ્યું કે ‘ઈન્દ્રમાં એવી કોઈ શક્તી નથી, જે વરસાદને વધારી શકે કે ઘટાડી શકે! યજ્ઞ પાખંડ છે. પશુઓની બલી ચડાવી બ્રાહ્મણ ઋષીઓ પોતાનું પેટ ભરે છે! છેતરપીંડી છે.’ આ મોટી ક્રાન્તી હતી. કૃષ્ણએ દર ચોમાસે કીનારો છોડીને ઉંચા વીસ્તારોમાં વસવાટ કરવાની પ્રણાલીકા ઉભી કરી! તેથી વરસાદ ગમે તેટલો પડે, તો પણ ઉંચા વીસ્તારોમાં વસવાટના કારણે દુર્ઘટના ઘટી. ચોમાસું પુર્ણ થતાં યાદવ પરીવારો ફરીથી પોતાના પશુધન સાથે યમુનાના કીનારાની નજીકના વીસ્તારોમાં વસવાટ શરુ કરી દેતા. આ રીતે કૃષ્ણએ યાદવોને નીર્ભય બનાવ્યા. ગોપાલકોનું શોષણ બંધ કરાવ્યું. ગાયોની હત્યા અટકાવી. કૃષ્ણ પછીના ભારતમાં જે વીકાસ થયો તેમાં કૃષ્ણના નેતૃત્વનું સૌથી મોટું યોગદાન રહેલું છે. કૃષ્ણ તથા બલરામના સમયમાં પશુપાલન જ આબાદીનો પ્રમુખ વ્યવસાય હતો. બલરામે હળની શોધ કરી. યજ્ઞોમાં પશુધનનો બલી ચડાવવાનો બંધ થતા સાંઢ તથા બળદોનો ઉપયોગ ખેતીમાં શરુ થયો. પશુપાલનની સાથે એક પુરક વ્યવસાય તરીકે ખેતીનો વીકાસ શરુ થયો, જેથી સમાજનો આર્થીક વીકાસ શક્ય બન્યો! શા માટે કૃષ્ણ મહાન છે? કૃષ્ણે સંકટગ્રસ્ત સમાજને સંકટમાંથી ઉગારીને નેતૃત્વ પ્રદાન કર્યું હતું. હમ્મેશાં સત્યની સાથે ઉભા રહ્યા, હમ્મેશાં ભોગ બનનારને મદદ કરી. ભાગવતપુરાણની સપ્તાહ એ કૃષ્ણનો દુષ્પ્રચાર છે! કૃષ્ણના ચરીત્ર સાથેનો ખીલવાડ છે. કૃષ્ણ મુળનીવાસીઓના પુર્વજ છે, જેઓ કૃષ્ણને પોતાના પુર્વજ માનતા હોય તેઓએ ભાગવત સપ્તાહ કે ભાગવત પુરાણથી દુર રહેવું જોઈએ. પોતાના રુપીયા ખર્ચીને ભાગવતપુરાણની કથા કરાવનારા કે આવી કથામાં હાજરી આપનારા કૃષ્ણનો દ્રોહ કરે છે! સવાલ એ છે કે બ્રાહ્મણવાદીઓએ અધર્મરુપી જેલમાં કૃષ્ણને પુરી રાખ્યા છે, તેને મુક્ત કરવાની જરુર નથી?

લેખક જયંતીભાઈ મનાણી [31 ડીસેમ્બર 1952 – 24 ઓગષ્ટ 2018]એ ‘ક્રાન્તીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ’ પુસ્તક લોકજાગૃતીના ઉમદા હેતુથી 2007માં લખ્યું હતું. તેમણે આધારભુત ગ્રંથોનો અભ્યાસ કરીને કૃષ્ણનું છુપું પરન્તુ સાચું ચરીત્ર ઉજાગર કર્યું છે. આ પુસ્તક અપ્રાપ્ય હતું, એટલે ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીંદ મારુએ આ પુસ્તકની ‘ઈ.બુક’ બનાવી, જયંતીભાઈના જન્મદીવસે પ્રગટ કરીને તેમને આદરાંજલી પાઠવી છે, સાથે ગુજરાતના લોકોની આંખ ખોલવાની મોટી સેવા કરી છે, જે બદલ તેઓ ધન્યવાદના ખરા અધીકારી છે. જયંતીભાઈ અને ગોવીંદભાઈની મહેનતથી લોકોની સમજ વીસ્તૃત બન્યા વીના નહીં રહે તેની ખાતરી છે.

‘ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ ઈ.બુક ડાઉનલોડ કરવા માટે લીન્ક :

https://govindmaru.files.wordpress.com/2021/12/e.book_55_jayantibhai_manani_krantikari_-mulnivasi_jananayk_krishna_2021-12-31.pdf

–રમેશ સવાણી

‘ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ ‘ઈ.બુકનો આવકાર’માંથી, લેખકના અને ઈ.બુક–પ્રકાશકના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, ન્યુજર્સી (અમેરીકા) સેલફોન : 99784 06070 ઈ.મેલ : rjsavani@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 31–12–2021

4 Comments

  1. શ્રી રમેશ સવાણી એ ક્રાંતીકારી મુળનીવાસી જનનાયક કૃષ્ણ ઈ.બુકમા પોતાના વિચારો દ્વારા જનનાયક કૃષ્ણ ને નામે થતા પાખંડ પર ધ્યાન દોરી જેથી પાખંડથી બચી શકાય. બીજાને બચાવી શકાય તે બદલ ધન્યવાદ ત્યારે બીજી તરફ કૃષ્ણ માટે આદર અને જનનાયક તરીકેનું સ્થાન તમામ વર્ગોમાં છે.તે અંગે સાચું શું છે? ખોટું શું છે? મંથન, ચીંતન અને મનન દ્વારા, તર્ક અને સત્ય પ્રમાણની એરણ પર ચકાસણી કરવાથી જ સત્ય ખબર પડે આ અંગે આધ્યાત્મિક ચિંતન મનન કરતા સંતો ખાસ કરીને જેઓ રેશનલ વિચાર ધરાવે છે જેવા કે સચ્ચિદાનંદજી જેવા પાસે
    તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા । ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનં જ્ઞાનિનસ્તત્ત્વદર્શિનઃ।।
    …આપને કૃષ્ણ અંગે જાણવા ગીતા અંગે વિચારો જાણીએ
    આલ્બર્ટ આઇન્સ્ટાઇન ‘મારી વૈજ્ઞાનિક શોધ તથા મારી થિયરીઓની રચનામાં પ્રેરણા અને માર્ગદર્શનના મુખ્ય સ્ત્રોત તરીકે મેં ગીતા ઉપરાંત સંસ્કૃત સાહિત્યને સામે રાખ્યાં હતાં.’-
    આપણા જાણીતા સાહિત્યકાર ગુણવંત શાહ ગીતા પ્રવચન-ગીતાનો સાર ફક્ત એક જ વાક્યમાં આપવાની હરીફાઇ જાહેર થાય તો ગાંધીજીનું એક વિધાન જરૂર પ્રથમ ક્રમે આવે. ‘અનસિકતયોગ’માં તેઓ લખે છે: ‘કર્મ છોડે તે પડે, કર્મ કરતો છતો કર્મનાં ફળ છોડે તે ચડે.’ ચાલીસ વર્ષ સુધી ગીતાના ઉપદેશ પ્રમાણે જીવ્યા પછી મહાત્માએ આવું ટૂંકું ગીતાભાષ્ય લખ્યું હતું. કેટલા ભાષ્યકારો આવો દાવો કરી શકશે? ગીતાનું શ્રેષ્ઠ ભાષ્ય કર્યું? જવાબ છે: ‘આચારભાષ્ય.’ આમ ગાંધીજી ગીતાના ઉત્તમ ભાષ્યકાર ગણાય.
    ગીતાના પાને પાને આત્માભાવની પ્રતિષ્ઠાપના થઇ છે. મારી ભીતર જે આત્મા વિરાજમાન છે, તે જ આત્મા સર્વ મનુષ્યોમાં અને પ્રાણીઓમાં વિરાજમાન છે, એવી સમજણ પ્રગટે પછી જ ઇર્ષ્યા, દ્વેષ, વેરભાવ, ક્રોધ, હિંસા અને મોહ ટળે તેવી વૃત્તિ સર્જાય છે. આવી વૃત્તિ જ્યારે સ્થાયીભાવ બને ત્યારે સદ્ભાવ પણ સહજ બને છે.જીવનમાં ત્રણ જગત વચ્ચે આંતરક્રિયા ચાલતી રહે છે. એક છે જ્ઞાનજગત, બીજું છે કર્મજગત અને ત્રીજું છે ભાવજગત. જ્ઞાનજગતના ઉત્તુંગ શિખર પર સ્થિતપ્રજ્ઞ બેઠો છે. કર્મજગતના શિખર પર કર્મળ્યોગી આરૂઢ થયો છે. ભાવજગતના શિખર પર ભક્ત વિરાજમાન છે. વૈદિક સાહિત્યમાં સ્થિતપ્રજ્ઞ, કર્મળ્યોગ અને ભક્ત જેવા ત્રણ શબ્દો ઝટ જોવા મળતા નથી. આવા તો અનેક મૌલિક શબ્દો ગીતામાં વાંચવા મળે છે.આ ત્રણે જગત કાલદેવતાના ખોળામાં રમતાં રહે છે. આખરે આ કાળ (સમય) શું છે? કૃષ્ણ કહે છે: કાલો’સ્મિ લોકક્ષપકૃત્પ્રવૃદ્ધો, અથૉત્ લોકોનો નાશ કરનારો વૃદ્ધિ પામેલો કાળ હું છું. માણસને જો સમયનું (કાળનું) મહત્વ એટલે કે મૃત્યુનું મહત્વ સમજાય તો સદ્ભાવ કેળવવા માટે પ્રયત્ન કરવો ન પડે. આ કાળ અનાદિ અને અનંત છે. અહીં એક નાનો ચકરાવો વિજ્ઞાનજગતમાં મારી લેવાનું અસ્થાને નહીં ગણાય
    હોકિંગ કહે છે: ‘એ સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે કે બ્રહ્નાંડના વિસ્તાર માટેની આ ઝડપ આ જ રાખવાનું નક્કી કોણે કર્યું! એનો જવાબ એક જ રીતે આપી શકાય કે એ કામ ભગવાનનું છે, જેણે આપણા જેવા જીવોનું નિર્માણ કરવાનું ધાર્યું હશે.’ (It would be very difficult to explain why the universe should have begun in just this way except as the act of God who intended to create beings like us).આપણે એવું તો નહીં કહી શકીએ કે કોઇ પ્રિન્ટિંગ પ્રેસમાં મોટો બોંબધડાકો થયો અને શબ્દકોશ રચાઇ ગયો! કોઇ રહસ્યમય સત્તા (સત્તા) આપણી સૃષ્ટિનું સંચાલન કરે છે એવા પવિત્ર વહેમને આસ્તિકતા કહેવામાં આવે છે. એવા વહેમથી મુક્ત એવી પવિત્ર અશ્રદ્ધાને નાસ્તિકતા કહેવામાં આવે છે. બંનેનું અભિવાદન છે. જ્યાં વિરાટ ધડાકા (બિગ બેન્ગ)નું ચિંતન હોય ત્યાં સદ્ભાવ સિવાય બીજું શું હોઇ શકે? આત્મા શાશ્વત છે અને અમત્ર્ય છે એવી સમજણ જ સદ્ભાવની આધારશિલા છે.
    જ્ઞાનનો મહિમા ગીતામાં થયો તે કેવો? કૃષ્ણ કહે છે: ‘આ જગતમાં જ્ઞાનથી અધિક પવિત્ર બીજું કશું નથી.’ ધૃતિ એટલે ધીરજ. છેલ્લી ઘડીએ અર્જુન પાણીમાં બેસી ગયો ત્યારે કૃષ્ણે જબરી ધીરજ રાખીને જે ઉપદેશ આપ્યો તેથી આપણને અઢાર અધ્યાયની ગીતા મળી! કૃષ્ણની જગ્યાએ કોઇ બીજો હોત તો રથ છોડીને ચાલવા માંડત! કૃષ્ણ પરમ ધૃતિમાન હતા.જેમ નદી સાગરમાં વિલીન થાય તેમ આપણે પરમ તત્વમાં વિલીન થવાનું છે. આવો શરણભાવ ગીતા અને કુરાનને જોડનારો છે. આપણી ભીતર પડેલી ચેતના અહંકારથી ઢંકાયેલી છે અને જે ભાગ ઢંકાયા વિનાનો છે તે ‘વિવેક’ છે. આવો વિવેક સદ્ભાવનું મૂળ છે અને એ મૂળનું પણ મૂળ (મૂલસ્ય મૂલમ્) આત્મા છે. સદ્ભાવ એટલે જ આત્મભાવ!
    આવા ચિંતન મનન અંગે પણ વિચારણા કરવી જોઇએ
    સુજ્ઞસ્ય કિં બહુના ?

    Liked by 3 people

  2. Namashkar,
    I am not sure how to reply to this Mind~Blowing Article. Thank you for bringing it to our attention, Jayantibhai and Govindbhai as always…
    Phew! Now I know why my Pitaji ( Father ) spoke so openly about the corruption in our Sanatan Dharma and he even warned us family to watch out for certain ‘culprits’ in the Society. My hats off to him! He had the Self~Realisation very early in his life and that’s why he refused to visit Temples, let alone allow to conduct any Pooja Havan etc at home. He wasn’t Nastic at all albeit read Gita every day and gave us the knowledge with a logical perspective.

    Krishna: The Hero, we all Love him for his acts in his life as well as the ‘Advice’ on the battlefield of the Kurukshetra in the form of the conversation with Arjun. Hang on! Isn’t Gita the Interpretation of Sanjay to Dhritrashtra? Third party by chance? Something to think about too. Simply because we have not heard Gita verses from Krishna’s mouth, have we?
    So Krishna is also admired for his miracles, applauded for his charm… don’t want to get deeper into this.
    We do believe that Krishna was different from others and he did bring about many reforms in the Society of that period. We have learnt a lot from His Life! He will be worshipped for a very long time!

    Well, many Scriptures have been ‘amended or extended’ by the then Authority: the Scholars or the Brahmins whoever they happen to be, for their own selfish advantage. Guess what? Greed for Money and Power.
    They have taken us, the honest and naive followers, for a ride over very many Centuries.
    Yes, there’s a lot of corruption going on even in this 21st Century everywhere. What can we do? Wait for ‘another Avatar’ to come and sort it out? Most People have lost the plot somewhat. The Temples have become Corporate Businesses. And Murti Pooja wasn’t there during the Vedic Period, it was smuggled in due to fear as mentioned above… Temples were the Source of Connecting to the Universal Power or for Super Charging the Inner~Self… which is lost nowadays except that we are told to sit quietly for a few minutes after praying in the Temple!

    This brings me well into the School of Thought of Advaita Vedanta and reminds me of what Adi Shankara was trying to do. At least there are some Records of his Works and his Philosophy.
    “Tat Tvam Asi / you are that. The universe and everything in it is a manifestation of universal, timeless, infinite consciousness. This is Brahman; existence, consciousness, bliss. This is the true nature of all sentient beings. Everything else is appearance or emergent properties. Compared to quantum physics, there is a field of energy which gives rise to space/time and matter, matter condenses into atoms which join into molecules, which form structures and organs, which form your body. Everyone and everything is formed out of the empty void and that is all anything truly is.”
    ….Adi Shankar

    Asangohum, Asangohum, Asangohum, Punah, Punah:

    Wish everyone a Very Happy New Year 2022
    Stay Safe
    Keep Well !

    Liked by 1 person

  3. ખુબ આભાર ગોવીન્દભાઈ આપનો, જયંતીભાઈ અને રમેશભાઈ સવાણીનો. આ બધી માહીતીથી હું બીલકુલ અજાણ હતો. હા, કેટલીક વાતો કૃષ્ણના નામે જેમ કે જ્ઞાતીપ્રથાનો હું વીરોધ કરીને કૃષ્ણે એમ કહ્યું ના હોય એમ કહેતો. પણ આ બધી વાતો મારા માટે નવી છે. ખુબ રસપુર્વક લેખ વાંચ્યો અને ઈ-બુક ડાઉનલોડ કરી લીધી છે. ફરીથી હાર્દીક આભાર ગોવીન્દભાઈ.

    Liked by 3 people

  4. સ્નેહીશ્રી ગોવિંદભાઇ, જયંતિભાઇ અને રમેશભાઇ, અને અભિવ્યક્તીના લેખકો અને વાચક ગણ,
    આપ સૌને મારા ફેમીલી તરફથી નવા વરસની હાર્દિક શુભેચ્છાઓ.
    ઇ.બુકના વાંચનની શરુઆત કરી અને સવાલો વાંચ્યા. જો કે અભિવ્યક્તી ઘર્મના વિષયે ચર્ચા નહિ કરે અવો નહિ લખેલો નિયમ પાળે છે. અેક સવાલનો જવાબ આપવાનું મન રોકી શક્યો નહિ. વર્ણાશ્રમ અંગેનો…
    જવાબ:
    શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે….

    શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઘ્યાય : ૪ : શ્લોક : ૧૩.

    ચાતુર્વણર્ય મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ:
    તસ્ય કર્તારમપિ માં વિદ્ઘયકર્તારમવ્યયમ્
    અર્થાત
    ગુણો તથા કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ..
    આ ઉપરાંત અઘ્યાય : ૯ : શ્લોક: ૩૨ વાંચવા જેવો છે. સાથે અઘ્યાય : ૧૮ : પણ કાંઇક માહિતિ આપશે.
    શુભેચ્છાઓ.
    અમૃત હઝારી.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s