નાસ્તીકતા : બુદ્ધીમત્તા અને માનવવાદનો પર્યાય

આ વીષય પરનાં કેટલાંક મંતવ્યો, વ્યાખ્યા, આક્રોશ, વેદના અને સૈદ્ધાંતીક વીશ્લેષણ પ્રસ્તુત છે…

નાસ્તીકતા : બુદ્ધીમત્તા
અને માનવવાદનો પર્યાય

–ભગવાનજી રૈયાણી

આપણે ત્યાં અધર્મનીષ્ટ વ્યક્તીઓને નાસ્તીક કે રૅશનાલીસ્ટ કહીને વખોડવામાં આવે છે અને આ વલણ સૈકાઓથી પ્રચલીત છે. સેંકડો હજારોમાં નહીં પણ લાખમાં એક માણસ નીરીશ્વરવાદી હોઈ શકે. પ્રાચીન સમયના બુદ્ધ, મહાવીર, બૃહસ્પતી, ચાર્વાક અને કપીલ ઋષી જેવા મહાન પુરુષોએ ઈશ્વરના અસ્તીત્વને નકાર્યો હતો. અર્વાચીન સમયના નામાંકીત રૅશનાલીસ્ટો કે માનવવાદીઓમાં એમ. એન. રોય, પેરીયર, બી. પ્રેમાનંદ, ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. દાભોલકર મુખ્ય પ્રવર્તકો છે. ગુજરાતમાં રમણ પાઠક રૅશનાલીસ્ટ પ્રવૃત્તીના ભીષ્મ પીતામહ ગણાય છે.

સૈદ્ધાંતીક વીશ્લેષણ કરતા પહેલાં આ વીષય પરનાં કેટલાંક મંતવ્યોને તપાસીએ :

જાગીને જોઉં તો’ પુસ્તકના સહલેખકો એન. વી. ચાવડા અને પુરુષોત્તમ મુંગરાએ લખ્યું છે : આસ્તીકો ઈશ્વરને માને છે; પરન્તુ ઈશ્વરથી ડરતા નથી. અત્યાચારીઓ અને બળાત્કારીઓ પણ ઈશ્વરમાં માનતા હોય છે; પરન્તુ ઈશ્વરથી ડરતા નથી.

નયા માર્ગ’ પખવાડીકના તંત્રી ઈન્દુકુમાર જાનીએ લખ્યું છે : અપ્રમાણીક માણસોના ધનથી કથાનો મેળાવડો યોજાય અને તેમાં પ્રામાણીકતાનો ઉપદેશ અપાય એવી કથાઓ માત્ર અને માત્ર કોમર્સ છે. કથાના આયોજન પાછળ જંગી ખર્ચ થાય છે તે કરચોરો, સંઘરાખોરો, અસામાજીક તત્ત્વો, બીજાની જમીન હડપ કરનારાઓ અને ધર્મજડસુઓ પાસેથી એકત્ર કરવામાં આવે છે. આમ કથાના પાયામાં જ આટલો ભ્રષ્ટાચાર હોય તે કથામાં અપાતા ઉપદેશોનું મુલ્ય કેટલું?

શહીદ ભગતસીંહની વેદના જોઈએ : આ ધર્મોએ હીન્દુસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનાયુયીના કટ્ટર દુશ્મન છે.

ગુજરાત યુનીવર્સીટીના લૉ ફેકલ્ટીના નીવૃત્ત અધ્યક્ષ પ્રો. અશ્વીન કારીયાએ વ્યાખ્યા કરી છે કે રૅશનાલીઝમને વીવેક–શક્તી (રીઝન) સાથે સમ્બન્ધ છે. વીવેક એટલે સત્ય–અસત્ય સારું કે ખરાબ પરખ કરવાની શક્તી.

ગુજરાતના પુર્વ ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ રમેશ સવાણી સાથે સહસંપાદીત કરેલી ઈન્દુકુમાર જાનીની પુસ્તીકા ‘આચારી સબ જગ મીલા’ની વ્યાખ્યા આમ અપાઈ છે. રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ. એ એક જીવનપદ્ધતી છે. જેણે અનેક વ્યક્તીઓનાં જીવનને ધર્મરુઢીનાં મીથ્યા બંધનો મર્યાદાઓમાંથી મુક્ત કરીને જીવનમુક્તીનો આનન્દ બક્ષ્યો છે. (‘મણી મારુ પ્રકાશન’ની આચારી સબ જગ મીલા ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.com/ebook/ )

આ લેખકનું પુસ્તક ‘ગાંધીને દેશવટો’માં એણે એનો આક્રોશ આમ ઠાલવ્યો છે : આ દંભી અને અન્યાયી દુનીયામાં અન્યાયો અને અનાચારોની ભરમાર ચાલે છે. આઠ–દસ વર્ષનાં છોકરા–છોકરીઓને સાધુ–સાધ્વીની દીક્ષા અપાય છે. અહીંસાના અનુયાયીઓ હજારો રેશમકીડાઓને મારીને વણાયેલ સુંવાળા સાડી–ધોતીયામાં મન્દીરે જાય છે.

રૅશનાલીઝમના આચાર, વીચાર, સ્વીકાર, પ્રચાર અને પ્રસાર માટે જીવન આપી દેનાર મહાશયોમાં ડૉ. દાભોલકર, પાનસારે, કલબુર્ગી અને ગૌરી લંકેશને યાદ કરવા પડે. ધાર્મીક કટ્ટરવાદીઓએ એમની હત્યાઓ કરી; પરન્તુ એમનો એક પણ ખુની હજી પકડાયો નથી. બોલો પોલીસ ખાતાની જે.

રૅશનાલીઝમ જેનું એક અંગ છે ‘હ્યુમેનીઝમ’ એટલે કે ‘માનવવાદ જે માત્ર ધર્મ–અધર્મ, જન્મ–પુનર્જન્મ, પાઠ–પુજા, ધર્મસ્થાનો, ધર્મના ઈજારદારો, પુજારીઓ, ભક્તો કે ઈશ્વર–નીરીશ્વરની જ વાતો નથી કરતો. એ વીશાળ અર્થમાં ફરજ, જવાબદારી, સત્ય, પ્રામાણીકતા અને બંધુત્વનો સમાવેશ કરે જ છે, સાથોસાથ જળ, જંગલ, વૃક્ષ, વનસ્પતી, પ્રાણી અને પર્યાવરણની રક્ષા કરવાનું પણ નીહીત કરે છે. ઈહલોક કે પરલોકની પંચાતમાં પડ્યા વીના માનવજાતની પ્રગતી અને સુખાકારીની વાત કરે છે. આધુનીક યુગના સૌથી મોટા પ્રવર્તક તરીકે આપણે એમ. એન. રોયને મુલવવા પડે. રશીયાનો સામ્યવાદ, નહેરુનો સમાજવાદ અને ગાંધીનો અહીંસાવાદ, આ બધાનો ગહન અભ્યાસ કરીને તેમ જ એમાં અનુભવો મેળવીને પણ અંતે એમણે માનવવાદનું પણ નવજીવન કર્યું. ‘રેડીકલ હ્યુમીનીઝમ’ એટલે કે ‘માનવવાદીની પ્રચલીત તરાહને મુળભુત રીતે બદલવાનો ઉપક્રમ’. એમણે શરુ કરેલું ‘રેડીકલ હ્યુમાનીસ્ટ’ નામનું માસીક આજે પણ નીયમીત છપાય છે જે આ લેખકને ત્યાં આવે છે. (એમ. એન. રોય લીખીત અને પ્રો. મહેન્દ્ર ચોટલીયા અનુવાદીત પુસ્તક ‘બીલાડીની આત્મકથા’ની ઈ.બુક અને ‘મણી મારુ પ્રકાશન’ની ઈ.બુક ડાઉનલોડ કરવા માટે સ્રોત : https://govindmaru.com/ebook/ )

ફરી પાછા રૅશનાલીઝમ પર આવીએ તો આપણા મોટાભાગના રાજ્યોમાં એના એસોસીયન્સ/સ્વૈચ્છી સંસ્થાઓ છે. 1997માં ‘ઈન્ડીયન રૅશનાલીસ્ટ એસોસીયેશન’ની સ્થાપના થઈ અને બી. પ્રેમનાથ એના પહેલા પ્રમુખ બન્યા. એ પહેલાં 1995માં કેરળમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી અને સોનાલ એડ્સમુરુખને એના પ્રમુખ બનાવ્યા હતા. એ પછી ઈ. સ. 2000માં ફરી એક વાર કેરળમાં બીજી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ મળી હતી. આપણું મુમ્બઈ–ગુજરાત રૅશનાલીસ્ટ એસોસીયેશન પણ ઈન્ડીયન ફેડરેશનનું સભ્ય છે.

કેરળમાં જન્મ અને ઉચ્ચ અભ્યાસ, તામીલનાડુમાં અધ્યાપન અને શેષ જીવન શ્રીલંકામાં ગાળીને ડૉ. કોવુરે રૅશનાલીઝમના પ્રચારમાં જીવન ખર્ચી નાખ્યું એમ કહીએ તો ચાલે. જાદુ અને હીપ્નોટીઝમનો આશરો લઈને તેઓ જંતરમંતર અને અન્ધશ્રદ્ધા અને વહેમોને સતત પડકારતા રહ્યા. લાખોના ઈનામોની જાહેરાતો કરીને જ્યોતીષીઓને આહ્વાન આપતા રહ્યા પણ એમનાં ઈનામો સ્વીકારવા કોઈ માઈનો લાલ આવ્યો નહીં.

ગુજરાતમાં વૈચારીક રૅશનાલીઝમ અને ભાંડાફોડ રૅશનાલીઝમ બન્ને સમાંતરે ચાલે છે. વૈચારીક એટલે એથીક્સ બેઝડ જેમાં સત્ય, પ્રામાણીકતા અને માનવલણી સીદ્ધાંતોને વરેલી પ્રવૃત્તી. સમજણપુર્વક લોકોને પરમ્પરાને અનુરુપ સદીઓ પુર્વે સ્થાપીત ધર્મની જડતામાંથી બહાર લાવીને સાચી દીશામાં વાળવાનું અભીયાન. અમદાવાદમાં ઈન્દ્રકુમાર જાની, પ્રો. જયંતી પટેલ અને રમેશ સવાણી, મહેમદાવાદમાં માનવવાદના નીષ્ણાત બીપીન શ્રોફ, રાજકોટમાં જયેન્દ્રસીંહ રાણા, પાલનપુરમાં પ્રો. અશ્વીન કારીયા, સુરતમાં બી. એ. પરીખ, સુર્યકાંત શાહ અને વલ્લભ ઈટાલીયા તેમ જ નવસારીમાં ‘મણી મારુ પ્રકાશન’ના નેજા હેઠળ લોકજાગૃતી માટે મફ્ત ‘ઈ.બુક્સ’ વહેંચનાર અને ‘અભીવ્યક્તી’ બ્લૉગના સર્જક ગોવીંદ મારુ જેવા તજજ્ઞો છે. જ્યારે સભી રોગો કી એક હી દવાની ડીંગ હાકતા બાબા–બાપુ અને જ્યોતીષીઓના જાદુટોણાં ચલાવતા કૌભાંડીઓને ખુલ્લા પાડતા રાજકોટના ‘વીજ્ઞાન જાથા’વાળા જયંત પંડ્યા, સુરતની ‘સત્યશોધક સભા’ના માધુભાઈ કાકડીયા અને સીદ્ધાર્થ દેગામી, અમદાવાદના એડવોકેટ પીયુષ જાદુગર અને લંકેશ ચક્રવર્તી, ગોધરાના ડૉ. સુજાવત વલી તેમ જ  ગાંધીનગરમાં પંકજ પટેલ અને ભાનુભાઈ પુરોહીત સક્રીય છે. મુમ્બઈમાં ખુશાલભાઈ ગાલીયા અને જમનભાઈ હડીયલ હમણાં બહુ સક્રીય નથી.

થેંકસ ટુ મહારાષ્ટ્રના ડૉ. શ્રીરામ લાગુ અને ડૉ. નરેન્દ્ર દાભોલકર જેવા મરજીવાઓ કે જેઓ સરકાર પર પ્રચંડ દબાણ લાવીને ‘ઈરીડીકશન ઑફ બ્લેક મેજીક, ઈવીલ એન્ડ અઘોરી પ્રેક્ટીસીસ એકટ, 2005’ લાવ્યા. આ ઉપરાંત કેન્દ્ર સરકારનો ‘ડ્રગ્ઝ એન્ડ મેજીક રેમેડીઝ (ઓબ્જેકશન એડવર્ટાઈઝમેન્ટ્સ) એક્ટ, 1954’ તો સમગ્ર દેશમાં લાગુ પડે છે. આ બન્ને કોગ્નીઝેબલ ઓફેન્સ લૉ ગણાય છે જેમાં ગુનેગારની ધરપકડ થયા બાદ કેસ ચાલે છે; પણ આવા કાયદાઓ અમલમાં આવવા કરતાં કાગળ પર જ રહેવાનું પસંદ કરે છે.

–ભગવાનજી રૈયાણી 

રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ’ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ’ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.

‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 11 એપ્રીલ, 2021ના રોજ પ્રગટ થયેલ આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભુમી પ્રવાસી’ના સૌજન્યથી સાભાર…

લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floor, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone: [O] (022) 2614 8872 eMail: fastjustice@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ,   ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 14–01–2022

4 Comments

 1. I liked this article. Humanity is the best religion in the world. We should help needy people irrespective of color, race and religion.

  Thanks
  Pradeep H. Desai
  USA

  Liked by 1 person

 2. આદીકાળથી અનેક સંતો અને સમાજસુધારક વિચારશ્રેણી વાળા રેશનલ કામ કરતા આવ્યા છે . સાંપ્રતસમયે પ્રો. અશ્વીન કારીયાએ વ્યાખ્યા કરી છે કે’ રૅશનાલીઝમને વીવેક–શક્તી (રીઝન) સાથે સમ્બન્ધ છે. વીવેક એટલે સત્ય–અસત્ય સારું કે ખરાબ પરખ કરવાની શક્તી.’અને ઈન્દુકુમાર જાનીની પુસ્તીકા ‘આચારી સબ જગ મીલા’ની વ્યાખ્યા આમ અપાઈ છે. રૅશનાલીઝમ એટલે વીવેકબુદ્ધીવાદ. એ એક જીવનપદ્ધતી છે. જેણે અનેક વ્યક્તીઓનાં જીવનને ધર્મરુઢીનાં મીથ્યા બંધનો મર્યાદાઓમાંથી મુક્ત કરીને જીવનમુક્તીનો આનન્દ બક્ષ્યો છે આવી પ્રેરણાદાયી વ્યાખ્યા પ્રમાણે જીવન સરળ અને સુખી રહે ત્યારે બીજી તરફ રેશનલને નામે ઇરેશનલ વાતો નો પ્રચાર ચાલે તે અંગે પણ ધ્યાન રાખી બચવુ રહ્યું
  બીજી તરફ દેશદ્રોહી,આતંગવાદી અને માઓવાદી આ વાતનો લાભ લઇ જે રીતે સંહારક પ્રવૂતિ કરે છે તે અંગે યોગ્ય દોરવણી આપવી રહે

  Liked by 1 person

 3. મિત્રો,
  મકરસક્રાન્તીની શુભેચ્છાઓ. સૂર્ય કહેવાય છે કે હવે દક્ષીણમાંથી ઉત્તર તરફ ગતિ કરે છે.
  દરેક માણસ, માણસ તરીકે જન્મે છે અને તેમાંથી કેટલાંક ‘ માનવ‘ બનવા માટે જીવન સાથે સંઘર્ષ કરે છે. માવી બનવું અને માનવતા વર્તવી અે બન્ને ‘ આદર્શ ‘ છે. તેને ૧૦૦ ટકા પામવું અશક્ય છે.
  માણસ બે પ્રકારના સ્વભાવ સાથે જ જન્મે છે. સારા અને નરસા. સારા સ્વભાવવાળા થવા માટે તેણે પ્રયત્નશીલ બનવું પડે તેજ રીતે નરસા બનવા માટે પણ.
  પોલીટીક્સ, સ્વાર્થ જેવા ફેક્ટરો તે પ્રયત્નોને કઇ દિશા આપે છે તે પરિણામ જોવા મળશે.
  પોલીટીક્સ માણસને બે મોઢાનો કે વઘુ મોઢાનો બનાવે છે. લુચ્ચાઇ, લફંગાઇ, પોલીટીશીયન, લુટેરા, વિ…વિ….બનાવે છે. લોકોને ઉલ્લુ પણ બનાવવાની તેમની આવડત હોય છે.
  સરસ વાત કહેવામાં આવી છે, આ વાક્યમાં….” The greatest challenge in life is discovering WHO YOU ARE ” that too with 100 % HONESTY. NOT CHEATING HIM or HERSELF.
  It is not possible to write AATMAKATHA…with honesty.. Manilal Nabhubhai Dvivedy had written his autobiography honestly. His autobiography was not published before GANDHIJI ‘s.
  સ્વાર્થ પણ ખોટા કર્મો કરવા માટે રસ્તા શોઘી આપે છે.
  પબ્લિકમા જુદા મોઢા વાળો, ઘરમાં જુદા અવતારવાળો ખોય છે. પોતાની જાતને ઓળખીને સમાજને તે રહસ્ય બતાવનારા કેટલાં ?
  ઘર્મ અને અઘર્મ દરેકના ઇન્ટરેસ્ટ ઉપર નભે છે.
  મીરઝા ગાલીબ કહે છે કે,
  ‘ જરુરત તોડ દેતી હૈ,
  ઇન્સાં કે ગરુર કો ગાલીબ,
  ન હોતી કોઇ મજબુરી,
  તો હર બંદા ખુદા હોતા.
  સાહિલ કહે છે કે,
  ઇન્સાન સે મિલના તુજે આયા નહિ હે ‘ સાહિલ ‘,
  ભગવાન સે મિલને કી આરઝૂ પે હંસી આતી હૈ.
  પોતાની જાતને નિસ્વાર્થ ભાવે ઓળખો અને તે પરિણામ મુજબ સમાજમાં વર્તો….તે જ માનવતા.
  શબ્દોની વ્યાખ્યા કરવાનું છોડો અને કર્તવ્ય…કર્મોયુક્ત બનો તે જ સમાજની જરુરત છે…પૂ. રવિશંકર મહારાજનો દાખલો બઘુ જ કહેશે.
  આભાર.
  અમૃત હઝારી.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s