ભુખ્યાઓને અન્ન પીરસનાર: અઝહર મસ્કુકી

માનવતાના નેક કાર્યો કરવા માટે અન્યને પ્રેરણા મળે તે માટે ભાઈશ્રી અઝહર મસ્કુકીની વાત પ્રસ્તુત છે…

ભુખ્યાઓને અન્ન પીરસનાર
અઝહર મસ્કુકી

–ફીરોઝ ખાન

માનવતાના નેક કાર્યો કરનારા ભારતમાં અને દુનીયામાં અનેક લોકો છે. માનવતાના કાર્યો અનેક પ્રકારે થાય છે. કયું કાર્ય સર્વોત્તમ ગણાય એ પ્રશ્નનો જવાબ શોધવામાં સમય ને મહેનત બરબાદ કરવાને બદલે આવા કાર્યો, આવી સેવા કરનારા વીશે બે શબ્દો લખવા જોઈએ. માનવતાના નેક કાર્યો કરવા માટે અન્યને પ્રેરણા મળે તેવા ઉમદા હેતુથી આવા કાર્યો/સેવાઓને બીરદાવવા લખવું જરુરી છે.

મુમ્બઈમાં પરેલ નામના વીસ્તારમાં કેન્સરની હૉસ્પીટલ છે. ભારતભરમાંથી લોકો ત્યાં ઈલાજ કરાવવા આવે છે. બીમારોની સાથે એમના નજીકના સગા પણ આવે છે. આમાંથી ઘણાંબધાં ગરીબ હોય છે. મુમ્બઈ જેવા શહેરમાં રહેવાની જગ્યા તો ક્યાં મળે એટલે મોટાભાગના હૉસ્પીટલની આસપાસ ફુટપાથો પર રાતદીવસ રહે છે. પરેલ ફલાયઓવરની નીચે તમે એમને જોઈ શકો છો. લગભગ ચાલીસ વર્ષોથી આવા ગરીબોને જમવાનું આપવાની અવીરતસેવા એક ભાઈ કરી રહ્યા છે. એમની વાત કોઈ બીજા સમયે કરીશ.

આજે વાત કરવી છે હૈદરાબાદના અઝહર મકસુસીની. અઝહર હૈદરાબાદમાં મફત અન્નસેવા આપી રહ્યા છે. ભુખ્યા લોકોને નાત, જાત કે ધર્મના ભેદભાવ વીના છેલ્લા દસ વર્ષોથી જમાડી રહ્યા છે. સવારમાં નાસ્તો અને બપોરનું ભોજન આપી રહ્યા છે. હૈદરાબાદમાં બે જગ્યાએ એ પોતે અને એમના સ્વયંસેવકો આ સેવા આપી રહ્યા છે. એમની આ ‘ફ્રી ફુડ’ સેવાથી પ્રેરીત થઈ હવે ઘણા લોકો રાયચુર, બેંગલુરુ, તંદુર (તેલંગાણા), આસામ, કટક, ઝારખંડમાં આ પ્રકારની સેવા આપી રહ્યા છે.

અઝહર વધુ ભણેલા નથી. પ્લાસ્ટર ઓફ પેરીસનું કામ કરે છે. કડીયા છે. એમની જોડે ફોન પર મારી વાત થઈ. એમણે મને ટેલીફોનીક ઈન્ટરવ્યુમાં જે વાત જણાવી એ આપ સહુ સમક્ષ સાદર કરું છું.

દસ વર્ષ પહેલાં અઝહર પોતાના સ્કુટર પર ટીફીન લઈ કામે જઈ રહ્યો હતો. રસ્તામાં એક રેલવે સ્ટેશન આવે છે. એમણે જોયું કે સ્ટેશનની બહાર એક ગરીબ વૃદ્ધા બેઠી હતી. અઝહર એની પાસે ગયો. વૃધ્ધાએ કહ્યું કે એ બે દીવસથી ભુખી છે. અઝહરે એક પળનો પણ વીચાર કર્યા વગર પોતાનું ટીફીન ખોલી એની સામે મુકી દીધું. વૃધ્ધાએ જમી લીધા બાદ અઝહરને ખુબ, ખુબ આશીર્વાદ આપ્યા. આ પ્રસંગમાંથી અઝહરને માનવસેવા કરવાની પ્રેરણા મળી અને બસ ત્યારથી એણે ‘ફ્રી ફુડ’ સેવાની શરુઆત કરી.

હૈદરાબાદમાં સાઈબાબાના મંદીર અને યુસુફેનની દરગાહથી એમણે આ સેવા શરુ કરી. શરુઆત પોતાના પૈસાથી કરી. મહીનાઓ સુધી સવારે ચાર વાગ્યાથી નાસ્તો બનાવી લગભગ છ વાગ્યે એ દરીદ્રનારાયણોની સેવા કરવા પહોંચી જતા. મહીનાઓ સુધી એકલા હાથે સેવા કર્યા બાદ અન્ય મીત્રો એમની સાથે જોડાયા.

ઉર્દુનો એક સુપ્રસીદ્ધ શેર છે :

મૈં અકેલા હી ચલા થા જાનીબે મંઝીલ મગર,
લોગ સાથ આતે ગયે, કારવાં બનતા ગયા.

અઝહરે પોતાના વીષે જણાવતા મને કહ્યું, “ભુખ શું છે એની મને ખબર છે. મેં અને મારા પરીવારે ભુખ જીવી છે. હું ચાર વરસનો હતો જયારે મારા પાપા ગુજરી ગયેલા. મારી ‘મા’એ ખુબ મહેનત મજુરી કરી ત્રણ ભાઈઓ અને એક બહેનને મોટા કર્યા. ઘણા દીવસો સુધી અમને ખાવાનું મળતું ના હતું. ફક્ત પાણી પી’ને દીવસો કાઢેલા.”

અઝહરના ‘ફ્રી ફુડ’ સેવાનો ખર્ચ એની ફેમીલી અને અમુક મીત્રો ઉઠાવી રહ્યા છે. એમનું કહેવું છે કે ભુખનો કોઈ ધર્મ નથી અને એટલે જ અમે કોઈ પણ જાતના ભેદભાવ વગર બધાની સેવા કરીએ છીએ. એ લોકોએ ‘સાની ફાઉન્ડેશન’ બનાવ્યું છે અને હવે આ સેવા ‘સાની ફાઉન્ડેશન’ના નજા હેઠળ સક્રીય છે.

અઝહરે જણાવ્યું કે એમની ઈચ્છા એમનો આ કાર્યક્રમ બીહાર, ઉત્તર પ્રદેશ અને કલકત્તામાં ચલાવવાની છે. ત્યાંથી અમુક લોકોએ એમનો સમ્પર્ક કર્યો છે. એમણે આગળ કહ્યું કે એમણે મીનીસ્ટર કે. ટી. રામરાઓની પરવાનગી માંગી છે જે મળતાં જ એ સરકારી હૉસ્પીટલોની બહાર ગરીબોને ફ્રી ફુડ આપશે.

તેઓએ એક બહુ જ સારી વાત કરી. એમણે કહ્યું કે હીન્દી ફીલ્મનું એક બહુ જુનું ગીત છે. કઈ ફીલ્મનું છે એ યાદ નથી પરંતુ એના બોલ બહુ સારી રીતે યાદ છે.

દીવાના આદમીકો બનાતી હૈ રોટીયાં,
ખુદ નાચતી હૈ ઔર નચાતી હૈ રોટીયાં.

જો ભુખ્યાને સમય પર ખાવાનું મળી જાય તો તો એ વ્યક્તી કોઈ પણ પ્રકારનો ગુનો કરવાથી દુર રહે છે. આજે જયારે ઘણીબધી સંસ્થાઓ નામ અને પબ્લીસીટી માટે કામ કરતી હોય છે ત્યારે અઝહર અને એની ફેમીલી તથા મીત્રો ચુપચાપ દરીદ્રનારાયણોની ભુખ સંતોષી રહ્યાં છે.

સલામ છે અઝહર મક્સુસીને.

–ફીરોઝ ખાન

કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 23 એપ્રીલ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 23 Duntroon Cres. Etobicoke,  ON. M9V 2A1, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 17–01–2022

10 Comments

  1. ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘ભુખ્યાઓને અન્ન પીરસનાર અઝહર મસ્કુકી’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

   Like

 1. શ્રી ફીરોઝ ખાન દ્વારા ભુખ્યાઓને અન્ન પીરસનાર મા અઝહર મસ્કુકી અંગે પ્રેરણાદાયી લેખ
  આપણી સંસ્કૃતિમા અન્નદાનનો મહીમા વર્ણવ્યો છે. આ દાનને માટે તો એવું કહ્યું છે કે અહીં કોઈ માણસ આપણે ઘેર આવ્યો હોય તે કહે, ‘કંઈક મને આપો, હું ભૂખ્યો છું.’ ત્યારે કહીએ, ‘બેસી જા, અહીં જમવા. હું તને મૂકું.’
  એ આહારદાન.
  આવા દાખલા લઇ ઘણા આહારદાનના ક્ષેત્રો નીકળે તેવી અભ્યર્થના

  Liked by 1 person

 2. ખુબ સુંદર સેવા. ભારતમાં આ પ્રકારનાં સેવાભાવી લોકો પણ છે એ જાણી ઘણો આનંદ થયો. આ પ્રકારની વાતોનો પ્રચાર થાય એ માટેના પ્રયાસોમાં ભાઈ ફીરોજ ખાન તથા ગોવીન્દભાઈ આપના કાર્યને ધન્યવાદ.

  Liked by 1 person

 3. મિત્રો,
  માણસ અને માનવ અે બે જુદા જુદા શરીરો છે…અેક જ વ્યક્તિના.
  માનવ અેટલે વૈષ્ણવજન….જેને નરસિહ મહેતાઅે તેમના ભજનમાં વર્ણવ્યો છે….તેને જીવદયાના પ્રતિનિઘિ પણ કહી શકાય….આ કર્મ અેટલે માનવતાભર્યુ કર્મ.
  વૈષ્ણવજન તો તેને કહીઅે, જે પીડ પરાઇ જાણે રે; પરદુ:ખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
  વૈષ્ણવજન કોઇ ઘર્મ કે મજહબનો જ હોય તેવું નથી…જે માનવ શ્રી અઝહર મસ્કુકી જેવા માનવતાના કર્મો કરે તે સર્વે વૈષ્ણવજન….
  ફિરોઝખાન સાહેબનો હાર્દિક આભાર કે તેઓ ટૂંકા લેખોમાં વિશ્વમાં થતા માનવતાના કાર્યોને આપણને ઓળખાવે છે.
  અઝહરભાઇને તેમના સર્વે કાર્યોમાં સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છાઓ.
  ગૌતમ બુઘ્ઘે કહેલું કે, ” Do everything you can to help others. If that is too difficult, at least do not harm others, know the truth as truth and untruth as untruth.”
  Thanks.
  Amrut Hazari.

  Liked by 1 person

 4. એક કહેવત ની પહેલી પંકતિ છે

  ભુખ ન જુએ જાત કજાત

  ભુખ શું છે તે વિષે એક વાક્ય ને માણો

  કોઈ ભુખ્યા ને પૂછશો કે બે ને બે કેટલા થાય તો તે જવાબ અપાશે ” ચાર રોટલીઓ ”

  એક જૂની અને નવી કહેવત નું મિશ્ન આ પ્રમાણે છે

  દુઃખ નું ઓષડ દહાડા, અને ભુખ નું ઓષડ પરાઠા

  સંત કબીર નો એક દુહો છે

  કહે કબીર કમલ કો, દો બાતે શીખ લે
  કર સહાબ કી બંદગી, ઔર ભુકે કો કુછ દે

  ઇસ્લામ ધર્મ અનુસાર કોઈ ભુખ્યા ને ખવડાવવું એ માનવતા ની મહાન સેવા ઉપરાંત મોટું પુણ્ય છે.

  Liked by 1 person

 5. મેં વાંચેલ સ્વામી વિવેકાનંદનું એક સુવાક્ય મને યાદ આવે છે, જે આ પ્રમાણે છે :-

  “જે ધર્મ ગરીબના તથા વિધવાના આંસુ લુછતો નથી કે ભુખ્યાના મોંમા રોટલાનો ટુકડો મુકતો નથી, એવા કોઈ ધર્મમાં હું માનતો નથી.” (સ્વામી વિવેકાનંદ)

  Liked by 1 person

 6. આપ સહુને લેખ પસંદ પડ્યો અને પ્રતિભાવ આપ્યા બદલ આપ સહુનો તથા ભાઈશ્રી ગોવિંદભાઈ મારુનો આભારી છું.
  ફિરોજ ખાન
  ટોરંટો, કેનેડા.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s