ભારતમાં સદાચાર, સમભાવ અને સાદી સમજનો દુકાળ કેમ છે?

આપણે ભારતીયો શક્તીસમ્પન્ન હોવા છતાં હજી કેમ પછાત છીએ તેની સમતોલ, સ્વસ્થ અને તર્કબદ્ધ વીશદ છણાવટ સાથે ગ્રહો વીશેની ભ્રામક માન્યતાઓ અને સમાજમાં દુષણો પેઠે ફેલાયેલા પુર્વગ્રહોની વીગતે ચર્ચા કરતી પુસ્તીકા ‘તમને અવકાશી ગ્રહો નહીં, પુર્વગ્રહો નડે છે’માં પ્રકાશીત થયેલ લેખીકાનો પ્રતભાવ.

ભારતમાં સદાચાર, સમભાવ અને
સાદી સમજનો દુકાળ કેમ છે?

–ડૉ. હીમાંશી શેલત

ભારતીય સમાજનાં અભીગમો અને વૃત્તીઓ સમજવાનું અને સમજાવવાનું કપરું છે, એથીયે વધુ મુશ્કેલ છે એના વર્તનની આંટીઘુટી સ્પષ્ટ કરવાનું. એક તરફ વૈજ્ઞાનીક વલણ વીકસાવવાની વાતો, અને એ દીશામાં સંશોધનો તથા પ્રયોગો, બીજી તરફ પુજાપાઠ અને સંતમહંતની કૃપા. આશીર્વાદની અતાર્કીક કથાઓ. ભવ્ય મન્દીરો, પુજન અર્ચન અને સત્સંગની બેહદ લોકપ્રીયતા, અને તોયે રોજના જીવનમાં સદાચાર અને પ્રામાણીકતા દુર્લભ. આવડો મોટો વીરોધાભાસ કેમ હોઈ શકે એવો સામાન્ય સવાલ પણ આપણને ભાગ્યે જ કનડે છે. ટુંકમાં સરેરાશ ભારતીયને તર્કયુક્ત અને પુર્વગ્રહમુક્ત જીવન જીવતા નથી આવડતું એમ કબુલ કરવું પડે.

માનવજાતને અવકાશી ગ્રહો નહીં પણ પોતાના પુર્વગ્રહો નડે છે. એ હકીકત સ્વીકારવામાં ખરેખર તો કોઈ અવઢવ ન હોય. પરંતુ જ્યારે ગ્રહોને આધારે જ શુભકાર્યો નક્કી થતાં હોય, અને ગ્રહોને આધારે જ સુખદુ:ખની ઘટમાળને સમજવાના પ્રયાસ થતા હોય ત્યારે શ્રી અશ્વીન કારીઆની પુસ્તીકા, ‘તમને અવકાશી ગ્રહો નહીં, પુર્વગ્રહો નડે છે’ પાયાની સમજનું ઘડતર કરી શકે એવી બની છે.

કર્મકાંડ પાછળ આપણો સમાજ કેટલાં નાણાં, શક્તી અને સમય વેડફે છે. એનો અંદાજ મેળવીએ તો સમજદાર વ્યક્તીને અપાર ગ્લાની થવાની. ગ્રહોની શાંતી માટે દસેદસ આંગળીએ વીંટી પહેરેલી, ગળામાં, નંગોની કંઠીઓ ધારણ કરેલી, બુદ્ધીમાનોની કક્ષામાં લેખાતી વ્યક્તીઓ આપણે જોઈ છે. ગ્રહોને શાંત કરવાના કે પ્રસન્ન કરવાના આવા ઉધામાં મનુષ્ય તરીકેની આપણી અત્યંત રંક દશા સુચવે છે. આવી નીર્બળ વૃત્તીઓ આપણા માનસીક વીકાસમાં અવરોધક છે, એ આપણને આવડ્યું નથી. બૌદ્ધીક પ્રખરતા અને વૈજ્ઞાનીક કે તાર્કીક માન્યતા ધરાવતી, રુઢીદાસત્વને પડકારતી અને માનવીય મુલ્યો માટે સંઘર્ષ કરતી વ્યક્તીઓને સમાજ હજી સહન કરી શકતો નથી. ડૉ. નરેન્દ્ર દાભોલકર, કલબુર્ગી કે ગૌરી લંકેશ જેવી સાહસીક અને પ્રામાણીક વ્યક્તીઓને એમના અભીગમ માટે મરવું પડે છે. સાહીત્ય અથવા અન્ય કવીઓ દ્વારા અન્ધશ્રદ્ધાઓ અને માનસીક ગુલામીને પડકારતી ફીલ્મો ‘ઓ માય ગૉડ’ કે ‘પી કે’ આ સત્યને ઉજાગર કરતી હોવા છતાં આમુલ પરીવર્તન માટે આપણા પ્રયાસો ઓછા જ પડે છે.

અહીં અશ્વીનભાઈએ અનેક દૃષ્ટાંતોની સહાયથી ગ્રહદશા અંગેની ભ્રામક માન્યતાઓ પડકારી છે. એમણે નોધ્યું છે તે મુજબ પ્રખર રૅશનાલીસ્ટ આબ્રાહમ કોવુરે શુભ મુહુર્ત અને કુંડળીઓ સામે મોટી જેહાદ ચલાવેલી. અંગત જીવનમાં નાના–મોટા કાર્યો એ ચાહીને અશુભ મુહુર્તોમાં કરતા. પ્રત્યેક ક્ષણને અને સમયને તાર્કીક દૃષ્ટીએ જોતા, એમાં કશુયે મંગળ અમંગળ હોતું નથી. આપણે ખુદ આપણને નડીએ છીએ, ગ્રહો તો ક્યાંયે વચ્ચે નડવા નવરા નથી હોતા, અને આ ટકોરાબંધ હકીકતને વાચક સામે સ્પષ્ટ રજુ કરવામાં લેખક સફળ થયા છે. આત્મ વીશ્વાસનો અભાવ, ખુદની કાર્યકુશળતાને કસોટીએ ચડાવવાની વૃત્તીનો અભાવ, ખુલ્લા મનથી વીવીધ પરીબળોનું આકલન કરવાની ઈચ્છાશક્તીનો અભાવ, આપણા સમાજને સતત પાછળ રાખે છે. ગ્રહોના શાંતી–પાઠ કરાવવા પાછળ કયો વૈજ્ઞાનીક અભીગમ છે એવા પ્રશ્નની છણાવટ આપણે ત્યાં આજે પણ લગ્ન કે ગૃહપ્રવેશ નીમીતે થતી નથી. પાકે પાયે અને પુર્ણ વીધીસર ગ્રહ શાંતી પુજા થઈ હોય તોયે લગ્નભંગ, ગૃહકલેશ અને ભયાનક અશાંતીવાળું કુટુંબજીવન ઠેર ઠેર જોવા મળશે. આ વાસ્તવીકતા જોવાની આપણી તૈયારી જ ક્યાં છે? એથી ઉલટું રંગેચંગે ગ્રહશાંતી પતાવીને ગ્રહોની કૃપાદૃષ્ટી આપણા પર થઈ ગઈ એવી આત્મ વંચનામાં સમાજ રાચે છે, અને ગ્રહશાંતી ન કરાવવાથી કશુંક અમંગળ સો ટકા થશે એવા ડરમાં થથરે છે! આ પ્રકારના વર્તનમાંથી અભણ કે ભણેલા, બુદ્ધીમાન કે અબુધ, ગરીબ કે તવંગર કોઈ બાકાત નથી. જે અપવાદ મળશે તે માત્ર એ મુઠીભર લોકો જે અંગત જીવનમાં તાર્કીક અને વૈજ્ઞાનીક અભીગમ અપનાવી શક્યા હોય અને માનવીય મુલ્યોની જેમણે ઉંડી સમજ કેળવી હોય.

ત્રણ વીભાગમાં વીભાજીત આ પુસ્તીકામાં આપણો સમાજ હજી કેમ પછાત છે તેની વીશદ છણાવટ સાથે ગ્રહો વીશેની ભ્રામક માન્યતાઓ, અને સમાજમાં દુષણો પેઠે ફેલાયેલા પુર્વગ્રહોની વીગતે ચર્ચા થઈ છે. પુર્વગ્રહોના પ્રભાવને કારણે જ આપણે માણસાઈ ગુમાવતા જઈએ છીએ, વ્યક્તીઓને જાત અને ધર્મના વાડાની બહાર જોઈ શકતા નથી, ભેદભાવમાં હત્યા કરતાં પણ અટકતાં નથી, અન્ય જાતનાં કે જુથનાં પ્રેમીઓએ કામદાનું રક્ષણ આપવું પડે છે. કારણ કે એમનો પરીવાર એમને મારી નાખતાં ખચકાતો નથી. આ અધઃપતન જોઈ શકતો, અને ચલાવી લેતો સમાજ કેવો ગણાય?

પુસ્તીકાની ચર્ચાઓ શુષ્ક અને કેવળ તાત્વીક ન રહેતાં વાસ્તવીક અનુભવ સાથે સંકળાયેલાં વીવીધ દૃષ્ટાંતોથી અને તજજ્ઞોના અભીપ્રાયોથી સભર અને રસપ્રદ બની છે. માનવ સમાજ લેખે આપણે ભારતીયો શક્તીસમ્પન્ન હોવા છતાં લક્ષ્ય ભેદવામાં કેમ લાંબો સમય લઈએ છીએ. અથવા તો કેમ પાછાં પડીએ છીએ એનું સમતોલ, સ્વસ્થ અને તર્કબદ્ધ વીશ્લેષણ આ પુસ્તીકા આપે છે. અન્ધશ્રદ્ધા નીર્મુલન, વૈજ્ઞાનીક અભીગમ, અને જાહેર હીતનાં અન્ય કાર્યો સાથે સક્રીયપણે સંલગ્ન એવા અશ્વીન કારીઆ જે મુલ્યોને અહીં રજુ કરે છે, તે સ્વસ્થ સમાજ માટે અનીવાર્ય છે. કમનસીબે ભૌતીક વીકાસને અને ધાર્મીક કાર્યોને આપણા જીવનમાં જેટલું પ્રાધાન્ય મળ્યું છે એનાથી અડધું પણ સામાજીક અને માનસીક ક્ષીતીજો વીસ્તારવાના પ્રયત્નોને નથી આપ્યું. સહુએ વીચારવાનું ઘટે કે ધાર્મીક કર્મકાંડ, ગ્રહો અને ગ્રહદશા, મન્દીર નીર્માણ અને સત્સંગ, કથાશ્રવણ અને જપતપ અનુષ્ઠાનથી ભર્યાભર્યા આ દેશમાં સદાચાર, સમભાવ અને સાદી સમજનો દુકાળ કેમ કાયમી ધોરણે રહે છે? આ સવાલ આપણને વ્યગ્ર કરી મુકે એવો છે. ગ્રહ શાંતી આપણને સાચી શાંતી અને સમાજ કલ્યાણની દીશામાં કેમ પ્રેરતી નથી? બંધુભાવ અને સમાનતાના આદર્શો કેમ વ્યવહારમાં દેખાતા નથી?

પ્રજાની વીચારશક્તી બચી હોય તો વર્તન અને આદર્શો વચ્ચેના અંતર અંગે વીચારવું જોઈએ પણ જો આપણે વીવેકબુદ્ધીને જ કાંડી ચાંપીને બેઠા હોઈશું તો ન તો આપણને ગ્રહોની વીંટીઓ કે દોરાધાગા બચાવી શકશે, કે ન તો પુજાપાઠ અને ધાર્મીક કર્મકાંડ. જનસમુહમાં વ્યાપક અન્ધશ્રદ્ધા અને માનુષ્યત્વને હાની પહોંચાડતાં લક્ષણો સતત વૃદ્ધી પામતાં અનુભવાય ત્યાં પ્રસ્તુત પુસ્તીકાના અંશોનું પઠન થાય, એ અંગે ચર્ચાઓ થાય, અભણ કે ભણેલા દ્વીધાગ્રસ્ત એવા તમામ તર્કગમ્ય અભીગમ કેળવવાનું શીખે તે આ પુસ્તીકાનો મોટામાં મોટો લાભ ગણાશે. વીચાર વીહીન દશામાં ઘસડાતા માનવપ્રવાહ યથાશક્તી હસ્તક્ષેપ કરીને અટકાવવો અને ઉચીત દીશાનું સુચન કરવું એને પણ દેશપ્રીતી અને સમાજ પ્રીતીનું મોટું ઉદાહરણ બની શકે.

આ રીતે પ્રસ્તુત પુસ્તીકા સમાજ પરીવર્તનની દીશામાં આવકારદાયક અંગુલી નીર્દેશ છે. દુઃખી રહેવાની હઠ પકડીને બેઠેલા સમાજને કલ્યાણ માર્ગનો મર્મ સમજાવવાનું બહુ સરળ તો નથી જ, પોતાની વર્તમાન સ્થીતી માટે સતત ગ્રહોનો જ દોષ દેખાતો હોય એવી પ્રજાને સત્કર્મો માટે પ્રેરવાની હોય ત્યારે વારંવાર ધર્મને આશ્રયે જ જવું પડે છે. શુધ્ધ માનવીય મુલ્યો માટે મથામણ કરવાની જ્યારે માનવ સમાજની તૈયારી હશે ત્યારે જ ‘મનુષ્ય ધર્મ’ની સ્થાપના થઈ શકશે. જ્યાં સુધી આવી મનોદશા નહીં કેળવાય ત્યાં સુધી પ્રયાસ કરવા રહ્યા, જે અશ્વીન કારીઆ અને એમના સાથીઓ કરી રહ્યા છે. ક્યાંક કોઈક એકાદ જણ, અથવા એકાદ જુથ, આ વીચારધારાનો પડઘો પાડી શકે તો એને પ્રસ્તુત પ્રયાસની સફળતા ગણાય.

–ડૉ. હીમાંશી શેલત

શ્રી અશ્વીન કારીઆની પુસ્તીકા ‘તમને અવકાશી ગ્રહો નહીં, પુર્વગ્રહો નડે છે’ (પ્રકાશક : શ્રી ગીરીશ સુંઢીયા, મહામન્ત્રી, બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, 69/2, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ વે, પાલનપુર – 385 001 સેલફોન : 942 666 3821)માં પ્રકાશીત થયેલો લેખીકા અને પ્રાધ્યાપીકા ડૉ. હીમાંશીબહેનનો ‘એક પ્રતીભાવ’, લેખીકાના અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખીકા સમ્પર્ક : ડૉ. હીમાંશી શેલત, ‘સખ્ય’ 18, મણીબાગ, અબ્રામા – 396 007 જીલ્લો : વલસાડ.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ. ઈ–મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 21/01/2022

4 Comments

    1. ‘માનવધર્મ’ બ્લૉગ પર ‘ભારતમાં સદાચાર, સમભાવ અને સાદી સમજનો દુકાળ કેમ છે?’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..

      Like

  1. –ડૉ. હીમાંશી શેલતનો ભારતમાં સદાચાર, સમભાવ અને સાદી સમજનો દુકાળ કેમ છે?
    સ રસ લેખ
    ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમા સદાચાર, સમભાવ અને સાદી સમજનો દુકાળ છે. તે અંગે ઘણા વિદ્વાનો સમજાવવા પ્રયત્નો કરે છે અને આને લીધે ફેરફાર થાય છે પણ તેની ગતી ધીમી છે.

    Liked by 1 person

  2. મિત્રો,
    ડો. હીમાંશીનો આ સવાલ ચર્ચાને ચોરે વરસો થી ચર્ચાઇ રહેલો છે.
    આ અેક ડીપરુટેડ, લગભગ ૫૦૦૦ વરસો જૂનો રોગ છે. જ આજે પણ મજબુત છે.
    લોકોની જીવન જીવવાની બદલાતી પરિસ્થિતિ તેને મજબુત બનાવવામાં મોટો ભાગ ભજવે છે.
    જ્ઞાની કે અજ્ઞાની બઘા જ તેના ફોલોઅર્સ છે. હિન્દુઓના ઘાર્મિક પુસ્તકો પણ
    જ્યોતિષ, પૂજાપાઠ, યજ્ઞ, વિ…વિ…નું સમર્થન કરે છે.
    આજ પ્રકારની સામાજીક લાઇફ બીજા દેશોમાં પણ છે…જુદા સ્વરુપે.
    ભારતમાં કેટલાઅે સમાજસુઘારકો આ રોગને નિવારવા કર્મશીલ બનીને જીવનની દોરી
    જીવીને ચાલી નીકળ્યા…
    ..હજી પણ…આ રોગ મજબુત છે અને જીવન જીવવાનો, દુષણોથી ભરેલો રસ્તો તે રોગના
    વઘુ શીકાર બની રહે છે.
    અમીર દેશોના લોકો અને ગરીબ દેશોના લોકો પણ આ રોગના શીકાર બની રહેલા છે.
    દરેક માણસ પોતે સમજીને આ રોગનું પોતાના જીવનમાંથી નિવારણ કરે તે જ ખરી મદદ બની
    રહે.
    આભાર.
    અમૃત હઝારી.
    Virus-free.http://www.avg.com

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s