તમે જ્યારે બેપાંચસાતને બોલતા બંધ કરો છો ત્યારે તમે પંડે પણ વંચીત નથી બનતા? એમનું બોલતા બંધ થવું એટલે બાકી સમાજ સમસ્ત પણ કશીક માહીતી ને કશાક પ્રકાશની સંભાવનાથી વંચીત નથી થતો? આખરે, લોકશાહીની વશેકાઈ શી વાતે છે?
તે કૈં બેપાંચ માણસની વાત નથી
– પ્રકાશ ન. શાહ
જયાં સુધી અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યનો સવાલ છે, પહેલો જ મુદ્દો હું તો એ કહું કે તે કોઈ બેપાંચસાત પાંચપંદર માણસ વાસ્તે બોલવાની મોકળાશ જોઈએ છે એવી સીધી સાદી સપાટી પરની વાત માત્ર નથી.
વાત એમ છે કે તમે જ્યારે બેપાંચસાતને બોલતા બંધ કરો છો ત્યારે તમને ખબર નથી પણ તમે પંડે પણ વંચીત બનો છો. એમનું બોલતા બંધ થવું એટલે બાકી સમાજ સમસ્તનું કશીક માહીતી ને કશાક પ્રકાશની સંભાવનાથી વંચીત થવું.
અમે બધાં, જેમને મીસાવાસ્યંનું મહદ્ સૌભાગ્ય મળ્યું, એ એક વાતે આ અગ્નીદીવ્ય પછી કદાચ વધુ સાફ થયા હોઈશું કે એક પા રોટી અને સુખાકારી તો બીજી પા અભીવ્યક્તીની ને એવી એવી આઝાદી, આવું દ્વંદ્વ બીલકુલ બરાબર નથી. રોટી નથી તે કહેવાની પણ મોકળાશ જોઈશે ને. મામલો ખરું જોતાં આઝાદ રોટીનો કે રોટીગર્ભા આઝાદીનો છે.
આખરે, લોકશાહીની વશેકાઈ શી વાતે છે વારુ? જનતાની સહભાગીતા એ આ શાસનશૈલીનો વીશેષ છે. આ સહભાગીતા, જાણકારી અને સક્રીયતાની જુગલબંદી વીના જામે નહીં એ દેખીતું છે.
બંધારણે જેમ અભીવ્યક્તીનું સ્વાતન્ત્ર્ય બક્ષ્યું છે તેમ એની મર્યાદા પણ કંઈક આંકેલી છે. તમે નદીને પેરેલલ સ્વીકારીને એને બે કાંઠા વચ્ચેની મોકળાશ ખસુસ કહી શકો.
પણ નદીનો જ દાખલો જરી લંબાવીએ તો ક્યારેક રેલ પણ આવે અને નદી બેઉ કાંઠે તેમ કાંઠા તોડી, પટ વળોટીનેય રેલાતી ચાલે એવું બને. વધારાનું પાણી સંઘરી શકતા બંધ આવે વખતે કામ આવે. કાંપને કારણે સંભવીત ફળદ્રુપતાનો કસ કાઢવાની કીસાનની પહેલ અને કોઠાસીઝ પણ આવે વખત ખપ આવે.
કાંઠા બહાર રેલાતી નદીનું આ ક્ષેત્ર, કાંપ નામે આ અવસરપડકાર, એ આપણાં સ્વાયત્ત મંડળો – સ્વૈચ્છીક નાગરીક ચળવળો અને મુક્ત માહીતીસંસ્થાનોની તેમ લોકશાહી રાજવટની ખરી કસોટી રુપ છે. સરકાર તરીકે સ્ટીમ રોલર ને બુલડોઝરની સરમુખત્યારી સુવીધા કે પ્રજા તરીકે પાંચ વરસે એક વાર મતદાન બાદ ભલાભાઈ ભોળાભાઈ લુગડાં સંકોરભાઈ મુદ્રા એમાં ન ચાલે. જેઓ પોતાને કાંઠામાં રાખી શકતા નથી તે કાંઠા બહારનીયે ખબર રાખી શકતા નથી, એમના એ નસીબ ક્યાંથી કે એમને કાંઠા વચ્ચેની મોકળાશ મળે.
– પ્રકાશ ન. શાહ
લેખક–સમ્પર્ક : પત્રકાર, નીબંધકાર, ચીંતક અને તંત્રી, નીરીક્ષક શ્રી પ્રકાશ ન. શાહ, ‘પ્રકાશ’ નવરંગપુરા પોસ્ટ ઑફીસ પાછળ, અમદાવાદ – 380 009 સેલફોન : 98799 19421 ઈ.મેલ : prakash.nirikshak@gmail.com
શ્રી રમેશ સવાણી સમ્પાદીત ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ પુસ્તીકા (સમ્પાદક–પ્રકાશક : 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ–મેલ : rjsavani@gmail.com )માંથી, લેખક, સમ્પાદક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ–મેલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24/01/2022
શ્રી પ્રકાશ ન. શાહએ -‘બંધારણે જેમ અભીવ્યક્તીનું સ્વાતન્ત્ર્ય બક્ષ્યું છે તેમ એની મર્યાદા પણ કંઈક આંકેલી છે. તમે નદીને પેરેલલ સ્વીકારીને એને બે કાંઠા વચ્ચેની મોકળાશ ખસુસ કહી શકો.’ સુંદર વાત
તરફ કાંઠા બહાર રેલાતી નદીના દાખલા સાથે સરળ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો.
આ અઘરું કામ છે પણ અશક્ય નથી. આવા આદર્શમા કોણ સાચું ? તે કોણ નક્કી કરે?
LikeLiked by 1 person
‘જેઓ પોતાને કાંઠામાં રાખી શકતા નથી તે કાંઠા બહારનીયે ખબર રાખી શકતા નથી, એમના એ નસીબ ક્યાંથી કે એમને કાંઠા વચ્ચેની મોકળાશ મળે.”
LikeLiked by 1 person
ગોવિંદભાઇ,
સરસ…
નદી…પોતાના બે કાંઠે વહે….સરસ…
જો બાઢ આવે તો બન્ને કાઠે ઓવર ફ્લો….કન્ટરોલ કરવા બે કાંઠે દિવાલ…..
કાયદાનો બે રીતે ઉપયોગ થાય…
સદુપયોગ અને દુરુપયોગ….
અમૃત હઝારી.
LikeLiked by 1 person